Home Blog Page 244

શક્કરિયાના ફરાળી વડા

સ્વાસ્થ્યપ્રદ શક્કરિયાના શિવરાત્રિના વ્રત માટે, જરા જુદા સ્વાદવાળા ફરાળી વડા બની શકે છે!

સામગ્રીઃ સામો 1 કપ, શક્કરિયા 250 ગ્રામ (3 નંગ), બટેટો 1, સિંધવ મીઠું સ્વાદ મુજબ, લીલાં મરચાં 3-4, આદુનો ટુકડો 1 ઈંચ, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, વરિયાળી 1 ટી.સ્પૂન ,શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1½ ટે.સ્પૂન, કોપરાનું છીણ 3-4 ટે.સ્પૂન, શેકેલા શીંગદાણાનો ભૂકો 4 ટે.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, સફેદ તલ 2-3 ટે.સ્પૂન, તેલ વડા તળવા માટે

ફરાળી ચટણીઃ આદુનો ટુકડો 1 ઈંચ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, લીલા મરચાં 2-3, જીરૂ 1 ટી.સ્પૂન, સિંધવ મીઠું સ્વાદ મુજબ, શીંગદાણા 2 ટે.સ્પૂન, ધોઈને સમારેલા ફુદીનાના પાન 1 કપ, લીંબુનો રસ 1 ટે.સ્પૂન

રીતઃ સામાને 2-3 પાણીએથી ધોઈને એક કૂકરમાં કાઢી લો. ત્યારબાદ રતાળુ તેમજ બટેટાને છોલીને ધોઈને તેના નાના ટુકડા કરીને સામા સાથે કૂકરમાં ઉમેરી દો. અને 1½ કપ પાણી મેળવીને કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે કૂકરની બે સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી, કૂકરને ઠંડું થવા દો.

ચટણી માટે મિક્સીમાં ફુદીનાના પાન, કોથમીર, આદુનો ટુકડો તેમજ મરચાં સમારીને મેળવો તથા સ્વાદ મુજબ સિંધવ મીઠું, જીરૂ, શીંગદાણા અને લીંબુનો રસ મેળવીને ચટણી પીસી લો.

કૂકર ઠંડું થયા બાદ ખોલીને તેમાંથી સામો તેમજ બટેટા, શક્કરિયાને એક વાસણમાં કાઢી લો અને ઠંડા થયા બાદ મેશર વડે છૂંદી લો.

હવે આ મિશ્રણમાં શેકેલા જીરાનો પાઉડર, કાળા મરી પાઉડર, કોપરાનું છીણ, શીંગદાણાનો ભૂકો, વરિયાળી, આદુ-મરચાંની પેસ્ટ,  તલ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ લીંબુનો રસ મેળવીને લોટ બાંધી લો.

તેલવાળા હાથ કરીને વડાના લોટમાંથી લૂવા લઈ તેને સરખા ગોળ વાળીને ચપટા કરી લો. એક ડીશમાં તલ લઈને વડાની બંને બાજુએ તલ લગાડી લો. આ રીતે બધા વડા તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કઢાઈમાં આવે તેટલા વડા ઉમેરીને ગેસની આંચ મધ્યમ કરીને વડા બંને બાજુએથી સોનેરી રંગના તળી લો.

ગરમાગરમ વડા ચટણી સાથે પીરસો.

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 14/02/2026

IT શેરોમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં જારી ઘટાડાને પગલે ઘરેલુ શેરબજારોમાં બીજા દિવસે કડાકો બોલી ગયો હતો. જેથી નિફ્ટી અને સેન્સેક્સ એક ટકાથી વધુ ઘટ્યા હતા. AIની અરથી IT શેરોમાં વેચવાલીના દબાણે બજારમાં ઘટાડો થયો હતો. હેવી વેઇટ RIL, ICICI બેન્ક અને HDFC બેન્કના શેરોએ બજારને નીચે વધુ ખેંચ્યું હતું. રોકાણકારોના સાત લાખ કરોડ સ્વાહા થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી.  

ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટીને 82,627એ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 336 પોઇન્ટ તૂટીને 25,471એ બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં 553 પોઇન્ટ તૂટીને 60,187 બંધ થયો હતો. આ સાથે મિડકેપ ઇન્ડેક્સ 1033 પોઇન્ટ તૂટીને 59,438એ બંધ થયો હતો. સેન્સેક્સ 30માંથી 28 શેરો ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી 50માંથી 45 શેરો ઘટીને બંધ રહ્યા હતા.

અમેરિકી બજારોમાં ગુરુવારે જોરદાર ઘટાડો નોંધાયો હતો. જેથી રોકાણકારોએ ટેક્નોલોજી શેરોથી અંતર બનાવ્યું હતું. બજારમાં AIથી જોડાયેલી નવી ચિંતાઓએ બજારમાં ડરનો માહોલ હતો. દેશની IT કંપનીઓ- જે ઓછા ખર્ચે કર્મચારીઓ પર નિર્ભર છે. જેથી ભવિષ્ટમાં નેસ્ડેકની કંપનીઓને મુકાબલે વધુ આકરી હરીફાઈનો સામનો કરવો પડશે. બજારમાં મોટા ભાગના ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા.

BSE પર કુલ 4364 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1318 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2882 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 164 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 83 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 193 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 11 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 9 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

અપસેટ:ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 19 વર્ષ બાદ હરાવ્યું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2026માં શુક્રવારે મોટો અપસેટ જોવા મળ્યો છે. કોલંબોમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું. ઝિમ્બાબ્વેએ 19 વર્ષ બાદ T20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી. આ પહેલા 2007ના ICC T20 વર્લ્ડ કપમાં કેપટાઉનમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બંને ટીમો સાત વર્ષ પછી T20માં આમનેસામને આવી. કુલ ચાર T20માં હવે બંને ટીમોની બે-બે જીત છે.

કોલંબોમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. ઝિમ્બાબ્વેએ બ્રાયન બેનેટની અણનમ અર્ધસદીને આધારે બે વિકેટે 169 રન બનાવ્યા. એના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે બ્લેસિંગ મુઝરબાની અને બ્રેડ ઇવન્સ ઘાતક સાબિત થયા હતા. મુઝરબાનીએ 4 અને ઇવન્સે ત્રણ વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા માટે મેટ રેન્શોએ અર્ધસદી ફટકારી હતી અને અંત સુધી લડ્યો, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.

ઇંગ્લિસ, ગ્રીન અને ડેવિડ નિષ્ફળ

ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર 4.3 ઓવરમાં 29 રને પેવેલિયનમાં ફર્યો હતો. જોશ ઇંગ્લિસ 8 રન બનાવી આઉટ થયો. કેમેરોન ગ્રીન અને ટિમ ડેવિડ ખાતું પણ ખોલી શક્યા નહીં. કેપ્ટન ટ્રેવિસ હેડ 17 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ અને મેટ રેન્શો વચ્ચે 59 બોલમાં 77 રનની ભાગીદારી થઈ. મેક્સવેલ 32 બોલમાં 31 રન બનાવી 15મી ઓવરમાં આઉટ થયો. માર્કસ સ્ટોઇનિસ 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

રેન્શોએ 65 રન બનાવ્યા

મેટ રેન્શોએ 44 બોલમાં 65 રનની પારી રમી. તે 19મા ઓવરના ચોથા બોલ પર આઉટ થયો. એડમ ઝામ્પા 2 રન બનાવી આઉટ થયો. છેલ્લી વિકેટ મેથ્યુ કુહનેમેન રૂપે પડી, જે રનઆઉટ થયો. ઝિમ્બાબ્વે માટે મુઝરબાનીએ 17 રન આપી 4 વિકેટ લીધી. બ્રેડ ઇવન્સે 23 રન આપી 3 વિકેટ ઝડપી. વેલિંગ્ટન મસ્કાદજા અને રાયન બર્લે 1-1 વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વેની ઇનિંગ્સ

ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે 56 બોલમાં અણનમ 64 રન બનાવ્યા અને સાત ચોગ્ગા ફટકાર્યા. તદિવાનાશે મારુમાનીએ 21 બોલમાં 35 રન બનાવ્યા. રાયન બર્લે 30 બોલમાં 35 રન ઉમેર્યા. કેપ્ટન સિકંદર રજાએ 13 બોલમાં 25 રન બનાવી ટીમનો સ્કોર 170ની નજીક પહોંચાડ્યો. આખી ઇનિંગ્સમાં માત્ર એક જ છગ્ગો લાગ્યો. ઓસ્ટ્રેલિયા માટે કેમેરોન ગ્રીન અને માર્કસ સ્ટોઇનિસે 1-1 વિકેટ લીધી હતી.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બાળકોના યૌન શોષણના આરોપ

નવી દિલ્હીઃ પ્રયાગરાજના માઘ મેળાથી શરૂ થયેલો સંતો વચ્ચેનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર લાગેલા ગંભીર આરોપોથી આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચ્યો છે. માઘ મેળામાં પોલીસ સાથે થયેલી અથડામણ પછી હવે તેઓ નવી અને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ઘેરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ તેમના વિરુદ્ધ સગીરોના યૌન શોષણ (POCSO) જેવા ગંભીર આરોપો લગાવી કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

શું છે ગંભીર આરોપો?

