મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કનું કહેવું છે કે રૂ. 2000ના મૂલ્યવાળી કરન્સી નોટ વ્યવહારમાંથી પાછી ખેંચી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં રૂ. 1.80 લાખ કરોડની કિંમતની નોટ પાછી આવી ગઈ છે. કેન્દ્રીય બેન્કની દ્વિ-માસિક આર્થિક નીતિની જાહેરાત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2000ની આશરે અડધા ભાગની નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2023ની 31 માર્ચે રૂ. 2000ના મૂલ્યની રૂ. 3.62 લાખ કરોડની કિંમતની નોટ વ્યવહારમાં હતી. એમાંથી રૂ. 1.80 લાખ કરોડની નોટ પાછી આવી ગઈ છે.
આ નોટને 2016માં વ્યવહારમાં મૂકવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે આ નોટ કાયદેસર રીતે માન્ય રહેશે, પરંતુ નાગરિકોને એમ પણ જણાવી દીધું છે કે એમણે તેમની પાસેની રૂ. 2000ની નોટ 2023ની 30 સપ્ટેમ્બર સુધીમાં બેન્કોમાં જમા કરાવી દેવી અથવા એક્સચેન્જ કરાવી લેવી.
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર ઋત્વિક રોશન અને સબા આઝાદ હાલમાં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર (NMCC)ના ભવ્ય ઉદઘાટનમાં સામેલ થયાં હતાં. ડુઓનો એક ફોટો ઓનલાઇન વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સબા એક ગેસ્ટની સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે. એ દરમ્યાન ઋત્વિક બેકગ્રાઉન્ડમાં ઊભા રહીને સબાના હીલ્સ (જૂતાં) પકડીને ઊભેલો નજરે ચઢે છે. આ વાઇરલ થઈ રહેલા ફોટો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સ ઋત્વિકના આ સ્વીટ જેસ્ચરની પ્રશંસા કરી રહ્યા છે.
આ ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર NMCC ઇવેન્ટના કેટલાક ફોટો શેર કર્યા હતા. પહેલા ફોટોમાં સબા આઝાદે અમિતની સાથે કેમેરાને લઈને પોઝ આપ્યો હતો. સબા લાલ ફ્યુઝન ગાઉનમાં સરસ લાગી રહી હતી. તે અમિતના ખભે હાથ મૂકીને વગર જૂતાંએ ફોટો ખેચાવતી જોવા મળી હતી, જ્યારે ઋત્વિક કોઈથી વાત કરતો ફોટાના બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યો હતો. તેણે સબાના હીલ્સ હાથમાં પકડ્યા હતા. આ ઇવેન્ટમાં ઋત્વિક બ્લેક લુકમાં બહુ ડેશિંગ લાગી રહ્યો હતો.
આ ફોટો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે બહુ સારું લાગી રહ્યું છે. ઋત્વિક જે રીતે હીલ્સ પક્ડયા છે. બીજાએ કહ્યું હતું કે ‘આને કહેવાય દીવાના’. એક બીજાએ લખ્યું હતું કે ઋત્વિકે સબાનાં જૂતાં પકડ્યાં છે –એ આ ફોટોની સરસ વાત છે.
સુરત: હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી મોતનું તાંડવ ખેલી રહી છે. સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક જાહેરમાં ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ માતા અને ત્યાર બાદ પુત્રી તથા પુત્રનું મોત થયુ હતુ. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે.
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડીય (ઉ.55) હીરાના કારખાનામાં કામ કરતા હતા. બુધવારે મોડી રાત્રે વિનુભાઈએ 50 વર્ષની પત્ની શારદાબેન તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનીતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શારદાબેન, ક્રિશ અને સૈનિતાનું મોત નીપજ્યુ હતું. પોલીસે આર્થિક સંકળામણના કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દવા પી લીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સંતાનોને સાચવી લેજે. જેથી પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.
એસીપી પી.કે. પટેલે જણાવ્યુ કે, મોરડીયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. વિનુભાઈને ચાર સંતાનો હતા. જેમાંથી બે સંતાનો હાલ ઘરે હતા અને બે સંબંધીના ઘરે હતા. આ સમૂહ આપઘાતમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે.
આપઘાત અગાઉ વિડીયો બનાવ્યો : મારી પાસે કોઈ રસ્તો નથી
વિનુભાઈએ ઝેરી દવા ગટગટાવતા અગાઉ એક વિડીયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ કહે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. હું સારો પિતા ના બની શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વિડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો.
સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુપીએસસી ઉમેદવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી, ઝેડ-કેડ ફાઉન્ડેશન, લિબર્ટી કેરીઅર એકેડેમી તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત સહયોગથી ૪ જૂન, ૨૦૨૩ના રોજ “કારકિર્દી કાર્નિવલ ટોક – ૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુપીએસસી ફ્રેટરનિટી પેનલ કેતન ગજ્જર, કુ. ઈશાની પંડયા, ઉત્સવ પરમાર, સફીન હસન, હિરેન બારોટ, ડંકેશ ઓઝા, જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આરજે કૃતાર્થ, રેડિયો મિર્ચી દ્રારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ તેમની આખી સફર અને કેવી રીતે તૈયારી કરી હતી, પરીક્ષામાં સફળતા કેવીરીતે મેળવી, તેઓએ તેમના ઈન્ટરવ્યુ કેવી રીતે ક્લીયર કર્યા અને પોતપોતાના ક્ષેત્રમાં ઓફિસર બનવાનો તેમનો અનુભવ રજુ કર્યો હતો.
અમદાવાદના ઇન્વેસ્ટિગેશન વિંગના ડેપ્યુટી ડાયરેક્ટર કહ્યું કે તાર્કિક વિચારો અને તર્ક વિકસાવવામાં અને જટીલ પ્રશ્નોને સમજવામાં વાંચન મહત્વની ભૂમિકા ભજવે છે. દરેકનો અભિપ્રાય સાંભળો, પણ તમને તમારા માટે જે યોગ્ય લાગે તે કરો.” જયારે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર ઇશાની પંડયાએ કહ્યું કે, “યુપીએસસી પરીક્ષાની તૈયારીએ મને આકર્ષિત કરેલી અને આ તૈયારીની સફર રસપ્રદ છે.
દૂરદર્શનના ડેપ્યુટી ડિરેક્ટર ઉત્સવ પરમારે કહ્યું એવરેસ્ટ સર કરવા અને જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિની પોતાની ઊંચાઈ હોય છે. આપણે આપણી સરખામણી અન્ય લોકો સાથે ન કરવી જોઈએ. જયારે અમદાવાદ શહેર (પૂર્વ) IPS – CSE 18, DCP સફીન હસને કહ્યું કે,ઇન્ટરવ્યુ દરમિયાન, યાદ રાખો કે તેઓ તમારામાં સારું શોધવા માટે પ્રયાસ કરતા હોય છે, તમારી ખામીઓ માટે નથી. ઓરીજીનલ અર્થાત મૂળ બનો અને જેમ છો તેમ જાઓ. સુરેન્દ્રનગર જિલ્લા સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હિરેન બારોટે પોતાની વાત રજૂ કરતા કહ્યું કે “નિબંધ, નીતિશાસ્ત્ર અને વિકલ્પો મુખ્ય પરીક્ષા માટે નિર્ણાયક અર્થાત ગેમ ચેન્જર્સ છે.
