Home Blog Page 2987

ગીરમાં પાછા આવ્યા “ગ્રે હોર્નબીલ”

આમતો “ચિલોતરો” ઈન્ડિયન “ગ્રે હોર્નબીલ” એ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કયારેક અમદાવાદમાં પણ જોવા મળે છે. દેશના પણ ઘણા ભાગોમાં અને જંગલોમાં જોવા મળે પણ ગીરમાં છેલ્લા લગભગ 90 વર્ષ પહેલા ગીર અને આસપાસના વિસ્તારમાં “ચિલોતરો” ગ્રે હોર્નબીલ જોવા મળતુ હતું. જે બાદ તે ગીર કે આસપાસના વિસ્તારમાં જોવા મળતું નહતું. ગુજરાત વન વિભાગ દ્વારા ગત ઓક્ટોબર 2021 થી ફેબ્રુઆરી 2022માં 20 જેટલા પક્ષીઓને ફરી થી ગીરમાં વિહરવા છુટા મુકવામાં આવ્યા છે.

ગીરમાં સિંહ છે પણ તેની સાથે બહુ મોટી સંખ્યામાં પક્ષીઓ પણ છે જ. એમાં હવે “ચિલોતરો” ઈન્ડિયન ગ્રે હોર્નબીલનો ઉમેરો થયો છે. આશા રાખીએ કે ગીરમાં ઈન્ડિયન ગ્રે હોર્નબીલની સંખ્યા એ સારી એવી વધે અને કાયમી રીતે તેઓ ગીરમાં સ્થાઈ થઈને રહે.

ગૃહ મંત્રાલયે આપ્યો Oxfam સામે CBI તપાસનો આદેશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે FCRA કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ Oxfam India સામે CBI તપાસનો આદેશ આપ્યો છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ ઓક્સફેમ ઈન્ડિયાએ વિદેશી યોગદાનને વિવિધ સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું. આ નિયમ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકે છે. આ સુધારો સપ્ટેમ્બર 29, 2020 ના રોજ અમલમાં આવ્યો.

Oxfam એ FCRA જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે

ગૃહ મંત્રાલયે શોધી કાઢ્યું હતું કે ઓક્સફેમ ઇન્ડિયા ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) હેઠળ નોંધાયેલ હોવા છતાં વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાન મોકલવાનું ચાલુ રાખે છે. આ કાયદો આ રીતે પૈસા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘સર્વે’ દરમિયાન, ઘણા ઈ-મેઈલ મળી આવ્યા હતા જે દર્શાવે છે કે Oxfam India અન્ય FCRA-રજિસ્ટર્ડ સંસ્થાઓને ભંડોળ મોકલીને અથવા નફાકારક કન્સલ્ટન્સી માર્ગ દ્વારા FCRA ની જોગવાઈઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. કથિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સર્વેક્ષણે ઓક્સફેમ ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ અથવા સંસ્થાઓની વિદેશ નીતિના સંભવિત સાધન તરીકે ‘ઉજાગર’ કર્યું છે, જેમણે વર્ષોથી સંસ્થાને ઉદારતાથી ભંડોળ પૂરું પાડ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સામાજિક પ્રવૃત્તિઓ માટે નોંધાયેલ ઓક્સફેમ ઇન્ડિયાએ કથિત રીતે તેના સહયોગીઓ અને કર્મચારીઓ દ્વારા કમિશનના રૂપમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)ને ફંડ મોકલ્યું હતું. તેમણે કહ્યું કે આ તારણોને પગલે ગૃહ મંત્રાલયે Oxfam Indiaના કામકાજની CBI તપાસની ભલામણ કરી છે.

Oxfam સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવા માટે નોંધાયેલ

સમજાવો કે Oxfam India સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવા માટે નોંધાયેલ છે. Oxfam તેના ભાગીદારો/કર્મચારીઓ મારફત સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)ને કમિશનના રૂપમાં ફંડ મોકલે છે. આ Oxfam India ના TDS ડેટામાં પણ પ્રતિબિંબિત થાય છે જે નાણાકીય વર્ષ 2019-20 માં કલમ 194J હેઠળ CPRને રૂ. 12,71,188/- ની ચુકવણી દર્શાવે છે. Oxfam India ને લગભગ રૂ. 1.50 કરોડ જેટલો વિદેશી ફાળો મળ્યો, પરંતુ Oxfam India ને આ રકમ તેના FCRA ખાતાને બદલે સીધી જ તેના FC ઉપયોગ ખાતામાં મળી.

કેન વિલિયમસન ઇજા થવાથી વિશ્વ કપ 2023માંથી બહાર

નવી દિલ્હીઃ ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસન આ વર્ષના આખરમાં ભારતમાં થનારા વનડે વર્લ્ડ કપ બહાર થઈ ગયો છે. વિલિયમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હાલની સીઝન 2023માં ગુજરાત ટાઇટન્સ (GT) દ્વારા રમતાં ઇજાગ્રસ્ત થયો હતો.

વિલિયમસન ઇજાગ્રસ્ત થયા પછી ન્યુ ઝીલેન્ડ પરત ફર્યો હતો ને મંગળવારે સ્કેનથી પુષ્ટિ થઈ હતી કે તેને જમણા ઘૂંટણમાં ઓપરેશન કરાવવાનું છે. વિલિયમસન અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ તરફથી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સામે ફિલ્ડિંગ કરતાં સમયે ઇજાગ્રસ્ત થયો હતો.

ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના નિવેદન અનુસાર જમણેરી બેટ્સમેન આગામી ત્રણ સપ્તાહની અંદર ઓપરેશન કરવામાં આવશે. વિલિયમસને આ સમાચાર મળ્યા પછી ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ અને IPL ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે પાછલા દિવસોમાં મને બહુ સહયોગ મળ્યો હતો અને હું ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું. એ સ્વાભાવિક છે કે આ પ્રકારે ઇજા થવાથી હું નિરાશ છું, પણ મારું ધ્યાન સર્જરી અને એના પછી ફિટનેસ હાંસલ કરવા પર છે. તેણે કહ્યું હતું કે એમાં થોડો સમય લાગશે, પરંતુ હું જલદી મેદાનમાં ઊતરવા માટે દરેક સંભવ પ્રયાસ કરીશ.

આ પ્રકારની ઇજાંથી બહાર આવવા માટે અને ફિટનેસ હાંસલ કરવા માટે ઘણો સમય લાગી શકે છે, જેથી વિલિયમસનને ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વનડે વિશ્વકપ સુધી પૂરી રીતે ફિટ થવું અસંભવ છે. ગું આગામી કેટલાક મહિનામાં મુખ્ય કોચ ગેરી સ્ટીડ અને ટીમનો કેવી રીતે સહયોગ કરી શકું છું, એના પર ધ્યાન આપી રહ્યો છું, એમ તેણે કહ્યું હતું.

 

 

 

 

 

હનુમાનજી દુષ્ટોનો નાશ કરે અને ભાજપ ભ્રષ્ટાચારીઓનોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી આજે તેનો 43મો સ્થાપના દિવસ ઉજવે છે. આ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. એમણે એમની આગવી શૈલીમાં કરેલા ભાષણમાં રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે ભાજપની તુલના ભગવાન હનુમાનજી સાથે કરી હતી. એમણે કહ્યું, હનુમાનજી દુષ્ટ લોકોનો નાશ કરે છે અને ભાજપ ભ્રષ્ટાચારનો નાશ કરે છે. દેખીતી રીતે જ આમ બોલવા પાછળ મોદીનો ઈશારો વિરોધીઓને હતો.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ વિભાગો અત્યંત સક્રિય બની ગયા છે અને દેશભરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા છે. આમાં વિરોધપક્ષોના નેતાઓને ત્યાં સૌથી વધારે દરોડા પાડવામાં આવ્યા છે.

27 એપ્રિલે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ વિતરણ સમારોહઃ સલમાન બનશે હોસ્ટ

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવા ફિલ્મફેર એવોર્ડ્સની આગામી 68મી આવૃત્તિ માટેનો સમારોહ આવતી 27 એપ્રિલે અહીં બીકેસી વિસ્તારસ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજવામાં આવશે. વર્ષ 2022માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોનાં સર્વશ્રેષ્ઠ કલાકારો અને કસબીઓને એમની ઉત્કૃષ્ટ અદાકારી અને કામગીરી બદલ આ સમારોહમાં એવોર્ડથી નવાજવામાં આવશે.

68મા ફિલ્મ એવોર્ડ્સ-2023ને હ્યુન્દાઈ અને મહારાષ્ટ્ર ટુરિઝમનો સહયોગ પ્રાપ્ત થયો છે. એવોર્ડ્સ વિતરણની સાથે આ સમારોહ મનોરંજનથી પણ ભરપૂર હશે. સુપરસ્ટાર સલમાન ખાન પહેલી જ વાર આ એવોર્ડ્સ સમારોહમાં સંચાલક તરીકે ભૂમિકા ભજવશે. તેનો સહ-સંચાલક હશે મનીષ પૌલ. સ્ટેજ પર વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જ્હાન્વી કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ જેવા કલાકારો પરફોર્મ કરશે.

આ ગ્લેમરસ સમારોહ-એવોર્ડ્સ નાઈટનું 28 એપ્રિલે રાતે 9 વાગ્યે કલર્સ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે.

જાતિગત ભેદભાવ વિરુદ્ધ વિધેયકને લઈને ભારતીય-અમેરિકીઓએ રેલી કાઢી

વોશિંગ્ટનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં જાતિગત ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાને વાસ્તે એક વિધેયક રજૂ કરનાર ડેમોક્રેટિક પાર્ટીની સેનેટરની સામે ભારતીય-અમેરિકી સમુદાયના લોકોએ શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. સ્ટેટ સેનેટર આઇશા વહાબે 22 માર્ચે એ વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક પાસ થવા પર અમેરિકાના સૌથી મોટા વસતિ ધરાવતા કેલિફોર્નિયા જાતિ આધારિત પૂર્વાગ્રહને ખતમ કરવાવાળો દેશનું પહેલું રાજ્ય બની જશે.

વહાબ રાજ્યના સદનમાં ચૂંટાયેલી પહેલી મુસ્લિમ અને અફઘાનિસ્તાની અમેરિકી છે. કોલેશન ઓફ હિન્દુસ ઓફ નોર્થ અમેરિકા (COHNA)એ એક શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું, એમાં સામેલ થયેલા લોકોએ કહ્યું હતું કે સેનેટર વહાબ દ્વારા રજૂ કરવામાં આવેલા કાનૂન દરેક જાતિ, ધર્મ અને વંશના લોકો માટે સમાનતા અને ન્યાયના મૌલિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

ફ્રેમોટ શહેરના નિવાસી અને ટેક્નોલોજી ક્ષેત્રમાં કાર્યરત હર્ષ સિંહે કહ્યું હતું કે એ વિધેયક હિન્દુઓ અને એશિયન મૂળના લોકોની સામે પૂર્વાગ્રહ ઊભો કરે છે, જે નફરતને વધારવા અને તેમનાં બાળકોને નિશાન પર લાવશે. કાનૂનની વિરુદ્ધ પોસ્ટર અને બેનર પ્રદર્શિત કરતા દેખાવકારોએ કેલિફોર્નિયામાં સદનના સભ્યોથી અપીલ કરી હતી કે તેઓ હિન્દુઓને અલગ-થલગ ના કરે અથવા એ માની લે કે તેઓ પોતાના જન્મને કારણે દમનકારી કૃત્યોના દોષી છે. આ લોકોએ શાંતિપૂર્ણ પ્રકારથી સેનેટર બહાબની ઓફિસની સામે રેલી કાઢી અને કહ્યું હતું કે કાનૂન એસબી-403 કેલિફોર્નિયામાં જાતિને એક સંરક્ષિત શ્રેણીના રૂપમાં જોડવાનો પ્રસ્તાવ કરે છે. તેમણે કહ્યું હતું કે એ પ્રમાણિત અને પક્ષપાતી આંકડા પર આધારિત છે, જે દક્ષિણ એશિયન લોકોની સામે-સાથે જાપાની, આફ્રિકી તથા દક્ષિણ અમેરિકી સમુદાયોના અશ્વેત લોકોને લક્ષિત કરે છે.

 

 

કોંગ્રેસ છોડવાનું કારણ રાહુલ ગાંધી છેઃ ગુલામ નબી આઝાદ

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક ઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદની આત્મકથા બુધવારે લોન્ચ થઈ હતી. આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કોંગ્રેસ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર તેઓ ખૂબ વરસ્યા હતા. તેમણે પોતાના પાર્ટી છોડવા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.

કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી રહેલા ગુલામ નબી આઝાદે તેમના પુસ્તક આઝાદમાં વધુ એક વખત રાહુલ ગાંધી અને કોંગ્રેસની કાર્યપ્રણાલી પર નિશાન સાધ્યું છે. બીજી બાજુ, તેમણે મોદીની અનેક મુદ્દે પ્રશંસા કરી છે. તેમણે કોંગ્રેસ પર The Grand Old Party : Bloopers and Bombast નામથી લખેલા અધ્યાયમાં કોંગ્રેસના પતનને નિરાશાજનક જણાવ્યું છે અને ચિંતા જાહેર કરી છે કે એને અટકાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ નથી કરવામાં આવતા.

તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના સલાહકારી મેકેનિઝમને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવાને લઈને પાર્ટીને ચલાવનારા અનુભવહીન ચાપલૂસોની નવી ટીમવાળી પાર્ટીએ ભારત માટે જે યોગ્ય છે- એને લઈને લડવાની ઇચ્છા અને ક્ષમતા –બંને ગુમાવી દીધા છે.

આજે કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ કાર્યસમિતિના સભ્યો, સાંસદો અને પ્રદેશાધ્યક્ષોને પાર્ટી નેતૃત્વથી મળવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. હવે તો વગર એપોઇન્ટમેન્ટે મળવાની કલ્પના પણ નથી કરી શકતા.G20ની ટીકા કરનારા કેટલાક નેતાઓ પર આઝાદે લખ્યું હતું કે તથાકથિત નેતાઓના નિયમિત ટ્વીટ કરીને પાર્ટી સંગઠન ઊભું ના થઈ શકે. G23ની સામે બોલતા કોંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતાં આઝાદે પુસ્તકમાં લખ્યું હતું કે અમે લોકોએ સીડીને લાત નથી મારી, જેથી અમે ઉપર પહોંચ્યા હતા. બલકે અમારા જેવા લોકો કુડ સીડી હતા, જેના સહારે કેટલાક નેતાઓ ટોચે પહોંચ્યા અને એ લોકો શિખર પર પહોંચીને સીડીને ભૂલી ગયા હતા.

 

 

 

RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યાઃ મોંઘવારી દરમાં ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ગુરુવારે લોન બોરોઅર્સને મોટી રાહત આપી છે. RBIની ધિરાણ સમિતિ MPCએ સર્વસંમતિથી રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે રેપો રેટ 6.5 ટકાએ છે. સતત છ વાર રેપો રેટમાં વધારો કર્યા પછી RBIએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણ કર્યો છે. RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું હતું કે MPC આવનારી બેઠકોમાં જરૂરત પડશે તો આગામી પગલાં ભરવામાં સંકોચ નહીં કરે. તેમણે કહ્યું હતું કે MPCએ માત્ર આ બેઠકમાં રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

