Home Blog Page 2951

આઇસી15 ઇન્ડેક્સ 710 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઓચિંતો જ ઘટાડો નોંધાયો હતો ને બિટકોઇન પણ 30,000 ડોલરની સપાટીએથી નીચો ઊતરી ગયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. અવાલાંશ, સોલાના, ચેઇનલિંક અને પોલકાડોટ એ મુખ્ય ઘટેલા કોઇન હતા, જેમાં 6થી 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

યુનાઇટેડ કિંગડમના નાણાપ્રધાને કહ્યું છે કે અર્થતંત્રને તથા ખાનગી ક્ષેત્રને બ્લોકચેઇન ટેક્નોલોજીનો લાભ મળે એ હેતુથી દેશમાં એક જ વર્ષની અંદર ક્રીપ્ટોકરન્સી સંબંધિત નિયમન લાગુ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલ્મેન્ટ્સે આંતરબેન્ક વ્યવહારો માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજીનું પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કરી લીધું છે. બીજી બાજુ, રશિયન સેન્ટ્રલ બેન્કે આંતરરાષ્ટ્રીય સેટલમેન્ટમાં ક્રીપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસવા કાયદાનો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.77 ટકા (710 પોઇન્ટ) ઘટીને 39,404 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,114 ખૂલીને 40,561ની ઉપલી અને 39,228 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

ઉર્વશી રાઉતેલા બોલીવુડની સૌથી સેક્સી હિરોઈનઃ રવિન્દ્ર જાડેજા

મુંબઈઃ ઉર્વશી રાઉતેલા બોલીવુડની ભલે કોઈ ટોચની હિરોઈન નથી, પણ અપાર સુંદરતાને કારણે લોકપ્રિય જરૂર છે. સોશિયલ મિડિયા પર એ ચર્ચાનો અવારનવાર વિષય બનતી હોય છે. ઘણા ક્રિકેટરો એના દિવાના છે, જેમ કે રિષભ પંત અને પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ. હવે આ યાદીમાં જામનગરી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ ઉમેરો થયો છે.

જાડેજા પણ ઉર્વશીની સુંદરતાથી પ્રભાવિત થયો  છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં જાડેજાએ ઉર્વશીનાં વખાણ કર્યા હતા. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું હતું કે બોલીવુડની કઈ અભિનેત્રીઓ તને સેક્સી લાગે છે? ત્યારે જાડેજાએ તરત જ કહ્યું, ઉર્વશી રાઉતેલા.

શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાન પર બંધ, સેન્સેક્સમાં 159 પોઇન્ટનો ઘટાડો

સ્થાનિક શેરબજાર સતત ત્રીજા દિવસે લાલ નિશાન પર બંધ થયું છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 159.21 પોઈન્ટ ઘટીને 59,567.80 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 41.40 પોઈન્ટ ઘટીને 17,618.75 પર બંધ થયો હતો. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 18 પૈસા ઘટીને 82.22 રૂપિયા પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન આઈટી અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. NSE નિફ્ટી IT ઇન્ડેક્સ 1.77 ટકા ઘટીને બંધ થયો હતો. એચસીએલ ટેક નિફ્ટીમાં 2.5 ટકા ઘટ્યો હતો અને તે ઇન્ડેક્સમાં ટોપ લોઝર હતો. બીજી તરફ, બીપીસીએલ શેરબજારમાં ટોપ ગેઇનર હતી. વૈશ્વિક બજારોમાં જોવા મળેલી નબળાઈને કારણે સ્થાનિક બજાર પણ તૂટ્યું હતું. યુ.એસ.માં મંદીની શક્યતાને લઈને રોકાણકારો ચિંતિત દેખાતા હતા.

