નવી દિલ્હીઃ ઇન્ડિયા એલાયન્સમાં સીટ વહેંચણી મુદ્દે ખેંચતાણ છે. વંચિત બહુજન અઘાડી (VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે મહાવિકાસ અઘાડી (MVA)ને આંચકો આપ્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં MVA સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સીટ વહેંચણીને લઈને MVA અને VBAની પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બીજી બાજુ કિસાન નેતા રાજુ શેટ્ટીએ પણ નિર્દલીય રીતે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે.
આ સિવાય UBTએ સાંગલી સીટ પર બુધવારે ઉમેદવાર જાહેર કરી દીધો છે, જેનાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતૃત્વ નારાજ થઈ ગયું છે. રાજ્ય કોંગ્રેસ નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડને એ વિશે જાણ કરી છે અને સાંગલી સીટ પર મિત્રતાના મુકાબલે વિકલ્પ પણ સૂચવ્યો છે. રાજ્ય નેતૃત્વ હાઇકમાન્ડના આગામી આદેશની રાહ જોઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈમાં શિવસેના-UBTના છમાંથી પાંચ સીટ પર લડવા પર મુંબઈ કોંગ્રેસના નેતાઓ ખુશ નથી. આ સિવાય મુંબઈ નોર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલની સીટ કોંગ્રેસના હાથથી જવા પર મુંબઈ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે. આ પહેલાં શિવસેના (UBT)એ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પહેલી લિસ્ટ જારી કરી છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમ જે જગ્યાથી ટિકિટ માગી રહ્યા હતા, શિવસેનાએ ત્યાંથી અમોલ કીર્તિકરને ટિકિટ આપી હતી. પ્રકાશ આંબેડકરે ગઈ કાલે MVAને અલ્ટિમેટમ આપ્યું હતું, કે તેઓ સીટ વહેંચણીને લઈને વલણ સ્પષ્ટ કરે, જે પછી તેમણે આજે વલણ સાફ કરી દીધું છે. ગઠબંધનમાં સામેલ નહીં થવાના એલાનની સાથે પ્રકાશ આંબેડકરે આઠ સીટો પર ઉમેદવારોનાં નામનું એલાન પણ કરી દીધું છે. તેઓ ખુદ અકોલાથી ચૂંટણી લડશે.
બીજી બાજુ, મુંબઈ નોર્થ-ઇસ્ટ સીટ શિવસેનાને મળવાથી NCP (શરદ પવાર) માં પણ નારાજગી છે. મુંબઈ અને પડોશી શહેરોમાં NCPને એક પણ સીટ નહીં મળવાથી પવાર જૂથ ખુશ નથી.
અમદાવાદઃ દેશની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી (RE) કંપનીઓમાંની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાજસ્થાનના જેસલમેરમાં દેવીકોટમાં 180 મેગાવોટનો સૌર વીજ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) સાથે 25 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયો છે.
આ 180 મેગાવોટનો સૌર વીજળી પ્લાન્ટ વાર્ષિક અંદાજે 540 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે 1.1 લાખ ઘરોને વીજળી આપશે અને લગભગ 0.39 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરશે. વીજ ઉત્પાદન વધારવા માટે અદ્યતન બાયફેસિયલ સોલાર પીવી મોડ્યુલ્સ અને હોરિઝોન્ટલ સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર્સ (HSAT)ને મોડ્યુલોની વધુ સારી કાર્યક્ષમતા અને દિવસભર સૂર્યને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
પાણી વિહીન રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમથી સજ્જ આ પ્લાન્ટ જેસલમેરના વેરાન પ્રદેશમાં જળ સંરક્ષણને સક્ષમ બનાવશે. સુરક્ષિત ડિજિટલ ક્લાઉડ પ્લેટફોર્મમાંનું એન્કર એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) છે, જે અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ની રિન્યુએબલ એનર્જી એસેટ્સનું રિયલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ કરે છે, પરિણામે કાર્યકારી કામગીરીમાં વધારો થાય છે.આ પ્લાન્ટના સફળ કાર્યાન્વયન સાથે AGELનો કાર્યાન્વિત સોલાર પોર્ટફોલિયો વધીને 6243 MW થયો છે અને કુલ કાર્યરત રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા 9784 MWએ પહોંચી છે, જે ભારતમાં સૌથી મોટી છે. ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જામાં નિર્ણાયક યોગદાન આપવાની કંપનીની ગતિ સતત વેગવંતી બની રહી છે, આ સાથે રાષ્ટ્રના ઊર્જા સુરક્ષા હાંસલ કરવાના ધ્યેયમાં સહયોગી બનવા સાથે ભારતના લો-કાર્બન અર્થતંત્રમાં સંક્રમણને બળ પૂરું પાડે છે.
