Home Blog Page 2830

ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી STEM ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

  • દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ
  • ગુજરાત સાયન્સ સિટી ખાતે આ ફિનાલેનું આયોજન કરાયું
  • ફિનાલેમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા
  • આ પ્રસંગે રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0 “The journey of new Generation” ની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી નોંધાયેલા 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં આ ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ક્વીઝની ફાઈનલમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર અને ગોવાની ટીમ આવી હતી. જ્યારે બીજા નંબરે વડોદરા કોર્પોરેશનની ટીમ અને ત્રીજા નંબરે અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ આવી હતી. ફાઈનલમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વરદ હસ્તે ઈનામો એનાયત કર્યા હતા. સાથે સાથે તમામ વિજેતા વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી વિજય નેહરા, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી. વદર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21મી સદી એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. અને ગુજરાતે તેમાં હરણફાળ ભરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત સાયન્સ સિટીમાં આવેલા પ્રકલ્પોમાં વિજ્ઞાનને લગતાં જે કોઈ સવાલ છે એ તમામના જવાબો લોકોને મળી જાય છે. તેથી એકવાર ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લેવા તેમણે હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને અપીલ કરી હતી. સ્ટેમક્વિઝમાં કુલ 2 કરોડથી વધુ રકમના ઈનામો જુદી જુદી કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022થી ગુજરાત સ્ટેમ ક્વીઝ-2.0 “ The journey of new Generation”ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 5,45, 764 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  પ્રથમ તાલુકા સ્તરે ત્યાર બાદ જિલ્લા સ્તરે અને પછી 9 મેથી 12 મે દરમિયાન રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે 30 મેના રોજ રાષ્ટ્રીય કક્ષાની ફાઈનલ ક્વિઝનું આયોજન કરાયું.

સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જે જોઈને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓને તેમની STEMની કારકિર્દીમાં સમૃદ્ધ થવાની તક આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત STEM-ક્વિઝ એ એક અનોખી શૈક્ષણિક આઉટરીચ પ્રવૃત્તિ છે જે શિક્ષણ, આનંદ અને સ્પર્ધાને જોડે છે. તેને અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તે સ્પર્ધાત્મક પણ છે, તે દરેક વિદ્યાર્થીના STEM શિક્ષણમાં નોંધપાત્ર શૈક્ષણિક મૂલ્ય પણ ઉમેરે છે. આ ક્વિઝ વધુ સમાવિષ્ટ છે, કારણ કે સમગ્ર રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ સ્થાન, બોર્ડ, શિક્ષણના માધ્યમ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ભાગ લઈ શકે છે. ગુજરાત STEM-ક્વિઝનું વિઝન વિદ્યાર્થીઓમાં STEM ઉત્સાહ તરફ પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. તે દેશના વિદ્યાર્થીઓમાં STEM પર ભાગીદારી, જ્ઞાન અને જાગૃતિમાં સુધારો કરે છે અને પ્રોત્સાહન આપે છે.

નેતાજી સુભાષબાબુના પૌત્ર ચંદ્રકુમાર બોઝે રણદીપ હુડાની ઝાટકણી કાઢી

કોલકાતાઃ બોલીવુડ અભિનેતા-દિગ્દર્શક રણદીપ હુડાએ એની આગામી નવી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરની 140મી જન્મજયંતિના દિવસ, 28 મેએ શેર કર્યું હતું.

દિગ્દર્શક તરીકે હુડાની આ પહેલી જ ફિલ્મ છે, જે આ વર્ષમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટીઝર સાથે હુડાએ વીર સાવરકરને ‘બ્રિટિશ સરકાર દ્વારા મોસ્ટ વોન્ટેડ ભારતીય’ તરીકે ઓળખાવ્યા હતા. એણે વધુમાં લખ્યું હતું કે, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારીઓના પ્રેરણામૂર્તિ હતા.’

પરંતુ, અન્ય સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પૌત્ર ચંદ્રકુમાર બોઝે હુડાના દાવાને નકામો ગણાવ્યો છે અને નિર્માતાઓને કહ્યું છે કે તેઓ આ ફિલ્મમાં આઝાદીના ઈતિહાસના સ્વરૂપને વિકૃત ન બનાવે.

ચંદ્રકુમારે એમના ટ્વિટર હેન્ડલ પર હુડાના ટ્વીટને શેર કરીને તેની નીચે લખ્યું છે કે, ‘માફ કરજો, ભારતના મોસ્ટ વોન્ટેડ નેતા અને આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. અગ્રિમ મોરચાના તેઓ જ એકમાત્ર નેતા હતા જેમની સામે શૂટ એટ સાઈટ ઓર્ડર અપાયા હતા અને એમણે 1945ની 18મી ઓગસ્ટે દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. જો તમે સાવરકરનો આદર કરતા હો તો મહેરબાની કરીને ઈતિહાસને વિકૃત ન બનાવો.’