આજે ફરી આઈટી સેક્ટરે બજારને નીચે લાવવામાં ભૂમિકા ભજવી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.77 ટકાના ઘટાડા સાથે 26,687 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય બેન્ક નિફ્ટી, એફએમસીજી, એનર્જી, સેક્ટરના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં થોડો વધારો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નીચે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધ્યા હતા અને 31 શેર ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 9 શેરો 21 ઘટીને બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના વેપારમાં, Divis Lab 2.20%, BPCL 2.15%, Bajaj Auto 1.34%, Axis Bank 1.16%, Mahindra & Mahindra 0.90%, Eicher Motors 0.80%, HDFC 0.77%, Bharti Airtel 0.64%, Bajaj Auto 1.34%, Bajaj 5% . સાથે જ્યારે એચસીએલ ટેક 2.36 ટકા, ઈન્ફોસીસ 2.16 ટકા, વિપ્રો 1.93 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ 1.93 ટકા, એનટીપીસી 1.76 ટકા, એશિયન પેઈન્ટ્સ આજના સત્રમાં 1.57 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: BJPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે કર્ણાટકમાં 10 મેની વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ છે, જેઓ રાજ્યમાં પ્રચાર કરશે.

પીએમ મોદીએ ચાર મહિનામાં આઠ વખત કર્ણાટકની મુલાકાત લીધી 

પીએમ મોદીએ ચાર મહિનામાં આઠ વખત કર્ણાટકની મુલાકાત લીધી છે, જે 2014માં વડાપ્રધાન બન્યા પછી એક વર્ષમાં સૌથી વધુ છે. વડાપ્રધાન મોદી ભાજપના સ્ટાર પ્રચારક છે. આગામી દિવસોમાં તેઓ ઘણી વધુ મુલાકાતો કરે તેવી અપેક્ષા છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાને 9 એપ્રિલે કર્ણાટકની તેમની પ્રથમ મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે ઓછામાં ઓછી 20 રેલીઓને સંબોધિત કરે તેવી શક્યતા છે. રાજ્ય એકમ આ માટે એક કાર્યક્રમ પર કામ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, 6 થી 8 મે દરમિયાન યોજાનાર ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં પીએમ રાજ્યના એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે કોંગ્રેસ અને જેડીએસના ગઢ છે.

પાર્ટીના મેનેજરોના જણાવ્યા અનુસાર, મોદી રાજ્યને જે છ પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા છે તે દરેકમાં ઓછામાં ઓછી ત્રણ રેલીઓ યોજવાની યોજના ધરાવે છે. તેમાંથી હૈદરાબાદ-કર્ણાટક વિસ્તારમાં જ્યાં લગભગ 40 વિધાનસભા બેઠકો છે, ત્યાં પીએમની વધુ રેલીઓ થઈ શકે છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રદેશના સૌથી ઊંચા નેતા છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 15 બેઠકો જીતી શક્યું હતું.

અગાઉના આંકડા શું કહે છે?

જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં પીએમ મોદી કુલ 32 વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે. આમાંથી લગભગ 25 ટકા મુલાકાતો ચૂંટણીના વર્ષોમાં થઈ છે. એક વર્ષમાં મોદીની કર્ણાટકની બીજી સૌથી વધુ મુલાકાત 2018માં હતી, જે ચૂંટણીનું વર્ષ પણ હતું. તે વર્ષે સાતમાંથી છ મુલાકાત ચૂંટણી પહેલા થઈ હતી. આમાંથી પાંચ મુલાકાતો બિન-સત્તાવાર હતી. આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ અથવા ભાજપના કાર્યક્રમોમાં ભાગ લેવા તેઓ રાજ્યની મુલાકાતે આવ્યા હતા.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ એપ્રિલ, ૨૦૨૩

ભારત, ચીન આગામી પાંચ વર્ષ વૈશ્વિક ગ્રોથની આગેવાની કરશેઃ IMF

જિનિવાઃ ભારત અને ચીન આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક GDP ગ્રોથની આગેવાની કરશે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નો હાલનો એક રિપોર્ટ કહે છે. IMFએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક દસ્તાવેજમાં બ્લુમબર્ગના હવાલેથી કહ્યું હતું કે વિશ્વના GDP ગ્રોથમાં આવનારાં વર્ષોમાં ચીનની ભાગીદારી 22.6 ટકા હશે, જ્યારે ભારતનો હિસ્સો 12.9 ટકા હશે. વૈશ્વિક GDPમાં અમેરિકાનું યોગદાન 11.3 ટકા હશે.

