Home Blog Page 2712

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ જૂલાઈ, ૨૦૨૩

ભારે વરસાદને પગલે ટામેટાં, શાકભાજીની કિંમતો ભડકવાની વકી

નવી દિલ્હીઃ ટામેટાંની આકાશને આંબતી કિંમતોએ સામાન્ય લોકોના ઘરનું બજેટ બગાડી નાખ્યું છે. હાલ ટામેટાંની કિંમતો રૂ. 150ની આસપાસ છે. જોકે ટામેટાં કિંમતો ઓર વધાવાની આશંકા છે. ટામેટાં સિવાય અન્ય શાકભાજી કોબી, ફ્લાવર, કાકડી જેવી શાકભાજીઓ મોંઘી થવાની શક્યતા છે.

કેટલાંય રાજ્યોમાં ટામેટાં પ્રતિ કિલો રૂ. 200 સુધી વેચાઈ રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં જારી રહેલા ભારે વરસાદને કારણે પાકોની લણણી થઈ શકી નથી અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે ટામટાંના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્સના ડિરેક્ટર એસકે સિંહે જણાવ્યું હતું કે ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદે ટામેટાં, ફ્લાવર, કોબી અને સિમલા મરચાં વગેરેનો મોટા ભાગનો પાક નષ્ટ થયો છે અથવા ખરાબ થઈ ગયો છે. વળી, આ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જળ ભરાવો થવાને કારણે વાઇરસ અને મુરઝાઈને ખરાબ થયો છે. આ કારણે આ શાકભાજીના સપ્લાયમાં પ્રતિકૂળ અસર પડશે. એ સાથે આ શાકભાજીઓની કિંમતો પહેલાની તુલનાએ હજી ઉપર જશે. આ સીઝનમાં આ શાકભાજીની મોટા ભાગનો સપ્લાય દિલ્હી સહિત મોટા ભાગનાં દેશોમાં થાય છે.

સામાન્ય જનતા શાકભાજીની કિંમતોમાં વધારાને પગલે દાળો અને કઠોળના વપરાશમાં વધારો કરે એવી શક્યતા છે, જેથી દાળો-કઠોળની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તાઓ બંધ છે. જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે એક સપ્તાહમાં શાકભાજીની કિંમતો બે ગણા થયા અને એના વેચાણમાં 40 ટકા સુધી ઘટાડો થયો છે.

 

 

 

 

 

દીપિકા પાદુકોણ સાથે છૂટાછેડાના સમાચાર પર રણવીર સિંહે લગાવી બ્રેક, અભિનેત્રી સાથેની રોમેન્ટિક તસવીર કરી શેર

અભિનેતા રણવીર સિંહ 6 જુલાઈના રોજ 38 વર્ષના થઈ ગયા. રણવીર સિંહ અલીબાગમાં તેમની પત્ની દીપિકા પાદુકોણ સાથે પોતાનો ખાસ દિવસ સેલિબ્રેટ કર્યો. રિપોર્ટ્સ અનુસાર, બંનેએ લગભગ એક અઠવાડિયું તેમના અલીબાગવાળા બંગલામાં વિતાવ્યું.

રણવીરસિંહે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીપિકા પાદુકોણ સાથેની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી. તસવીરમાં બંને ક્રુઝ પર હસતા જોવા મળી રહ્યા છે. રણવીર સિંહે તસવીર શેર કરીને લખ્યું- જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર.

છૂટાછેડાની ઉડી હતી અફવા
તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર રણવીર સિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી. આ વાતથી રણવીર સિંહના ફેન્સ નારાજ થઈ ગયા હતા અને દીપિકા પાદુકોણ પાસે જવાબ માંગી રહ્યા હતા. એટલું જ નહીં લોકો એવું પણ કહેવા લાગ્યા કે બંનેના છૂટાછેડા થવાના છે. જોકે, થોડા દિવસો પછી દીપિકા પાદુકોણે રણવીર સિંહ માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને આ સમાચારને નકારી કાઢ્યા.

2018માં કર્યા હતા લગ્ન
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ગોલિયોં કી રાસલીલા: રામ લીલા દરમિયાન એકબીજા સાથે પ્રેમ થયો હતો. લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ 2018માં લગ્ન કરી લીધા હતા.

રણવીર સિંહ -દિપીકા પાદુકોણનું વર્ક ફ્રંટ
રણવીર સિંહ ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. તેનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. તેમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે. જ્યારે દીપિકા પ્રોજેક્ટ Kમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દિશા પટણી, કમલ હાસન સાથે જોવા મળશે.

ઉત્તર કોરિયાની અમેરિકી જાસૂસી વિમાન તોડી પાડવાની ધમકી

બ્રસેલ્સઃ ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાએ જાસૂસી ગતિવિધિઓ યુદ્ધ સ્તરે વધારી દીધી છે. છેલ્લા આઠ દિવસોની અંદર અમેરિકી જાસૂસી વિમાનોએ ઉત્તર કોરિયાની હવાઈ સીમાઓનું ઉલ્લંઘન કરતાં ભડકાઉ ઉડાનો ભરી હતી. એ સાથે પૂર્વ સમુદ્રી ક્ષેત્રની હવાઈ સીમાનું પણ કેટલીય વાર હનન કર્યું છે. ઉત્તર કોરિયાની કેન્દ્રીય ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકાના એરફોર્સના એવા વિમાનને દેશના પૂર્વ સમુદ્રી ક્ષેત્ર તોડી નહીં પડાય એવી ગેરંટી ના આપી શકાય.

ઉત્તર કોરિયાની સાથે તનાવપૂર્ણ સંબંધોને જોતાં એપ્રિલમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાની વચ્ચે સૈન્ય સહયોગ પર સહમતી બની હતી. એના માટે બેલેસ્ટિક મિસાઇલોથી લેસ અમેરિકાની એક સબમરીન તહેનાત કરવાની તૈયારી છે. જૂનમાં અમેરિકાની આર્મીએ સંયુક્ત અભ્યાસ માટે એક સબમરીન દક્ષિણ કોરિયા મોકલી હતી, જે ક્રૂઝ મિસાઇલથી લેસ હતી.  

ઉત્તર કોરિયાના પરિમાણુ કાર્યક્રમોથી નાટોમાં હડકંપ

ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમોને પગલે પડોશી દેશ દક્ષિણ કોરિયા સહિત ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પર અમેરિકા સહિત કોઈ પણ દેશની ચેતવણીઓ, ધમકીઓ કે પ્રતિબંધોની કોઈ અસર નથી થતી. તેઓ સતત એક પછી એક પરમાણુ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યા છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુ સુક યેઓલે કહ્યું હતું કે ઉત્તર કોરિયાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાને અટકાવવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સંકલ્પને સ્પષ્ટ રૂપે પ્રદર્શિત કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે તેમની આ સપ્તાહે નાટો (NATO)ના નેતાઓની સાથે ઉત્તર કોરિયાના વધતા હથિયાર ભંડારોથી નિપટવા માટે ચર્ચા કરવાની યોજના છે.

 

 

 

 

PM મોદીને મળશે લોકમાન્ય તિલક એવોર્ડ, શરદ પવાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ પીએમ મોદીને 1 ઓગસ્ટના રોજ આપવામાં આવશે. આયોજકોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા બદલ તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાનની આ ઉપલબ્ધિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું.

સીએમ શિંદેએ લખ્યું, તાજેતરમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ તેમને 1 ઓગસ્ટના રોજ આપવામાં આવશે. આ અવસર પર પીએમ મોદીને જનતા તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ.

ટ્રસ્ટના ચેરમેને શું કહ્યું?

ટ્રસ્ટના પ્રમુખ દીપક તિલકે જણાવ્યું હતું કે, તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ (હિંદ સ્વરાજ સંઘ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનના સર્વોચ્ચ નેતૃત્વ હેઠળ ભારતે આત્મનિર્ભર ભારતની કલ્પના હેઠળ પ્રગતિની સીડીઓ ચઢી છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી અને ભારતને વૈશ્વિક નકશા પર મુક્યું. તેમની દ્રઢતા અને પ્રયત્નોને ઓળખીને અને તેમના કાર્યને ઉજાગર કરતા, તિલક સ્મારક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સર્વાનુમતે તેમને એવોર્ડ માટે પસંદ કર્યા. આયોજકોએ જણાવ્યું કે એનસીપીના વડા શરદ પવારને એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

દીપક તિલકે કહ્યું કે આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવેલા લોકોને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારનો સમાવેશ થાય છે. ટ્રસ્ટી તરીકે પૂર્વ સુશીલ કુમાર શિંદે પણ હાજર રહેશે. આ એવોર્ડ ટ્રસ્ટના પ્રમુખ દીપક તિલક દ્વારા આપવામાં આવશે, જે અગાઉ હિંદ સ્વરાજ સંઘ તરીકે ઓળખાતું હતું.

 

પીએમ મોદી અને શરદ પવારની બેઠક પર બારીકાઈથી નજર રાખવામાં આવશે

મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમને જોતા તમામની નજર પીએમ મોદી અને શરદ પવારની આ બેઠક પર રહેશે. એનસીપીમાં ભાગલા પડ્યા બાદ પાર્ટીના મોટાભાગના નેતાઓએ અજિત પવારનો પક્ષ લીધો છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. NCPથી અલગ થયેલા ઘણા નેતાઓ પણ કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે. શરદ પવારે શનિવારે એક રેલીમાં પુનરોચ્ચાર કર્યો હતો કે પીએમએ હવે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

JDU-RJD વચ્ચેનો તણાવ ખતમ! તેજસ્વી સાથેની બેઠકમાં નીતિશ કુમારે લીધો આ નિર્ણય

RJD અને JDUની ગઠબંધન સરકાર નવી-નવી બની હતા. વાત ગયા વર્ષની છે. એક દિવસ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ચા અને પકોડાનો રાઉન્ડ ચાલ્યો. બેઠક પૂરી થયા બાદ તમામ મંત્રીઓ રૂમમાંથી બહાર નીકળ્યા. બહાર મીડિયાકર્મીઓ રાહ જોઈ રહ્યા હતા. નીતિશ કુમારના એક નજીકના મંત્રીએ તેજસ્વી યાદવ વિરુદ્ધ નિવેદન આપ્યું. આ નિવેદન પર હોબાળો મચી ગયો. વાત તેજસ્વી યાદવ સુધી પણ પહોંચી. તેમણે ફોન કરીને મુખ્યમંત્રી નીતીશ કુમારને આ અંગે જાણકારી આપી.

ત્યારબાદ નીતીશ કુમારે મંત્રીજીને ફોન કર્યો અને તેમને તેજસ્વી યાદવને મળીને માફી માંગવા જણાવ્યું. મંત્રીજી ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા, કારણ કે તેમણે તો નીતિશ કુમારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. પરંતુ અહીં મામલો ઉલટો પડી ગયો. તેઓ મુખ્યમંત્રીના આદેશને ટાળી શક્યા નહોતા અને અંતે તેમને તેજસ્વી યાદવને મળવું પડ્યું અને માફી માંગવી પડી. આ કહાનીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે રાજકારણમાં ઘણી વખત દેખાય છે, તેવું હોતું નથી. આ વખતે પણ એ જ કહાનીનું પુનરાવર્તન થયું.

JDU-RJD વચ્ચે તણાવના સમાચારનો અંત આવ્યો
જેડીયુ અને આરજેડી વચ્ચે ક્યાંય કોઈ અણબનાવ નથી. લાલુ યાદવ અને નીતિશ કુમાર વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ વિદેશથી પરત આવ્યા છે. આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એકસાથે વિધાનસભા પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જેડીયુ અને આરજેડી વચ્ચે તણાવ ચાલી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. આ પ્રકારની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે નીતિશ કુમાર ફરીથી પક્ષ બદલી શકે છે. કેટલાક લોકોએ તેમના ભાજપમાં જોડાવાની વાત પણ શરૂ કરી દીધી હતી.

આરજેડીના કેટલાક નેતાઓ આપી રહ્યા હતા વિચિત્ર નિવેદનો
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સાથે નીતિશ કુમારની મુલાકાતે આ સમાચારને વધુ હવા આપી હતી. જે બાદ આરજેડીના કેટલાક નેતાઓએ જેડીયુ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેજસ્વી યાદવ વિદેશમાં હતા અને આરજેડીના કેટલાક નેતાઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા હતા. કોઈને નહોતું સમજાતું કે આખરે શું થઈ રહ્યું છે?

આજે સ્પષ્ટ થઈ ગયું ચિત્ર
લાલુ અને તેજસ્વીની નજીકના આરજેડીના એમએલસી સુનિલ સિંહે તો મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ અભિયાન પણ ખોલી દીધું હતું. રાબડી દેવી પાસે રાખડી બંધાવવાને કારણે લોકો તેમને લાલુ યાદવના સાળા પણ કહે છે. આરોપ લગાવનારાઓ તો ત્યાં સુધી કહેતા હતા કે આ બધું તેજસ્વી યાદનના ઈશારે થઈ રહ્યું હશે. જેડીયુ અને આરજેડી વચ્ચે આગ લગાવવાનો ભાજપને મોકો મળ્યો હતો. પરંતુ આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું.

નિવેદનો આપનારા નેતાઓનો લીધો ઉધડો
વિદેશથી પરત ફર્યા બાદ તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર વચ્ચે ફોન પર જ લાંબી વાતચીત થઈ ગઈ. એવું નક્કી કરવામાં આવ્યું છે કે નીતિશ કુમાર પોતે જ નિંદાજનક નિવેદનો આપનારા નેતાઓની ક્લાસ લેશે. તે પણ બધાની સામે. રાજકીય સંદેશ આપવા માટે આવું કરવાનું નક્કી કરાયું. નીતીશ કુમારે બેઠકમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવના નજીકના નેતા સુનીલ સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુનીલ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.

નીતિશ કુમારે લીધો છે આ નિર્ણય
નીતિશ કુમાર પહેલા જ આ જાહેરાત કરી ચૂક્યા છે કે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડવામાં આવશે. નીતિશ કુમારે તેજસ્વી યાદવને પોતાના રાજકીય ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. આ ઉપરાંત નીતિશ કુમારે વધુ એક નિર્ણય લીધો છે. તેજસ્વી યાદવ સાથેની મીટિંગમાં નક્કી થયું કે બધા એકસાથે બેંગ્લોર જશે. નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, લલન સિંહ, મનોજ ઝા અને સંજય ઝા ચાર્ટર્ડ પ્લેનમાં પટનાથી એકસાથે બેંગલુરુ પહોંચશે. કોંગ્રેસ પાર્ટીએ 17 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે.

IPO માર્કેટમાં વરસાદઃ આ સપ્તાહે પાંચ ખૂલશે, છનાં લિસ્ટિંગ થશે

નવી દિલ્હીઃ IPO રોકાણકારો માટે આ સપ્તાહ ઘણું વ્યસ્ત રહેવાનું છે. આ સપ્તાહે પાંચ કંપનીઓના IPO ખૂલશે તો છ કંપનીઓના શેરોની ઘરેલુ માર્કેટમાં લિસ્ટિંગ થશે. આ સપ્તાહે જે IPO ખૂલવાનો છે એમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO છે. આ સિવાય જે ત્રણ IPO સબસ્ક્રિપ્શન માટે ખૂલશે, એના શેર SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. PVC કેબિનેટ અને ફર્નિચર બનાવતી કારા ઇન્ડસ્ટ્રીઝ (KaKa Ind)નો IPO 10 જુલાઈ ખૂલશે. આ IPOમાં રૂ. 55-58ની પ્રાઇસ બેન્ડમાં પૈસા લગાવી શકશો. આ કંપનીના શેરો BSE SME પર લિસ્ટ થશે.

આ સિવાય સોલર એનર્જી સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવતી અહાલસોર ટેકનો રૂ. 12.85 કરોડનો IPO 10 જુલાઈએ ખૂલશે. આ ઇશ્યુનો ભાવ રૂ. 157 છે. આ ઇશ્યુ 13 જુલાઈએ બંધ થશે. આ સિવાય સ્ટોકિંગ અને આઉટસોર્સિંગ સર્વિસિસ ઉપલબ્ધ કરાવતી કંપની સર્વિસ કેરનો IPO 14 જુલાઈથી 18 જુલાઈ સુધી ખલ્લો રહેશે. કંપનીએ હજી એની પ્રાઇસ બેન્ક નક્કી નથી કરી. એક ડ્રોન ટ્રેનિંગ કંપની ડ્રોન ડેસ્ટિનેશનનો IPO ગયા સપ્તાહે સાત જુલાઈએ ખૂલ્યો હતો, જે 13 જુલાઈ સુધી ખુલ્લો રહેશે અને ડિજિટલ ટેક સર્વિસિઝ કંપની એક્સિલરેટ BSનો IPO 11 જુલાઈ સુધી ખુલ્લો રહેશે.

વળી, આ સપ્તાહે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગથી જોડાયેલી સર્વિસિસ આપતી Cyient DLMનું આજે લિસ્ટિંગ હતું, જે રૂ. 401માં લિસ્ટ થયા હતા, જે પછી 426.45નો હાઇ બનાવ્યો હતો. કંપનીનો ઇસ્યુ ભાવ રૂ. 317 હતો. જ્યારે SME સેગમેન્ટમાં આ સપ્તાહે ચાર કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું.

 

 

 

 

 

 

ફરી ‘ચિરાગ’થી ઝળાંહળાં થશે NDA સરકાર?

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના NDAમાં સામેલ થવાની અટકળો તેજ થઈ ગઈ છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે તે પાર્ટી નેતાઓની સાથે બે-ત્રણ બેઠકો પછી આગામી 2024 લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવા સંબંધે નિર્ણય લેશે. બિહારમાં પટનામાં પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્યના પદાધિકારીઓની એક મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટીના નેતાઓએ તેમને ગઠબંધન બાબતે કોઈ પણ નિર્ણય લેવા માટે મંજૂરી આપી છે.

પાસવાને કહ્યું હતું કે હજી ગઠબંધન પર જાહેરમાં વાત કરવી સારી નહીં હોય. કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાના સવાલને તેમણે ટાળી દીધો હતો. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની સ્થાપના ઓક્ટોબર, 2021માં થઈ હતી. ચિરાગના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિકુમાર પારસની સાથે મતભેદ થયા હતા, જે પછી તેમણે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે. થોડાક દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એમાં ચિરાગ પાસવાનને જગ્યા મળે એવી શક્યતા છે.ચિરાગ પાસવાન બિહારના જમુઈથી લોકસભાના સાંસદ છે. આ બેઠક પછી રાયે કહ્યું હતું કેં 23 જૂને પટનામાં વિરોધ પક્ષોની બેઠકની ટીકા કરતાં કહ્યું હતું કે વિપક્ષી એકતા વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાના ડરને કારણે છે.

તેમણે કહ્યું હતું કે રામ વિલાસ પાસવાન અને ભાજપે લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને મળવું એ સારી વાત છે.બિહાર વિધાનસભા ચૂંટણી-2020માં LJP એક સીટ જીતીને માત્ર 5.66 ટકા હિસ્સો હાંસલ કર્યો હતો. જોકે LJPના ચૂંટણી ચિહ્ન હેઠળ જીતનાર એકમાત્ર વિધાનસભ્યએ ટૂંક સમયમાં JD (U) જોઇન કરી લીધું હતું.

 

 

 

 

ઈશા અંબાણીનાં નેતૃત્ત્વની કમાલ; કંપનીનું માર્કેટ મૂલ્ય રૂ.7,00,000 કરોડને પાર

મુંબઈઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી એમના રિલાયન્સ સામ્રાજ્યમાં અનેક વ્યાપારની લગામ ધીમે ધીમે એમના પરિવારની નવી પેઢીને સુપરત કરી રહ્યા છે. એમના પુત્રી ઈશા અંબાણી-પિરામલ રિલાયન્સ રીટેલ કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. કોવિડ-19 મહામારીને કારણે અર્થતંત્ર મંદ પડી ગયું હતું, પરંતુ તાજેતરના સમયમાં રિલાયન્સ રીટેલ કંપનીએ જબરદસ્ત હરણફાળ ભરી છે.

રોઈટર્સ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, રિલાયન્સ રીટેલનું માર્કેટ મૂલ્ય, જે 2020માં 57 અબજ ડોલર (રૂ. 7,60,062 કરોડ) હતું, તે હવે વધીને 92-96 અબજ ડોલર (રૂ. 7,94,265 કરોડ) થઈ ગયું છે, એવું બે વૈશ્વિક કન્સલ્ટન્ટ કંપની – BDO અને EYએ હાથ ધરેલા સર્વેક્ષણના તારણ પરથી જાણવા મળ્યું છે. સર્વેના આ મૂલ્યાંકન પરથી એવો નિર્દેશ મળી શકે છે કે કંપની નજીકના ભવિષ્યમાં જાહેર ભરણું લાવી શકે છે.

રિલાયન્સ રીટેલમાં કેકેઆર, સાઉદી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, જનરલ એટલાન્ટિક અને મુબાદલા (યૂએઈ) જેવા દિગ્ગજ ઈન્વેસ્ટરોએ હિસ્સો ખરીદ્યો છે. કંપની આ ઉપરાંત બર્બેરી, ટીફેની જેવી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ કરી રહી છે. શેરબજારોમાં રિલાયન્સ રીટેલનો શેર હાલ લિસ્ટેડ નથી. EYના કહેવા મુજબ રિલાયન્સ રીટેલના શેરની કિંમત રૂ. 884.03 છે જ્યારે BDOના કહેવા મુજબ આ કિંમત રૂ. 849.08 છે.

મોસમની વાર્ષિક સરેરાશનો 31.17 ટકા વરસાદ પડી ચૂક્યો છે

મુંબઈઃ શહેરમાં ચોમાસાની ઋતુના વાર્ષિક સરેરાશ 2,547 મિ.મી.નો 31.17 ટકા વરસાદ આજે સવાર સુધીમાં પડી ચૂક્યો હતો. આ વર્ષે મુંબઈમાં ચોમાસું એક પખવાડિયું મોડું બેઠું હતું. સામાન્ય રીતે 10 જૂનથી મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું બેસી જાય છે, પરંતુ આ વખતે છેક 25 જૂને બેઠું હતું.

ભારતીય હવામાન કચેરીની સાંતાક્રુઝ ઉપનગરસ્થિત કચેરીના જણાવ્યા મુજબ, શહેરના ઉપનગર વિસ્તારોમાં 15 દિવસમાં 1,043.8 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ મુંબઈના કોલાબા કાર્યાલયના જણાવ્યા મુજબ, શહેરના તળ વિસ્તારોમાં 658.7 મિ.મી. વરસાદ પડ્યો છે. ઉપનગરોમાં વાર્ષિક સરેરાશનો 31 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે તળ વિસ્તારોમાં 28.52 ટકા વરસાદ પડ્યાની નોંધ થઈ છે. ઉપનગરોમાં વરસાદની વાર્ષિક સરેરાશ 2,784 મિ.મી. છે જ્યારે તળ વિસ્તારોની સરેરાશ 2,310 મિ.મી. છે.

ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ઉપનગરો (સાંતાક્રુઝ)માં 1,106.6 મિ.મી. અને તળ વિસ્તારોમાં 1,015 મિ.મી. વરસાદ પડ્યો હતો.