Home Blog Page 1570

કોર્ટે CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી

દિલ્હીની કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીએમ કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સંબંધિત ED કેસમાં સીએમ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી રાહત મળી નથી, તેથી તેઓ જેલમાં છે.

ED બાદ CBIની ધરપકડ

આ પહેલા EDએ 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈએ 26 જૂને સીએમ કેજરીવાલની કોર્ટમાંથી ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ જામીન આપ્યા હતા

દિલ્હીની નીચલી અદાલતે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલને 20 જૂને જામીન આપ્યા હતા. પરંતુ દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ પછી 12 જુલાઈના રોજ સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

‘એંગ્રી યંગ મેન’ની ટ્રેલર ઈવેન્ટમાં અખ્તર અને ખાન પરિવાર સાથે સાથે

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તરના જીવન પર આધારિત બહુપ્રતિક્ષિત સિરીઝ ‘એંગ્રી યંગ મેન’ 20 ઓગસ્ટથી પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.’એંગ્રી યંગ મેન’ના સ્ટ્રીમિંગ પહેલા તેનું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સલીમ ખાન અને જાવેદ અખ્તર સહિત સલમાન ખાન અને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતાં.

(તસવીર: દીપક ધુરી)

‘ગ્રે ડિવોર્સ’ પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય અનુકરણ

લોપાએ માતા સુરેખાબહેનને કોલ કર્યો. આજે દીકરીનો અવાજ જરા વધુ ભારે સાંભળી માતાએ પૂછ્યું બેટા આજે પણ માથાકૂટ થઈ. લોપાએ રડમસ અવાજે કહ્યું જવા દે મમ્મી આ તો રોજનું થઈ ગયું છે. મન તો થાય છે આ બધુ છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં પણ શું કરુ હેતનો ચહેરો જોવું છું એટલે ન મને જીવું છું. માતાએ કાયમની જેમ જ દીકરીને સાંત્વના આપી. થોડા વર્ષો પછી લોપા કાયમ માતાને ત્યાં આવી ગઈ. હા 52 વર્ષની લોપાએ પતિ સંકેત સાથે છૂટાછેડા લઈ લીધા. માતા સુરેખાબહેને એને સહકાર આપ્યો કારણ કે એ જાણતા હતા કે જો લોપા વધારે ત્યાં રહેશે તો કદાચ એ જીવી નહીં શકે. આખરે એવું તો શુ થયું કે દિકરો 18 વર્ષનો થયો પછી લોપાએ પતિને છૂટાછેડા આપવા પડ્યા. શું સમાજ આવા ડિવોર્સને સ્વીકારે છે ? એવા કયા કારણો છે જેના કારણે વર્ષો સાથે રહ્યા પછી પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જાય છે? આખરે આ ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે ?

કોને કહેવાય ગ્રે ડિવોર્સ ?

એક બાજુ મોટી ઉંમરે બીજી વખત થતા લગ્નનું પ્રમાણ વધ્યું છે જેને સમાજ ધીમે ધીમે આવકારી રહ્યો છે. ત્યારે બીજી બાજુ મોટી ઉંમરે ડિવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે. જેને હવે ગ્રે ડિવોર્સ તરીકે ઓળખવામાં આવે છે. 50 વર્ષથી વધુ ઉંમરના પરિણીત યુગલો જ્યારે ડિવોર્સ લેવાનો નિર્ણય કરે છે ત્યારે આ ડિવોર્સ ‘ગ્રે ડિવોર્સ’ કહેવાય છે. જો કે અન્ય આધુનિક ટ્રેન્ડની જેમ આ ટ્રેન્ડ પણ પશ્ચિમના દેશોમાં જ જોવા મળતો હતો, જ્યાં વૃદ્ધ લોકો તેમના જીવનના અંતિમ તબક્કે છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. પરંતુ હવે ભારતમાં પણ આનું પ્રમાણ ક્રમશ: વધી રહ્યું છે.

પતિ-પત્ની એકબીજાનો સહારો

અંકલેશ્વરના સોશિયલ એક્ટિવિસ્ટ દિપ્તી જોશી ચિત્રલેખા.કોમને કહે છે કે,  હકીકતમાં મોટી ઉંમરે તો પતિ-પત્નીને એકબીજાનો સહારો હોય છે. આખું જીવન કદાચ લડતા-ઝઘડતા જતું રહે પરંતુ ઘડપણ તો એકબીજાના સાથ અને સહકારથી જ પસાર થાય. આ ડિવોર્સમાં વાત માત્ર મહિલા કે પુરુષની નથી પરંતુ એની સાથે બાળકોની પણ છે. આપણે ત્યાં હજુ પણ સમાજ અને પરિવારને બધાથી પર રાખવામાં આવે છે. ગ્રે ડિવોર્સ પરિવારો અને સમાજને અસર કરે છે. વૃદ્ધાવસ્થામાં છૂટાછેડા ભાવનાત્મક રીતે પણ મુશ્કેલી ભર્યા છે. આ એવો સમય છે જ્યાં યોગ્ય સમર્થન અને માર્ગદર્શન સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી શકાય છે.

 

 મહિલાની સહન શક્તિ ઘટે છે

અમદાવાદ ફેમિલી કોર્ટના વકીલ દામિની ઠાકર ચિત્રલેખા.કોમને કહે છે, એક ઉંમર પછી માણસની સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. ખાસ કરીને જે મહિલાઓ પરિવાર, પતિ બધાની સાચી-ખોટી વાતો સહન કરતી હોય એ મહિલાને અમુક ઉંમર પછી સહન કરવું શક્ય નથી રહેતું. બીજી તરફ પરુષોનો સ્વભાવ ગમે એ ઉંમરે સરખો જ રહે છે, જલ્દી બદલાતો નથી. અન્ય એક વાત ગ્રે ડિવોર્સ માટે એ પણ છે કે મહિલાઓ માત્ર પત્નીની ભૂમિકામાં નથી રહી શકતી. એને સારી રીતે માતાની ફરજ પણ નિભાવવાની હોય છે. આવા સમયે ઉંમરના એક પડાવ પછી પુરુષ પત્નીને માત્ર સંતાનોની માતા તરીકે જોવે છે. એમને પત્નીમાં રસ ઓછો થતો જાય છે. ઘણી વખત આ તણાવ એટલો વધે છે કે એ વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

 

સંબંધ જુનો થાય એમ વધુ મજબૂત બને

મે તો હંમેશા મારા વડીલો પાસેથી એજ સાંભળ્યું છે કે સબંધ જેમ જુનો થાય એમ પાક્કો થાય. આ શબ્દો છે ગૃહિણી અર્ચના ચંદ્રેશભાઈ બારોટના.  ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, ઉંમરના એક પડાવ પછી જરૂરી છે એકબીજાની લાગણી, ઈચ્છાઓ અને જરૂરિયાતોને માન આપવાની. સંબંધમાં આદર અને પરસ્પર આદરપૂર્ણ વર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પાર્ટનરને નાની-નાની રીતે આદરની અનુભૂતિ કરાવી, એમના અભિપ્રાયનું મૂલ્યાંકન કરવું વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ પાર્ટનર માટે સમય નીકાળવો જરૂરી છે.  સાથે સમય પસાર કરવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે ટ્રીપ પર જવું, સાથે મળીને કોઈ શોખ કરવો અથવા માત્ર સાથે બેસીને વાતો કરવી, આ બધું સંબંધોને તાજા રાખે છે. આપણી સંસ્કૃતિ ગ્રે ડિવોર્સને પ્રોત્સાહન નથી આપતી. આપણા સમાજમાં સાથે જીવતા અને છેક સુધી સાથ નિભાવતા કપલ વધુ જોવા મળે છે.

ગ્રે ડિવોર્સ પાછળ જવાબદાર કારણો

-ગ્રે ડિવોર્સ લેવાના નિર્ણય પાછળ આર્થિક સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ પરિબળ છે. એક સમયે સ્ત્રી, આર્થિક રીતે પતિ પર નિર્ભર હતી એ હવે આર્થિક રીતે સ્વતંત્ર બની ગઈ છે અને પોતાના જીવનના નિર્ણય જાતે લેવા સક્ષમ છે

– નિવૃત્તિ પછી તણાવમાં વધારો, જાતીય ઇચ્છામાં ઘટાડો વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ આર્થિક સંકટને જન્મ આપે છે પરિણામ ગ્રે ડિવોર્સ તરફ દોરી જાય છે