વૈશ્વિક ગ્રોથમાં ચીનનું યોગદાન અમેરિકા અને ભારતની તુલનામાં બહુ વધુ રહેવાની સંભાવના છે. ચીનનું એ યોગદાન અમેરિકાની તુલનામાં બે ગણું રહેવાની શક્યતા છે. ચીન, ભારત અને અમેરિકા પછી વૈશ્વિક GDPના ગ્રોથમાં સૌથી મોટું યોગદાન ઇન્ડોનેશિયા, જર્મની, તુર્કી અને જાપાનનું રહેશે. વૈશ્વિક GDPમાં આ દેશોનું પ્રત્યેકનું યોગદાન 3.5 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

વૈશ્વિક GDPમાં આશરે 75 ટકા યોગદાન માત્ર 15 દેશોનું હશે, જ્યારે 50 ટકા યોગદાન ચીન, ભારત, અમેરિકા અને ઇન્ડોનેશિયાનું હશે. વર્ષ 2022માં વૈશ્વિક GDP ગ્રોથ 3.4 ટકા રહ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે એ 2.8 ટકા રહેવાની સંભાવના છે. જોકે વર્ષ 2024માં વૈશ્વિક GDP ગ્રોથ ત્રણ ટકા રહેવાની શક્યતા છે.

વર્ષ 2023માં વિશ્વના વિકસિત દેશોનો GDP ગ્રોથ ઘટીને 1.3 ટકાએ આવવાનો અંદાજ છે, જ્યારે એનો ગ્રોથ રેટ 2.7 ટકા હતો. રિપોર્ટ કહે છે કે 2023માં વૈશ્વિક મોંઘવારી દર 8.7 ટકાથી ઘટીને સાત ટકાએ આવવાની સંભાવના છે. IMFનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં ઊંચા વ્યાજદરવાળા માહોલમાં વૈશ્વિક ગ્રોથ આશરે ત્રણ ટકા રહેવાની શક્યતા છે. આ એજન્સી દ્વારા ત્રણ દાયકાઓમાં કરવામાં આવેલા સૌથી નબળા ગ્રોથનું આયોજન છે.

 

 

 

 

 

ચીનને પાછળ રાખી દઈ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો ભારત

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ ભારત નંબર-1 દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના પોપ્યૂલેશન અહેવાલ અનુસાર, ભારતની વસ્તીનો આંક હવે 142.86 કરોડ (એક અબજ, 42 કરોડ, 86 લાખ) થઈ ગયો છે. આ મામલે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. ચીન 142.57 કરોડ આંક સાથે બીજા નંબરે છે.

ભારતની કુલ વસ્તીમાં, 25 ટકા હિસ્સો 0-14 વર્ષનાં વયજૂથનો છે. 18 ટકા હિસ્સો 10-19 વર્ષના વયજૂથનો છે. 26 ટકા હિસ્સો 10-24 વર્ષના વયજૂથનો, 68 ટકા હિસ્સો 15-64 વર્ષનાં વયજૂથનો અને સાત ટકા હિસ્સો 65 વર્ષથી વધુની વયનાં લોકોનો છે.

ભારતની વસ્તી છેલ્લા ત્રણ દાયકાથી સતત વધી રહી છે. કેરળ અને પંજાબ રાજ્યોમાં મોટી ઉંમરના લોકો વધારે છે જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવાન લોકોની વસ્તી વધારે છે.

IITGNના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. 70 લાખનું દાન આપ્યું

ગાંધીનગર: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ના લગભગ 55 ટકા યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-2023માં સંસ્થામાં લગભગ રૂ. 70 લાખનું યોગદાન આપ્યું છે. ગયા નાણાકીય વર્ષ 2021-22માં 50 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. 47.50 લાખનું યોગદાન આપ્યું હતું. આ સાથે સંસ્થાએ સતત ચોથા વર્ષે 50 ટકાથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી દાતાઓની સિદ્ધિ હાંસલ કરી છે.