અમદાવાદ: દેશભરમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના પગલે ચૂંટણી પંચ દ્વારા C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે.
શું છે C-Vigil એપ?
C-Vigil એ યુઝર ફ્રેન્ડલી અને ઓપરેટ કરવામાં સરળ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. જેનો ઉપયોગ લોકસભા ચૂંટણીની સૂચનાની તારીખથી ઉલ્લંઘનની જાણ કરવા માટે થઈ રહ્યો છે. આ એપની એક વિશેષતા એ છે કે, ફ્લાઈંગ સ્કવોડ્સ સમયસર તેમનું કામ કરે તેની ખાતરી કરવા માટે તે ડિજિટલ પુરાવા પ્રદાન કરશે. એપ ઓટો લોકેશન કેપ્ચર સાથે લાઈવ ફોટા/વીડિયો લેવાની પરવાનગી આપે છે. તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
કેવી રીતે કામ કરશે?
આ એપ કેમેરા, સારા ઈન્ટરનેટ કનેક્શન અને GPS સાથે કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. C-Vigil સતર્ક નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમ, રિટર્નિંગ ઓફિસર અને ફિલ્ડ યુનિટ / સ્ટેટિક સર્વેલન્સ ટીમો સાથે જોડે છે. જેનાથી ઝડપી અને સચોટ રિપોર્ટિંગ, કાર્યવાહી અને મોનિટરિંગ સિસ્ટમ સક્ષમ બને છે.
પ્રથમ પગલામાં, કોઈ વ્યક્તિ ફોટો લઇને અથવા 2 મિનિટનો વીડિયો રેકોર્ડ કરે છે. ફોટો/વિડિયોને જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ દ્વારા ઑટોમેટેડ લોકેશન મેપિંગ સાથે એપ પર અપલોડ કરવામાં આવે છે. સફળ સબમિશન પછી, વ્યક્તિને નીચેના ફોલો-અપ અપડેટ્સ પ્રાપ્ત કરવા અને ટ્રૅક કરવા માટે તેના મોબાઇલ પર એક અન્ય ID મળે છે.
બીજા તબક્કામાં, સિટીઝન એપની ફરિયાદ નોંધવા પર, માહિતી જિલ્લા કંટ્રોલ રૂમમાં બીપ થાય છે જ્યાંથી તેને ફીલ્ડ યુનિટને સોંપવામાં આવે છે. ફિલ્ડ યુનિટમાં ફ્લાઈંગ સ્ક્વોડ, એક સ્થિર સર્વેલન્સ ટીમ, રિઝર્વ ટીમ વગેરેનો સમાવેશ થાય છે. દરેક ફીલ્ડ યુનિટ પાસે C-Vigil Investigator નામની GIS-આધારિત મોબાઈલ એપ્લિકેશન હોય છે. જે GIS અને નેવિગેશન ટેક્નોલોજીને અનુસરીને અને પગલાં લઈને ફિલ્ડ યુનિટને ઘટનાસ્થળ તરફ દિશામાન કરે છે.
ત્રીજા તબક્કામાં, ફિલ્ડ યુનિટ ફરિયાદ પર કાર્યવાહી કરે છે. પછી, તેમના દ્વારા ફિલ્ડ રિપોર્ટ તપાસ અને નિકાલ માટે સંબંધિત રિટર્નિંગ ઓફિસરને ઇન્વેસ્ટિગેટર એપ દ્વારા ઑનલાઇન મોકલવામાં આવે છે. જો ઘટના સાચી હોવાનું જાણવા મળે છે, તો આ માહિતી ભારતીય ચૂંટણી પંચના રાષ્ટ્રીય ફરિયાદ પોર્ટલને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવે છે અને તેની માહિતી 100 મિનિટમાં જાગૃત નાગરિકને આપવામાં આવે છે.
આચારસંહિતા લાગુ થઈ ત્યારથી એટલે કે 16મી માર્ચથી લઈને ૨૫મી માર્ચ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી અમદાવાદમાં આવી કુલ બાવન ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી કુલ ૪૭ નિકાલપાત્ર ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ ૧૦૦ મિનિટની સમયાવધિમાં કરાયો છે. આમ, ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ EDની ધરપકડ પછી CM અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે એ મુખ્ય અરજી પર EDને નોટિસ જારી કરે એવી શક્યતા છે, પણ કેજરીવાલ જોકોઈ વચગાળાની રાહત માગી રહ્યા છે તો એના પર તેઓ વિચાર કરે એવી શક્યતા છે. જોકે ED પછી CBI કેજરીવાલની કસ્ટડી માગે એવી શક્યતા છે.
ED તરફથી એસવી રાજુએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમે એના પર જવાબ આપવા માગીએ છીએ, જેના માટે અમારે થોડો સમય જોઈએ છે. આ મામલાની સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સુનાવણી કરી રહી છે. એ દરમ્યાન અરજીની કોપી તેમને ગઈ કાલે જ મળી છે. એટલે જવાબ આપવા માટે તેમને ત્રણ સપ્તાહનો સમય જોઈએ છે. કેજરીવાલના વકીલ સિંધવીએ કહ્યું હતું કે કેટલીક મહત્ત્વની વાતો છે, જે અમે કોર્ટ સમક્ષ મૂકવા ઇચ્છીએ છીએ. એને સાંભળ્યા પછી કોર્ટ પોતાનો નિર્ણય લઈ શકે છે. ધરપકડના જે આધાર મૂકવામાં આવ્યા છે, એ કંઈક ઔર નહીં, પણ ધ્યાન ભટકાવનારાં છે.
બીજી બાજુ, દિલ્હી વિધાનસભામાં ભારે હંગામો થઈ રહ્યો છે અને આપના વિધાનસભ્યોએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે પણ પત્રકાર પરિષદ યોજી હતી. દિલ્હીના લોકો માટે કેજરીવાલ ચિંતિત છે. કેજરીવાલનું સુગર લેવલ હાઇ છે. હજી સુધી EDને એક પણ પૈસો રોકડ નથી મળ્યો. તો પછી લિકર કેસમાં બધા પૈસા ક્યાં છે. દિલ્હીની સમસ્યાઓથી કેજરીવાલને પીડા થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.
અમેરિકા: કેલિફોર્નિયાના આર્સેટિયા ખાતે ભારતીય અને નેપાળી સમુદાયના લોકો દ્વારા હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ ઉજવણીમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં વિવિધ રમતો રમાઈ અને વિજેતાઓને પુરસ્કાર પણ એનાયત કરાયા હતા.
રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વિશ્વના કોઈપણ ખૂણામાં વસતા ભારતીયો દ્વારા કરવામાં આવતી હોય છે. ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા મધેશી એસોસિયેશન તેમજ આર્સેટિયા ચેમ્બરના સહયોગથી વાયબ્રન્ટ હોળી ઉત્સવનું આયોજન આર્સેટિયા પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ભારત અને નેપાળની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. કાર્યક્રમના મુખ્ય આયોજક લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, I.A.C.S.N.A.ના પરિમલ શાહ તથા દિનેશ શાહ હતા. ઉર્મિલા મેનન, શગુન શ્રેષ્ઠા દ્વારા DJ તેમજ રિધમ, રિયા અને રાજેશ્વરી દ્વારા ગીતો રજૂ થયા હતા. સોનિયા દવે દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. નેનકીંગ ઇન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રફાલી ઈવેન્ટની ફાઈનલ વેલિસ બેકે જીતી હતી. જેમને ૬૦ ઈંચનું ટીવી ભેટમાં અપાયું હતું. ઉત્સવમાં આર્સેટિયાના મેયર, સ્થાનિક પોલીસ અધિકારીઓ, નેપાળના કાઉન્સિલ જનરલ, સ્થાનિક ઉદ્યોગપતિઓની પણ હાજરી હતી.
યોગી પટેલ અને દિનેશ શાહ દ્વારા તમામને રંગો તથા ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના મીડિયા પાટનર તરીકે શોકોલ ચેનલ હતી. યોગી પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે ભારતીયો તથા નેપાળી સમુદાયના લોકોનો આભાર વ્યક્ત કર્યા હતો.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 57 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,822 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,540 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,99,510 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 124 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 843 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,82,977 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9502 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદઃ શહેરમાં પહેલીવાર પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સિંધુ ભવન રોડ પર પોલો કપની જાગૃતિ માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 3000થી વધુ વર્ષ જૂની રમત પોલોની ખ્યાતિ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં વિન્ટેજ કાર, બાઇક્સ અને મોટી સંખ્યામાં ઘોડાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ રોડ શોની પરેડમાં વિદેશી ઘોડાઓએ પણ ભાગ લીધો હતો.
અમદાવાદમાં પહેલીવાર પોલો કપનું આયોજન કરવામાં આવ્યું છે. હવેથી દરવર્ષે આ આયોજન કરવામાં આવશે. આ વર્ષે 4 ટીમે ભાગ લીધો છે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે આયોજન કરવામાં આવશે. નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સને જ તેમાં ભાગ લેવાની મંજૂરી મળે છે. આર્જેન્ટિનાના બે ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સિવાય દિલ્હી, કોલકાતા, રાજસ્થાન, ગુજરાતની ટીમોએ ભાગ લીધો છે. પોલો કપમાં વિનર્સ માટે ટ્રોફી અને 2 લાખની ઇનામી રકમ આપવામાં આવે છે.
પોલો કપમાં 50 જેટલી હાર્લી ડેવિલસન બાઇક, 20 વિન્ટેજ કાર, 50 ઘોડા સહિત 50 જેટલી લક્ઝુરિયસ કારે ભાગ લીધો છે. અંદાજે પરેડમાં 400 જેટલા લોકોએ ભાગ લીધો છે. આર્જેન્ટિના, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીથી પણ ઘોડા લાવવામાં આવ્યા છે.
વૈરાગ્યનું આવવું કુદરતી રીતે શરુ થાય છે. જ્યારે તમે મોટા થઈ જાવ છો ત્યારે તમારું મન નાની નાની વાતોમાં અટકતું નથી. જેમ કે, તમે નાના હતા ત્યારે તમને લોલીપોપ બહુ ભાવતો. જ્યારે તમે સ્કૂલ કે કોલેજમાં ભણવા સુધી પહોંચ્યા, ત્યારે તે આકર્ષણ કુદરતી રીતે જતું રહ્યું હતું. તમે મોટા થાવ છો ત્યારે તમારે મિત્રો હોય છે,પરંતુ તમે તેમની માયામાં ફસાયેલા રહેતા નથી. મા અને બાળક વચ્ચે પણ આવું થાય છે. માયા તમને કુદરતી રીતે છોડવા માંડે છે. જો વૈરાગ્ય ના થાય તો તમને દુઃખનો અનુભવ થાય. આપણે એવું વિચારીએ છીએ કે -‘અરે, મેં કેટલું બધું કર્યું. મેં મારા બાળકો માટે એટલું બધું કર્યું છે અને જુઓ હવે તેઓ કેવું કરી રહ્યા છે. ‘આવું વિચારીને આપણે દુ:ખના ચક્રમાં ફસાઈ જઈએ છીએ. તમારે જે જવાબદારી નિભાવાની હતી તે તમે પાર પાડી. અન્ય કોઈ પર, તમારા બાળકોની લાગણીઓ પર, કોઈ જબરજસ્તી ના હોઈ શકે.
આપણે કોઈના પર તેમની લાગણી વ્યક્ત કરવા જબરદસ્તી ના કરી શકીએ. કોઈના પણ હ્રદયમાં લાગણીઓ, ભલે તે ગમે તે પ્રકારની હોય, કુદરતી રીતે જન્મે છે. લાગણીઓ પોતે જન્મતા પહેલા પરવાનગી નથી લેતી હોતી. પરંતુ જો તમે જ્ઞાન સાથે જીવતા હોવ તો નકારાત્મક લાગણીઓ લગભગ નહીંવત હોય છે. વળી, સકારાત્મક લાગણીઓ પ્રબળ ઈચ્છા તરીકે નહીં પણ પ્રેમ તરીકે હોય છે.
લોકો એવું માને છે કે જ્ઞાની એને કહેવાય જે પોતાની લાગણીઓ મારી શકતા હોય. ના,એવું નથી હોતું. સદ્ભાવ, પવિત્ર લાગણીઓનું અસ્તિત્વ બનેલું રહે છે. ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે,’જે મારી સાથે- ચેતના સાથે- જોડાયેલા નથી તેમનામાં બુધ્ધિ કે લાગણી હોતા નથી. બુધ્ધિ અને લાગણી વગર શાંતિ કે સુખનું અસ્તિત્વ શક્ય નથી. ‘રાગ અને દ્વેષનું પ્રેમમાં પરિવર્તન થવું એટલે વૈરાગ્ય.
આદિ શંકરાચાર્યે પણ કહ્યું છે કે દુનિયાનું એવું કોઈ સુખ નથી જે વૈરાગ્યથી પ્રાપ્ત ના થઈ શકે. વૈરાગ્ય એટલે વનમાં પ્રસ્થાન કરવું એવું નહીં. તેને સાવ ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. વૈરાગ્યમાં પરમાનંદ અને સુખ હોય છે. જે રીતે કમળ પાણીમાં હોય છે પરંતુ ભિંજાતું નથી તેમ સમાજમાં રહેવા છતાં વ્યકિતએ સમાજને મનમાં પ્રવેશવા ના દેવો જોઈએ. તમારી ઉપરથી પક્ષીઓ ઊડે તે ઠીક છે,પરંતુ તેમને તમારા મસ્તક પર માળો ના બાંધવા દો.
સંન્યાસ એટલે પોતાની અંદર સ્થાપિત થવું. જે કશાથી પણ વિચલિત નથી થતા તે સંન્યાસી છે. સંન્યાસ એ 100% વૈરાગ્ય અને 100% પરમાનંદ છે તથા માંગણીઓથી મુક્ત હોય છે. જો ચોથા આશ્રમ, વાનપ્રસ્થાશ્રમમાં, સંન્યાસ થાય તો ઘણું આવકારદાયક છે. મનમાં એટલી તૃપ્તિ થવી કે લાગે કે ‘મારું કોઈ નથી’ અને ‘કોઈ અન્ય નથી’ કે ‘દરેક વ્યકિત મારી પોતાની જ છે’ કે ‘આ દેહ મારો નથી’ એ સંન્યાસની અવસ્થા છે. સંન્યાસમાં મનમાં સંપૂર્ણ ખુશી હોય છે. વસ્ત્રો ત્યજીને અરણ્યમાં પ્રસ્થાન કરવું એ સંન્યાસ નથી. પરમાનંદ એ તમારો મૂળ સ્વભાવ છે. પરમાનંદને માણવા જતાં તમે ‘છે’ થી અધોગમન કરીને ‘છું’ માં પહોંચી જાવ છો-“હું શાંતિમય છું”,”હું પરમાનંદ છું”. એ પછી “હું દુખી છું” આવે છે.”હું છું” એ વૈરાગ્ય છે. તમે ગમે ત્યાં હોવ પણ વૈરાગી હોઈ શકો છો.
વૈરાગ્ય એટલે બધી વસ્તુને આવકારવી. કેન્દ્રિત રહેવાથી ઊર્જા, એક ચિનગારી, મળે છે. પરમાનંદને માણવાની વૃત્તિ જડતા લાવે છે. જો તમે વૈરાગી છો તો પરમાનંદ તો રહે જ છે. જ્યારે ફ્રીઝરમાં ભરપૂર આઇસક્રીમ હોય તો તમને તેની પડી હોતી નથી. વૈરાગ્ય અભાવની ભાવના દૂર કરે છે. લાલસા એ વિપુલતાના અભાવની ભાવના છે. જ્યારે પણ બધું વિપુલ પ્રમાણમાં હોય ત્યારે વૈરાગ્ય ઉદ્ભવે છે. જ્યારે વૈરાગ્ય હોય છે ત્યારે બધું વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)