Home Blog Page 2599

આઇસી15 ઇન્ડેક્સ વધુ 780 પોઇન્ટ ગગડ્યો

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે આગામી દિવસોમાં વ્યાજદરમાં હજી વધારો કરવામાં આવવાની શક્યતા વ્યક્ત કરી એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું અને સ્ટૉક ઇન્ડેક્સ પણ ઘટ્યા હતા. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.04 ટકા (780 પોઇન્ટ) ઘટીને 37,381 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,161 ખૂલીને 38,202ની ઉપલી અને 37,032 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાં શિબા ઇનુમાં 8.20 ટકાનો સૌથી વધુ ઘટાડો થયો હતો. યુનિસ્વોપ, લાઇટકોઇન અને ડોઝકોઇન 4થી 7 ટકાની રેન્જમાં ઘટ્યા હતા તથા બિટકોઇન 29,000 ડોલરની સપાટીની નીચે પહોંચી ગયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ કોઇનબેઝે અરજી કર્યાનાં લગભગ બે વર્ષ બાદ નેશનલ ફ્યુચર્સ એસોસિયેશને એને અમેરિકામાં ક્રીપ્ટો ફ્યુચર્સ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. બીજી બાજુ, અબુ ધાબી ગ્લોબલ માર્કેટે વર્ચ્યુઅલ એસેટ પ્લેટફોર્મ એમટુને ફાઇનાન્શિયલ સર્વિસીસ પરમિશન લાઇસન્સ આપ્યું છે.

અન્ય એક અહેવાલ મુજબ ફંડ્સટ્રેટ કંપનીએ અંદાજ વ્યક્ત કર્યો છે કે સ્પોટ બિટકોઇન ઈટીએફને નિયમનકારી મંજૂરી મળી જાય તો બિટકોઇનનો ભાવ 2024ના અંત સુધીમાં વધીને આશરે 1,50,000 ડોલર થઈ શકે છે.

‘શિખર ધવનને જોઈએ એટલું મહત્ત્વ અપાતું નથી’

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં, ખાસ કરીને આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં ટોપ ઓર્ડરમાં શિખર ધવને બેટિંગ દેખાવમાં બતાવેલા સાતત્યની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે લોકો ધવનને તે જેટલો હકદાર છે એટલું મહત્ત્વ આપતા નથી.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર એક વિશેષ શોમાં વાતચીત કરતાં શાસ્ત્રીએ આગામી એશિયા કપ અને આઈસીસી મેન્સ વર્લ્ડ કપ-2023 સ્પર્ધાઓ વિશે પોતાનો દ્રષ્ટીકોણ રજૂ કર્યો હતો. ભારતીય ટીમની બેટિંગ લાઈન-અપ વિશે બોલતાં પોતાના વિચારો દર્શાવતા શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં શિખર ધવન જેવા અનુભવી ખેલાડી હોય તો ઘણો ફરક પડી શકે. શાસ્ત્રીએ ભારતીય ટીમના ભૂતકાળના અનુભવો, ખાસ કરીને 2019ની વર્લ્ડ કપ સ્પર્ધાને લક્ષમાં રાખીને ટીમમાં ડાબોડી બેટર્સના સમાવેશ પર ભાર મૂક્યો હતો. ‘હું એ વખતે ભારતીય ટીમનો કોચ હતો. આપણે વર્લ્ડ કપમાં સરસ રમ્યા હતા, પણ સેમી ફાઈનલમાં હારી ગયા હતા. એ વખતે અમને ધવનની ખોટ મહેસુસ થઈ હતી. ટોપ ઓર્ડરમાં ત્રણ જમોડીની સામે એક ડાબોડી બેટર હોવો જોઈએ, કારણ કે એ વખતે બોલ ઘણો સ્વિંગ થતો હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે લોકો શિખર ધવનને જોઈએ એટલું મહત્ત્વ આપતા નથી. એ ગજબનો ખેલાડી છે,’ એમ શાસ્ત્રીએ વધુમાં કહ્યું.