IITGNના 3140 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 1723 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં સંસ્થાને સામૂહિક રીતે રૂ. 69 લાખથી વધુનું દાન આપ્યું હતું, જેથી હાલના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધનની નોંધપાત્ર તકો, અને વાઇબ્રન્ટ કેમ્પસ લાઇફ પ્રદાન કરવાનું ચાલુ રાખી શકાય. તેમણે તેમની મનપસંદ કેમ્પસ પ્રવૃત્તિઓ અને પહેલો- જેમ કે રમતગમત, સાંસ્કૃતિક અને તક્નિકી ઉત્સવો, Art at IITGN, સમુદાય કલ્યાણ કાર્યક્રમો વગેરે માટે પણ દાન આપ્યું છે.

આ વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ યોગદાન વધીને રૂ. 4000 થયું છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 3388 હતું. વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સરેરાશ દાન તો તેનાથી પણ વધારે, એટલે કે રૂ. 6812 છે. 2022માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાંથી આશ્ચર્યજનક 81 ટકા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નાણાકીય વર્ષ 2022-23માં IITGNમાં યોગદાન આપ્યું છે.

IITGN-2020માં BTech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્નાતક કરનાર અને પરડ્યુ યુનિવર્સિટી, USAમાં પીએચડી સ્કોલર કૃતિકા ભગતાનીએ જણાવ્યું હતું કે ફ્લેક્સિબલ શૈક્ષણિક વાતાવરણે મને શીખવાની અને એક્સ્પ્લોર કરવાની સ્વતંત્રતા આપી. તેણે મારી કારકિર્દી અને વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તાજેતરના વર્ષોમાં IIT ગાંધીનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી મળતા દાનમાં ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 36 લાખથી લઈને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 69 લાખ સુધી પહોંચીને છેલ્લાં ત્રણ વર્ષમાં તે લગભગ બમણું થઈ ગયું છે. વાસ્તવમાં, IIT-ગાંધીનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપવામાં આવેલી 23 શિષ્યવૃત્તિઓમાંથી લગભગ અડધી શિષ્યવૃત્તિઓ છેલ્લાં બે નાણાકીય વર્ષોમાં સ્થાપિત કરવામાં આવી છે.

જસુભાઈ મેમોરિયલ ચેર પ્રોફેસર અને પ્રોફેસર-ઈન-ચાર્જ, એલ્યુમની રિલેશન્સ, IITGNના પ્રો. જેસન એ. મંજલી એ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક કોઈપણ શૈક્ષણિક સંસ્થા માટે સપોર્ટનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અમારા યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આવો સ્નેહ હ્રદયસ્પર્શી છે. IIT ગાંધીનગર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને તેમની સતત ભાગીદારી અને સપોર્ટને પ્રોત્સાહિત કરે છે.

 

 

 

 

 

 

 

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનાં 16 બેટ, ગ્લોવ્સ, પેડ, બૂટની ચોરી

બેંગલુરુઃ આઈપીએલ-2023માં સૌથી ખરાબ દેખાવ દિલ્હી કેપિટલ્સ ટીમનો રહ્યો છે. પોઈન્ટ્સ ટેબલમાં આ ટીમ અત્યાર સુધીમાં તેની પાંચેય મેચ હારીને 10મા ક્રમે, તળિયાના સ્થાને છે. એમાં તેના વિશે એક વધુ આંચકાજનક સમાચાર આવ્યા છે. તેના ખેલાડીઓના 16 બેટની ચોરી થઈ ગઈ છે. તે ઉપરાંત એમના પેડ, બૂટ, ગ્લોવ્સ પણ ગાયબ થઈ ગયા છે. વિદેશી ખેલાડીઓના બેટ પણ ચોરાઈ ગયા છે. પ્રત્યેક બેટની કિંમત આશરે એક લાખ રૂપિયા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અખબારી અહેવાલ મુજબ, ગઈ 15 એપ્રિલે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધની મેચ પૂરા થયા બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે એમની કિટ બેગ્સ પછી આવી હતી, પણ એ જોઈને ખેલાડીઓને આંચકો લાગ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરના 3 બેટ, મિચેલ માર્શના બે બેટ, ફિલ સોલ્ટના 3 અને યશ ધુલના પાંચ બેટ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. તે ઉપરાંત કેટલાક ખેલાડીઓના પેડ, કેટલાકના ગ્લોવ્સ, કેટલાકના શૂઝ જેવી અન્ય ચીજો પણ પહોંચી નહોતી. દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઈઝીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હેરિટેજ અમદાવાદના ભવ્ય વારસાનાં ઘણાં જાણ્યાં, અજાણ્યાં સ્થળો, જાણો..

