Home Blog Page 23

યુવાનને સોમનાથમાં થયો રામ રાજ્યનો અનુભવ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આવતા યાત્રિકોને માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી મળતી, પરંતુ અહીંની વ્યવસ્થા અને સેવકોની નિષ્ઠા જોઈને ખરા અર્થમાં ‘રામરાજ્ય’નો અનુભવ પણ થાય છે. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો. મુંબઈથી દર્શનાર્થે આવેલ એક યુવાનનો ખોવાયેલો રૂ. ૮૦,૦૦૦ ની કિંમતનો નવો નક્કોર આઇફોન ટ્રસ્ટના સેવકોએ શોધીને સહીસલામત પરત કર્યો.

ભર બપોરે યુવાનનો જીવ અધ્ધર થયો
મુંબઈનો એક યુવાન ભર બપોરે રામ મંદિર પરિસરમાં દર્શન કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો મોંઘોદાટ નવો આઇફોન ક્યાંક પડી ગયો હતો. પોતાનો કિંમતી મોબાઈલ ખોવાઈ જતાં યુવાન ભારે ચિંતાતુર અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. જોકે આ જ સમયે સોમનાથ ટ્રસ્ટના સિવિલ વિભાગમાં ફરજ પરના સેવકને પાર્કિંગ ખાતેથી ફોન મળ્યો. ત્યારે તેણે ટ્રસ્ટના અધિકારીઓનો સંપર્ક કરી અને ઇમરજન્સી કોન્ટેક મારફત મૂળ માલિકને શોધીને પૂરી ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને ફોન પરત સોંપ્યો હતો.

“સોમનાથ દાદા બધું આપે છે…”
આ ઘટનામાં સૌથી વધુ પ્રેરણાદાયક બાબત એ હતી કે, જ્યારે યુવાને પોતાનો કિંમતી મોબાઈલ પરત મેળવ્યો ત્યારે ભાવવિભોર થઈને તેણે ટ્રસ્ટના સેવકને ઈનામ (ભેટ) આપવાની રજૂઆત કરી. પરંતુ, નિષ્કામ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સેવકે નમ્રતાપૂર્વક ઈનામનો અસ્વીકાર કર્યો અને કહ્યું, “આપ તો ટ્રસ્ટના મહેમાન કહેવાઓ, અમારે કોઈ ભેટ ન જોઈએ. સોમનાથ દાદા ઘણું આપે છે…”

પ્રધાનમંત્રીના માર્ગદર્શનનું સાર્થક પરિણામ:
પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના કર્મચારીઓને સેમિનારો, તાલીમ વર્ગો અને અધ્યક્ષના પ્રેરણારૂપ નેતૃત્વથી ‘અતિથિ દેવો ભવઃ’ની ભાવના અને સંસ્કારોનું સિંચન થયું છે. તેના સર્વોત્તમ દર્શન આ ઘટના થકી યાત્રિકોને થયા હતા.

પોતાનો કિંમતી સામાન સહીસલામત પાછો મેળવીને મુંબઈના આ યુવાને અને અન્ય યાત્રિકોએ સોમનાથમાં ખરા અર્થમાં ‘રામરાજ્ય’ની અનુભૂતિ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના સેવકોની આ પ્રામાણિકતા સોમનાથના પ્રેમપૂર્ણ આતિથ્યની ગાથામાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરે છે.

PM મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લઈને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. આ એક જ દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સુરતમાં અંદાજે 18,800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે અને નવા કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ દમણ ખાતે પણ આશરે 2,970 કરોડ રૂપિયાની વિવિધ જનહિતની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવાના છે. આ મુલાકાતથી ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવના સર્વાંગી વિકાસને એક નવો વેગ મળશે.

સુરતનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ અને હજીરાની મુલાકાત

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન શુક્રવારે બપોરે અંદાજે 2:30 વાગ્યે સુરત જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા ખાતે પહોંચશે. અહીં તેઓ ચાલી રહેલા વિવિધ ઔદ્યોગિક કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરશે. ત્યારબાદ સાંજે 4:15 વાગ્યે સુરતમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે અને તેની સાથે જ 18,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે અને ESIC હોસ્પિટલનું લોકાર્પણ

આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વડોદરા-મુંબઈ 8-લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેના પેકેજ VI અને VII ને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસવે શરૂ થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને આર્થિક કનેક્ટિવિટી અત્યંત મજબૂત બનશે. આ ઉપરાંત, પીએમ NH-56 ના મહત્વના સેક્શનોને ફોર-લેન (ચાર માર્ગીય) બનાવવાનો શિલાન્યાસ પણ કરશે, જેનાથી આદિવાસી વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધશે અને પ્રખ્યાત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી પહોંચવું વધુ સરળ બનશે.

આરોગ્ય ક્ષેત્રે સુરતને મોટી ભેટ આપતા પીએમ મોદી અહીં 200 બેડની ક્ષમતા ધરાવતી આધુનિક ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ હોસ્પિટલમાં ચોવીસેય કલાક ઇમરજન્સી અને ટ્રોમા કેર સહિતની અદ્યતન સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ સાથે પાવર ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, વલસાડમાં સુધારા-આધારિત વીજ વિતરણ યોજના, દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક જેવા અનેક મહત્વના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલારોપણ કરવામાં આવશે.

દમણમાં નમો એરપોર્ટ ટર્મિનલ અને લક્ષદ્વીપ માટે પોર્ટ પ્રોજેક્ટ્સ

સુરતના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન દમણ જવા રવાના થશે. સાંજે 6:15 વાગ્યે તેઓ દમણના ‘નમો’ એરપોર્ટના નવનિર્મિત ભવ્ય ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આના તુરંત બાદ ‘નમો’ હોસ્પિટલ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. દમણમાં કુલ 2,970 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ઉદ્ઘાટન થવાનું છે, જેમાં આશરે 1,340 કરોડ રૂપિયાના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ સામેલ છે. સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન 1,630 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને નિફ્ટ (NIFT) કેમ્પસનો સમાવેશ થાય છે.

વિશેષ રૂપે, આ મંચ પરથી પીએમ મોદી લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ માટે 885 કરોડ રૂપિયાના ચાર મહત્વપૂર્ણ બંદર (પોર્ટ) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. કલ્પેની અને કદમત ટાપુઓ પર બનનારી આ બહુહેતુક જેટીઓ (Jetty) ના કારણે મોટા ક્રૂઝ જહાજો અને મુસાફર બોટોનું બર્થિંગ સરળ બનશે. આનાથી લક્ષદ્વીપના પ્રવાસન, મધ્યસ્થ માછીમારી અને સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે.

એકંદરે આ તમામ પરિયોજનાઓ રોડ, હેલ્થ, એર કનેક્ટિવિટી, વીજળી, ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિ લાવશે. પીએમ મોદી બંને સ્થળોએ જનમેદનીને સંબોધિત કરીને વિકાસની આ નવી સફરની રૂપરેખા દેશ સામે મૂકશે.

રાજેશ એક્સપોર્ટ્સ પર ખોટી કમાણી દર્શાવવાનો આરોપઃ સેબીએ લગાવ્યો પ્રતિબંધ

બેંગલુરુઃ બેંગલુરુ સ્થિત રાજેશ એક્સપોર્ટ્સ વર્ષો સુધી ભારતની સૌથી સફળ કંપનીઓમાંની એક ગણાતી હતી. કંપની સોના અને અન્ય કીમતી ધાતુઓનું રિફાઇનિંગ કરતી હતી, વિશ્વભરમાં જ્વેલરીનું નિકાસ કરતી હતી અને તેની વાર્ષિક આવક ઘણી વખત ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં ગણાતી હતી, પરંતુ હવે કંપનીની આ સફળતાની વાર્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કંપની પર રૂ. 15 લાખ કરોડની ખોટી કમાણી બતાવવાનો આરોપ છે. સેબી (SEBI) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની ગ્રુપ સ્તરે જે આવક દર્શાવી રહી હતી, તેનો મોટો હિસ્સો વાસ્તવિક રેકોર્ડ અને ઉપલબ્ધ દસ્તાવેજોથી ચકાસી શકાયો નથી.

SEBIની કાર્યવાહી બાદ શેરમાં ભારે ઘટાડો, લાગી લોઅર સર્કિટ

SEBIએ કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા સામે વચગાળાનો આદેશ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો અને શેર લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો.