ઉલ્લેખનીય છે કે, ધવન અત્યાર સુધીમાં આઈસીસી યોજિત 10 વર્લ્ડ કપ મેચોમાં રમ્યો છે જેમાં એણે 53.70ની સરેરાશ સાથે 537 રન કર્યા છે. એમાં તેણે ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી હતી. 2015ની વર્લ્ડ કપ સ્પર્ધામાં એણે આઠ મેચોમાં 412 રન કર્યા હતા. એ ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો અને ઓવરઓલ પાંચમો. 2019ની વર્લ્ડ કપ વખતે ઈજા થવાને કારણે એને અધવચ્ચેથી રમવાનું પડતું મૂકવું પડ્યું હતું. જોકે એણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારી હતી.

ટામેટાં પછી હવે સફરજનની કિંમતો વધવાની આશંકા

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદ અને એ પછી આવેલા પૂર અને ભૂસ્ખલને રાજ્યમાં સફરજનના બગીચાઓમાં માઠી અસર કરી છે. મોસમનો માર સફરજનના ખેડૂતો પર પડી છે. ભારે વરસાદને પગલે દિલ્હીનાં જથ્થાબંધ બજારોમાં સફરજનની સપ્લાય ચેઇનને પ્રતિકૂળ અસર કરી છે. ફળોના વેપારીઓએ કહ્યું હતું કે ટામેટાં પછી હવે સફરજનની કિંમતોમાં વધારાની આશંકા છે.

હિમાચલ પ્રદેશ દિલ્હી-NCRના જથ્થાબંધ બજારોમાં પ્લમ, સફરજન સહિત અન્ય ફળોનો સૌથી મોટું સપ્લાયકર્તા રાજ્ય છે. ફળોના એક વેપારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સફરજનની એક પેટીની કિંમત આશરે રૂ. 1000 હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે એની કિંમતો રૂ. 2000થી રૂ. 3500 પેટી થઈ ચૂકી છે. આ સિવાય હાઇવેઝ અને અન્ય રસ્તાઓ બંધ થવાને કારણે ખેડૂતો ફળોને એક જ ટ્રકમાં પેક કરી રહ્યા છે, જેથી આ ફ્રૂટ જલદી સડી જાય છે.

આઝાદપુર મંડીમાં એક ફળના વેપારી મોહમ્મદ ઇમરાને કહ્યું હતું કે સફરજનનો હાલનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ભૂસ્ખલનને કારણે તાજો સપ્લાય થઈ નથી રહ્યો. હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસાના 54 દિવસોમાં 742 મિની વરસાદ થયો છે. જુલાઈમાં રાજ્યમાં થયેલા વરસાદે છેલ્લાં 50 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રમુખ ઓમકાર ચંદ શર્માએ કહ્યું હતું કે 13-15 ઓગસ્ટ સુધી પડેલા સતત વરસાદને કારણે કુલ 71 લોકોનાં મોત થયાં છે.

 

 

 

 

 

પ્રિયંકા ચોપરા-જોનસ ન્યૂયોર્કમાંની ‘સોના’ રેસ્ટોરન્ટમાંથી ભાગીદાર તરીકે હટી ગઈ

ન્યૂયોર્કઃ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરાએ 2021માં ન્યૂયોર્ક સિટીમાં ભારતીય વાનગીઓ પીરસતી ‘સોના’ નામની જે રેસ્ટોરન્ટ શરૂ કરી હતી, તેની સાથે હવે સંકળાયેલી રહી નથી. આ સમાચારને અમેરિકન ટીવી સીરિઝ ‘સિટાડેલ’ની અભિનેત્રી પ્રિયંકાનાં એક પ્રવક્તાએ ‘પીપલ’ મેગેઝિનને સમર્થન આપ્યું છે. એમણે કહ્યું છે કે, ‘સોના’ રેસ્ટોરન્ટમાં કરેલી ભાગીદારીથી 41 વર્ષીય પ્રિયંકાએ હવે અંતર કરી લીધું છે. જોકે રેસ્ટોરન્ટમાં આતિથ્ય અને ભોજનના ક્ષેત્રોમાં રસ લેવાનું તે ચાલુ રાખશે. ‘સોના’ રેસ્ટોરન્ટમાંથી હટી જવાથી પ્રિયંકા વૈશ્વિક સ્તરે એમની મહેચ્છાઓ પર વિશેષ રીતે ધ્યાન આપી શકશે.’

