Home Blog Page 22

શું ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત કરશે સરકાર?

નવી દિલ્હીઃ દેશમાં ટૂંક સમયમાં ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત થવાની શક્યતા છે. દેશમાં ચાંદીની ગુણવત્તા પર સમયાંતરે લોકો સવાલ ઉઠાવે છે. મોટા ભાગના ગ્રાહક ચાંદીના ઝાંઝર (પાયલ), ચાંદીના કડા, સહિત અને ઘરેણાં કે લગ્ન વખતે ભેટ આપવા માટે બનાવે છે, પણ ગ્રાહક અનેક વાર ચાંદીની શુદ્ધતા વિશે ફરિયાદો કરે છે.

ચાંદીની શુદ્ધતા માટે હાલ કોઈ માપદંડ નથી. કેન્દ્રીય ગ્રાહકો બાબતો અને ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ ભારતીય સ્ટાન્ડર્ડ (BIS)થી ચાંદી અને એનાં ઘરેણાં પર હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાની સંભાવના પર વિચાર કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગ્રાહકો તરફથી ચાંદી પર હોલમાર્કિંગની માગ વધી રહી છે. જોશીએ આ વાત BISના 78મા સ્થાપના દિવસના સમારંભમાં કહી હતી. ચાંદી પર હોલમાર્કિંગ માટે ગ્રાહકોની માગ છે. BIS આના પર વિચાર કરીને નિર્ણય લે.ચાંદી અને એનાં ઘરેણા પર હોલમાર્કિંગને લાગુ કરવાથી દેશમાં કીમતી ધાતુની ગુણવત્તા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. હાલ સરકાર માત્ર સોનાનાં ઘરેણાં અને કલાકૃત્રિઓ પ હોલમાર્કિંગ ફરજિયાત કરે છે. એનો ઉદ્દેશ ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવાનો અને મેટલની શુદ્ધતાની ગેરન્ટી આપવાનો છે.જોકે સોનાની જેમ ચાંદી પર એમ્બોસ કરેલો HUID નંબર લાંબો સમય સુધી ટકી શકે એમ નથી, વાતાવરણના સંપર્કમાં આવવાથી સમય જતાં એના પર કાટ લાગી શકે છે. આ જ કારણસર સરકાર પણ એનો રસ્તો કઈ રીતે કાઢવો એના પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ચાંદી પર એમ્બોસ કરેલા HUIDને વાતાવરણની અસર ન થાય એની રીત અત્યારે શોધવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

HUID એ છ આંકડાનો આલ્ફાન્યુમરિક કોડ છે, જે દરેક જ્વેલરી પર હોલમાર્કિંગ વખતે લખવામાં આવે છે. ભારતમાં એપ્રિલ, ૨૦૨૩થી સોનાના વેચાણ પર હૉલમાર્ક‌િંગ ફરજિયાત થઈ ગયું છે.

 

દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ગરમીનો કહેર, આગ લાગવાની ભીતિ વધી

દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયમાં ગરમી કાળો કહેર વરતાય રહ્યો છે. દક્ષિણ પૂર્વના ઓસ્ટ્રેલિયાના જંગલમાં આ ગરમી આગ લાગવાની પણ શક્યતા સેવાય રહી છે. જેને પગલે સ્થાનિકોમાં ભયને ફફડાટ વસી ગયો છે. તો કેટલાક વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવવાની ફરજ પડી હતી. તો કેટલાંક સ્થળે તો આગ લાગી પણ ગઇ છે. આથી વિક્ટોરિયા રાજ્યમાં તો કેટલાક વિસ્તારોમાં જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગત સપ્તાહે રાજ્યનાં ગ્રેમવિચન્સ નેશનલ પાર્કમાં લાગેલી આગને લીધે અનેક મકાનો સળગી ઉઠ્યાં હતાં. ખેડૂતોનો ઊભો પાક પણ બળી ગયો હતો. જેના પરથી કહી શકાય કે ઓસ્ટ્રેલિયા ઉપર ગરમીનું મોજું હજી પણ વધવાની ભીતિ રહેલી છે.

બીજી બાજું દેશમાં હવામાન ખાતાએ જણાવ્યું હતું કે મેલબોર્નમાં પણ પારો 38 ડિગ્રી સેલ્સીયસથી ઉપર જવા સંભાવના છે. જ્યારે ઉત્તર પૂર્વમાં મિલ્દુરા નગરમાં ટેમ્પરેચર 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલેકે રવિવારે તે 32 ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. જાન્યુઆરીના અંત સુધીમાં તો દેશભરમાં ગરમીનું પ્રચંડ મોજું ફેલાઈ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. મીડિયા કંપને ઈન્ટરવ્યૂ આપતા એક હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં ટેમ્પરેચર ઉંચુ પહોંચી જશે. તેનો અર્થ તે જ થાય કે વધુ અને વધુ જિલ્લાઓમાં અને જંગલમાં આગ લાગવાની સંભાવના વધતી જશે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ન્યૂસાઉથ વેલ્સ અને તાસ્માનિયામાં પણ હીટવેવ ફેલાવાની અને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ટીવી ઉપર તેમજ તેની વેબ સાઇટ ઉપર મુકી દીધી છે.

ગાઝા ઉપર ઈઝરાયલના પ્રચંડ હવાઈ હુમલાઓ, 184ના મોત

ઈઝરાયલ અને ગાઝા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ઈઝરાયલી સેનાએ ગાઝા પટ્ ઉપર કામો કરે વરસાવ્યો છે. છેલ્લા 72 કલાકમાં તેણે 94, હવાઈ હુમલા કર્યા છે. સાથે વિમાનમાંથી ગોળીબારો પણ કર્યા છે. પરિણામે ઓછામાં ઓછા 184 લોકોનાં મૃત્યુ થયાં છે. આ મામલે હમાસના મીડીયા કાર્યાલયે માહિતી આપતાં જણાવ્યું છે કે આ રીતે નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકોની હત્યા કરવી ખતરનાક છે, ક્રૂરતાની પરીસીમા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ હુમલો ગાઝા શહેરને જ નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. તેથી અસંખ્ય લોકો ઘાયલ પણ થયા છે. ઘણા લોકો મલબામાં ફસાઈ ગયા છે. તેમાં પણ માર્ગો તૂટી જવા અને વાહનોની અછતથી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલો સુધી પહોંચાડવામાં પણ અવરોધ આવે છે. ગાઝામાં પેલેસ્ટાઇની નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસથી ઇઝરાયલી હવાઈ હુમલા હિંસક રીતે તેજ થઇ ગયા છે. તેથી સ્થાનિક લોકોને અસાધારણ મુશ્કેલીઓ પડી રહી છે. આ ભયાનક અપરાધો માટે ઇઝરાયલ તો જવાબદાર છે જ, પરંતુ તે સાથે અમેરિકા પણ તેટલું જ જવાબદાર છે. તે ઇઝરાયલને સ્ટીમરો ભરી શસ્ત્રો આપે છે. સાથે રાજદ્વારી સમર્થન પણ આપે છે. હમાસે તેનાં નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમાજ અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આ જધન્ય અપરાધો અટકાવવા પગલાં લેવાં જ જોઇએ તે પહેલાં તેનું દસ્તાવેજીકરણ પણ કરવું જોઇએ, તેમજ તે અપરાધો માટે ઇઝરાયલને જવાબદાર ઠરાવવું જોઇએ. આ સાથે ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ બુધવારે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો હમાસે બંધકોને મુક્ત નથી કર્યા અને અમારી ઉપર રોકેટ છોડવાના બંધ નથી કર્યા તો અભૂતપૂર્વ બળ પ્રયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023ના દિવસે હમાસે દક્ષિણ ઇઝરાયલમાં એક ધાર્મિક સમારોહ સમયે ઓચિંતો હુમલો કરી 120થી વધુની હત્યા કરી હતી અને 250થી વધુનાં અપહરણ કરી તેમને બંધક બનાવ્યા હતા. જે બાદ ઇઝરાયલે તો પ્રચંડ હુમલાઓ શરૂ કરી દીધા જેમાં 45000થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે.

હોસ્પિટલની ‘ખ્યાતિ’નું કૌભાંડઃ કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી

અમદાવાદઃ શહેરમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટમાંથી આંચકો મળ્યો છે. કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી છે. તેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના જમાઈએ અરજી કરી હતી, તેમાં ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી અરજી કરવામાં આવી હતી.

ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ હાઇકોર્ટમાં અરજી થઈ છે તેમાં ભોગ બનનાર 15 અરજદારોની અલગ-અલગ ફરિયાદ નોંધવાની માગ માટે અરજી થઇ છે. જોકે અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ હોસ્પિટલમાં થયેલા ઓપરેશન બાદ દર્દીઓને કોઈ ને કોઈ તકલીફ ઊભી રહી છે. અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન લેવામાં આવ્યાં નથી. તાજેતરમાં જ આ કાંડમાં વધુ બે નામ સામે આવ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં CEO રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં  તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર કેમ્પનું આયોજન કરીને દિવસના 3થી 4 ઓપરેશન ડોક્ટરો કરતા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોનાં પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા.

‘આઝાદ’નું ટ્રેલર રિલીઝ, અજય દેવગનના ભત્રીજા અમન દેવગને જીત્યુ દિલ

મુંબઈ: અજય દેવગન, અમન દેવગન અને રાશા થડાની સ્ટારર ફિલ્મ ‘આઝાદ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમાં અંગ્રેજોના સમયની વાર્તા જોઈ શકાય છે. જ્યારે તેમનું શાસન હતું અને રાજાઓ અને બાદશાહોનો યુગ હતો ત્યારની વાત છે. જોકે આ ફિલ્મ જોઈને તમને ‘લગાન’ યાદ આવી જશે. પરંતુ અમન દેવગનની એક્ટિંગ જોઈને તમે તેના પ્રશંસક બની જશો. ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં અજય દેવગન સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી.

તસવીર: દીપક ધૂરી

‘આઝાદ’નું ટ્રેલર કાળા ઘોડાથી શરૂ થાય છે, જે આ ફિલ્મનું કેન્દ્ર છે. તેની સુંદરતા અને કદ જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. તે વિક્રમ સિંહનો ઘોડો છે અને તેનું નામ આઝાદ છે, જેના પર આ ફિલ્મ આધારિત છે. આમાં અમન દેવગન એક ડાકુ છે અને રાશાનું પાત્ર અમીર છોકરીનું છે. જેને તે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો રહે છે.

તસવીર: દીપક ધૂરી

અમન દેવગનના પાત્રનો પાર્ટનર આઝાદ છે અને અજય દેવગન તેને રસ્તો બતાવે છે. તે અંગ્રેજો અને જમીનદારો સામે બળવાખોર તરીકે લડે છે અને લોકોને આઝાદી અપાવે છે. આ ફિલ્મ અભિષેક નય્યર અને અભિષેક કપૂર દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. ડાયના પેન્ટીએ કેમિયો કર્યો છે. રોની સ્ક્રુવાલા અને પ્રજ્ઞા કપૂર નિર્માતા છે. અભિષેક કપૂરે દિગ્દર્શન કર્યું છે. આ આખા ટ્રેલરમાં અમન દેવગણે અભિનયની શરૂઆતની બાબતમાં સારું કામ કર્યું છે. પરંતુ ટ્રેલરમાં રાશા થડાની બહુ ઓછી જોવા મળી હતી. તેને ઓછા સંવાદો આપવામાં આવ્યા હતા. સ્ક્રીન ટાઈમ પણ ઓછો છે.

ફિલ્મ ‘આઝાદ’ પર લોકોની પ્રતિક્રિયા
આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું ટ્રેલર જોઈને લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે અજય દેવગનનું પાત્ર જોયા બાદ તેને RRRમાં તેના પાત્રની યાદ આવી રહી છે. તે જ સમયે, કેટલાકે કહ્યું કે રુવાંડા ઉભા થઈ ગયા. તો એકે લખ્યું, ‘ફિલ્મ ચલાવવી મુશ્કેલ છે. કારણ કે આવી ફિલ્મ 90ના દાયકામાં જોઈ હોય તેવું લાગે છે.’