SEBIએ કંપની પર વ્યાપક નાણાકીય અનિયમિતતાઓ, તપાસમાં સહકાર ન આપવાનો અને આવક વધારીને દર્શાવવાના આરોપો લગાવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરે પોતાના 109 પાનાંના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન નાણાકીય હિસાબોમાં ખોટી માહિતી આપવાના, વ્યક્તિગત ખાતાઓ અને સંબંધિત સંસ્થાઓ મારફતે યોગ્ય ખુલાસા કે આધારભૂત દસ્તાવેજો વિના નાણાંની હેરફેર અને લેયરિંગ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

સેબીએ 30 દિવસમાં યોગ્ય દસ્તાવેજો માગ્યા

સેબીએ કંપની (REL) અને રાજેશ મહેતાને તપાસ અધિકારી સાથે સંપૂર્ણ સહકાર આપવા અને 30 દિવસની અંદર માગવામાં આવેલા તમામ દસ્તાવેજો તથા સ્પષ્ટીકરણો રજૂ કરવા સૂચના આપી છે. પૂર્વ ફોરેન્સિક તપાસ દરમિયાન કંપની તરફથી પૂરતો સહકાર ન મળ્યો હોવાને કારણે સેબીએ કંપનીના હિસાબોની તપાસ પૂર્ણ કરવા માટે નવા ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરવાનો પણ આદેશ આપ્યો છે.

કંપનીએ આપ્યું સ્પષ્ટીકરણ

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું છે કે અમને 03/06/2026એ સેબી તરફથી એક વચગાળાનો આદેશ મળ્યો છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ માત્ર વચગાળાનો આદેશ છે અને સેબીએ હજુ સુધી કોઈ મુદ્દે અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી. કંપની દ્વારા દર્શાવવામાં આવેલી આવક સંપૂર્ણપણે સાચી છે અને તેને વધારીને રજૂ કરવામાં આવી નથી. સેબી અને કંપની વચ્ચે સંદેશવ્યવહારની ખામી તથા કેટલીક ગેરસમજ જણાઈ રહી છે. કંપની તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરીને સેબી સમક્ષ તમામ મુદ્દાઓ સ્પષ્ટ કરવાની પ્રક્રિયામાં છે.

ગુજરાત એસટીના કર્મચારીઓ આરપારના જંગમાં

ગુજરાત રાજ્યની જાહેર પરિવહનની જીવાદોરી અને સામાન્ય નાગરિકોના હરવા-ફરવાના મુખ્ય સાધન સમાન ગુજરાત એસટી (ST) નિગમમાં આગામી દિવસોમાં મોટો ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એસટી નિગમ દ્વારા લેવામાં આવી રહેલા ખાનગીકરણ તરફી નિર્ણયો અને કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું કોઈ નિકાલ ન આવતા ‘ગુજરાત એસટી મજદૂર મહાસંઘ’ દ્વારા આરપારની લડાઈનું રણશિંગું ફૂંકી દેવામાં આવ્યું છે. મહાસંઘ દ્વારા આગામી ૧૮ જૂનથી ૨૫ જૂન સુધી રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે એસટીના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

આઉટસોર્સિંગ ભરતી અને ખાનગીકરણ સામે કર્મચારીઓમાં ભારે રોષ

એસટી નિગમની મનસ્વી નીતિઓ સામે લાંબા સમયથી ધૂંધવાઈ રહેલો કર્મચારીઓનો આક્રોશ હવે સપાટી પર આવી ગયો છે. નિગમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી બસો ભાડે લેવાના વલણ તેમજ આઉટસોર્સિંગ પ્રથા હેઠળ આશરે ૪,૦૦૦ જેટલા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવાના તાજેતરના નિર્ણયથી કાયમી કર્મચારીઓ ભારે રોષે ભરાયા છે. કર્મચારીઓનું માનવું છે કે આ પ્રકારના નિર્ણયોથી નિગમનું અસ્તિત્વ જોખમાશે.

આ ઉપરાંત, કર્મચારીઓના વર્ષોથી લટકતા મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે:

તમામ સ્તરે સાતમું પગાર પંચ પૂર્ણ રૂપે લાગુ કરવું.

છેલ્લા દોઢ વર્ષથી બાકી ચડેલું મોંઘવારી ભથ્થું (DA Arrears) તાકીદે ચૂકવવું.

નિગમમાં પાયાના સ્તરે ચાલતી શોષણયુક્ત કોન્ટ્રાક્ટ પ્રથા કાયમી ધોરણે બંધ કરવી.

આ તમામ વાજબી માંગણીઓ પ્રશાસન દ્વારા સંતોષવામાં ન આવતા કર્મચારીઓએ છેવટે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

આંદોલનનું વિગતવાર શેડ્યૂલ (Protest Schedule)

ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા આગામી એક અઠવાડિયા સુધી ચાલનારા આ આંદોલનને તબક્કાવાર રીતે વધુ ઉગ્ર બનાવવાનું આયોજન કરાયું છે, જેની રૂપરેખા નીચે મુજબ છે:

૧૮, ૧૯ અને ૨૦ જૂન (પ્રથમ તબક્કો): આંદોલનના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના તમામ એસટી કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહીને હાથ પર કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરશે.

૨૨ અને ૨૩ જૂન (બીજો તબક્કો): રવિવારની રજા બાદ, સોમવાર અને મંગળવારે કર્મચારીઓ વિવિધ બસ ડેપો, મધ્યસ્થ વર્કશોપ તેમજ વિભાગીય કચેરીઓની બહાર એકત્રિત થશે. જ્યાં તેઓ નિગમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે અને ઘંટનાદ (ઘંટ વગાડીને) સાથે રામધૂન બોલાવી પ્રશાસનને જગાડવાનો પ્રયત્ન કરશે.

૨૪ જૂન (ડિજિટલ વિરોધ): આ દિવસે આંદોલન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શિફ્ટ થશે. કર્મચારીઓ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ એસટી નિગમના ઉચ્ચ વડાઓને સત્તાવાર ટેગ કરીને પોતાની માંગણીઓ બુલંદ કરશે અને ઓનલાઈન મોરચો સંભાળશે.

૨૫ જૂન (આખરી તબક્કો): આંદોલનના અંતિમ દિવસે વિરોધ પ્રદર્શન ચરમસીમાએ પહોંચશે. ૨૫મી જૂને સવારે ૧૧:૦૦ વાગ્યાથી નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે કર્મચારીઓ સામૂહિક રીતે ધરણાં પર બેસી જશે અને ઉગ્ર દેખાવો કરશે.

કર્મચારી સંગઠનોએ ચીમકી આપી છે કે જો આ આંદોલન બાદ પણ સરકાર કે નિગમ આંખ આડા કાન કરશે, તો આગામી સમયમાં આનાથી પણ વધુ આકરાં પગલાં લેવામાં આવશે.

મોટો નિર્ણય: જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા વધીને 48 વર્ષ કરાઈ

ગુજરાતની સરકારી પ્રાથમિક અને સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને દૂર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા અમલી ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના’ના મૂળ નિયમોમાં વ્યાપક ફેરફારો કરતો એક નવો સુધારા ઠરાવ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો છે. આ નવા સુધારા અંતર્ગત હવે જ્ઞાન સહાયક બનવા ઈચ્છતા શિક્ષકો માટેની મહત્તમ વયમર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભરતીની સમગ્ર પ્રક્રિયા, ઉમેદવારોના મેરીટ બનાવવાની પદ્ધતિ તેમજ શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટેના નિયમો પણ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા છે.

વયમર્યાદા ૪૦ થી વધારીને ૪૮ વર્ષ કરાઈ: અનુભવીઓને મળશે તક

શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ, જ્ઞાન સહાયકની ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર જે અત્યાર સુધી ૪૦ વર્ષની હતી, તેને સીધી વધારીને હવે ૪૮ વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે, હવે ૪૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ યોજના હેઠળ શિક્ષક બનવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. સરકારનું માનવું છે કે વયમર્યાદા વધારવાના આ કલ્યાણકારી નિર્ણયથી વર્ષોથી જ્ઞાન પીરસવાનો અનુભવ ધરાવતા અને લાયક ઉમેદવારોને રોજગારીની ઉત્તમ તક મળશે. આ સાથે જ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ પણ ખૂબ જ ઝડપથી અને ગુણવત્તાસભર રીતે ભરી શકાશે.

મેરીટ પદ્ધતિમાં ફેરફાર અને ‘એક ઉમેદવાર, એક જ જિલ્લો’ નો નવો નિયમ

ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને સંપૂર્ણપણે ગુણવત્તા આધારિત બનાવવા માટે મેરીટ બનાવવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો છે.

TET ગુણના આધારે પસંદગી: નવા નિયમો અનુસાર, ધોરણ ૧ થી ૫ માં શિક્ષણ કાર્ય માટે TET-1 (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ-૧) અને ધોરણ ૬ થી ૮ માટે TET-2 ના પરિણામમાં મેળવેલા ગુણોને જ આખરી આધાર ગણીને પ્રાદેશિક સ્તરે જિલ્લાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

જિલ્લાની પસંદગી પર મર્યાદા: નવી જોગવાઈ હેઠળ હવે ઉમેદવારે અરજી કરતી વખતે માત્ર અને માત્ર એક જ જિલ્લાની ફરજિયાત પસંદગી કરવાની રહેશે. ઉમેદવારે જે તે પસંદ કરેલા જિલ્લાની મેરીટ યાદીના ક્રમ મુજબ જ તેને શાળામાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપવાની તક પૂરી પાડવામાં આવશે.

ઓનલાઈન પ્રક્રિયા અને SMC દ્વારા કરાર આધારિત નિમણૂક

નવી વહીવટી પારદર્શિતાના ભાગરૂપે, તમામ જિલ્લા શિક્ષણ સમિતિઓ દ્વારા પોતપોતાના જિલ્લાની શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓની સચોટ વિગતો સત્તાવાર ભરતી પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. ખાલી જગ્યાઓની આ યાદી સાર્વજનિક થયા બાદ, કમ્પ્યુટર સંચાલિત મેરીટ લિસ્ટના આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાનો મોકો મળશે. ઓનલાઈન સિસ્ટમ દ્વારા ફાળવણી થયા બાદ, સંબંધિત શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC – School Management Committee) દ્વારા ઉમેદવાર સાથે નિયત શરતોને આધીન કરાર આધારિત નિમણૂક પત્ર આપવામાં આવશે.

કાયમી શિક્ષકો આવતા જ કરારનો આપોઆપ અંત

શિક્ષણ વિભાગે આ ઠરાવમાં એક મહત્વની બાબત સ્પષ્ટ કહી દીધી છે કે આ નિમણૂક સંપૂર્ણપણે ૧૧ મહિનાના કરાર આધારિત જ રહેશે. જે તે શાળામાં જો કાયમી ધોરણે નવા શિક્ષકની ભરતી કરવામાં આવે, અન્ય કોઈ સ્થળેથી શિક્ષકની બદલી થાય અથવા તો કોઈ કાયમી શિક્ષકની પુનઃસ્થાપના થવાના કારણે ખાલી જગ્યા ભરાઈ જાય, તો તે શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકનો કરાર તે જ દિવસથી આપોઆપ સમાપ્ત (ટર્મિનેટ) થઈ જશે. જો કે, આવા સંજોગોમાં કરારમુક્ત થયેલા ઉમેદવારના હિતનું રક્ષણ કરવા માટે તેનું નામ ફરીથી પ્રતીક્ષા યાદી (વેઇટિંગ લિસ્ટ) માં મૂકી દેવામાં આવશે જેથી ભવિષ્યની ખાલી જગ્યા પર તેને ફરીથી પ્રાધાન્ય મળી શકે.

 

TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાના ઘરે NIAના દરોડા

કોલકાતાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે ભાંગરના દક્ષિણ બામુનિયા વિસ્તારમાં TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય શૌકત મોલ્લાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં દક્ષિણ બામુનિયા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ વિસ્ફોટની તપાસ NIAને સોંપવાની માગ ઊઠી હતી. NIAએ થોડા સમય પહેલાં આ કેસમાં TMC નેતા વાહિદુલ ઇસ્લામ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના જવાનો સાથે NIAની ટીમ સવારે મોલ્લાના ઘરે પહોંચી હતી અને વ્યાપક તલાશી અભિયાન હાથ ધર્યું હતું.

પુત્ર ઇમરાન મોલ્લા તપાસ ટીમ સાથે રહ્યા

આશરે 10 વાહનોમાં આવેલી NIAની ટીમે બામુનિયા ગામના અનેક ઘરોની પણ મુલાકાત લીધી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ તપાસ ટીમ પહોંચી ત્યારે શૌકત મોલ્લા ઘરે હાજર નહોતા. તેમના પુત્ર ઇમરાન મોલ્લા તલાશી દરમિયાન NIAની ટીમ સાથે રહ્યા હતા. ભાંગરના બામુનિયા ગામમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)એ આ કેસની NIA તપાસની માગ કરી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લાના દક્ષિણ બામુનિયા ગામમાં 19 માર્ચે થયેલા દેશી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આરોપ છે કે ઘટના સમયે ત્યાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તપાસ એજન્સીએ શૌકત મોલ્લાના કાર્યાલયની પણ તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પત્ની અને પુત્રી પણ ઘરે પહોંચી ગયાં હતાં. અધિકારીઓ વિસ્ફોટ કેસ સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે અને જરૂરી માહિતી એકત્રિત કરી રહ્યા છે. આ દરમિયાન વિસ્તારમાં તેમ જ મોલ્લાના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. NIAની ટીમે TMC નેતા વાહિદુલ ઇસ્લામના ઘરે પણ તલાશી લીધી હતી. એ ઉપરાંત વિસ્ફોટ બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારા લોકોનાં ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. શૌકત મોલ્લાએ 2016 અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે તેમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી.

