Home Blog Page 1751

શું દર મહિને પિરિયડ લિવ મળવી જોઈએ?

મમ્મી આશાબહેને જ્યારે દીકરી આરોહીને પૂછ્યું કે, ‘બેટા, કેમ ઓફિસે નથી જવાનું?’ ત્યારે જવાબમાં આરોહી ‘હું ટાઈમમાં છું’ એમ કહીને પોતાના રૂમમાં જતી રહે છે. 22 વર્ષની આરોહી સાથે દર મહિને આમ થાય છે. એ પિરિયડમાં હોય ત્યારે બે-ત્રણ દિવસ સુધી એને પેઢામાં દુખાવો, હાથ પગ ફુલી જવા અને વધુ બ્લીડિંગની સમસ્યા રહે છે. આમ તો ઘણી યુવતીઓને આવી સમસ્યા હોય છે એટલે ડોક્ટર્સ એને નોર્મલ ગણે છે.

પણ આ દિવસો આરોહી જેવી અનેક યુવતીઓ માટે મુશ્કેલ બની જાય છે. દર મહિને ઓફિસમાંથી રજા ય કેમ મળે? આરોહી બધાને કહેતી કે એ જો ઓફિસની બોસ હોય તો બધી મહિલાઓને દર મહિને ખાસ પિરિયડ લિવ આપે.

તો શું પિરિયડ દરમિયાન મહિલાઓને દર મહિને રજા મળવી જોઇએ? 

થોડા સમય પહેલા સિક્કિમ હાઈકોર્ટે આ દિશામાં એક નોંધપાત્ર અને ઐતિહાસિક પગલું ભર્યું છે. હાઈકોર્ટે મહિલા કર્મચારીઓને પેઇડ માસિક રજા આપવાની જાહેરાત કરી છે. આ અંગે હાઈકોર્ટે રજિસ્ટ્રી નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સિક્કિમ હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં પિરિયડ લીવ અથવા માસિક રજા નીતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં આ રજાની સુવિધા મેળવવા માટે નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.

જો કે આપણે અહીં વાત માત્ર સિક્કિમ હાઈકોર્ટના નિર્ણયની નથી કરવાની. વાત છે પિરિયડ લિવની. શું દર મહિને પિરિયડ લિવ મળવી જોઈએ? કે પછી ખરેખર આ લિવ જરૂરી છે?

પિરિયડ દરમિયાન મહિલાઓને રજા મળે એ સારું જ છે

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અમદાવાદસ્થિત એડવોકેટ અને સામાજિક કાર્યકર સોનલ જોષી કહે છેઃ “અત્યાર સુધી કોઈ પિરિયડ લિવ ન હતી, પણ નામદાર હાઈકોર્ટમાં કોઈ પર્સનલ એપ્લીકેશન , પીઆઈએલ કે જાહેર હિતની અરજી કરી હોય અને પીટીશન દાખલ કરી હોય એના સંદર્ભમાં નામદાર હાઈકોર્ટ ચુકાદો આપ્યો હોય તો હું એને સારો માનું છું. મહિલાઓને પિરિયડ દરમિયાન ઘણી બધી તકલીફ પડતી હોય છે. ઘણીવાર એ સમયમાં મહિલાઓનાં સ્વભાવમાં બદલાવ આવે છે. જેથી પરિવારમાં કે જોબ પ્લેસ પર અન્ય લોકો સાથે માથાકુટ પણ થતી હોય છે. તો જો પિરિયડ દરમિયાન મહિલાઓને રજા મળે તો એ સારુ જ છે.”

સોનલબહેન કહે છે,”કાયદાકીય વાત કરીએ તો દરેક રાજ્ય આ બાબતમાં પોતાની રીતે કાયદો લાવી શકે છે. કેન્દ્રમાંથી પણ આ લો પાસ કરાવી શકાય છે. સિક્કિમ સરકારે આ કર્યુ છે તો બીજી સરકાર પણ આ ધ્યાનમાં લે. કોર્પોરેટ કંપનીઓ અને અન્ય ખાનગી કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં પણ આ માટે વિચાર થવો જોઇએ. હવે ટેકનીકલી વાત કરીએ તો 35 વર્ષ પછી લગભગ મહિલાઓને પિરિયડ રેગ્યુલર રહેતા નથી. ઘણી વખત મહિલાઓને મહિનામાં બે વખત પિરિયડ આવે, આ સમય દરમિયાન મહિનામાં બે વખત બે-બે દિવસ રજા આપવી કદાચ શક્ય ન બને. આ રીતે અન્ય પણ ઇસ્યુ આવવાના, પણ એ બધામાંથી રસ્તો મળી શકે. પિરિયડ લિવ આપવી એ સારી વાત જ છે.”

