Home Blog Page 1917

ઇઝરાયલનો મિસાઇલ, ડ્રોનથી ઇરાન પર હુમલો

નવી દિલ્હીઃ ઇરાને 300 મિસાઇલ અને ડ્રોન હુમલા પછી ઇઝરાયેલે ઇરાન પર પલટવાર કર્યો છે. પશ્ચિમી દેશોએ ઇઝરાયેલને ઇરાન પર જવાબી કાર્યવાહી ના કરવાની પણ સલાહ આપી હતી, પરંતુ ઇઃઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહૂએ શાખ જાળવવા માટે ઇરાનના કેટલાંય સ્થાનો પર મિસાઇલોનો મારો કર્યો હતો.

ઇરાને મિસાઇલી હુમલાથી બચવા માટે દેશનાં તમામ શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. ઇઝરાયેલે ઇરાનના એરપોર્ટને ટાર્ગેટ કર્યાં હતાં. જેને પગલે અનેક ફ્લાઇટોને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ.

ઇઝરાયેલે આ હુમલો એવા સમયે કર્યો હતો, જ્યારે ઇરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની ધરતીથી ઇઝરાયેલને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી તો એ પૂરી તાકાતથી એનો જવાબ આપશે. આ દાવા ઠીક પછી ઇઝરાયેલે હુમલો કરીને જવાબી કાર્યવાહી

કરી હતી. જોકે ઇરાની અધિકારીઓ આ વાતને ફગાવી દીધી હતી કે તેમના દેશમાં કોઈ હુમલો થયો છે. ઇઝરાયેલે આ હુમલો કર્યો હતો, જેમાં અમેરિકાનો કોઈ હાથ નથી.જોકે ઇઝરાયેલે હુમલાની માહિતી અમેરિકાને આપી હતી.

આ પહેલાં ઇરાને 13 એપ્રિલે ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોન એટેક કર્યો હતો. ઇરાને ઇઝરાયેલે 300થી વધુ અલગ-અલગ ડ્રોન હુમલો કર્યો હતો, પણ સામે ઇઝરાયેલે એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને સક્રિય કરતાં 99 ટકા હુમલા સફળ નહોતા થઈ શક્યા.

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં હિંસા, ECને 150 ફરિયાદો મળી

કોલકાતાઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકસભા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે. આ સીટો છે- કૂચબિહાર, અલીપુરદ્વાર અને જલપાઇગુડ્ડી. કૂચબિહારમાં હિંસાના અહેવાલ હતા. અહીં TMC અને ભાજપના કાર્યકર્તા વચ્ચે પથ્થરમારો થયો છે. આમાં ભાજપનો એક કાર્યકર્તા જખમી થયો છે. કૂચબિહાર હિંસાના કેટલાય વિડિયો પણ વાયરલ થયા છે. બંગાળમાં ECને 150 ફરિયાદો મળી છે.

બંગાળના માથાભાંગા વિસ્તારમાં CRPF જવાનની લાશ મળી છે. જવાનને અહીં ચૂંટણી ડ્યુટી પર તહેનાત કરવામાં આવ્યા હતા. પોલિંગ બૂથના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. CRPF જવાનનું મોત સંદિગ્ધ બતાવવામાં આવી રહ્યું છે. તેના માથા પર ઇજાનાં નિશાન મળ્યાં છે.

આરોપ છે કે TMCના કાર્યકર્તાઓએ મતદારોને બૂથ સુધી અટકાવવા માટે પથ્થરમારો કર્યો હતો. એનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. ચંદામારી વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ ઘાયલ થયા છે. આ પથ્થરમારો બૂથથી થોડા અંતરે જ થયો હતો. દિનહાટામાં ભાજપના કાર્યકર્તાઓના ઘરની બહાર દેશી બોમ્બ મળવાથી ગભરાટ ફેલાયો હતો. ચૂંટણી પંચ સુધી બંને પક્ષના નેતાઓએ ફરિયાદ કરી હતી. કૂચબિહારના સીતલકૂચીમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. બંને દળોના કાર્યકર્તાઓએ એકબીજાની મારપીટ કરી હતી.

બંગાળની ત્રણ લોકસભા સીટો પર સવારે નવ કલાક સુધી કૂચબિહારમાં 15.26 ટકા, અલીપુરદ્વારમાં 15.91 ટકા અને જલપાઇગુડ્ડીમાં 14.13 ટકા મતદાન થયું હતું.  બંગાળ આ ત્રણે સીટો ઉત્તરીય ભાગમાં સ્થિત છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આ સીટો પર જીત મળી હતી.

 

 

 

રોકાણકારો સાવધાનઃ BSEના MD બન્યા ડીપ ફેકનો શિકાર

મુંબઈ: બોમ્બે સ્ટોક એકસચેંજના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ સુંદરરમણ રામમૂર્તિના અવાજ અને વિડિયોની આધુનિક ટેક્નોલોજી મારફત નકલ કરીને તૈયાર કરાયેલા કેટલાક બનાવટી, અનધિકૃત અને છેતરપિંડીયુક્ત વિડિયો અને ઓડિયો સોશિયલ મિડિયા પર ફરી રહ્યા છે, જેમાં ચોક્કસ શેર્સ અને અન્ય સાધનોમાં મૂડીરોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. BSEએ રોકાણકારોના હિતમાં જણાવે છે કે BSEના MD અને CEO ફેસબુક અથવા અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ મારફત આવી કોઈ ભલામણ કરતા નથી.

આ અગાઉ નેશનલ સ્ટોકસ એકસચેંજ (NSE)ના મેનેજિંગ ડિરેકટરને નામે પણ ફરતા થયા હતા. ત્યારે NSE દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી હતી. આ મામલે સોશિયલ મિડીયાએ પોતાના તરફથી તે વિડિયોઝ ડિલિટ કર્યા નથી.

BSEની સ્પષ્ટતા

BSEએ મીડિયા રિલીઝ મારફત જણાવ્યું છે કે રોકાણકારોએ આવા બનાવટી વિડિયો અને ઓડિયોઝ પર વિશ્વાસ મૂકવો નહિ. BSE આવાં અજાણ્યાં તત્ત્વો દ્વારા કરાઈ રહેલી ગેરરજૂઆતને રોકવા માટે BSE બધાં શક્ય પગલાં લેશે. રોકાણકારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સાવધ રહે અને આવી ખોટી માહિતીને આધારે રોકાણ નિર્ણયો ન લે અને તેનો પ્રસાર ન કરે. રોકાણ કરતાં પૂર્વે રોકાણકારોએ માહિતીની સત્યતા ચકાસવી જોઈએ. BSE કોઈ પણ સત્તાવાર જાહેરાત માત્ર તેની વેબસાઈટ bseindia.com અને BSEનાં સોશિયલ મિડિયા હેન્ડલ્સ મારફત કરે છે.

અસારવામાં દીવાલ ધરાશાયી થતાં બેનાં મોત, ત્રણ ઘાયલ

અમદાવાદ: અસારવા વિસ્તારના રેલવે યાર્ડ પાસે મોટી દુર્ઘટના બની છે. અસારવા વિસ્તારના રેલવે યાર્ડની દીવાલ ધરાશાયી થઈ છે. હાલ આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત અને ત્રણ લોકો ઘાયલ થયા છે.   જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયી

અમદાવાદના અસારવા વિસ્તારમાં જૂની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. દાદા હરી વાવ નજીક રેલવે યાર્ડની દીવાલ તૂટી પડી હતી. દીવાલનો કાટમાળ લોકો પર પડતાં પાંચ જણ દબાયા હતા, જેમાંથી બે લોકોનાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. સૂત્રોની માહિતી પ્રમાણે માનસી જાટવ અને સિદ્દીક પઠાણનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દીવાલ ધરાશાયી થવાને કારણે કાર, રિક્ષા, ટૂવ્હીલર જેવા વાહનને પણ ભારે નુકસાન થયું છે.

કોરાનાના 92 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 92 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,863 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,579 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,773 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 67 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 615 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,693 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 21 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

શું પશ્ચિમ શૈલીના મકાનોમાં ભારતીય વાસ્તુના નિયમો લાગુ પડે?

શું ભારતને ભારત જેવું ન જોઈ શકાય? કેટલાક લોકો માટે ભારતના શાસ્ત્રો પર શંકાઓ કરવી અને વિદેશી સંશોધનોને જ માન્ય રાખવા એ ફેશન થઇ ગઈ છે. ભારતના ઇતિહાસના નકારાત્મક પાનાઓને જ ભારતની પ્રતિભા સાથે જોડવા અને સકારાત્મક ઇતિહાસનો વિરોધ કરવો એ પણ પ્રચલિત થઇ રહ્યું છે. અને પોતાના જ દેશને અન્ય દેશની સામે નિમ્ન માનવામાં મોટાઈ દેખાતી હોય ત્યારે સાચે જ વિચાર આવે કે શું આ પ્રજા દેશને વિશ્વગુરુ બનવા દેશે? અનેક સમસ્યાઓ સામે લડવાના બદલે આવા નક્કામાં વિષયો પર કલાકો ચર્ચા થાય, ત્યારે દેશના ભવિષ્યની ચિંતા જરૂર થાય. પણ આવા જ લોકો સાથે જે સંસ્કૃતિ હજારો વરસથી જીવંત છે એના પાયા ખુબ મજબુત છે. માત્ર એના મૂળને સમજવાની જ જરૂર છે. વિદેશી આક્રમણોના મુખ્ય કારણોમાંથી એક કારણ એકતાનો અભાવ પણ ગણી શકાય. અને એ જ એકસુત્રતાના કારણે આઝાદી મળી એ પણ આપણા ઇતિહાસમાં દેખાય છે. સકારાત્મક વિચારધારા માટે સકારાત્મક વાસ્તુમાં રહેવું જોઈએ. જે શૈલીના મકાનમાં રહીએ તેની ઉર્જા પણ વ્યક્તિને અસર કરે જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શું એવું નથી લાગતું કે પશ્ચિમી શૈલીના મકાનોમાં રહ્યા પછી ભારતીય હોવા છતાં લોકો પશ્ચિમના દુષણો અપનાવી રહ્યા છે. જેને એ લોકો લાઈફ સ્ટાઈલ કહે છે એ અમારા જમાનામાં દુષણ કહેવાતું. જેમ કે લગ્નેતર સંબંધ હવે લીવ ઇન થઇ ગયું છે. દારૂ પીવો એ સ્ટેટસ કહેવાય છે. લાગણીશીલ વ્યક્તિઓને મુર્ખ ગણવામાં આવે છે. લુચ્ચા લોકો સ્માર્ટ ગણાય છે. દેવું કરીને જીવવાના પાઠ ભણાવાય છે વિગેરે. શું આ દિવસો જોવા આઝાદીની ચળવળમાં લોકો શહીદ થઇ ગયા? ગાડરિયો પ્રવાહ કઈ તરફ જશે એ કોઈને ખબર નથી. દેવસ્થાનની બહાર ઉભેલા યુવાનો ખરેખર ધર્મને સમજે છે ખરા? માત્ર ટોળા અને ધક્કાધક્કી એ કયા સમાજની ઓળખ બને? નાની નાની વાતમાં ખૂન થઇ જાય છે. યુવાનોને મફતની ઘેલછા દેખાય છે. માત્ર ડીગ્રી લઈને કોનો ઉદ્ધાર થાય? પહેલા વિદેશીઓ ભારત તરફ દોટ મુકતા. હવે આપણા છોકરાઓ ઘેલા થયા છે. બધું યુવાધન વિદેશ જતું રહેશે તો આ દેશમાં રહેશે કોણ? આપ વાસ્તુના જાણકાર છો. મારી મુંજવણ દુર કરવા વિનંતી.

જવાબ: વડીલ શ્રી. પ્રણામ. આપની ચિંતા સમજી શકાય તેવી છે. આપણો છેલ્લા હજાર વરસનો ઈતિહાસ જોઈએ તો અન્યથી પ્રભાવિત થઈને લેવાયેલા ખોટા નિર્ણયો દેખાય છે. લગભગ એ જ સમયમાં આપણે વિદેશી રહેણાક શૈલીઓથી પ્રભાવિત પણ થયા. વિવધ બાંધકામ શૈલીનો આપણે ત્યાં પ્રભાવ વધ્યો. આધુનિક શૈલીમાં ભારતીયપણું ઓછુ છે. આપણા શાસ્ત્રો પ્રત્યેની ઉદાસીનતા અથવા તો પછી એમાં માનવું એ ઓછાપણું માનવાની માનસિકતા આમાં કારણભૂત લાગે છે. એક કારણ એ પણ છે કે જેમને કશું જ નથી આવડતું એમને કશું પણ શીખવી શકાય. આવું કરવાવાળા પણ વધતા હોવાથી લોકો શાસ્ત્રોથી દુર ભાગી રહ્યા હોય એવું બની શકે.

વાસ્તુ પરફેક્ટ મકાનમાં રહેવાથી સકારાત્મક થવાય છે. પણ પ્રેક્ટીકલ વાસ્તુ જેવું કશું હોતું નથી. કોઈ ડોક્ટર એવું કહે કે મોઢું સારું હોય એટલે તમે રોગમુક્ત ગણાવ એવી વાત ગણી શકાય. આપણા શાસ્ત્રો માત્ર દેખાડા માટે નથી. એમાં વિજ્ઞાન છે. સાચો પ્રયોગ થાય તો જ પરિણામ મળે.

સુચન: માત્ર દ્વાર સકારાત્મક હોય તો સમગ્ર વાસ્તુ સકારાત્મક ન ગણી શકાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

એક વેર આવું બાંધો…

ગઈ કાલે (17 એપ્રિલે, બુધવારે) રામનવમી ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. રાવણ માટે શ્રીરામ ભગવાન તેના શત્રુ હતા, પરંતુ શું રાવણના મૃત્યુનું કારણ રામ ભગવાન હતા કે તેનો કામક્રોધાદિક સ્વભાવ? સવાલ એ છે કે સાચો દુશ્મન કોણ? અથવા સાચો શત્રુ કોને કહેવો?

જીવનની દરેક પરિસ્થિતિ સિક્કાની બે બાજુ જેવી હોય છે. સુખ-દુ:ખ, માન-અપમાન, હર્ષ-શોક, પ્રેમ-સંતાપ, આશા-નિરાશા, વેદના-સંવેદના, સંતોષ-તૃષ્ણા જેવાં બે અંતિમો વચ્ચે ઝૂલતું આપણું જીવન અનેક વિચિત્રતાને અભિવ્યક્ત કરે છે. માનવીય સંબંધોમાં આ બે અંતિમો મિત્રતા અને શત્રુતા ઉપર અવલંબે છે. આ સંબંધોમાં મિત્રતા સુખ, માન, હર્ષ, પ્રેમ અને આશાને પ્રગટાવે છે તો શત્રુતા દુ:ખ, અપમાન, શોક, નિરાશા અને વેદનાને જન્મ આપે છે.

શત્રુને કોઈ એક ચોક્કસ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એવી વ્યાખ્યા કે માનક ભાષાની પરિભાષામાં શત્રુને સમજવાનો પ્રયાસ કરવો એ તો શત્રુ શબ્દ સાથે શત્રુતા કરવા જેવું થાય. કેમ કે પ્રત્યેક માનવીના મનમાં શત્રુને માપવા માટેના માપદંડ અલગ-અલગ હોય છે. આપણા દેહને પીડા આપનારને શત્રુ જ કહેવાય તે હંમેશાં સાચું ન પણ બને. નહીં તો કડવું ઔષધ આપનાર માતા, શસ્ત્રક્રિયા કરનાર ડૉક્ટર શત્રુમાં ખપી જશે. વળી, જ્યારે આપણાં મનધાર્યાં કામમાં કોઈ મદદ ન કરે, અથવા તેમાં જે અડચણ કરે ત્યારે આપણે સામેવાળી વ્યક્તિને મનોમન આપણો શત્રુ માની લઈએ છીએ. વિદ્યાર્થી અવસ્થામાં ગૃહકાર્ય કરવામાં કોઈ મદદ ન કરે અથવા તો શાળામાં કોઈક નાનકડી ફરિયાદ કરે ત્યારે અંદર-અંદર શત્રુ માની લેવાય છે. આમાં ખાસ કરીને યુવાન અવસ્થામાં ઘણી વાર રોકટોક કરનારા પરિવારજનો પોતાના શત્રુ મનાય છે. વડીલોને ઘણીવાર કાર્યક્ષેત્રની અંદર સ્પર્ધાત્મક વાતાવરણના કારણે શત્રુભાવના ઉત્પન્ન થાય છે. આમ, એવાં ઘણાં પરિબળો છે કે જેના કારણે શત્રુભાવના વધે છે. પણ આપણા મનમાં આપણે જેને શત્રુ માનીએ છીએ શું એ જ સાચા શત્રુ છે?

 

લેખના પ્રારંભમાં આપણે ભગવાન શ્રીરામ અને રાવણનું ઉદાહરણ જોયું. હવે પાંડવો અને કૌરવોનો દાખલો જોઈએ. દુર્યોધન માટે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવો શત્રુ હતા, પણ તેના મૃત્યુનું કારણ શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવો હતા કે પછી તેનામાં રહેલો લોભ? એ જ રીતે કંસના મૃત્યુનું કારણ કૃષ્ણ ભગવાન હતા કે કંસનું અભિમાન? દૈત્ય હિરણ્યકશિપુ મરાયો તેની પાછળનું કારણ હતું તેનો અહંકાર. આમ, બાહ્ય શત્રુ તો કદાચ નિમિત્ત બને છે પણ આંતરિક સ્વભાવો જ મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. લોભ, અહંકાર, ક્રોધ, વાસના, ઈર્ષ્યા, કપટ વગેરે આંતરિક દોષો જ આપણી પ્રગતિમાં અવરોધ રૂપ બને છે. તે જ આપણા શત્રુઓ છે.

ગીતા કહે છે કે આ કામ-ક્રોધ રૂપી શત્રુઓ જ આપણી પાસે ન કરવાનું કરાવે છે. ખરેખર, અનેક જન્મોથી સંચિત આપણા આવા મલિન સ્વભાવો જ આપણા સાચા શત્રુ છે. આ શત્રુ આપણને દેખાતા નથી, જલદી ઓળખાતા પણ નથી, કારણ કે આ શત્રુઓ આપણી અંદર રહીને આપણા બની બેઠા છે. આ જ શત્રુઓ ધીરે ધીરે કરીને આપણને વિનાશ તરફ લઈ જાય છે. આ શત્રુઓ શુગરકોટેડ પોઈઝન જેવા છે. ધીરે ધીરે એ આપણા આખા શરીરમાં દુર્ગુણોનાં ઝેર ફેલાવ્યા કરે છે. આપણને આપણી આસપાસ ઘણા એવા દાખલા મળશે, જેમાં સમૃદ્ધિની ટોચ પર પહોંચેલા માણસો ક્ષણવારમાં અધોગતિના પંથે ચઢી જાય છે. ઊંડા ઊતરીએ તો આ જ કારણ મળશે- કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા વગેરે સ્વભાવો.

તો હવે બીજો પ્રશ્ન થાય કે આવા વિનાશકારી શત્રુઓનો વિનાશ કેવી રીતે કરવો? ભગવાન શ્રી રામ સાથે જેમનો જન્મદિવસ પણ ઊજવાયો એ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, સ્વભાવ ઉપર દુશ્મનાવટ રાખવી એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે.

હા, જેમ જેમ આપણે સ્વભાવ રૂપી શત્રુઓને પંપાળ્યા કરીશું તેમ તેમ એ વધુ ને વધુ બળવાન બનતા જશે. સ્વભાવ સાથે વેર બાંધીને ભગવાનની નિષ્ઠાના વિચારથી સ્વભાવ રૂપી શત્રુઓને હરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૯ એપ્રિલ, ૨૦૨૪

૧૯ એપ્રિલ, ૨૦૨૪

Chitralekha Gujarati – 29 April, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.