Home Blog Page 2093

દિલ્હી ગુજરાતી સમાજ દ્ધારા ‘મંગલ મિલન લગ્ન પરિચય સંમેલન’ યોજાશે

છેલ્લા પાંચ વર્ષથી ‘શ્રી દિલ્હી ગુજરાતી સમાજ’ દ્ધારા મંગલ મિલન લગ્ન પરિચય સંમેલનનું સફળ આયોજન કરવામાં આવે છે. આ સફળતા બાદ ફરી એક વાર આગામી માર્ચ મહિનામાં મંગલ મિલનનું આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે ૩૧-૩-૨૦૨૪ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગલ મિલન લગ્ન  પરિચય  સંમેલન ભારતભરના વિવિધ ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો એક પ્રયત્ન છે.

વતનથી દૂર જુદા-જુદા પ્રાંતોમાં રહેતા ગુજરાતી પરિવારોમાં આપણી સંસ્કૃતિ, રહેણીકરણીને ભાષા, શોખ અને કેળવણીને અનુકૂળ જીવનસાથી મળી રહે એ માટે દિલ્હી ગુજરાતી સમાજ પ્રયાસ કરે છે.

આજના યુવાનો કેરિયરમાં ગોઠવાઈને પરિપક્વ થયા પછી પ્રભુતામાં પગલાં પાડવાનો વિચાર કરે છે, જેમાં તેમની પસંદગી માટે મંગલ મિલન પરિચય સહાયરૂપ થાય છે. મંગલ મિલન પરિચય સંમેલન દેશનાં વિવિધ સ્થળોએ વસતાં ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો પ્રયાસ છે. તમારા વિવાહ યોગ્ય પાત્રનું રજિસ્ટ્રેશન કરાવો. આપ આપનું રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મ ભરીને પણ કરી શકો છો.

આ પરિચય સંમેલનમાં વિવાહ યોગ્ય ગુજરાતીઓ ભાગ લઈ શકશે. આ માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ સમાજની ઓફિસમાં ઉપલબ્ધ છે. આ રજિસ્ટ્રેશન ફોર્મ 28 ફેબ્રુઆરી, 2024 સુધી સમાજની ઓફિસમાં જમા કરાવવું ફરજિયાત છે.

સમાજના પ્રમુખ સચિન શાહે કહ્યું કે, આ માટેની રજિસ્ટ્રેશન ફી રૂ. 500 છે. બહારગામથી આવવાવાળાની વ્યવસ્થા સ્વખર્ચે સમાજના અતિથિ ભવનમાં કરવામાં આવશે જો કે એની જાણ પહેલેથી કરવાની રહેશે.

નીચે આપેલી લિંક ઓપન કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

https://docs.google.com/forms/d/e/1FAIpQLScnZQtRAxHcSlfc2Zi7Kb0Cf5HyhaE5hZvhY4Xwx86_QE5U8Q/viewform?usp=sf_link

યુનિવર્સિટીના વિકાસમાં યોગદાન બદલ સ્ટાફ એવોર્ડસથી સન્માનિત  

ચાંગા: શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ ત્રીજી ફેબ્રુઆરી, શનિવારે  ચારુસેટમાં ઊજવવામાં આવ્યો હતો. આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ સમારંભના મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભની શરૂઆતમાં ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલે  સ્વાગત પ્રવચન અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. યુનિવર્સિટીના IQAC કોર્ડિનેટર ડો. મયૂર સુતરિયાએ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ચારુસેટના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મેમ્બર્સને તેમણે યુનિવર્સિટીના વિકાસમાં આપેલા યોગદાન બદલ એનાયત થનાર  વિવિધ ચાર  કેટેગરીના એવોર્ડ્સ વિષે માહિતી આપી હતી. વર્ષ 2023માં વિશ્વનાં ટોપ બે ટકા સાયન્ટિસ્ટમાં સમાવેશ થયેલ છે એવા ચારૂસેટના પ્રોફેસર ડો. સી. કે સુમેશ, ડો. વી. પ્રકાશ, ડો. અર્પણ દેસાઈ અને ડો. પ્રતીક પાટણીયાને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચારૂસેટ કેમ્પસના 24મા સ્થાપના દિન નિમિત્તે  એવોર્ડ્સ યાદી

