ફરી ‘ચિરાગ’થી ઝળાંહળાં થશે NDA સરકાર?

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના NDAમાં સામેલ થવાની અટકળો તેજ થઈ ગઈ છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે તે પાર્ટી નેતાઓની સાથે બે-ત્રણ બેઠકો પછી આગામી 2024 લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવા સંબંધે નિર્ણય લેશે. બિહારમાં પટનામાં પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્યના પદાધિકારીઓની એક મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ચિરાગ પાસવાને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટીના નેતાઓએ તેમને ગઠબંધન બાબતે કોઈ પણ નિર્ણય લેવા માટે મંજૂરી આપી છે.

પાસવાને કહ્યું હતું કે હજી ગઠબંધન પર જાહેરમાં વાત કરવી સારી નહીં હોય. કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાના સવાલને તેમણે ટાળી દીધો હતો. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની સ્થાપના ઓક્ટોબર, 2021માં થઈ હતી. ચિરાગના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિકુમાર પારસની સાથે મતભેદ થયા હતા, જે પછી તેમણે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે. થોડાક દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એમાં ચિરાગ પાસવાનને જગ્યા મળે એવી શક્યતા છે.ચિરાગ પાસવાન બિહારના જમુઈથી લોકસભાના સાંસદ છે. આ બેઠક પછી રાયે કહ્યું હતું કેં 23 જૂને પટનામાં વિરોધ પક્ષોની બેઠકની ટીકા કરતાં કહ્યું હતું કે વિપક્ષી એકતા વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાના ડરને કારણે છે.

તેમણે કહ્યું હતું કે રામ વિલાસ પાસવાન અને ભાજપે લોકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને મળવું એ સારી વાત છે.બિહાર વિધાનસભા ચૂંટણી-2020માં LJP એક સીટ જીતીને માત્ર 5.66 ટકા હિસ્સો હાંસલ કર્યો હતો. જોકે LJPના ચૂંટણી ચિહ્ન હેઠળ જીતનાર એકમાત્ર વિધાનસભ્યએ ટૂંક સમયમાં JD (U) જોઇન કરી લીધું હતું.