સુરત: પુણા ગામમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વહેલી સવારે ઘોર નિંદ્રામાં સૂતા લોકો પણ ઉઠી દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ વિસ્તારના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
“મારા પરિવારમાં માતા-પિતા બન્ને સરકારી કર્મચારી. પિતા પોતે પણ શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત. મારા દાદા-દાદી પણ શિક્ષિત. એ જમાનામાં મારા દાદીએ પી.ટી.સી.નો અભ્યાસ કરીને તાલુકા શાળાના આચાર્ય રહી ચૂકેલા. આવા શિક્ષિત પરિવારના કારણે હું પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર. સાથે મારા સપનાં પણ એટલાં જ મોટા. મારે ક્લાસ વન અધિકારી બનવું હતું. આ માટે મેં મહેનત પણ કરી. GPSCમાં ફોરેસ્ટ અધિકારી અને મામલતદારની પરીક્ષાઓ પણ મેં પાસ કરી હતી. પરંતુ પિતાજીનું કહેવું હતું કે, મહિલાઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી ખૂબ જ સુરક્ષિત અને સન્માનિત કહેવાય. આથી તેમના કહેવાથી મેં B.S.C. અને M.S.C.નો અભ્યાસ કર્યા બાદ B.Ed. અને M.Ed.નો અભ્યાસ કર્યો. વર્ષ 2014થી હું આ ગુંદાળા (જામ) પ્રાથમિક શાળામાં બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. હવે મારું એક જ સપનું છે કે આજે હું તો ક્લાસ વન ઓફિસર બની શકી નથી. પરંતુ મારા વિદ્યાર્થીઓમાંથી કોઈ ક્લાસ વન અધિકારી બને તે માટે હું તેમને સતત પ્રેરણા આપું છું અને તેમની પાછળ મહેનત કરું છું.”
ચિત્રલેખા.કોમના ‘દીવાદાંડી’માં આજે વાત કરવી છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગુંદાળા ગામમાં આવેલી ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાના શિક્ષિકા અદિતિબેન કિશોરભાઇ દેશાણીની, જેઓ દરેક શિક્ષક માટે એક અનોખું ઉદાહરણ છે.
અમદાવાદસ્થિત વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને We are all Humen (WAAH) ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવીન સંશોધનોને લોકો સુધી પહોંચાડવા માટે દર વર્ષે WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ એનાયત કરે છે. વર્ષ 2024ના એવોર્ડ માટે પસંદગી પામેલા લોકોમાંથી એક અદિતિબેન દેશાણી પણ છે. ગ્રાસ રૂટ લેવલ પર શાળાના બાળકો સાથે કામ કરવા માટે તેમજ ઈઝી ઈકો ટૂલ્સ બનાવવા માટે એમને સિનિયર લોરિએટ એવોર્ડ, એક લાખ રૂપિયાની સ્કોલરશીપ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
અદિતિબેન છેલ્લા 12 વર્ષથી ગુંદાળા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. ગામ ખૂબ જ નાનું છે. ધોરણ-1 થી 8માં માત્ર 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમ છતાં આ શાળાની કૃતિ દર વર્ષે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે. અત્યાર સુધીમાં તેમની કૃતિઓ 12 વખત જિલ્લા કક્ષાએ પહોંચી છે. 9 વખત રાજ્ય કક્ષાએ પહોંચી, 3 વખત નેશનલ કક્ષાએ પહોંચી અને એક વખત ઈન્ટરનેશનલ કક્ષાએ પહોંચી છે.
એક નાના ગામમાં રહીને બાળકોને વિજ્ઞાન અને ગણિતમાં કઈ રીતે રૂચિ વધારી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ અદિતિબેન છે. અદિતિબેન જે શાળામાં ભણાવે છે, તે ખૂબ જ નાની છે. ગામ પણ ખૂબ નાનું છે. શાળામાં 100 બાળક અભ્યાસ કરે છે. પરંતુ શાળા પાસે પોતાની પ્રયોગ બેંક છે. જેમાં 500 કરતા વધારે પ્રયોગ રહેલા છે. જે એક નાનકડાં ગામની શાળા માટે ખૂબ જ મોટી વાત કહેવાય. શાળાના કાર્યો માટે ગામના આગેવાનોનો પણ સપોર્ટ ખૂબ સારો મળે છે. આગેવાનો બાળકો, શિક્ષકો અને શાળાને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ શાળામાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
2014માં અદિતિબેનનું આ શાળામાં પ્રથમ વર્ષ હોવા છતાં ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાની કૃતિ જિલ્લા કક્ષા સુધી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચી હતી. આ વિશે અદિતિબેનનું કહેવું છે કે, “શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆતથી જ મને એવું હતું કે ભલે હું શિક્ષણના ક્ષેત્રમાં આવી છું. પરંતુ મારે આ ક્ષેત્રમાં પણ કંઈક અલગ જ કરી બતાવું છે. આથી જ્યારે એક નાના ગામની શાળામાં પહોંચી, તો ત્યાં પણ બાળકોમાં વિષય પ્રત્યે રૂચિ જગાડવા માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે. જો બાળક આર્થિક રીતે સક્ષમ ન હોય તો પોતાના નાણા ખર્ચીને પણ મેં બાળકોને ભણવામાં અને વિજ્ઞાન મેળામાં આગળ વધવામાં મદદ કરી છે. આ સાથે જ મને મારી શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકોનો તેમજ પરિવારનો પણ એટલો જ સહયોગ મળ્યો છે.”
અદિતિબેન બાળકોને ભણતરની સાથે જીવનના ગણતરના પાઠ પણ શીખવે છે. તેઓ કારકિર્દીના પ્રથમ વર્ષથી બાળકો સાથે શાળામાં વિવેકાનંદ બચત બેંક ચલાવે છે. જેમાં દરેક બાળક પોતાની યથાશક્તિ બચત કરેલા રૂપિયા જમા કરાવે. ત્યારબાદ શિક્ષક પણ એમાં પોતાની બચત જમા કરાવે છે. આ બચત બેંકના ભંડોળમાંથી બાળક આઠમું ધોરણ પાસ કરીને માધ્યમિક શાળામાં જાય, વિદાય લે ત્યારે તેમને શૈક્ષણિક કિટ આપવામાં આવે છે. આ સિવાય, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પણ આ ભંડોળના નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી સંવેદના કેળવાય તે હેતુથી શાળામાં રોટલા બેંક પણ ચલાવવામાં આવે છે.
વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્પર્ધા વિશે અદિતિબેનને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી. સેન્ટર અને તેના કાર્યો વિશે તો અદિતિબેન પહેલેથી જ જાણતા હતા. તેમણે એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. અદિતિબેન અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા આ એગ્રીકલ્ચર વેસ્ટમાંથી વાટકા તૈયાર કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની નોંધપાત્ર પ્રગતિની ઉજવણી માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેરનું આયોજન IIT ગુવાહાટી, આસામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અદિતિબેનના આ ઇકોફ્રેન્ડલી ઈનોવેશનને દર્શાવવામાં આવ્યું હતું.
અદિતિબેનના હાથ નીચે ભણેલા બાળકો આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે ત્યારે તેમનું મન ખૂબ જ પ્રફૂલિત થઈ જાય છે. આજે કોઈક દીકરી એમ. ફાર્મ કરે છે. કોઈ દીકરી હોમિયોપેથીનો અભ્યાસ કરી રહી છે. કેટલાંક દીકરા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. અદિતિબેનની ઈચ્છા છે કે તેમણે ભણાવેલ દરેક બાળક બીજા 10 બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવે. અદિતિબેન આ સ્કોલરશીપમાંથી અમુક રકમ વિજ્ઞાન ક્ષેત્રે વાપરવાનું વિચારે છે. જેથી કરીને તેમના વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોઈ પણ વૈજ્ઞાનિક કોયડાનો જવાબ મિનિટોમાં મેળવી શકે. ભલે અદિતિબેન પાસે 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય પરંતુ તેમની ઈચ્છે છે કે તેમની શાળાના વિદ્યાર્થિઓ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન કક્ષાનું જ્ઞાન મેળવે.
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતીય પરમાણુ સંસ્થાઓ પર લાગેલા જૂના પ્રતિબંધોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એનો ઉદ્દેશ ભારતની સાથે ઊર્જા સંબંધોને મજબૂત કરવાને અને 20 વર્ષ જૂના ઐતિહાસિક પરમાણુ સમજૂતીને નવી ગતિ આપવાનો છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેક સુલિવને આ અંગે માહિતી આપી હતી.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રતિબંધો દૂર કરશે. બીજી તરફ ગયા મહિને અમેરિકાએ પાકિસ્તાનની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. જે પાકિસ્તાન માટે આઘાતજનક નિર્ણય છે.જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ IIT-દિલ્હીમાં ભારતના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ભૂતકાળમાં 26 વર્ષ પહેલાં મૂકાયેલા પ્રતિબંધો દૂર કરી અમેરિકા સાથે ભારતના પારદર્શક વેપાર સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય રજૂ કર્યો હતો. મે, 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેનાથી નારાજ અમેરિકાએ ભારતની અનેક પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઈન્ડિયન રેર અર્થ્સ, પરમાણુ રિએક્ટર્સ સામેલ હતી. હવે આ પ્રતિબંધો દૂર થતાં ભારત અને અમેરિકાની કંપનીઓ સાથે મળી કામ કરશે. સુલિવને જણાવ્યું હતું કે સેમીકંડક્ટર ટેક્નિક પર ભારત પ્રથમ એવો દેશ છે, જેની સાથે અમેરિકા કામ કરશે. તત્કાલીન મનમોહન સિંહ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ વચ્ચેની બેઠકમાં ભારત અને અમેરિકા સિવિલ પરમાણુ કોર્પોરેશન માટે મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બાદમાં 2008માં ભારત-યુએસ સિવિલ પરમાણુ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રેગ્યુલેટરી પડકારોને કારણે યુએસ ન્યુક્લિયર રિએક્ટર્સના સપ્લાય માટેની યોજના સાકાર થઈ શકી નહીં. તેમના આ અવાસ્તવિક વિઝનને સાકાર કરતાં આજે અમે જાહેરાત કરીએ છીએ કે, અમેરિકા હવે લાંબા સમયથી ચાલતાં પ્રતિબંધો દૂર કરી બંને દેશોની કંપનીઓ વચ્ચે સિવિલ પરમાણુ જોડાણ કરશે.
ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ નિષ્ણાતોના મતે આ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.
સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં HMPV ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી. આમ કુલ દેશમાં 8 કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, ‘આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં લેવા અમે તૈયાર છીએ.’ એચએમપી વાઇરસનો કેસ નોંધાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેને પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાઈરસના દર્દી માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઇરસને લઈને હાલમાં ગભરાવવાની જરૂર નથી. વાઇરસની સામે લડવા માટે તંત્ર સજ્જ છે.
નવી દિલ્હીઃ નેપાળ અને તિબેટની સરહદ પાસે મંગળવારની સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ભારતના બિહાર, UP, દિલ્હી NCR, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં અનુભવાયા હતા.
આ ભૂકંપને કારણે તિબેટમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે, કમસે કમ 53 લોકોના મોત થયાં છે. ભૂકંપે તિબ્બતના શિગાત્સે શહેરમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં અનેક ગામો ગરકાવ થયાં છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે, એમ ચીનના સ્થાનિક મિડિયાએ જણાવ્યું હતું.
— National Center for Seismology (@NCS_Earthquake) January 7, 2025
ચીનની સરકારી એજન્સી સિન્હુઆએ જણાવ્યું છે કે શિજાંગ સ્વાયત્ત ક્ષેત્ર (તિબેટના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 53 લોકોનાં મોત થયાં છે અને 62 લોકો ઘાયલ થયા છે.
અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ (USGS)એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ આશરે 10 કિલોમીટર ઊંડું હતું અને પર્વતીય વિસ્તારમાં હતું. ચીનની ભૂકંપ નિગરાની એજન્સીએ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી હતી. બિહારના અનેક જિલ્લાઓ મોતિહારી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સિવાન, અરરિયા, સુપૌલ અને મુઝફ્ફરપુરમાં સવારે 6.40 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.. લોકો ભૂકંપના ઝટકા મહેસૂસ થતાં ડરીને ઘરમાંથી બહાર આવી ગયા. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારે ઝટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરોમાંથી બહાર આવી ગયા. આટલી તીવ્રતાનો ભૂકંપ શક્તિશાળી ગણાય છે અને ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. ત્યાર બાદ શિજાંગ ક્ષેત્રથી એક કલાકની અંદર ભૂકંપના 5 વધુ ઝટકા મહેસૂસ થયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 અને 4.9 માપવામાં આવી હતી.
સામાન્ય રીતે આપણે કેરી ખાઈએ ત્યારે છોતરાં અને ગોટલા ફેંકી દેતા હોઈએ છીએ. આમ ગોટલાની કોઈ કિંમત ઉપજતી નથી. પણ એક બાજુ કેરીનો સ્વાદ પણ લઈએ અને બીજી બાજુ અત્યાર સુધી ફેંકી દેવાતો ગોટલો પણ વપરાશમાં આવે અને એની કિંમત પણ ઉપજે ત્યારે વધારાનો નફો થયો એમ કહેવાય.
કોઈ પણ પરિસ્થિતીમાં ધાર્યા કરતાં વધુ સારું વળતર મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ કહેવત વાપરી શકાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
મનોજકુમારની ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’ (1983) થી હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરનાર મીનાક્ષી શેષાદ્રીને સુભાષ ઘઈ નિર્દેશિત ‘હીરો’ (1983) થી સફળતા મળી હતી. પણ એમની સાથેની બીજી ફિલ્મ પછી ગેરસમજ થતાં એ પછી કોઈ ફિલ્મ કરી શકી ન હતી. મીનાક્ષી શેષાદ્રીએ એક મુલાકાતમાં પોતાની કેટલીક ફિલ્મો વિષેની આવી નાની-મોટી અનેક રસપ્રદ વાતો કરી હતી. મીનાક્ષી પહેલી ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’ માં કામ કરી રહી હતી ત્યારે સુભાષ ઘઈને માહિતી મળી કે તે એક સારી ડાન્સર અને અભિનેત્રી લાગી રહી છે. તેમણે મનોજકુમારને વિનંતી કરી કે એનું જે શુટિંગ થયું છે એ જોવા માગે છે.
ફિલ્મના બે-ત્રણ ગીતો તૈયાર થયા હોવાથી ઘઈએ એ જોયા પણ પછી થયું કે એમને ‘હીરો’ માટે આવી પશ્ચિમી લુકની અને ગ્લેમરસ અભિનેત્રી કામ લાગે એમ નથી. જોકે, લાંબો વિચાર કર્યા પછી થયું કે મીનાક્ષી ભરતનાટ્યમ જાણતી હોવાથી ‘રાધા’ ની ભૂમિકાને ન્યાય આપી શકશે અને એને કામ સોંપ્યું હતું. બીજી ફિલ્મ ‘મેરી જંગ’ (1985) માં મીનાક્ષીની બહુ નાની ભૂમિકા હતી પણ મુખ્ય વાર્તામાં એવી રીતે વણી લીધી હતી કે એ મહત્વની લાગે છે. પણ આ ફિલ્મ વખતે મીનાક્ષીને સુભાષ ઘઈ સાથે એવી ગેરસમજ થઈ કે એમણે ફરી એની સાથે કામ કર્યું નહીં.
મીનાક્ષીને સની દેઓલ સાથેની પહેલી ફિલ્મ ‘ડકૈત’ (1986) માં લેતી વખતે નિર્દેશક રાહુલ રવૈલે પહેલાં જ કહી દીધું હતું કે એમાં સની અને એના પરિવારનું મહત્વ છે પણ તને પાંચ-છ દ્રશ્યો અને બે-ત્રણ સારા ગીતો આપીશ. મીનાક્ષીએ રાહુલ સાથે કામ કરવું હોવાથી હા પાડી હતી. પરંતુ જ્યારે પૈસાની વાત આવી ત્યારે એમણે નિરાશ કરી હતી. રાહુલે સ્પષ્ટ કહી દીધું હતું કે હું તને હીરોઈનને મળે છે એટલી ફી આપીશ નહીં. જેટલા રૂપિયા આપું એટલા સ્વીકારી લેવા પડશે. કેમકે તું મારી સાથે કામ કરી રહી છે એ જ તારી કિંમત છે. મીનાક્ષી નવી હોવાથી માની ગઈ હતી.
નિર્દેશક ટીનુ આનંદ જ્યારે અમિતાભ સાથે ફિલ્મ ‘શહેનશાહ’ (1988) બનાવી રહ્યા હતા ત્યારે એક નવી હીરોઈનની જરૂર હોવાથી મીનાક્ષીને પસંદ કરી હતી. એમાં મીનાક્ષી પર બે ગીત ‘હે યુ’ અને ‘જાને દો જાને દો મુઝે જાના હૈ’ ફિલ્માવવાના હતા. ટીનુએ જ્યારે ગીતોનું સંગીત સાંભળ્યું ત્યારે એ ધીમા લાગ્યા હતા. મીનાક્ષી એક સારી ડાન્સર હોવાથી ટીનુએ બંને ગીતને ફરી તૈયાર કરાવ્યા હતા અને ઝડપી સંગીતવાળા બનાવડાવ્યા હતા.
રાજકુમાર સંતોષી સાથેની ફિલ્મ ‘દામિની’ (1993) વખતે અનેક સમસ્યા આવી હતી. ફિલ્મનું શુટિંગ શરૂ થયું એ દિવસે મીનાક્ષીના પગમાં એવી તકલીફ થઈ અને સોજો આવ્યો કે ચાલી શકે એમ ન હતી તેથી શુટિંગ રદ કરવું પડ્યું હતું. એ પછી મીનાક્ષી અને નિર્માતા વચ્ચે કેટલીક સમસ્યા ઊભી થઈ એમાં ફિલ્મ જ અટકી ગઈ હતી. પરંતુ બહુ જલ્દી સમસ્યાનું નિવારણ આવી જતાં ફરી શુટિંગ શરૂ થયું હતું. ફિલ્મના અંતમાં કોર્ટરૂમના દ્રશ્યોનું ફિલ્માંકન થતું હતું એમાં પહેલાં સનીના દ્રશ્યો લેવામાં આવ્યા હતા. મીનાક્ષીના બીજા દિવસે દ્રશ્યો લેવાના હતા. પણ ખબર પડી કે બીજા દિવસે સ્ટુડિયો ઉપલબ્ધ ન હોવાથી એ જ દિવસે શુટિંગ કરવું પડે એમ હતું અને વળી બહુ લાંબા સંવાદના દ્રશ્યો હતા. મીનાક્ષીએ ઓછા સમયમાં બહુ મહેનત કરી અને સંતોષીએ છ ટુકડામાં એ દ્રશ્યો ફિલ્માવ્યા હતા. મીનાક્ષીએ એક જ ટેકમાં એ દ્રશ્યો આપ્યા હતા.