
T20 વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે કર્યા શ્રીગણેશ
ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ 2024માં આસાન વિજય સાથે પોતાની સફર શરૂ કરી છે. ન્યૂયોર્કમાં ગ્રુપ Aની તેની પ્રથમ મેચમાં ટી ઈન્ડિયાએ ફાસ્ટ બોલરોના જોરદાર પ્રદર્શનના આધારે આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ મજબૂત અડધી સદી ફટકારીને ટીમને કોઈ સમસ્યા વિના લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું. જોકે, કેપ્ટન રોહિત શર્મા રિટાયરમેન્ટ હર્ટ થયો હતો જેના કારણે ટીમને થોડો ટેન્શન છે.
An all-round display from India in New York earns them two valuable #T20WorldCup 2024 points 👏#INDvIRE | 📝: https://t.co/YmX1ZqPteL pic.twitter.com/wYpO7HeQQf
— T20 World Cup (@T20WorldCup) June 5, 2024
નાસો કાઉન્ટીમાં બનેલા અસ્થાયી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તે જ દ્રશ્ય જોવા મળ્યું જેની આગાહી કરવામાં આવી રહી હતી. સ્ટેડિયમની ડ્રોપ-ઇન પિચ અને ધીમી આઉટફિલ્ડને કારણે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. પિચના અસમાન ઉછાળો ઉપરાંત, નાસાઉ કાઉન્ટીમાં ઉપલબ્ધ સ્વિંગે ઝડપી બોલરોને જબરદસ્ત મદદ પૂરી પાડી હતી અને ભારતીય પેસરો કેવા ફોર્મમાં હતા, આયર્લેન્ડ પાસે તેનો કોઈ જવાબ નહોતો.
હાર્દિક-બુમરાહ-અર્શદીપનો કમાલ
ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ટીમ ઈન્ડિયા માટે સારો સાબિત થયો હતો અને પહેલી જ ઓવરથી જ આયરિશ બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્રીજી ઓવરમાં અર્શદીપ સિંહે બંને ઓપનરને આઉટ કરીને આયર્લેન્ડની શરૂઆત બગાડી હતી. આ પછી હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે ચાર્જ સંભાળ્યો હતો. હાર્દિકે 3 વિકેટ લઈને આયર્લેન્ડની વાપસીની આશાને બરબાદ કરી દીધી હતી, જ્યારે બુમરાહની ઝડપ અને મુશ્કેલ લાઇન આયરિશ બેટ્સમેનો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ હતી. 50 રનમાં માત્ર 8 વિકેટ પડી હતી પરંતુ ગેરેથ ડેલાની અને જોશ લિટલે અંતે 46 રન ઉમેરીને ટીમને સ્પર્ધાત્મક સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.
રોહિતની જોરદાર અડધી સદી, પંત પણ ચમક્યો
ટાર્ગેટ મોટો ન હોવા છતાં ટીમ ઈન્ડિયાને પણ શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત પ્રથમ ઓવરમાં જ કેચ ચૂકી ગયો, જેણે આયર્લેન્ડની પુનરાગમનની આશાઓને ફટકો આપ્યો. જો કે, વિરાટ કોહલી મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા ત્રીજી ઓવરમાં જ આઉટ થયો હતો. જો કે આ પછી પણ રોહિતે સાવધાનીપૂર્વક રમીને ઇનિંગ્સને આગળ ધપાવી હતી અને આમાં તેને રિષભ પંતનો સારો સાથ મળ્યો હતો. સેટ થયા બાદ રોહિતે આક્રમક વલણ અપનાવ્યું અને 36 બોલમાં અડધી સદી ફટકારી. જો કે, અહીં રોહિત હર્ટ થયો હતો અને પાછો ફર્યો હતો કારણ કે તેના ખભા પર બોલ વાગ્યો હતો. રિષભ પંત અંત સુધી અડગ રહ્યો અને 13મી ઓવરમાં સિક્સ ફટકારીને ટીમને 8 વિકેટે યાદગાર જીત અપાવી.
ભાઈ-ભાભીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ઈશા અંબાણીએ આપી ખાસ સ્પીચ
અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે 29 મે 2024 થી 1 જૂન 2024 સુધી લક્ઝુરિયસ ક્રુઝ પર પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં ક્રૂઝને સ્ટાર્સથી સજાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી આ પાર્ટીની ઘણી ઝલક સામે આવી છે, આ દરમિયાન આ પાર્ટીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાની બહેન ઈશા અંબાણી પોતાની શાનદાર ફેશન સેન્સ અને પોતાની સ્પીચથી લોકોના દિલ જીતતી જોવા મળે છે.

ઈશા અંબાણીએ ભાઈ અને ભાભીના કાર્યને ખાસ ગણાવ્યું
View this post on Instagram
જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઈશા પિંક ફ્લોય મેક્સી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશાએ પોતાનો લુક ડાયમંડ ઈયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન ઈશા હાથમાં માઈક લઈને ભાઈ-ભાભીના ફંક્શનમાં આવેલા મહેમાનોનો આભાર માનતી જોવા મળી હતી. તેણી કહે છે- ‘મને નથી લાગતું કે આવું વેકેશન ક્યારેય થશે, તેથી તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમને બધાને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ બધું તમારા બધાના કારણે ખાસ છે, તેથી તમારો ખૂબ ખૂબ આભાર.’ આ દરમિયાન, તેની ભાભી શ્લોકા પણ ઈશા સાથે સ્ટેજ પર જોવા મળે છે, જે ઑફ-શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેમજ તેમની સાથે સ્ટેજ પર અંજલિ મર્ચન્ટ પણ જોવા મળે છે.
અનંત-રાધિકાના લગ્નની સંપૂર્ણ વિગતો
અહીં નોંધવુ રહ્યું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે જો ડ્રેસ કોડની વાત કરીએ તો આ શાનદાર શાહી લગ્ન માટે ‘ઇન્ડિયન ફોર્મલ’ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે મંગલ ઉત્સવ એટલે કે 14મી જુલાઈના રિસેપ્શનના દિવસે ડ્રેસ કોડ ‘ઈન્ડિયન ચીક’ રાખવામાં આવ્યો છે.
AMTSની મેટ્રો ફીડર સેવા થઈ શરૂ, જાણો કયા રૂટ પર દોડશે બસ
અમદાવાદ: પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા શહેરીજનો માટે મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે AMTS દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા કરવામાં આવી છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના રૂટ પર પણ બસ શરૂ થઈ છે. CM ભુપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસો સેવાની શરૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં જવા માટે AMTS ફિડર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેથી પશ્ચિમ તરફ બોપલ, શીલજ, ઘુમા, પ્રહલાદ નગર ઘાટલોડિયા વિસ્તારમાં AMTS બસ દોડશે. તો બીજી બાજુ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ, આદિનાથ નગર, સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે.

આજથી મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ 6 રૂટ પર સરકયુલર અને એન્ટી સરકયુલર રુટની AMTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે થલતેજથી સાઉથ બોપલની 60 નંબર શટલ બસની સેવા શરૂ કરવામાં આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇ-વેના પશ્ચિમ તરફના બોપલ, હેબતપુર, શિલજ, ઘુમા, સિંધુભવન રોડ, વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા, ઘાટલોડિયા, ભૂયંગદેવ, ગુજરાત હાઇકોર્ટ, સાયોના સીટી, સતાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સરકયુલર અને એન્ટી સરકયુલર રૂટ પર AMTS બસ ફરશે.
જ્યારે પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર AMTS બસ જશે. જે માધવ ફાર્મ, આદિનાથ નગર, ઓઢવ, સિંગરવા, રણજીપુરા, નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે. વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે. જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર 14 બસો મૂકવામાં આવી છે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર વાસણાથી વાડજ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ માટે કુલ 2 બસો મૂકવામાં આવી છે. થલતેજથી દર 25 મિનિટે એક બસ મળશે. વસ્ત્રાલથી દર 20 મિનિટે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર 15 મિનિટે બસ મળશે.
સાયન્સ સિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(GEMI) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓ સહિત ઘણા પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીના નેચર પાર્કમાં પર્યાવરણને અનુકૂળ વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું હતું. જેમાં ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ તેમજ સાયન્સ સિટી ખાતે આયોજિત STI સમર કેમ્પમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો પણ જોડાયા હતા. વૃક્ષારોપણ બાદ વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ કલાઇમેન્ટચેન્જ લર્નિંગ લેબની મુલાકાત લઈને પૃથ્વી પર થતી કલાઇમેન્ટચેન્જની અસર વિશે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત કલાઇમેન્ટચેન્જ લર્નિંગ લેબમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ની થીમ પર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓ અને કચરામાંથી વિવિધ મોડેલ્સ બનાવ્યા હતા. જેના માટે તેઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલ, ગુજકોસ્ટના ડો. નરોત્તમ સાહુ તેમજ ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી એન્વાયર્નમેન્ટ એન્જિનિયર પરેશ ચાવડા, સ્મૃતિ પટેલ અને સાયન્ટિફિક ઓફિસર હર્ષિદા મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
JDU, TDPએ ભાજપને સોંપ્યો સમર્થન પત્રઃ મોદી સંસદીય દળના નેતા ચૂંટાયા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો જારી થયા પછી દિલ્હીમાં સરકાર બનાવવા માટે NDAની બેઠક પૂરી થઈ ચૂકી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટણીમાં આવ્યા છે. નીતીશકુમારે અને ચંદ્રબાબુ નાયડુએ આ બેઠકમાં ભાજપને સમર્થનનો પત્ર સોંપી દીધો છે. હવે NDAની બેઠક પછી તમામ નેતા સરકાર બનાવવાનો દાવો આજે જ રજૂ કરે એવી શક્યતા છે.
PM નિવાસસ્થાને થયેલી NDAની બેઠકમાં અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, જીતન રામ માંઝી, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન પવન કલ્યાણ અને જયંત ચૌધરી પણ હાજર હતા. આ બેઠકમાં દરેક પાસા પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 સીટો પર જીત નોંધાવી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. TDP અને JDUની પાસે કુલ 28 સીટો છે. હવે NDA સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.બીજી બાજુ, ઇન્ડિયા ગઠબંધન પણ વ્યૂહરચના બનાવવામાં લાગી ગયું છે. મોદીને સતત ત્રીજી વાર PM બનતા રોકવા માટે કોંગ્રેસ નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાના ગઠબંધનમાં જોડવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જોકે આ પહેલાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ NDAની સાથે છે. અમે NDAમાં છીએ અને હું NDAની બેઠકમાં જઈ રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.
વળી, ચોથી જૂને પણ TDP સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુએ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો હતો.NDA સરકાર મોદી અને શાહ માટે ચલાવવી એક પડકાર છે. એ સાથે નાયડુ અને નીતીશકુમાર સાથે ચલાવવી એક એક મોટો પડકાર છે. વળી, બંને નેતાઓ નાયડુ અને નીતીશકુમાર પોતાની વાત મનાવવામાં પાવરધા છે. આવામાં પ્રેશર પોલિટિક્સ ઘણું જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે આ નવાં સમીકરણો સાથે મોદી અને શાહ આગળ કઈ રીતે વધે છે? એ તો સમય જ કહેશે.
અગ્નિકાંડ મુદ્દે SITની તપાસનો ધમધમાટ, રીપોર્ટમા થયા ચોકાવનારા ખુલાસા
રાજકોટ: રાજ્યમાં એક બાજું લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ રાજનીતિમાં ગરમાહટ જોવા મળી રહી છે. તો બીજી બાજું રાજકોટમાં 25મીમે ના હોમાયગેલા લોકો લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યા છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટિસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી વિગતવાર એફિડેવિટ કોર્ટમાં રજૂઆત કરી હતી. જ્યારે TRP ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રીપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો. જ્યારે એક્શન ટેકન રીપોર્ટમાં 05:43 ના દુર્ઘટના બની હોવાની જાણ થયા બાદ 05:48 ના રાહત કામગીરી શરૂ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 28 મૃત્યુ થયા બાદ સરકારે કહ્યું કે શરૂઆતમાં 28 મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ DNA ટેસ્ટ જાણવા મળ્યું કે 27 મૃત્યુ થયા છે. ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત થયુ છે. નોંધનીય છે કે ઘટના બાદ રાજ્ય સરકારે સ્વીકાર્યુ કે ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે. આ ઉપરાંત DM, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે બિનઅધિકૃત એકમો પર કાર્યવાહી કરવાની સૂચના આપી. આ રીપોર્ટમાં સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી. નોંધનીય છે કે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
ગુજરાતમાં હેટ્રીકનું ભાજપનું સપનું રોળાયું, પણ…
વાતની શરૂઆત હળવા મૂડથી કરીએ તો, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામે દરેકને ખુશ કર્યા છે. ભાજપને ફરી
સત્તા મળ્યાનો ઉમંગ છે તો કોંગ્રેસને 99 બેઠક સાથે દસ વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યાનો હરખ છે. સમાજવાદી પાર્ટીને ઉત્તરપ્રદેશમાં ફરીથી જનાધાર મળ્યાનો ઉત્સાહ છે તો બંગાળમાં મમતાદીદીના કેમ્પમાં ‘આમાર બાંગ્લા’ એ દીદીનું મમત્વ જાળવી રાખ્યાનો જશ્ન છે. આંધ્રમાં ચંદ્રાબાબુને લાંબા સમય પછી કેન્દ્રીય રાજકારણમાં એમની પૂનમ ખીલ્યાનો પમરાટ છે તો મહારાષ્ટ્રમાં શરદદાદા પવારને પોતાનો ‘પાવર’ જાળવી રાખ્યાનો આનંદ છે. ઇન શોર્ટ, આ પરિણામો ખરા અર્થમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવા છે!
5 જૂન, બુધવારની સવારે આ લખાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રમાં નીતિશકુમાર-ચંદ્રાબાબુ નાયડુને લઇને ચાલતી અટકળો-રમૂજો વચ્ચે એનડીએ સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય સમીકરણો ઝડપથી નવા આકાર લઇ રહ્યા છે એટલે ત્યાં સુધીમાં થોડીક વાત ગુજરાતના પરિણામોની કરી લઇએઃ
એકઃ ગુજરાતમાં ભાજપ 26માંથી 26ની હેટ્રીકનું સપનું રોળાઇ ગયું છે એ વાત સાચી, પણ એનાથી ગુજરાતમાં ભાજપ કમજોર થયો છે એમ માની લેવું ખોટું હશે. સુરત બીનહરીફ મળી અને બાકીની 24 બેઠક પર કમ્ફર્ટેબલ માર્જીન સાથે ભાજપ જીત્યો છે. બનાસકાંઠાની એક બેઠક ગુમાવવાથી પક્ષનો ગુજરાતમાં જનાધાર સાવ ઘટી જતો નથી. એ પણ યાદ રાખવું જોઇએ કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચેય બેઠક પર જીત સાથે એના ધારાસભ્યોની સંખ્યા 161ના આંકડે પહોંચી છે. કેન્દ્રમાં ભાજપની સંખ્યાને 240 સુધી પહોંચાડવામાં મધ્યપ્રદેશ, છત્તીસગઢની સાથે ગુજરાતનો ય સિંહફાળો છે.

બેઃ ક્ષત્રિયોનું આંદોલન, ઉમેદવારોની પસંદગી સામે પક્ષમાં જ વ્યાપક અસંતોષ અને પક્ષમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોને અપાતો આડેધડ આવકાર જેવા અનેક પરિબળોનો પડકાર હોવા છતાં ભાજપ ગુજરાતમાં સતત જીતે છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, મજબૂત સંગઠન, મજબૂત વિકલ્પનો અભાવ કે પછી બીજું કોઇપણ કારણ હોય, આ વાસ્તવિકતા છે.
ત્રણઃ મુદ્દો નંબર-બે સાચો હોવા છતાં એનો અર્થ એ નથી કે ભાજપ સામે ગુજરાતમાં ભવિષ્યમાં પણ કોઇ પડકાર નથી. કોંગ્રેસમાંથી જે રીતે આગેવાનોને લાવીને ચૂંટણીના મંડપમાં બાજોઠ પર બેસાડી દેવામાં આવે છે એનાથી વિચારધારાને વરેલા મૂળ ભાજપીઓ નારાજ છે. અમદાવાદના ખાનપુર કાર્યાલયથી ગાંધીનગરના કમલમ સુધીમાં ભાજપ અને એનું કલ્ચર બદલાયું છે. કમલમમાં વ્યાપેલું કોર્પોરેટ કલ્યર બદલવું પડશે. અઢી દાયકાના સત્તાના સહવાસથી પક્ષમાં જે સડો ફેલાયો છે એ દૂર નહીં કરાય તો ગુજરાતની જનતાની ધીરજ પણ એક દિવસ તો ખૂટશે જ.

ચારઃ ચૂંટણી પછી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને ભાજપ સંગઠનમાં ફેરબદલની વાતો લાંબા સમયથી સંભળાય છે. આ નિર્ણયો કરતી વખતે હાઇકમાન્ડે (હાઇકમાન્ડ કલ્ચર પણ આમ તો મૂળ કોંગ્રેસની દેણ છે) પક્ષના આંતરિક સમીકરણોના બદલે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને કરવા પડશે. સક્ષમ અને ગુજરાત માટે કાંઇક સારું કરી શકે એવા લોકોને શોધીને આગળ કરવાની જરૂર છે.
પાંચઃ કોંગ્રેસ બનાસકાંઠામાં જીતી છે. દસ વર્ષ પછી એને લોકસભામાં સફળતા મળી છે અને ખાસ કરીને આ જીતથી મોદીની પ્રતિષ્ઠા ઝંખવાઇ છે એટલે કોંગ્રેસ ખુશ થાય એ સમજી શકાય એવું છે, પણ જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે આ પરિણામથી હરખાવા જેવું નથી. બનાસકાંઠામાં ગેનીબહેનની જીતમાં પક્ષના મજબૂત સંગઠન કરતાં એમની વ્યક્તિગત લડતનો ફાળો વધારે છે.
છઃ કોંગ્રેસે ગેનીબહેન જેવા લડાયક કાર્યકરોની તાકાતને ઓળખીને, સામે પૂરે તરવાની એમની ક્ષમતા પારખીને એવા લોકોને પક્ષમાં આગળ વધવાની તક આપવી પડશે. જમીનીસ્તર પર કામ કરતાં આવા કાર્યકરોની તાકાતને ઓળખીને એમને પક્ષમાં યોગ્ય મહત્વ નહીં આપે તો આવા કાર્યકરો-નેતાઓ પક્ષમાં લાંબો સમય નહીં ટકે અને આવી જીત દરેક વખતે નહીં મળે.

સાતઃ સુરતમાં ઉમેદવારની પસંદગી-ગોઠવણમાં પણ પક્ષ થાપ ખાઇ ગયો હતો. ઉમેદવારોની પસંદગી આ વખતે એકંદરે ઘણી સારી હોવા છતાં અમુક બેઠક પર લડવા માટે કોંગ્રેસ પાસે કોઇ મજબૂત ઉમેદવાર તૈયાર નહોતો એ હકીકત ભૂલાઇ જાય છે. સુરતમાં જે કાંઇ થયું એમાં ભાજપને દોષ આપીને બેસી રહેવાના બદલે પક્ષના અગ્રણીઓએ આત્મમંથન કરીને ભવિષ્યમાં આવું ન થાય એની કાર્યકર્તાઓ-મતદારોને ખાતરી અપાવવી પડશે.
આઠઃ બનાસકાંઠામાં જીત મળી છે એની સામે બાકીની 22 બેઠક પર કારમી હાર મળી છે એ વાત કોંગ્રેસ નજરઅંદાજ ન કરી શકે. જો પક્ષ એક બેઠક જીતીને મોદીના ગઢમાં ગાબડું પાડી દીધાના ગુમાનમાં આ વાસ્તવિકતા ભૂલી જશે તો ભવિષ્યમાં બેઠો થવાના ચાન્સ ગુમાવી દેશે. યાદ રહે, ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું અને વેરવિખેર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દૂર નથી. અને, 2027માં વિધાનસભા જીતવી હોય તો એની તૈયારી અત્યારથી કરવી પડશે.

નવઃ મુદ્દા નંબર-સાતમાં આત્મમંથનવાળી વાત પરથી યાદ આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષથી હાર્યા પછી આત્મમંથન કરવાની વાત કરે છે, પણ એ થતું કેમ નથી એ મુદ્દે ય પક્ષે હવે આત્મમંથન કરવાની જરૂર છે.
દસઃ આત્મમંથન ફક્ત હાર પછી જ થાય એ જરૂરી નથી. ગુજરાતમાં ભાજપે જીત્યા પછી ય એ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે કે રાજકીય આફત આવે ત્યારે પક્ષે ‘દર વખતની જેમ નરેન્દ્ર મોદી આવીને બધું સરખું કરી દેશે’ એવી રાહ ન જોવી પડે. અમુક બાબતોમાં સ્થાનિક અગ્રણીઓએ ‘આત્મનિર્ભર’ થવું પડશે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
નાયડુ કે નીતીશકુમાર સાથ છોડશે તો પણ સરળતાથી બનશે મોદી સરકાર!
નવી દિલ્હીઃ કેન્દ્રમાં ચૂંટણી પરિણામો પછી સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. NDAની પાસે સ્પષ્ટ બહુમત છે, પણ ફરી બધાની નજર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે, જે કિંગમેકર બનીને ઊભર્યા છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના કેટલાય નેતાઓ દાવા કરી રહ્યા છે એ પણ સરકાર બનાવી શકે છે. તેઓ પણ વાંરવાર નીતીશ અને નાયડુનું નામ લઈ રહ્યા છે.
ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધનમાં નીતીશની પાર્ટી JDU, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP પણ સામેલ છે. ચૂંટણીમાં NDAને 292 સીટો મળી છે, જે બહુમતના આંકડા 272થી 20 સીટ વધુ છે. એટલે NDA બહુ સરળતાથી એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
NDAની સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 સીટો જીતી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. જો NDA ગઠબંધનમાં સામેલ ત્રણ સહયોગી- ચંદ્રબાબુ નાયડુ (16 સીટો) એકનાથ શિંદે (સાત સીટો) અને નીતીશકુમાર (12 સીટ)ની સીટ જોડવામાં આવે તો એ પૂરી થઈ જાય.
હવે જો ચંદ્રબાબુ કે નીતીશકુમાર મોદી સરકાર બનાવવામાં આનાકાની કરે અને એક પાર્ટી ખસી જાય તો પણ ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે. જો TDP NDAમાં ખસે તો ફણ NDAની પાસે જરૂરી 272થી ચાર સીટો (292-16= 276) સીટો હશે.
જો નીતીશકુમાર સાથે છોડી દે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 280 (292-12=280) પર આવી જશે. એ બહુમતથી જરૂરી 272 સીટોથી આઠ સીટો વધુ છે. આમ નીતીશકુમારના વિના પણ ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આમ ફિર એક બાર મોદી સરકાર જ બનશે.
વિશ્વ પર્યાવરણ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ગાંધીનગર ખાતે આવેલા “નમો વડ વન” ની મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ની ૨૧ માર્ચે ૨૦૨૨માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘નમો વડ વન’ની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.
હરિયાળી આંખોને અને મનને કેટલી ટાઢક આપે છે, નહીં? આજે, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વૃક્ષારોપણ કરવાની ખાસ ઇચ્છા હતી. જે અનુસંધાને, ગાંધીનગર ખાતે નિર્મિત ‘નમો વડ વન’ ની મુલાકાત લીધી અને ત્યાં વાવવામાં આવેલા વૃક્ષો તથા અન્ય વ્યવસ્થાઓની માહિતી મેળવી, તેમજ વૃક્ષારોપણ કર્યું.… pic.twitter.com/CrBxfwDykI
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) June 5, 2024
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ સંજીવકુમારે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં ૭૫ સ્થળોએ ‘નમો વડ વન’ ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં ૮૨ ‘નમો વડ વન’ ઊભા થયા છે. એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક ‘નમો વડ વન’માં ૭૫ વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ ૧૦૦ વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક ‘નમો વડ વન’માં કુલ ૧૭૫ વડના રોપાઓ વાવવામાં આવેલા છે. સાથે ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા ‘નમો વડ વન’માં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા ‘નમો વડ વન’માં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ‘નમો વડ વન’ લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્ચિઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.