સોનાનાં સહ-સ્થાપક અને પ્રિયંકાનાં મિત્ર તથા ભૂતપૂર્વ બિઝનેસ ભાગીદાર મનીષ કે. ગોયલે કહ્યું કે, ‘પ્રિયંકા સાથે કામ કરવાનું મારું એક સપનું હતું જે સાકાર થયું છે. એણે કરેલી ભાગીદારી અને આપેલા સપોર્ટ બદલ અમે એનાં આભારી છીએ. હવે તે ક્રીએટિવ પાર્ટનર તરીકે અમારી સાથે નહીં રહે, પરંતુ ‘સોના’ પરિવારમાં તો યથાવત્ જ રહેશે.’

અમેરિકામાં કોરોનાવાઈરસ મહામારીના નિયંત્રણો ચાલુ હતા એ જ અરસામાં ‘સોના’ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. તે નામ પ્રિયંકાનાં ગાયક પતિ નિક જોનસે સૂચવ્યું હતું.

LIC પ્રીમિયમ વધુ હોય તો મેચ્યોરિટીની રકમ પર ટેક્સ લાગશે

નવી દિલ્હીઃ મોટા ભાગના લોકો એવું જ સમજે છે કે LICની પોલિસીની નિર્ધારિત સમયગાળા પૂરી થયા પછી મેચ્યોરિટીની જે રકમ પોલિસીધારકને મળે છે, એના પર કોઈ ટેક્સ નથી લાગતો, પણ એવી વાત નથી. લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી (LIC) માટે ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ જો રૂ. પાંચ લાખથી વધુ હોય તો સાવધાન થઈ જજો.

આવકવેરા વિભાગ તરફથી જીવન વીમા પોલિસી માટે મળનારી મેચ્યોરિટીની રકમ કલમ 10 (10 D) હેઠળ ટેક્સમાં છૂટને લઈને નવા નિયમ નક્કી કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ હાલમાં આ સંબંધમાં નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇન એ LIC પોલિસી માટે છે, જેમાં પ્રીમિયમની રકમ રૂ. પાંચ લાખથી વધુ છે અને એક એપ્રિલ, 2023 અથવા એના પછી જારી કરવામાં આવી છે. બજેટ 2023માં પ્રસ્તાવિત એ જોગવાઈ એક એપ્રિલ, 2023થી લાગુ થયા છે.

ફાઇનાન્સ બિલ, 2023 મુજબ LIC માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની રકમ પોલિસીના સમયગાળા દરમ્યાન કોઈ પણ એક નાણાકીય વર્ષમાં રૂ. પાંચ લાખથી વધુ હશે તો વીમાધારકને એ પોલિસી માટે મળનારી મેચ્યોરિટીની રકમ ટેક્સેબલ એટલે કે કરપાત્ર ગણાશે, એટલે કે મેચ્યોરિટીની રકમ પર સેક્શન 10 (10D) હેઠળ ટેક્સમાં છૂટ નહીં મળે.

જોકે એક એપ્રિલ, 2023થી પહેલાં જેમણે LIC પોલિસી લીધી, તેઓ નવા નિયમના દાયરામાં નહીં આવે. યુલિપધારક પણ આ નિયમના દાયરામાં નહીં આવે. વળી, જો વીમાધારકની પોલિસીના સમયગાળા દરમ્યાન મોત થયું હશે તો નોમિની મળનારી રકમ કરપાત્ર નહીં ગણાય.

 

 

 

 

 

 

શું છે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના..? કોને થશે લાભ..? કેવી રીતે મળશે આર્થિક મદદ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, મંગળવારે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે કૌશલ્ય સંબંધિત કાર્યોમાં રોકાયેલા કામદારોને પ્રોત્સાહન આપવા માટે વિશ્વકર્મા જયંતિના અવસર પર વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે. ત્યારે એ જાણવું જરૂરી છે કે વિશ્વકર્મા કૌશલ યોજના શું છે, એનાથી કોને લાભ થશે, અને આ યોજના અંતર્ગત કોને આવરી લેવામાં આવશે.