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજની POCSO કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂક્યો છે કે માઘ મેળા દરમિયાન બે બાળકોએ શંકરાચાર્યના કેમ્પમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી આપી હતી. આ આરોપ મુજબ બાળકોને ‘ગુરુ સેવા’ને નામે લલચાવવામાં આવતા હતા. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાથી સંબંધિત એક વિડિયો CD છે, જેને તેઓ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે.

કોણ છે ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી?

આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ શામલીના પંડિત પરિવારમાંથી આવે છે. વર્ષ 2022માં તેમણે જગદ્‌ગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુખ્ય પક્ષકાર તરીકે પણ જોડાયેલા છે.

શંકરાચાર્યનો જવાબ

“આ એક મોટું ષડયંત્ર છે. આ આરોપોને લઈને શંકરાચાર્યએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ  મામલાને સમજીવિચારીને રચાયેલું કાવતરું ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ એક દૂષિત માનસિકતાવાળું જૂથ કાર્ય કરી રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર પણ સામેલ હોવાનું તેમણે આરોપ મૂક્યો છે.

હીરોગીરીમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ કારથી પાંચ લોકોને કચડ્યાઃ એકનું મોત

લખનૌઃ કાનપુરમાં લેમ્બોર્ગિની કાંડનો હોબાળો હજી શમ્યો પણ નહોતો કે લખનૌમાંથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. લખનૌ-કાનપુર હાઈવે પર કાર ચલાવી રહેલા 12મા ધોરણના વિદ્યાર્થીએ મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં છ વર્ષના દીક્ષાંત પટેલનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ લખનૌમાં ફેરવેલ પાર્ટીમાંથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે પરત ફરી રહેલા 12મા ધોરણના એક વિદ્યાર્થીએ ઝડપથી દોડતી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર પહેલાં રસ્તા પર ઊભેલી બાઈક સાથે અથડાઈ અને પછી અનેક લોકોને ટક્કર મારી આગળ વધી ગઈ. આ ઘટનામાં એક છ વર્ષના બાળકનું મોત થયું અને ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા.

18 વર્ષીય વિદ્યાર્થી ગૌરવ સિંહ કારનું ટાયર ફાટ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બાદમાં વાહન જપ્ત કરી તેને ધરપકડ કરી લીધી. આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ છ વાગ્યે થયો હતો. ઊભેલી બાઈક સાથે અથડાયા બાદ કાર બેકાબૂ બની ગઈ હતી. CCTV ફુટેજમાં ઝડપથી દોડતી કાર બાઈક સાથે અથડાતી દેખાય છે, જેના પર એક વ્યક્તિ બેઠી હતી અને તે નીચે પટકાઈ હતી. ટક્કર બાદ કાર બેકાબૂ થઈ હતી.

કારે નજીક ઊભેલા ચાર લોકો — અરમાન, સાધના પટેલ, તેમની માતા મીના દેવી અને સાધનાના છ વર્ષના દીકરા દીક્ષાંત —ને પણ ટક્કર મારી. ત્યાર બાદ કાર એક ઈ-રિક્શા અને પછી એક ઓટો સાથે અથડાઈ હતી, જેમાં ઈ-રિક્શા ચાલક અવધ બિહારી ઘાયલ થયો હતો.


કાર બેકાબૂ થતાં લોકો બચવા માટે એક તરફ ખસી ગયા. વિદ્યાર્થી અને તેનો મિત્ર કાર છોડીને ભાગી ગયા. સ્થાનિક લોકોએ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા અને પોલીસને જાણ કરી.  ગંભીર રીતે ઘાયલ દીક્ષાંતને સમુદાય આરોગ્ય કેન્દ્રમાં રેફર કરવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તે કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 2માં અભ્યાસ કરતો હતો.

લખનૌના ACPએ જણાવ્યું કે ઘાયલોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે અને પોલીસ વિસ્તારના CCTV ફુટેજની તપાસ કરી રહી છે. પીડિત પરિવારોની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવશે.

TNમાં ચૂંટણી દાવ: 1.31 કરોડ મહિલાઓના ખાતામાં રૂ. 5000 જમા

ચેન્નઈઃ તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને મોટો દાવ રમ્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે કલાઇગ્નાર મહિલા અધિકાર યોજના” હેઠળ રાજ્યની આશરે 1.31 કરોડ મહિલાઓના બેંક ખાતામાં 5000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

સ્ટાલિને કહ્યું હતું કે સરકાર દ્વારા મહિલા લાભાર્થી યોજનાના અંતર્ગત દરેક પાત્ર મહિલાને 5000 રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે એ સાથે જ જાહેરાત કરી કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જો તેમની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટી ફરી સત્તામાં આવશે તો માસિક સહાયની રકમ બમણી કરવામાં કરવામાં આવશે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે મહિલાઓને મળતી માસિક આર્થિક સહાય અટકાવવાના પ્રયાસનો સામનો કરવા માટે ફેબ્રુઆરીથી ત્રણ મહિના સુધી આ રકમ આપવામાં આવશે. એ સાથે જ ઉનાળાના ખર્ચને ધ્યાનમાં રાખીને વધારાના 2000 રૂપિયા “સમર સ્પેશિયલ” બોનસ રૂપે આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની રકમ જારી કરી દેવામાં આવી છે — જેમાં દર મહિને 3000 રૂપિયા સહાય અને 2000 રૂપિયા ખાસ બોનસ તરીકે સામેલ છે. આ સમગ્ર રકમ સીધી 1.31 કરોડ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

સ્ટાલિને લખ્યું હતું કે આ તામિલનાડુની મહિલાઓ સાથે કરેલું તેમનું વચન છે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે આરોપ મૂક્યો હતો કે ચૂંટણીનું બહાનું બનાવી ત્રણ મહિના સુધી સહાય રોકવાની કોશિશ થઈ રહી હતી, પરંતુ તેમની સરકાર પાછળ નહીં હટે.

તેમણે આ યોજનાને “દ્રવિડ મોડેલ” સરકારની ઓળખ ગણાવી અને કહ્યું હતું કે પ્રસ્તાવિત “દ્રવિડ મોડેલ 2.0” હેઠળ મહિલાઓને મળતી માસિક સહાય 1000 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કરવામાં આવશે.

આ જાહેરાત આ વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં કરવામાં આવી છે, અને સરકાર મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓને પોતાના ચૂંટણી અભિયાનનો મુખ્ય મુદ્દો બનાવી રહી છે.

પ્રયત્ન અને પ્રાર્થના

થોડા મહિના પૂર્વે મુંબઈની કલ્પના સાઠેનો ફોન આવ્યો. `મારો વિઝા રિજેક્ટ થયો, કશું કરી શકાશે?’ તેઓ નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે આઈસલેન્ડ્સમાં નીકળ્યાં હતાં. દાદર શિવાજી પાર્ક ઓફિસમાંથી તેમણે બુકિંગ કર્યું હતું. તેમનો વિઝા રિજેક્ટ થવાનું કારણ બહુ નાનું હતું, પરંતુ નજીવું નહોતું. એટલે કે, જેઓ હવે પછી યુરોપ જવાના છે તેમણે તે ધ્યાનમાં રાખવું જોઈએ. વિઝા એપ્લિકેશન આપ્યા પછી ઘણી વાર કોન્સ્યુલેટ્સમાંથી તમને ફોન આવે છે ડાયરેક્ટ તમારા પર્સનલ ફોન નંબર પર અને ખાતરી કરી લેવાય છે કે ખરેખર તમે તેમના દેશમાં જવાના છો કે કેમ. આ જ રીતે આ ફોન કલ્પનાને પણ આવ્યો હતો અને તેણે ઉપાડ્યો નહીં, જેમાં તેમની ભૂલ છે એમ નહીં કહી શકાય, કારણ કે આજકાલ એટલા સ્પૅમ ફોન્સ આવે છે, લોન જોઈએ? એસી સમારકામ કરવાનું છે? ઈન્શ્યુરન્સ જોઈએ… એકથી એક. કોઈક કાંઈક વેચતા હોય છે જે આપણને નથી જોઈતું હોતું અને અમુક ફ્રોડ્યુલન્ટ કોલની કથા આપણે એટલી સાંભળી હોય છે કે તે ઝંઝટ જ નહીં જોઈએ, અજ્ઞાત નંબર્સ નહીં ઉપાડેલા જ સારા.અને તે જ વિચારને લીધે આ ફોન ઉપાડાયો નહીં હોય. રિજેકશનનો મેસેજ આવ્યો ત્યારે રિજેકશનનું કારણ સમજાયું અને તે હતું ફોન ઉપાડાયો નહીં, જેથી કોન્સ્યુલેટ ખાતરી કરી શકી નહીં અને વિઝા રિજેક્ટ થઈ ગયો.

