Home Blog Page 21

RBIની ધિરાણ નીતિઃ વ્યાજદરો યથાવત્, લોનના EMI નહીં વધે

નવી દિલ્હીઃ આરબીઆઈએ (RBI) મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે અને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રહેશે. આ નિર્ણયની પહેલેથી જ અપેક્ષા હતી, કારણ કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે જૂનની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાહેરાત કરી હતી.

હોમ લોન, કાર લોન સહિત અન્ય લોનની EMI નહીં વધે

રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાનો અર્થ એ છે કે હાલ માટે હોમ લોન, કાર લોન અને અન્ય લોનના વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. જેને કારણે લોનધારકોની EMI હાલમાં ન તો વધશે અને ન તો ઘટશે.

મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ત્રીજી જૂનથી શરૂ થઈ હતી. આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ ઊંચા ગયા છે. તેને પરિણામે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેનાથી મોંઘવારી વધવાનો ભય ઊભો થયો છે.

2026માં અત્યાર સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

છેલ્લે ડિસેમ્બર, 2025માં RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ 2026ની અગાઉની બે પોલિસી બેઠકોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આ વખતે પણ સ્થિતિ યથાવત્ રાખવામાં આવી છે. તેનું મુખ્ય કારણ વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને તેના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.

RBIનું વલણ ‘ન્યુટ્રલ’ યથાવત્

આ વખતે અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને એ જાણવા ઉત્સુક હતા કે RBI નીતિગત વલણમાં ફેરફાર કરશે કે નહીં. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે RBIનું વલણ ‘ન્યુટ્રલ’ જ રહેશે. જોકે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં કેન્દ્રીય બેંક વધુ આકરું વલણ અપનાવી શકે છે.

GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો

RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની GDP વૃદ્ધિનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા મુજબ ઊંચી ઊર્જા કિંમતો, સપ્લાયમાં અવરોધ અને વધતા ઇનપુટ ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે, જે GDP વૃદ્ધિને અસર કરશે. કેન્દ્રીય બેંકે રિટેલ મોંઘવારીનો અંદાજ 0.5 ટકા વધારીને 5.1 ટકા કર્યો છે.

વાસ્તુદોષ કરતાં મનોદોષ વધુ નુકસાન કરે

આપણે ત્યાં કહેવત છે, ‘છીંડે ચડે તે ચોર.’ બારણે થતું બધું જ માફ હોય છે, પરંતુ કોઈના વિશે ફેલાયેલી અફવા પણ તેના ચરિત્ર પર સવાલ ઊભા કરી શકે છે. Charitra ફિલ્મમાં પણ આ જ વાત રજૂ કરવામાં આવી છે.

વળી, ચરિત્ર શું માત્ર શરીર સાથે જ જોડાયેલું છે? આપણા ઇતિહાસમાં એવી કેટલીક ગણિકાઓનાં ઉદાહરણો છે, જેમણે ઈશ્વરભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. માણસના સંજોગો પરથી તેના ચરિત્રનું મૂલ્યાંકન કરી શકાય નહીં. જેનો આત્મા સ્વચ્છ છે, તે જ સાચા અર્થમાં ચારિત્રવાન ગણાય.

કોઈ ગમવું, કોઈને ચાહવું અથવા કોઈની ચાહતની ઈચ્છા રાખવી એ સ્વાભાવિક છે. પરંતુ વફાદારી એ સૌથી મોટો ગુણધર્મ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈ-મેઇલ પર જરૂરથી પૂછી શકો છો.

સવાલ: હું ગુજરાતને અડીને આવેલા એક રાજ્યમાં રહું છું, પરંતુ વારંવાર ગુજરાત આવવાનું થતું હોવાથી ગુજરાતી શીખી ગયો છું. હું કલા સાથે સંકળાયેલી એક સંસ્થામાં મેનેજર છું. હજી સુધી મારા લગ્ન થયા નથી. અથવા એમ કહું કે થતાં નથી.

