Home Blog Page 1681

પાકિસ્તાનમાં કર લાગુ થયા પછી દૂધ પેરિસ કરતાં મોંઘું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે લાંબા સમયથી મોંઘવારીનો માર ભોગવી રહેલા નાગરિકોને વધુ એક આંચકો આપ્યો છે. પાકિસ્તાન સરકારે દૂધ પર નવા દરો લાગુ કરી દીધા છે, જે પછી ત્યાં દૂધની કિંમત ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોની તુલનાએ પાંચ ગણી વધી ગઈ છે. ગયા સપ્તાહે રાષ્ટ્રીય સ્તરે બજેટ દ્વારા કર લાગુ કરવામાં આવ્યા હતા. એમાં જણાવવામાં આવ્યું હતું કે દૂધ પર 18 ટકાના દરે કર લાગુ કરી દેવામાં આવ્યા હતા. હવે એનાથી સામાન્ય લોકો માટે મુશ્કેલીઓ પારાવાર વધી છે.

પાકિસ્તાનમાં વધેલા ભાવ પછી અલ્ટ્રા-હાઇ તાપમાન અથવા UHT દૂધની કિંમત રૂ. 370 એટલે કે 1.33 ડોલર સુધી પહોંચી છે. દૂધની આ કિંમત કરાચી જિલ્લામાં છે. જો એમસ્ટરડમની વાત કરો તો ત્યાં દૂધ 1.29 ડોલર મળી રહ્યું છે. પેરિસમાં 1.23 ડોલરમાં દૂધ મળી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયામાં 1.08 ડોલરમાં દૂધ મળી રહ્યું છે. આ આંકડા બ્લુમબર્ગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

પાછલા સપ્તાહ રાષ્ટ્રીય બજેટમાં નવા કરોના ભાગરૂપે પેક દૂધ પર 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં અત્યાર સુધી એ દૂધ સંપૂર્ણ રીતે કરમુક્ત હતું. ગયા સપ્તાહ બજેટમાં કરની જોગવાઈના ભાગરૂપે દૂધ પર 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યા હતા, પહેલાં એના પર ટેક્સ છૂટ હતી.

પાકિસ્તાનમાં હજી હાલમાં જ નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનને આધારે અહેવાલમાં જણાવ્યું હતું કે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 7.45 અને હાઇ-સ્પીડ ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 9.56 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આમ હવે પાકિસ્તાનની જનતા પર અસહ્ય મોંઘવારીનો માર પડ્યો છે.

 

 

 

 

 

 

 

સલમાન ખાનની ‘સિકંદર’માં કટપ્પાની એન્ટ્રી, જુઓ આ પોસ્ટ

મુંબઈ: નિર્માતા સાજિદ નડિયાદવાલા, સુપરસ્ટાર સલમાન ખાન અને દિગ્દર્શક એ.આર. મુરીગાદોસ એક સાથે મળીને પ્રોજેક્ટ લઈને આવી રહ્યાં છે. જેને લઈને પહેલાથી જ દર્શકોમાં આતુરતા છે. એવામાં હવે વધુ એક સેલિબ્રિટી ફિલ્મનો ભાગ બની રહી છે.’બાહુબલી’ના કટપ્પા ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યા છે. સત્યરાજ પણ હવે ‘સિકંદર’ની ટીમ સાથે જોડાઈ ગયો છે અને આ પ્રોજેક્ટને વધુ રોમાંચક બનાવ્યો છે. ફિલ્મની કાસ્ટમાં રશ્મિકા મંદન્નાનું નામ પહેલેથી જ સામેલ હતું, તે સલમાન સાથે સ્ક્રીન પર લીડ હીરોઈન તરીકે જોવા મળશે. આ સિવાય પ્રતિક બબ્બર પણ આ ફિલ્મનો એક ભાગ છે અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

‘સિકંદર’માં સત્યરાજની એન્ટ્રી

આઇકોનિક ‘બાહુબલી’ ફ્રેન્ચાઇઝીમાં કટપ્પાની ભૂમિકા માટે લોકપ્રિય સત્યરાજ હવે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિકંદર’નો ભાગ બન્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેતાએ તાજેતરમાં પ્રતિક બબ્બર સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ મોટા સમાચાર ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે. સત્યરાજે ફિલ્મોમાં ઘણી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે અને તેને ‘સિકંદર’માં સલમાન ખાન અને અન્ય સ્ટાર્સ સાથે જોવા રોમાંચક હશે. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર આ મોટી જાહેરાત કરી છે.

આ ફિલ્મ 2025માં રિલીઝ થશે

એઆર મુરુગાદોસ ‘સિકંદર’નું નિર્દેશન કરી રહ્યા છે જેનું નિર્માણ નડિયાદવાલા પૌત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. આ એક્શન એન્ટરટેઈનર ઈદ 2025 વીકએન્ડ દરમિયાન રિલીઝ થશે. આ ફિલ્મ સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપે છે જે પહેલાં ક્યારેય અનુભવાયો ન હતો. આ ફિલ્મના BTS પણ સતત સામે આવી રહ્યાં છે. સલમાન ખાનના ફેન્સ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. અભિનેતા છેલ્લે ‘ટાઈગર 3’માં જોવા મળ્યા હતા.

હેમંત સોરેને ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. બુધવારે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જે બાદ બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઈ હતી.

આ પછી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને રાજ્યમાં સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. પાંચ મહિના પહેલા સત્તાના નશામાં ધૂત અહંકારીઓએ મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઝારખંડવાસીઓનો જનમત ફરી વધશે. અગાઉ શાસક ગઠબંધનના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચંપાઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ચૂંટ્યા હતા.

હેમંત સોરેનની ધરપકડ બાદ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેનારા ચંપાઈ સોરેન રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને જેએમએમના કાર્યકારી પ્રમુખની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. દિવસભરની અટકળો ચાલી.

બજેટ-2024: નોકરિયાત વર્ગ માટે બમણી થઈ શકે આ ટેક્સછૂટ, જાણો…

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં 22 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરે એવી શક્યતા છે. મોદી સરકાર 3.0થી સામાન્ય લોકોને બહુ આશા-અપેક્ષાઓ છે, ખાસ કરીને મધ્યમ વર્ગને બજેટથી બહુ અપેક્ષાઓ છે. નાણાપ્રધાન બજેટમાં આ વખતે નોકરિયાતો માટે મોટું એલાન કરે એવી સંભાવના છે. સરકાર સ્ટેન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. એક લાખ કરે એવી શક્યતા છે.

સરકારે વર્ષ 2018થી વાર્ષિક રૂ. 40,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનને બજેટ 2018થી ફરી શરૂ કરી હતી, જે પહેલાંના બે ડિડક્શન- ટ્રાવેલ ભથ્થાં (રૂ. 19,200) અને મેડિકલ કાપ (રૂ. 15,000) પ્રતિ વર્ષની જગ્યાએ લાવવામાં આવ્યું હતું.

સરકારે વર્ષ 2019ના વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી દીધી હતી. જો મર્યાદા વધારવાની માગ સતત કરવામાં આવી રહી છે. સેલેરીવાળા નોકરિયાત વર્ગ માટે એક ફ્લેટ ટેક્સ કાપ હોય છે. આ કાપ માટે કોઈ કર્મચારીને કંપની કે IT ડિપાર્ટમેન્ટને કોઈ પુરાવા કે દસ્તાવેજ જમા કરવાના હોતા નથી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી, 2024એ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં સરકારી ખજાનાને મજબૂત કરવા સરકારે સંકલ્પ ધ્યાનમાં રાખ્યો હતો. આ ઉપરાંત સરકારે રાજકોષીય ખાધને 2025-26 સુધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (GDP)ના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં GDPના 5.1 ટકા બરાબર રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. દેશની પહેલા મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાના બજેટ સહિત છ બજેટ રજૂ કર્યા છે.

પથ્થરમારા મામલે શક્તિસિંહ ગોહિલે કર્યો આક્ષેપનો વરસાદ

સંસદમાં વિપક્ષ નેતા તરીકે પહેલી વખત આપેલા ભાષણમાં વિવાદીત ટીપ્પાણી કરતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભાજપ કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદાના પાલડીમાં સ્થિત કોંગ્રેસના કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સાથે થયેલા પથ્થરમારાની ઘટનાને લઇને આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ સહિત અમદવાદ પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા.

શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું ભાજપે કોંગ્રેસ કાર્યાલાય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા હોર્ડિંગ્સ. કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરવાના મેસેજ વાયરલ કર્યા હતા.  આ અંગે ફોન કરીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે આ લોક 4 વાગે ફરી કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાના છે. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની નામ જોગ ફરીયાદ નોંધી હતી. પરંતું ભાજપના કોઈ પણ કાર્યકરોની નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પોલીસે પર હુમલાની ફરિયાદમાં પણ ભાજપના કાર્યકરોના નામ ઉમેરવામાં આવ્ય ન હતા.

પત્રકાર પરિષદમાં પોલીસે રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસની ફરિયાદ નહી નોંઘ્યાનો આક્ષેપ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે નોંધાયેલ બે ફરિયાદ પૈકી એક ફરિયાદ પાલડી પોલીસ કોન્સટેબલની છે. જેમાં ઉમેરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શન સમયે વિરોધ પક્ષના નેતા સહિત 200 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. જે બાદ કોંગ્રેસ દ્વારા શરૂ કરેલ પથ્થરમારાનો જવાબ ભાજપ કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં એમ ડીવીઝન એસીપી એ બી વાણંદ સહિત પાંચથી વઘુ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઇ હતી. આ કેસમાં પોલીસે ફરિયાદમાં કોંગ્રેસના નેતાઓના નામ નોંઘ્યા છે.

પરંતુ, ભાજપના કોઇપણ નેતાના નામ નોંઘ્યા નથી.  જ્યારે બીજી ફરિયાદ ભારતીય યુવા મોરચાના શહેર પ્રમુખ વિનય દેસાઇએ કોંગ્રેસના કાર્યકરો વિરૂદ્વ નોંધાવી છે. જેમાં ભાજપના કાર્યકરો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે  વિરોધપક્ષના નેતા શહેઝાદ પઠાણ, પ્રગતિ આહીર, જીનલ શાહ સહિત 26 કાર્યકરોના નામ જોગ તેમજ 200 લોકોના ટોળાએ  તેમના પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં તિક્ષણ હથિયારથી હુમલા કરવા માટે કોંગ્રેસના કાર્યકરોનું ટોળુ આવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

SCO સમિટ : PM મોદીએ ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ

આતંકવાદને સુરક્ષિત આશ્રય આપનારા દેશોને હવે અલગ થવું પડશે. કોઈપણ સ્વરૂપમાં આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે તેનો પર્દાફાશ કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટમાં પોતાના સંદેશમાં આ વાત કહી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં અસ્તાનામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં પીએમ મોદી વતી આ સંદેશ વાંચ્યો. SCOને સિદ્ધાંત આધારિત સંગઠન ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ સમયે જરૂરિયાત છે કે આપણે આપણી વિદેશ નીતિઓના આધાર તરીકે સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતામાં દખલ ન કરીએ. પાકિસ્તાનને કડક સંદેશ આપતા પીએમ મોદીએ કહ્યું કે આપણે બીજા દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોની વિરુદ્ધ કોઈ પગલું ન ભરવા માટે પણ સહમત થવું પડશે. આ સાથે પીએમએ આતંકવાદ સામે લડવાને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું હતું.

આતંકવાદ વિશ્વ માટે ખતરો

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આતંકવાદ પર અંકુશ નહીં રાખવામાં આવે તો તે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો બની શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદ પારના આતંકવાદનો નિર્ણાયક રીતે જવાબ આપવાની જરૂર છે અને આતંકવાદને ધિરાણ અને ભરતીનો મજબૂત રીતે સામનો કરવો જોઈએ.

આતંકવાદ સામે લડવા માટે વૈશ્વિક સમુદાય પાસેથી પગલાં લેવાનું આહ્વાન કરતાં પીએમ મોદીએ કહ્યું, “આમ કરતી વખતે, સ્વાભાવિક રીતે આતંકવાદનો સામનો કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ, જે SCOના મુખ્ય ધ્યેયો પૈકી એક છે. આપણામાંથી ઘણાએ સ્પષ્ટ કરવું જોઈએ કે, જો તેને રોકવામાં ન આવે તો તે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે.”

નારાયણ સાકર હરિનું કાઉન્ટડાઉન શરૂ?

હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં બાબા નારાયણ હરિ ઉર્ફે સાકર વિશ્વ હરિ ‘ભોલે બાબા’ના કાર્યક્રમ દરમિયાન મંગળવારેના રોજ થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 123 લોકોના મોત થયા છે. ગુરુવારે અલીગઢના આઈજી શલભ માથુરે આ અકસ્માત અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે હાથરસ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચાર પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર વિરુદ્ધ NBW મુદ્દો કરવામાં આવી રહ્યો છે અને વેદ પ્રકાશ મધુકર પર એક લાખનું ઈનામ આપવામાં આવી રહ્યું છે. બાબાની ધરપકડ પર આઈજી શલભ માથુરે કહ્યું કે જેમ જેમ તપાસ આગળ વધે છે, આજે તપાસનો પહેલો દિવસ હતો, લોકોની ધરપકડ કરવામાં આવી હતી, આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તપાસ અધિકારી નક્કી કરે છે કે કોની ધરપકડ કરવામાં આવે છે. તપાસમાં જો કોઈની ભૂમિકા બહાર આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે. આઈજી શલભ માથુરે કહ્યું કે બાબાના નામ પર આ કાર્યક્રમની પરવાનગી લેવામાં આવી નથી.

આઈજી શલભ માથુરે કહ્યું કે જો જરૂર પડશે તો બાબાની પણ પૂછપરછ કરવામાં આવશે. હજુ તેનું નામ સામેલ નથી પરંતુ જો તેની વધુ તપાસ માટે જરૂર પડશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે, હાથરસ નાસભાગની ઘટના પર, અલીગઢના IG શલભ માથુરે કહ્યું, “ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. “

રથયાત્રામાં અખાડાનો સમાવેશ કેમ કરવામાં આવ્યો?

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાત કરીએ 100 વર્ષથી રથયાત્રામાં સૌનું આર્કષણ બની રહેલા અખાડાની. એ જાણવું રસપ્રદ છે કે રથયાત્રામાં અખાડાના કરતબનો સમાવેશ કેમ અને ક્યારથી કરવામાં આવ્યો.

 

બે મહિના પહેલા શરૂ થાય છે પ્રેક્ટિસ

નાથની નગરચર્યા માટે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે હેરત અંગેજ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર થઈ ગયા છે. રથયાત્રામાં ગજરાજ બાદ સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષણ અખાડાનું હોય છે. અખાડાના કરતબબાજો એક કે દોઢ મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી લે છે. આમ તો બારે મહિના અખાડામાં કુસ્તીબાજ પ્રેક્ટિસ કરતા જ હોય છે. પરંતુ રથયાત્રા માટે વિશેષ તૈયારી કરે છે.

કસરત પ્રત્યે લોક જાગૃતિ વધે એ માટે રથયાત્રામાં અખાડા જોડાયા

વર્ષો પહેલાં શહેરના દરિયાપુર, માણેકચોક, રાયપૂર, ખાડિયા સહિતના અનેક વિસ્તારમાં અખાડા હતા જ્યાં લોકો મોટી સંખ્યામાં નિયમિત પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે અખાડા એસોસિએશનના પ્રમુખ મુકેશ હાડવૈદ્યના પિતા રમણલાલ હાડવૈદ્ય નિયમિત રીતે જગન્નાથજીના મંદિરમાં સેવા આપવા માટે જતા. એ સમયે જગન્નાથજી મંદિરના મહંત નરસિંહદાસજી સમક્ષ રમણલાલ હાડવૈદ્યે રથયાત્રામાં અખાડાઓ જોડાય એ માટે રજૂઆત કરી. આ વિચાર મહંતને પણ સારો લાગ્યો. અખાડા દ્ધારા શારીરિક કસરત પ્રત્યે લોક જાગૃતિ વધે એ વિચાર સાથે રથયાત્રામાં અખાડાઓ જોડાયા. 100 વર્ષ પહેલા માત્ર એક નંબરનો અખાડો રથયાત્રામાં જોડાયો હતો. ત્યારપછી વધુ કરતબબાજો જોડાતા ગયા.

 ત્રણ પેઢી એક સાથે અખાડામાં કરે છે કરતબ

“મારા પિતા (દિપકભાઈ સોલંકી) 13 વર્ષના હતા ત્યારથી અખાડામાં ઉભા રહે છે, હાલ એમની ઉંમર 57 વર્ષની છે”. આ શબ્દો છે જય મહાકાળી અખાડા નંબર 2ના સંચાલક નીરવ સોલંકીના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, “ છેલ્લા 46 વર્ષથી મોટી ઉંમરે અખાડામાં બોડી બિલ્ડીંગ કરવા ઉભા રહેતા હોય એવા મારા પિતા એક માત્ર છે. 30 અખાડામાં એક સાથે ત્રણ પેઢી ઊભી રહેતી હોય એવુ માત્ર અમારા અખાડામાં જ જોવા મળે છે. 150 કરતબબાજો રથયાત્રામાં અમારા અખાડામાં જુદા-જુદા કરતબ બતાવે છે. ગત વર્ષથી તો ત્રણ-ચાર દીકરીઓ પણ અમારા અખાડામાં જોડાઈ છે. ધાકડ ગર્લ તરીકે ઓળખાતી અમારી દીકરીઓ ખૂબ જ ઉમદા રીતે તલવારબાજી કરે છે. આ ઉપરાંત અખાડામાં લાડકીદાવ, બરંડીદાવ, બોડી બ્લિડીંગ, બોક્સિંગ, કરાટે, કુફુ, જેવી અનેક કરતબો જોવા મળે છે.”

નોંધનીય છે કે બાઈક સ્ટંટ, ફાયર સ્ટંટ, કાચ ફોડવાના સ્ટંટ જેવી કરતબો લોકહિતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં હાલમાં રથયાત્રામાં લગભગ 30 અખાડામાં પાંચ હજારથી વધુ કરતબબાજો કરતબ બતાવ છે.

હેમંત સોરેન આજે જ CM પદના શપથ લેશે

ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. રાજભવનના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. સોરેન આજે જ રાજ્યના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ લગભગ 5 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ફેરબદલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અગાઉ જેએમએમ નેતાએ દાવો કર્યો હતો કે હેમંત સોરેન 7 જુલાઈએ સીએમ તરીકે શપથ લેશે. શપથ ગ્રહણની તારીખ પછી હેમંત સોરેને ટ્વિટર પર લખ્યું, દરેક અન્યાય જાણે છે કે એક દિવસ ન્યાય તેને હરાવી દેશે. જય ઝારખંડ. તેમણે બીજી પોસ્ટમાં લખ્યું છે કે, મહામહિમ રાજ્યપાલનો આભાર. વિરોધીઓ દ્વારા ઘડવામાં આવેલા લોકશાહી વિરોધી કાવતરાનો અંત શરૂ થઈ ગયો છે. સત્યમેવ જયતે.

શું કહ્યું કલ્પના સોરેને?

હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું કે, આખરે લોકશાહીની જીત થઈ. 31મી જાન્યુઆરી 2024થી શરૂ થયેલા અન્યાયને હવે ખરા અર્થમાં ન્યાય મળવા લાગ્યો છે. જય ઝારખંડ.

દિલ્હી, હરિયાણામાં AAPથી ગઠબંધન કરવાની કોંગ્રેસની ધરાર ના

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સીટો વધવાથી ઉત્સાહિત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની યોજના જાહેર કરી દીધી છે. કોંગ્રેસ મહા સચિવ જયરામ રમેશે કહ્યું છે કે દિલ્હી, હરિયાણામાં પાર્ટી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. આ બંને રાજ્યોમાં આમ આદમની પાર્ટીની સાથે ગઠબંધન શક્યતા નથી. જોકે તેમણે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહેલેથી બનેલા ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં યથાવત્ રાખવાની વાત કહી હતી.

જયરામ રમેશને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે શું દિલ્હી અને હરિયાણામાં કોંગ્રેસ અને આપની વચ્ચે ગઠબંધન થશે તો તેમણે કહ્યું હતું કે કોઈ ગુંજાશ નથી. વિપક્ષના ઇન્ડિયા ગઠબંધમાં એવી કોઈ નક્કી ફોર્મ્યુલા નથી, જેને વિધાનસભા ચૂંટણીમાં લાગુ કરી શકાય. ગઠબંધન એ રાજ્યોમાં મળીને લડશે, જ્યાં કોંગ્રેસ નેતા અને અન્ય ગઠબંધના નેતાઓની સહમતી બની જશે, પણ જ્યાં સહમતી નહીં બને, ત્યાં અલગ-અલગ ચૂંટણી લડશે, એમ તેમણે કહ્યું હતું.

જોકે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહેલેથી બનેલા ઇન્ડિયા ગઠબંધનની સાથે કોંગ્રેસ છે. ઝારખંડમાં JMMની સાથે પાર્ટી જોડાયેલી છે. જે રાજ્યોમાં કોંગ્રેસ અને સહયોગી દળોના નેતાઓ ઇચ્છશે, ત્યાં ઇન્ડિયા ગઠબંધન રહેશે. આપ પણ ઇન્ડિયા ગઠબંધનો ઘટક પક્ષ છે. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં દિલ્હી, હરિયાણામાં આપ અને કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડવા ઊતર્યા હતા, પણ પંજાબમાં બંને પક્ષોએ અલગ-અલગ ઉમેદવારો ઉતાર્યા હતા. ત્યાર બાદ બધાની નજર વિધાનસભા ચૂંટણીને લઈને બંને પાર્ટીઓના વલણ પર હતી, જે હવે કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે.