Home Blog Page 2724

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્ય પર અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્થિતિ બની છે, જેને લીધે આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. એ સાથે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે, એમ હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે, જેને કારણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના આગામી પાંચ દિવસની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે.એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટા ભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે.

રાજ્યમાં સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં સાત અને 8 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં સીઝનના 35 ઇંચની સરેરાશ સામે જૂનમાં પોણા 10 ઇંચ વરસાદ વરસ્યો છે. સારા વરસાદને પગલે એક મહિનામાં 97,966 કરોડ લિટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઇ ચૂક્યું છે. રાજ્યના 251 તાલુકા પૈકી 112 તાલુકામાં સીઝનનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મૂકવામાં આવ્યા છે.

 

 

 

 

 

શું રોહિત શર્મા, વિરાટ કોહલીની T20 કેરિયરનો અંત આવ્યો?

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર અજિત ભાલચંદ્ર આગરકર ટીમ ઇન્ડિયાના નવનિયુક્ત ચીફ પસંદગીકાર છે. આગરકર વનડે ફોર્મેટના સ્પેશિયલિસ્ટ પ્લેયર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમમાં પણ સામેલ હતા. નવા પસંદગીકાર આગરકરે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને સૂર્યકુમાર યાદવની વાઇસ કેપ્ટનશિપમાં T20  ટીમનું એલાન કર્યું છે. આ ટીમમાં વિરાટ કોહલી અને વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માને ડ્રોપ કર્યા છે.  સંજુ સેમસન પરત ફર્યો છે, જ્યારે IPLના સ્ટાર બેટ્સમેન રિન્કુ સિંહ અને ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવા ન આવતાં સવાલો થયા છે.

આમ તો આગરકરે જે ટીમ ઘોષિત કરી છે, એનાથી સ્પષ્ટ છે કે હવે BCCIનું ફોકસ 2024માં થનારા ICC T20 વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવાની છે. નવી ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર જેવા નવા ચહેરા સામેલ છે.

શું રોહિત, કોહલીની T20 કેરિયર ખતમ?’

ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. ત્યાર બાદ બંને જણે ઇન્ટરનેશનલ T20 સિરીઝ નથી રહ્યા. આવામાં એવું માની શકાય કે BCCIએ ભવિષ્યનું વિચારીને કોહલી અને રોહિતને T2oથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય.

આ સાથે ભુવનેશ્વકુમાર અને મોહમ્મદ શમીને લઈને BCCIએ કોઈ માહિતી નથી આપી. આ સાથે ઇજાગ્રસ્ત ક્રિકેટરોની સ્થિતિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. આવામાં BCCIના નવા પસંદગીકાર શો નિર્ણય કરે છે એ જોવું રહ્યું.

 

 

 

 

 

સરકારની અર્થતંત્રને વેગ આપવા નિકાસ, મૂડીરોકાણ વધારવાની યોજના

નવી દિલ્હીઃ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી ઘેરાવાના અહેવાલો વચ્ચે ભારતે નિકાસની સાથે મૂડીરોકાણ વધારવા પર નવેસરથી કામ કરવાનું શરૂ ક્રુયં છે. વેપાર મંત્રાલય એ વિશે એક વિસ્તૃત યોજના તૈયાર કરી છે. જે હેઠળ નિકાસ અને મૂડીરોકાણ વધારવા માટે અમેરિકા અને બ્રિટન સહિત 12 દેશોની ઓળખ કરવામાં આવી છે. હવે આ 12 દેશોના બજારોમાં નવેસરથી અભ્યાસ કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા એ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓના વેપાર આ દેશોની સાથે વધારી શકાય છે. એ પણ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓની ભારત સરળતાથી આ દેશોમાં નિકાસ કરી શકે છે. એની સામે આ દેશો માટે ભારતમાં મૂડીરોકાણ કરવાનું સરળ બનાવવામાં આવશે. આ દેશોને મૂડીરોકાણ પર વિષેષ રાહત પણ આપવામાં આવશે. કેન્દ્રનું કહેવું છે કે જો નિકાસ અને મૂડીરોકાણમાં તેજી રહી તો અર્થતંત્ર મજબૂત થશે. નોકરીઓ પણ બજારમાં વધુ આપશે.

