ગુગલના CEO સુંદર પિચાઈનો જન્મ ભારતમાં અને ઉછેર ભારતમાં થયો હતો. ભારતીય મૂળના સુંદર પિચાઈએ તાજેતરમાં તેમના પસંદગીના ભારતીય ફૂડને લઈને યુટ્યુબર વરુણ માયાને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી. સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની દુનિયાભરમાં ચર્ચા થાય છે. 51 વર્ષીય પિચાઈએ તાજેતરમાં ભારત પર AIની અસર, ભારતીય એન્જિનિયરોને સલાહ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી.
જ્યારે યુટ્યુબર વરુણ માયા દ્વારા તેમના મનપસંદ ભારતીય ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ બેંગલુરુમાં હોય છે ત્યારે તેમને ઢોંસા ખાવાનું ગમે છે અને જ્યારે તેઓ દિલ્હીમાં હોય છે ત્યારે તેમને છોલે-ભટુરે ખાવાનું પસંદ હોય છે. જ્યારે તેઓ મુંબઈમાં હોય તો પાવભાજી ખાવાનું પસંદ કરે છે.
તમને જણાવી દઈએ કે ગૂગલની તાજેતરની ઇવેન્ટમાં પિચાઈએ ગૂગલના ઘણા નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. આ વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં, ગૂગલે એન્ડ્રોઇડ 15 બીટા 2 લોન્ચ કર્યું છે, જે હાલમાં Pixel સહિત ઘણા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે.
સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની વિશ્વભરમાં ચર્ચા થાય છે. તેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા CEO તરીકે પણ જાણીતા છે. પિચાઈનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી B.Tech કર્યું. તે પછી તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું. પિચાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મટિરિયલ એન્જિનિયર તરીકે કરી હતી. તે પછી તેઓ વર્ષ 2004માં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે Googleમાં જોડાયા. સુંદર પિચાઈ વર્ષ 2015માં ગૂગલના CEO બન્યા હતા. જે બાદ તેમની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. પિચાઈ અબજોપતિઓની યાદીમાં સામેલ થનારા પ્રથમ નોન-ફાઉન્ડર ટેક એક્ઝિક્યુટિવ છે.
ગુગલના CEOને ઢોંસા, પાવભાજી કે છોલે-ભટુરે શું પસંદ છે?
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને મતદાન કરી નિભાવી ફરજ
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે આજે મતદાન થયું. આજે દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદારોએ પોતાનો મત આપ્યો. લોકશાહીની ઉજવણીમાં અનેક ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમની સાથે જયા બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચન હંમેશની જેમ તેના ઉગ્ર સ્વાભાવમાં દેખાયા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વોટિંગ કર્યા બાદ સાથે નીકળી ગયા હતા. પોતાની કારમાં બેસીને મીડિયાનો સામનો કરતી વખતે જયા બચ્ચનના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જોકે તેમ છતાં તેઓ કંઈ બોલ્યા નહોતા, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈને સ્પષ્ટ હતું કે તે ખૂબ જ ગુસ્સે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જયા બચ્ચનની સ્ટાઈલ જોઈને યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રશ્નો પૂછતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, ‘શું તમે ક્યારેય હસો છો?’ એક યુઝરે લખ્યું, ‘તેના ચહેરા પર ગુસ્સો રહે છે. ક્યારેય હસતા જોયા નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બિગ બીનો સ્વભાવ જેટલો શાંત અને ગંભીર છે, તે તેનાથી બિલકુલ વિપરીત દેખાય છે.’ જો કે, કેટલાક લોકો જયા બચ્ચનનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા અને ટ્રોલ કરનારાઓને વડીલોનું સન્માન કરવાનું શીખવ્યું હતું.
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ મતદાન કરવા આવી હતી. જોકે, તે પોલિંગ બૂથ પર એકલી જોવા મળી હતી. જ્યાં બિગ બી અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય પોતાનો વોટ આપ્યા બાદ એકલી આવતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક જ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. ઐશ્વર્યાને એકલી જોઈને યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે. વળી, ફરી એકવાર અભિનેત્રીના તેના સાસરિયાઓ સાથે અણબનાવની અટકળો લગાવવામાં આવી રહી છે.
ATSએ દબોચ્યા આતંકવાદીઓને, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
ગુજરાત ATS એ સેન્ટ્રલ એજન્સીની મદદથી ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. જેને લઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જે ચાર શખસની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે

ગુજરાત ATS ખાતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલા ચારેય શ્રીલંકન નાગરિકો સામે અનલોફુલ એક્ટિવિટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની કલમ 18 તથા 38, આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A)(F) તેમજ IPCની કલમ 120(B), 121(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચારેય શખસો દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઇ-મેઈલ મળી આવ્યો હતો, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલા હતા. ગુજરાત ATSની એક ટીમ દ્વારા ચારે શખસો તથા પંચો તેમજ ટ્રાન્સલેટરને સાથે રાખી તાત્કાલિક ધોરણે Geo Co-ordinates ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પિસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવ્યો હતો.

ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2024માં તેઓ IS હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા અને તેની પ્રેરણાતી આતંકવાદી સંગઠન ISમાં સભ્ય બન્યા હતા અને તેઓએ શપથ પણ લીધા હતા. તેમજ અબુના કહેવાથી અમદાવાદ આવ્યા છે અને તેઓ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આ કામ માટે અબુએ તેમને રૂપિયા 4 લાખ શ્રીલંકન કરન્સી આપી હતી. તેમજ કબજે કરેલા હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવ્યા હતા. આ ઉપરાંત પકડાયેલા શખસોએ તેમના પાકિસ્તાની હેન્ડલરને સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની રહામાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી
Mumbai Voting: 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન, ઠાકરેએ લગાવ્યા આક્ષેપો
મુંબઈ: મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે એટલે કે સોમવારે પાંચમા અને છેલ્લા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં મુંબઈની છ બેઠકોનો સમાવેશ થાય છે. આ 13 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે છ બેઠકો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. એમવીએ કેમ્પમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર, શરદ પવાર જૂથ બે બેઠકો પર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારો બાકીની 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં મતદાનના તાજેતરના આંકડા જાહેર કર્યા છે. સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન થયું હતું.

મળતી માહિતી મુજબ, બોરીવલીના ઘણા વિસ્તારોમાં વોટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતાં. લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતાં. સ્થળ પર પાણી કે વ્હીલ ચેરની કોઈ વ્યવસ્થા નહોતી. બીજી તરફ કતારમાં ઉભેલા લોકો ચૂંટણી પંચ પાસે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “હું લોકોને અપીલ કરું છું કે સરકાર મતદાન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી કૃપા કરીને મતદાન મથક પર જાઓ અને કતારમાં રહો જેથી તમને તમારો મત આપવાનો મોકો મળે.જાઓ અને લાઇનમાં આવો. જો સમય પૂરો થાય તો તેઓએ તમને તક આપવી પડશે. લોકો મતદાન કરવા માંગે છે, પરંતુ તેઓ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. 5 વાગી ગયા છે લાઈન ઉભા રહો અને તમારો મત આપો. અમને જાણવા મળ્યું છે કે તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. સરકાર ચૂંટણી પંચના નામે રમત રમી રહી છે. જ્યાં ભાજપની લીડ છે ત્યાં તેઓ ઝડપી ગતિએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. પરંતુ જ્યારે શિવસેનાના લોકો મતદાન કરવા માગે છે, તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે.ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે. અમે સંપૂર્ણ ડેટા એકત્રિત કરીશું જ્યાં તેમણે પ્રક્રિયામાં વિલંબ કર્યો છે અને અમારા મતદારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને પછી અમે ચૂંટણી પંચના પક્ષપાતી મંતવ્યો સામે કોર્ટમાં જઈશું.
મુંબઈ નોર્થ- 46.91 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 47.32 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 48.67 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 49.79 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 44.22 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 48.26 ટકા મતદાન
આ સિવાય અન્ય મતવિસ્તારના મતદાનના આંકડા જોઈએ તો ભીવંડીમાં 48.89 ટકા, કલ્યાણમાં 41.70 ટકા, પાલઘરમાં 54.32 ટકા અને થાણેમાં 45.38 ટકા મતદાન નોંધાયું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટએટેકથી 10 લોકોનાં મોત
વડોદરાઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયાં છે, એમ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે દાવો કર્યો છે. એ સ્થિતિને જોતાં ડો.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડો.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.
શહેરમાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટ વેવની અસર જોવા મળી છે. હીટ વેવને પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઊલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જોકે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યા છે.

વિશ્વમાં હાઇપરટેન્શનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાઇપરટેન્શન એટલે કે હાઇ BP સાયલન્ટ કિલરની જેમ છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે પ્રતિ વર્ષે લાખો લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. એટલે 17 મેએ લોકોને હાઇ BP વિશે જાગ્રત કરવામાં આવે છે. WHOના ડેટા કહે છે કે વિશ્વમાં હાઇબ્લડ પ્રેશરથી આશરે એક અબજથી વધુ લોકો પીડિત છે. હાઇ BPથી હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલીય ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે.
રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પુત્રોએ પિતાની બનાવી પ્રતિમા!
આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં જ્યાં સંતાનોને માતા-પિતા સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો સમય નથી ત્યાં એવા પણ સંતાનો છે જે માનતરને સાચા અર્થમાં ભગવાનનો દરજ્જો આપે છે. વાત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામની. જ્યાં દિકરાઓએ પિતાની મૂર્તિ બનાવીને પિતૃપ્રેમનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

પાલનપુર તાલુકાના ચડોતર ગામે 76 વર્ષીય રાયસંગભાઈ ચૌધરી અને એમના પત્ની ગંગાબહેન ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે. પાંચ સંતાનોમાં ત્રણ દીકરી અને બે દીકરા. ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા રાયસંગભાઈ હંમેશા પરિવારને એક મુઠ્ઠીએ બાંધીને રાખવામાં માને. આજ ગુણ એમના સંતાનોમાં પણ ઉતર્યા. દીકરીઓ પરણીને સાસરે ગઈ. બંને દીકરા હસમુખભાઈ અને કિરણભાઈ પત્ની, સંતાનો સાથે સંયુક્ત રહે છે. પરિવારના મોભી પિતા જે કહે એ બધાય માટે પથ્થરની લકીર. રાયસંગભાઈનો લાગણીશીલ અને દયાભાવ સ્વભાવ સંતાનો બાળપણથી જોતા. માટે જ એમની માટે પિતા વિશ્વવંદનીય છે.

હસમુખભાઈ ચૌધરી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,” બે વર્ષ પહેલા હું અમદાવાદ ગયો હતો ત્યાં એક ભગતની પ્રતિમા જોઈ. એ જોતા જ મને મનમાં વિચાર આવ્યો કે મારા પિતાજીની પણ આવી જ પ્રતિમા બનાવવી છે. ઘરે આવીને આ વિચાર પરિવાર સામે રજૂ કર્યો. બધા ખૂબ ખુશ થઈ ગયા. પણ પિતા જેવી જ આબેહૂબ પ્રતિમા બનાવવા માટે અમે બંને ભાઈ ઘણી બધી જગ્યાએ ગયા. અંતે અમે પિતાને લઈને રાજસ્થાન ગયા. ત્યાં અમે એક કારીગર સાથે વાત કરી તો એણે અમને પિતા જેવી જ પ્રતિમા બનાવી આપવાનું આશ્વાસન આપ્યું. વાત નક્કી થયા ને છ મહિના પછી અમારા આંગણે જાણે પિતાની પ્રતિમા રૂપે સાક્ષાત પિતા જ હોય એવો ભાસ થયો.”

રાયસંગભાઈની પ્રતિમા બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. સાડા ત્રણ લાખમાં તૈયાર થયેલી આ પ્રતિમા આજે ચડોતર ગામની શાન ગણાય છે. શરૂઆતમાં જ્યારે હસમુખભાઈ અને એમના પરિવારે પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું ત્યારે ઘણાએ ટકોર પણ કરી કે આવી મૂર્તિ તો માણસ દેવ થયા પછી બનાવાય. પણ આ બંને ભાઈએ નક્કી કર્યું હતું કે મર્યા પછી તો બધા કરે અમારે તો જે કરવું એ માવતરની હયાતીમાં જ કરવું. જેથી માતા-પિતાને પણ આનંદ થાય. હસમુખભાઈ અને કિરણભાઈએ માતાપિતાનું જીવતા જગતીયું( મરણોત્તર દાન-પુણ્ય કાર્ય,વિધી)કરીને આખા ગામને ભોજન કરાવ્યું હતું. એટલું જ નહીં આ પ્રતિમાનું જ્યારે સ્થાપન કરવામાં આવ્યું ત્યારે પણ આસપાસના દસ ગામના સાડા અગિયાર હજાર લોકોને ભોજન કરાવ્યું. શ્રવણ બનીને માતા-પિતાને દરેક યાત્રાધામના દર્શન કરાવ્યા છે.

એકબાજુ એવા સંતાનો છે જે માતા-પિતાની હયાતીમાં તો ઠીક પરંતુ એમના ગયા પછી પણ કાગવાસ નાખવાનો સમય નથી નીકાળી શકતા ત્યાં બીજી બાજુ આ બંને ભાઈઓ જેવા સંતાનો પણ છે જે માતા-પિતાની મરણ પછી નહીં પરંતુ એમની હયાતીમાં જ એમના માટે બધું કરવાની ઇચ્છા રાખે છે. ભવિષ્યમાં જો સમયનો સાથ હશે તો બંને ભાઈ સાથે મળીને માતા ગંગાબહેનની પણ પ્રતિમા બનાવવાની અભિલાષા રાખે છે.
HD રેવન્નાના જાતીય સતામણીના કેસમાં જામીન મંજૂર
કર્ણાટકના બહુચર્ચિત જાતીય સતામણી કેસમાં એક વિશેષ અદાલતે પૂર્વ રાજ્ય મંત્રી અને JDS નેતા એચડી રેવન્નાને જામીન આપ્યા. એચડી રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે અનેક મહિલાઓની જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રજ્વલ રેવન્ના દેશની બહાર છે અને નોટિસ આપવા છતાં પરત ફર્યા નથી.

અગાઉ, જેડીએસ નેતા અને ધારાસભ્ય એચડી રેવન્નાને 13 મેના રોજ અપહરણ કેસમાં વિશેષ અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે. આ દરમિયાન તે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. 5 લાખના બોન્ડ પર તેમને જામીન મળ્યા હતા.
શા માટે કરવામાં આવી ધરપકડ?
ખરેખર, પ્રજ્વલ રેવન્નાના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મહિલાના પુત્ર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાના પુત્રનો આરોપ છે કે તેની માતા રેવન્નાના ઘરે કામ કરતી હતી. આ પછી તેની માતા અચાનક ગુમ થઈ ગઈ હતી. આ ઘટના પહેલા તેની માતાને યૌન શોષણનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો
બેબી બમ્પ સાથે દીપિકા પહોંચી મતદાન કરવા, ઐશ્વર્યાએ પણ આપ્યો મત
મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા દરમિયાન મુંબઈમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન સવારથી જ સિનેમા જગતના કલાકારોનો વોટિંગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના વ્યસ્ત આયોજનમાંથી સમય કાઢીને અક્ષય કુમાર, ગુલજાર, ધર્મેન્દ્ર, સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈ જાન્હવી કપૂર, રાજકુમાર રાવ, ખુશી કપૂર, નેહા ધુપિયા સહિતના સ્ટાર્સ મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતાં. તેમજ બેબી બમ્પ સાથે દીપિકા પણ મતદાન કરવા પહોંચી હતી.

દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે મતદાન કરવા પહોંચી હતી. વ્હાઈટ રંગના લોંગ શર્ટમાં તેનો બેબી બમ્પ ફ્લોન્ટ થઈ રહ્યો હતો. રણવીર સિંહ પ્રેગ્નેન્ટ વાઈફની કેર લેતો જોવા મળ્યો હતો.

સુભાષ ઘઈએ મત આપી નિભાવી ફરજ.

અભિનેતા આમિર ખાન એક્સ વાઈફ કિરણ રાવ સાથે મતદાન કર્યા બાદ જોવા મળ્યા.

સુનિલ શેટ્ટી અને ઈમરાન હાશમીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.

રાકેશ રોશન પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

સલમાન ખાનના પિતા સલિમ ખાન, ગુલજાર અને ગોવિંદાએ પણ મત આપી નિભાવી નાગરિકતાની ફરજ.

કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે બાન્દ્રા મતદાન કરવા પહોંચી હતી.

શાહરુખ ખાન પરિવારના સભ્યો સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં.
ચૂંટણીઃ ત્રણ વાગ્યા સુધી 47.53 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં મતદાન જારી છે. પાંચમા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 47.53 ટકાથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. કાશ્મીરમાં સતત મતદાન વધી રહ્યું છે. અહીં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે. બારામુલ્લા લોકસભા સીટ પર બપોરે ત્રણ કલાક સુધી 45.22 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ તો મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ કલાક સુધી સુસ્ત મતદાન થયું હોવાના અહેવાલો છે. બંગાળમાં ભાજપ અને TMCના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ છે.
HDFCના ચેરમેન દીપક પારેખે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે મત આપ્યા પછી કહ્યું હતું કે દેશમાં સ્થિર સરકાર હોવી બહુ જરૂરી છે. આપણને સ્થિર સરકારની જરૂર છે. સ્થિરતા વિકાસ માટે જરૂરી છે.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 45.3, જમ્મુ-કાશ્મીરમાં 44.9, લદ્દાખમાં 61.3 ટકા, ઝારખંડમાં 53.9 ટકા, મહારાષ્ટ્રમાં 38.8, ઓડિશામાં 49 ટકા ઉત્તર પ્રદેશમાં 47.5, અને પશ્ચિમ બંગાળમાં 62.70 ટકા મતદાન થયું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ EVMમાં કેદ થશે. આ તબક્કામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે.
આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.
અમદાવાદના SGVP ગ્રાઉન્ડ ખાતે CPLનું ઉદ્ઘાટન
અમદાવાદ: SGVP ગ્રાઉન્ડ ખાતે ચિરિપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં 100 જેટલા રણજી ક્રિકેટરો, 500 મહેમાનો તેમજ ક્રિકેટ, આધ્યાત્મ, રાજકારણ, અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ગુજરાતનાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, સંસદ સભ્ય નરહરિ અમીન, સચિવ GCA અનિલભાઈ પટેલ, ગુજરાતના રણજી પસંદગી સમિતિના અધ્યક્ષ કિરાત દામાણી, GCAના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ હિતેશ પટેલ, ક્રિકેટ પ્રીમિયર લીગ( CPL) ના આયોજક અને ચિરિપાલ ફાઉન્ડેશનના રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલે પણ ખાસ હાજરી આપી હતી. કેબિનેટ મંત્રી રાજપૂતે ગુજરાતમાં રમતવીરો માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. SGVP ના પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામીએ સમારોહમાં હાજરી આપી અને તમામ મહાનુભાવોનું અભિવાદન કરી આ પ્રસંગે આધ્યાત્મિક સ્પર્શ ઉમેર્યો હતો.

ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) 2024માં 6 ટીમ સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ તથા ગાંધીનગર લાયન્સ ભાગ લઈ રહી છે. જેમાં 100 જેટલા રણજી ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે.

CPLની પ્રથમ મેચ ગાંધીનગર લાયન્સ અને સાબરમતી સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી, જે રોમાંચક ટાઈમાં પરિણમી હતી, જેમાં બંને ટીમોએ 147 રન બનાવ્યા. સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સે 5 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાબરમતી સ્ટ્રાઈકર્સે છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને જીત મેળવી હતી. મનીષ શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.