શું છે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023ના સામાન્ય બજેટમા આ યોજનાની જાહેરાત કરી હતી. વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને નાણાકીય સહાય પુરી પાડવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સહાયની સાથે તાલીમ, આધુનિક ટેકનોલોજી અને ગ્રીન ટેક્નોલોજીનું જ્ઞાન, બ્રાન્ડનો પ્રચાર, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે કનેક્ટિવિટી, ડિજિટલ પેમેન્ટ ઉપરાંત સામાજિક સુરક્ષા વગેરે પ્રદાન કરવામાં આવશે.

કોને મળશે લાભ..

આ યોજના અંતર્ગત લુહાર, કુંભારો, ચણતર, ધોબી, પુષ્પવિક્રેતા, માછલીની જાળી વણનાર, તાળા બનાવનાર, શિલ્પકારો વગેરેની ગણતરી કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મેળવનાર સંભવિત કારીગરોમાં થાય છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આ લોકોનું ખૂબ મહત્વનું યોગદાન છે. માટે જ કેન્દ્ર સરકારે તેમને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી છે.

કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, વધુ કૌશલ્ય કેવી રીતે વિકસાવી શકાય તેના પર ધ્યાન આપવામાં આવશે અને પરંપરાગત કામદારોને નવા પ્રકારના ઉપકરણો અને ડિઝાઇન વિશે માહિતી મળશે આ યોજના હેઠળ પરંપરાગત કામદારોને આધુનિક સાધનોની ખરીદીમાં પણ મદદ કરવામાં આવશે. યોજના હેઠળ, બે પ્રકારના કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો છે. જેમાં પ્રથમ છે મૂળભૂત અને બીજો અદ્યતન છે. કોર્સ કરનારા કામદારોને સરકાર દ્વારા રોજના રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

આ રીતે મળશે આર્થિક મદદ

પીએમ વિશ્વકર્મા યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેના પર વ્યાજ દર મહત્તમ 5 ટકા હશે. જયારે બીજા તબક્કામાં, પાત્ર કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની રાહત લોન મળશે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને પણ પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ આપવામાં આવશે. આધુનિક સાધનો ખરીદવા માટે 15 હજાર રૂપિયા આપવામાં આવશે.

આટલા કારીગરોને થશે ફાયદો

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2023-24 થી નાણાકીય વર્ષ 2027-28 સુધીના પાંચ વર્ષમાં 13,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી આ યોજના શરૂ થશે. આ અંતર્ગત એવા કામદારોને લાભ મળશે, જેઓ કૌશલ્ય સાથે જોડાયેલા કામમાં જોડાયેલા છે અને જ્યાં ગુરુ-શિષ્યની પરંપરા હજુ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી 30 લાખ પરંપરાગત કારીગરોને ફાયદો થવાની સંભાવના છે.

હિમાચલમાં મેઘ ‘કહેર’: 71નાં મોત, રૂ. 10,000 કરોડનું નુકસાન

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 71 લોકોનાં મોત થયાં છે. કેટલાક લોકો હજી પણ લાપતા છે. આ સાથે છેલ્લા બે મહિનામાં 327 લોકોનાં મોત થયાં હતાં. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ પાયાના માળખાના પુનર્નિમાણના કામને મોટો પડકાર ગણાવ્યો હતો. શિમલામાં સમર હિલના સમીપ શિવ મંદિરના કાટમાળમાં એક વધુ મહિલાના મૃતદેહ મળ્યા પછી વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં 57 લોકોના મૃતદેહ મેળવી શકાયા છે. ભૂસ્ખલન અને પૂરને કારણે મકાનોના કાટમાળમાંથી મૃતદેહો કાઢ્યા પછી મૃતકોની સંખ્યા વધી ગઈ છે. રાજ્યમાં આ વિનાશથી આશરે રૂ. 10,000 કરોડનું નુકસાન થયું છે.

રાજ્યમાં રવિવારથી થયેલા વરસાદને કારણે શિમલાના સમર હિલ, કૃષ્ણાનગર અને ફાગલી વિસ્તારોમાં ભૂસ્ખલન થયાં હતાં. રેવેન્યુ સચિવ ઓમકાર ચંદ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 71 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 13 હજી લાપતા છે.રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહે દાવો કર્યો હતો કે ભારે વરસાદને કારણે પાયાના માળખાના પુર્નર્નિર્માણમાં એક વર્ષ લાગશે. રાજ્યમાં 13,14 અને 15 ઓગસ્ટે જુલાઈની તુલનામાં સૌથી વધુ આર્થિક નુકસાન થયું છે.