હું અનામત કેટેગરીમાં આવું છું, એટલે અમારી જ્ઞાતિમાં લગ્નની યોગ્યતા ધરાવતી વ્યક્તિ મળતી નથી અને અન્ય જ્ઞાતિમાં પણ લોકો સહેલાઈથી તૈયાર થતા નથી. ચોક્કસ ઉંમર પછી માણસની કેટલીક શારીરિક જરૂરિયાતો હોય જ છે. જોકે એક સાહેબે મને સમજાવ્યું હતું કે પોતાનું કામ કઢાવવા માટે લોકો ઘણી વખત ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. બસ, એ તક પારખતાં શીખી જા.

થોડા સમય પહેલાં એક કલાકારનું એક્ઝિબિશન (Exhibition) હતું. તેમને જોતા જ લાગતું હતું કે તેઓ ખૂબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે અમે કોઈને ખાસ મદદ કરતા નથી, પરંતુ તેમણે કહ્યું કે, “હું આ જગ્યાએ નવો છું, તમે મને બિલ આપી દેજો.” અમને પણ આનંદ થયો. જતી વખતે તેમણે અમને એક મોંઘી ભેટ પણ આપી.

ત્યારબાદ જ્યારે પણ તેમને કોઈ કામ હોય ત્યારે હું સંપર્ક કરતો. ચાર મહિના પહેલાં એક સરકારી તાલીમ કાર્યક્રમ દરમિયાન બે યુવતીઓને અમારી સંસ્થાની જરૂર પડી. એમાંથી એક સમૃદ્ધ પરિવારની હતી. તેણે સ્પષ્ટ કહી દીધું કે અહીં જે છું તે બહાર નથી. બીજી યુવતી સામાન્ય પરિવારની હતી. અંતે તેણે ઘરે કહ્યું કે કાર્યક્રમ એક દિવસ લંબાયો છે અને તેને રહેવા માટે જગ્યા જોઈએ છે. પેલા કલાકાર એ જ ગામમાં રહેતા હતા. મેં તેમને ફોન કર્યો. તેમણે તરત જ કહ્યું, “અમારા ઘરે રહી જાઓ.” પરંતુ મેં કહ્યું કે ટેક્નિકલ કારણોસર તે શક્ય નથી.

અંતે તેમણે બીજી એક જગ્યાની ચાવી આપી, જ્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. રાત વીતી ગઈ. જતી વખતે તે બહેને કહ્યું, “મારું સર્ટિફિકેટ તમે રાખો. હું કહીશ કે લેવા આવવાનું છે, એટલે સાંજે ફરી આવીશ.”

પરંતુ એવું બન્યું નહીં. અંતે સર્ટિફિકેટ તે કલાકાર પાસે જ રાખવામાં આવ્યું અને વિનંતી કરવામાં આવી કે કોઈ લઈ જશે. મારા ગયા પછી તે બહેનને તે કલાકારમાં રસ પડ્યો. કુરિયર દ્વારા સર્ટિફિકેટ મોકલાવવાને બદલે તેણે વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ રાખ્યો. પેલા ભાઈ સમજાવતા રહ્યા, પરંતુ વાત વણસી ગઈ. આ સમગ્ર ઘટનામાં મેં તે કલાકારનું અપમાન કર્યું. ત્યારથી તેમણે મને બ્લોક કરી દીધો છે. હવે મને પસ્તાવો થાય છે. હું શું કરું?

જવાબ: સૌપ્રથમ તો તમારા જીવનને સ્થિરતા આપવાનો પ્રયાસ કરો. લગ્ન માટે ગંભીરતાથી પ્રયત્ન કરો. તમારા પત્ર પરથી એવું લાગે છે કે કેટલીક જગ્યાએ તમે તમારી વ્યક્તિગત વાસનાઓ અને લાગણીઓને કારણે એવા નિર્ણયો લીધા, જે યોગ્ય નહોતા. જીવનમાં ક્ષણિક આકર્ષણ અને સાચા સંબંધ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

પ્રેમ અને વાસનામાં તફાવત છે. ભૂખ લાગે એટલે ઝેર ખાઈ લેવું યોગ્ય નથી. તેવી જ રીતે, એકલતા કે શારીરિક જરૂરિયાતોને કારણે કોઈપણ માર્ગ અપનાવવો યોગ્ય નથી.

જો તમારી ભૂલથી કોઈનું દિલ દુભાયું હોય, તો એક વખત નિખાલસપણે માફી માગવાનો પ્રયાસ કરો. જો સામેની વ્યક્તિ સ્વીકાર ન કરે તો પણ એ નિર્ણયનો આદર કરો. જીવનમાં દરેક સંબંધ ફરી પાછો મેળવી શકાય એવો નથી. જીવનમાં રિવર્સ ગિયર હોતો નથી. ભૂલમાંથી શીખવું અને આગળ વધવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

સૂચન:
શિવપૂજા અને સૂર્યપૂજાના સમન્વયથી મન વધુ સ્થિર અને મજબૂત બની શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

દુલ્હન કે ડિસ્પ્લે મોડેલ : દુલ્હન બનવું હવે સહેલું નથી

એક જમાનામાં ઘૂંઘટ પાછળ છુપાયેલો દુલ્હનનો ચહેરો પરિવારની લાજ ગણાતો. ભાગ્યે જ બહારના લોકો તેને જોઈ શકતાં. કારણ કે રૂઢિચુસ્ત મર્યાદાઓ પાછળ પરિવારની સુરક્ષાનું એક આવરણ પણ રહેલું હતું. વિચારો સાથે સમય બદલાતો રહ્યો, પરંતુ શૃંગારરસ અને દુલ્હનનો સંબંધ હંમેશા અવિચળ રહ્યો.

ફૂલના ગજરાં અને નવલખાં હાર કરતાં પણ દુલ્હનનો સંકોચ વધારે નમણો લાગતો. એની કલાકો સુધી ઝૂકેલી નજર જાણે પિતાની આબરૂ સાચવતી. એના ન બોલાયેલા શબ્દો અનાયાસે જ ખોખરાંમાંથી સરી પડતાં અને આંખના પલકારે જાણે માતાની બધી જ શીખ સમજી લેતી. જ્યાં શરમ અને નજાકત વારસામાં મહેકતી, ત્યાં નકલી મેકઅપનાં થર ઝાંખા પડી જતા.

આજે સમય બદલાયો છે. હવે આપણે વધુ આધુનિક અને પ્રગતિશીલ બન્યા છીએ. પરંતુ દુલ્હનના દેખાવને લઈને સમાજની માનસિકતા હજુ પણ પાછળ જ છે. પરિવર્તન સાથે દુલ્હનનું સુંદર દેખાવું એક આવશ્યકતા બની ગયું છે. એવી આવશ્યકતા, જેના આધારે આખો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે.

બ્યુટી પાર્લર સુધી વાત મર્યાદિત હતી, પરંતુ હવે સ્ટેટસ સિમ્બોલની અસર માત્ર ખિસ્સા પર જ નહીં, સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી છે. કોઈ દુલ્હનનું પ્રિ-વેડિંગ શેડ્યૂલ જાણીએ તો નવાઈ લાગે કે આ લગ્નની તૈયારી છે કે કોઈ સજા!

વેઇટ લોસ, સ્કિન ટ્રીટમેન્ટ અને અતિ ખર્ચાળ બ્રાઇડલ બ્યુટી પેકેજિસ હવે દેખાડા માટે નહીં, પરંતુ લગભગ ફરજિયાત બની ગયાં છે. જાણીને આશ્ચર્ય થશે કે આજે વેઇટ લોસ માટેની દવાઓનું વૈશ્વિક બજાર જ અબજો રૂપિયાનું છે અને બ્યુટી પ્રોડક્ટ્સનું બજાર તો તેનાથી પણ વિશાળ છે.

વેઇટ લોસ :- લગ્નના દિવસે દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કે તે સૌથી ખાસ અને સુંદર દેખાય. તેની અદા દરેકથી અલગ હોય. પરંતુ આ વલણ હવે હદો વટાવી રહ્યું છે.

ડાયેટ કરવી, યોગ કે જિમ કરવું એક સ્વસ્થ જીવનશૈલીનો ભાગ છે. પરંતુ હવે બજારમાં નવા ટ્રેન્ડ્સ શરૂ થઈ ગયા છે. ઘણી યુવતીઓ લગ્ન પહેલાં ક્રેશ ડાયેટ કરે છે, જેમાં ખૂબ ઓછી કેલરીવાળો ખોરાક લેવામાં આવે છે. આ પદ્ધતિ ક્યારેક ગંભીર સ્વાસ્થ્ય જોખમો પણ ઊભા કરી શકે છે.

આ ઉપરાંત GLP-1 દવાઓ, જેમ કે મોન્જારો (Mounjaro), વેગોવી (Wegovy) અને ઓઝેમ્પિક (Ozempic), દ્વારા ઝડપથી વજન ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ દવાઓથી વજન ઝડપથી ઘટે છે, પરંતુ તેના લાંબા ગાળાના આડઅસરો અંગે તબીબી નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે.

ખાસ કરીને ઓઝેમ્પિકનાં ઇન્જેક્શન્સ ઝડપથી વજન ઘટાડવાના સાધન તરીકે લોકપ્રિય બન્યાં છે અને વેડિંગ માર્કેટમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે.

બ્યુટી ટ્રીટમેન્ટ:- જો આપણે બ્યુટી ટ્રીટમેન્ટને માત્ર વેક્સિંગ કે ફેશિયલ સુધી મર્યાદિત સમજતા હોઈએ, તો આપણે હકીકતથી અજાણ છીએ.

ભારતમાં બ્યુટી ટ્રીટમેન્ટ અને બ્યુટી પ્રોડક્ટ્સનો વ્યવસાય કરોડો રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે, જેમાં મુખ્ય ટાર્ગેટ ઇન્ડિયન વેડિંગ માર્કેટ છે.

સ્કિન લાઇટનિંગ, કેમિકલ પીલિંગ, ગ્લુટાથાયોન ઇન્જેક્શન અને લેઝર ટ્રીટમેન્ટ જેવી સેવાઓ હવે સામાન્ય બની ગઈ છે. આ તમામ ટ્રીટમેન્ટ્સ ખૂબ ખર્ચાળ હોય છે અને તેમાં વપરાતા કેટલાક રસાયણો શરીર માટે જોખમી પણ બની શકે છે.

સૌંદર્ય ઉદ્યોગનો વિકાસ એટલો ઝડપી છે કે ઘણા ત્વચા નિષ્ણાતો હવે સારવાર કરતાં કોસ્મેટિક પ્રક્રિયાઓમાં વધુ રસ લેતા જોવા મળે છે, કારણ કે તેમાં વધુ નફો છે. પરિણામે, લગ્ન પહેલાં દુલ્હન માટે આવા પેકેજિસ હવે લગભગ અનિવાર્ય ગણાવા લાગ્યા છે.

એટલું જ નહીં, લગ્નમાં ફોટા સારા આવે, શરીરનું ફિગર આકર્ષક દેખાય અને દરેક તસવીર સોશિયલ મીડિયા માટે યોગ્ય બને – આ બધું હવે ઇચ્છા નહીં, પરંતુ અપેક્ષા બની ગયું છે.

શું આપણે એવા સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં દરેક વસ્તુ ફોટોજેનિક હોવી જોઈએ? દરેક ક્ષણ, દરેક હાવભાવ અને દરેક ખૂણો ઇન્સ્ટાગ્રામેબલ હોવો જોઈએ?

શું હવે આપણું અસ્તિત્વ માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને સ્ટોરીઝ દ્વારા ચર્ચામાં રહેવા પૂરતું જ સીમિત થઈ રહ્યું છે?

દેખાડાની આ દોડ હવે માત્ર બેન્ક બેલેન્સ સુધી મર્યાદિત રહી નથી. એ દિવસો કદાચ દૂર નથી જ્યારે આ ટ્રેન્ડ્સની ગંભીર અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ સ્પષ્ટપણે જોવા મળશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

નોઈડાનાં બે બિલ્ડિંગમાં લાગી ભીષણ આગથી નાસભાગ

નવી દિલ્હીઃ નોઈડાનાં બે અલગ-અલગ સેક્ટરોમાં આવેલી IVY કાઉન્ટી સોસાયટીના ફ્લેટ અને એક PG બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાઓથી અફરાતફરી મચી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં આગ લાગવાની ઘટનાઓ અટકતી દેખાતી નથી. થોડા દિવસ પહેલાં માલવીય નગરના એક હોટેલમાં લાગેલી આગમાં 21 લોકોનાં મોત થયાં હતાં. હવે શુક્રવારે સવારે નોઈડાના સેક્ટર-74 સ્થિત IVY કાઉન્ટી સોસાયટીના એક ફ્લેટમાં ભીષણ આગ લાગ્યાની ઘટના બની છે. અહીં એકસાથે અનેક ફ્લેટ આગની ઝપટમાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

સેક્ટર-74માં આવેલી IVY કાઉન્ટી એક જાણીતી રહેણાક સોસાયટી છે, જ્યાં સેંકડો પરિવારો રહે છે. વહેલી સવારે લાગેલી આ આગમાં અનેક ફ્લેટોને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી, પરંતુ તેમની મશીન માત્ર છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકતી હતી. સોસાયટીમાં ઉપલબ્ધ આંતરિક ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે. આગ 12મા માળે લાગી હતી અને ત્યાર બાદ 16મા માળ સુધી ફેલાઈ ગઈ હતી.

મુખ્ય મંત્રી યોગીના અધિકારીઓને નિર્દેશ

નોઈડાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. એ સાથે જ પ્રશાસનને દરેક સ્તરે સતર્ક રહેવા અને રાહત કામગીરીની સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી છે.

હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબૂ

આગની જ્વાળાઓને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 12મા માળે લાગેલી આગ ઉપરના ફ્લેટોમાં પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓ હાઇડ્રોલિક ક્રેનની મદદથી સતત કામગીરી કરતા રહ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી તેમ જ કેટલા લોકો અંદર ફસાયેલા હતા તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

પંચાંગ 05/06/2026

૦૫ જૂન ૨૦૨૬

Chitralekha Gujarati – 15 June, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

મોટો ઝટકો: પેટ્રોલ-ડીઝલ હજુ રૂ. 2.5 મોંઘા થશે!

આંતરરાષ્ટ્રીય સ્તરે મિડલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય અને રાજકીય તણાવની નકારાત્મક અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાં ઇંધણના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર મોંઘવારીનું ભારે દબાણ ઊભું થયું છે. ક્રિસિલ (CRISIL) ના અહેવાલ મુજબ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય નુકસાનને સરભર કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ 2.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકી શકે છે. જો છેલ્લા કેટલાક સપ્તાહના આંકડા પર નજર કરીએ તો, ભારતમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ચાર તબક્કામાં ઇંધણના ભાવમાં કુલ 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. ભાવ વધારાનો આ સિલસિલો નીચે મુજબ રહ્યો હતો.

15 May: પહેલીવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

19 May: બીજીવાર કિંમતોમાં આશરે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો.

23 May: ત્રીજીવાર પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું.

25 May: ચોથીવાર પેટ્રોલમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો ઝીંકાયો.

એજન્સીનું કહેવું છે કે જો વૈશ્વિક સ્તરે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતો આ જ રીતે ઊંચી રહેશે, તો આગામી સમયમાં ગ્રાહકોએ વધુ આકરા ભાવ વધારાનો સામનો કરવો પડશે.

કુલ વધારો 10 રૂપિયા સુધી પહોંચશે, CPI મોંઘવારી પર થશે સીધી અસર

રિપોર્ટ અનુસાર, તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના કારણે થઈ રહેલા પોતાના નુકસાનને ધીમે-ધીમે ગ્રાહકો પર પાસ ઓન કરી રહી છે. આ ગણતરી મુજબ નજીકના ભવિષ્યમાં કુલ વધારો 10 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. ક્રિસિલે ચેતવણી આપી છે કે આ આકરા ઇંધણ વધારાની અસર સમગ્ર દેશની ઇકોનોમીમાં ટ્રાન્સપોર્ટેશન (વાહનવ્યવહાર) ખર્ચ વધવાના સ્વરૂપે દેખાશે. આનાથી સામાન્ય વપરાશની ચીજો અને કોર ઇન્ફ્લેશન (મુખ્ય ઇન્ફ્લેશન) બંનેમાં મોટો ઉછાળો આવશે.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ઇંધણની વધેલી કિંમતોના કારણે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) એટલે કે રિટેલ મોંઘવારી દર પર સીધો 36 બેસિસ પોઈન્ટનો (Basis Points) પ્રભાવ પડવાનો અંદાજ છે. જો તેલ કંપનીઓ દ્વારા કુલ વધારો 10 રૂપિયા સુધી લઈ જવામાં આવશે, તો મોંઘવારી પર આ અસર વધીને આશરે 48 બેસિસ પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે રિઝર્વ બેંક અને સરકાર માટે ચિંતાનો વિષય બનશે.

‘કાલા હિરન’ ના પ્રોડ્યુસરે કેમેરા સામે સલમાન ખાનની લીગલ નોટિસ ફાડી નાખી

સલમાન ખાનના જીવનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ એટલે કે વર્ષ 1998 ના કાળિયાર શિકાર મામલા પર બની રહેલી ફિલ્મ ‘કાલા હિરન’ ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાનની લીગલ ટીમ તરફથી મોકલવામાં આવેલી કાનૂની નોટિસનો જે આક્રમક રીતે જવાબ આપ્યો છે, તેણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અમિત જાનીએ માત્ર જાહેરમાં આ કાનૂની નોટિસની નકલને ફાડી જ નથી નાખી, પરંતુ એક વીડિયો જાહેર કરીને સલમાન ખાનના સમર્થકો પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લગાવ્યા સનસનીખેજ આક્ષેપ

પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર વીડિયો શેર કરીને આ સમગ્ર ઘટનાની વિગતો આપી છે. વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારથી આ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે, ત્યારથી જ તેમને સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે. આ ફોન કરનારા લોકો પોતાને સલમાન ખાનના કથિત સપોર્ટર્સ ગણાવી રહ્યા છે. આટલું જ નહીં, અમિત જાનીએ વધુ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે તેમને અંડરવર્લ્ડની કુખ્યાત ‘ડી-કંપની’ (D-Company) સાથે જોડાયેલો એક ધમકીભર્યો મેસેજ પણ મળ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે આ મેસેજની સત્યતા અથવા તેની પાછળ રહેલા અસલી ચહેરાઓની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.

પ્રોડ્યુસરે વીડિયોના માધ્યમથી પોતાની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “આવી ગંભીર સ્થિતિમાં મારે પહેલા સલમાન ખાનની લીગલ નોટિસનો જવાબ આપવો જોઈએ કે પછી મને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સામે લડવું જોઈએ?” તેમણે જણાવ્યું કે છેલ્લા 36 કલાકની અંદર જ તેમને ડઝનબંધ ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે, જેમાં તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પણ મુંબઈમાં પગ ન મૂકે.

કેમેરા સામે સલમાન ખાનની નોટિસ ફાડી નાખી

વાયરલ થયેલા વીડિયોમાં પ્રોડ્યુસર અમિત જાનીનો ગુસ્સો સાફ જોઈ શકાય છે. કેમેરાની બિલકુલ સામે કાનૂની નોટિસના કાગળો ફાડતા તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, “આ ફાટેલા કાગળના ટુકડા જ સલમાન ખાનની લીગલ ટીમને મારો અંતિમ અને આખરી જવાબ છે.” તેમણે બે ટૂંક શબ્દોમાં સંભળાવી દીધું કે તેઓ આ પ્રકારની કોઈ પણ ધમકીઓ, દબાણ કે દાદાગીરી સામે ઝૂકવાના નથી. તેઓ આવી હરકતોથી ડરશે નહીં અને પોતાના આ મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટથી એક ડગલું પણ પાછળ નહીં હટે.