રેપો રેટમાં વધારો નહીં કરવાના નિર્ણયનો માર્કેટ પર સકારાત્મક અસર પડી છે. આ એલાન પહેલાં સેન્સેક્સ-નિફ્ટી ઘટ્યા હતા, પણ રેપો રેટ સ્થિર રાખવાના નિર્ણયથી એમાં શાનદાર તેજી આવી છે.RBIએ કહ્યું હતું કે MPCના છમાંથી પાંચ સભ્યોએ ઉદાર વલણ પરત લેવા માટે મત વ્યક્ત કર્યો હતો. RBIની ધિરાણ નીતિની સમિતિ MPCની મીટિંગ 3, 5 અને છ એપ્રિલે થઈ હતી.શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેન્કે અંદાજ માંડ્યો છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિદર 6.5 ટકા રહેવાની શક્યતા છે. RBIના અંદાજ અનુસાર 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર 7.8 ટકા, બીજા ત્રિમાસિકમાં 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6.1 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 5.9 ટકા રહેવાની શક્યતા છે.

મોંઘવારી ઘટવાનું અનુમાન

RBIએ ચાલુ નાણાં વર્ષમાં રિટેલ મોંઘવારી દરનો અંદાજ 5.3 ટકાથી ઘટીને 5.2 ટકા કર્યો છે. RBIએ નાણાકીય વર્ષમાં પહેલા ત્રિમાસિકમાં રિટેલ મોંઘવારીનો દર 5.1 ટકા, બીજા ત્રિમાસિકમાં 5.4 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

 

 

 

કોરાનાના 5335 નવા કેસો, 13નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 13 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,39,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,929 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,82,538 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2508 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 25,587એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.06 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,60,742 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,18,366 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1993 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

બધું છે છતાં કંઈ નથી?

અંગ્રેજી ભાષાના અદભુત જોડણીકોશ (ડિક્શનરી)ના રચયિતા, ઈન્ગ્લાન્ડના મહાન લેખક સેમ્યુઅલ જોન્સન એમના મનનીય સુવિચારો માટે પણ જાણીતા હતા. એ લખી ગયા કે “મૅન ઈઝ બૉર્ન ક્રાઈંગ, લિવ્સ કમ્પ્લેનિંગ ઍન્ડ ડાઈઝ ડિસઅપોઈન્ટેડ” અર્થાત્ માણસ રડતો રડતો જન્મે છે, જીવે ત્યાં સુધી સતત ફરિયાદો કરતો રહે છે અને સરિયામ નિરાશા સાથે એ આ દુનિયામાંથી વિદાય લે છે, મૃત્યુ પામવાની ક્ષણ સુધી એને સંતોષ નથી હોતો. મૃત્યુ સામે દેખાતું હોવા છતાં માણસ કંઈકેટલીય આશા, ફરિયાદ, લક્ષ્ય લઈને બેઠેલો હોય છે. અંતે આ બધું પોતાની સાથે લઈને મરે છે.

આની પાછળનું કારણ શું? માણસને જીવનમાં હરહંમેશ ફરિયાદ, અસંતોષ રહે છે આનું કારણ એ જ કે તે જીવનને સારી રીતે સમજી નથી શક્યો. જીવનને સમજી ન શકનારા માનવીની અંદર એક પ્રકારનાં અસંતોષ અને અસુખ રહે છે.

ધારો કે તમે ખૂબ કમાઈ લીધું છે, જીવનમાં જેને સુખ-સગવડ કહે છે એ બધાં મેળવી લીધાં, બૅન્કમાં કરોડો જમા છે, પણ આટલું બધું હોવા છતાં જો તમારી જાત શુદ્ધ નથી, તમારો આત્મા શુદ્ધ નથી, તમારા પારિવારિક સંબંધો સારા નથી, તમારી અંદર પ્રામાણિકતા નથી, તમારી ગમતી પ્રવૃત્તિને નાનામોટાં દાન કરતા નથી, ઈશ્વરમાં શ્રદ્ધા-ભક્તિ નથી… જો આ બધા મુદ્દા ચૂકી ગયા તો સમજી લેજો કે કરોડો કમાયા હોવા છતાં ખરા અર્થમાં તમે જીવન હારી ચૂક્યા છો.

(નેપોલિયન બોનાપાર્ટે)

1789ની ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ચાવી રૂપ ભૂમિકા ભજવીને ફ્રાન્સના પહેલા સમ્રાટ થનાર તથા માનવઈતિહાસના સૌથી બાહોશ મિલિટરી જનરલ તરીકે સ્થાન પામનારા નેપોલિયન બોનાપાર્ટે પોતાના અંત સમયે પોતાનું જીવનચરિત્ર લખ્યું, જેમાં એમણે નોંધ્યું કે હું ધારું તો આ ધરતી અને આકાશ વચ્ચેની તમામ ચીજવસ્તુ, તમામ સુખ-સગવડો અબી હાલ ખરીદી શકું. દુનિયાઆખીને મારા પગમાં નમાવી શકું. આટલો શક્તિમાન હોવા છતાં મેં મારા આખા આયખામાં છ દિવસ પણ સુખના જોયા નથી.

નવાઈ લાગેને હા, કેમ કે આપણે જેને સુખ માનીએ છીએ એવી સત્તાસંપત્તિ તો નેપોલિયન પાસે હતી જ, છતાં એ કયા ખાલીપાની વાત કરી રહ્યા છે? કયા સુખની વાત કરી રહ્યા છે? આ ખરેખર આપણે વિચારવાનું છે. આપણે જેની કલ્પના કરીએ કે જેના વિચારો કરીએ એના કરતાં પણ વધારે નેપોલિયન પાસે હતું, તેમ છતાં એ સુખી નહોતા. તો શું આપણું ધન આપણને સાચો આનંદ અને સાચું સુખ આપી શકશે?

1970ના દાયકામાં એલ્વિસ પ્રેસ્લી પોતાની કળાના આધારે માત્ર ૩૦ વર્ષની વયે અપાર સંપત્તિ, વૈભવમાં આળોટતો હતો. તે વખતે એટલે કે આજથી પાંચ દાયકા પહેલાંના સમયમાં પ્રાઈવેટ પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જનાર એલ્વિસ એકમાત્ર વ્યક્તિ. યુવાવયે આવી બાદશાહી જાહોજલાલી એલ્વિસ પ્રેસ્લીએ ભોગવી હતી. તેના વિશે એવું કહેવાતું કે જિસસ ક્રાઈસ્ટ બાદ તે એવી વ્યક્તિ હતી, જેને આટલી પ્રસિદ્ધિ મળી હતી.

(એલ્વિસ પ્રેસ્લી)

આવી લખલૂટ જાહોજલાલી અને સતત પ્રશંસકોથી, લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એલ્વિસ પ્રેસ્લીને એકલતા અનુભવતો. માત્ર ૩૩ વર્ષની ઉંમરે ૪૦ ઊંઘની ગોળી લઈને એણે આત્મહત્યા કરી હતી. લાખ્ખો યુએસ ડૉલર બૅન્કમાં પડ્યા હોય છતાં માણસ આપઘાત કરે? ત્યારે એ વિચારવાનું કે આપણે તો એના માટે જ દોડીએ છીએ, રાતદિવસ તેની પાછળ જ પાગલ થઈને તેને જ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

આવા તો એક નહીં કેટલાય લોકોના પ્રસંગ આપણને સાંભળવા મળશે. ટૂંકમાં આપણે ખરેખર એ સમજવાનું છે કે ભૌતિકવાદમાંથી બહાર આવીને ખરી શાંતિ અને ખરાં સુખને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જીવનને પ્રેમ કરતાં શીખવું જોઈએ. જો આપણે આટલું સમજી જઈશું તો મોટા ભાગના પ્રોબ્લેમના સોલ્યૂશન ઑટોમેટિક આવી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)