ભાખરા ડેમથી પાણી છોડાયું

ભાખરા ડેમમાંથી 35 વર્ષો પછી ફ્લેડ ગેટ ખોલવામાં આવ્યાં હતા, જેનું પાણી પંજાબમાં છોડવામાં આવી રહ્યું છે.આ ડેમના ગેટ આવતા શુક્રવાર સુધી ખુલ્લા રાખવામાં આવશે. એને કારણે હોંશિયારપુર, રોપડ, ગુરદાસપુર, કપૂરથલા, ફિરોજપુર, ફાજિલ્કા, અમૃતસર અને તરનતારનમાં ફરી પૂર જેવી સ્થિતિ બનેલી છે.

 

 

 

 

‘ઓશો મોન્સૂન ફેસ્ટિવલ’માં શ્રોતાઓએ માણી રમૂજ, ગીત-સંગીતની મજા

પુણેઃ ગઈ 11-15 ઓગસ્ટ દરમિયાન અહીં ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે ‘ઓશો ધ્યાન અને સંગીત મોન્સૂન ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે રંગારંગ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી ધ્યાન, નૃત્ય, સંગીત, મસ્તી, ઉમંગ, ઉત્સવ અને આનંદની વર્ષામાં હજારો ઓશો પ્રેમીઓ સામેલ થયાં હતાં.

દર વર્ષે યોજાતા આ ઓશો ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ઓશોના ધ્યાન પ્રયોગો, મેડિટેશન થેરપીના પ્રચાર-પ્રસાર કરવા, દેશના કલાકારો, ગાયકો, સંગીતકારો, કવિઓને એક જ મંચ પર એકત્રિત કરી એમની કળાને ઓશો પ્રેમીઓ સુધી પહોંચાડવાનો છે.

કાર્યક્રમનો આરંભ ભારતીય શાસ્ત્રીય ગાયક યુગલ – નિરાલી અને કાર્તિક દ્વારા કરાયો હતો. એમનાં બેન્ડ ‘માટી બાની’ અંતર્ગત એમને સહયોગીઓનો સાથ મળ્યો હતો.

લગભગ બે કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં કબીરના પદોનું પઠન અને ગુજરાતી લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેની પર ઓશો પ્રેમીઓએ નૃત્ય કરવાનો આનંદ માણ્યો હતો.

12 ઓગસ્ટે પ્રખ્યાત વાંસળીવાદક બિક્રમજીત સિંહે એમના મ્યૂઝિક બેન્ડ નાદ બ્રહ્મના સભ્યોની સાથે મનમોહક ધૂન સંભળાવીને ઓશો પ્રેમી શ્રોતાઓને સંગીત અને નૃત્યના રસમાં મગ્ન કરી દીધા હતા.

13 ઓગસ્ટની સાંજે યુવા ગાયક પૃથ્વી ગંધર્વએ સૂફી ગાયકી અંતર્ગત મધૂર ગઝલ અને સૂફી ગીત રજૂ કર્યા હતા.

હાસ્ય કવિ સંમેલનમાં રમૂજી ટૂચકા રજૂ કરવા આવ્યા હતા હાસ્ય-વ્યંગ્યના ચાર ધુરંધર કવિ – સુરેન્દ્ર શર્મા, આશ કરણ અટલ, અરૂણ જેમિની અને ચિરાગ જૈન.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહ્યા હતા વિખ્યાત ભજન સમ્રાટ અનૂપ જલોટા. એમણે શ્રોતાઓની વચ્ચે બેસીને કવિ સંમેલનનો આનંદ લીધો હતો. એમણે તેમની મનમોહક ગાયકી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથોસાથ, પોતાની હાસ્ય કથાઓ દ્વારા સૌને હસાવ્યા પણ હતા.

15 ઓગસ્ટે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું એ પહેલાં આયોજિત મેડિએટર્સ ગોટ ટેલેન્ટ કાર્યક્રમમાં ભારતભરમાંથી આવેલા ઓશો પ્રેમીઓ અને 25 કલાકારોએ ગીત, નૃત્ય, કાવ્ય, પ્રસ્તુત કર્યા હતા. પંજાબી ફિલ્મોના યુવા અભિનેતા ધરમિન્દર બાની એ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પંજાબી ગીત પર નૃત્ય કર્યું હતું.

ભૂતપૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાટો આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધારો કરશે. 87 વર્ષીય મહેતાએ રાજ્યમાં નાગરિક અને બંધારણીય મુદ્દાઓ પર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. મહેતાએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે હવે લોકો પરિવર્તન ઇચ્છે છે.

તેમણે કહ્યું હતું કે દેશ એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે દરેક ન્યાયપ્રેમી, સંવેદનશીલ, જાગ્રત નાગરિક કહી રહ્યો છે. હવે બહુ થયું. દેશ પરિવર્તન ઇચ્છે છે. ગુજરાત પરિવર્તન ઇચ્છે છે. લોકશાહીના નામે સરમુખત્યારશાહી ન ચલાવવી જોઈએ અને વિકાસને નામે વિનાશ ન થાય તો ચૂપ રહેવું જોઈએ નહીં. મહેતાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના નથી, પરંતુ પરિવર્તન માટે લોકોને જાગ્રત કરશે. 

તેમણે જણાવ્યું હતું કે અમે ગુજરાતના નાગરિકો ફરી એક વાર ગુજરાતને સ્વસ્થ, સુરક્ષિત અને સમાન સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે લોકોને જાગ્રત કરવામાં આવશે. રાજ્યનાં ભવિષ્ય (બાળકો) કુપોષિત અને નબળાં છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણની બાબતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. જે રીતે પ્રાથમિક શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે અને સરકારી શાળાઓ પૂરતા ઓરડાઓ વિના બંધ થઈ રહી છે તેનો અર્થ એ છે કે રાજ્ય સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરીને શિક્ષણની જવાબદારી પોતાના માથે લેવા માગતી નથી.

રાજ્ય સરકાર વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓની વાતો કરે છે, પરંતુ યુવાનોને અભ્યાસ માટે વિદેશ જવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં ખેડૂતોની હાલત પણ ખરાબ છે. નર્મદાનું પાણી ગુજરાતની જીવાદોરી બનવાનું હતું, પરંતુ હવે તે રાજકીય હિતો અને તેના આર્થિક હિતોની જીવાદોરી બની ગયું છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ અને ધર્મના નામે ચાલતું રાજકારણ લોકશાહીની ઈમારતને નબળું પાડી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

આશરે એક વર્ષનો મુખ્ય મંત્રીનો કાર્યકાળ

87 વર્ષીય સુરેશ મહેતા 21 ઓક્ટોબર, 1995એ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ 19 સપ્ટેમ્બર, 1996 સુધી CM હતા. મહેતા ગુજરાતના CM બન્યા ત્યારે તેઓ કચ્છની માંડવી બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.

 

 

 

કોણ જીતશે? ભારત કે રશિયા?

મુંબઈ: ચંદ્રની ધરતી પર દક્ષિણ બાજુએથી હજી સુધી કોઈ દેશનું અવકાશયાન ઉતરી શક્યું નથી. પરંતુ, ભારતનું ચંદ્રયાન-૩ અને રશિયાનું લૂના-૨૫ અવકાશયાન આ સિદ્ધિ હાંસલ કરવાના પ્રયાસમાં છે. આ માટે બંને વચ્ચે હરીફાઈ જામી છે.

લૂના-૨૫ની સંભવિત લેન્ડિંગ તારીખ ૨૧-૨૩ ઓગસ્ટ છે જ્યારે ચંદ્રયાન-૩ની તારીખ ૨૩-૨૪ ઓગસ્ટ છે. ચંદ્રયાન-૩ ગઈ ૧૪ જુલાઈએ ચંદ્રની સફર માટે રવાના થયું હતું અને પાંચ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવામાં સફળ થયું હતું.

ચંદ્રની પાંચમી અને આખરી કક્ષાને પાર કરવામાં એ ગઈ કાલે સફળ રહ્યું હતું.