Home Blog Page 1781

સરકારે વસૂલ્યાં બેન્કોનાં રૂ. 10 લાખ કરોડનાં ડૂબેલાં દેવાં: FM

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વિવિધ આર્થિક સુધારા અને સારા ગવર્નન્સ દ્વારા બેન્કિંગ સેક્ટરનો કાયાપલટ કર્યો છે. જેથી બેન્કોએ 2014થી 2023ની વચ્ચે રૂ. 10 લાખ કરોડથી વધુનાં ડૂબેલાં દેવાં એટલે કે બેડ લોન્સની વસૂલી કરી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ X પર કેટલીક પોસ્ટ દ્વારા એ વાત કહી છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે 1105 બેન્ક છેતરપિંડી કેસોની તપાસ કરી છે. જેના પરિણામસ્વરૂપ રૂ. 64,920 કરોડ ગેરકાયદે આવક જપ્ત કરી છે. ડિસેમ્બર 2023 સુધી જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 15,183 કરોડની સંપત્તિ પરત કરી દીધી છે.દેશમાં બેન્કિંગ ક્ષેત્રએ રૂ. 3 લાખ કરોડના આંકડાને પાર કરતા સૌથી વધુ ચોખ્ખો નફો કર્યો હતો. સરકારે વ્યાપક સુધારાઓ થકી બેન્કિંગ ક્ષેત્રમાં UPA સરકારનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. મોદી સરકારે ડૂબેલાં દેવાં ખાસ કરીને મોટા ફિફોલ્ટરથી વસૂલાતમાં કોઈ ઢીલ મૂકી નહોતી અને એ પ્રક્રિયા જારી છે, એમ તેમણે કહ્યું હતું.

આ દુઃખની વાત છે કે વિરોધ પક્ષોના નેતા હજી પણ રાઇટ ઓફ અને માફી વચ્ચેનું અંતર સમજી નતી શકતા. RBIના દિશા-નિર્દેશો અનુસાર રાઇટ ઓફ પછી બેન્ક સક્રિય રીતે ડૂબેલાં દેવાંની વસૂલી કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિની લોન માફ નથી કરવામાં આવતી. 2014થી 2023ની વચ્ચે બેન્કોએ બેડ લોન્સથી રૂ. 10 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે NPAનું સંકટનાં બીજ UPA સરકારના કાર્યકાળમાં વાવવામાં આવ્યાં હતાં. મોદી સરકાર અમારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત  અને સ્થિર કરવા નિર્ણાયક પગલાં ભરતી રહેશે.

 

 

 

 

 

 

 

 

 

મુંબઈ: ગુજરાતી માતૃભાષાની શાળાઓમાં ઉત્તકૃષ્ટ પ્રદર્શન કર્યુ આ તારલાઓએ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુજરાતી માતૃભાષાની 61 શાળાઓ છે. જેમાંથી 27 ગુજરાતી શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. હકીકતમાં શાળાઓની આ મોટી સિદ્ધી છે. શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના પરિશ્રમને કારણે શાળાઓ સફળતા મેળવી છે.

બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ તો જ તેમની પ્રતિભા ઉજાગર થાય છે એવું માનનારાઓ માટે આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે કે માતૃભાષાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓછા આંકી ન શકાય. છોકરા કરતા છોકરીઓ પરિણામમાં વધારે આગળ રહી છે. શાળામાં SSCમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓની યાદી પર નજર કરીએ તો દહાણુની વકીલ મોડેલ ગુજરાતી શાળાની વિદ્યાર્થિનીએ બોર્ડમાં બાજી મારી છે. નિશા સુથાર 95.4 ટકા સાથે ઉત્તીર્ણ થઈ છે.

જ્યારે પુણેની આર સી એમ ગુજરાતી શાળાની વિદ્યાર્થિની પીનલ લાલજી ગોઠી ) 94.2 ટકા સાથે દ્વિતીય અને મલાડની નવજીવન અને દહિસરની શક્તિ સેવા સંઘ શાળાના બે વિદ્યાર્થીઓ ધ્રુવ જીગ્નેશ જોશી 93.2 ટકા અને ધર્મેશ હિંમતભાઈ વાળા 93.2 ટકા સાથે તૃતીય ક્રમાંક પર આવેલા છે.

 

મુંબઈ જેવા મોટા શહેરોમાં બાળકો મોટી મોટી શાળાઓ ભણવા માટે પસંદ કરતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ માતૃભાષાની શાળામાં ભણતરી મેળવી ગુજરાતી ભાષાને ટકાવી રાખવામાં પણ ફાળો આપ્યો છે.

ગુજરાતની બહાર પણ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું એક ગુજરાતી તરીકે આપણી ફરજ છે.

 

જ્યુરીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 34 આરોપોમાં દોષી ઠેરવ્યા

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યુરીએ હશ મની કેસમાં 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2016થી 2020 સુધી મેરિકાના રાષ્ટ્રપતિ હતા. ફીથી રાષ્ટ્રપતિ બનવા માટે તેમણે 2020માં ચૂંટણી લડી હતી, પણ તેઓ જો બાઇડનથી મુકાબલો હારી ગયા હતા. આ વખતે ત્રીજી વાર તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મેદાનમાં છે. જોકે દોષી ઠેરવાયા છતાં અમેરિકી કાયદા મુજબ ટ્રમ્પને ચૂંટણી લડતા નહીં રોકી શકાય.

અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આ બન્યું છે, જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગુનાઈત કેસ ચલાવવામાં આવ્યો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા મોઢું બંધ રાખવાના બદલામાં પૈસાની ચૂકવણી કરાયાની વાત છુપાવવા અને ટ્રમ્પના પોતાના વ્યવસાયના રેકોર્ડમાં હેરફેર કરવાના કુલ 34 આરોપ હતા. ટ્રમ્પે કુલ 1.30 લાખ ડોલર ડેનિયલ્સને આપ્યા હતા.  એ પેમેન્ટ 2016ની ચૂંટણીથી પહેલાં આપ્યા હતા.  આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

જોકે ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સેક્સ માણવાનો પણ ઇનકાર કર્યો છે. હવે જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ તેમની સજાની જાહેરાત કરશે. ટ્રમ્પ વિરુદ્ધનો ચુકાદો એવા સમયે સંભળાવવામાં આવશે, જ્યારે રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

શું છે મામલો?

ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 1,30,000 અમેરિકન ડોલરની ચૂકવણીની વાત છુપાવવા માટે બિઝનેસ રેકોર્ડ્સ હેરફેર કરી હતી જેના માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

 

 

 

 

 

માછીમારો માટે માઠા સમાચાર, દરિયો ના ખેડવાનો કરાયો આદેશ

દેશમાં કેરળથી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂન થી તો હવામાન નિષ્ણાત આંબાલાલ પેટલના પ્રમાણે આગામી 4 જૂનથી ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. ત્યારે આ બાજું અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.ટ

રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર કિનારે આવેલ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. નજીકના બંદર ઉપર બોટ લાંગરી દેવા માટે સૂચના આપવા આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે સમુદ્ર કિનારે આવેલ વિસ્તારોમાં 70થી 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્ય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આવેલા 1600 કિલોમીટરના દરિયા કિનારે વિસ્તારમાં સામાન્ય કરતા વધુ ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી છે. જેને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જુન, જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 1લી જુનથી માછીમારો બોટ લાંગરી બોટમાં રીપેરીંગ કામગીરી હાથ ધરતા હોય છે. આ વર્ષે હવામાન ખરાબ રહેતા તમામ માછીમારોને માછીમારીની સીઝનના 2 દિવસ પહેલા માછીમારી બંધ કરવા સૂચના આપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ ‘ક્રિકેટર ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં T20 વર્લ્ડ કપ 2024 અભિયાનની શરૂઆત પહેલા, ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ICCએ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપ્યો છે.

સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવ્યો છે. આ સન્માન મેળવનારો તે એકમાત્ર ખેલાડી બન્યો છે. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવે વર્ષ 2023માં 17 ઈનિંગમાં 733 રન બનાવ્યા હતા.ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર કેપ આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે શુભમન ગિલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને ICC ODI ટીમ ઓફ ધ યર કેપ અને ડાબોડી સ્પિનર ​​અર્શદીપ સિંહને ICC T20I ટીમ ઓફ ધ યર કેપ મળી.

વિન્ડ પાવર દિગ્ગજ સુઝલોનને 81.9 MWનો ઓર્ડર મળ્યો

પુણેઃ દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર સુઝલોનને ઓઇસ્ટર ગ્રીન હાઇબ્રિડ વન પ્રા. લિ પાસેથી 81.9 MWનો નવો ઓર્ડર મળ્યો છે. કંપની પ્રત્યેક 3.15 MWના 26 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) સપ્લાય કરવા સાથે મધ્ય પ્રદેશના આગરમાં હાઇબ્રિડ લેટિસ ટ્યુબલર જનરેટર્સ (HLT) (WTGs) ટાવર સ્થાપિત કરશે.  

આ કેપ્ટિવ મોડલ પર આ પ્લાન્ટથી કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને વીજ સપ્લાય થશે. આ પ્રોજેક્ટથી 67,000 હાઉહોલ્ડ્સને પણ પાવર સપ્લાય કરી શકાશે, જેનાથી એક વર્ષમાં 2.66 લાખ ટન કાર્બનનું પ્રદૂષણ ઓછું થશે. આ ઓર્ડર ત્રણ મેગાવોટ ઉત્પાદનની શૃંખલાથી કંપનીની મોટી રેટેડ 3.15 મેગાવોટ S144-140m ટર્બાઇનો માટે છે. સમજૂતી કરારના ભાગરૂપે કંપની વિન્ડ ટર્બાઇનના સપ્લાય પછી એનું સંચાલનની કામગીરી અને મેઇનટેનન્સ પણ શરૂ કરશે.

કંપનીના ઇન્ડિયા ખાતેના વેપારના CEO વિવેક શ્રીવાસ્તવે કહ્યું હતું કે દેશની એક સ્વતંત્ર વીજ ઉત્પાદક (IPP) ઓઇસ્ટર ગ્રીન હાઇબ્રિડ વન પ્રાઇવેટ લિ. તરફથી પહેલો ઓર્ડર મળ્યો છે, જેની જાહેરાત કરતાં આનંદ થાય છે. અમે અમારા ગ્રાહકોની યાદીમાં ઓઇસ્ટરનું સ્વાગત કરીએ છે અને અમારી ટેક્નોલોજી અને વ્યાપક ક્ષમતાઓ પર વિશ્વાસ દર્શાવવા બદલ કંપનીનો આભાર માનીએ છીએ. અમે આ પ્રોજેક્ટ થકી ઉત્પાદિત વીજ ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરશે એવી અપેક્ષા છે. અમે વીજ ઉદ્યોગમાં ગ્રીન વીજના ઉત્પાદન માટે નેટ-ઝીરોના લક્ષ્યને પૂરું કરવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.

ઓઇસ્ટર ગ્રીન હાઇબ્રિડ વન પ્રાઇવેટ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર અતીશ સામંતે કહ્યું હતું કે અમે વિન્ડ અને વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટોના માધ્યમથી ગ્રીન પાવર પોર્ટફોલિયોને આગળ વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે કાયમ એવા પ્રયાસ કરીએ છીએ અને સહયોગ કરીએ છીએ, જે અમારી યાત્રામાં રિન્યુએબલ એનર્જીની પહોંચને વધારવામાં અમારી મદદ કરે. દેશના સૌથી રિન્યુએબલ એનર્જી પ્રોવાઇડર હોવાને નાતે સુઝલોન ટેક્નોલોજીની નિપુણતા અને ઉત્પાદનની ક્ષમતા સાથે અમારા ગ્રીન એનર્જીના પોર્ટફોલિયોને વધારવામાં અને અમારા ગ્રાહકો સુધી સેવા પહોંચાડવાની મંજૂરી આપશે.

 

 

 

Opinion: તંત્રના હાથે શું જનતા એ વગાડી તાલી?

રાજકોટ સહિત ગુજરાત માટે 25મી મે એક ગોઝારો દિવસ સાબિત થયો છે. ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અને માસૂમોના મોત પછી સત્તાવાળાઓ સામે લોકોમાં ભયંકર રોષની લાગણી ફેલાયેલી છે અને લોકો સરકાર પાસેથી એ ખાતરી માગી રહ્યા છે કે, ભવિષ્યમાં આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન ન થાય.

એવું તે શું કરવું જોઇએ સરકારે કે આવી કોઇ ઘટના ભવિષ્યમાં ન બને?

ચિત્રલેખા.કોમ  એ આ માટે વિવિધ વર્ગના લોકો સાથે વાતચીત કરીને એમના મત જાણ્યા. આવો જાણીએ, શું કહે છે લોકો આ વિશે…

ડો. વિદ્યુત જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે

यौवनं धन संपत्ति: प्रभुत्वमविवेकिता।

एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ||

આપણે પશ્ચિમી દેશની સંસ્કૃતિને લઈ આવ્યા. ત્યાંના મનોરંજન સાધનો, સિનેમા, મોલ અપનાવી લીધા, પણ આપણે ત્યાંના નિયમોને આપનાવી શક્યા નથી. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે “વિદેશમાં એક બસમાં ચડવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે. જ્યારે આપણે બીજી બસ કેટલા સમયમાં આવશે તેવું વિચારીને પહેલી બસ પર ઝપાટ મારીએ છીએ” દરેક માતા પિતાએ પોતાના બાળકને 12 વર્ષની ઉંમર પહેલા નાગરીક શાસ્ત્રનો પાઠ ભણાવી દેવો જોઈએ. જ્યારે સરકારે એક મનોરંજન કાયદો લાવવો જોઈએ. આપણે ભાગ્યવાન માનવા વાળા લોકો આપણા અધિકારોની માગ કરતા નથી. ટિકિટ ખરીદ્યા બાદ પણ આપણે જીવને જોખમે મુક્યે છીએ. તેમણે એક શ્લોકનું વાંચન કરતા કહ્યું કે યૌવન, ધન, સંપત્તિ, આધિપત્ય અને અવિવેક હંમેશા વિનાશ વેરે જ છે.

હેમંત શાહ, અર્થશાસ્ત્રી

બે વર્ષ સુધી મનોરંજન ટાળવું જોઈએ!

રાજકોટ દુર્ઘટના બાબતે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી દુર્ઘટના બનાવાનું એક માત્ર કારણ નિયમનુ ઉલ્લંઘન છે. જ્યારે નિયમનુ ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કડક પગલા નથી લેવાતા, જેથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય છે. સરકાર અને આવા એકમોના માલિકોએ નિયમોની કાળજી રાખવાથી પણ આવી દુર્ઘટનાને રોકી શકાય. જ્યારે સામાન્ય પ્રજાને આગલા બે વર્ષ સુધી આવી જગ્યા પર જવા માટે ખુદ જ પ્રતિબંધિત થવું જોઈએ. જેના કારણે માલિક સામાન્ય જનતાની સલામતી માટે જાગૃત બને. આ ઉપરાંત તમામ એકમોને જરૂરી સર્ટીફિકેટને ફ્રેમ કરી જાહેરમાં રાખવાનો કડક નિયમ પણ બનાવવો જોઈએ.

 

રાજવીરસિંહ, સોશિયલ વર્કર

રાજ્યના 90% બાંધકામ છે ગેરકાયદેસર

બાળકોની દુર્ઘટનાને લઈ રાજવીરસિંહ એ કહ્યું કે આગ બનેલા હાલ સુધીના બનાવોમાં એક સમાનતા જોવા મળી છે, ત્યાં કોઈ પણ જાતની બહાર નીકળવાની જગ્યા જ બનાવવામાં નહોતી આવી. ગુજરાતની અંદરના 90 ટકા બાંધકામ ગેર કાયદે બનાવવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટોના દર ઉંચા હોય છે. જ્યારે ઓફરના દિવસોમાં ઓછા રૂપિયામાં મનોરંજન માટે લોકો જીવી તાળવે બાંધીને પણ મોજ મસ્તી માણે છે. લુભામણી ઓફરને જોઈ મનોરંજનથી થનારી ભયજનક અસરો પર પ્રજાએ પણ ધ્યાન આપવું જોઈએ.

 

પૂજા પ્રજાપતિ, વકીલ & સમાજીક કાર્યકર

સલામતી માટે પ્રશ્ન કરવા જોઈએ

બાળક દેશનું ભવિષ્ય છે, જેને ધ્યાને રાખી મનોરંજનની જગ્યા પર તામામ જરૂરી દસ્તાવેજની છે કે નહીં તેની સરકાર અને આપણે કાળજી લેવી જોઈએ. સરકાર, પોલીસ સહિત આપણી સલામતી આપણા હાથ હોય છે. જાગૃત નાગરીકે પોતાની સલામતી માટે મનોરંજનના એકમો પાસે સલામતીના પુરાવા માંગવા જોઈએ. પુરાવા ન મળે તો તાત્કાલિકના ધોરણે પોલીસ અથવા ફાયર વિભાગને જાણ કરવી જોઈએ.

 

 

શ્લોકા સુથાર, હોમિયોપેથિક ડોક્ટર 

દૂઘનો દાઝ્યો છાશ પણ ફૂંકીફૂંકીને પીવે!

શ્લોકા પોતાનો અનુભવ જણાવતા કહે છે “હું અમદાવાદ TRP મોલના ગેમ ઝોનમાં મારા મિત્રો સાથે ગઈ હતી. જે બાદ ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ હું કોઈ પણ ગેમ ઝોન કે થિયેટર જતા પહેલા વિચારું છું. જ્યાં લોકોનો ઓછો જમાવડો થતો હોય તેવી જગ્યા જવાનું પસંદ કરું છે. કેમ કે લોભામણી ઓફરો આપી ગેમ ઝોનના માલિકો ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપે છે. જેના કારણે પણ આવી દુઘર્ટના બનતી હોય છે. આ માટે દરેક વ્યક્તિ એ સજાગ રહેવાની જરૂર છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશના કેટી પેરી કરશે પર્ફોમ, ઈટાલીમાં જામશે માહોલ

મુંબઈ: ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી બાદ હવે મુકેશ અંબાણીના પુત્રની બીજી પ્રી-વેડિંગ પાર્ટી ઈટાલીમાં ચાલી રહી છે. તેની શરૂઆત 29 મેના રોજ ફ્રાંસ, ઇટાલીમાં વૈભવી ક્રુઝ પર ડિનર સાથે થઈ હતી. તેનો હિસ્સો બનવા માટે ઇન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓને આમંત્રિત કરવામાં આવી છે. તેમજ ગત વખતની જેમ આ વખતે પણ હોલિવૂડના કેટલાક સેન્સેશન્સ પાર્ટીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે અને કેટી પેરીનું નામ આમાં પ્રથમ આવ્યું છે. પ્રી-વેડિંગ 1 જૂન, 2024 ના રોજ પોર્ટોફિનો, ઇટાલીમાં સમાપ્ત થશે.

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન સિંગર કેટી પેરી અનંત અને રાધિકાના ક્રૂઝ પ્રી-વેડિંગના ત્રીજા દિવસે પરફોર્મ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોપ આઇકોન દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત US $ 50.9 મિલિયન એટલે કે આશરે રૂ. 424 કરોડની કિંમતના વિલામાં તેના ગીતો સાથે સ્ટેજ પર ધમાલ મચાવશે. અનંત અને રાધિકાના પ્રથમ પ્રી-વેડિંગ દરમિયાન, રીહાન્ના, દિલજીત દોસાંઝ, અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને અન્ય જેવા ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

કેટી પેરીને મોટી રકમ મળશે
‘ધ સન યુકે’ અનુસાર કેટી પેરીને ‘લે માસ્કરેડ’માં તેના પર્ફોમન્સ માટે અંબાણી પરિવાર તરફથી લાખો ડોલરનો ચેક મળી રહ્યો છે. એક સ્ત્રોતે પ્રકાશનને જણાવ્યું હતું કે 800 મહેમાનો કેન્સમાં યોજાનારી મોટી ઉજવણી માટે ક્રુઝમાંથી ઉતરશે, જેની થીમ ‘લા વીટા એ અન વિએજિયો’ હશે. કેટી પેરી 5 કલાક સુધી ચાલનારી પાર્ટીમાં પરફોર્મ કરશે અને તે પછી મહેમાનો આગળના શોમાં જશે.

800 મહેમાનોને આમંત્રણ
અંબાણી પરિવારે 800 મહેમાનોને આમંત્રિત કર્યા છે જેઓ બાર્સેલોના અને જેનોઆના ક્રુઝ પર છે એવું સ્ત્રોતે જણાવ્યું હતું. તેઓ શુક્રવારે કેન્સમાં બિગ બેશ માટે પહોંચશે, જે 40 મિલિયન GBPની પ્રોપર્ટીમાં યોજાશે. પાર્ટી માત્ર પાંચ કલાક ચાલશે અને ત્યાં કેટી પરફોર્મ કરશે. તે પછી, મહેમાનો કાન્સમાં અદભૂત આતશબાજીના સાક્ષી બનશે.’

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

આટલા મોંઘા ક્રૂઝ પર પાર્ટી થઈ રહી છે
બહુવિધ મીડિયા અહેવાલો અનુસાર, અંબાણી સેલિબ્રિટી-એજ્ડ ક્રુઝ પર બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે જેનો ખર્ચ US$900 મિલિયન અથવા લગભગ રૂ. 7,500 કરોડ થવાની ધારણા છે. ક્રૂઝ પરના દરેક સ્યુટમાં સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ અને વધુ જેવી વૈભવી સુવિધાઓ છે અને આ તમામની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે. સેલિબ્રેશનમાં બેકસ્ટ્રીટ બોયઝે પણ પરફોર્મ કર્યું હતું

29 મેના રોજ, લોકપ્રિય અમેરિકન બેન્ડ, બેકસ્ટ્રીટ બોયઝે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ક્રુઝમાં પરફોર્મ કર્યું હતું. ઇવેન્ટની એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ગ્રુપના છોકરાઓ, નિક કાર્ટર, હોવી ડોરો, બ્રાયન લિટ્રેલ, એજે મેકલિન અને કેવિન રિચાર્ડસન, બધા વ્હાઈટ પોશાક પહેરીને તેમના હિટ ગીત ‘આઈ વોન્ટ ઈટ ધેટ વે’ પરફોર્મ કરી રહ્યા છે.

ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

ભાવનગર: મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે. 91 વર્ષની ઉંમરે શિવભદ્રસિંહજી ગોહિલે અંતિમ શ્વાસ લીધા. ઘણા લાંબા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર અને જાણીતા પ્રકૃતિવિદ્ હતા. શિવભદ્રસિંહજીના પાર્થિવ દેહને વિલાસ પેલેસમાં આજે બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.શિવભદ્રસિંહજી ગોહિલનો જન્મ ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં 23મી ડિસેમ્બર, 1933ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકર તળાવને કિનારે આવેલા ભાવવિલાસ પેલેસમાં નિવાસ કરે છે.તેમણે ૧૯૭૫માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમને વારસામાં મળેલાં ભાલનાં વેળાવદર ગામ પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે ભારત સરકારને ભેટ આપીને પોતાનો હક્ક જતો કર્યો હતો.

શિવભદ્રસિંહજી ગોહિલ 1962  થી 1972  દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય પદે પણ રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમણે વન્ય-સંરક્ષણની પ્રવૃત્તિમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત સરકારની સિંહ વિષયક તજજ્ઞોની સમિતિનું જ્યારથી ગઠણ થયું છે ત્યારથી તેઓ તેના સભ્ય છે. સિંહોની વસ્તી ગણતરી સમયે તેમણે સેવાઓ આપી હતી.

તૂટતાં સપનાં, સંબંધ, ક્રિકેટ ને એવુંબધું…

ઈન્ડિયન ટેલિવિઝન પર આવતી બીબાંઢાળ સિરિયલનો પૉપ્યુલર ઍક્ટર સિકંદર અગરવાલ (અર્જિત તનેજા) જયપુર એરપોર્ટ પર લેન્ડ થાય છે. બહાર પ્રશંસકનાં ટોળેટોળાં છેઃ કૅમેરાની ક્લિક, ફ્લેશના ઝબકારા, સેલ્ફી, ઓટોગ્રાફ વગેરે આટોપી હીરો ઘરે જઈને મોબાઈલ ચેક કરી પોતાના પ્રચાર અધિકારીને (પીઆરઓને) ઘઘલાવે છેઃ “એરપોર્ટની પોસ્ટને કેમ લાઈક્સ મળ્યા નહીં? ગમે તે કર, પણ મને લાઈક્સ જોઈએ”.

ડિરેક્ટર શરન શર્માની ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’નો આ સીન જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ એના વિશે ઘણું બધું કહી જાય છે. જો કે ફિલ્મનો (મારા માટે) બેસ્ટ, ઈમાનદારીથી લખાયેલો, ચિત્રિત થયેલો સીન છેઃ માતા-પુત્ર (ઝરીના વહાબ અને રાજકુમાર રાવના)નો સંવાદ. પોતાના ટીવી-ઍક્ટર ભાઈની પ્રસિદ્ધની ઈર્ષ્યા, જીવનમાં ખાસ કંઈ ન કરી શકવાનો વસવસો તથા પત્નીની સફળતાનું શ્રેય લેવાના મરણિયા પ્રયાસ કરતા પુત્રને માતા કહે છે કે “શું પ્રસિદ્ધિ જ ખુશી આપી શકે? પ્રસિદ્ધિ તો અફીણના નશા જેવી છે. આજની પેઢી પ્રસિદ્ધિ પામવાની એક એવી જીવલેણ દૌડ લગાવી રહી છે, જેની ફિનિશિંગ લાઈન જ નથી. ખુશી તો અંદરથી અનુભવવાની ચીજ છે”.

ઊલટી થઈ આવે એવી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવામાં બરબાદ થઈને આજીવન નાખુશ રહેતી પેઢીને આ સીન-સંવાદ ઘણું બધું કહી જાય છે. ફિલ્મની વાર્તા જોઈએ તો, જયપુરનો મહેન્દ્ર ‘માહી’ અગરવાલ (રાજકુમાર રાવ) ક્લબ, ઝોનલ મૅચો રમતો ક્રિકેટર છે. ઈન્ડિયન ક્રિકેટટીમમાં સહભાગી થવાના નિષ્ફળ પ્રયાસ બાદ એ આજકાલ પિતા (કુમદ મિશ્રા)ના સ્પૉર્ટ્સ સ્ટોરમાં ભવિષ્યના વિરાટ કોહલીઓને બૅટ-બૉલ, વેચે છે, જેમાં એને જરાયે રસ નથી. મહેન્દ્રનાં અરેન્જ્ડ મેરેજ મેડિકલ કૉલેજમાંથી નીકળેલી ડૉ. મહિમા ‘માહી’ (જાહ્નવી કપૂર) સાથે થાય છે. એ રીતે ડિરેક્ટર ફિલ્મને એનું શીર્ષક મળે છેઃ ‘મિસ્ટર ઍન્ડ મિસેસ માહી’. મેરેજ પછી પતિ-પત્નીને ખબર પડે છે કે બન્ને ક્રિકેટના ઝનૂની પાગલ છે. લગ્ન બાદ મહેન્દ્ર ફરી ક્રિકેટમાં ટ્રાય કરે છે, પણ એને હાથ નિષ્ફળતા જ આવે છે. દરમિયાન મહેન્દ્ર નોંધે છે કે અર્ધાંગિનીમાં ક્રિકેટની ટેલન્ટ ભરપૂર છે એટલે એ માહીને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા એનું કોચિંગ શરૂ કરે છે. અહીંથી બન્નેનો એક નવો પ્રવાસ શરૂ થાય છે. વાટમાં આવે છે રિષીકેશ મુખર્જીની અભિમાન જેવી ઈર્ષ્યા, અસલામતી, હતાશા… આ બધાંની સાથે પનારો પાડતો મહેન્દ્ર કેવી રીતે પત્નીનો આધારસ્તંભ બની શકે?

બાળપણનું સપનું, એ સપનાને વાસ્તવિકતામાં પલટવાનો સંઘર્ષ તથા આત્મખોજની વાત કહેતી ‘મિસ્ટર ઍન્ડ મિસેસ’માં મૂળ વાત છે કોચ અથવા જીવનસાથીની, જેમની કદી નોંધ લેવાતી નથી. અગરવાલ-પરિવારમાં આવી એક કોચ છેઃ મહેન્દ્રની માતા (ઝરીના વહાબ). બીજા છે મહેન્દ્રના ક્રિકેટકોચ રહી ચૂકેલા બેની દયાલ શુક્લા (રાજેન્દ્ર શર્મા). જો કે એથીયે મહત્વની વાત અહીં છે હેપિનેસની. આનંદ-ઉલ્લાસની. શું પ્રસિદ્ધિ જ માણસને હેપિનેસ આપી શકે? ફિલ્મ દર્શકને ખુશ રહેવાની વ્યાખ્યા માંડી આપે છે, પણ એ માટે ખૂબબધો ટાઈમ લીધો છે.

મધ્યાંતર પહેલાં ડિરેક્ટરે વાર્તા, પાત્રોની માંડણી કરવામાં સમય લીધો છે, જેના કારણે ફિલ્મ ડેડ પિચ પર રમાતી પાંચ-દિવસીય ટેસ્ટ મૅચની ગતિએ આગળ વધે છે. મધ્યાંતર બાદ ફિલ્મ ફંટાઈ જાય છે. અચાનક મહેન્દ્રનો આંતરિક સંઘર્ષ કેન્દ્રસ્થાને આવી જાય છે. સતત પત્નીની પડખે રહેતો પતિ માત્ર એક પ્રસંગ બાદ મહિમાની તરક્કીમાં રસ લેવાનું બંધ કરી દે? એ વાત ગળે ઊતરતી નથી.

બીજું, પ્રોફેશનલ ક્રિકેટ (કે કોઈ પણ સ્પૉર્ટ્સ)માં આટલી સરળતાથી ટોચ પર પહોંચી શકાય? “રજા છે તો વાળ કપાવી આવું” જેટલી સરળતાથી માહી દાક્તરી છોડીને ક્રિકેટમાં ઝંપલાવી દે છે. ભારતનાં લાખ્ખો બાળકોની જેમ, બાળપણમાં શેરીમાં રમવાથી વિશેષ એણે સ્પોર્ટ્સમાં કંઈ ઉકાળ્યું ન હોવા છતાં? આનાથી એક ખોટો મેસેજ જાય છે કે સ્પોર્ટ્સમાં ટોચ પર પહોંચવું જરાય અઘરું નથી.

ડિરેક્ટર શરન શર્મા અને જાહ્નવીએ આ પહેલાં આપણને ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ આપી છે. ‘મિસ્ટર ઍન્ડ મિસ્સ માહી’ માટે જાહ્નવીએ બે વર્ષ ટ્રેનિંગ લીધી છે, જે પરદા પર દેખાય છે, રાજકુમાર રાવ રાબેતા મુજબ સ-રસ. કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, વગેરેએ પણ કમાલનું કામ કર્યું છે. એટલું કહી શકાય કે ફિલ્મનાં વિષયવસ્તુ સારાં છે, કલાકારકસબીની મહેનત પણ દેખાય છે. દર્શક સાથે તાલ મિલાવવા સંઘર્ષ કરતી આશરે સવાબે કલાકની ફિલ્મ ઉમદા અભિનય માટે જોઈ શકાય.