ચંદ્રકુમારે એક દૈનિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ‘સાવરકર મહાન વ્યક્તિત્વ હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, પણ સાવરકરની વિચારધારા અને નેતાજી સુભાષચંદ્રની વિચારધારા તદ્દન વિરુદ્ધ દિશાની હતી. તેથી નેતાજી સાવરકરના સિદ્ધાંતો અને વિચારધારાને અપનાવે એવું કોઈ કારણ જ નથી.’

આઇસી15 ઇન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે 400 પોઇન્ટની વધ-ઘટ થઈ હતી, પરંતુ બપોરે ચાર વાગ્યે આઇસી15 ઇન્ડેક્સ માત્ર 35 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન વધ્યા હતા. પોલીગોન, શિબા ઇનુ, ટ્રોન અને ડોઝકોઇનમાં ઘટાડો થયો હતો.

દરમિયાન, રિઝર્વ બેન્કે ડિજિટલ રૂપી એટલે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો છે. બેન્કના વાર્ષિક અહેવાલ મુજબ આ પ્રયોગ વધુ બેન્કો અને સ્થળો સુધી વિસ્તારવામાં આવશે. બીજી બાજુ, રશિયાએ રાષ્ટ્રવ્યાપી ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ લોન્ચ કરવાનો પ્લાન રદ કર્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.09 ટકા (35 પોઇન્ટ) વધીને 38,312 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,277 ખૂલીને 38,344ની ઉપલી અને 37,965 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. આજે રાજ્યના 14 જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ સહિત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.હવામાન વૈજ્ઞાનિક વિજિનલાલે આવતી કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદ થવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાંજે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું છે.

અંજારના કચ્છમાં સોમવારે વાતાવરણમાં પલટો સર્જાતાં અચાનક જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે અંજાર માર્કેટ યાર્ડમાં કેરીઓના માલને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓના બોક્સ પલળી ગયા છે. યાર્ડમાં પડેલા કચ્છી કેસર કેરીના બોક્સ પલળી ગયા છે.

કચ્છમાં ભુજના મોડાસર ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડતાં 28 પશુઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે રાજકોટના જેતપુરમાં ભારે પવન ફૂંકાતાં ઓરડીના પતરાનું રીપેરિંગ કરતાં ચાર શ્રમિકો નીચે પટકાયા હોવાની દુર્ઘટના ઘટી હતી.

 

 

 

પૈસા નહીં ચૂકવતાં પાકિસ્તાનનું વિમાન મલેશિયાએ જપ્ત કર્યું

ઇસ્લામાબાદઃ નાદાર થવાને આરે પહોંચેલા પાકિસ્તાનને એના ઇસ્લામિક મિત્ર મલેશિયાએ બહુ મોટો આંચકો આવ્યો છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારિ એરલાઇન PIAના બોઇંગ 777 પ્લેનને જપ્ત કર્યું છે. મલેશિયાના ક્વાલા લંપુર એરપોર્ટ પર લીધ વિવાદમાં કેટલીય વાર કહ્યા છતાં પૈસા નહીં ચૂકવવામાં આવતાં પાકિસ્તાનના આ વિમાનને જપ્ત કરી લીધું છે. પાકિસ્તાન મલેશિયાની સાથે મિત્રતાના તમામ દાવા કરતું રહે છે. ઇમરાન ખાન તો મલેશિયાની સાથે મળીને ઇસ્લામિક દેશોનું ગઠબંધન પણ બનાવવા ઇચ્છે છે.

પાકિસ્તાની એરલાઇને આ બોઇંગ 777 વિમાનને મલેશિયાથી લીઝ પર લેવામાં આવ્યું હતું. આ વિમાનને બીજી વાર ક્વાલા લંપુર એરપોર્ટ પરથી જપ્ત કરી લેવામાં આવ્યું છે. અનેક વાર યાદ અપાવ્યા છતાં કંગાળ પાકિસ્તાને લીઝના પૈસા મલેશિયાને નહીં ચૂકવતાં પાકિસ્તાન એરલાઇનના વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું હતું. પાકિસ્તાને બોઇંગ વિમાનને આશરે 40 લાખ ડોલર લીઝના પૈસા આપવાના હતા.

મલેશિયાની કંપનીએ પાકિસ્તાનને પૈસા નહીં ચૂકવતાં સ્થાનિક કોર્ટમાંથી આદેશ લીધો હતો અને એરપોર્ટ પર PIAનું વિમાન જપ્ત કર્યું હતું. આ પહેલાં વર્ષ 2021માં પાકિસ્તાની વિમાનને મલેશિયાની રાજધાની ક્વાલા લંપુરમાં જપ્ત કરી લીધું હતું. એ સમયે પાકિસ્તાને પૈસા નહોતા ચૂકવ્યા, પણ રાજકીય આશ્વાસન આપ્યું હતું., જે પછી મલેશિયાએ વિમાનને જવા દીધું હતું.

આ જપ્ત કરવામાં આવેલા વિમાનમાં 173 યાત્રી અને પાઇલટ સહિત ક્રૂના સભ્યો હતા. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સી ચાર અબજ ડોલરની આસપાસ બચ્યું છે. પાકિસ્તાને હાલના સમયમાં IMF પાસેથી લોન માગી છે, પણ અત્યારે એ મળવાની સંભાવના નથી.

 

 

 

 

 

સાવધાનઃ 500 રૂપિયાની નોટ લેતી વખતે ચેક કરજોઃ નકલી નોટો વધી ગઈ હોવાની RBIની માહિતી

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે 500ના મૂલ્યની નકલી કરન્સી નોટની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14.4 ટકા જેટલી વધી ગઈ છે. દેશમાં 500 રૂપિયાની ફરી રહેલી નકલી નોટોની સંખ્યા વધીને રૂ. 91,110 નંગ થઈ છે. જોકે રૂ. 2000ની નકલી ચલણી નોટોની સંખ્યામાં 27.9 ટકાનો ઘટાડો થયો છે. તે હવે માત્ર 9,806 જ રહેવા પામી છે.

2016માં નોટબંધી અમલમાં મૂકાયા બાદ દેશની અર્થવ્યવસ્થામાં નકલી નોટોનું પ્રમાણ ઘટી જશે એવી અપેક્ષા હતી, પરંતુ એ ખોટી પડી રહી હોવાનું જણાય છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ મે, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ મે, ૨૦૨૩

પશ્ચિમ બંગાળ પર બની રહેલી ફિલ્મનો ભારે વિવાદ

કોલકાતાઃ સનોજ મિશ્રના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બંગાળની રાજકીય સ્થિતિના પરદે ધૂમ મચાવી રહી છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું નથી થયું, પરંતુ એનું ટ્રેલર અત્યારથી રાજકીય ઘમસાણ મચાવી રહ્યું છે. કોલકાતામાં ફિલ્મના ડિરેક્ટરની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ દ્વારા બંગાળની છબિને અને સાંપ્રદાયિક સદભાવને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એ આધારે ડિરેક્ટરને સમન્સ મોકલવામાં આવ્યા છે.

આ ટ્રેલરના પ્રારંભમાં ડિરેક્ટરે અલ્પસંખ્યકોના તુષ્ટિકરણના રાજકારણનો સંકેત આપ્યો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંગાળમાં નાગરિકતા અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) લાગુ નહીં થવા દેવાની વાત કહે છે. આ ફિલ્મના ટ્રેલરમાં તેમનું એ ભાષણ મુખ્ય મંત્રીની ભૂમિકા ભજવતા પાત્ર દ્વારા આપવામાં આવ્યું છે.આ ટ્રેલરમાં બંગાળને બીજું કાશ્મીર બતાવવામાં આવ્યું છે. એમાં મમતાનું નામ વિધાનસભાની ચૂંટણીના સમયે ચર્ચિત થનારા ‘ખેલા હોબે’ સૂત્રની ગુંજ સંભળાય છે. રોહિંગ્યા મુસલમાન બંગલાદેશની કાંટાળી તારોને પાર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમને કારણે એક વર્ગના લોકો અહીં બેઘર થઈ ગયા છે. સરકાર એ બહુસંખ્યક સંપ્રદાયની સામે થતી હિંસાને અટકાવવા માટે કોઈ પગલાં નથી લેતી.

TMCની ફિલ્મને પ્રતિબંધ કરવાની માગ

બે મિનિટ અને 12 સેકન્ડના ટ્રેલરને આશરે નવ લાખ લોકો જોઈ ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષ સવાલ કરે છે કે જો એ બંગાળની ડાયરી છે, એમાં કન્યાશ્રી વગેરે યોજનાઓનો ઉલ્લેખ કેમ નથી? CPMની મદદથી ભાજપ એક ખોટો રાજકીય દુષ્પ્રચાર કરી રહી છે. અમે એના પ્રતિબંધ મૂકવાની માગ કરીએ છીએ.

ભાજપનો સરકાર પર આરોપ

ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્ય કહે છે કે આ ટ્રેલરની સામે FIR નોંધવાથી એ સ્પષ્ટ છે કે મમતા સરકાર નથી ઇચ્છતી કે હકીકત સામે આવે છે. આ સાથે ફિલ્મના ડિરેક્ટરે તેમના જાનનું જોખમ હોવાનું જણાવતા દાવો કર્યો હતો કે તેમની હત્યા થવાની શક્યતા છે.

 

 

 

 

 

CSKની જીત બાદ કોહલી-અનુષ્કાએ વ્યક્ત કરી ખુશી, ધોનીને આપ્યું સન્માન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ચેમ્પિયન બનવા પર ચેન્નાઈ સુપર કિંગ્સને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા. કોહલી અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહેન્દ્ર સિંહ ધોની માટે ખાસ કેપ્શન આપ્યું હતું. IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ રસપ્રદ રહી હતી. સીએસકેએ વરસાદથી પ્રભાવિત મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી વખત ટાઇટલ જીત્યું.

કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. વાસ્તવમાં કોહલી ટીવી પર મેચ જોઈ રહ્યો હતો. તેણે ચેન્નાઈના ખેલાડીઓના સેલિબ્રેશનનો ફોટો પાડ્યો છે. આ સાથે તેણે રવીન્દ્ર જાડેજા અને ધોની માટે સ્પેશિયલ કેપ્શન પણ લખ્યું છે. કોહલીએ ધોની માટે હાર્ટ ઇમોજી પણ મૂકી અને ખાસ ઉલ્લેખ કર્યો. બીજી તરફ અનુષ્કાએ પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. તેણે ધોની અને જાડેજાનો ફોટો મુકીને ચેન્નાઈને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. કોહલીએ સ્ટોરી શેર કરી બતાવ્યું કે તે કેવી રીતે ધોનીનું સન્માન કરે છે.

નોંધપાત્ર રીતે, જો આપણે ચેન્નાઈ માટે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો, ડેવોન કોનવે ટોચ પર જોવા મળશે. તેણે 16 મેચમાં 672 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવ્યા છે. શિવમ દુબેએ 16 મેચમાં 418 રન બનાવ્યા છે. બોલિંગમાં તુષાર દેશપાંડે, રવિન્દ્ર જાડેજા અને મહિષા પથિરાનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તુષારે 16 મેચમાં 21 વિકેટ લીધી હતી. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે છઠ્ઠા ક્રમે છે. જાડેજાએ 16 મેચમાં 20 વિકેટ લીધી હતી. પથિરાનાએ 12 મેચમાં 19 વિકેટ લીધી હતી.

શેરબજાર તેજી સાથે થયું બંધ, સેન્સેક્સ 63,000 ની નીચે અને નિફ્ટી 18650 ની આસપાસ બંધ

શેરબજારમાં દિવસભર મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું અને ક્લોઝિંગ પણ લીલા રંગમાં થયું હતું. જોકે, આજે બજારમાં વધુ તેજી નોંધાઈ નથી. સેન્સેક્સ ફરી એકવાર 63,000 ની ખૂબ નજીક અને નિફ્ટી 18633 ના સ્તર પર બંધ થયો છે.

બજાર કયા સ્તરે બંધ થયું

આજે શેરબજારના બંધમાં BSE સેન્સેક્સ 122.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 62,969 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય NSE નો નિફ્ટી 35.20 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 18,633 ના સ્તર પર બંધ થયો છે.


કયા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી

મીડિયા શેર્સમાં 0.68 ટકા અને ખાનગી બેન્કોએ 0.58 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. એફએમસીજી શેરમાં 0.59 ટકા અને નાણાકીય શેરમાં 0.50 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ જોવામાં આવ્યું છે.

સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને 12 શેરોમાં ઘટાડા સાથે સ્ટોક ક્લોઝિંગ જોવામાં આવ્યું છે. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 22 શેરો તેજી સાથે બંધ થયા હતા. 26 શેરોમાં કારોબાર મજબૂત બંધ રહ્યો હતો.

સેન્સેક્સના કયા શેરોમાં તેજી જોવા મળી

આજે જે સેન્સેક્સ શેરો ઉછળ્યા છે તેમાં ITC પહેલા 2.31 ટકા વધીને બંધ થયો છે. Bajaj Finserv, Kotak Mahindra Bank, Bajaj Finance, Axis Bank, HCL Tech, Wipro, UltraTech Cement, IndusInd Bank, Infosys, ICICI Bank, PowerGrid, NTPC, HUL, Asian Paints, HDFC બેંક અને HDFC બેંક આજે તેજી સાથે બંધ છે.

કયા શેરોમાં ઘટાડો થયો

ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, એલએન્ડટી, ટાટા મોટર્સ, ટાઈટન, એસબીઆઈ, ભારતી એરટેલ, ટીસીએસ, એમએન્ડએમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટ્રેડિંગ આજે નુકસાન સાથે સમાપ્ત થયા હતા.

બેન્ક નિફ્ટીની સ્થિતિ કેવી હતી

બેંક નિફ્ટીની સ્થિતિ આજે મિશ્ર હતી, પરંતુ બંધ થવાના સમયે બેંક નિફ્ટી ઉછાળા સાથે બંધ થયો હતો. 124 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટી 44,436ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે.