Home Blog Page 207

પશ્ચિમ એશિયા ટેન્શનને કારણે સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ અમેરિકા-ઇરાન વચ્ચે વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી બજાર ઘટાડા સાથે બંધ થયું હતું નિફ્ટી 24,500ની નીચે બંધ થયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1122.66 પોઇન્ટ ઘટીને 79,116.19 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 385.20 પોઇન્ટ  ઘટીને 24,480.50 પર બંધ રહ્યો હતો. IT સેક્ટર સિવાય બાકીના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. ઇન્ફ્રા, PSU બેંક, રિયલ્ટી, મિડિયા, ઓઇલ એન્ડ ગેસ, ઓટો અને મેટલ સેક્ટરમાં 2 ટકાથી 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોના એક દિવસમાં રૂ. 10 લાખ કરોડ ડૂબ્યા હતા.

પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી. ઈરાને ઇઝરાયેલ અને USના સંયુક્ત હુમલાના જવાબમાં ખાડી દેશોમાં નવા હુમલા કર્યા, જ્યારે US અને Israelએ પણ ઈરાન પર વધુ હુમલા કર્યા. વધતા તણાવને કારણે સપ્લાય ખોરવાઈ શકે અને ક્રૂડ ઓઇલના ભાવ વધે તેવી ચિંતા વધી છે.

બજારમાં વ્યાપક વેચવાલી

બુધવારના ટ્રેડિંગ દરમિયાન લગભગ તમામ સેક્ટરોમાં દબાણ જોવા મળ્યું હતું.નિફ્ટીના મોટા ભાગના શેર નરમ બંધ થયા હતા. મિડકેપ શેરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી.

BSE પર કુલ 4433 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1052 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3237 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 144 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 53 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 719 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 115 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 281 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

ઈરાનના જહાજ પર સબમરીન હુમલોઃ 78 ઘાયલ અને 101 લાપતા

નવી દિલ્હીઃ શ્રીલંકાના તટ નજીક ઈરાનના એક જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 78 લોકો ઘાયલ થયા છે, જ્યારે 101 લોકો લાપતા હોવાનું જણાવાયું છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ કહેવામાં આવ્યું છે, એમ શ્રીલંકાની નેવી અને ડિફેન્સ મિનિસ્ટ્રીનાં સૂત્રોના હવાલાથી માહિતી આપી છે.

જોકે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ઈરાનના જહાજ પર હુમલો કોણે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું, પરંતુ શ્રીલંકાની નેવીના એક પ્રવક્તાએ જણાવ્યું કે 101 લોકો લાપતા હોવાની માહિતી સંપૂર્ણપણે સાચી નથી. તેમના જણાવ્યા મુજબ આ ઘટનામાં શ્રીલંકાની નેવીએ 32 ઘાયલ લોકોને બચાવી લીધા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સવારે છ વાગ્યા પહેલાંની ઘટના

આ પહેલાં શ્રીલંકાના વિદેશ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે તેમની નેવીને સવારે એક જહાજમાંથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. તેના જવાબમાં સવારે છ વાગ્યાથી પહેલાં જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

શ્રીલંકાની નેવી સાથે જોડાયેલા એક સૂત્રે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે એવી માહિતી છે કે 79 લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંની એક વ્યક્તિનું મોત થયું છે. એ ઉપરાંત 101 લોકો લાપતા માનવામાં આવી રહ્યા છે અને જહાજ ડૂબી ગયું છે.

નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાની તૈયારી: શું બિહારમાં ભાજપનો CM?

પટના: બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર રાજ્યસભા જઈ રહ્યા છે? શું તેમના પુત્ર નિશાંતની જગ્યાએ JDUએ હવે નીતીશકુમારનું નામ આગળ ધપાવ્યું છે? આ એવા પ્રશ્નો છે જે અચાનક દિલ્હીથી લઈને બિહાર સુધીનાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગઈ કાલ સુધી નિશાંત કુમાર રાજ્યસભાથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે એવી ચર્ચા હતી. અહીં સુધી કહેવામાં આવતું હતું કે રાજ્યસભા માટે તેમના નામ પર લગભગ અંતિમ નિર્ણય થઈ ગયું છે ,પરંતુ હવે JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અચાનક દિલ્હીમાંથી પટના પરત ફરતાં નીતીશકુમાર રાજ્યસભા જવાના કયાસો તેજ બન્યા છે.

આવી સ્થિતિમાં રાજ્યમાં ગઠબંધનની સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ પોતાનો મુખ્ય મંત્રી બનાવી શકે તેવી ચર્ચા છે. રાજ્યમાં સત્તાના સંભવિત પરિવર્તનથી રાજકીય સમીકરણોને નવો વળાંક મળ્યો છે. આ મોટા પ્રશાસનિક અને રાજકીય ફેરફારના સંકેતો 2026ની રાજ્યસભા ચૂંટણી વચ્ચે મળી રહ્યા છે. હાલ JDU અને ભાજપના ટોચના નેતૃત્વ વચ્ચે ઉત્તરાધિકાર યોજના અને ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સંજય ઝાના પગલાથી રાજકીય હલચલ

હોળીના દિવસે રાજ્યસભાને લઈને દિલ્હીથી લઈને બિહાર સુધીની રાજકારણમાં નીતીશકુમારના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પહેલાં રાજ્યસભા માટે નીતીશકુમારના પુત્ર નિશાંતનું નામ સામે આવ્યું હતું, પરંતુ હવે પોતે નીતીશકુમારના નામની ચર્ચા તેજ બની છે. JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા આજે વહેલી સવારે દિલ્હીથી પટના રવાના થયા હતા. પટના જવા પહેલાં તેમણે કેન્દ્રીય મંત્રી લલન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે સંજય ઝા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે સંપર્કમાં છે.

નીતીશનું દિલ્હી જવું અને ભાજપનો દાવો

નીતીશકુમાર રાજ્યસભા જવાના સમાચાર વચ્ચે હવે પ્રશ્ન ઊભો થયો છે કે બિહારની કમાન કોના હાથમાં રહેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો નીતીશકુમાર કેન્દ્રમાં કોઈ મોટી ભૂમિકા સ્વીકારશે તો બિહારમાં મુખ્ય મંત્રીપદ માટે ભાજપ પોતાનો દાવો મજબૂતીથી રજૂ કરશે. ગઠબંધનમાં સંખ્યાબળ મુજબ ભાજપ હાલમાં સૌથી મોટી પાર્ટી હોવાથી મુખ્ય મંત્રીપદ પર તેનો દાવો સ્વાભાવિક માનવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાન પર તાલિબાનનું સંકટઃ સાત ચોકીઓ કબજામાં લીધાનો દાવો

નવી દિલ્હીઃ એક તરફ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં સત્તા ચલાવતું તાલિબાન પણ પડકાર આપી રહ્યું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ દાવો કર્યો છે કે “ઝુલ્મ-એ-લાલ” અભિયાન દરમિયાન કંધાર સરહદી વિસ્તારમાં અફઘાન દળોએ પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર મોટી કાર્યવાહી કરી છે. પ્રવક્તાના જણાવ્યા મુજબ ઝિલહિજ્જા મહિનાની 13મી રાત્રે 205 અલ-બદર કોરની 6મી બોર્ડર ઉબૈદાહ બ્રિગેડ સાથે જોડાયેલા ડિફેન્સ ફોર્સિસે પાકિસ્તાન સામે અભિયાન શરૂ કર્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહી દરમિયાન તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની સૈન્ય શાસનની સાત ચોકીઓ કબજામાં લઈ લીધી છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર આ હુમલામાં પાકિસ્તાની સેનાના ડઝનો સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. એ સાથે જ અફઘાન દળોએ સાત હળવા અને ભારે હથિયારો તથા આઠ દિવસ-રાત દેખરેખ કેમેરા પણ જપ્ત કર્યા છે.

પ્રવક્તાએ વધુમાં દાવો કર્યો હતો કે બે મોટાં સૈન્ય ઠેકાણાં હવે અફઘાન દળોના નિયંત્રણમાં છે. તેમના કહેવા મુજબ આ અભિયાન સરહદી વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા અને સંભવિત ખતરાઓનો જવાબ આપવા માટે ચલાવવામાં આવ્યું હતું.

એક અન્ય X (ટ્વિટર) પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 201મી ખાલિદ બિન અલ-વલીદ આર્મી કોરની બીજી બોર્ડર બ્રિગેડે પાકિસ્તાનના એક ડ્રોનને નિશાન બનાવી તેને તોડી પાડ્યો હતો.

પાકિસ્તાનની તરફથી પણ કાર્યવાહી ચાલુ

પાકિસ્તાની સુરક્ષા દળોએ મંગળવારે વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમ સરહદ પર થયેલા 16 સ્થળોના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને રાત્રિભર ચાલેલાં ઓપરેશનો દરમિયાન અફઘાન તાલિબાનના વધુ 67 લડવૈયાઓને મારી પાડ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

અફઘાન તાલિબાને ઉત્તર બલૂચિસ્તાનના કિલ્લા સૈફુલ્લાહ, નોશ્કી અને ચમન જિલ્લાઓમાં 16 સ્થળોએ સરહદ પારથી હુમલા કર્યા, જ્યારે પાકિસ્તાની સૈનિકોએ 25 સ્થળોએ ગોળીબારી કરી. તમામ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા, જેમાં અફઘાન તાલિબાનના 27 લડવૈયાઓ માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. સોમવારે આપેલા નિવેદનમાં મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સુરક્ષા દળોએ અત્યાર સુધી 435 અફઘાન તાલિબાન લડવૈયાઓને ઠાર કર્યા છે અને 630 અન્યને ઘાયલ કર્યા છે.

ઓપરેશન એપિક ફ્યુરીઃ અમેરિકા દ્વારા ઈરાનનાં 2000 ઠેકાણાંઓ નષ્ટ, 17 જહાજ પણ ડુબાડ્યાં

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશકારી તબક્કે પહોંચી ગયું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જાહેરાત કરી છે કે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ શરૂ થયાના માત્ર 100 કલાકમાં ઈરાનની સૈન્ય શક્તિને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમેરિકી નૌસેનાના એડમિરલ બ્રેડ કૂપરના જણાવ્યા મુજબ સમુદ્રમાં ઈરાનની સંપૂર્ણ નૌસેનાને નિષ્ક્રિય કરવાની કાર્યવાહી સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

 100 કલાકમાં 2000 ઠેકાણાઓ નષ્ટ

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે એક વિડિયો સંદેશમાં ઓપરેશનની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 100 કલાકમાં અમેરિકાએ 2000થી વધુ ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને 2000થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. અમેરિકા દ્વારા ઈરાનના સૈંકડો બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. એડમિરલ કૂપરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારું ધ્યાન એવી દરેક ક્ષમતાને ખતમ કરવા પર છે, જે અમારી પર હુમલો કરી શકે.

 ઈરાની નૌસેનાને મોટો ફટકો, 17 જહાજ અને સબમરીન ડૂબી

આ યુદ્ધમાં ઈરાનની સમુદ્રી શક્તિને સૌથી મોટું નુકસાન થયું છે. અમેરિકાએ અત્યાર સુધી ઈરાનનાં 17 નૌસેનાનાં જહાજોને ડુબાડી દીધા હોવાનું દાવો કર્યો છે. ઈરાનની સૌથી ઘાતક સબમરીનને પણ નિશાન બનાવવામાં આવી, જેમાં મોટું છિદ્ર પડી ગયું હોવાથી તે હવે ઉપયોગ લાયક રહી નથી. અમેરિકાનો દાવો છે કે આરબ ખાડી, હોર્મુઝ જળમાર્ગ અથવા ઓમાનની ખાડીમાં હાલમાં ઈરાનનું એક પણ જહાજ હાજર નથી.

 50,000 સૈનિકો અને 200 લડાકુ વિમાનો તૈનાતઆ મિશન માટે અમેરિકાએ પોતાની વિશાળ સૈન્ય શક્તિ તૈનાત કરી છે. B-2 અને B-1 જેવાં ભારે બોમ્બર વિમાનો સતત ઈરાનના સૈન્ય ઠેકાણાંઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી રહ્યાં છે. આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકન સૈનિકો અને 200થી વધુ લડાકુ વિમાનો સામેલ છે.

 ઈરાનનો જવાબી હુમલો

ઈરાને પણ ભારે જવાબી કાર્યવાહી કરી છે, પરંતુ અમેરિકાના અનુમાન મુજબ ઈરાનની સૈન્ય શક્તિ હવે કમજોર બની રહી છે. ઈરાને 500થી વધુ બેલિસ્ટિક મિસાઇલ અને 2000થી વધુ ડ્રોન હુમલા કર્યા છે. એડમિરલ કૂપરના આકલન મુજબ ઈરાનની હુમલા કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે, જ્યારે અમેરિકાની યુદ્ધ શક્તિ દરેક કલાકે વધુ મજબૂત બની રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે તમામ દેશવાસીઓને મારી તરફથી હોળીની હાર્દિક શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં પ્રેમ અને આશાનો સંચાર કરે છે તેમ જ પરસ્પર એકતા અને ભાઈચારો મજબૂત બનાવે છે. મારી કામના છે કે આ પર્વ સૌના જીવનમાં ખુશીઓ લઈને આવે અને આપણે સૌ મળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમામ દેશવાસીઓને હોળીની અનંત શુભેચ્છાઓ. રંગ અને ઉમંગથી ભરેલો આ તહેવાર સૌ માટે ખુશીઓની બહાર લઈને આવે. દરેકના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતાના રંગોની વર્ષા થાય — એવી મારી કામના છે.દેશને સંદેશ આપતાં વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણમાં નવી ઊર્જા ભરી દે છે. આ જ આ ઉત્સવની સૌથી મોટી વિશેષતા છે. ચારે તરફ ખુશીઓના રંગો જે રીતે છવાઈ જાય છે, તે દરેકને આનંદ અને ઉત્સાહથી ભરી દે છે.

દેશમાં હોળીનો તહેવાર આવતાં જ ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાય છે. આ ખુશીઓ અને એકબીજાને રંગ લગાવવાનો તહેવાર છે, જેના માટે લોકો આખું વર્ષ રાહ જુએ છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ આપે છે અને ઘરોમાં ગુંજિયા, મઠરી સહિત વિવિધ નાસ્તા બનાવી મહેમાનોને પીરસવામાં આવે છે.

હોળીની સાંજે લોકો પોતાના પરિવારજનો, સગાસંબંધીઓ અને મિત્રો સાથે મળવા તેમના ઘેર જાય છે અને સાથે ભોજન કરે છે. આ તહેવાર સંબંધોમાં નજીકતા વધારતો અને ઘરોમાં ખુશહાલી લાવતો માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ તહેવાર ઊજવવા વિશ્વભરમાંથી લોકો ભારતની વિવિધ જગ્યાઓએ આવે છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનની હોળી સૌથી વધુ પ્રસિદ્ધ છે.

આયાતોલ્લા ખોમિનીના વારસ તરીકે પુત્ર મોજતબાની પસંદગી

તહેરાનઃ આયાતોલ્લા ખોમિનીના પુત્ર મોજતબા ખોમિનીને તેમના પિતાના વારસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઈરાનના આગામી સુપ્રીમ લીડર તરીકે પદ સંભાળશે એવી માહિતી ઇઝરાયેલી મિડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવી છે. સિનિયર ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા થોડા કલાકોમાં એસેમ્બલી મોજતબા ખોમિનીને સત્તાવાર રીતે વારસ જાહેર કરી શકે છે. જોકે ઈરાનના સત્તાવાર સરકારી મિડિયાએ હજી સુધી આ ડેવલપમેન્ટ અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. મોજતબા ખોમિની ખોમિનીના બીજા સૌથી મોટા પુત્ર છે.

