Home Blog Page 1837

અમદાવાદના પ્રહલાદનગરમાં આગની દુર્ઘટના, 64નો આબાદ બચાવ

ઉનાળાની ગરમીમાં આગ લાગવાના અનેક કિસ્સા પ્રકાસમાં આવતા હયો છે. અમદાવાના પ્રહલાદનગરમાં કોમર્સિયલ હાઉસ-4માં નવમાં માળમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપની બાજુમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. આગ લાગતાની સાથે તાત્કાલિક પાંચથી વધુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

કોમર્શિયલ હાઉસ-4ના નવમાં માળે લાગેલી આગ પ્રસરીને દસ અને અગિયારમાં માળ સુધી પહોંચી હતી. જે બાદ ફાયર વિભાગ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આગ લાગવાથી બિલ્ડીંગમાં અફરા તફરનો માહોલ સર્જાયો હતો. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું કે એસી સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

મનોકામના પૂરી ના થતાં ભક્તે લગાડી મંદિરમાં આગ

રાજકોટઃ રાજ્યમાં એક હિન્દુ વ્યક્તિ ભગવાનથી નારાજ થતાં તેણે બે-બે મંદિરો આગના હવાલે કરી દીધા હતા. તેણે એક મંદિરમાં ભગવાનની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. આરોપીએ એક મંદિરમાં ટાયર તો બીજા મંદિરમાં લાકડીની મંદિરથી આગ લગાવી દીધી હતી.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા જિયાણા ગામમાં ગઈ કાલે  મોડી રાત્રે કેટલાંક તત્વો દ્વારા રામદેવપીરની મૂર્તિ અને બંગલાવાળી મેલડી માતાજીની છબીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાના પગલે ગામલોકો ગુસ્સે ભરાયા હતા. આ મામલે તાલુકા પંચાયતના સભ્ય કાનજીભાઈ મેઘાણીએ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI એ. કે. રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એરપોર્ટ પોલીસે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરી હતી.

ગામના ભૂતપૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ ગામના રામદેવપીર મંદિર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી હતી. જ્યારે વાસંગીદાદાના મંદિરમાં તાળું મારેલું હોવાથી મંદિરની અંદર આગ લગાવવાનો પ્રયાસ ન થઈ શક્યો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ આગ લગાવવા પાછળનું કારણ એવું હતું કે તેમની લાગણી દુભાઈ હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવીને તેણે આ કૃત્યુ કર્યું હતું.

ભૂતપૂર્વ સરપંચે ખૂબ પૂજા-પાઠ કર્યા હતા, તેમ છતાં સ્થિતિ ન સુધરતાં તેણે ટાયર સળગાવીને મંદિરમાં નાખ્યા હતા. જેમાં રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગી હતી. જેની આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી છે.

આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં  

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેએ થશે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. પાંચમા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પાંચમા તબક્કામાં કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે, એમ ADR રિપોર્ટ કહે છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કુલ 695 ઉમેદવારોમાંથી માત્ર 12 ટકા મહિલાઓ- 82 મહિલો ચૂંટણીમાં ઊભી છે. ADR વિશ્લેષણથી માલૂમ પડે છે કે આશરે 23 ટકા ઉમેદવારોએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે અને આશરે 18 ટકા પર ગંભીર ગુનાના કેસો છે.

પાંચમા તબક્કામાં કુલ 695માંથી ચાર ઉમેદવારોએ હત્યા (IPC-302)થી જોડાયેલા કેસોનો ખુલાસો કર્યો છે, જ્યારે 28 ઉમેદવારોએમ હત્યાના પ્રયાસ (IPC-307)થી જોડાયેલા કેસો જાહેર કર્યા છે. મહિલાઓ પર અત્યાચારથી જોડાયેલા કેસો જાહેર કરવાવાળા 29 ઉમેદવારો છે,એમાંથી એક ઉમેદવારે બળાત્કારથી જોડાયેલો કેસ જાહેર કર્યો છે. આ સિવાય 10 ઉમેદવારોએ ભડકાઉ ભાષણથી જોડાયેલા કેસ જાહેર કર્યા છે.

પાંચમા તબક્કામાં SPના 10માંથી પાંચ વિરુદ્ધ ગુનાઇત કેસો, જ્યારે શિવસેનાના છમાંથી ત્રણ, AIMIMના ચારમાંથી બે. ભાજપના 40માંથી 19, કોંગ્રેસના 18માંથી આઠ, TMCના સાતમાંથી ત્રણ, શિવસેના (UBT)ના આઠમાંથી ત્રણ અને RJDના પાંચમાંથી એક ઉમેદવારની વિરુદ્ધ ગુનાઇત કેસ નોંધાયેલા છે.પાંચમા તબક્કામાં 695માંથી 227 ઉમેદવારો કરોડપતિ છે, જેમાંથી સૌથી વધુ ભાજપમાં 36, ઓવેસીની પાર્ટીમાંથી ચારમાંથી બે ઉમેદવારો કરોડપતિ છે. પાંચમા તબક્કામાં દરેક ઉમેદવાર પાસે સરેરાશ રૂ. 3.56 કરોડપતિની સંપત્તિ છે.પાંચમા તબક્ક્માં સૌથી શ્રીમંત ઉમેદવાર UPના ઝાંસીથી અનુરાગ શર્મા છે, જેમણે કુલ સંપત્તિ 212 કરોડ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ છે. ગોયલની સંપત્તિ રૂ. 110 કરોડ છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

 

 

 

 

 

પોઈચામાં નર્મદામાં 8 લોકો ડૂબ્યા, એકનો આબાદ બચાવ

નર્મદા નજીકના પોઈચા ગામમાં 8 લોકોનો નદીના ઉડા પાણી નહાવા જતા ગરકાવ થવાના  સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ સુરતના એક પરિવારના 8 સદસ્યો નર્મદા નદીમાં નહાવા જતા હતા. ત્યારે નદીના ઉંડા પાણી પરિવારનો ગરકાવ થયો હતો.

સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામમાં 7 લોકો દરિયાની ભરતીના પાણીમાં તણાઇ ગયા હતાં. જેમાંથી ચાર લોકોના મૃત દેહ મળી આવ્યા હતા.

ઉમેદવારી નોંધાવ્યા બાદ PM મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીની વારાણસી લોકસભા સીટ પરથી નોમિનેશન ફાઈલ કર્યા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે. તેમણે કહ્યું કે મેં દેશના લોકો માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયા પર દશાશ્વમેધ ઘાટનો વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, આજનો દિવસ કાશીમાં માતા ગંગાના ચરણોમાં પ્રણામ કરીને શરૂ થયો. તેમના દર્શન અને આરાધના કરતાં મારા માટે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? મેં કાશીના મારા રહેવાસીઓ તેમજ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે માતા ગંગાને પ્રાર્થના કરી.

ગંગા સપ્તમીના શુભ અવસર પર પીએમ મોદીએ મંગળવારે સવારે દશાશ્વમેધ ઘાટ પર સૌથી પહેલા ગંગાની પૂજા કરી હતી. વડા પ્રધાન સ્વામી વિવેકાનંદ ગંગાના દર્શન કરતી વખતે દશાશ્વમેધ ઘાટથી આદિકેશવ ઘાટ સુધી ક્રૂઝ પર ગયા હતા અને પછી નમો ઘાટ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેણે ઉમેદવારી નોંધાવી હતી. આજે મારા દિવસની શરૂઆત કાશીમાં માતા ગંગાના ચરણોમાં પ્રણામ કરીને થઈ હતી. તેમના દર્શન અને આરાધના કરતાં મારા માટે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? મેં કાશીના મારા રહેવાસીઓ તેમજ દેશભરના પરિવારના સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે માતા ગંગાને પ્રાર્થના કરી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP પણ આરોપી !

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ થનારી આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. EDએ દિલ્હી હાઈકોર્ટને એ પણ જણાવ્યું કે ઘણા આરોપીઓ કેસની સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

EDના વકીલે આ દલીલ ત્યારે આપી જ્યારે હાઇકોર્ટ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. જો કે, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપીઓ દ્વારા દારૂ નીતિ કેસમાં સુનાવણીમાં વિલંબ કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આબકારી નીતિ શું છે?

વર્ષ 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિ રજૂ કરી હતી. વર્ષ 2022 સુધીમાં આબકારી નીતિ પ્રશ્નના ઘેરામાં આવી. એલજી વીકે સક્સેનાએ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી CBI અને EDએ પણ કથિત અનિયમિતતાઓને લઈને કેસ નોંધ્યા હતા. જે બાદ દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસી રદ્દ કરી દીધી હતી.

તિહાર જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીની તિહાર જેલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મંગળવારે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. તિહાર પ્રશાસને આ ધમકી અંગે દિલ્હી પોલીસને જાણ કરી છે. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસન તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને ડોગ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પહેલા દિલ્હીની કેટલીક શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. હવે, મંગળવારે, ઇમેઇલ ID courtisgod123@beeble.com પરથી દિલ્હીની તિહાર જેલમાં બોમ્બની ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો. પ્રેષકે તેનું નામ કોર્ટ ગ્રુપ રાખ્યું છે.

પોલીસે ધમકીભર્યા ઈમેલની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ જ સર્વર (ડોમેન) પરથી અગાઉ પણ દિલ્હીની ઘણી હોસ્પિટલો અને શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. હવે આ જ ઈમેલ તિહાર જેલમાં મોકલવામાં આવ્યો છે.

ભારત-ઇરાન સોદો થતાં અમેરિકાના પેટમાં થયું દર્દ

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટના સંચાલન માટે ભારત અને ઇરાનની વચ્ચે થયેલા કરારથી અમેરિકાના પેટમાં દર્દ થવા લાગ્યું છે. આ સોદા પછી USએ પ્રતિબંધો લગાવવાની ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકાએ ભારતનું નામ તો નથી લીધું, પણ એનો ઇશારો સ્પષ્ટ છે.

ભારત અને ઇરાન વચ્ચે સોમવારે સમજૂતી થઈ છે. ભારતે ઇરાનનું ચાબહારમાં શાહિદ બેહેશતી પોર્ટ 10 વર્ષ માટે ભાડેપટ્ટે લીધું છે.  આ કરાર હેઠળ ભારત આગામી 10 વર્ષો સુધી આ પોર્ટનું મેનેજમેન્ટ અને એનો વિકાસ કરશે. આ સોદો થવાથી ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે નવો રૂટ મળી જશે. આવામાં ભારતને પાકિસ્તાનની જરૂર નહીં પડે. અત્યાર સુધી આ દેશોમાં જવાનો રસ્તો પાકિસ્તાનથી હતો. આ સોદાથી ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિ. (IPGL) ચાબહાર પોર્ટમાં 12 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.

આ સોદાથી ભારતની કૂટનીતિની જીત થઈ છે. આ ઐતિહાસિક સોદા પર કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને ઇરાનના શહેરી વિકાસ મંત્રી મેહરદાદ બજરપાશે હસ્તાક્ષર કર્યા હતા. આ સોદાને પગલે અમેરિકાને ચૂક આવે, કેમ કે ઇરાન પર અમેરિકી પ્રતિબંધ આજે પણ કાયમ છે અને અમેરિકી પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈ પણ કંપની કે દેશ ઇરાન સાથે વેપાર કરવા માટે આગળ વધે છે તો ભવિષ્યમાં એના પર પ્રતિબંધ લગાવવાનું જોખમ છે.

ભારતે પાંચ લાખ કરોડના અર્થતંત્રનું જે સપનું જોયું છે, એ દિશામાં આગળવ વધવા માટે આ પોર્ટ ઘણું મહત્ત્વનું છે. આ પોર્ટથી ભારત ઇરાન, અફઘાનિસ્તાન, આર્મિનિયા, અજરબેજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપની સાથે વેપાર કરી શકે છે. ચાબહાર પોર્ટ ઓમાનની ખાડીથી જોડાયેલું છે. એ ઇરાનમાં સ્થિત પહેલું ડીપવોટર પોર્ટ છે. આ ઇરાનના સમુદ્રી રસ્તાથી બાકીના દેશોથી જોડે છે.  

 

 

 

 

 

 

નોએડામાં નીચે આવવાને બદલે લિફ્ટ ઉપર ચાલી જતાં દુર્ઘટના

નવી દિલ્હીઃ નોએડાના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં દુર્ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટિયેરા સોસાયટીના ટાવર-પાંચની લિફ્ટ અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેને કારણે ચોથા માળે ખરાબ થયેલી લિફ્ટમાં ત્રણ લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આ દરમ્યાન લિફ્ટની બ્રેક અચાનક ફેલ થઈ જતાં લિફ્ટ બેકાબૂ થઈ હતી અને લિફ્ટ નીચે આવવાને બદલે ઉપર તરફ જવા લાગી હતી.

આ લિફ્ટ સીધી 25મા માળે પહોંચી ગઈ અને ઉપરના માળની છત પર ટકરાઈ ગઈ હતી. આ લિફ્ટમાં સવાર ત્રણ લોકો જખમી થયા હતા. આ લિફ્ટમાં ખરાબી પછી સોસાયટીના રહેવાસીઓ સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખતાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર લિફ્ટ આઠમા માળેથી નીચે આવી રહેલી લિફ્ટ સૌથી ઉપરના માળે જતી રહી હતી. સેક્ટર 137ની પારસ ટિયેરા સોસાયટીમાં રવિવારે સાંજે આ ઘટના બની હતી. અહીં જ ગયા વર્ષે આ પ્રકારની ઘટનામાં એક સિનિયર સિટિજને જીવ ગુમાવ્યો હતો.

આ લિફ્ટમાં જ્યારે દુર્ઘટના બની હતી, ત્યારે એમાં સોસાયટીનો એક રહેવાસી અને બે ડિલિવરી બોય પણ હતા. એડિશનલ ડેપ્યુટી કમિશનર હિરદેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે અચાનક ટેક્નિકલ ખામીને કારણે લિફ્ટ નીચે આવી રહી એ દરમ્યાન કેટલાક આંચકા લાગ્યા હતા. ત્યાર બાદ લિફ્ટ નીચે આવવાને બદલે ઉપરના માળે જવા લાગી અને જોરથી 25મા માળની છત સાથે ટકરાઈ હતી.

 

 

 

 

 

 

 

 

ગુજરાતની પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે

ગુજરાતના યુવા ક્રિકેટ ટેલેન્ટને પ્રમોટ કરવા માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા SGVP, અમદાવાદ ખાતે પ્રથમ વખત છ ટીમો વચ્ચે ફ્રેન્ચાઇઝી બેઝ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) ટૂર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું છે. જે 19 મે થી 2 જૂન 2024 સુધી રમાશે.  છ ટીમોમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ તથા ગાંધીનગર લાયન્સ સમાવિષ્ટ છે, જેમાં રણજી ટ્રોફી રમતા ખેલાડીઓનો સમાવેશ પણ થાય છે.

ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી સુકાની કિરીટ દામાણી આયોજન સમિતિનો હિસ્સો બન્યા છે. GCSના ભૂતપૂર્વ જોઇન્ટ સેક્રેટરી તથા BCCIના ભૂતપૂર્વ સભ્ય હિતેશ પટેલની ટૂર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. GCAના ભૂતપૂર્વ પ્રમુખ તથા સંસદ સભ્ય નરહરિ અમીને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજક રોનક ચિરીપાલે યુવા માટે જે ઉત્તમ પ્લેટફેર્મ પૂરું પાડયું છે, તેનો મને આનંદ છે. ચિરીપાલ સ્પોર્ટસ વેન્ચર્સ અને ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ટુર્નામેન્ટના આયોજક ‘રોનક ચિરીપાલે’ જણાવ્યું કે “પ્રત્યેક ગુજરાતીમાં ચેમ્પિયનનું હ્રદય ધબકે છે જે ક્રિકેટની દુનિયામાં છવાઇ જવા માટે આતુર છે.  આ પ્રીમિયર લીગ ખેલાડીઓ માટે માત્ર પ્લેટફોર્મ નથી, પરંતુ યુવા ટેલેન્ટને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપી રહી છે.” આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને 5 લાખ, રનર્સ-અપને 2.5 લાખ, મેન ઓફ્ ધ સિરીઝને 51 હજાર તથા મેન ઓફ ધ મેચને 10 હજાર રૂપિયાનો પુરસ્કાર અપાશે. ટૂર્નામેન્ટ દરમિયાન હાઇએસ્ટ વિકેટ, રન તથા કેચ કરનાર ખેલાડીને 25 -25 હજાર રૂપિયાનું ઇનામ અપાશે. આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓ ઉપર  વિવિધ નેશનલ ટૂર્નામેન્ટ માટે રાજ્યની ટીમની પસંદ માટે સિલેક્ટર્સની નજર પણ રહેશે.

GCAના ભૂતપૂર્વ પ્રમુખ તથા સંસદ સભ્ય નરહરિ અમીન, ગુજરાતનાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી કેપ્ટન કિરીટ દામાણી, અને BCCIના ભૂતપૂર્વ સભ્ય હિતેશ પટેલના સહકાર અને માર્ગદર્શન હેઠળ આ ટૂર્નામેન્ટ ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.