રિજેકશન બહુ પીડાદાયક હોય છે અને કલ્પના સાઠેની ઘણાં વર્ષથી નોર્ધર્ન લાઈટ્સ જોવાની ઈચ્છા હતી. આવા સમયે આંખોમાંથી પાણી નહીં આવે તો જ નવાઈ. તેમણે તે વચ્ચેના સમયમાં સર્વ મિસ્ડ કોલ્સ ચેક કર્યા અને તેમને દેખાયું કે આ ઈન્ટરનેશનલ કોલ જે તેમણે ચેટ જીપીટી પર ચેક કર્યો તે આઈસલેન્ડનો હતો. એટલે કે, કોન્સ્યુલેટનો કોલ આવ્યો હતો અને તેમના તરફથી મિસ થઈ ગયો હતો. હવે બેજ વિકલ્પ હતા. વિઝા રિજેકશન સ્વીકારવાનું, કેન્સલેશન પેટે જે કાંઈ પૈસાનું નુકસાન થાય તે થવા દેવાનું અને નોર્ધર્ન લાઈટ્સ જોવાની ઈચ્છા હાલ તુરંત પ્રચંડ નુકસાન ભોગવીને છોડી દેવાની. બીજો વિકલ્પ હતો વિઝા માટે રિ-એપ્લાય કરવાનો. આમાં વધુ જોખમ હતું. તે એટલે દરેક કોન્સ્યુલેટ એપ્લિકેશન કર્યા પછી અમુક દિવસ વિઝા ગ્રાન્ટ કરવા માટે લે છે, તેટલા દિવસો હાથમાં નહોતા તે પ્રથમ રિસ્ક. બીજું, તે સમયે ટુર કેન્સલ કરાઈ હોત તો કમ સે કમ અમુક પૈસા પાછા મળવાના હતા, પરંતુ જો વિઝા માટે થોભ્યા હોત તો ફરી વિઝા રિજેક્ટ થયો હોત, જેને લીધે સર્વ પૈસા કેન્સલેશન પેટે વેડફાઈ જવાના હતા. બંને બાજુ મોકાણ હતી. અને આ પૈસા થોડા નહોતા, પરંતુ પાંચ લાખનો પ્રશ્ન હતો. અહીં કલ્પનાના યજમાન વસંત સાઠેએ તેમને કોન્ફિડેન્સ આપ્યો, `જુઓ, તમારી ઈચ્છા છે ને, તો પછી રિ-એપ્લાય કરો, વધુમાં વધુ ક્યા હો જાયેગા?… રિ-એપ્લાય બિન્ધાસ્ત.’

નોર્ધર્ન લાઈટ્સ જોવાની કલ્પનાની ઈચ્છાશક્તિ એટલી જબરદસ્ત હતી કે તેમણે રિ-એપ્લાય કર્યું અને મને મેસેજ મોકલ્યો, `લેટ્સ સી! રિ- એપ્લાઈડ.’ તેમના મેસેજનો મેં એટલો જ ઉત્તર આપ્યો કે આપણે બધાએ સર્વ પ્રયાસ કર્યા છે. હવે વિઝા મળવા માટે `પ્રાર્થના’ કરતા રહેવાનું એટલું જ આપણા હાથોમાં છે. આથી લેટ્સ પ્રે. અને તે પછી ત્રણ દિવસે કલ્પનાનો મેસેજ આવ્યો. તે વાંચ્યો અને ખુશીનો કોઈ પાર નહીં રહ્યો. વિઝા મળી ગયા હતા. કલ્પનાને નક્કી થયેલા સમયે તેમના ડ્રીમ ડેસ્ટિનેશન તરફ કૂચ કરી અને ચાર-પાંચ દિવસમાં ટુર પરથી ફોટો આવ્યા નોર્ધર્ન લાઈટ્સ સાથેના. `નેચરલ ફિનોમેના’ તેથી દેખાયું તો દેખાયું. પણ છેલ્લાં બે વર્ષ અમે જોઈ રહ્યા છીએ કે બધી ટુર્સમાં અમારા પર્યટકોને નોર્ધર્ન લાઈટ્સ જોવા મળ્યું. અહીં કલ્પનાની ખુશી તે નોર્ધર્ન લાઈટ્સના આસમાનમાં સમાય નહીં તેટલી હતી. ત્યાંથી તેમણે અમને તેમની ખુશી જણાવી અને પાછા આવ્યા પછી વિદ્યાવિહારની કોર્પોરેટ ઓફિસમાં આવીને તેઓ અમારી આખી ટીમને મળ્યાં. તેમના ચહેરા પરની ખુશી શબ્દમાં વર્ણવી શકાય એમ નહોતી. પર્યટકોના ચહેરા પરની આ ખુશી જ અમારો ધ્યેય અને ફરજ હોય છે.

જે વિઝાને પંદર દિવસ લાગે છે તે વિઝા રિ-એપ્લાય કર્યા પછી ત્રણ દિવસમાં આવી જવો તે `જબરદસ્ત ઈચ્છાશક્તિ, પ્રયત્ન અને પ્રાર્થના’નું ફળ હતું. આ બાબતો પર મારો વિશ્વાસ હતો જ, તે આ ઘટનાને લીધે વધુ વધી ગયો. મને કાયમ લાગતું કે પ્રયત્ન અને પ્રાર્થનાનો સંગમ એ જ જીવનનું અસલ ગણિત છે. ફક્ત પ્રયત્ન કરવામાં આવે અને પ્રાર્થના ભૂલી જવાય તો તેમાં ભાવનાનું સંતુલન રહેતું નથી, તે પ્રયત્ન યંત્રવત બની જાય છે, તેમાંથી જીવંતપણું નીકળી જાય છે. અને ફક્ત પ્રાર્થના કરાય, કૃતિ નહીં કરાય તો ફક્ત કલ્પનાવિલાસ થાય છે. કાળ, પરિસ્થિતિ, નિયતિ આ બધું જ આ બંનેના બેલેન્સ પર ચાલે છે. કલ્પનાનું ઉદાહરણ તે જ શીખવે છે. નોર્ધર્ન લાઈટ્સ જોવાનું સપનું, તે પૂર્ણ થવા પૂર્વે નકાર ભય નુકસાન આ ભાવનાઓનો કરવો પડેલો સામનો, પણ ભીતર પ્રબળ ઈચ્છા, પ્રામાણિક પ્રયત્ન અને એકધારી પ્રાર્થનાને લીધે નિયતિએ પણ સાથ આપ્યો. આ બધું ફક્ત એક પ્રોસેસ નહોતી, પરંતુ તે એક આધ્યાત્મિક ઘટના હતી, જ્યાં પ્રયત્નોએ દ્વાર ખખડાવ્યાં અને પ્રાર્થનાએ દ્વાર ખોલી નાખ્યાં. આપણા જીવનમાં આવુંજ બનતું રહે છે. ક્યારેક આપણે ફક્ત મહેનત કરતા રહીએ છીએ, પરંતુ કોઈક ઓછપ હોય છે એવું લાગતું રહે છે. ક્યારેક પ્રાર્થના કરતા રહીએ છીએ, પરંતુ કૃતિ થતી નથી. જીવન એટલે બંનેનું સંતુલન. આમ પણ કહી શકાય કે પ્રયત્ન એટલે કર્મ અને પ્રાર્થના એટલે શ્રદ્ધા. કર્મ સિવાય શ્રદ્ધા એટલે નિષ્ક્રિયતા અને શ્રદ્ધા સિવાય કર્મ એટલે અહંકાર, જે મહા ડેંન્જરસ હોય છે. જો કે કર્મ અને શ્રદ્ધા હકારાત્મક રીતે એકત્ર આવે તો તે બને છે ગોલ્ડન મોમેન્ટ.

કર્ણ્યેવાધિકારસ્તે… શિક્ષક, ખેડૂત અને નાવિકની બાબતમાં આપણે અગાઉથી સાંભળતા આવ્યા છીએ તે પ્રયત્ન અને પ્રાર્થનાનો એક ઉત્તમ દાખલો મને લાગે છે. શિક્ષક તેના વિદ્યાર્થીને મનઃપૂર્વક શીખવે છે, પરિણામ તેના હાથમાં નથી હોતા, પરંતુ પ્રયત્ન કરતો રહે છે. નાવિકને સમુદ્રમાં નૌકા લઈ જતી વખતે પવનની દિશાની સો ટકા ખાતરી નથી હોતી, છતાં તે યોગ્ય દિશામાં હલેસા મારવાનો પ્રયત્ન કરતો રહે છે. ખેડૂત રોજ ખેતરમાં જઈને ખેતી કરે છે. બીજ વાવે છે, રોપણી કરે છે, વરસાદ પડવો તે તેના હાથોમાં હોતું નથી, પરંતુ પ્રયત્ન ચાલુ રાખે છે અને આકાશ તરફ જોઈને પ્રાર્થના કરતો રહે છે. આ બધા જીવનના રૂપક જ છે, જ્યાં કૃતિ એ જ પ્રાર્થનાનો ભાગ બને છે. મને અનેકવાર એવું લાગે છે કે પ્રાર્થના એટલે ગૂઢ એવું કશું નથી. તે છે અંતર્મનની નિર્મળતા, જેને આપણે `બધું સારું થઈ જશે’ એવું વિશ્વાસથી કહીએ છીએ અને તે વિશ્વાસ જ આગળ આપણી વાસ્તવિકતા બદલે છે. અમે વીણા વર્લ્ડની અનેક મિટિંગ્સમાં તેની પર ચર્ચા કરી છે. `પ્રયત્ન કરતાં રહીશું, પ્રાર્થના કરતા રહીશું, રિઝલ્ટ નક્કી આવશે, કારણ કે જ્યારે પ્રયત્ન અને પ્રાર્થના એકત્ર આવે છે ત્યારે અવરોધ એ અવરોધ રહેતા નથી. તે પગથિયાં બની જાય છે.’ થોમસ અલ્વા એડિસનની બે હજાર વાર નિષ્ફળતા જોઈને એક પત્રકારે પૂછ્યું, `આ રીતસર નિષ્ફળતા નથી લાગતી?’ તેની પર એડિસનનો ઉત્તર હતો, `વીજનો દીવો બનાવવું તે બે હજાર પગથિયાંની પદ્ધતિ છે.’ તેમનો પ્રયત્ન એક ટેક્નિકલ બાબત હતી, પરંતુ તેની પાછળ દુનિયાને પ્રકાશમાં લાવવાની પ્રાર્થના હતી. આ જ તો શ્રદ્ધા હોય છે પ્રયત્નની પાછળ. આપણા ઈસ્રોના સાયન્ટિસ્ટ્સ પણ આવા જ છે. ચંદ્રયાન 2 નિષ્ફળ નીવડ્યું ત્યારે આખો દેશ દુઃખી થયો, અફસોસ થયો, પરંતુ ઈસ્રોના વૈજ્ઞાનિક નાસીપાસ નહીં થતાં બીજા દિવસે નવી આશા સાથે કામે લાગી ગયા. ચંદ્રયાન 3 સફળ થયું કારણ કે તેમના પ્રયત્નમાં વિજ્ઞાન હતું અને પ્રાર્થનામાં આપણો ભારત દેશ હતો.

ક્યારેક ક્યારેક જો કે રિઝલ્ટ્સ મળતા નથી. તે સમયે આપણે નિરાશ થઈએ છીએ, ત્રાગા કરીએ છીએ, કંટાળો આવે છે આ બધાનો. પણ તે સમયે પ્રાર્થના આપણને સ્થિર રાખે છે. તે આપણને કહે છે, `આ બાબત હવે થવી નહીં જોઈએ, જેથી તે થતી નથી.’ અને થોડાં દિવસ પછી આપણને સમજાય છે કે તે નકાર એ આગળની સારી બાબતનો પાયો હતો. ભગવાનના ગઘ શબ્દનો અર્થ કદાચ ગજ્ઞ ગજ્ઞૂ હોવો જોઈએ. આથી ગમે તે થાય તો પણ પ્રયત્ન અને પ્રાર્થનાનો સાથ છોડવો નહીં જોઈએ. વ્યક્તિગત જીવનમાં પણ એવું જ હોય છે. આરોગ્યની બાબતમાં કહીએ તો આહાર, કસરત, શિસ્ત આ બધું એટલે પ્રયત્ન અને મનઃશાંતિ, બનતી બાબતોનો સ્વીકાર અને આત્મવિશ્વાસ એટલે પ્રાર્થના. સંબંધોનો વિચાર કરવામાં આવે તો એકબીજામાં સંવાદ એટલે પ્રયત્ન અને એકબીજાને સમજી લેવા એટલે પ્રાર્થના. આપણા કરિયરનો અથવા વ્યવસાયનો વિચાર કરવામાં આવે તો આપણો પરિશ્રમ એટલે પ્રયત્ન અને આપણો દ્રષ્ટિકોણ એટલે પ્રાર્થના એમ કહી શકાય.

સ્ટીવ જોબ્ઝે એપલ કંપની બનાવતી વખતે અનેક વાર બધું જ ગુમાવ્યું. તેને પોતાની જ કંપનીમાંથી બહાર કરવામાં આવ્યો, પરંતુ તેણે પ્રયત્ન છોડ્યા નહીં. તે કહેતો, `હેવ ધ કરેજ ટુ ફોલો યોર હાર્ટ એન્ડ ઈન્ટ્યુશન. તે જ તો તેની પ્રાર્થના હતી. તેના પ્રયત્ન ટેકનોલોજીના હતા, પરંતુ તેનો વિશ્વાસ પોતાની પર હતો, વિચારોની શ્રદ્ધા પર હતો, જે તેની પ્રાર્થના હતી અને તેથી જ આજે પણ `એપલ’ દુનિયામાં અવ્વલ નંબર પર છે. એ.પી.જે. અબ્દુલ કલામ કહેતા, `માણસના માર્ગમાં અડચણો આવવી જ જોઈએ,તો જ તે વધુ પ્રયત્ન કરે છે અને સફળતા વધુ સારી રીતે એન્જોય કરી શકે છે.’ તેમના પણ પ્રયત્ન વિજ્ઞાનમાં હતા અને તેની પાછળ પ્રાર્થના હતી. આપણા દેશ માટે કશું સારું નિર્માણ કરવાની. હાલનો જ દાખલો લઈએ તો અલીબાબા કંપનીના સંસ્થાપક `જેક મા’ને ત્રીસથી વધુ વખત નોકરી નકારાઈ હતી, પરંતુ તેણે પ્રયત્ન છોડ્યા નહીં અને `ગિવ અપ’ પણ કર્યું નહીં. તેનો તે `ગિવ અપ’ નહીં કરવાનો દ્રષ્ટિકોણ એ જ મને લાગે છે કે આધુનિક દુનિયાના વ્યવસાયની પ્રાર્થના છે.

આપણી માતાનું અથવા મોડર્ન જમાનામાં 50:50 જવાબદારી સંભાળતા પિતાનો દાખલો મને સૌથી બોલકણો લાગે છે. આ બંને બાળકોની ભલાઈ માટે બધા પ્રકારના પ્રયત્ન કરે છે, તે માટે તેમને કોઈ પણ પુરસ્કાર અથવા કૌતુક નથી હોતું. તેમની દરેક કૃતિમાં એક નિઃસ્વાર્થ ભાવના હોય છે. તે જ તેમની પ્રાર્થના હોય છે. પ્રયત્ન અને પ્રાર્થનાનું આ સૌથી સુંદર રૂપ મને લાગે છે. કલ્પના સાઠેનું નોર્ધર્ન લાઈટ્સ જોવાનું સપનું સાકાર થયું અને તે દિવસે તેમની આંખોમાં જે સંતોષ હતો તે કોઈ પણ ટુર રિપોર્ટ અથવા ફીડબેક કરતાં મૂલ્યવાન હતો. તે જોઈને લાગ્યું, ભગવાન પ્રાર્થનાનો ઉત્તર આપે છે, પરંતુ ફક્ત જે પ્રયત્ન કરે છે તેમને જ. પ્રયત્ન કર્યા વિના પ્રાર્થનાનો કોઈ અર્થ નથી અને પ્રાર્થના વિના પ્રયત્નોને દિશા નથી. અને આ બે રેખા જ્યારે એકત્ર આવે છે ત્યારે તૈયાર થાય છે પ્રકાશની એક કમાન. તે જ હોય છે આપણી પોતાની નોર્ધર્ન લાઈટ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું કાવતરું રચી રહ્યા છે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ સાંસદના ‘વર્તન’ પર સવાલ ઉઠાવતા દુબેએ પૂછ્યું હતું કે સત્તા મેળવવા માટે શું રાહુલ ગાંધી દેશના વિભાજનનું કાવતરું કરી રહ્યા છે? દુબેએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X પર કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે અને તેને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપો તરીકે રજૂ કર્યા છે. ભાજપ સાંસદે દાવો કર્યો કે રાહુલ ગાંધી ‘ટુકડે-ટુકડે ગેંગ’ના રિંગ લીડર છે.

દુબેએ X પર લખ્યું હતું કે મારા આરોપો ફોર્ડ ફાઉન્ડેશનના સોરોસ અને ટુકડે-ટુકડે ગેંગના રિંગ લીડર રાહુલ ગાંધી સામે છે. આ આરોપો પર ચર્ચા કરવા માટે મેં લોકસભા સ્પીકર પાસે મંજૂરી માગી છે. શું વિરોધ પક્ષના નેતા સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું ષડયંત્ર કરી રહ્યા છે? લોકસભામાં રાહુલના તાજેતરના ભાષણને દુબેએ ‘અમર્યાદિત વર્તન’ ગણાવી તેની તપાસ સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે.

વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જવાને મુદ્દે પણ આરોપ

ભાજપ સાંસદે રાહુલ ગાંધીના સોરોસ ફાઉન્ડેશન અને ફોર્ડ ફાઉન્ડેશન સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી માત્ર દેશદ્રોહીઓ સાથે મળવા માટે જ વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જાય છે. દુબેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તે ક્યારે ચૂંટણી પંચ પર, ક્યારે બંધારણ પર, ક્યારે લોકસભા અધ્યક્ષ પર અને ક્યારે સર્વોચ્ચ કોર્ટ પર આરોપ મૂકે છે — લગભગ બધી જ બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે વિશેષ પ્રસ્તાવ લાવી રાહુલ ગાંધીની સભ્યતા રદ કરવી જોઈએ અને તેમને ક્યારેય ચૂંટણી લડવા ન દેવા જોઈએ.

પ્રસ્તાવ પર ચર્ચાની મંજૂરી મગાઈ

દુબેએ ગૃહની કાર્યપદ્ધતિના નિયમ 352(5) અને 353 હેઠળ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની મંજૂરી આપવા અધ્યક્ષ પાસે વિનંતી કરી છે. આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ કડક વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હંગામો થતા અધ્યક્ષ  ક્રિષ્ના પ્રસાદે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી હતી. દુબેએ અગાઉ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિશેષ પ્રસ્તાવ’ લાવવા માટે નોટિસ આપી છે.