Home Blog Page 1726

મુંબઈ: કૉલેજમાં હિજાબ અને બુર્ખા પ્રતિબંધને લઈ વિદ્યાર્થીનિઓ પહોંચી હાઈકોર્ટ

મહારાષ્ટ્રની કેટલીક કૉલેજમાં હિજાબ અને બુર્ખા પર પ્રતિબંધ લગાવવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નવ વિદ્યાર્થીનિઓએ પોતાની કૉલેજના ક્લાસમાં હિજાબ, બુર્ખો અને નકાબ પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશનો પડકાર આપી બૉમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં વિદ્યાર્થીનિઓએ કહ્યું કે ચેમ્બુર ટ્રૉમ્બ એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને ડીકે મરાઠે કૉલેજ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ મનમાનીભર્યો, અયોગ્ય અને કાનુનની વિરુદ્ધ તથા વિકૃત છે. ન્યાયમૂર્તિ એએસ ચંદુરકરની અધ્યક્ષતાવાળી પીઠે આગામી સપ્તાહે આ અરજી પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

અરજી અનુસાર, 1 મેના રોજ કૉલેજના વોટ્સએપ ગ્રુપ પર નોટિસ સાથે એક સંદેશો મોકલવામાં આવ્યો. આ ગ્રુપમાં ફેકલ્ટીના મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સામેલ છે. ગ્રુપ પર મોકલવામાં આવેલી નોટિસમાં બુર્ખો, નકાબ, હિજાબ, બૈઝ, ટોપી અને સ્ટોલ પર પ્રતિબંધનો ઉલ્લેખ હતો. અરજી કરનાર વિદ્યાર્થીનિઓ સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનિઓએ કહ્યું કે ” આવો નિર્દેશ સત્તાના રંગ રૂપી પ્રયોગ સિવાય બીજુ કંઈ નથી.”

અરજીધારકોએ શરૂઆતમાં કૉલેજ મેનેજમેન્ટ અને પ્રિંસિપલને નકાબ, બુર્ખો અને હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા અનુરોધ કરતાં કહ્યું કે આને કક્ષામાં પસંદ, સમ્માન અને ગોપનીયતાના અધિકાર રૂપમાં અનુમતિ આપવામાં આવે. વિદ્યાર્થીનિઓએ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ અને ઉપ કુલપતિની સાથે સાથે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)સમક્ષ પણ નોટિસ વિરુદ્ધ રજૂઆત કરી હતી. આ નિર્ણય સામે વાંધો ઉઠાવતાં તેઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ નાગરિકોને શિક્ષા પ્રદાન કરવાની ભાવના જાળવી રાખવા હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો.

જોકે, જ્યારે તેમને આ બધા તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી તો વિદ્યાર્થીનિઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું કે નોટિસ વગર કોઈ કાનુની અધિકાર જારી કરવામાં આવે તો તે અમાન્ય અને ગેરકાનુની છે. અરજીમાં ઉચ્ચ ન્યાયાલય પાસે માંગ કરવામાં આવી છે કે નોટિસ રદ્દ કરવામાં આવે. આ સાથે જ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નકાબ, બુર્ખો, હિજાબ અરજીધારકોની ધાર્મિક આસ્થાનું અભિન્ન અંગ છે અને તેના પર પ્રતિબંધ લગાવવો તેના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

IIT ગાંધીનગરના કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમોનું સફળ સમાપન

ગાંધીનગર: NEEV, IIT ગાંધીનગરના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટની ભાગીદારીમાં, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા યુવાનો અને મહિલાઓ માટે એપ્રિલથી જૂન 2024 દરમિયાન છ કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો સફળતાપૂર્વક ચલાવ્યા. આ અભ્યાસક્રમો દ્વારા 228 સહભાગીઓને તાલીમ આપવામાં આવી હતી.

13 જૂન 2024ના રોજો યોજાયેલ સમાપન કાર્યક્રમમાં સ્ટિચિંગ કોર્સમાં 26 લોકોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા તો બ્યુટિશિયન કોર્સમાં 36, બેઝિક કોમ્પ્યુટર કોર્સના બે બેચમાં 91, સ્પોકન-ઇંગ્લિશ કોર્સમાં 43, નેઇલ આર્ટ ડિઝાઇન કોર્સમાં 32 લોકોને સટીફીકેટ આપવામાં આવ્યા છે.

NEEV કોઓર્ડિનેટર, સૌમ્ય હરીશે જણાવ્યું હતું કે, “IIT ગાંધીનગર સમગ્ર દેશમાંથી સારી પ્રતિભા ધરાવતા લોકોને ઉત્તમ તક પૂરી પાડતી પ્રીમિયર સંસ્થા હોવા છતાં, NEEV આસપાસના ગ્રામીણ સમુદાયોના લાભ માટે તેના જરૂરતના સંસાધનોનો વિસ્તાર કરવામાં પણ વિશ્વાસ રાખે છે. આ અભ્યાસક્રમો દ્વારા, અછતગ્રસ્ત સમુદાયોની મહિલાઓ અને યુવાનો તેમની આજીવિકા, શિક્ષણ અને કારકિર્દીને આગળ વધારવા માટે જરૂરી કૌશલ્યો મેળવે છે.”

રજની મૂના,IITBNF, IIT બોમ્બેના હેડ IT અને ડો. શિવપ્રિયા કિરુબાકરન, ડીન અને રસાયણશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. રજની મૂના અને ડો. કિરુબાકરન બંનેએ સહભાગીઓને અભિનંદન આપ્યા અને તેમના શિક્ષણ અને કારકિર્દી માટે કોર્સમાંથી શીખેલા કૌશલ્યોનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો.

સુરતમાં એક પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત

સુરત: શહેરના મોરાભાગળ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો શુક્રવારની રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષે સામૂહિક આપઘાત કર્યાની શંકા સાથે પોલીસે તપાસ આદરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મોરા ભાગળ વિસ્તારની રાજહંસ રેસિડેન્સીના પાંચમાં માળે ફ્લેટમાં રહેતા ચાર વયસ્કોનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જેમાં પતિ-પત્ની અને પત્નીની બે બહેનોનો સમાવેશ થાય છે.

  1. જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
  2. શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
  3. ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55)
  4. હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)

ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. જમ્યા બાદ ચારેય સૂતા હતા અને સવારે ઊઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સોસાયટીમાં જ બાજુમાં પરિવારનો એક પુત્ર રહેતો હતો જેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો નહીં. આથી તેની પાસે બીજી ચાવી હતી તેનાથી તેણે ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સામૂહિક આપઘાત ઉપરાંત ચારેયને ફૂડ પોઈઝિંગ થયું હોય એવી પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યાં હતાં અને બાદમાં સૂતાં હતાં, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ-પોઈઝનિંગથી ચારેયનાં મોત થયાં છે એ કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગૂંગળામણથી મોત થયાંની શક્યતા પણ જોવાઇ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે.

ગણિત-વિજ્ઞાન લોકભોગ્ય બને તે જ ઉદ્દેશ્ય: દિલીપ સુરકર

નવી પેઢીમાં, ખાસ  કરીને બાળકોમાં વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં રસ ઉત્પન્ન થાય, એમની કૂતહલવૃત્તિ વધે એ માટે અને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો વધારે ને વધારે લોકભોગ્ય બને તે માટે અમદાવાદસ્થિત વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર 1966થી કાર્યરત છે.

અહીં વેકેશનમાં અને એ સિવાય  વર્ષ દરમ્યાન વિજ્ઞાન-ગણિતને લગતા અનેક કાર્યક્રમો, વર્કશોપ્સ યોજાતા રહે છે.

આ સેન્ટરની અવનવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટે અમે સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકર સાથે વાતચીત કરી. શું કહ્યું એમણે? વાંચો…

ચિત્રલેખા.કોમઃ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

દિલીપ સુરકરઃ સેન્ટરની સ્થાપના 1966માં સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે જાણીતા વિક્રમ સારાભાઈએ કરી હતી. આ સેન્ટરમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ બાળકોને મજા આવે તે રીતે આપવામાં આવે છે. જેને અમે કહીએ છીએ કે લર્નિગ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ થ્રુ હેન્ડસ ઓન અપ્રોચીસ , એટલે કે રમતા-રમતા અને પ્રવૃત્તિ કરીને બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયો વિશે શીખે, જાણે અને અઘરાં એવાં કોન્સેપ્ટ શીખે એવાં અમે પ્રયત્નો કરીએ છીએ. 1966થી અત્યાર સુધી એટલે કે છેલ્લાં 58 વર્ષથી અમે આ ક્ષેત્રમાં કાર્યરત છીએ અને અમે આખા ભારતમાં કામ કરીએ છીએ.