 કોણ છે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા?

મોજતબા ખોમિની આયાતુલ્લા ખોમિનીના બીજા નંબરના મોટા પુત્ર છે. કહેવાય છે કે તેઓ પોતાના પિતાના નિધન પછી તેમના કાર્યાલયનું કામકાજ સંભાળી રહ્યા હતા. ઈરાનની સેનાના ટોચના અધિકારીઓ સાથે તેમના સારા સંબંધો હોવાનું પણ માનવામાં આવે છે.

ઇઝરાયેલી મિડિયા અનુસાર મોજતબા પોતાના પિતા કરતાં વધુ કડક માનવામાં આવે છે અને ઈરાનમાં પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી પાછળ પણ તેમની ભૂમિકા હોવાનું કહેવાય છે. નવેમ્બર, 2019માં અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મોજતબા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે તેમને સુપ્રીમ લીડરના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કામ કરવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે તેઓ ક્યારેય ચૂંટણી દ્વારા પસંદ થયા નથી કે કોઈ સત્તાવાર સરકારી પદ પર નિયુક્ત થયા નથી.

ઈરાનના સ્વર્ગસ્થ સુપ્રીમ લીડર આયાતોલ્લા સૈય્યદ અલી ખોમિનીના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ જણાવ્યું હતું કે અમેરિકાનું નિશાન માત્ર ઈરાન નથી, પરંતુ ઈરાન પછી અન્ય દેશોને પણ તે નિશાન બનાવી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ગૃહમંત્રીએ ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી

ધૂળેટી પર્વના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે રંગોત્સવનો આ પવિત્ર દિવસ સમાજમાં એકતા, સૌહાર્દ અને આનંદનું પ્રતિક છે. તેમણે લોકોને પ્રકૃતિમિત્ર રંગોથી અને સુરક્ષિત રીતે પર્વ ઉજવવાની અપીલ કરી છે.

ગુજરાતના ગૃહમંત્રીએ પણ ધૂળેટીના અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર ભાઈચારો અને પ્રેમનો સંદેશ આપે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે અને નાગરિકોએ પણ સહકાર આપવો જોઈએ.

ગુજરાતના રાજ્યપાલે પોતાના સંદેશમાં જણાવ્યું કે ધૂળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો પ્રતીક છે. આ અવસરે તેમણે રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી.

રાજ્યભરમાં લોકો રંગોની મોજ માણી રહ્યા છે અને વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત કરવામાં આવી છે.

વાહ ભાઈ વાહ! ૦૪ માર્ચ ૨૦૨૬

શીંગદાણા ગોળના સોફ્ટ લાડુ

પ્રોટીન અને એનર્જીથી ભરપૂર શીંગદાણા તેમજ ગોળના લાડુ બાળકોને ભાવે તેવા બને છે! સોફ્ટ હોવાને કારણે તે દાદા-દાદીની પણ પસંદ બની શકે છે!

સામગ્રીઃ

  • શેકેલા શીંગદાણા 1½ કપ
  • શેકેલા તલ ¼ કપ
  • ગોળ સમારેલો 1½ કપ
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન
  • ઘી 1 ટી.સ્પૂન

રીતઃ શેકેલા શીંગદાણાને ફોલીને મિક્સીમાં પલ્સ મોડ પર તેનો કરકરો પણ બારીક ભૂકો કરી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલો ગોળ ઉમેરી ગેસની ધીમી આંચે ગોળ ઓગળી જાય એટલે તેમાં શેકેલા તલ તેમજ શેકેલા શીંગદાણાનો ભૂકો અને એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરી દો.

આ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથમાં થોડું ઘી લગાડીને શીંગદાણાના લાડુ વાળી લો.

આ લાડુ એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો