વન નેશન, વન ઇલેક્શન પર રિપોર્ટ કેબિનેટમાં મૂકાશે

કાયદા મંત્રાલય વિધાયક વિભાગના 100-દિવસીય એજન્ડા હેઠળ વન નેશન, વન ઇલેક્શન પર રચાયેલી કોવિંદ કમિટીના અહેવાલને વહેલી તકે કેબિનેટ સમક્ષ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આગામી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની એક દેશ, એક ચૂંટણી પરની ઉચ્ચ સ્તરીય સમિતિએ 15 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. તેમાં પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની અને પછી 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની ભલામણ કરવામાં આવી છે.

કોવિંદ સમિતિએ તેની ભલામણોને અમલમાં મૂકવા માટે એક ‘ઈમ્પ્લીમેન્ટેશન ગ્રૂપ’ની રચના કરવાની પણ દરખાસ્ત કરી હતી. સમિતિએ કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજવાથી સંસાધનોની બચત થશે અને વિકાસ અને સામાજિક સમન્વયને પ્રોત્સાહન મળશે. આનાથી લોકશાહી માળખાનો પાયો મજબૂત થશે અને દેશની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ મળશે.

એક સમાન મતદાર યાદી તૈયાર કરવાની ભલામણ

તેણે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક સમાન મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવાની પણ ભલામણ કરી છે. હાલમાં, કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું સંચાલન કરે છે, જ્યારે નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.