અમદાવાદઃ શહેર હેરિટેજ સિટી જાહેર થયા પછી ઘણા કાર્યક્રમો થયા. શહેરમાં ઠેર-ઠેર ઉત્સવની જેમ ઉજવણીઓ થઈ, પરંતુ અમદાવાદની ઘણી હેરિટેજ ઇમારતોની દુર્દશાની કોઈને દરકાર નથી. જ્યારે ઘણી જાજરમાન ઉત્કૃષ્ટ ઇમારતો વિશે આસપાસ થોડે દૂર રહેતા લોકો પણ એકદમ અજાણ છે.  ઐતિહાસિક ઇમારતોના સૌદર્યથી સજેલા  હેરિટેજને અમદાવાદીઓ નિહાળે, કલાની કદર કરે અને પ્રવાસનમાં વધારો થાય તો મહેનત સફળ થાય.

(માતા ભવાનીની વાવ)

 અમદાવાદનાં બેનમૂન સ્થાપત્યો 

શહેરમાં હરવાફરવાની-ઐતિહાસક ઇમારતો અને જોવલાયક સ્થળોની વાત આવે એટલે હરીફરીને સીદી સૈયદની જાળી, જુમ્મા મસ્જિદ, ત્રણ દરવાજા અને ઝૂલતા મિનારા જેવાં કેટલાંક સ્થળનાં નામ લોકો બોલી જાય. અમદાવાદમાં  કેટલાંક એવા સ્થળો પણ છે જ્યાં જઈ શકાય છે, પણ ઘણા લોકોને પૂરતી માહિતી જ નથી. અહીં પ્રસ્તુત છે અમદાવાદનાં એવા કેટલાંક ઐતિહાસિક સ્થળ…

મીર અબુ તુરબની દરગાહ

શહેરના બહેરામપુરામાં આ દરગાહ આવેલી છે. મીર અબુ તુરબ અકબરના એક વિશ્વાસુ- ચીફ ઓફ પિલગ્રીમ્સ હતા. તેમની આ દરગાહ નિહાળવી દર્શનીય લહાવો બને છે. 1594માં મૃત્યુ પામેલાં મીર અબુ તુરબની દરગાહ ફરતે 12 પીલર્સ અને છ પીલર્સના બીજા ટેકા સાથેના ગોળ ગુંબજ સાથે ખૂબ સુંદર રીતે બનાવાયેલી છે.

(દરિયાખાન ઘુમ્મટ)

બાબા લવ લવીની દરગાહ

સાબરમતી રિવરફ્રન્ટને અડીને જ આવેલી બાબા લવ લવીની અંદાજે 500 વર્ષ જૂની દરગાહ-મસ્જિદનું સ્થાપત્ય બેનમૂન કક્ષાનું છે. બારીક કોતરણી, ઊંચી કમાનો, સુંદર ઝરુખાથી સજ્જ આ ઐતિહાસિક ધરોહર દર્શનીય છે.

(મીર અબુ તુરબ)

અચ્યુત કૂકીની મસ્જિદ

દૂધેશ્વરમાં માનવ વસ્તી અને ભરપૂર દબાણોની વચ્ચે જ ઐતિહાસિક, કળાત્મક એવી અચ્યૂત કૂકીની મસ્જિદ આવેલી છે. મોગલકાળના શિલ્પ સ્થાપત્ય અને બારીક કોતરણીકામથી ખૂબસૂરત લાગતી આ જગ્યા પશ્ચિમ ભારતના ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો કહી શકાય છે.

માતા ભવાનીની વાવ

પહેલાંના રાજાઓ પ્રજાને સારી રીતે પાણી મળી રહે એ હેતુથી કૂવાઓ-વાવ ગળાવતા હતા ખાસ તો વાવના બાંધકામની અદભુત કળાકારીગરીને લઈને ગુજરાતની ઘણી વાવ વિશ્વ સ્તરે જાણીતી છે, અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણીબધી વાવ બનાવવામાં આવી હતી. તેમાંની એક છે માતા ભવાનીની વાવ જે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)