નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પણ ટીમ ઇન્ડિયાની એ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન જવાની સંભાવના નથી. જેથી ભારતની મેચો માટે બે જગ્યા પસંદ કરવામાં આવી છે. જોકે એ જગ્યાની અંતિમ પસંદગી બાકી છે. ICC એને લઈને છેલ્લો નિર્ણય લેશે.
ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે. PCBએ એના માટે ડ્રાફ્ટ શિડ્યુઅલ બનાવીને ICCને સોંપી દીધો છે. ત્યાર બાદ ICC તરફથી એ ટુર્નામેન્ટમાં સામેલ થનારા દેશોના ક્રિકેટ બોર્ડની સલાહ લેવામાં આવી રહી છે. PCB અનુસાર ભારતની બધી મેચ લાહોરમાં કરાવાની હતી, પણ હવે શિડ્યુલમાં ફેરફાર થશે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થળો પસંદ કર્યાં છે. એમાં લાહોર, રાવલપિંડી અને કરાચી સામેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન 19 ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી ચાલશે.
એક અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઇન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે એવી શક્યતા છે. એવું પણ બની શકે કે ટીમ ઇન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલાં એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન ગ્રુપ Aમાં છે. આ સાથે ન્યુ ઝીલેન્ડ અને બંગલાદેશ પણ આ ગ્રુપમાં છે. ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.
ભચાઉ: હત્યાના પ્રયાસ કરવાના ગુનામાં નીતા ચૌધરીને મળેલા જામીન મંગળવારે સવારે સેશન્સ કોર્ટે રદ કરી તેને કસ્ટડીમાં લેવા પોલીસને હુકમ કર્યો હતો. જો કે, કોર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર નહોતી. તેની જગ્યાએ તેના વકીલ હાજર રહ્યા હતા. જેથી આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ત્યાં પણ તાળું જોવા મળ્યું હતું. આથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. પોલીસે તેના સાસરીમાં તપાસ કરી હતી, પરંતુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ ન હતી. નીતાનો મોબાઈલ ફોન ગુના સંદર્ભે પોલીસના કબજામાં છે.પૂર્વ કચ્છના દારૂના સૌથી મોટા વોન્ટેડ બુટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી પોલીસ કર્મચારી નીતા ચૌધરી સરેન્ડર થવાના બદલે ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. નીતાને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાનું સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. પરંતુ પોલીસ ખાતાની પૂર્વ કર્મચારી અને અનુભવી નીતા પોલીસને થાપ આપી હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
અમદાવાદ: 1લી જુલાઈ, 2024ના રોજ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે 2જી જુલાઈના રોજ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) સામે અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. પાંચેય આરોપીઓ એવા સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાને જામીન મળ્યા નથી, તેમણે જેલમાં રહેવું પડશે. આ મામલાની ફરિયાદ નવા કાયદા મુજબ કરવામાં આવી છે. આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જેની ઉપર 10 જુલાઈ, 2024 સુનાવણી હાથ ધરાઇ હતી. તેમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક આરોપીઓ વિદ્યાર્થી છે, કેટલાક સારી નોકરી ધરાવે છે અને કેટલાક વૃદ્ધ છે. FIR વધારી ચઢાવીને લખવામાં આવી છે. પથ્થરમારાની આગલી રાત્રે કેટલાક લોકો કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર શાહી લગાવી ગયા હતા એટલે પોલીસને આવો બનાવ બનશે તેવી શક્યતાની ખબર હતી. ભાજપ કાર્યકરો આવવાના હોવાથી કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે એકઠા થયા હતા. પોલીસ આ બનાવ બનતા રોકી શકતી હતી. બધા કાર્યકરો અમદાવાદના રહેવાસી હોવાથી કાનૂની કાર્યવાહીમાં સહયોગ આપશે.
તો સામે પક્ષે સરકારી વકીલે આરોપીઓને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે આરોપીઓએ અસમાજિક પ્રવૃત્તિ કરી છે. તેમને જામીન ના આપીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચુકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી ,સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એ.સી.પી.,કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલાં અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી.
મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.લગ્નના વિવિધ ફંક્શનો શરૂ થઈ ગયા છે. જેમાં બૉલિવૂડની જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ રહી છે. ફંક્શન અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત-રાધિકાનો ગ્લેમર સંગીત રાત્રિનો એક વીડિયો સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિકી કૌશલ, એટલી અને દિશા પટણી ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા પર સાથે ડાન્સ કરતા જોવા મળે છે.
વિકી કૌશલે એટલી અને દિશા પટણી સાથે ડાન્સ કર્યો
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘જવાન’ના નિર્દેશક એટલી અને વિકી કૌશલ આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત તૌબા તૌબા પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં ‘કલ્કી 2898 AD’ એક્ટ્રેસ દિશા પટણી અને સારા અલી ખાન પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટર વિકી હૂક સ્ટેપ શીખવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે જાણે અનંતના સંગીત ફંક્શનમાં વિકી કૌશલ ડાન્સ ટીચર બની ગયો હોય.
અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી 12 જુલાઈએ એક શુભ લગ્ન સમારોહ સાથે શરૂ થશે. કપલના ભવ્ય લગ્ન સમારોહ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. 13મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે અને તેનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક હશે. 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે.
અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઈ શકે છે. નેતા- અભિનેતાઓને લગ્ન માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ વિશે
અનંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર છે. અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પૌત્ર છે. રાધિકા એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા વિરેન મર્ચન્ટની પુત્રી છે.
મુંબઈ: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયા અને હાર્દિક પંડ્યાની જીત પર ચૂપ રહેવાને કારણે અભિનેત્રીને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહ્યો છે. વિડિયો શેર કરતી વખતે અભિનેત્રી નતાશાએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે, જેણે ટ્રોલર્સને ચૂપ કરાવી દીધા છે. ડિવોર્સની અફવાઓ વચ્ચે નતાશા સ્ટેનકોવિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
નતાશા સ્ટેનકોવિકે ટ્રોલર્સને જવાબ આપ્યો
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે ‘જ્યારે આપણે કોઈ વ્યક્તિનો અચાનક બદલાયેલો ચહેરો જોઈએ છીએ, ત્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેનો ન્યાય કરવા માટે ઉતાવળ કરીએ છીએ.’ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચેનતાશાનો આ વીડિયો જે તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાએ આ વાત કહી
આ વીડિયોમાં નતાશા કોફી પીતી જોઈ શકાય છે. આ સમય દરમિયાન તેના મનમાં જે પણ વિચારો આવે છે, તે આ વીડિયોમાં શેર કરે છે. તેણી કહે છે,’આપણે ન્યાય કરવા માટે કેટલા ઝડપી છીએ? જો આપણે એવું કામ કરીએ જેની અપેક્ષા ન રાખી શકાય તો લોકો આપણને ગેરસમજ કરવામાં મોડું કરતા નથી. આવી સ્થિતિમાં જ્યારે કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે શું ચાલી રહ્યું છે અને તેઓ તમને ટ્રોલ પણ કરવા લાગે છે, ત્યારે ખરાબ લાગે છે… આવી સ્થિતિમાં લોકોના મનમાં કોઈ સહાનુભૂતિ નથી. શું ખોટું અને શું સાચું એ વિચાર્યા વિના આપણે સીધો જ નિર્ણય લેવાનું શરૂ કરીએ છીએ.’
હાર્દિક પંડ્યા-નતાશાના છૂટાછેડાની અફવા
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સરનતાશા સ્ટેનકોવિકે 31 મે, 2020 ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા. તેઓએ ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ખ્રિસ્તી બંને રીતિ રિવાજો સાથે બીજી વાર લગ્ન કર્યા. જોકે, આ વર્ષે મે મહિનામાં છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી જ્યારે ચાહકોએ જોયું કે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘પંડ્યા’ શબ્દ હટાવી દીધો હતો. તે જ સમયે નતાશા IPL 2024 ની મેચોમાં હાજરી ન આપવાને કારણે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળોને વેગ મળ્યો હતો.
વોશિંગ્ટનઃ PM મોદી રાષ્ટ્રપતિ પુતિનને મળવા જ્યારે રશિયા ગયા હતા, ત્યારે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે અમેરિકાએ એ પણ કહ્યું હતું કે અમેરિકા PM મોદીનાં નિવેદનો પર નજર રાખશે, પરંતુ હવે અમેરિકા ભારતની શક્તિ ઓળખી ચૂક્યું છે. અમેરિકાએ કબૂલ્યું છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધને માત્ર ભારત જ અટકાવી શકે છે. ભારત યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમેરિકાએ ગઈ કાલે નિવેદન જારી કરીને કહ્યું છે કે રશિયાની સાથે ભારતની પાસે એ ક્ષમતા છે, જેને પગલે એ વ્લાદિમિર પુતિનને યુદ્ધ પૂરું કરવા માટે મનાવી શકે છે. અમેરિકાનું આ નિવેદન મોદીની બે દિવસીય રશિયા યાત્રા બાદ આવ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન પિયરેએ કહ્યું હતું કે અમારું માનવું છે કે રશિયાની સાથે ભારતના સંબંધ રાષ્ટ્રપતિ પુતિનથી યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાના આગ્રહ કરવાની ક્ષમતા આપે છે, પણ એને પૂરું કરવાનું કામ રાષ્ટ્રપતિ પુતિનનું કામ છે. પુતિને જ યુદ્ધ શરૂ કર્યું હતું અને એ જ પૂરું કરી શકે છે.
PM મોદીએ પુતિનને ગળે લગાવ્યા, ત્યારે ઝેલેન્સ્કીએ આકરી ટીકા કરી હતી. તેમણે એને શાંતિના પ્રયાસોને મોટો ઝટકો ગણાવ્યો હતો. તેમણે પુતિનને હત્યારા ગણાવ્યા હતા. જ્યારે PM મોદી પુતિન સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે રશિયાની મિસાઇલો યુક્રેન પર હુમલા કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલમાં નિશાન બનાવી રહી હતી. મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી., ત્યારે સોમવારે સવારે રશિયાની મિસાઇલો યુક્રેનનાં શહેરો પર હુમલો કર્યો હતો.PM મોદીએ પુતિન સાથે મુલાકાત દરમ્યાન યુક્રેનમાં 29 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને એમાં માર્યા ગયેલા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બાળકોના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યમાં મેઘરાજા જમાવટ લીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં રાજ્યમાં સિઝનનો એવરેજ 25.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 35.44 ટકા વરસાદ, કચ્છમાં કુલ 34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.78 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.39 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બોટાદમાં 47 MM, દસાડામાં 40 MM, ટંકારામાં 29 MM, બોડેલીમાં 18 MM, લીલીયા અને પાટણ-વેરાવળમાં 15 MM,તેમજ ભાણવડ અને માળિયા હાટીનામાં 14-14 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ 11,12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય છે. ઓઝત નદીનું પાણી વધતા ગામના ખેતરમાં પાણી ઘુસી ગયા હતા. હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરી પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મુંબઈ: કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અને લગ્ન પહેલાની વિધિના પડઘા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સાંભળવા મળી રહ્યા છે. એક પછી એક લગ્નની વિવિધ વિધિઓ કરવામાં આવી રહી છે. આ સાથે ભોજન અને મનોરંજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ હલ્દી ફંક્શન યોજાયું હતું. જેમાં કપલ પીળા આઉટફિટમાં જોવા મળ્યું હતું. હવે આ કપલની તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે.રાધિકાએ રીયલ ફૂલોનો દુપટ્ટો પહેર્યો હતો.
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુએ હાલમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાતને હજી પાંચ જ દિવસ વીત્યા છે, ત્યારે કેન્દ્રએ આંધ્ર પ્રદેશમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણથી ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપિત કરવાની મુખ્ય માગનો સ્વીકાર કરી લીધો છે. NDA સરકારમાં સામેલ નાયડુએ બુધવારે BPCLના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને રાજ્યમાં રિફાઇનરી સ્થાપિત કરવા માટે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના નીતીશકુમાર પર ટકી છે.
BPCLના અધિકારીઓ સાથે નાયડુએ રિફાઇનરી માટે ત્રણ સ્થાનો માટે ચર્ચા કરવામાં આવી હતી, એમાં શ્રીકાકુલમ, મછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમ સામેલ છે. આ રિફાઇનરીની ઔપચારિક ઘોષણા 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી સંભાવના છે. સ્થાનોની સમીક્ષા કરવામાં આવશે અને એને અંતિમ રૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં કમસે કમ બે મહિના લાગશે અને બજેટમાં સ્થાનની ઘોષણા નહીં કરવામાં આવે.આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ માટે એક મોટી જીત છે, કેમ કે તેમણે PM અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની સાથે બેઠકોમાં રિફાઇનરી સ્થાપિત કરવા માટે ભાર આપ્યો હતો.
Strategically placed on the eastern coast of the country, our state has a significant petrochemical potential. Today, I met with the representatives of the Bharat Petroleum Corporation Limited led by Chairman and Managing Director, Mr Krishna Kumar. We explored the establishment… pic.twitter.com/UT5S37Nst3
BPCL અને પેટ્રોલિયમ મંત્રાલયે આ પગલા વિશે કશું કહ્યું નથી, પણ નાયડુએ X પર લખ્યું છે કે દેશના પૂર્વના તટ પર વ્યૂહાત્મક રૂપથી અમારા રાજ્યમાં પેટ્રોકેમિકલની મહત્ત્વપૂર્ણ સંભાવના છે. આજે મેં BPCLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃષ્ણકુમારના નેતૃત્વમાં પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. અમે આંધ્ર પ્રદેશમાં 60-70,000 કરોડના મૂડીરોકાણ માટે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સની સ્થાપનાની સંભાવના પર વિચાર કર્યો હતો.
બિહારે શું માગ્યું?
બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રોલાઇન્સ અને સાત નવી મેડિકલ કોલેજની સાથે 200 અબજનો થર્મલ પાવર પ્લાન્ટ લગાવવા માટે કેન્દ્રથી પૈસા માગ્યા છે. આ ઉપરાંત 20,000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાની મરામત માટે અલગથી માગ રાખી છે. એ સાથે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી છે.
દેશ-વિદેશની જાતજાતની સંસ્થાના નાના-મોટા કાર્યક્રમોમાં વક્તવ્ય આપવા જવાની શરૂઆત કરી ત્યારથી અવારનવાર મને એવી એકાદ વ્યક્તિ મળે જ છે, જેને ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા જાગે ને એ વિશે મારી સાથે ચર્ચા કરે. આવી વ્યક્તિનું પહેલું વાક્ય આ જ હોયઃ ‘સ્વામીજી, તમે કહો એ બધું બરાબર, પણ હું તો ભગવાનમાં માનતો જ નથી.’
આવા વખતે હું એ વ્યક્તિને મારી રીતે જવાબ આપું છું. આપણે આ વાત જરા જુદી રીતે સમજીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આજે મેડિકલ સાયન્સ, મૅનેજમેન્ટ જેવાં ક્ષેત્રથી લઈને હેલ્થગુરુઓ બધા શ્રદ્ધાની વાત કરે છે કેમ કે, બધી સફળતાથી સંતોષ મળે એ જરૂરી નથી. સફળ વ્યક્તિની આત્મહત્યાના દાખલા દેશ-દુનિયામાં જોવા મળે છે. સક્સેસ સાથે સેટિસ્ફેક્શન પણ જરૂરી છે. માટે શ્રદ્ધા જરૂરી છે.
આ લખતી વખતે મને ડૉ. બર્ની સીગલનું ‘પીસ, લવ ઍન્ડ હીલિંગ’ પુસ્તક યાદ આવી જાય છે. એક ડઝન જેટલાં પુસ્તક લખનાર 89 વર્ષી આ અમેરિકન ડૉક્ટર સતત કહેતા રહે છે કે પેશન્ટની ટ્રીટમેન્ટમાં પ્રાર્થના અવશ્ય ઉમેરો. કેન્સર જેવા હઠીલા દરદથી પીડાતા દર્દીઓ માત્ર પ્રાર્થનાથી, ઈશ્વરી ચમત્કારથી સાજા થયાના પ્રસંગ ડૉક્ટરે એમના આ પુસ્તકમાં નોંધ્યા છે, પ્રાઈમ ટાઈમ ટીવી પર એ દર્દીને રજૂ કરી એમના અનુભવ જાણ્યા છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો આ પ્રસંગ આસ્તિક-નાસ્તિક વિશેની બધી શંકા દૂર કરી દે એવો છે. થોડાં વર્ષ પહેલાં સ્વામીજીને મળવા નામાંકિત ઑસ્ટ્રેલિયન ડૉક્ટર નેવિલ હેકર આવેલા. ઔપચારિક વાતચીત બાદ સ્વામીજીએ સહજ પૂછ્યું, ‘તમે ચર્ચમાં જાઓ ખરા?’
ડૉક્ટર મીઠું મલકતાં કહેઃ ‘ના સ્વામી, મારા માટે તો મારી હૉસ્પિટલ એ જ મારું ચર્ચ.’
જવાબ સાંભળી સ્વામીજીએ એમનો હાથ પકડતાં કહ્યું, ‘એ બરાબર, પણ અઠવાડિયે એક વાર ચર્ચમાં જવાનું રાખો.’
સ્વામીજીની વાત ડૉક્ટરને ખાસ ગમી ન હોય એવું એમના ચહેરાના પરથી લાગ્યું એટલે સ્વામીજીએ એમને બીજો સવાલ કર્યોઃ ‘ડૉક્ટર, ક્યારેક બહુ અઘરું ઑપરેશન સારી રીતે થઈ જાય અને તમને આનંદ આનંદ થઈ જાય એવું બને?’
ડૉક્ટર કહે, ‘હા. કૉમ્પ્લિકેટેડ સર્જરી સક્સેસફુલ થાય તો આનંદ થાય જ.’
સ્વામીજીઃ ‘…અને ક્યારેક સાવ સહેલું ઑપરેશન હોવા છતાં પેશન્ટનું મૃત્યુ થઈ જાય એવું બને?’
ડૉક્ટરઃ ‘ક્યારેક બની જાય એવું…’
સ્વામીજીઃ ‘ક્યારેક કોઈ દર્દીની સારવાર લાંબી ચાલે એવું પણ બનતું હશે.’
ડૉક્ટરઃ ‘જી, બિલકુલ.’
સ્વામીજી શું કહેવા માગતા હતા એ ડૉક્ટર સમજી શકતા નહોતા. એમની મૂંઝવણ પારખી સ્વામીજીએ મંદ સ્મિત વેરતાં કહ્યું, ‘સફળ કે નિષ્ફળ સર્જરીમાં, દર્દી સાજો થાય કે ન થાય, જલદી થાય કે લાંબા સમય બાદ, દરેક પરિસ્થિતિમાં તમારી સ્થિરતા બહુ જરૂરી છે, બરાબર?’
સાંભળીને સ્વામીજીનો હાથ પકડતાં ડૉક્ટરે કહ્યું, ‘સ્વામી, આ જ સવાલનો જવાબ હું વર્ષોથી શોધું છું. ગમે તેવી પરિસ્થિતિમાં મગજ સ્થિર રહે કઈ રીતે?’
સ્વામી કહે, ‘જવાબ આ છેઃ ઈશ્વર કહે છે કે “કર્મ કરવું તમારી ફરજ છે. પેશન્ટને બચાવવા બનતા બધા જ પ્રયાસ કરો. અંતિમ પરિણામ હું નક્કી કરીશ. એ મારી પર છોડી દો.” પછી સ્વામીએ ઉમેર્યુ, ‘તમે ગમે તેટલો પ્રયત્ન કરો, પણ દરદીની આવરદા જ ખૂટી ગઈ હોય તો? એવું પણ બને કે ઈશ્વરે જ નિમિત્ત ઊભું કર્યું હોય એના માંદા પડવાનું, એને પોતાની પાસે બોલાવી લેવાનું.’
સ્વામીજીની વાત સાંભળી ડૉક્ટર નેવિલ સ્તબ્ધ થઈ ગયા. એમના મોંમાંથી માત્ર એટલા જ શબ્દ નીકળ્યાઃ ‘આઈ મસ્ટ ટેક ધિસ વિથ મી.’
તો વાત આ છેઃ જીવનમાં તમારે જે કામ કરવાનાં છે એ માટે અથાગ પરિશ્રમ કરો, તમારી તમામ બુદ્ધિશક્તિ વાપરો અને રાતે સૂતાં પહેલાં બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરોઃ હે પ્રભુ, મેં મારાથી બનતા બધા પ્રયાસ કર્યા. હવે જે પરિણામ આવશે મને મંજૂર છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)