Home Blog Page 1620

રાજકોટમાં 44 કડક નિયમો સાથે યોજાશે લોકમેળો..

ગુજરાતમાં આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. જ્યારે આ તહેવાર સિઝનમાં રાજ્યમાં અનેક જગ્યા પર ભાત ભાતના મેળાનું આયોજન થતું હોય છે. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સાત અને આઠમના તહેવાર નિમિત્તે મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે આ વર્ષે થોડા સમય પહેલા રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને તમામ મેળા તંત્રની ચાપતી નજર રહેશે. ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ પાંચ દિવસના લોકમેળામાં રોજ 5થી 6 લાખ લોકો મેળાને માણે છે. એટલે કે 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે. લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે.

આ લોકમેળાને લઈ સમિતિ દ્વારા એક ફોર્મ બનાવવામાં આવ્યું છે. આ ફોર્મમાં કુલ 44 શરતો આપવામાં આવી છે. આ તમામ શરતો/સૂચનાઓ મેં વાંચી છે. એનો ચુસ્તપણે અમલ કરવા હું બાંયધરી આપું છું તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈપણ બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી અમારી રહેશે, એ બાબતે હું આ સોગંદનામું કરી આપું છું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો એ મુજબની શરતોનું પાલન કરવાની આથી હું બાંયધરી આપું છું. આ સોગંદનામું રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે અન્યથા આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

PGVCL દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, દરેક સ્ટોલ અને પ્લોટ પર CCTV અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. યાંત્રિક રાઈડ્સધારકો માટે ફિટનેસ સર્ટિ. ફરજિયાત છે. આ પ્રકારના 44 નિયમના પાલનની ખાતરી સાથેનું સોગંદનામુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સ્ટોલ અને પ્લોટની સંખ્યા 30 ટકા ઘટાડવામાં આવી છે, જેને લીધે ભાડું મોંઘું થશે. જોકે આગ લાગે કે મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે, એ માટે 5 એન્ટ્રી ગેટ પર ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે, સાથે જ ભીડને કંટ્રોલ કરવા ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે.

ગુજરાત ભાજપમાં ફરી નવાજૂની થવાના એંધાણ ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખ કોણ બનશે તેના માટે અનેક નામોની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને મળ્યા હતાં. ત્યાર બાદ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયાં છે. ત્યારે એવા અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે કે, ગુજરાતના બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. ગુજરાતમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને મંગુભાઈ પટેલ બાદ હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.

નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલનું પદ મળી ચૂક્યું છે. ત્યારે ગુજરાતના વધુ બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના સુત્રો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યપાલના પદની લોટરી લાગી શકે છે. તે ઉપરાંત પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ પણ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.

ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં

કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ 2014માં વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતાં.તે ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને 2019માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપાઈ હતી. જો કે, આગામી 29 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેમજ વજુભાઈ વાળાનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. એવામાં હવે ગુજરાતના વધુ 2 સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ભાજપના સુત્રોમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતના નેતાઓની કામગીરીથી નરેન્દ્ર મોદી પણ સારી રીતે વાકેફ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં.

આ ગુજરાતી જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનથી કરે છે પ્લાન્ટેશન!

થોડાં સમય પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં આવેલ વૈષ્ણોદેવી મંદિર તરફ જવાનો રસ્તો ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જંગલોમાં લાગતી વારંવારની આગની ઘટનાઓને કારણે વૃક્ષો ઓછાં થઈ ગયા છે. પરિણામે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. જેના માટે ગુજરાતની અગ્રણી ડ્રોન કંપની પ્રાઇમ UAV પ્રા. લી. સોલ્યુશન લઈને આવી છે. મહેસાણાની આ ડ્રોન ટીમને દુર્ગમ પહાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા બિયારણ વિખેરી વનીકરણ કરવા માટેનો બહોળો અનુભવ છે. પ્રાઇમ UAV પ્રા. લી. કંપનીના અનુભવ અને ક્ષમતાને જોતા જમ્મુ-કશ્મીર સરકાર અને શ્રાઇન બોર્ડ દ્વારા કંપનીને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

આ અંગે ચિત્રલેખા.કોમએ કંપનીના ફાઉન્ડર, ડિરેક્ટર અને CEO પ્રદીપભાઈ પટેલ સાથે ખાસ વાત કરી. પ્રદીપ પટેલ મૂળ વડનગર તાલુકાના સૂંઢિયા ગામના વતની છે. તેમણે ગણપત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ટેક્નોલોજી કર્યુ છે. તેમના પાસેથી ડ્રોનના વિવિધ ઉપયોગ અને તેનાથી થઈ રહેલા ફાયદાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

ચિત્રલેખા: તમારી પ્રાઇમ UAV પ્રા. લી. કંપની અને તેના કાર્ય અંગે જણાવશો?

પ્રદીપ પટેલ: મેં મારું માસ્ટર પુરૂં કર્યા બાદ થોડોક સમય નોકરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2019માં આ સ્ટાર્ટઅપના ભાગરૂપે પ્રાઇમ UAV પ્રા. લી. કંપની શરૂ કરી. હું આ કંપનીમાં ફાઉન્ડર, ડિરેક્ટર તેમજ CEO છે. મારા સિવાય ટીમમાં હિતેન પટેલ, આશિષ પટેલ, યાજ્ઞિક, ભીષ્મ શર્મા, ગ્રીષ્મા ચૌધરી, કેવિન અને કલ્પેશ એમ 8 લોકો કામ કરી રહ્યા છે. અમારી કંપનીની એક્સપર્ટીઝ એડવાન્સ ડ્રોન ટેક્નોલોજી અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનમાં છે. પરંતુ જેવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને થોડાંક જ સમયમાં કોરોના આવી ગયો. જેના કારણે અમે જે વિચાર્યું હતું તેવું કામ ન કરી શક્યા. તો પણ અમે હાર ન માની. અમારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પોલીસ વિભાગ અને હેલ્થ વિભાગને મદદ કરવા માટે કર્યો. લોક ડાઉન સમયે અમારા ડ્રોન બહાર કે ધાબે ફરતા લોકોની માહિતી પોલીસ વિભાગને આપતા હતા. આ ઉપરાંત હેલ્થ વિભાગને પણ કોવિડ સમયે અમારા ડ્રોન મારફતે ઘણી મદદ કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં જ્યારે તીડનો હુમલો થયો ત્યારે પણ અમે સરકાર સાથે મળીને રાત્રીના સમયે તીડ જે ઝાડો પર બેઠા હોય ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો. આ રીતે એક કે બીજી રીતે અમે સરકારને મદદ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છીએ. કોરોના બાદ સ્થિતિ સામાન્ય થતાં અમે લોકોએ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાન અને કર્ણાટક જેવા વિવિધ રાજ્યોમાં 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તાર પર બીજ વાવણીનું કાર્ય ડ્રોન દ્વારા કર્યું. પ્રાઇમ UAV કંપનીનાના ડ્રોન્સને દુર્ગમ્ય પ્રદેશોમાં પ્રવેશીને બીજનું અસરકારક અને કાર્યક્ષમ રીતે એકસાર રીતે વિતરણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ડ્રોન એરિયલ સિડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે લોકો માનવ માટે અગમ્ય વિસ્તારોમાં જઈને પણ બીજ વાવણી કરવાનું લક્ષ્ય પૂરું પાડીએ છીએ. તેમની આ ટેક્નોલોજી લેન્ડ રિસ્ટોરેશન અને તેના સંરક્ષણમાં મહત્વનું પગલું છે.

શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથેનો તમારો પ્રોજેક્ટ શું છે?

અમારી કંપનીને ડ્રોન દ્વારા વનીકરણ કરવાનો અનુભવ છે. જમ્મુ-કાશ્મીરમાં જંગલોમાં વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ અવાર-નવાર બને છે. આથી સૌપ્રથમવાર ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન તરીકે, શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથે મળીને અમારી કંપની વૈષ્ણોદેવી મંદિર અને જમ્મુ તેમજ કટરાની આસપાસના વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સિડ ડ્રોપિંગથી વૃક્ષારોપણ કરી રહી છે. આ વિસ્તારમાં ભુસ્ખલનની દુર્ઘટનાને અટકાવવા અને વધુ રમણીય બનાવવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ ત્રિકુટા હિલ્સ પર 109 હેક્ટર ક્ષેત્રમાં વનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જે બીજ અમે ડ્રોન દ્વારા વિખેરી રહ્યા છીએ તેમાં મોટાભાગના સ્થાનિક વૃક્ષો છે. જેમ કે પેનકમ, ત્રિફોલીયમ, વાંસ, ખૈર, ફારલાઈ, અર્જુન, સુખ-ચેંકલ અને બોટલ બ્રશ જેવા મૂળ પ્રજાતિના બીજનો સમાવેશ થાય છે. ડ્રોન આધારિત આ બીજ વિતરણ કાર્યક્રમમાં 12 મૂળ પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના મૂળ માટીને મજબૂત બનાવીને સંરક્ષણ આપે છે. જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. સાથે જ સ્થાનિક ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવે છે.

જમ્મુ-કાશ્મીરમાં કામ કરવાનો તમારો અનુભવ કેવો છે?

અમે લોકોએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના જંગલોમાં પણ વનીકરણનું કામ કર્યું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરનો અમારો અનુભવ ખુબ જ અલગ છે. એક તો એકદમ દુર્ગમ જંગલો અને તે પણ ખુબ જ ઉંચાઈ પર. લગભગ 14,000 ફૂટથી ઉપરના એરિયામાં અમારા ડ્રોન દ્વારા બિયારણનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અમારા ડ્રોન લગભગ છ ફૂટ લાંબા અને 25 કિલો વજનના છે. જેને ઉચકીને અમારી ટીમ અનેક કિલોમીટર સુધી ચાલીને પહાડ ઉપર જાય છે. ત્યાં જ આખો દિવસ ટેન્ટમાં રહે છે. અમારી સાથે સુરક્ષા જવાનો પણ હોય છે. ઉપરથી વાતાવરણ પણ ખુબ જ અલગ છે. અમારી દરેક ડ્રોન ફ્લાઈટ લગભગ 10 કિલો બીજનું વિતરણ કરે છે.

તમારા ડ્રોનની કાર્યક્ષમતા અને પરિણામ કેટલું હોય છે?

ફોરેસ્ટ માટેના ડ્રોન પ્રાઇમ UAV પ્રા. લીએ જાતે કસ્ટમાઈઝ કરીને તૈયાર કર્યા છે. આની રેન્જ 5 કિલોમીટરની છે. ધુમ્મસવાળા વાતાવરણમાં તેને બેથી અઢી કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાય છે. આ ડ્રોન 12,000 સી લેવલે ઓપરેટ કરી શકાય છે. ગ્રાઉન્ડ લેવલની સપાટીથી તેને 400 મીટર સુધી ઉડાવી શકાય છે. આ ડ્રોન 10 કિલોગ્રામ વજનના સીડ્સ એકસાથે લઈ જઈ શકે છે. ડ્રોનની અંદર છ મોટર અને 2 GPS સિસ્ટમ લગાવવામાં આવેલી છે. ફુલ્લી ઓટોમેટિક ડ્રોન છે. જેનું ટોટલ ડિસ્પ્લે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. ડ્રોન દ્વારા જ્યાં-જ્યાં બિયારણ નાખવામાં આવે છે તેનાં લોકેશન અને કેટલી માત્રામાં બિયારણ નાખવા છે તે બધું જ આ ડ્રોન ટેક્નોલોજીથી કંટ્રોલ કરી શકાય છે. ડ્રોન ઓપરેટ કરવાના પાયલોટ ગર્વમેન્ટ દ્વારા માન્ય લાયસન્સ ધરાવતા પાયલોટ જ અમે રાખ્યા છે. ફોરેસ્ટ માટેના ડ્રોન 6 ફૂટ પહોળાં અને 25થી લઈને 35 કિલોગ્રામ વજન ધરાવે છે. ડ્રોનની અંદર નાખેલા કેમેરાથી અમે જ્યાં-જ્યાં બિયાંરણ નાખ્યું હોય ત્યાં કેટલી માત્રામાં બિયારણ નાખેલું છે તે બધું જ લાઈવ જોઈ શકીએ છીએ. આમ આ કાર્ય સંપૂર્ણ રીતે ડ્રોનથી કંટ્રોલ કરીને યોગ્ય રીતે પરિણામલક્ષી કામ કરીએ છીએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

નીતિ આયોગની બેઠક: સરકારે મમતા બેનર્જીના આરોપોનો જવાબ આપ્યો

નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઈ રહી છે, જેમાં ઘણા રાજ્યોના સીએમ હાજર છે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમાં હાજરી આપી હતી, પરંતુ તેઓ મીટિંગને અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. સીએમ મમતાએ આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કહ્યું છે કે તેમના બોલવાનો સમય પૂરો થઈ ગયો હતો, જેના કારણે તેમનું માઈક બંધ થઈ ગયું હતું.

દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની બેઠકનો વિરોધ પક્ષોએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને બહિષ્કાર કર્યો હતો, તેમ છતાં મમતા બેનર્જી બેઠકમાં હાજરી આપતા જોવા મળ્યા હતા, પરંતુ તેમણે થોડી જ વારમાં બેઠક છોડી દીધી હતી. મમતા મીટિંગમાંથી બહાર આવી અને મીડિયા સાથે વાત કરી, જેમાં તેણે જણાવ્યું કે મીટિંગમાં તેના બોલવા પર પ્રતિબંધ છે અને માઈક બંધ કરી દેવામાં આવ્યું છે.

બોલતી વખતે માઈક બંધ થઈ ગયું

કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા મમતાએ કહ્યું કે સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે, જ્યારે તેમણે મીટિંગ દરમિયાન ફંડની માંગણી કરી તો તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમને બેઠકમાં માત્ર 5 મિનિટ બોલવાનો સમય આપવામાં આવ્યો હતો. મમતાએ કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષોનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર બિન NDA શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરી રહી છે.

ઓલિમ્પિકના પ્રથમ દિવસે ભારતનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર, શૂટિંગમાં નિરાશાજનક પ્રદર્શન

પેરિસ ઓલિમ્પિક 2024માં સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે (27મી જુલાઈ) ભારતીય શૂટરો પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તેઓએ નિરાશ કર્યા. 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બંને ભારતીય જોડી ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ કરી શકી ન હતી. ઈલાવેનિલ વાલારિવન અને સંદીપ સિંહ 12મા સ્થાને રહ્યા. રમિતા જિંદાલ અને અર્જુન બબુતાએ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. રમિતા-અર્જુને એકંદરે 628.7 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ઈલાવેનિલ-સંદીપ 626.3 અંક મેળવી શક્યા.

માત્ર ટોપ-4 ટીમો જ ફાઇનલમાં પહોંચી

10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં માત્ર ટોપ-4 ટીમો મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી. આ ઈવેન્ટની ફાઈનલ 27મી જુલાઈએ જ યોજાવાની છે. નોંધનીય છે કે ભારત માટે આજે આ એકમાત્ર મેડલ ઇવેન્ટ હતી. ઓલિમ્પિક ગેમ્સના પહેલા દિવસે ભારત તરફથી મેડલ જીતવાનો રેકોર્ડ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુના નામે છે. ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020ના પહેલા દિવસે સિલ્વર મેડલ જીત્યો હતો.

10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારતીય શૂટરોનું પ્રદર્શન

  • રમિતા જિંદાલ- પ્રથમ શ્રેણી: 104.6, બીજી શ્રેણી 104.4, ત્રીજી શ્રેણી 105.5, કુલ: 314.5 પોઇન્ટ
  • અર્જુન બાબૌતા- પ્રથમ શ્રેણી: 104.1, બીજી શ્રેણી 106.2, ત્રીજી શ્રેણી 103.9, કુલ: 314.2 પોઈન્ટ
  • ઈલાવેનિલ વાલારિવાન- પ્રથમ શ્રેણી: 103.4, બીજી શ્રેણી 104.7, ત્રીજી શ્રેણી 104.5, કુલ: 312.6 પોઈન્ટ
  • સંદીપ સિંહ- પ્રથમ શ્રેણીઃ 104.1, બીજી શ્રેણી 105.3, ત્રીજી શ્રેણી 104.3, કુલઃ 313.7 પોઈન્ટ

શૂટિંગમાં ભારતના ચાર મેડલ

ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 4 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જો કે છેલ્લી બે ઓલિમ્પિકમાં ખાતું ખોલી શક્યા ન હતા. પરંતુ આ વખતે ઓલિમ્પિકમાં પદાર્પણ કરનાર શૂટરોથી ભરેલી ટીમ ફ્રાન્સના ચેટોરોક્સમાં યોજાનારી શૂટિંગ સ્પર્ધાની કસોટીમાં સફળ થવાના ઉદ્દેશ્ય સાથે નીકળી પડી છે.

નેશનલ શૂટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NRAI) એ ટીમની પસંદગીમાં વર્તમાન ફોર્મને પ્રાધાન્ય આપ્યું છે અને આશા છે કે આ વખતે તેઓ અહીં મેડલ જીતશે. તેથી જ ક્વોટા વિજેતાઓને પણ ટ્રાયલમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં ઓછા અનુભવી સંદીપ સિંહે 10 મીટર એર રાઈફલમાં ભારત માટે ક્વોટા જીતનાર 2022ના વર્લ્ડ ચેમ્પિયન રુદ્રાંક્ષ પાટીલને હરાવ્યો હતો.

પાટીલે NRAIને પત્ર લખીને ટ્રાયલમાં તેને જાળવી રાખવાની માંગ કરી હતી, પરંતુ ફેડરેશન તેના નિર્ણય પર અડગ રહ્યું હતું. મનુ ભાકર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, અંજુમ મૌદગીલ અને ઈલાવેનિલ વાલારિવાનને બાદ કરતાં અન્ય તમામ શૂટર્સ પ્રથમ વખત ઓલિમ્પિક સ્ટેજનો અનુભવ કરશે.

મનુ ભાકર-સિફ્ટ કૌર પાસેથી અપેક્ષાઓ

ભારત 15 શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યું છે. વિશ્વ સ્પર્ધાઓમાં ઘણા મેડલ જીતનારી 22 વર્ષની મનુ ટોક્યો ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં પિસ્તોલની ખરાબીમાંથી બહાર આવી શકી નહોતી. પરંતુ આ વખતે એને વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે, તે ત્રણ ઇવેન્ટમાં ભાગ લેશે જેમાં 10 મીટર એર પિસ્તોલ, 25 મીટર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિશ્રિત ટીમનો સમાવેશ થાય છે.

ભારતને મુખ્યત્વે ચીન તરફથી પડકારનો સામનો કરવો પડશે જે વિવિધ ઈવેન્ટ્સમાં 21 શૂટર્સને મેદાનમાં ઉતારે છે. અન્ય મહિલા શૂટર, સિફત કૌર સમરા, જેણે એશિયન ગેમ્સમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જે અનુભવી શૂટર્સમાંથી એક છે, તે પુનરાગમન કરી રહી છે અને સિફત સાથે સ્પર્ધા કરશે. મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન રમશે. 20 વર્ષનો રિધમ સાંગવાન 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ એમ બે ઇવેન્ટમાં ભાગ લેશે.

કાશ્મીરના અનંતનાગમાં ભયાનક માર્ગ અકસ્માત

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે એક વાહન ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું અને તેણે નિયંત્રણ ગુમાવ્યું અને ડાકસુમ પાસે રોડ પરથી નીચે ઉતરી ગયું. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જેમાં 5 બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. દરમિયાન, આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં થઈ ભૂલ તો નારાજ થયું દક્ષિણ કોરિયા..?

ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. સ્ટેડિયમમાં યોજાતી રાષ્ટ્રીય પરેડની પરંપરામાંથી વિદાય લેતા, છ કિલોમીટરની પરેડ ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થઈ હતી જેમાં 205 દેશોના 6,800થી વધુ ખેલાડીઓ અને એક શરણાર્થી ઓલિમ્પિક ટીમ પણ 85 બોટમાં સવાર હતી. શનિવારે યોજાનારી સ્પર્ધાઓને કારણે મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો ન હતો. દરમિયાન, દક્ષિણ કોરિયાએ ઉદ્ઘાટન સમારોહમાં એક બાબતને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.

હકીકતમાં દક્ષિણ કોરિયાના ખેલાડીઓ ઉત્તર કોરિયાના નામથી રજૂ થયા હતા. આ પછી દક્ષિણ કોરિયાએ આયોજકોને ફરી આવી ભૂલ ન કરવા કહ્યું.

જ્યારે દક્ષિણ કોરિયાના ખેલાડીઓની બોટ ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ઉદ્ઘોષકે તેમને ‘ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા’ તરીકે રજૂ કર્યા, જે ઉત્તર કોરિયાનું સત્તાવાર નામ છે. દેશનું નામ ફ્રેન્ચ અને અંગ્રેજી બંનેમાં પુનરાવર્તિત થયું. આ પછી, દક્ષિણ કોરિયાના રમત અને સંસ્કૃતિના નાયબ મંત્રી, જેંગ મી રાને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાચને કહ્યું કે આવી ભૂલ ફરીથી ન કરવી જોઈએ.

આ પછી, ઓલિમ્પિક સમિતિએ કહ્યું, અમને અફસોસ છે કે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાએ તરત જ આ મામલાને ગંભીરતાથી લીધો અને ઓલિમ્પિક સમિતિને પોતાનો સંદેશ આપ્યો. નોંધનીય છે કે, દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળમાં 143 એથ્લેટ છે જે 21 ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. દક્ષિણ કોરિયાની ટીમ રિયો 2016 બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.

ઓપનિંગ સેરેમનીની ખાસિયત એ હતી કે ખેલાડીઓની સીન નદી પરની કૂચ. ઈવેન્ટની શરૂઆતમાં, કેમેરાનું ધ્યાન ફ્રાન્સના પ્રમુખ મેક્રોન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વડા થોમસ બાચ પર હતું કારણ કે ફ્રાન્સના ફૂટબોલર ઝિનેદીન ઝિદાનને પ્રી-રેકોર્ડેડ વિડિયોમાં ઓલિમ્પિક મશાલ સાથે પેરિસની શેરીઓમાં દોડતો બતાવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો..

રાજ્યમાં સાવર્ત્રિક વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના માંડલ તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં અને દાહોદના ગરબાડામાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટા ઉદેપુરમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 27 જુલાઈ 2024, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઠ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

યુપીનું રાજકારણ ગરમાયું! CM યોગીની BJP-RSSના નેતાઓ સાથે મુલાકાત

લોકસભા ચૂંટણી બાદથી ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવોની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ સતત નિવેદનબાજી કરી રહ્યા છે. જેના કારણે રાજ્યનું રાજકીય તાપમાન વધી ગયું છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક દિલ્હી પહોંચી ગયા છે.

દિલ્હીમાં સરકારની સાથે યુપી ભાજપ સંગઠન પણ હાજર છે. પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધરમપાલ સિંહ પણ દિલ્હી આવી રહ્યા છે. દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ યુપી ભાજપના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વને પણ મળી શકે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, બ્રિજેશ પાઠક સંગઠન મહાસચિવ ધરમપાલ અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ આ બેઠકનો ભાગ બની શકે છે. આ ઉપરાંત આરએસએસના પૂર્વ યુપી વિસ્તાર પ્રચારક અનિલ કુમાર અને પશ્ચિમ યુપી વિસ્તારના પ્રચારક મહેન્દ્ર શર્મા પણ દિલ્હીમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના સીએમ અને બંને ડેપ્યુટી સીએમ 27 અને 28 તારીખે દિલ્હીમાં રહેશે. આ દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠક સાથે ભાજપના 7 વરિષ્ઠ નેતાઓને મળી શકે છે. સીએમ યોગી આદિત્યનાથ પણ પીએમ મોદીને મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બેઠકમાં સંગઠનના ગ્રાઉન્ડ ફીડબેક, કામદારોની ચિંતાઓ અને ભવિષ્યના રોડમેપ પર પણ ચર્ચા થઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે કમાન સંભાળી છે. તે તમામ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. આ સિવાય તે સમીક્ષા બેઠકમાં ટોચના નેતૃત્વ સાથે ધારાસભ્યોની ભાવનાઓ અને દરખાસ્તો પર ચર્ચા કરી શકે છે.

નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડીને કેમ બહાર નિકળ્યા મમતા બેનર્જી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે?

મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી.

કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છેઃ મમતા

મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી. તેમ છતાં મને બોલવા દેવામાં ન આવી. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.

ભારત’ ગઠબંધનના મુખ્યમંત્રીઓ બેઠકમાંથી દૂર રહ્યા

ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.

મમતા બેઠકમાં હાજરી આપવા આવી હતી

ઉલટું પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓનો અવાજ એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. આ સાથે મમતાએ માંગ કરી હતી કે નીતિ આયોગને નાબૂદ કરવામાં આવે અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવામાં આવે.