  • વિશ્વનાં ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થવા બદલ  ચારૂસેટના 4 પ્રોફેસરને ‘રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ’
  • પેટન્ટ પ્રાપ્ત કરનાર ચારૂસેટના 7 પ્રોફેસરને પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ’
  • 99 રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે 55 ફેકલ્ટી મેમ્બર્સને ‘રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ’
  • વિશ્વની શ્રેષ્ઠ જર્નલ્સમાં 270 રિસર્ચ પેપર પબ્લિશ કરનાર 333 ફેકલ્ટી મેમ્બર્સને ‘રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ’
  • 20 વર્ષથી કાર્યરત 44 સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ’

દ્વિતીય કેટેગરીમાં ‘પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ’ હેઠળ જેમની વર્ષ 2023 માં પેટન્ટ મંજૂર કરવામાં આવી છે તેવા ચારુસેટના ઇન્વેન્ટર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃતીય કેટેગરીમાં રિચર્સ પ્રોજેક્ટ હેઠળ ‘એક્સ્ટ્રામ્યુરલ સપોર્ટ ફ્રોમ ગવર્નમેન્ટ એન્ડ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન’ હેઠળ ફંડ પ્રાપ્ત કરનાર તેમ જ રિસર્ચ પેપર પબ્લિકેશન હેઠળ શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત  કરનાર અધ્યાપકો અને સંશોધકોને ‘રિસર્ચ અપ્રીશિએશન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચતુર્થ કેટેગરીમાં કેમ્પસમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત સ્ટાફ મેમ્બર્સને ‘ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘Know Your University’ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા  કૃતેન પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય અતિથિ ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે ભારત પાસે સશક્ત હ્યુમન રિસોર્સ છે જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંશોધન થકી જ કોઈ  યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે.

આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ  સુરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારુસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઇસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના જોઇન્ટ સેક્રેટરી  મધુબહેન પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી  વિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમ જ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ  ઉપસ્થિત રહ્યા હતા. ચારુસેટમાં વિવિધ અભ્યાસક્રમો હેઠળ 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ચંપઈ સરકારનો ફ્લોર ટેસ્ટઃ હાઇકોર્ટથી સોરેનને રાહત નહીં

રાંચીઃ ઝારખંડના રાજકરાણ માટે આજે મોટો દિવસ છે. ઝારખંડના નવા મુખ્ય મંત્રી ચંપઈ સોરેનના નેતૃત્વવાળી સરકારનો વિધાનસભા સત્રના પહેલા દિવસે ફ્લોર ટેસ્ટનો દિવસ છે. ઝારખંડના પૂર્વ સીએમ અને JMM નેતા હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્યના રાજકારણ માટે સોમવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. તેઓ રાજ્ય વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે. એ સાથે સરકારનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે.  

ઝારખંડ વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી ગઠબંધનના વિધાનસભ્યોએ વિશ્વાસ મત જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાજપે કહ્યું હતું કે ચંપઈ સરકાર વિશ્વાસ મત હાંસલ નહીં કરી શકે. રાજ્યના મંત્રી આલમગીર આલમે કહ્યું હતું કે અમારા વિધાનસભ્યો એકજૂટ છે અને અમારી પાસે 81 સભ્યોવાળી સંસદમાં 48થી 50 વિધાનસભ્યોનું સમર્થન છે.

ચંપઈ સોરેનનની સરકારે સોમવારે ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. અગાઉ, ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ સાથે  JMM અને કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલાં ગઠબંધનના તમામ ધારાસભ્યો રવિવારે જ રાંચી પરત ફર્યા હતા. ઝારખંડ વિધાનસભામાં JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનના 47 વિધાનસભ્યો છે. સત્તારૂઢ ગઠબંધનના વિધાનસભ્યોએ રવિવારે સાંજે હૈદરાબાદથી રાંચી પરત ફર્યા પછી વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી બાજુ, ચંપઈ સોરેન સરકારના ફ્લોર ટેસ્ટની વચ્ચે ધરપકડની વિરુદ્ધ હેમંત સોરેન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટે EDથી જવાબ માગ્યો હતો. HCએ નવ ફેબ્રુઆરી સુધી જવાબ દાખલ કરવા આદેશ આપ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.

 

 

 

 

 

કોરાનાના 188 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 188 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,139 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,454 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,91,285 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 137 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1522 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,87,486 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 641 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૪

૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૪

શું કર્મ સમાવિષ્ટતા સાથે વિરોધાભાસ છે?

સદગુરુ: કર્મનો અર્થ છે કે જે આપણે કરીએ છીએ તે બધી વસ્તુઓની વધેલી સ્મૃતિ – શારીરિક, માનસિક, ભાવનાત્મક અને ઉર્જા મુજબની. બીજા શબ્દોમાં કહીએ તો, તે ચોક્કસ અસભાન સોફ્ટવેર છે જે તમે બનાવો છો. તે મેમરીની એક નિશ્ચિત માત્રા છે જે તમારા જીવનની વિવિધ સ્તરો પર આંકણી કરે છે.

ત્યાં ભૌતિક, માનસિક, ભાવનાત્મક મેમરી અને તેના ઉર્જાત્મક સ્તર છે, અને જો તમે તેને મંજૂરી આપો તો આ બધી બાબતો તમારા જીવન પર શાસન કરી શકે છે. તેથી કર્મ મર્યાદિત સીમા છે, પરંતુ તે મર્યાદાઓની અંતર્ગત, કર્મ ખૂબ જ ઉપયોગી છે. તે તમને સ્વચાલિત બનાવે છે, જેથી તમે ઘણી બધી બાબતોનો સહેલાઇથી પ્રતિસાદ આપી શકો.

જ્યારે તમે વિસ્તૃત કરવા માંગતા હોવ, ત્યારે સીમા સમસ્યા છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ઘરની આસપાસ સીમા દોરો છો, પછી જ્યારે તમે વિસ્તૃત કરવા માંગો છો, ત્યારે તે ખૂબ જ સરળ છે – તમારે ફક્ત બહાર ખસવું પડશે.

જ્યારે ધમકીઓ મળશે ત્યારે તમે સુરક્ષિત અનુભવશો. પરંતુ જો તમારા જીવનમાં કોઈપણ રીતે કોઈ જોખમ નથી, તો પછી તમે કુદરતી રીતે વિસ્તૃત થવા માંગશો. જ્યારે તમે વિસ્તૃત કરવા માંગતા હોવ, ત્યારે આ વિશાળ દિવાલને ખસેડવી અને તમારી સીમાને વિસ્તૃત કરવી ખૂબ મુશ્કેલ બનશે.

એ જ રીતે, કાર્મિક મેમરી એ ચોક્કસ દિવાલ છે જે તમે સેટ કરો છો. સમાવિષ્ટતા એ દરેક સાથે મૈત્રીપૂર્ણ રહેવાનો વિચાર નથી. અસ્તિત્વનું સ્વરૂપ જ  સમાવિષ્ટતા છે. જેમ તમે અહીં અસ્તિત્વ ધરાવો છો,  વૃક્ષ જે શ્વાસ બહાર કાઢે છે, તમે શ્વાસ લઈ રહ્યા છો. તમે જે શ્વાસ બહાર કાઢો છો, તે ઝાડ અંદર લે છે. જો તમે આ વ્યવહાર પ્રત્યે સભાન છો, તો માત્ર અહીં બેસવાનો અને શ્વાસ લેવાનો અનુભવ એકદમ અદ્ભુત અને ઉત્સાહપૂર્ણ હશે. જો તમે સભાન નથી, છત્તા પણ તમે ઓક્સિજન દ્વારા પોષણ પામી રહ્યા છો જે ઝાડ બહાર કાઢી રહ્યું છે, પરંતુ તમે તે અનુભવ ગુમાવી રહ્યાં છો.

સમાવિષ્ટતાનો અર્થ એ નથી કે તમારે કંઇક અલગ કરવું પડશે. ઝાડ અને માટી સાથે જે થાય છે તે તમને પણ થાય છે. તમે “મારી જાત” તરીકે જે વિચારો છો તે ખરેખર જ માટી છે જેના પર તમે ચાલો છો. અસ્તિત્વની પ્રકૃતિ સમાવિષ્ટ છે – તમારે ફક્ત તેના માટે સભાન બનવું પડશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

સાગર પરિક્રમા

તટરેખા કે રખવારે હમ,

તુફાનો સે ના હારે હમ,

સંતાન સિંધુ કી મચ્છુઆરે હમ,

આપણી ભારતીય સંસ્કૃતિમાં ભક્તિ, શ્રધ્ઘા અને પરંપરાઓમાં તીર્થક્ષેત્રની પરિક્રમા કરવાનો અનોખો મહિમા છે. જાહેરજીવનમાં રહીને વિશ્વમાં સૌથી વધુ રાજકીય-સામાજીક-રાષ્ટ્રીય જનજાગૃતિ માટે યાત્રા-પરિક્રમાના સંયોજક-પ્રેરક કે નેતૃત્વ કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી છે. તેમણે કૈલાસ માનસરોવરથી લઈને, ન્યાય યાત્રા, સોમનાથ-અયોધ્યા યાત્રા, એકતા યાત્રા, ગુજરાત ગૌરવ યાત્રા, વિરાંજલી યાત્રા, કન્યા કેળવણી યાત્રા, કૃષિ યાત્રા, સ્વર્ણિમ ગુજરાત યાત્રા, વંચિતોની વિકાસ યાત્રા, સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાથી લઈને છેલ્લે હમણાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુધી અનેક યાત્રાઓમાં તેમનો વિચાર અને અથાક પરિશ્રમ રહ્યો છે. આતો, થોડાંક જ નામોની યાદી છે.

મોદી સરકારે પ્રથમવાર માછીમાર લોકો માટે અલગથી મત્સ્ય વિભાગ બનાવીને માછીમારોને ‘સાગરખેડૂ’ નામ-સન્માન સાથે કેટલીક યોજનાઓ આપવામાં આવી. મત્સ્ય વિભાગની અલગ રચના પછી  તેની જવાબદારી ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી તરીકે પરષોત્તમભાઈ રૂપાલાને સોંપવામાં આવી.

ભાજપ સંગઠન અને સરકારમાં કુલ 36 વર્ષનો રાજકીય કારર્કિદીનો બહોળો અનુભવ ધરાવતાં રૂપાલાએ સંગઠનમાં પદયાત્રા કરવાની હોય કે ટિફીન બેઠક શરૂ કરવાની હોય. દલિતના ઘરે ચા-પાણી કે ભોજન કરવાનું હોય, સરકારમાં ખેડૂત વિમાથી લઈને પાક વિમામાં યોગદાન આપવાનું હોય કે લોકસાહિત્યમાં ‘મોજે દરિયા’ રહેવાનું હોય. તેમણે જે તે જવાબદારીમાં કંઈક અનોખું કરવાનો સતત પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે નર્મદા પરિક્રમા, ચારધામ, વૃંદાવન, પાલીતાણા કે ગિરનારની લીલી પરિક્રમા લોકોએ સાંભળી કે કરી હશે. મત્સ્ય વિભાગના મંત્રી બન્યાં પછી પરષોત્તમભાઈ રૂપાલાએ દેશના દરિયાઈ કિનારે રહેતા માછીમારોને રૂબરૂ મળવા-જાણવા અને મદદ કરવા માટેની નૈતિક જવાબદારી સમજીને દરિયાઈ માર્ગે ‘સાગર પરિક્રમા’નો નવો વિચાર પ્રથમવાર અમલમાં મૂકયો.

જે સાગરમાંથી અનેક સંપદા મળે છે. દેશની સુરક્ષા સાથે માછીમારોને આજીવિકા આપે છે. તે સાગરની પૂજા-વંદન સાથે કૃતજ્ઞતા વ્યકત કરવી એટલે ‘સાગર પરિક્રમા’ દરિયાદેવના કિનારે કિનારે પ્રદક્ષિણા દ્વારા માછીમારોની સમસ્યાઓને રૂબરૂ જઈને, સાંભળીને સમજવાનો પ્રયાસ એટલે ‘સાગર પરિક્રમા’

માછીમારો-સાગરખેડૂ સાથે સંપર્ક-સંવાદ અને સમન્વય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મત્સ્ય વિભાગની યોજનાઓની જનજાગૃતિ અને લાભ અપાવવાનો વ્યાપક પ્રયાસ એટલે ‘સાગર પરિક્રમા’.

રૂપાલાએ “સાગર પરિક્રમા”નો શુભારંભ તા.05.03.2022ના રોજ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માના સ્મારકથી શરૂ કરીને ઓખા, દ્વારકાધીશના દર્શન કરીને પોરબંદરમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ – કિર્તીમંદિરમાં વંદના કરીને ‘ક્રાંતિ થી શાંતિ’ના પ્રથમ તબક્કા પછી સતત 12 તબક્કામાં  9 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત રાજ્યો પસાર કરીને કુલ 8118 કિ.મી. દરિયાઈ પટ્ટીની ‘સાગર પરિક્રમા’ કરીને તા.11, જાન્યુઆરી 2024માં ઓરિસ્સાના જગન્નાથપૂરીના દર્શન સાથે વેસ્ટ બંગાળના “ગંગા સાગર” માં પૂર્ણ કરી  હતી.

હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળીની ખાડી આ ત્રણેય સમુદ્ર ભારતની ફરતે ‘U’ આકારે આવેલા છે. દરિયાઈ માર્ગે ભારતની પરિક્રમા કરવા માટે ગુજરાત, દમણ-દિવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી,ઓડિશા, પશ્ચિમ બંગાળ આમ, કુલ 9 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી પસાર થવું પડયું હતું.

ભારતની બ્લ્યુ ઈકોનોમિ13 રાજ્યો સહિત 2 ટાપુ, 12 મોટા અને 200 બંદરો દ્વારા દેશના 95 ટકા વ્યવસાયને પરિવહન માટે ટેકો આપે છે. માછીમારો અને તેમની સાથે સંકળાયેલા 6 કરોડ લોકોને પરોક્ષ રીતે આજીવિકા પૂરી પાડે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક એટલે જળકૃષિ દેશ છે અને સૌથી મોટા એકવાકલ્ચર ફિશ ઉત્પાદક તરીકે બીજા નંબરે છે. સૌથી મોટો ઝીંગા ઉત્પાદક અને વિશ્વમાં ચોથો સૌથી મોટો સીકૂડ નિકાસકાર છે. તેમજ દેશનું માછલી કુલ ઉત્પાદન 162.48 લાખ ટન છે. નિકાસનું મૂલ્ય 57,587 કરોડ રૂ. હતું. કૃષિ નિકાસમાં 17 ટકા યોગદાન સાથે કૃષિ જીડીપીમાં 6.72 ટકો હિસ્સો ધરાવે છે. દેશની જી.ડી.પી.માં 4 ટકા યોગદાન આપે છે. આ પ્રકારની નીલી અર્થક્રાંતિધરાવનાર વ્યવસાયને સંલગ્ન માછીમાર સમાજને અગાઉની સરકારમાં નજર અંદાજ કરવામાં આવતો હતો.

“સાગર પરિક્રમા”ના ઈતિહાસના પ્રથમ પ્રયોગે લાખો માછીમારોને પ્રત્યક્ષ હોંકારો, હૂંફ અને યોજનાઓનો સધિયારો આપ્યો હતો.  તથા માછીમારોના પડકારોને જોઈ-જાણી અને અનુભૂવીને તેમના જીવનમાં આર્થિક ગુણવત્તા સુધાર માટેનું એક વિરાટ પગલું ભર્યુ હતું. આ પરિક્રમામાં કુલ 114 જેટલા મોટા સંમેલન-સભાઓ, 300 થી વધુ મીટીંગ, વિવિધ સ્થાન પર કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, સાગર ખેડૂત યોજના વિવિધ સાધન સહાય યોજના તથા માછીમારોને મદદરૂપ થતાં ઈન્ફ્રાસ્ટ્રચરને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત માછીમાર સમાજના વિવિધ પંચો, સંસ્થાઓ અને માછીમાર ભાઈ-બહેનોના વ્યક્તિગત સંવાદો દ્વારા તેમની મુશ્કેલીઓ અને માંગણીઓની માહિતી મેળવવામાં આવી. ધાર્મિક સ્થાનો અને શહિદ સ્મારકના પર પૂજા-વંદના કરવામાં આવી હતી. મત્સ્ય બજાર, માછીમાર વસાહત, સંશોધન કેન્દ્રો, કોલ્ડ સ્ટોરેજ, મત્સ્ય ઉછેર કેન્દ્ર અને બંદરોની મુલાકાત લેવામાં આવી. માછીમારોનું સાહસ, રહેણીકરણી, જીવનશૈલી, બોલી, વેશભૂષા-ખાનપાન, દેવી-દેવતાઓની પરંપરા, માછીમાર અને દરિયાઈ સંસ્કૃતિ સફરના સુખ-દુઃખના ગીતો, ઓછી સુવિધાઓમાં પણ શરીરમાં તરવરાટ અને પ્રસન્ન ચહેરાઓ જોઈને માન ઉપજે તેવા સંભારણા સાથેની આ પરિક્રમા ઈતિહાસમાં યાદગાર બની રહેશે.

 

‘સાગર પરિક્રમા’માં દરિયાની અંદરનો કરંટ, ઉછળતા વિરાટ મોજાઓ, દૂર જોજનો સુધી જળસૃષ્ટિ, દરિયાઈ તોફાનોમાં મોતની થપાટો, અદૂભત રંગબેરંગી માછલીઓનો તરવરાટ, ઊગતો-આથમતો અને પાણીમાં ડૂબતો સૂર્ય, ચંદ્રની શીત્તળતા સાથે આકાશમાં રહેલી દિવ્ય-ભવ્ય શાંતિનું તારા મંડળ, નાની હોડીથી માંડીને ઓવરક્રાફટ, કોસ્ટગાર્ડ શિપ સુધીની સફર જીવનમાં વિસ્મરણીય રહેશે.

જાહેરજીવનમાં કે ધાર્મિક ઉત્સવોમાં કોઈના સ્વાગત માટે સાયકલ, સ્કૂટર-બાઈક, કાર રેલીના દૃશ્યો આપણે જોયાં છે. પરંતુ દરિયાઈ માર્ગે આવતાં મહેમાનનું સ્વાગત માટે બોટ/હોડીઓની રેલી દ્વારા સ્વાગત થતું હોય તે પહેલીવાર જોયું છે.

આ પરિક્રમામાં નેવીના કોસ્ટગાર્ડ શીપે ખૂબ જ સહકાર આપ્યો. ‘સાર્થક’ નામના કોસ્ટગાર્ડ શીપમાં Spirited, Steadfast, Sublime (ઉત્સાહિત, અડગ અને ઉત્કૃષ્ટ) લખેલ શબ્દો દરિયાઈ સીમા-સુરક્ષા અને દુશ્મન દેશની સામે સતત જાગૃત રહીને સામનો કરતાં કમાન્ડર અને સૈનિકોની નિષ્ઠા અને પરીશ્રમને ઉજાગર કરતાં હતાં.

આ પરિક્રમા માછીમારોના કલ્યાણ માટે ફળદાયી હતી પરંતુ રૂપાલાજી અને શ્રીમતી સવિતાબેન રૂપાલા માટે રોચક અને ભયાનક પણ રહી. બે વાર તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યાં. માંગરોળ થી પીપાવાવ બોટમાં જતી વખતે – મધદરિયે મોટી બોટ માંથી કિનારે જવા નાની બોટમાં સીફટ થવાનું હતું. આ સીફટીંગ સમયે દરિયાઈ કરંટ દ્વારા ઘુઘવતા મોજાઓ અને પાણીના ફોર્સને કારણે બે બોટ સ્થિર રહી શકતી ન હતી. તેવા સમયે મોટી બોટમાંથી નાની બોટની નીચે ઉતારતા સમયે બોટનો હૂક ભયંકર ઘડાકા સાથે તૂટી ગયો અને બોટ આંચકા સાથે એકબાજૂથી લટકતી રહી.  આ દૃશ્યોને જોઈને બધાંનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ હમેશાં લોકોને મળતી વખતે કે પ્રવચનની શરૂઆતમાં રામ-રામ બોલતાં રૂપાલા રામ-કૃપાથી બચી ગયાં હતાં. આવી ઘટના બે વાર બની હતી.

 

બીજી ઘટના એ હતી કે, ઓરીસ્સામાં ચિલ્કા ઝીલમાં રાત્રિના અંધકારમાં ‘સાગર પરિક્રમા’ના કાર્યક્રમમાં જવા નાની બોટમાં જઈ રહ્યાં હતાં ત્યારે ઝીલમાં માછલી પકડવાની જાળ બોટમાં વારંવાર ફસાઈ જવાથી મુશ્કેલીમાં મૂકાયા. બોટમાં રૂપાલા, તેમના ધર્મપત્નિ સવિતાબેન, સંબિત પાત્રા અને નાવિક એમ માત્ર 4 વ્યક્તિઓ બોટમાં હતાં. આ ઉપરાંત બોટની દિશા તેમજ કિનારે જવાનું લોકેશન ન મળવાથી ચિલ્કા ઝીલમાં બે કલાક સુધી ગુમ થઈ ગયાં હતાં. અંતે એક માછીમારની બોટ સામે મળતાં તેમને કિનારા સુધી લઈ આવ્યાં હતાં. આમ માંડમાંડ જાનના જોખમે કિનારે પહોંચ્યાં હતાં.

દરિયાદેવને પૂજનારો, મોતને મૂઠ્ઠીમાં રાખીને સાગરના ઘુઘવતા તોફાન સામે લડનારો, પડકારોને ઝીલનારો અને પરીશ્રમ કરનારા માછીમાર ભાઈ-બહેનોને વંદન. રૂપાલાને ઐતિહાસિક ‘સાગર પરિક્રમા’ માટે અભિનંદન.

ભરત પંડયા

(લેખકઃ પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય)

રાશિ ભવિષ્ય 05/02/2024 થી 11/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.


મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.

રાશિ ભવિષ્ય 05/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 05/02/2024