 દર મહિને પિરિયડ માટેની લિવ અયોગ્ય છે

અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચના શાહ ચિત્રલેખા.કોમને કહે છેઃ “એક બાજુ આપણે મહિલા અને પુરુષની બરાબરીની વાત કરીએ છીએ જ્યારે બીજી બાજુ આ રીતે પિરિયડ લિવની વાત કરીએ. હું તો આ પિરિયડ લિવને યોગ્ય નથી માનતી. હા, જો પિરિયડ દરમિયાન તબિયત સારી ન હોય કે અન્ય સમસ્યા હોય તો પોતાના ડોક્ટરનો સંર્પક કરીને ચોક્કસથી રજા મૂકી શકાય. ઘણી વખત પોતાના અંગત કામને લઈને લોકો અન્ય કારણ આપીને રજા લેતા જ હોય છે. એવા સમયે પિરિયડ લીવ એ સૌથી મોટુ રજા માટેનું કારણ બની શકે. વળી, દરેક મહિલાઓને પિરિયડ દરમિયાન એક સરખી સમસ્યા નથી થતી. 14થી 24 વર્ષની યુવતિઓના પ્રોબ્લેમ જુદા હોય છે, તો 30થી 40 વર્ષની મહિલાઓને પણ જુદા-જુદા પ્રોબ્લેમ થાય છે. હા, જો કોઈને વધારે પડતું બ્લીડીંગ થવાની કે પેટના દુખાવાની સતત સમસ્યા રહેતી હોય તો એવી મહિલાઓ ચોક્કસ રજા રાખી શકે. પરંતુ દર મહિને પિરિયડ માટેની લિવની વાત મને અયોગ્ય લાગે છે. હવે તો માસિક પેડ, મેન્સ્ટ્રુઅલ કપ જેવા અનેક વિકલ્પ પણ છે. પહેલાં કરતાં હવે આ વિષયનું જ્ઞાન પણ વધ્યું છે એટલે પિરિયડ સમયે થતા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી રહે છે.”

માત્ર 10 ટકા મહિલાઓને ખરેખર લિવની જરૂર

ગુજરાતની કપ ગર્લ (મેન્સ્ટ્રુઅલ કપ) તરીકે ઓળખાતા અને મહિલાઓ માટે કાર્યરત કલાસૂર્ય ફાઉન્ડેશનના સ્થાપક સંગીતા પટેલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “હું એવુ માનું છુ કે કોઈ રજા ન મળવી જોઈએ, જે મહિલાને રજાની જરૂર છે એ લેખિતમાં અરજી આપીને રજા મેળવી શકે છે. એ રજા ભલે પેઈડ રજા મળે, પરંતુ એ લેખિતમાં માંગે એ જરૂરી છે. નહીં તો એવું પણ બની શકે કે જે મહિલાઓને રજાની જરૂર નથી એ પણ રજા લેવા માંડે! 80 ટકા મહિલાની શરીરની રચના એ પ્રકારની હોય છે જે માસિક ચક્ર દરમિયાન કામ કરી શકે છે. એમને પેઇન નથી થતું અને જો થાય તો પણ નોર્મલ થાય, જે સાવ સામાન્ય હોય છે.  માત્ર 10 ટકા મહિલાઓ જ એવી છે જેને પિરિયડ વખતે વધારે બ્લીડીંગ કે દુખાવો થતો હોય અને ખરેખર લીવની જરૂર હોય. હું માનું છું જો દર મહિને પિરિયડ લિવ આપવામાં આવે તો કદાચ રજાનો દુરુપયોગ વધારે થઈ શકે.”

 વર્કિંગ વુમન માટે પિરિયડ લિવ યોગ્ય

અમદાવાદસ્થિત ગાયનેકોલોજિસ્ટ ધ્વનિ શાહ ચિત્રલેખા.કોમને કહે છે કે, “આ સમય દરમિયાન ઘણી વખતે બ્લીડિંગ વધારે થતું હોય છે, સાથે જ અશક્તિ પણ હોય છે. માટે જો રજા મળે તો થોડો આરામ મળી રહે. ખાસ કરીને વર્કિંગ મહિલાઓને ઘર અને ઓફિસ બંને જગ્યાએ કામ કરવાનું હોય છે. જો પિરિયડ દરમિયાન સેલેરી કાપ્યા વગર બે દિવસ રજા મળે તો એ સારુ જ છે. માસિક ધર્મના દિવસોમાં પગ દુખવા, પેટમાં દુખાવો, અને ખાસ કરીને મૂડ સ્વીંગ થતા હોય છે. માટે જો રજા મળે તો એમાં કોઈ વાંધો ન કહેવાય.”

બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના જર્નલ BMJમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, નેધરલેન્ડમાં 32 હજાર મહિલાઓ પૈકી 81 ટકા મહિલાઓનું કહેવું છે કે, આખા વર્ષ દરમિયાન પિરિયડ્સમાં થતી તકલીફને કારણે પ્રોડક્ટિવિટીમાં લગભગ 23 દિવસ કામ ઓછું થયું હતું. અથવા તો મહિલાઓ દર મહિને 2 દિવસ પિરિયડ્સના દુખાવાને કારણે પરેશાન રહી હતી.

આ સર્વેમાં જણાવ્યા અનુઅસાર, 14% લોકોનું માનવું છે કે, પિરિયડ્સ દરમિયાન સ્કૂલે અથવા તો ઓફિસમાંથી રજા લેવાની સ્થિતિ હતી. તો અન્ય લોકોએ જણાવ્યું હતું કે, દુખાવો હોવા છતાં કામ ચાલુ રાખ્યું હતું કારણ કે ખબર હતી કે, જો રજા લેશે તો કામ ઉપર અસર જોવા મળશે. જયારે અન્ય 700 મહિલાઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થિત ‘એચઆર સોફ્ટવેર પ્રોવાઈડર વિક્ટોરિયન વિમેન્સ ટ્રસ્ટ એન્ડ સર્કલ ઇન’ દ્વારા કરવામાં આવેલા આ સર્વે અનુસાર, 70% મહિલાઓ પિરિયડ્સ વિશે તેમના મેનેજર સાથે વાત કરવામાં અસહજતા અનુભવે છે. 83% માને છે કે તેની તેમના કામ પર નકારાત્મક અસર પડી છે.


એ પણ નોંધવા જેવું છે કે, ગત વર્ષે ફેબ્રુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે ભારતમાં મહિલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે માસિક રજાની વિનંતી કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આવી બાબતો ન્યાયિક સત્તાને બદલે નીતિ ક્ષેત્રમાં આવે છે. જો કે એશિયાના અન્ય દેશોમાં માસિક ધર્મના દિવસોમાં અપાતી રજાને આવકારવામાં આવે છે. ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, તાઈવાનમાં મહિલા કર્મચારીઓને પિરિયડના દિવસોમાં રજાની સુવિધા મળે છે.

(હેતલ રાવ)

ચારુસેટ કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી ખાતે NSS યુનિટ દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં 50થી વધુ છોડ રોપવામાં આવ્યા. જેનો હેતુ કેમ્પસને વધુ હરિયાળું બનાવવાનો હતો.ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ય મહાનુભાવોમાં ડૉ. શૈલેષ ખાંટ (રીસર્ચ ડીન), કિશન પટેલ (NSS યુનિટના કો-ઓર્ડિનેટર), ડૉ. પ્રીતેશ પટેલ (NCC યુનિટના કો-ઓર્ડિનેટર ), જૈમીન દેસાઈ (યુનિવર્સિટી એન્જિનિયર), ડૉ. દિલીપ ગોસાઈ (CREDPના વડા) અને NSS પ્રોગ્રામ ઓફિસરો,વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા. ચારુસેટ યુનિવર્સિટી વેસ્ટ મેનેજમેન્ટ અને ઊર્જા બચત જેવી પહેલ દ્વારા પર્યાવરણનું સંવર્ધન કરી રહી છે. ચારુસેટ યુનિવર્સિટી ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ વિશ્વ બનાવવા સક્રિય ભૂમિકા ભજવવા માટે સમર્પિત છે.

લોકસભા ચૂંટણીઃ પરિણામો પછી ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરુ?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં ચૂંટણી પરિણામો ભાજપના અંદાજ મુજબ નથી આવ્યાં. પાર્ટીને 240 સીટો પર જીત સાથે એકલા હાથે બહુમતી નથી મળી. જોકે 293 સીટો સાથે NDA કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે, પરંતુ આવામાં ભાજપમાં ઉમેદવારોની પસંદગી, નેતાઓના વર્તન અને કેન્દ્રીય નેતૃત્વની કાર્યશૈલીને લઈને સવાલો ઊભા થવા માંડ્યા છે.

આસામમાં તો એક વિધાનસભ્યએ જાહેરમાં જોરહાટ સીટ કોંગ્રેસમાં જતાં કહ્યું હતું કે આ મુખ્ય મંત્રી હિમંત બિશ્વ સરમાના અહંકારને કારણે થયું છે. પશ્ચિમ બંગાળમાં બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અને ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષની હાર બાદ રાજ્યના કેટલાક વરિષ્ઠ ભાજપના નેતાઓએ ઉમેદવારોની પ્રક્રિયા ને ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટને લઈને સવાલ ઊભા કર્યા છે.

બંગાળમાં ભાજપને માત્ર 12 સીટો મળ્યાના એક દિવસ પછી રાજ્ય એકમના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે પરિણામોએ પ્રદેશાધ્યક્ષ સુકાંત મજુમદારની અધ્યક્ષતામાં હાલના પાર્ટી સંગઠનની ખામીઓને ઉજાગર કરી હતી.

ભાજપના એક મોટા વર્ગનું માનવું હતું કે ખરાબ ઉમેદવારોની પસંદગી ને સિનિયર નેતાઓના વધુપડતા આત્મવિશ્વાસને કારણે પાર્ટીને બંગાળમાં નુકસાન થયું હતું.

ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત ના મળવા પર કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે આવાં ચૂંટણી પરિણામો પછી પાર્ટીની અંદર મંથન તેજ થઈ શકે છે. હવે ભાજપ જે રીતે NDAના સહયોગીઓની વાતો સાંભળવી અને તેમને સાથે લઈને ચાલવાની મજબૂરી રહેશે, તો બીજી બાજુ પક્ષની અંદર પણ સહમતીપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણી ભાજપમાં એક નવો અધ્યાય લખશે કે નેતૃત્વ હવે સવાલ અથવા ટીકાથી પર નથી.

 

 

 

 

 

 

 

 

 

8મી જૂને નહીં થાય નરેન્દ્ર મોદીની શપથવિધિ

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થયા પછી દિલ્હીમાં સરકાર બનાવવાની લડાઈ હજુ પણ ચાલુ છે. રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. અગાઉ શપથગ્રહણની તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી હતી.આ લોકસભા ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળી ન હતી, ત્યારબાદ સરકાર બનાવવાની ઘણી અટકળો ચાલી રહી હતી. આ પહેલા બુધવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં NDAના તમામ ઘટક પક્ષોએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના સમર્થનનો પત્ર સોંપ્યો હતો.

એનડીએની બેઠકના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, એનડીએ પક્ષોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકતા સાથે લોકસભા ચૂંટણી 2024 લડી અને જીતી. અમે બધાએ સર્વાનુમતે નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે ચૂંટ્યા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર છે. ભારતના ગરીબો, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને શોષિત, વંચિત અને પીડિત નાગરિકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે.

શપથગ્રહણ બાદ દિલ્હીમાં ભાજપની બેઠક યોજાશે

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં બે સભાઓ યોજાશે. 7 જૂને પ્રથમ બેઠક યોજાશે, જેમાં ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ આવશે, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે, જેમાં પાર્ટીના ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓ પણ હશે હાજર આ પછી, બીજા દિવસે 8 જૂને બીજી બેઠક યોજવામાં આવી શકે છે, જેમાં ભાજપના તમામ સાંસદો એકસાથે આવશે અને નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરશે.

આ વખતે ભાજપને બહુમતી મળી નથી

આ લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હોવા છતાં તેને ભારતીય ગઠબંધનથી સમાન સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. આ લોકસભા ચૂંટણીમાં એનડીએએ 293 બેઠકો જીતી, ભારત ગઠબંધન 234 બેઠકો જીતી અને અન્યોએ 16 બેઠકો જીતી. આ વખતે ભાજપ 2019ની લોકસભા ચૂંટણી જેવી કામગીરીનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપને ભારે નુકસાન થયું છે.

ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ બનશે

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. 8મી જૂને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ લેવાના કારણે આવું થઈ રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે.

આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 88 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. જો કે, આ વખતે TDPએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને બહુમતી કરતાં વધુ બેઠકો મેળવી છે. લોકસભા ચૂંટણીની સાથે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. ટીડીપીએ પણ 16 લોકસભા સીટો જીતી છે. ટીડીપી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એનડીએ ગઠબંધનનો પણ એક ભાગ છે.

ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત સીએમ બનશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રબાબુ નાયડુનો શપથ ગ્રહણ સમારોહ અમરાવતીમાં થઈ શકે છે, જે આંધ્ર પ્રદેશની નિર્ધારિત રાજધાની છે. નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ બનવા જઈ રહ્યા છે. તેઓ સૌપ્રથમ 1995માં મુખ્યમંત્રી પદ સંભાળ્યા હતા. તેમણે 1995 થી 2004 સુધી બે ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી 2014માં જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બે ભાગમાં વહેંચાઈ ગયા ત્યારે તેઓ ત્રીજી વખત આંધ્રપ્રદેશના સીએમ બન્યા હતા. તેમણે 2014 થી 2019 સુધી સરકાર ચલાવી.

 

અમદાવાદ એરપોર્ટને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત સન્માન

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ હવે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ(ACI)માં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. SVPI એરપોર્ટને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લાં પાંચ વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે. ઑક્ટોબર 2022માં SVPIAને આપવામાં આવેલ લેવલ 2માંથી હવે લેવલ 3માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.મુસાફરોના વધારે સારો અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા SVPI એરપોર્ટે અનેક પહેલો અમલમાં મૂકી છે. જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં બમણો વધારો, મેડ ઈન ઈન્ડિયા રોબોટનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.સિટી એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે છેલ્લા કેટલાંક વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોરકોર્ટમાં મીટ અને ગ્રીટ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિક અપ અને ડ્રોપ લેનનો વિકાસ કરવામાં આવ્યો છે.

TDP પછી JDUએ ભાજપને આપ્યું નવું ટેન્શન!

2014 પછી પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ પક્ષો પર ભાજપની નિર્ભરતા વધી ગઈ છે. એનડીએમાં સામેલ વિવિધ પક્ષોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નરેન્દ્ર મોદીની સાથે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ (JDU) અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) NDAમાં સામેલ થવાથી ભાજપની ચિંતા વધી ગઈ છે. જેડીયુએ કહ્યું કે અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. યુનિફોર્મ સિવિલ કોડ માટે તમામ રાજ્યો સાથે વાટાઘાટો થવી જોઈએ. ટીડીપીને કેન્દ્રમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો જોઈએ છે.

JDUએ શું કહ્યું?

આજતક સાથે વાત કરતા, JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું, અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે. અગ્નિવીર યોજના અંગે નવી રીતે વિચારવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે UCC પર અમારું સ્ટેન્ડ પહેલા જેવું જ છે. યુસીસીને લઈને સીએમ નીતિશ કુમારે કાયદા પંચના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે જેડીયુ તેની વિરુદ્ધ નથી, પરંતુ તમામ પક્ષો સાથે વાતચીત થવી જોઈએ.

ટીડીપીએ શું માંગણી કરી?

અહેવાલ મુજબ, ટીડીપી લોકસભા સ્પીકરનું પદ અને કેન્દ્રમાં 6 મહત્વપૂર્ણ મંત્રાલયો ઈચ્છે છે. તે તેને પાંચ બનાવવા માટે સંમત થાય છે.

TDP અને JDU શા માટે મહત્વપૂર્ણ છે?

કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 બેઠકોની જરૂર છે અને ભાજપને 240 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં ટીડીપી, જેડીયુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને એનડીએમાં સામેલ એલજેપી (રામ વિલાસ) સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભારત-પાકિસ્તાન મેચઃ એક લાખ પાર્કિંગનું ભાડું તો ટિકિટ રૂ. 8.3 લાખ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે, પણ ક્રિકેટપ્રેમીઓ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ  ભારત-પાકિસ્તાનની મેચ છે. બંને ટીમો વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ નવ જૂને ન્યુ યોર્ક સ્થિત નાસાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો તૈયાર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ટિકિટોની કિંમતો આકાશને આંબી રહી છે. આ મહા મુકાબલા માટે પ્રારંભમાં ટિકિટની કિંમત 300 US ડોલર (25,000 રૂપિયા) રાખવામાં આવી હતી, પણ સૌથી મોંઘી ટિકિટની કિંમત જોઈએ તો એ 1000 uS ડોલર બતાવવામાં આવી રહી છે, જે ભારતીય રૂપિયામાં 8.3 લાખ થયા છે. અહેવાલ મુજબ ટિકિટોના દર 300-1000ની US ડોલરની વચ્ચે છે.

જોકે ક્રિકેટ ફેન્સ મેચ જોવા જશે તો તેમને તેમનાં વાહનો ઊભાં કરવા માટે પાર્કિંગ એરિયાની જરૂર પડશે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે પાર્કિંગ એરિયાની ફી પણ વધી ગઈ છે. આ મેચ માટે ફેન્સે 1200 ડોલર એટલે કે (આશરે એક લાખ રૂપિયા) ચૂકવવા પડશે, એમ સિદ્ધુએ કોમેન્ટરી કરતાં જણાવ્યું હતું. આ સમાચાર તેમને તેમના ડ્રાઇવરે આપ્યા હતા.

T20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાઈ રહ્યો છે. જેમાંથી કેટલીક મેચ ન્યુ યોર્કમાં રમાશે. ભારતીય ટીમની પહેલી મેચ પાંચ જૂને આયર્લેન્ડ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. હવે નવ જૂનના રોજ બીજી ટક્કર પાકિસ્તાન સામે થશે.

 

 

 

 

 

બૉલિવૂડના એ અભિનેતા જે ફ્લોપ ફિલ્મ બાદ પણ ફી વધારી દેતા

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ આવ્યા અને ગયા. કેટલાક સુપરસ્ટાર બન્યા જ્યારે કેટલાક મોટા ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યા. પરંતુ, હિન્દી સિનેમામાં એક એવા સુપરસ્ટાર હતા, જેણે ભલે ગમે તેટલી ફ્લોપ ફિલ્મો આપી હોય, તેની લોકપ્રિયતા કૂદકેને ભૂસકે વધતી જ રહી, ‘ના તલવારની ધાર સે, ના ગોલીયો કી બૌછાર સે…બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગાર સે’ આ ડાયલોગ ફિલ્મી છે, પરંતુ એવું કહેવું ખોટું નથી કે આ ડાયલોગ દિગ્ગજ રાજ કુમાર પર એકદમ ફિટ બેસે છે. કારણ કે, તેના ક્રોધાવેશ અને ઝડપી સ્વભાવની વર્તણૂક પહેલાથી જ ઈન્ડસ્ટ્રીમમાં ચર્ચામાં હતી અને આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેમને માત્ર તેમના અભિનય માટે જ નહીં પરંતુ તેમના સ્પષ્ટવક્તા માટે પણ સુપરસ્ટાર તરીકે ઓળખતા હતા. એક સમયે પોલીસ ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા રાજ કુમાર ભલે અભિનેતા બની ગયા હોય, પરંતુ પોલીસકર્મીની પ્રતિષ્ઠા હંમેશા તેમની સાથે રહી.

ફિલ્મ ફ્લોપ જાય તો પણ ફી વધારી દેતા

રાજ કુમાર વિશે એવી પણ પ્રચલિત વાર્તા છે કે તે દરેક ફિલ્મ પછી પોતાની ફી એક લાખ રૂપિયા સુધી વધારી દેતા હતા. હવે ફિલ્મ હિટ જાય કે ફ્લોપ, તેનાથી તેને કોઈ ફરક પડતો ન હતો. તે દરેક ફિલ્મ સાથે પોતાની ફીમાં વધારો કરતો હતા. પોતાના કડક વલણ અને વિવાદાસ્પદ શબ્દો માટે પ્રખ્યાત રાજ કુમાર સાહેબના કડવા શબ્દોથી ભાગ્યે જ કોઈ કલાકાર બચ્યો હશે. તે તેના મનમાં જે આવે તે જ કહેતા.

રાજ કુમારના ગુસ્સાથી કોઈ બચ્યું નથી

રાજ કુમારની સમસ્યા એ હતી કે તે ગુસ્સાથી ભરાયેલા રહેતા. તે ખોટું સહન નહોતા કરતા, પરંતુ સેટ પર કોઈ પણ તેના ગુસ્સાથી બચ્યું નહીં. જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તે તેની સામે કોણ ઉભું છે તેની પણ દરકાર નહોતા કરતાં. તે ગુસ્સામાં તેની સામે ઉભેલી વ્યક્તિને ઠપકો આપતા. આ યાદીમાં પ્રકાશ મહેરાથી લઈને ગોવિંદા સુધીના નામ સામેલ છે.

જ્યારે પ્રકાશ મહેરાની ફિલ્મ રિજેક્ટ કરવામાં આવી હતી

પ્રકાશ મહેરા હંમેશા રાજ કુમાર સાથે કામ કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં તે પોતાની સુપરહિટ ફિલ્મ ‘જંજીર’માં મહત્વનો રોલ લઈને રાજ કુમાર પાસે ગયા, પરંતુ ત્યાં કંઈક એવું થયું કે પ્રકાશ મહેરા એ જ પગે પાછા ફર્યા. હકીકતમાં, જ્યારે પ્રકાશ મહેરા રાજ કુમાર સાથે ફિલ્મ વિશે વાત કરવા ગયા ત્યારે સુપરસ્ટારે કહ્યું, ‘તમારામાંથી બિજનૌરી તેલની ગંધ આવી રહી છે. મૂવી વિશે ભૂલી જાઓ, હું તમારી સાથે એક મિનિટ પણ ઉભો રહીશ નહીં. આ વાતથી પ્રકાશ મહેરાને દુઃખ થયું અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.

રામાનંદ સાગરને પણ ના પાડી હતી

રાજ કુમાર કોને અને ક્યારે શું કહેશે તેની કોઈને ખબર નહોતી પડતી. દિગ્ગજ અભિનેતાની એક ઘટના રામાનંદ સાગર સાથે પણ જોડાયેલી છે. એકવાર રામાનંદ સાગરે પોતાની ફિલ્મ “આંખે”ની વાર્તા માટે રાજકુમારનો સંપર્ક કર્યો. રાજ કુમારે સ્ક્રિપ્ટ સાંભળી, પણ તેને વાર્તા ગમી નહીં. રાજ કુમારે આ ફિલ્મની સીધી ના પાડી, તેમજ તેના કૂતરાને બોલાવીને પૂછ્યું, ‘શું તું આ રોલ કરશે? તેના કૂતરાએ તેની તરફ જોયું અને માથું હલાવ્યું. આના પર રાજકુમાર કહ્યું કે, ‘જુઓ, મારો કૂતરો પણ આ ફિલ્મ નહીં કરે.’ આ પછી રામાનંદ સાગર રાજ કુમારથી એટલો નારાજ થઈ ગયો કે તેઓએ ફરી ક્યારેય સાથે કામ કર્યું નહીં.

બપ્પી લહરીને પણ નહોતા છોડ્યા

એક ઘટના ગાયક બપ્પી લાહિરી સાથે પણ જોડાયેલી છે. બપ્પી લહેરીને ઘણા બધા ઘરેણાં પહેરેલા જોઈને રાજ કુમારે તેને એક જ વાત કહી – ‘વાહ, અદ્ભુત ઘરેણાં, માત્ર મંગળસૂત્ર બાકી રહ્યું છે.’ બપ્પી લહેરી ઉપરાંત રાજ કુમારની એક ઘટના ધર્મેન્દ્ર અને જિતેન્દ્ર સાથે પણ જોડાયેલી છે. વાસ્તવમાં રાજ કુમાર ધર્મેન્દ્રને જિતેન્દ્ર અને જિતેન્દ્રને ધર્મેન્દ્ર કહીને બોલાવતા હતા. એકવાર ધર્મેન્દ્રએ કહ્યું કે જ્યાં સુધી તે તેને તેના નામથી બોલાવશે નહીં ત્યાં સુધી તે તેની વાત નહીં સાંભળે. તેના પર રાજ કુમારે જવાબ આપ્યો- ‘શું ફરક પડે છે, તે રાજેન્દ્ર હોય કે ધર્મેન્દ્ર. જિતેન્દ્ર હોય કે બંદર રાજ કુમાર માટે બધા સમાન છે.

ગોવિંદાના શર્ટની મજાક ઉડાવી

રાજ કુમાર ઘણા સ્ટાર્સને કંઈ પણ કહેતા. આ યાદીમાં ગોવિંદાનું નામ પણ સામેલ છે. આ ઘટના ફિલ્મ ‘જંગબાઝ’ સાથે જોડાયેલી છે, જેમાં રાજ કુમારે ગોવિંદાના રંગબેરંગી શર્ટના વખાણ કર્યા હતા. ગોવિંદા સમજી ન શક્યો કે તે તેની મજાક ઉડાવી રહ્યો છે અને તેણે રાજ કુમારને આવો જ એક શર્ટ ભેટમાં આપ્યો. પરંતુ રાજ કુમારે આ શર્ટ ફાડીને રૂમાલ બનાવ્યો અને તેનાથી નાક સાફ કરવા લાગ્યો. આ જોઈને ગોવિંદા આશ્ચર્યચકિત થઈ ગયા.

મોદીની સરકાર બની પણ ગઈ તો લાંબો સમય ટકશે નહીં

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ ભાજપની આગેવાની હેઠળ એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં એક તરફ NDAએ બહુમતી મેળવી છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન INDIAએ પણ જોરદાર ટક્કર આપી છે. જોકે, વિપક્ષી ગઠબંધન INDIAએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં સરકાર બનાવવાનું વિચારી રહ્યા નથી. તેમણે કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. નરેન્દ્ર મોદી એનડીએ વતી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો હતો કે જો એનડીએ સરકાર બનશે તો આ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં.

સંજય રાઉતે કહ્યું, “હું આ વાત વારંવાર કહું છું. મોદીજીની સરકાર નહીં બને. જો તેમની સરકાર બનશે તો તે ટકશે નહીં.” તેમણે આગળ કહ્યું, “શું તમને નથી લાગતું કે શિવસેના (UBT) એ કોંગ્રેસના મતો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે? જો એવુ હોત તો શું શિવસેના (UBT) અને ઉદ્ધવ ઠાકરે સમગ્ર મહારાષ્ટ્રમાં ન ગયા હોત? મહાવિકાસ અઘાડી મજબૂત રીતે કામ કરશે અને અમારા મનમાં કોઈ અહંકાર નથી.”

સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની ઓફર પર પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, “રાજકારણમાં આવી યુક્તિઓ સામાન્ય છે. મહારાષ્ટ્રે ફડણવીસના નેતૃત્વને નકારી કાઢ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના રાજકારણના ખલનાયક છે. તેમના કારણે મહારાષ્ટ્રમાં બીજેપી સાથે ખરાબ વસ્તુઓ થઈ હતી. તેમણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઝેર ઓક્યું હતું. હવે તેમને તેનુ પરિણામ ભોગવવું પડશે.”

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં શિવસેના (UBT)એ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 9 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસે 13 બેઠકો, ભાજપે નવ, એનસીપી-એસપીએ આઠ, શિવસેનાએ સાત અને એનસીપીએ એક બેઠક જીતી હતી. દેશની 543 લોકસભા બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએ 292 અને INDIAએ 234 બેઠકો જીતી છે. NDAની આ જીત સાથે નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.