‘દેવા’ના ટીઝર લૉન્ચમાં શાહિદ કપૂર, જુઓ તસવીરો

અભિનેતા શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ ‘દેવા’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહિદે આ ફિલ્મને તેની કારકિર્દીની સૌથી પડકારજનક ફિલ્મ ગણાવી છે.મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝ દ્વારા નિર્દેશિત દેવ 31 જાન્યુઆરીએ રિલીઝ થશે.

દેવા ફિલ્મના ટીઝર રિલીઝ ઈવેન્ટમાં શાહિદ કપૂરે હાજરી આપી હતી. અભિનેતાએ કહ્યું કે આ ફિલ્મ જેવો તેને પહેલાં ક્યારેય અનુભવ થયો નથી. શાહિદે એ પણ કહ્યું કે આ ફિલ્મ એક જ પાત્રના દ્વૈતને ઊંડાણપૂર્વક દર્શાવે છે.

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

HMPV આઉટબ્રેકથી શેરબજાર ફફડ્યું: સેન્સેક્સ 1258 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ અમેરિકી શેરબજારોમાં તેજી છતાં ઘરેલુ શેરબજારો સપ્તાહના પહેલા દિવસે તૂટ્યા હતા. હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના દેશમાં બે કેસ અને એક કેસ ગુજરાતમાં મળતાં શેરોમાં સાર્વત્રિક નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ બે ટ્રેડિંગ સેશનમાં આશરે 2000 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે રોકાણકારોના રૂ. 12 લાખ કરોડ સ્વાહા થયા હતા.

ચીનમાં ફેલાયેલા કોરોના જેવા નવા વાઇરસના ભારતમાં અત્યાર સુધી ત્રણ કેસ મળતાં રોકાણકારો સાવચેતી રૂપે શેરોમાં ભારે નફારૂપી વેચવાલી કાઢી હતી. કર્ણાટકમાં બે બાળકોમાં આ વાઇરસની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બંને બાળકોમાં રિકવરી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી, તેમ છતાં રોકાણકારો અનિશ્ચિતતભર્યા માહોલમાં શેરોની જાતેજાતમાં જોરદાર વેચવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 1258 પોઇન્ટ તૂટીને 77,964.99એ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 388.70 પોઇન્ટ તૂટીને 23,616.05ના મથાળે બંધ રહ્યો હતો.

આ વેચવાલી સાથે બજાર ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 23,600ની નીચે સરક્યો હતો. નિફ્ટીએ 20-DMA અને 50 DMA જે મહત્ત્વના સ્તર પણ તોડ્યા હતા.બજારના માર્કેટ કેપમાં રૂ. 10.5 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો 85.83ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો.   

BSE એક્સચેન્જ પર કુલ 4244 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 657 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3471 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 116 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 176 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 113 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

અમેરિકામાં છેલ્લાં 10 વર્ષનું સૌથી ભયંકર બરફનું વાવાઝોડું, 7 રાજ્યમાં ઇમર્જન્સી લાગુ

​​​​​​અમેરિકામાં રવિવારે આવેલા ભયાનક બરફના વાવાઝોડાને કારણે ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ છેલ્લાં 10 વર્ષનું સૌથી ભયાનક બરફનું વાવાઝોડું હોઈ શકે છે. સ્થિતિને જોતા અમેરિકાનાં 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અર્કાન્સસ અને મિઝોરીમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર, આ વાવાઝોડાથી અમેરિકાના 6 કરોડ લોકોના જીવનને અસર થવાની શક્યતા ત્યાના હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે સામાન્ય રીતે ગરમ રહેતા ફ્લોરિડામાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. નેશનલ વેધર સર્વિસે કેન્સાસ અને મિઝોરી માટે વિશેષ ચેતવણીઓ જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે આ બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં 8 ઈંચ સુધી હિમવર્ષા થઈ શકે છે. અહીં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકામાં આ બરફના વાવાઝોડાનું મુખ્ય કારણ પોલર વોરટેક્સ હોવાનું માનવામાં આવે છે. પોલર વોરટેક્સ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફુંકાય છે. ભૌગોલિક બંધારણને કારણે, પોલર વોરટેક્સ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ જાય છે, ત્યારે તે અમેરિકા, યુરોપ અને એશિયામાં ભારે ઠંડી લાવે છે. આ દિવસોમાં અમેરિકામાં આવું જ થઈ રહ્યું છે, નિષ્ણાતોનું માનવું છે કે આ ધ્રુવીય પવનો યુરોપ અને એશિયામાં ફૂંકાઈ શકે છે. જ્યારે પોલર વોરટેક્સ ચાલી રહ્યું હોય ત્યારે ઘરની બહાર નીકળવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આ સમયે વિન્ટર કિટ વગર બહાર જવાથી 5 થી 7 મિનિટમાં હાર્ટ એટેક આવી શકે છે. કેટલાક રિસર્ચ દર્શાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આર્કટિકા ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જેના કારણે પોલર વોરટેક્સ દક્ષિણ તરફ ખસી રહ્યું છે. ભારે ઠંડા પવનોને જોતા શિકાગોથી ન્યૂયોર્ક અને સેન્ટ લુઈસની તમામ ફ્લાઈટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. કેન્ટુકી રાજ્યમાં હિમવર્ષાનો નવો રેકોર્ડ બન્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 10 ઈંચથી વધુ હિમવર્ષા થઈ છે. તેવી જ રીતે લેક્સિંગ્ટન અને કેન્ટુકીમાં 5 ઈંચથી વધુ હિમવર્ષા નોંધાઈ છે. એક્સપર્ટે બે તૃતીયાંશ અમેરિકામાં ભારે ઠંડીનું એલર્ટ આપ્યું છે. એવું માનવામાં આવે છે કે તાપમાન સ્ટાન્ડર્ડ લેવલ કરતાં 7 થી 14 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી શકે છે. રવિવારે, શિકાગોમાં તાપમાન માઈનસ 7 થી 10 સેલ્સિયસ હતું, જ્યારે મિનિયાપોલિસમાં તે 0 ડિગ્રીએ પહોંચ્યું હતું.

છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓનો મોટો હુમલો, 8 જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ સુરક્ષા દળોના કાફલા પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક નાગરિક ડ્રાઈવર સહિત 8 જવાનો શહીદ થયા હતા. ડીઆરજી અથવા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનો વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોના કાફલાની નજીક વિસ્ફોટક ભરેલા વાહનમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનના ટુકડા થઈ ગયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટના સ્થળે એક મોટો ખાડો પડી ગયો હતો.

સુરક્ષા દળો પર નક્સલવાદીઓનો હુમલો એવા સમયે થયો છે જ્યારે નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. બીજાપુરમાં સુરક્ષા દળોની ટીમ તેમનું ઓપરેશન પૂર્ણ કરીને પરત ફરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમને નિશાન બનાવ્યા. સૈનિકોની ટીમ કુત્રુ પોલીસ સ્ટેશનના અંબેલી ગામમાં પહોંચી હતી, જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ કુત્રુ-બેદરે રોડ પર હતા. હુમલામાં શહીદ થયેલાઓમાં 8 ડીઆરજી સૈનિકો અને એક નાગરિક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

સુરક્ષા દળો પર બે વર્ષમાં સૌથી મોટો હુમલો

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે આ ઘટના કુત્રુ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ પાસે બની હતી જ્યારે સુરક્ષા જવાનો તેમના સ્કોર્પિયો વાહનમાં નક્સલ વિરોધી અભિયાન બાદ પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ડીઆરજી રાજ્ય પોલીસનું એક યુનિટ છે.

એક અધિકારીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં નક્સલવાદીઓ દ્વારા સુરક્ષા જવાનો પર આ સૌથી મોટો હુમલો છે. અગાઉ 26 એપ્રિલ, 2023 ના રોજ, પડોશી દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓને લઈ જતા કાફલાનો ભાગ હતો તે વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું, જેમાં દસ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક ડ્રાઈવર માર્યા ગયા હતા.

આખરે ઈમરજન્સીનું ટ્રેલર રિલીઝ, કંગનાની જબરદસ્ત એક્ટિંગ

મુંબઈ: કંગના રનૌતની આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવાની હતી. ચાહકો કંગના રનૌતની સિલ્વર સ્ક્રીન પર વાપસીની રાહ જોઈ રહ્યા હતા. અભિનેત્રી અને દર્શકો તેના બીજા દિગ્દર્શિત સાહસ ‘ઇમર્જન્સી’ની રિલીઝ માટે તૈયાર હતા, પરંતુ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. હવે આ ફિલ્મને રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. નવી રિલીઝ ડેટ જાહેર થયા બાદથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ કડીમાં આજે નિર્માતાઓએ ફિલ્મનું નવું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે, જેમાં કંગના ઇન્દિરા ગાંધીના પાત્રમાં અદભૂત દેખાઈ રહી છે. લોકોને તેનો અભિનય ખૂબ જ પ્રભાવશાળી લાગી રહ્યો છે અને તેઓ કહે છે કે આ ફિલ્મમાં તેનો શાનદાર અભિનય તેને નેશનલ એવોર્ડ પણ અપાવી શકે છે.

ચાહકોનો ઉત્સાહ વધ્યો
કંગના રનૌતની આ ફિલ્મ 1977ની ભારતીય ઈમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મ CBFC ની સેન્સરશિપ જરૂરિયાતોને પૂરી કરવામાં નિષ્ફળ રહી, જેના પગલે ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો અને કેટલાક દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જે બાદ મેકર્સ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સંમત થયા હતા. ‘ઇમરજન્સી’ હવે રિલીઝ માટે તૈયાર છે અને 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. તે પહેલા કંગનાએ હવે નવા ટ્રેલરથી લોકોમાં ઉત્સાહ બમણો કરી દીધો છે. અનુપમ ખેરની અસરકારક શૈલી આમાં જોઈ શકાય છે.

ટ્રેલરની શરૂઆત અનુપમ ખેરથી થાય છે, જે જયપ્રકાશ નારાયણ ના પાત્રમાં છે, તે જેલમાંથી ભારતના વડાપ્રધાનને પત્ર લખે છે. ત્યાર બાદ ઈન્દિરા ગાંધીના પાત્રમાં કંગનાની એન્ટ્રી થાય છે. રાષ્ટ્રપતિ કહે છે કે દેશમાં કટોકટી જાહેર કરવા માટે કેબિનેચની મંજૂરી લેવી પડી તો તેના જવાબમાં ઈન્દિરા કહે છે કે તે જ કેબિનેટ છે. તેણી આગળ કહે છે કે સત્યનો વિજય થવાનો એકમાત્ર રસ્તો યુદ્ધ છે. હિંદુ મહાકાવ્ય મહાભારતનો સંદર્ભ આપતાં કંગના કહે છે, ‘આ ઈન્દ્રપ્રસ્થ છે અને અમે કૌરવો સામે યુદ્ધની ઘોષણા કરી છે.’ ટ્રેલરનો અંત સાંભળવા મળે છે કે ‘ઈન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા.’

લોકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર કમેન્ટ બોક્સ એ વાતનો પુરાવો છે કે રિલીઝમાં વિલંબ હોવા છતાં, ‘ઇમરજન્સી’નો ક્રેઝ સમાપ્ત થયો નથી. કંગનાના વખાણ કરતા એક ચાહકે કહ્યું કે, ‘કંગના એક્ટિંગના મામલે ક્યારેય નિરાશ નથી કરતી, ફિલ્મ સાથે શું થશે તે ખબર નથી પરંતુ એક વાત નક્કી છે કે તે પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપશે.’ અન્ય નેટીઝને ભવિષ્યવાણી કરી, ‘રાષ્ટ્રીય પુરસ્કાર તેની રાહ જોઈ રહ્યો છે. ખરેખર નોંધપાત્ર… શુભેચ્છાઓ. આ સાથે જ એક ચાહકે શેર કર્યું, ‘કોઈ શંકા નથી કે 5મો રાષ્ટ્રીય પુરસ્કાર તેના માર્ગ પર છે.’ અન્ય એક ઈન્ટરનેટ યુઝરે કહ્યું,ઈમરજન્સી બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે.