Home Blog Page 1754

નાયડુ કે નીતીશકુમાર સાથ છોડશે તો પણ સરળતાથી બનશે મોદી સરકાર!

નવી દિલ્હીઃ કેન્દ્રમાં ચૂંટણી પરિણામો પછી સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. NDAની પાસે સ્પષ્ટ બહુમત છે, પણ ફરી બધાની નજર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે, જે કિંગમેકર બનીને ઊભર્યા છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના કેટલાય નેતાઓ દાવા કરી રહ્યા છે એ પણ સરકાર બનાવી શકે છે. તેઓ પણ વાંરવાર નીતીશ અને નાયડુનું નામ લઈ રહ્યા છે.

ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધનમાં નીતીશની પાર્ટી JDU, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP પણ સામેલ છે. ચૂંટણીમાં NDAને 292 સીટો મળી છે, જે બહુમતના આંકડા 272થી 20 સીટ વધુ છે. એટલે NDA બહુ સરળતાથી એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

NDAની સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 સીટો જીતી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. જો NDA ગઠબંધનમાં સામેલ ત્રણ સહયોગી- ચંદ્રબાબુ નાયડુ (16 સીટો) એકનાથ શિંદે (સાત સીટો) અને નીતીશકુમાર (12 સીટ)ની સીટ જોડવામાં આવે તો એ પૂરી થઈ જાય.

હવે જો ચંદ્રબાબુ કે નીતીશકુમાર મોદી સરકાર બનાવવામાં આનાકાની કરે અને એક પાર્ટી ખસી જાય તો પણ ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે. જો TDP NDAમાં ખસે તો ફણ NDAની પાસે જરૂરી 272થી ચાર સીટો (292-16= 276) સીટો હશે.

જો નીતીશકુમાર સાથે છોડી દે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 280 (292-12=280) પર આવી જશે. એ બહુમતથી જરૂરી 272 સીટોથી આઠ સીટો વધુ છે. આમ નીતીશકુમારના વિના પણ ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આમ ફિર એક બાર મોદી સરકાર જ બનશે.

 

 

 

 

 

 

 

 

 

વિશ્વ પર્યાવરણ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ગાંધીનગર ખાતે આવેલા “નમો વડ વન” ની મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની ૨૧ માર્ચે ૨૦૨૨માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘નમો વડ વન’ની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં ૮૨ ‘નમો વડ વન’ ઊભા થયા છે. એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં ૭૫ વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ ૧૦૦ વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ ૧૭૫ વડના રોપાઓ વાવવામાં આવેલા છે. સાથે ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્‍ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ગુજરાત ભાજપના સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી તેડાવ્યા

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે. ત્યારે ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે. આર.ઓ. તરફથી અપાયેલા સર્ટિફિકેટને આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ગયેલા ગુજરાત ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.બીજી તરફ 9મી તારીખ સુધી તમામ સાંસદોને દિલ્હીમાં રોકાવા આદેશ કરવામાં આવ્યો છે.

ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ગુજરાતમાં ચાર કેન્દ્રિય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટ પર પુરો થયો છે. આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડમાં ભાજપને સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે. જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતાં તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સુત્રોમાં થઈ રહી છે.

PM મોદીના નિવાસસ્થાને NDAની મહત્વની બેઠક

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને 234 બેઠકો મળી હતી. પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. એક તરફ ભાજપ તેના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ ઈન્ડિયા બ્લોક પણ સક્રિય થઈ ગયો છે. પરિણામો પછી JDU અને TDP આજે દિલ્હીમાં ભાજપને તેમના સમર્થન પત્રો સબમિટ કરશે, ત્યારબાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા બ્લોકે પણ તેમના સહયોગીઓની બેઠક બોલાવી છે.

એનડીએની બેઠક માટે અમિત શાહ પીએમ આવાસ પહોંચ્યા છે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. લલ્લન સિંહ અને સંજય ઝા પણ નીતિશની સાથે છે.એનડીએની બેઠક પહેલા જેડીયુ સાંસદ લલન સિંહ સીએમ નીતિશ કુમારને મળવા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે.

અયોધ્યાના પરિણામથી નારાજ સોનુ નિગમને સેલિબ્રિટી સમજી યુર્ઝસે લીધો ઉધડો

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024નું પરિણામ ચોંકાવનારુ છે. ઘણી લોકસભા સીટોના ​​પરિણામો ચોંકાવનારા છે .જે લોકસભા સીટના પરિણામે લોકોને સૌથી વધુ ચોંકાવી દીધું છે તે ફૈઝાબાદ એટલે કે ઉત્તર પ્રદેશનું અયોધ્યા છે, જ્યાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીએ ભારે મતોથી જીત મેળવી છે. અયોધ્યામાં ભાજપની હાર વચ્ચે એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ સોનુ નિગમ નામના યુઝરનું છે. આ ટ્વીટ જોયા બાદ ઘણા એક્સ યુઝર્સે સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું છે.

અયોધ્યામાં ભાજપની હારથી સોનુ નિગમ નારાજ છે

ખરેખર, સોનુ નિગમ નામના એક એક્સ યુઝરે અયોધ્યામાં ભાજપની હાર અંગે ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે – ‘જે સરકારે સમગ્ર અયોધ્યાને રોશન કર્યું, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, સંપૂર્ણ મંદિર બનાવ્યું,તે પાર્ટીને અયોધ્યા સીટ પર લડવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અયોધ્યાવાસીઓ શરમજનક છે!’ વેરિફાઈડ એકાઉન્ટથી કરવામાં આવેલ આ ટ્વીટને જોયા બાદ ઘણા યુઝર્સે સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું છે.

ટ્રોલ્સના નિશાના પર સોનુ નિગમ
ટ્વીટ જોયા બાદ એક યુઝરે ગાયક સોનુ નિગમને ગીત ન ગાવાની સલાહ પણ આપી હતી. એકે લખ્યું- ‘શું તમને ગાવાનો મોકો પણ મળ્યો? જો તમે ક્યારેય એવા લોકોને મળ્યા હોવ કે જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હોય અથવા નકલી ગીતો ગાતા બેઠા હોય, તો તમારે શરમ અનુભવવી જોઈએ. જ્યારે કોઈને કંઈ ખબર ન હોય ત્યારે કોઈએ ગીત ન ગાવું જોઈએ. બીજાએ લખ્યું- ‘તમે ખૂબ જ બેશરમ છો સોનુ નિગમ… જે દેશના લોકોને શ્રાપ આપી રહ્યા છે.’

આ સિંગર સોનુ નિગમનું એકાઉન્ટ નથી
પરંતુ, તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ સિંગર સોનુ નિગમનું નથી પરંતુ સોનુ નિગમ સિંહનું છે, જે વ્યવસાયે વકીલ છે અને બિહારના રહેવાસી છે. તેની પ્રોફાઇલમાં ઉલ્લેખિત વિગતો મુજબ, તે ફોજદારી વકીલ છે. એટલે કે આ એકાઉન્ટને ગાયક સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી અને ન તો આ ટ્વિટ સાથે.

સોનુ નિગમ X પ્લેટફોર્મ પર નથી
જો કે કેટલાક લોકો એવા પણ છે જેઓ આ ટ્વીટ જોયા બાદ સોનુ નિગમ સિંહને સિંગર સોનુ નિગમ માની રહ્યા છે અને ગાયકની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સોનુ નિગમે વર્ષો પહેલા જ ટ્વિટરથી દૂરી બનાવી લીધી હતી. વિવાદ પછી સિંગરે ટ્વિટર (હવે X) માંથી તેનું એકાઉન્ટ કાઢી નાખ્યું, ત્યારબાદ તે ક્યારેય આ પ્લેટફોર્મ પર પાછા ફર્યા નથી.

 

જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે AMCએ શરૂ કરી તૈયારીઓ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પરિણામ ચોથી જૂનના જાહેર થઈ ચૂક્યા છે. અને ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે શરત ગૃહણ કરવાના છે. ત્યારે, છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને AMC તંત્ર હવે આગામી આવી રહેલી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.

AMCના ચૂંટણી ફરજ બજાવતા લોકો હવે ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ લાગી ગયા છે. અને રથયાત્રા રૂટ પર આવેલી જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં જર્જરિત ઇમારતોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારીઓ સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન જર્જરિત ઈમારત પડી ભાંગવાથી જાનહાનિ થઈ હતી. જેથી આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટનાના સર્જાય તેના માટે AMC અને પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરી રહ્યું છે. અને રથયાત્રા રૂટ પર આવેલ જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર 1 વોર્ડ ઇન્સ્પેકટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપવામાં આવશે. રથયાત્રા દરમિયાન જો કોઈ જર્જરિત ઇમારત કે મકાન સાથે દુર્ઘટના સર્જાય તો તેમ જાનહાનિ ન થાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્જરિત મકાન પર ખાનગી સિક્યુરિટી ગોઠવવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, હવે વોર્ડ ઇન્સ્પેકટરને આ જવાબદારી સોંપવામાં આવશે.

PM પદ પરથી રાજીનામું આપ્યા પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વડા પ્રધાનમાંથી તેમનું રાજીનામું સુપરત કર્યું. આજે સાંજે યોજાનારી એનડીએની બેઠકમાં સરકારની રચના અંગે ચર્ચા થવાની છે. દરમિયાન, મંત્રી પરિષદની બેઠકમાં મોદીએ કહ્યું કે રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે અમારી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા છે. એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સે 234 સીટો જીતી છે. બુધવારે પરિણામો આવ્યાના એક દિવસ પછી, નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યું.

મોદીનો વિપક્ષ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટે કામ કર્યું. ભવિષ્યમાં પણ વધુ સારું કરશે. તેણે કહ્યું કે અમે વિજયી છીએ, પરંતુ અન્ય લોકો કૂદી રહ્યા છે. અમારી સરકારે ખૂબ સારું કામ કર્યું છે.

LokSabhaElectionResults

સરકાર બનાવવા માટે બેઠકોનો દોર શરૂ થયો

એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે સરકારની રચનાને લઈને અલગ-અલગ બેઠકો પણ યોજાવાની છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જો કે બંને પક્ષ તરફથી નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. તો ઈન્ડિયા એલાયન્સ દ્વારા પણ દાવા કરવામાં આવી રહ્યા છે.

NDA સરકારના આશાવાદે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 2300 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ મંગળવારે ચૂંટણી પરિણામોને પગલે શેરબજારમાં થયેલા બ્લડબાથ પછી બુધવારે ઘરેલુ શેરબજારો ફરી તેજીને પંથે હતાં. કેન્દ્રમાં ફરી એક વાર મોદીની આગેવાની હેઠળ NDA સરકાર બનવાનાં એંધાણે રોકાણકારોએ પસંદગીના શેરોમાં લેવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 2303 પોઇન્ટ ઊછળી 74,382ના મથાળે બંધ થયો હતો અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 736 પોઇન્ટની તેજી સાથે 22,620ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 4.5 ટકા અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા.

ઘરેલુ શેરબજારમાં નીચલા સ્તરેથી રોકાણકારોએ નવી ખરીદી કાઢી હતી, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા વધ્યા હતા. મેટલ, ઓટો, બેન્કિંગ શેરોમાં સારીએવી લેવાલી જોવા મળી હતી. FMCG ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ આશરે ત્રણ ટકાની તેજી થઈ હતી.

બજારના નિષ્ણાતોએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારની કેબિનેટમાં કોણ હશે અને કયા ખાતા કોની પાસે રહેશે, એ જ્યાં સુધી નક્કી નહીં થાય, ત્યાં સુધી શેરબજારનું સેન્ટિમેન્ટ બેતરફી રહેવાની ધારણા છે. બજારમાં રોકાણકારોએ દરેક ઊંચા મથાળે સાવચેતીનું વલણ અપનાવતાં પ્રોફિટ બુકિંગનું વલણ અપનાવશે અને કેન્દ્રમાં રાજકીય સ્થિરતા વધશે તેમ-તેમ શેરોમાં તેજીની આગેકૂચ થશે. રોકાણકારોનું માનવું છે કે ભાજપની આગેવાની સરકાર રચાશે તો અર્થતંત્રમાં તેજી આવશે.

ઇન્ડિયા VIX આશરે 28 ટકા તૂટ્યો

શેરબજારમાં ગઈ કાલનો ઘટાડો પચાવી તેજી થઈ હતી, જેથી ઇન્ડિયા VIXમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટરના શેરો તેજીમાં હતા.

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્ર: શિવસેના-NCPના ભંગાણનો કોંગ્રેસને મળ્યો ફાયદો

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશની સાથે મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષનો દરજ્જો ગુમાવ્યો છે. આ જ કારણ છે કે પાર્ટી કેન્દ્રમાં બહુમતી હાંસલ કરી શકી નથી. મહારાષ્ટ્રમાં ભાજપે 14 બેઠકો ગુમાવી છે. પાર્ટી માત્ર 9 સીટ પર જ કબ્જો મેળવી શકી.શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે વિભાજનનો સૌથી મોટો ફાયદો કોંગ્રેસને મળ્યો, કોંગ્રેસના સાંસદોની સંખ્યા 1 થી વધીને 13 થઈ. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ ફાયદો થયો છે. જો મહાયુતિની વાત કરીએ તો એકનાથ શિંદેએ ત્યાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ભાજપને 9 જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 7 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં તેમની સોદાબાજી વધી છે, જોકે અજિત પવારની સ્થિતિ ઘટી છે. તેઓ બારામતી બેઠક જીતી શક્યા ન હતા. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તેમના માટે સંકટ વધી શકે છે.

કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની

કોંગ્રેસ પાર્ટીએ 2014ની ચૂંટણીમાં બે બેઠકો જીતી હતી. 2019માં પાર્ટી માત્ર ચંદ્રપુર સીટ બચાવવામાં સફળ રહી હતી. પાર્ટીના સાંસદોની સંખ્યા ઘટીને એક થઈ ગઈ હતી. કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ પાર્ટીએ 17માંથી 13 બેઠકો જીતી છે. સાંગલીથી અપક્ષ તરીકે જીતેલા વિશાલ પાટીલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસની કુલ સંખ્યા 14 સાંસદો હશે. કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે તેના જૂના વિદર્ભના ગઢ પર ફરીથી કબજો કર્યો. પાર્ટીએ બંને એસટી બેઠકો જીતી હતી. જો આપણે મહારાષ્ટ્ર વિધાનસભા પર નજર કરીએ તો તે 44 ધારાસભ્યો સાથે ચોથી સૌથી મોટી પાર્ટી છે.

ભાજપને મોટું નુકસાન

મહારાષ્ટ્રમાં ભાજપને ઘણું નુકસાન થયું છે. 2019ની ચૂંટણીમાં તેની 23 બેઠકોની સંખ્યા ઘટીને 9 થઈ ગઈ છે. ભાજપ અને તેના સહયોગીઓએ ધુલે, ડિંડોરી, નાસિક, શિરડી, શિરુર અને અહમદનગર મતવિસ્તારની તમામ બેઠકો ગુમાવી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને આ વિસ્તારના ડુંગળીના ખેડૂતોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જ્યારે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી એસપીનો તમામ પક્ષોમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ 80 ટકા છે. નવી પાર્ટીએ 10માંથી 8 બેઠકો જીતી છે.

મુંબઈમાં MVA મજબૂત

મુંબઈની છ બેઠકોમાંથી વિપક્ષી મહા વિકાસ આઘાડીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મુંબઈમાં એક-એક બેઠક જીતી હતી. ઉદ્ધવની આગેવાની હેઠળના શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર મુંબઈ ઉત્તર પશ્ચિમથી 48 મતોથી ચૂંટણી હારી ગયા. ઉદ્ધવ તેમના ગઢ મુંબઈને જાળવી રાખવામાં સફળ રહ્યા, જ્યારે એકનાથ શિંદેએ પણ તેમનું હોમ ટાઉન થાણે જાળવી રાખ્યું. તેમના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે પણ શિવસેના (UBT)ના વૈશાલી દરેકર સામે કલ્યાણમાંથી જીત્યા હતા.

ઉદ્યોગોના આક્રમણ વચ્ચે સચવાયેલું ત્રણસો વર્ષ જુનું રાયણનું વૃક્ષ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના નરોડાથી એકદમ નજીક આવેલું દસક્રોઈનું વહેલાલ ગામ ચારે તરફથી ઔધોગિક એકમોથી ઘેરાયેલું છે. નાની-મોટી ફેક્ટરીઓ, કારખાનાં, શેડનો વિકાસ તો થયો છે. પણ કેમિકલની ફેક્ટરીઓથી હવા, પાણી, જમીન પ્રદૂષણના ભરડામાં આવી રહ્યા છે.આમ તો વહેલાલ આદર્શ ગામ છે. પર્યાવરણની જાળવણી જાગૃતિ માટે પણ ગ્રામજનો સતર્ક છે. પરંતુ આસપાસમાં માઈલો સુધી ઉદ્યોગોએ સ્થપાયેલા છે. આ ગામમાં એક ત્રણસો વર્ષ કરતાં પણ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ આવેલું છે.વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)