સેન્ટરની મુખ્ય પ્રવૃત્તિઓ કઇ કઇ? 

વિજ્ઞાનને લોકભોગ્ય કરવું અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેના માટેના દરેક બનતાં પ્રયત્નો અમે કરીએ છીએ. જેમ કે, શીખવા અને શીખવવા માટેના નવા સાધનો અમે બનાવીએ છીએ. એટલે કે ટિચિંગ-લર્નિંગ મટરિયલ અમે તૈયાર કરીએ છીએ. વિજ્ઞાન અને શિક્ષણથી આગળ વધીને અમે હવે STEM એજ્યુકેશન કહીએ છીએ. STEM એટલે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ.

 

STEM એજ્યુકેશન લોકભોગ્ય બને તે માટે શું કરવામાં આવે છે?

વિદ્યાર્થીઓને STEM એજ્યુકેશન ગમે અને તેઓ તે ક્ષેત્રમાં આગળ ઉચ્ચ શિક્ષણની કારકિર્દી બનાવે તે પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. ખાસ કરીને બ્રાઈટ સ્ટુડન્ટ્સ STEM શિક્ષણમાં આગળ વધે તેનાં માટેના બધાં જ પ્રયત્નો અમે કરીએ છીએ. તેને વધારે પોપ્યુલર કરવા માટે અમે અવનવાં ટિચિંગ મટિરિયલ બનાવીએ છીએ અને વધુમાં-વધુ વિદ્યાર્થીઓ સુધી આ શિક્ષણ પહોંચે તેનાં માટે અમે શિક્ષકોની ખાસ તાલીમ પણ યોજીએ છીએ. દર વર્ષે એકથી દોઢ હજાર શિક્ષકોને તાલીમ આપીએ છીએ. શાળાઓમાં જઈને પણ STEM આઉટરિચ પ્રોગ્રામ કરવામાં આવે છે. ઘણી શાળાઓ તેમનાં બાળકોને લઈને અમારા સેન્ટર પર આ પ્રોગ્રામમાં જોડાવા માટે ખાસ આવે છે.

અંતરિયાળ વિસ્તારના બાળકો તમારા સેન્ટર સુધી ન પહોંચી શકે તો તેમના માટે શું?

અમે એક મોબાઈલ સાયન્સ લેબ પણ ચલાવીએ છીએ. દૂરનાં ગામડાંઓની શાળાઓના વિદ્યાર્થીઓ જે અહીં આવી ન શકે અથવા તો એવી શાળાઓ જેમાં લેબની વ્યવસ્થા ન હોય એવાં બાળકો સુધી, એવી શાળાઓ સુધી અમે વિજ્ઞાનનું શિક્ષણ લઈ જવાં માટે અમે મોબાઈલ લેબનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં ગામડાઓમાં જઈને અમે તેમને વિજ્ઞાનનાં પ્રયોગો શીખવીએ છીએ.

 

કાર્યક્રમો માત્ર ગુજરાતમાં જ કે ગુજરાત બહાર પણ કરો છો?

અમારું સેન્ટર અમદાવાદમાં છે એટલે અમે ઘણા ખરાં કાર્યક્રમો અમદાવાદમાં કરીએ છીએ. આ સિવાય ગુજરાતના અંતરિયાળ ગામો માટે પણ અમારા ખાસ કાર્યક્રમો છે. પરંતુ એવાં અનેક કાર્યક્રમો છે જે અમે ગુજરાત બહાર પણ કરીએ છીએ. ખાસ કરીને શિક્ષકોની તાલીમ. શિક્ષકોની તાલીમ માટે અમારી ટીમ આખા દેશમાં અને લગભગ બધાં જ રાજ્યોમાં જાય છે. આવો જ એક કાર્યક્રમ એટલે અમે સાયન્સ એક્સપ્રેસ નામનું પ્રદર્શન કર્યુ હતું. જેમાં ટ્રેનની અંદર અમે વિજ્ઞાનનું પ્રદર્શન કર્યુ હતું અને આ ટ્રેન લઈને અમે આખા દેશમાં દસ વર્ષ ફર્યા. લગભગ સાડા પાંચસો જેટલાં શહેરોમાં અમે ફર્યા અને લગભગ એક કરોડ બ્યાંસી લાખ લોકોને વિજ્ઞાન સાથે જોડ્યા.

 

બાળકોનો વિજ્ઞાનમાં રસ વધે તે માટે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે?

સેન્ટરમાં બધાં જ પ્રકારની લેબોરેટરી છે. જેમ કે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, કમ્પ્યુટર, રોબોટિક્સ, મોડલ રોકેટરી, એસ્ટ્રોનોમી અને હમણાં અમે લેટેસ્ટ ઈનોવેશનની પણ એક લેબ તૈયાર કરી છે. એટલે એ બધી જ લેબમાં બાળકો જુદાં-જુદાં જે કન્સેપ્ટ છે તે સમજે અને એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ કે આ બધાં જ વિષયો એકબીજા સાથે જોડાયેલાં છે. એટલે આ બધી જ લેબમાં આવીને બાળકો પ્રયોગો કરે છે અને શીખે છે. સાથે-સાથે થોડાક-થોડાક સમયે અમે બાળકો માટે ઈનોવેટિવ પ્રોગ્રામ પણ કરતાં રહીએ છીએ.

 

બાળકો માટે કેવા પ્રકારના એજ્યુકેશનલ પ્રોગ્રામો કરવામાં આવે છે?

ઉનાળુ વેકેશનમાં બાળકો માટે ખાસ સમર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે બે મહિના સુધી ચાલે છે. સમર પ્રોગ્રામમાં 50 જેટલાં જુદાં-જુદાં મોડ્યુલ્સ છે. દાખલા તરીકે એમાં મોડલ રોકેટરીની વર્કશોપ છે. હવે મોડલ રોકેટરીમાં પણ અનેક પ્રકારની પેટા વર્કશોપ હોય છે. જેમ કે સોલિડ સ્ટેટ ફ્યુલના મોડલ રોકેટ, વોટર બુસ્ટર મોડલ રોકેટ, એરોનોટિક્સની બેચીસ હોય છે. ટેલિસ્કોપ કેવી રીતે વાપરવું અથવા તો ટેલિસ્કોપ કઈ રીતે બનાવવું તેનાં પણ વર્કશોપ હોય છે. 3-D પ્રિન્ટિંગ બાળકો આવીને શીખે છે. આ બધાં જ પ્રોગ્રામને પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

બાળકો દરેક પ્રોગ્રામના એડમિશન વિશે કઈ રીતે જાણકારી મેળવી શકે?

અમારા દરેક પ્રોગ્રામ વર્ષ દરમિયાન યોજાનારા દરેક પ્રોગ્રામની બધી જ માહિતી અમારી વેબસાઈટ પર છે. આ ઉપરાંત અમારા જેટલાં પણ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે તેનાં ઉપર પણ માહિતી મૂકીએ છીએ. ઓનલાઈન અને ઓફલાઈન એડમિશન થતું હોય છે. વહેલાં તે પહેલાના ધોરણે એડમિશન થતુ હોય છે. અમે શિક્ષણની ગુણવતા પર વધારે ધ્યાન આપતા હોવાથી અમારા કાર્યક્રમમાં એડમિશન મેળવવા માટે પડાપડી થતી હોય છે. કાર્યક્રમની નોમિનલ ફી હોય છે. પરંતુ જે બાળકો ફી ભરી શકાતા નથી તેમના માટે સ્કોલરશીપ પણ હોય છે. એટલે કોઈપણ બાળક ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનથી વંચિત ન રહે તે પ્રકારના પ્રયત્નો અમે કરીએ છીએ.

 (રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન..

રાજકોટ અગ્નિકાંડને આજે 21 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અગ્નિકાંડને લઈ SITની તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે રોજ રોજ તપાસમાં નવા પાસા ખુલતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગત રોજ SIT તપાસમાં જાણવા મળ્યું હતુ કે 25મી મેના દુર્ઘટના બાદ 26મી મેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ ઉપરાંત SITના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. SITના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે.

વિરોધ ઉગ્ર બનતા રાજકોટ પોલીસ પણ દોડતી થઈ. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં NSUI પણ જોડાયું હતું. જેમાં સરકાર બસને રોકવામાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ વિરોધને અટકાવ પહોંચી હતી. જ્યારે સ્થિતીને કાબુમાં રાખવા માટે પોલીસે બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધીનો રસ્તો બંધ રાખવાની પણ ફરજ પડી હતી.

આ તકે કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર વ્યક્તિના આત્માની શાંતિ તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 જૂને રાજકો5 બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પક્ષા-પક્ષીઓ છોડીને માનવતાની ખાતર આ બંધમાં જોડાવા બે હાથ જોડી વિનંતી છે. ગુજરાતમાં આવા અનેક વિકટીમોને ન્યાય નથી મળતો, ત્યારે આ માનવતાની લડાઈમાં સૌ સાથ આપો તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.

જ્યારે મોહમ્મદ રફીએ રડતાં રડતાં ગીત કર્યું રેકોર્ડ

મુંબઈ: ‘દિલ તેરા દિવાના હૈ સનમ’, ‘આને સે ઉસકે’, ‘તુમ મુઝે યું ભુલા ના પાઓગે’ જેવા મખમલી ગીતોને પોતાનો અવાજ આપનાર મોહમ્મદ રફીના ઘણા ગીતો છે જે આજે પણ લોકોના દિલમાં વસે છે. પ્રેમની અભિવ્યક્તિ હોય કે હૃદયની પીડા, મોહમ્મદ રફીએ દરેક પરિસ્થિતિ માટે ગીતો ગાયા છે. રફી સાહેબના ગીતો આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ધૂનના બાદશાહ મોહમ્મદ રફીની કારકિર્દી ત્રણ દાયકાથી વધુ હતી, જેમાં તેમણે ઘણા સુપરહિટ ગીતો ગાયા હતા. તેણે કેટલા ગીતો રેકોર્ડ કર્યા તે કોણ જાણે છે, પરંતુ એક ગીત એવું છે, જેનું રેકોર્ડિંગ કરતી વખતે મોહમ્મદ રફી પોતે પણ એટલા ભાવુક થઈ ગયા કે તે પોતાના આંસુ રોકી શક્યા નહોતા.

નીલ કમલનું રડાવી દે તેવું ગીત
આ ગીતને રેકોર્ડ કરતી વખતે મોહમ્મદ રફી પોતે જ રડવા લાગ્યા હતા અને આજે પણ જ્યારે કોઈ તેમનું આ ગીત સાંભળે છે તો તેમના માટે પોતાના આંસુ પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ જાય છે. અમે જે ગીતની વાત કરી રહ્યા છીએ તેના બોલ છે ‘બાબુલ કી દુઆં લેતી જા’. નિર્દેશક રામ મહેશ્વરીની ફિલ્મ ‘નીલ કમલ’નું આ ગીત આજે પણ લોકોને ભાવુક બનાવે છે.

જ્યારે મોહમ્મદ રફી રેકોર્ડિંગ રૂમમાં ખૂબ જ રડવા લાગ્યા હતા
1966માં રિલીઝ થયેલી ‘નીલ કમલ’માં વહીદા રહેમાન, રાજકુમાર અને મનોજ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું ગીત ‘બાબુલ કી દુઆં લેતી જા’ રેકોર્ડ કરતી વખતે મોહમ્મદ રફી રેકોર્ડિંગ રૂમમાં જ રડવા લાગ્યા હતા. મોહમ્મદ રફીને રડતા જોઈને ત્યાં હાજર અન્ય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે રફી સાહેબને અચાનક શું થઈ ગયું, તેઓ આમ કેમ રડવા લાગ્યા?

રેકોર્ડિંગના એક દિવસ પહેલા મોહમ્મદ રફીની પુત્રીની સગાઈ થઈ હતી
ખરેખર, આ ગીતના રેકોર્ડિંગના એક દિવસ પહેલા જ રફી સાહેબે તેમની પુત્રીની સગાઈ કરાવી હતી. રફી સાહેબની દીકરીના લગ્ન 2 દિવસ પછી હતા. આવી સ્થિતિમાં જ્યારે તેણે આ ગીત ગાયું ત્યારે તે પોતાના આંસુ પર કાબૂ રાખી શક્યા નહોતા. તેમણે લગભગ 50 વર્ષ પહેલા એક મેગેઝિન ‘શામન મેગેઝિન’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું- ‘જ્યારે હું ગીત રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે મારા મગજમાં મારી દીકરીના આગામી લગ્નનો વિચાર હતો. મેં મારી દીકરીના લગ્નનું દ્રશ્ય જોવાનું શરૂ કર્યું અને તે ક્ષણોને યાદ કરીને ખૂબ જ ભાવુક બની ગયો. મને લાગ્યું ડોલીમાં બેસીને મારી દીકરી મારાથી અલગ થઈ રહી છે અને મારા આંસુ વહેવા લાગ્યા. આવી સ્થિતિમાં મેં આ ગીત રેકોર્ડ કર્યું હતું.

આજે પણ આ ગીત લોકોની આંખોમાં આંસુ લાવે છે
‘નીલ કમલ’નું વિદાય ગીત ‘બાબુલ કી દુઆં લેતી જા’ એવું ગીત છે જે આજે પણ છોકરીના લગ્નમાં વગાડવામાં આવે છે ત્યારે લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. આ સુપરહિટ ગીત માત્ર તે જમાનામાં જ નહીં પરંતુ આજે પણ ઘણું પસંદ કરવામાં આવે છે. આજે પણ આ ગીત સાંભળીને કોઈ પણ છોકરીની માતા અને સંતાનની આંખો ભીની થઈ જાય છે.

મુંબઈ: પત્નીથી ત્રાસીને પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

મુંબઈ પોલીસમાં તૈનાત એક કોન્સ્ટેબલે પારિવારિક ઝઘડાને કારણે આત્મહત્યા કરી લીધી છે. કહેવાય છે કે તે દરરોજ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલનું નામ વિજય સાળુંખે છે. તેમની ઉંમર 38 વર્ષની છે. કોન્સ્ટેબલ વિજય મુંબઈના શાહુનગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.

30મી મેથી રજા પર હતો
પોલીસના જણાવ્યા અનુસાર વિજય 30 મેથી ખરાબ તબિયતના કારણે રજા પર હતા. 14 જૂને રાત્રે 8:30 વાગ્યાની આસપાસ વિજયે મુંબઈના સાયન વિસ્તારના પ્રતિક્ષા નગરમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસને સુસાઈડ નોટ મળી આવી
વડાલા ટીટી પોલીસને કોન્સ્ટેબલના આપઘાતની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. જ્યારે મૃતક કોન્સ્ટેબલ વિજયના કપડાની તપાસ કરવામાં આવી ત્યારે તેના પેન્ટમાંથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું.

પારિવારિક ઝઘડાથી પરેશાન
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે કોન્સ્ટેબલ રોજબરોજના કૌટુંબિક ઝઘડાથી કંટાળી ગયો હતો અને તેથી તેણે આત્મહત્યાનું આત્યંતિક પગલું ભર્યું હતું. હાલમાં વડાલા ટીટી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

NEET પરીક્ષામાં ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી

NEET પરીક્ષામાં ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના ગોધરા શહેરની શાળાના આચાર્ય અને શિક્ષક સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યાં NEET પરીક્ષા દરમિયાન છેતરપિંડીનો ખુલાસો થયો હતો. તેમના પર 27 ઉમેદવારોને 10 લાખ રૂપિયાની લાંચ લઈને નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પાસ કરવામાં કથિત રીતે મદદ કરવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યું કે 9 મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષા દરમિયાન ગોટાળા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. અનેક બાળકોને છેતરપિંડી કરીને પાસ કરાવવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટને ગુપ્ત માહિતી મળી હતી કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે કેટલાક લોકો આ પ્રકારનું કામ કરી રહ્યા છે. આ પછી 5 મેના રોજ યોજાનારી પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.

તુષાર ભટ્ટ પાસેથી સાત લાખ રૂપિયાની રોકડ મળી

પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે હવે શાળાના આચાર્ય અને શિક્ષક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તુષાર ભટ્ટ, શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા, વડોદરાના શિક્ષણ સલાહકાર પરશુરામ રોય, તેમના સહયોગી વિભોર આનંદ અને મધ્યસ્થ આરીફ વોહરાનો સમાવેશ થાય છે. તુષાર ભટ્ટ પાસેથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તે વ્યક્તિ જય જલારામ શાળામાં શિક્ષક હતો, અને શહેરમાં NEET માટે નાયબ કેન્દ્ર અધિક્ષક તરીકે નિયુક્ત થયો હતો.

વન નેશન, વન ઇલેક્શન પર રિપોર્ટ કેબિનેટમાં મૂકાશે

કાયદા મંત્રાલય વિધાયક વિભાગના 100-દિવસીય એજન્ડા હેઠળ વન નેશન, વન ઇલેક્શન પર રચાયેલી કોવિંદ કમિટીના અહેવાલને વહેલી તકે કેબિનેટ સમક્ષ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આગામી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની એક દેશ, એક ચૂંટણી પરની ઉચ્ચ સ્તરીય સમિતિએ 15 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. તેમાં પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની અને પછી 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની ભલામણ કરવામાં આવી છે.

કોવિંદ સમિતિએ તેની ભલામણોને અમલમાં મૂકવા માટે એક ‘ઈમ્પ્લીમેન્ટેશન ગ્રૂપ’ની રચના કરવાની પણ દરખાસ્ત કરી હતી. સમિતિએ કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજવાથી સંસાધનોની બચત થશે અને વિકાસ અને સામાજિક સમન્વયને પ્રોત્સાહન મળશે. આનાથી લોકશાહી માળખાનો પાયો મજબૂત થશે અને દેશની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ મળશે.

એક સમાન મતદાર યાદી તૈયાર કરવાની ભલામણ

તેણે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક સમાન મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવાની પણ ભલામણ કરી છે. હાલમાં, કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું સંચાલન કરે છે, જ્યારે નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

G7 : વિશ્વના દિગ્ગજો સાથે PM મોદીએ કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં ચાલી રહેલી G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા હતા. અહીં તેઓ અન્ય દેશોના ટોચના નેતાઓ તેમજ પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. પોપ ફ્રાન્સિસને મળવા અંગે પીએમ મોદીએ X પર લખ્યું કે તેઓ G7 સમિટના અવસર પર પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને સુધારવાની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. તેમજ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

PMએ પોપ ફ્રાન્સિસ સાથે વાત કરી

દેશમાં સામાન્ય ચૂંટણી પહેલા પીએમ મોદી અને ભાજપે ખ્રિસ્તી સમુદાયને ઘણા વચનો આપ્યા છે. પીએમ મોદી વિશ્વભરના કેથોલિક ચર્ચના 87 વર્ષીય વડા પોપ ફ્રાન્સિસ સાથે હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા. પોપ ફ્રાન્સિસ વ્હીલચેરમાં હતા અને પીએમ મોદી તેમને મળવા ગયા હતા. પોપ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી અપેક્ષા છે કારણ કે તે એશિયામાં બીજા નંબરની સૌથી મોટી કેથોલિક વસ્તીનું ઘર છે. અગાઉ, વડા પ્રધાન મોદીએ ઓક્ટોબર 2021 માં વેટિકનના એપોસ્ટોલિક પેલેસમાં એક ખાનગી બેઠક દરમિયાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. તે સમયે બંને નેતાઓએ કોવિડ રોગચાળો અને વિશ્વભરના લોકો માટે તેના પરિણામો અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરી હતી.

જો બાઈડન પીએમ મોદીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મળીને હંમેશા આનંદ થાય છે. ભારત અને અમેરિકા વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વના કેટલાક અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મોડી સાંજ સુધી વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી. ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન તેમણે યુક્રેન સાથેના સંબંધોને મજબૂત કરવાની વાત કરી હતી.

પીએમ મોદીએ જાપાનના પીએમ સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પીએમ મોદી જોર્ડનના રાજાને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે તેઓ G7 સમિટ દરમિયાન જોર્ડનના રાજા અબ્દુલ્લા બિન અલ હુસૈનને મળ્યા હતા. ભારત જોર્ડન સાથે મજબૂત સંબંધોને મહત્ત્વ આપે છે.