લિબર્ટી કેરિયર એકેડમીના સ્થાપક જગદીશ પટેલે કહ્યું કે, જો આપ આપનાં ધ્યેય પ્રત્યે પ્રતિબધ્ધ અને નિર્ધારિત હશો, તો તમે ચોક્કસપણે પ્રાપ્ત કરી શકો છો. પ્રયાસ કરતા રહો, ક્યારેય છોડશો નહીં.” સ્પીપાના સિનિયર ફેકલ્ટી અને ભૂતપૂર્વ,જોઈન્ટ કમિશનર આ વીશે કહ્યું વાંચવાની આદત કેળવો અને આપણે જેટલું વધુ વાંચીએ છીએ તેટલું નવું જાણી અને લખી શકીએ છીએ. આપણી પાસે “હું કરી શકું છું, તેમ નહીં, આપણે કરી શકીએ છીએ” તે વલણ હોવું જોઈએ.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC) મેચમાં રોહિત શર્માના એક નિર્ણયથી બહુ નારાજ છે. આ મેચમાં પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 327 રન કર્યા હતા, જેમ ટ્રેવેસ હેડે સદી ફટકારી હતી. તે 156 બોલમાં 146 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. એની સામે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ બીજા છેડે વિકેટ સંભાળીને રમી રહ્યો હતો. હેડ અને સ્મિથે ચોથી વિકેટ માટે 370 બોલમાં 251 રનોની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં જંગી સ્કોર તરફ આગળ વધી રહી છે.
ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઇન્ડિયાએ ચાર ઝડપી બોલરોને રમવા ઉતાર્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્પિનરોની તુલનાએ ઝડપી બોલરો સામે વધુ સારી રીતે રમી શકે છે. સૌરવ ગાંગુલીએ શર્માના આ નિર્ણયને ભૂલ ભરેલો ગણાવ્યો હતો. ગાંગુલીએ શર્મા પર નિશાન સાધતાં કહ્યું હતું કે આર. અશ્વિનને તમે નજરઅંદાજ ના કરી શકો, જે બોલર 470થી વધુ વિકેટ લઈ ચૂક્યો છે, તેના માટે ટીમમાં જગ્યા બનાવવી જોઈએ. શર્મા અલગ રીતે વિચારે છે. જો હું કેપ્ટન હોત તો રવિચન્દ્રન અશ્વિનને પ્લેઇંગ 11થી બહાર રાખવો મારા માટે મુશ્કેલ હોત.
ગાંગુલીએ ટીમ ઇન્ડિયાની નબળાઈને ઉજાગર કરતાં કહ્યું હતું કે ભારત 76 રનમાં ત્રણ વિકેટ લઈને સારી સ્થિતિમાં હતું, પણ પછી ભારતીય બોલરો હેડ અને સ્મિથ પર દબાણ નહીં લાવી શક્યા અને અહીં જ મોટી ભૂલ થઈ ગઈ. ભારતીય ઝડપી બોલરો હેડને સરળતાથી રન બનાવવા દીધા, જેથી ટીમ ઇન્ડિયાને ઘણું નુકસાન થયું. ગાંગુલીએ કહ્યું હતું કે આ મેચમાં અશ્વિનને લેવાની ખાસ જરૂર હતી.
આજકાલ કોરોના કરતાં પણ એક ખતરનાક મહામારી વાતાવરણમાં જોવા મળે છે. એ છે યુવાવયે હાર્ટ અટૅકથી થતાં મૃત્યુ. કોઈ જિમ્નેશિયમમાં ઢળી પડે છે, તો કોઈ સ્ટેજ પર કાર્યક્રમ આપતા. મુંબઈમાં 33 વર્ષી ઍક્ટર આદિત્યસિંહ રાજપૂત ભોજનના કોળિયા ભરતાં ભરતાં બાથરૂમમાં જાય છે ને ત્યાં જ ફસડાઈ જાય છે. ઘરનોકર એને હૉસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવે છે. મૃત્યુનું કારણ? હાર્ટ અટૅક.
બહારથી સાવ સ્વસ્થ દેખાતી, યુવાન ચુસ્તસ્ફૂર્ત વ્યક્તિ અચાનક હૃદયમાં દુખાવાની ફરિયાદ કરે ને કોઈ કંઈ કશું સમજે તે પહેલાં મૃત્યુ પામે છે. નિષ્ણાતો આ માટેનાં કારણમાં મહત્વનું કારણ આપે છેઃ સ્ટ્રેસ. આજકાલ યુવાનો જાતજાતના સ્ટ્રેસ મગજ પર લઈને ફરે છે. અકળામણ, ક્રોધ, હતાશા, તણાવ, અચિંતા જેવા અનેક માનસિક રોગોને આપણા શરીરમાં પ્રવેશવાનું દ્વાર એટલે સ્ટ્રેસ.
વિશેષજ્ઞો સ્ટ્રેસ આવવાનાં મુખ્ય ૩ કારણો જણાવે છે. 1) જીવનમાંથી કંઈક ગુમાવી દેવાનો ભય, 2) નકારાત્મક વાતાવરણને લીધે બંધાઈ જતી લઘુતાગ્રંથિ, 3) કોઈ કાર્યને સારી રીતે સમયસર પાર પાડવાનું દબાણ.
એક શિક્ષકે ક્લાસમાં એક વિદ્યાર્થીને પાણીથી અડધો ભરેલો ગ્લાસ હાથમાં પકડાવીને ઊભો રાખ્યો. બે મિનિટમાં વિદ્યાર્થી થાકી ગયો અને પ્યાલો મૂકી દીધો. શિક્ષકે તેને પૂછ્યું કે, આ ગ્લાસ આખો દિવસ આમ પકડી રાખવાનો હોય તો?’ વિદ્યાર્થી કહે, ‘તો તો મારો હાથ ખડી જાય.’
જો બસ્સો ગ્રામ જેવી હલકી વસ્તુ પણ લાંબા સમય સુધી ઉપાડવાથી આવી પરિસ્થિતિ સર્જાય તો રોજીંદા જીવનમાં કરવામાં આવતી સર્વ ક્રિયાઓનો ભાર માથે લઈને ફરીએ તો આપણા તન-મનની શું હાલત થાય?
સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે જેથી આ તફાવત સર્જાય છે તે દર્શાવચાં નરસિંહ મહેતા કહે છેઃ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે… અર્થાત્ બળદગાડા નીચે ચાલતો કૂતરો વિચારે છે કે આ ગાડાનો ભાર હું વહન કરું છું. કેવી જ્ઞાન-ગરીબી?
એવી જ રીતે માણસ પણ સર્વ ક્રિયાનો ધણી થઈને ફરે છે માટે સ્ટ્રેસનો શિકાર થઈ જાય છે. આનાથી વિપરીત મહાપુરુષો સર્વ ક્રિયાનો ભાર ભગવાનના શિરે મૂકીને હળવાફૂલ રહે છે. આ જ છે સાચું સ્ટ્રેસ મૅનેજમેન્ટ: ભગવાનના કર્તૃત્વનો સ્વીકાર.
વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ જ્યારે દિલ્હી અક્ષરધામના નિર્માણ વખતે નિરીક્ષણ માટે પધાર્યા ત્યારે આશરે સો એકરની ભૂમિ પર ચોતરફ મોટા મોટા પથ્થર પડેલા. તે દર્શાવતાં બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું કે, ‘આટલું મોટું કાર્ય ઉપાડ્યું છે તો તમને ટેન્શન નથી રહેતું?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં પણ આ જ સમજણ છતી થઈ કે, ‘આટલા બધા પથ્થર પડ્યા છે, પણ છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર નથી કેમ કે બધું ભગવાન ગોઠવે છે.’
અર્થાત્ સામાન્ય માણસો નાનું કામ કરવામાં પણ આરંભથી જ વ્યગ્ર બની જાય છે, જ્યારે મહાન પુરુષો મોટાં કાર્યો કરવા છતાં આકુળ વ્યાકુળ થતા નથી. આપણા અને મહાન પુરુષોના જીવનમાં તફાવત ક્યાં સર્જાય છે? સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે જેથી આ તાવત સર્જાય છે તે દર્શાવતા નરસિંહ મહેતા કહે છે
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્…. અર્થાત્ કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં, કારણ કે ફ્ળ ભગવાનના હાથમાં હોય છે. ફળની ચિંતા કર્યા વિના પોતાની પૂર્ણ શક્તિથી, પ્રમાણિકપણે પુરુષાર્થ કરવો એ જ તણાવમુક્ત જીવનની ચાવી છે.
ચાલો, આપણે પણ ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ એ ન્યાયે મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગે પગલાં માંડીએ અને ભગવાનને આપણી સર્વક્રિયાનો ભાર સોંપી સ્ટ્રેસથી મુક્ત રહીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ સમિતિ (MPC)એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં નીતિ વિષયક વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કહ્યું હતું કે રેપો રેટ 6.50 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. RBIની સમીક્ષા બેઠક 6, 7 અને આઠ જૂને થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં GDP વૃદ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. વળી, બેન્કનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર આઠ ટકા રહે એવી ધારણા છે. આ જ રીતે ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ રેટ છ ટકા રહેવાનો અંદાજ છે. એ જ રીતે ચોથા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર 5.7 ટકા રહેવાની સંભાવના છે.
મોંઘવારી દર અંગેનો અંદાજ
તેમણે રિટેલ મોંઘવારી દર ચાર ટકાએ લાવવાના લક્ષ્યની વાત કહી હતી. બેન્કનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી દર 5.1 ટકા રહે એવી શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં મોંધવારી દર 4.6 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.2 ટકા રહેવાનો અંદાજ છે.
આ પહેલાં એપ્રિલ, 2023માં RBIની MPCની બેઠકમાં રેપો રેટ 6.5 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કે મે, 2022- ફેબ્રુઆરી, 2023ની વચ્ચે રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 214 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,293 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,886 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,57,720 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 341 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2678એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 87,682 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.09 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,28,000 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,680 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનનાં આમંત્રણને માન આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી અને પ્રમુખ બાઈડન વચ્ચેની મંત્રણા ઈન્ડો-પેસિફિક (હિંદ મહાસાગર-પ્રશાંત મહાસાગર) ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવા પર કેન્દ્રિત થયેલી હશે.
વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરીન જ્યાં પીએરએ પત્રકારોને જણાવ્યું કે, મોદી અને બાઈડન ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્ક ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારીને વધારવા માટે એમણે જે દ્રઢ સંકલ્પ કર્યો છે એની ઉપર પણ તેઓ મંત્રણા વખતે ભાર મૂકશે. આમાં સંરક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.
અમેરિકાની મુલાકાત વખતે પીએમ મોદી યૂએસ કોંગ્રેસ (સંસદ)ના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન બનશે.
નવી દિલ્હીઃ મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે દિલ્હીથી ચોક્કસ રૂટ પરના વિમાનભાડામાં 14થી 61 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈ 6 જૂને એરલાઈન્સના સલાહકાર ગ્રુપની બેઠક મળ્યા બાદ આમ થયું છે. વિમાનભાડા ઘટાડવામાં આવે એ માટે નિયામક એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના પ્રયાસો રહ્યા છે. દિલ્હીથી શ્રીનગર, લેહ, પુણે અને મુંબઈ જેવા સ્થાનો માટેની ફ્લાઈટ્સના ભાડામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી અમને સંતોષ થયો છે, એમ પણ સિંધિયાએ કહ્યું.
સિંધિયાએ કહ્યું કે, વિમાનભાડા નક્કી કરવાની એરલાઈન કંપનીઓને સત્તા આપવામાં આવી છે. એ માટે માર્કેટની ગતિશીલતા અને મોસમ સહિત વિવિધ કારણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. વિમાનસેવા ઉદ્યોગ ભાડા અંગેના નિર્ણયો લેવા માટે એક ગણિત (ગણતરી)ને અનુસરે છે. આપણા દેશમાં એવિએશન માર્કેટ મોસમ આધારિત હોય છે. એરલાઈન્સને માર્કેટ દ્વારા અંકુશિત વિમાનભાડા નક્કી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. જો ક્ષમતા ઓછી હોય અને માગ ઊંચી હોય અને મૂળ ખર્ચમાં ઘટાડો થયો ન હોય તો ભાડા ઊંચા રહેશે. ખાનગી એરલાઈન કંપનીઓની પોતાની સામાજિક જવાબદારી હોય છે અને તમામ સેક્ટરો માટે વિમાનભાડા વધારતી વખતે એક મર્યાદા રાખવી જોઈએ.