દિગ્ગજ ફિલ્મનિર્માતા પહેલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને Central Board of Film Certification (CBFC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું ભારતીય ફિલ્મનિર્માતાઓના સૌથી મોટા સંગઠન Indian Motion Picture Producers’ Association (IMPA)ના અધ્યક્ષ અભય. સિંહાએ પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલાજ નિહલાની લાંબા સમયથી લીવર સંબંધિત બીમારી હતી. તેઓ ફિલ્મજગતની જાણીતી હસ્તી હતા અને તેમણે અનેક સફળ તથા લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ માત્ર સફળ નિર્માતા જ નહીં, પરંતુ કડક અને ચર્ચાસ્પદ સેન્સર બોર્ડપ્રમુખ તરીકે પણ જાણીતા હતા.

તેમના ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેક હિટ ફિલ્મોને સમર્થન આપ્યું હતું. તેમાં ઇલ્જામ, આગ હી આગ, શોલા ઓર શબનમ અને આંખે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આંખે 1990ના દાયકાની સૌથી મોટી હિટ ફિલ્મોમાં ગણાય છે અને આજે પણ તેને તેમની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

પહેલાજ નિહલાનીએ અનેક મોટા કલાકારોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ તક આપી હતી. તેમણે અભિનેતા ગોવિંદાને 1986માં આવેલી ફિલ્મ ઇલ્જામ દ્વારા લોન્ચ કર્યા હતા. એ જ રીતે અભિનેતા ચંકી પાંડેએ પણ આગ હી આગ ફિલ્મ દ્વારા પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ગોવિંદા અને ચંકી પાંડે અભિનીત 1993ની ફિલ્મ આંખેં તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ રહી હતી. આ સિવાય તેમણે અક્ષયકુમાર અને સની દેઓલને પણ સ્ટાર બનાવ્યા હતા.

તેમની ફિલ્મોગ્રાફીમાં અનેક જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મનિર્માતા તરીકેના યોગદાન ઉપરાંત, પહેલાજ નિહલાનીએ 2015થી 2017 દરમિયાન CBFCના અધ્યક્ષ તરીકે પણ કામગીરી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ કડક સેન્સરશિપ નીતિઓને કારણે સતત ચર્ચામાં રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન અનેક ફિલ્મોને લઈને વિવાદો પણ ઊભા થયા હતા. પહેલાજ નિહલાનીના નિધનથી ભારતીય ફિલ્મજગતે એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વ્યક્તિ ગુમાવી છે.

કબીરવાણી: માટીની વાણીમાં જીવનનું સત્ય

માટી કહે કુમ્હાર સૌ, કયા તૂ સૌદે મોહિ,

એક દિન એસા હોયેગા, મેં રોંદૂંગી તોહિ.

 

જ્યારે જ્યારે કબીરજી માનવીના જીવનની વિડંબનાનું વર્ણન કરે છે, ત્યારે તેમના શબ્દો ધારદાર બનીને સીધી ચોટ કરે છે. માટીને ગૂંદતા કુંભારને જોઈને કબીરજીએ કેટલો ઊંડો તાત્ત્વિક વિચાર કર્યો છે!

દેહ, જેનું સર્જન પંચમહાભૂતોમાંથી થયું છે અને મરણ બાદ ફરી પંચમહાભૂતોમાં જ વિલીન થવાનો છે, તે નશ્વર છે. દેહાભિમાનનું ઘડીના છઠ્ઠા ભાગમાં નિરસન થઈ જાય તેવો આ ઉપદેશ છે.

જે માટી કુંભારના પગ તળે ચગદાઈ રહી છે, તેની મહત્તા દર્શાવતા કબીરજી માટીના મુખે કુંભારને અને ઉપમા દ્વારા આપણને સમજાવે છે કે, એક દિવસ આ નશ્વર દેહ પણ માટીમાં ભળી જવાનો છે.

માત્ર બે પંક્તિની આ સાખીમાં કબીરજી ઉપદેશ આપતા નથી, પરંતુ એક નિરીક્ષણ રજૂ કરે છે. સામાન્ય લાગતી ઘટનામાંથી અધ્યાત્મની ઊંચાઈ શોધી આપવાની તેમની ક્ષમતા તેમને આગવી કક્ષામાં મૂકે છે.

કબીરજી હંમેશાં શાશ્વત પ્રશ્નોની ગૂઢતાને અત્યંત સરળ શબ્દોમાં આપણી સામે મૂકી દે છે. ત્યારબાદ તેના પર વિચાર કરવાનું કાર્ય આપણું છે. કારણ કે, આચરણ વિનાની વિચારણા નિરર્થક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

માલવીય નગર અગ્નિકાંડ: હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગરમાં આવેલી હોટેલમાં થયેલા ભીષણ અગ્નિકાંડ મામલે પોલીસે હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. હાલ તેની ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ લવકેશ બજાજ અને તેના બે ભાગીદારોને પકડવા માટે દિલ્હી પોલીસે અનેક ટીમો બનાવી હતી. આ ટીમોએ દિલ્હીનાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.

હોટલ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા
હોટેલમાલિક લવકેશ બજાજની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસ હોટેલ મેનેજર જય મિશ્રાની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જે ફ્લોરિશ સ્ટે- Flourish Stay હોટેલમાં આગ લાગી હતી અને 21 લોકોનાં મોત થયાં હતાં, તે હોટેલ અંગે અનેક મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે હોટેલના માલિકે કથિત રીતે માત્ર ચાની દુકાન (Tatkal Licence) માટે અરજી કરી હતી. હોટેલને B & B (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) શ્રેણી હેઠળ માત્ર છ રૂમ ચલાવવાની મંજૂરી મળી હતી. જોકે પોલીસના જણાવ્યા મુજબ માલિક 26 રૂમનું સંચાલન કરી રહ્યો હતો. હોટેલના પ્રથમ માળે રેસ્ટોરાં અને બેઝમેન્ટમાં રસોડું પણ ચલાવવામાં આવતું હતું.

આફ્રિકી દેશોના અનેક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો
માલવીય નગરમાં થયેલા આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધી 21 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. માલવીય નગરની નજીક એક મોટી હોસ્પિટલ આવેલી હોવાથી આફ્રિકી દેશો સહિત વિદેશમાંથી ઘણા લોકો સારવાર માટે અહીં આવતા રહે છે. ઘટના સમયે પણ આફ્રિકી દેશોમાંથી આવેલા અનેક પરિવારો હોટેલમાં રોકાયા હતા, જેમાંથી ઘણા લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસ, MCD, પર્યટન વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે જવાબદારીને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.

વિચારની પાંખે માનવીની સ્પેસ સફર

સન 2001માં એક અમેરિકન યુવાનને વિચાર આવ્યો કે મંગળ ગ્રહ (Mars) પર લીલાછમ છોડ અથવા ગ્રીનહાઉસ (Greenhouse) ઉગાડી શકીએ તો? આ વિચારને અમલમાં મૂકવા એ યુવાન રશિયા (Russia) ગયો, રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket) ખરીદવા. પરંતુ કિંમત સાંભળીને તે ઠંડો પડી ગયો. નિરાશ થવાને બદલે, વળતા પ્રવાસ દરમિયાન વિમાન (Plane)માં તેણે લેપટોપ (Laptop) ખોલીને ગણતરી શરૂ કરી કે રૉકેટ બનાવવા માટેનું રૉ-મટીરિયલ (Raw Material) કેટલામાં પડે. તેને સમજાયું કે જો જાતે રૉકેટ બનાવવામાં આવે તો સ્પેસ ટ્રાવેલ (Space Travel)નો ખર્ચ 90 ટકા જેટલો ઓછો કરી શકાય.

એ યુવાન એટલે એલન મસ્ક (Elon Musk). એ રાત્રે વિમાનમાં જન્મેલો એક વિચાર એટલે આજે અબજો ડૉલરની કંપની સ્પેસએક્સ (SpaceX). જે સમયે દુનિયા સ્પેસ ટ્રાવેલ (Space Travel)ને સરકારનું કામ માનતી હતી, ત્યારે યુવા એલનના મગજમાં આવેલા રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket)ના વિચારએ આખી દુનિયાનો અવકાશ-ઇતિહાસ બદલી નાખ્યો.

હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફાઓમાં પશુ જેવું જીવન જીવતો માનવી આજે ચંદ્ર (Moon) અને મંગળ (Mars) પર નિવાસસ્થાન તથા ટૂર-ટ્રાવેલ (Tour & Travel)ના આયોજન કરી રહ્યો છે. આજે માનવની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે. પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?

જો કોઈ કહે કે વિજ્ઞાન (Science)ની હરણફાળ, તો એક રીતે એ સાચો જવાબ છે. પરંતુ વધુ સચોટ જવાબ છે – એક વિચાર (Idea). મગજમાં આવેલો એક આઈડિયા (Idea). પ્રાચીન કાળથી આજ સુધી માનવપ્રગતિનો ઇતિહાસ એ મનુષ્યના મસ્તિષ્કમાં જન્મેલા વિચારોની ગાથા છે, તેમજ એ વિચારોના સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઇતિહાસ છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr. A.P.J. Abdul Kalam) પોતાની આત્મકથા (Autobiography)માં જણાવે છે કે, “બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીઓના ઉડ્ડયન (Flight) પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પરંતુ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ. અને ખરેખર, રામેશ્વરમ (Rameswaram)માંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.”

એક સામાન્ય સાગરખેડુના બાળકને આકાશની ઊંચાઈએ પહોંચાડવા માટેનું મુખ્ય પરિબળ હતું – વિચાર (Thought). એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય છે, ત્યારે તે ક્રિયા (Action)માં પરિણમે છે.

દક્ષિણ આફ્રિકા (South Africa)માં પ્રેક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karamchand Gandhi) એક વખત ડરબન (Durban)થી પ્રિટોરિયા (Pretoria) જવા માટે રેલવે (Railway)ની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટ પર ગોઠવાયા હતા. રાત્રે નવ વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશન (Maritzburg Station) પર એક ગોરો ટિકિટ ચેકર તેમના કમ્પાર્ટમેન્ટમાં આવ્યો. તેણે તેમની ટિકિટ તપાસી અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને થર્ડ ક્લાસમાં જવા કહ્યું. રકઝક થતાં તેણે પોલીસની મદદથી યુવા બેરિસ્ટર (Barrister)ને કમ્પાર્ટમેન્ટની બહાર ફેંકી દીધા.

તે સમયે તેમના મનમાં વિચાર આવ્યો: “મારે મારા હક માટે લડવું જોઈએ.”

24 વર્ષના આ યુવાન, બિનઅનુભવી બેરિસ્ટરના આ વિચારમાં સ્વરાજ (Swaraj)ની હિલચાલના ભણકારા હતા. તેમના આ વિચારે માત્ર આફ્રિકનોમાં જ નહીં, પરંતુ ભારતની તે વખતની 30 કરોડ જનતામાં પણ આઝાદી (Freedom)ની ભૂખ જગાડી દીધી.

ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે 150 વર્ષની અંગ્રેજોની ગુલામી (British Rule)ની ગંઠાઈ ગયેલી સાંકળોને ઓગાળી દીધી. ટ્રેન (Train)ના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્ય (Empire)ને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામત નહીં તો શું છે?

વિચારની આટલી શક્તિ (Power) અને સામર્થ્ય હોવા છતાં, વિચારવું એ કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ (Development) જેમ સાથે ચાલે છે, તેમ વિચાર અને વિનાશ (Destruction) પણ સહચારી છે.

વિચાર યોગ્ય, નિયંત્રિત (Controlled) અને સર્જનાત્મક (Creative) હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે. પરંતુ અયોગ્ય, અનિયંત્રિત (Uncontrolled) અને વિધ્વંસાત્મક (Destructive) વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ (Terrorism) સુધી પહોંચે છે; તેના મૂળમાં આ અવળો વિચાર જ હોય છે.

તેથી જ વચનામૃત (Vachanamrut)માં ભગવાન સ્વામિનારાયણ (Bhagwan Swaminarayan) કહે છે કે, “અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.”

વિચાર (Thought) એ માનવીની સૌથી મોટી શક્તિ (Power) છે. એ જ વિચાર માનવીને ગુફાઓમાંથી અવકાશ (Space) સુધી પહોંચાડે છે અને એ જ વિચાર તેને પતનના માર્ગે પણ દોરી શકે છે. તેથી વિચારોનું સંવર્ધન, સંયમ અને શુદ્ધિકરણ એ જ સાચી પ્રગતિનો પાયો છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)