આ વ્યૂહરચના પાછળ એક જ લક્ષ્ય છે કે વૈશ્વિક સ્લોડાઉનની અસર ભારતીય અર્થતંત્ર, નિકાસ અને મૂડીરોકાણ પર ઓછામાં ઓછી થાય, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજનાની યાદીમાં 12 પ્રાથમિકતાવાળા દેશો- અમેરિકા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, કેનેડા, બ્રિટન, જર્મની, સ્વીડન, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને રશિયાનું નામ છે. આ યોજનાના ભાગરૂપે મંત્રાલયે વિવિધ દેશોમાં રોડ-શો આયોજિત કરશે, જેમાં મૂડીરોકાણ અને વેપારને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ સામેલ થશે.

પાછલા કેટલાક મહિનાઓથી નિકાસમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, ક્યારેક નિકાસ ઘટી જાય છે તો ક્યારેક વધી જાય છે. આ જ હાલ વિદેશી મૂડીરોકાણના છે, જેની સીધી અસર વિદેશી કરન્સી પર જોવા મળી હતી.

 

 

 

 

 

 

પ્રગતિને પૂર્ણવિરામ ન હોય…

અનેક વેળા કૉર્પોરેટજગતના વિવિધ માંધાતાની પ્રગતિ જોઈને અમુક વાંકદેખા કહેતા હોય છેઃ કોણ જાણે આને હજી કેટલું કમાવું છે. આને સંતોષ જ નથી? આ વાંકદેખાઓ માંધાતા દ્વારા દેશના આર્થિક સામાજિક વિકાસ, નોકરીની તકો, વગેરેને ભૂલી જાય છે, પણ આપણો વિષય એ નથી.

જરા આ જાણીતી, પણ પ્રેરણાદાયી દષ્ટાંતકથા મમળાવોઃ એક નાનકડા ગામમાં કુશળ શિલ્પકાર રહેતો. ઘાટ વિનાના પથ્થરોમાંથી સુંદર મૂર્તિ ઘડવામાં એનો જોટો ન જડે. શિલ્પકારની કળાને નિહાળતાં સૌ મૂર્તિમંત થઈ જતા. વખત જતાં શિલ્પકારનો પુત્ર પણ શિલ્પકળામાં પ્રવીણ બન્યો, પરંતુ તે કોઈ પણ મૂર્તિ બનાવે તો પિતા એમાં કોઈ ને કોઈ ભૂલ દેખાડતા. આથી પુત્રને કાયમ અસંતોષ રહ્યા કરતો. અંતે તેણે એક યુક્તિ કરી. પોતે જ બનાવેલી એક મૂર્તિ લઈ તે પિતા પાસે ગયો અને કહ્યું: “પિતાજી, આજે સવારે માટી ખોદતાં જમીનમાંથી મને આ મૂર્તિ મળી. સુંદર છે નહીં?’ પિતાએ મૂર્તિનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું: ‘બેટા, તારે આવી મૂર્તિ બનાવતાં શીખવાનું છે.’ દીકરાએ ફોડ પાડ્યો કે આ મારી જ બનાવેલી મૂર્તિ છે. ઊંડા નિસાસા સાથે પિતાએ કહ્યું: ‘બેટા, તારી પ્રગતિ અટકી ગઈ, કારણ કે તું તારા કાર્યથી સંતુષ્ટ થઈ ગયો.’

ખરેખર પ્રગતિના પંથે સંતોષ સૌથી મોટું વિઘ્ન છે. આથી જ વિશ્વવિખ્યાત ક્રિકેટર સચીન તેંડુલકર કહે છે: ‘જે દિવસે હું એમ માનીશ કે વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર હું છું તે દિવસે મારી કારકિર્દીનો અંત આવી જશે.’

આ વાક્ય એ કેવળ બોલ્યા નથી, પણ તેમના જીવનમાં પણ દેખાય છે. સચીનની કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે એક પત્રકારે તેમને સફ્ળતાનું રહસ્ય પૂછ્યું. ઉત્તરમાં એ કહે કે, ‘હું રોજ સવારે છ વાગ્યે મેદાન પર પ્રૅક્ટિસ કરવા માટે પહોંચી જાઉં છું.’

ઉત્તર સાંભળી પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યોઃ ધારો કે આગલા દિવસે તમે સૅન્ચુરી ફ્ટકારી હોય તો?’

સચીન કહેઃ ‘તો શું થયું? સવારે છથી નવ પાંચસો બૉલ રમવાના એટલે રમવાના.’

વ્યક્તિગત અનુભવોની સાથે જ્યારે માનવજાતના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આ જ હકીકત નજરે ચડે છે. એક સમયે જંગલમાં લાકડાં સળગાવીને રસોઈ તો બનતી જ હતી. ઘાસના ઝૂંપડામાં ઊંઘ તો આવતી જ હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાડાંમાં પણ જઈ શકાતું હતું, પરંતુ મનુષ્ય ત્યાં અટક્યો નહીં. આથી જ આજે બહુમાળી ઈમારતો, જાતજાતની વાનગીઓ અને ટ્રેનથી લઈને પ્લેન સુધીની વ્યવસ્થા છે, ચૅટ જીપીટી છે. અને વિજ્ઞાન ભવિષ્યમાં હજુ ઊંચી ઉડાન ભરવાનું છે એ નિર્વિવાદ હકીકત છે.

અમેરિકામાં રૉલ્સરોયસ કંપની પોતાની પ્રથમ રજૂ કરી રહી હતી ત્યારે એની જાહેરાતમાં લખવામાં આવ્યું કેઃ ‘આ ગાડી પ્રતિ કલાકના ૬૦માઈલની ગતિએ દોડતી હશે ત્યારે તેમાંથી એક જ અવાજ સંભળાતો હશેઃ ગાડીમાં બેસનારની કાંડાઘડિયાળની ટિકટિકનો.’

હવે, જે જમાનામાં ગાડી સ્ટાર્ટ કરતાં એન્જિનના અવાજથી આખો વિસ્તાર ખળભળી ઊઠે તે જમાનામાં આ ગાડી આશ્ચર્ય ઉપજાવે તેવી હતી. કારઉત્પાદકનું કહેવું હતું કે અમારી કાર જરાયે અવાજ નહીં કરે. પરંતુ કારઉત્પાદકોને, ઍડવર્ટાઈઝમાં ઘડિયાળનો અવાજ સંભળાતો હશે એ વાક્ય ગમ્યું નહીં. તેમણે નક્કી કર્યુ કે એન્જિન સ્ટાર્ટ કરતાં ઘડિયાળનો અવાજ પણ સંભળાવો ન જોઈએ. આવા દીર્ઘદ્રષ્ટા અસંતુષ્ટો થકી જ આજે એ કારની કીર્તિ દુનિયામાં પ્રસરી છે.

આજે સમગ્ર જગતમાં વિસ્તરતી બી.એ.પી.એસ. સંસ્થાને કક્ષાએ લઈ જનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આ જ આ સિદ્ધાંતને અનુસરતું રહ્યું હતું. તેથી જ તેઓ પોતાના જીવનકાળ દરમિયાન અઢી લાખ ઘરોની પર્સનલ વિઝિટ લઈ શક્યા, સાઠ દેશોમાં અને અઢાર હજાર ગામોમાં વિચરણ, ૧૨૦૦થી વધુ મંદિરો અને ૧૦૦૦થી વધુ સુશિક્ષિત સંતોની ભેટ દુનિયાને આપી શક્યા. આવા મહાપુરુષોને જોઈને જ કદાચ કહેવત પડી હશેઃ સુધારાને કોઈ સરહદ નથી અને પ્રગતિને કોઈ પૂર્ણવિરામ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

 

દક્ષિણ આફ્રિકામાં ગેસ ગળતર થવાથી ત્રણ બાળકો સહિત 16નાં મોત

જોહાનિસબર્ગઃ જોહાનિસબર્ગની પાસે બોક્સબર્ગ શહેરમાં એક સિલિન્ડરમાંથી ઝેરી ગેસનું ગળતર થવાને કારણે ત્રણ બાળકો સહિત કમસે કમ 16 લોકોનાં મોત થયાં છે, એમ પોલીસે એ માહિતી આપી હતી. ઇમર્જન્સી સેવાઓના જણાવ્યાનુસાર કમસે કમ 24 લોકોના માર્યા જવાની આશંકા છે. પોલીસ અને ઇમર્જન્સી સેવા દ્વારા બતાવવામાં આવેલી મૃતક સંખ્યા વચ્ચે તફાવત કેમ? એ હજી સ્પષ્ટ નથી.

પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના જોહાનિસબર્ગના પૂર્વ વિસ્તારમાં બોક્સબર્ગ શહેરની એક વસતિમાં થયો હતો. ઇમર્જન્સી સેવાઓના પ્રવક્તા વિલિયમ નતલાડીએ જણાવ્યું હતું કે એન્જેલો વસતિમાં એક ઝૂંપડીમા રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરથી ગળતર થવાને કારણે એ દુર્ઘટના થઈ હતી. મૃતકોમાં ત્રણ બાળકોની વય 1, છ અને 15 વર્ષની હતી. તેમણે જણાવ્યું હતું કે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  

ગેસ ગળતર હવે બંધ થઈ ગયું છે અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. નતલાડીએ કહ્યું હતું કે મૃતદેહો ઘટનાસ્થળ અને એની આસપાસ પડેલા છે. તેમણે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ અને નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બોક્સબર્ગમાં ગયા વર્ષે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પેટ્રોલિયમ ગેસ લઈ જઈ રહેલો એક ટ્રક પૂલ નીચે ફસાઈ જવાથી અને વિસ્ફોટ થવાથી 41 લોકોનાં મોત થયાં હતાં. જોકે આ વિસ્તાર ગેરકાયદે ખનનથી જોડાયેલો છે, કેમ કે જોહાનિસબર્ગની આસપાસનાં ક્ષેત્રોમાં સોનાનો ભંડાર છે.

 

 

 

કોરાનાના 42 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,449 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,910 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,087 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1452એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 53,590 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.26 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,41,404 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 466 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘એકનાથ શિંદે જ CM તરીકે ચાલુ રહેશે’: મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખની જાહેરાત

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું છે કે રાજ્યમાં એકનાથ શિંદેના મુખ્યપ્રધાન પદ વિશે વિરોધપક્ષો ગૂંચવણ ઊભી કરી રહ્યા છે, પરંતુ રાજ્યના સીએમ પદે શિંદે જ ચાલુ રહેશે.

બાવનકુળેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ સહિત અમારા તમામ વરિષ્ઠ નેતાઓએ કહી દીધું છે કે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે જ યથાવત્ રહેશે. એ રાજ્યમાં સરસ કામગીરી બજાવી રહ્યા છે. વિરોધપક્ષો નાહકની ગૂંચવણ પેદા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને શિવસેના-ભાજપ ગઠબંધનની શિંદે સરકાર સાથે જોડાઈ ગયેલા અજિત પવાર એવું બોલ્યા હોવાનું મનાય છે કે, તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન બનવા માગે છે. શિંદે સરકારે અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. મહારાષ્ટ્રમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. સાથોસાથ, લોકસભાની ચૂંટણી પણ નિશ્ચિત છે.

‘ટ્વિટર કિલર’: ઝુકરબર્ગની ‘મેટા’એ લોન્ચ કરી ‘થ્રેડ્સ’ એપ

ન્યૂયોર્કઃ ‘ટ્વિટર’ હાલ વિવાદના વંટોળમાં ફસાયેલી છે ત્યારે ‘મેટા’ કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે ટ્વિટરના માલિક ઈલોન મસ્કને એક વધુ ફટકો માર્યો છે. એમણે પોતાના જ ગ્રુપની માલિકીના ‘ઈન્સ્ટાગ્રામ’ પ્લેટફોર્મના ટેક્સ્ટ-આધારિત સોશ્યલ મિડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘થ્રેડ્સ’ને લોન્ચ કરી દીધું છે. આ એપ ટ્વિટરનો સીધો મુકાબલો કરવા માટે શરૂ કરવામાં આવી છે. થ્રેડ્સ એપ પર પ્રથમ પોસ્ટ ઝુકરબર્ગે મૂકી છે અને એમાં તેમણે લખ્યું છે: ‘ચાલો આ કરીએ. થ્રેડ્સમાં તમારું સ્વાગત છે.’ આ લખાણની સાથે એમણે ફાયર (આગ)નું ઈમોજી પણ મૂક્યું છે. દેખીતી રીતે એમના કહેવાનો ઈશારો એવો છે કે થ્રેડ્સ શરૂ થતાં એના હરીફો ભલે ઈર્ષ્યાથી બળી જાય.

થ્રેડ્સ એપ લોન્ચ કરાયા બાદ પહેલા બે જ કલાકમાં 20 લાખ લોકોએ તેમાં સાઈન-અપ કર્યું હતું.

થ્રેડ્સ એપ ટ્વિટર જેવા જ ફિચર્સવાળી છે. યૂઝર્સ એમાં ટૂંકી ટેક્સ્ટ પોસ્ટ મૂકી શકે છે, કોઈની પોસ્ટને લાઈક કરી શકે છે, રી-પોસ્ટ કરી શકે છે અને જવાબ પણ આપી શકે છે. થ્રેડ્સમાં તમે 500-અક્ષરોવાળી લાંબી પોસ્ટ મૂકી શકો છો અને એમાં તમે કોઈ વેબસાઈટ લિન્ક, તસવીરો અને પાંચ મિનિટ લાંબા વિડિયો પણ સામેલ કરી શકો છો. ટ્વિટર પર રેગ્યૂલર યૂઝર્સ માટે પ્રતિ પોસ્ટમાં અક્ષરોની મર્યાદા 280ની છે. ટ્વિટરના બ્લૂ ધારકોને મહત્તમ 10,000 અક્ષરોનો લાભ મળે છે અને એમને બોલ્ડ તથા ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગનો સપોર્ટ પણ મળે છે. થ્રેડ્સએપ 100થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે. તે એપલ એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર, એમ બંને પર ઉપલબ્ધ છે.

ફેસબુક સ્થાપક ઝુકરબર્ગે 11 વર્ષમાં પહેલી વાર ટ્વીટ કર્યું છે. એમાં તેમણે સ્પાઈડરમેન પાત્રના બે હરીફ રેખાચિત્રો દર્શાવ્યા છે. આ પોસ્ટ દ્વારા એમણે બળાબળની કસોટી માટે ઈલોન મસ્કને પડકાર ફેંક્યો છે. ઝુકરબર્ગના ટ્વીટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને 44.5 હજાર લાઈક્સ મળ્યા હતા. ઝુકરબર્ગે છેલ્લે 2012ના જાન્યુઆરીમાં ટ્વીટ કર્યું હતું.

સુવિચાર – ૦૬ જૂલાઈ, ૨૦૨૩

સુવિચાર – ૦૬ જૂલાઈ, ૨૦૨૩

૦૬ જૂલાઈ, ૨૦૨૩

૦૬ જૂલાઈ, ૨૦૨૩