-લગ્નજીવનમાં કોમ્યુનિકેશન સૌથી મહત્ત્વનું છે. ઘણી વખત એકબીજા સાથે વાતચીતના અભાવને કારણે સંબંધોમાં અંતર વધી જાય છે. લાગણીઓ અને વિચારો જીવનસાથી સાથે નિયમિતપણે શેર ન થતા બંને એકબીજાથી દૂર થાય છે

-નાણાકીય સમસ્યા પણ ક્યારેક ગ્રે ડિવોર્સનું કારણ બની જાય છે. એકબીજાનો નાણાકીય દ્રષ્ટિકોણ ન સમજવો અને અનાદર કરવાથી મોટા પ્રોબ્લેમ ઉભા થાય છે.

એન્ટરટેનમેન્ટની દુનિયામાં ગ્રે ડિવોર્સ એ નવી વાત નથી આમિર ખાનથી લઈને મલાઈકા અરોરા હોય કે પછી હોલીવૂડ સ્ટાર હોય. લગ્નના 20-25 વર્ષ પછી ડિવોર્સ લઈને બીજા લગ્ન પણ કરી લે છે. પરંતુ આપણા સમાજના વાડા હજુ પણ આ બધામાં માનતા નથી. હા ફાવે નહીં તો છુટા થઈ જવું આ વાત ઘણી વાર બોલાય છે પરંતુ જ્યારે ખરેખર છૂટા થવાનું થાય તો સો વખત વિચાર આવે. છતાં ગ્રે ડિવોર્સ હવે ધીમે ધીમે સમાજમાં પ્રવેશી રહ્યો છે. એ વાત નકારી પણ ન શકાય.

હેતલ રાવ

કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં BAPS મંદિરની 50મી વર્ષગાંઠે સન્માન કરાયું

અમેરિકા: કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાએ ઉત્તર અમેરિકામાં પ્રથમ BAPS મંદિરની 50મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે એક ઠરાવ પસાર કર્યો. ડિસ્ટ્રિક્ટ 24ના એસેમ્બલી મેમ્બર એલેક્સ લી દ્વારા રજૂ કરાયેલ અને એસેમ્બલી મેમ્બર્સ સ્ટેફની ન્ગ્યુએન, એશ કાલરા, લિઝ ઓર્ટેગા અને ફિલિપ ચેન દ્વારા સહ-પ્રાયોજિત, આ ઠરાવ BAPS સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે.સમગ્ર કેલિફોર્નિયામાંથી સ્વયંસેવકો એસેમ્બલી ચેમ્બરમાં પ્રસંગની ઉજવણી કરવા સેક્રામેન્ટોના સ્ટેટ કેપિટોલમાં એકઠા થયા હતા, જે સમુદાયના અપાર ગૌરવ અને આનંદનું પ્રતિબિંબ છે. એસેમ્બલી મેમ્બર એલેક્સ લીએ BAPSના કાર્યો અને તેની અસરની પ્રશંસા કરતા કહ્યું, “આ વર્ષે ઉત્તર અમેરિકામાં BAPSની 50મી વર્ષગાંઠ છે. 1974 થી BAPS અહીં કાર્યરત છે. આ એ સંસ્થા છે જે આધ્યાત્મિકતા અને સેવાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો, માનવતાવાદી પ્રયાસો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પહેલો દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 1974માં સ્થપાયેલ, ઉત્તર અમેરિકાના પ્રથમ BAPS મંદિરનું નિર્માણ ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી, BAPS એ તેની ઉત્તર અમેરિકાની હાજરીને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 100થી વધુ મંદિરોમાં વિસ્તારી છે. જેમાં પરંપરાગત છ હિન્દુ મંદિરો તેમજ રોબિન્સવિલે અને ન્યૂ જર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનો પણ સમાવેશ થાય છે.

બેંકે અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ કરી સીલ

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. બેંક દ્વારા અભિનેતાની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કોઈ નવી વાત નથી પણ વર્ષ 2012નો મામલો છે. આ આખી ઘટના અભિનેતાની ફિલ્મ ‘આતા પતા લપતા’ સાથે સંબંધિત છે, જેનું દિગ્દર્શન રાજપાલે પોતે કર્યું હતું અને તેની પત્ની રાધા યાદવ તેની નિર્માતા હતી.

 

રાજપાલ યાદવે આ ફિલ્મ બનાવવા માટે બધું લગાવી દીધું હતું. તેણે આ ફિલ્મ માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખામાંથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અભિનેતાએ આ ફિલ્મ બનાવવા માટે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લોન માટે તેણે ગેરંટી તરીકે પોતાના પિતાના નામે જમીન અને મકાન ગીરો રાખ્યું હતું. હવે સમાચાર છે કે લોનની ચુકવણી ન કરી શકવાને કારણે બેંકે શાહજહાંપુરમાં આવેલી તેમની કરોડોની સંપત્તિ, શેઠ એન્ક્લેવને જપ્ત કરી લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજપાલે 3 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે વધીને 11 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રાજપાલની સંપત્તિ પર બેંકનું બેનર
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ બે દિવસ પહેલા શાહજહાંપુર પહોંચ્યા હતા. ટીમે રવિવારે ખૂબ જ ગુપ્ત રીતે રાજપાલની પ્રોપર્ટી પર એક બેંક બેનર લગાવ્યું હતું, જેના પર લખ્યું હતું કે આ પ્રોપર્ટી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈની છે અને તેના પર કોઈ પણ પ્રકારની ખરીદી કે વેચાણ ન કરવું જોઈએ.

અંદર ચાલતું કુલર પણ બંધ કરાયું ન હતું
રાજપાલ યાદવે કચરી ઓવરબ્રિજ પાસે આ પ્રોપર્ટી માર્બલ વેચનારને ભાડે આપી છે. બેંકની ટીમે બિલ્ડિંગના ગેટ પરના તાળાને સીલ કરી દીધું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કામ એટલી ઝડપથી કરવામાં આવ્યું હતું કે અંદર ચાલતું કુલર પણ બંધ નહોતું થયું.

રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું
નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2018માં પણ રાજપાલને 3 મહિના માટે જેલમાં જવું પડ્યું હતું. દિલ્હી સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સે રાજપાલ યાદવની કંપની ‘શ્રી નૌરંગ ગોદાવરી એન્ટરટેઈનમેન્ટ’ વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો હતો. રાજપાલે આ લોન વર્ષ 2010માં લીધી હતી.

કોંગ્રેસ 22 ઓગસ્ટથી દેશવ્યાપી વિરોધ-પ્રદર્શન કરશે

નવી દિલ્હીઃ સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે હિંડનબર્ગના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા સેબીનાં ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કોંગ્રેસના પ્રદર્શનના કેન્દ્રમાં હશે. કોંગ્રેસ  22 ઓગસ્ટે દેશભરમાં વિરોધ-પ્રદર્શન કરશે અને ED ઓફિસનો ઘેરાવ કરશે.

દિલ્હીમાં AICC મહાસચિવ અને કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે 22 ઓગસ્ટે દેશમાં રાષ્ટ્રીય સ્તરનું મોટું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં EDની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરપર્સનને પદ પરથી હટાવવાની માગ કરીશું.

અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં AICC મહાસચિવ, પ્રભારી અને PCC પ્રમુખોની બેઠક બોલાવી હતી. અમે અત્યારે દેશમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી છે. અમે સર્વસંમતિથી હિંડનબર્ગના ખુલાસા મુદ્દે પર માગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતાં હિંડનબર્ગ રિપોર્ટની JPC તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે  આ મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડશે. હું ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીશ.

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કોંગ્રેસે સવાલ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશો છતાં સેબીએ તપાસમાં સક્રિયતા દાખવી. તેમણે આરોપ લગાવ્યો કે તાજેતરનો હિંડનબર્ગ રિપોર્ટ દર્શાવે છે કે મોદી સરકારે સેબીની પારદર્શિતાને નષ્ટ કરી છે.

 

સમજથી ક્યાંય ઉપર શ્રદ્ધા રહેલી છે!

ખેડા: રઢુ એ વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે ખેડા જિલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ. છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદીમાં એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર મહારાજની જન્મભૂમિ અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જે દાદાના હુલામણાં નામે પણ પ્રખ્યાત છે. અદ્ભુત પ્રાચીન ઈતિહાસ છે આ મંદિરનો. જેની સામે બધી જ સમજદારી અને નાસ્તિકતા અવળી પડે છે.કામનાથ દાદાના મંદિરનો ઈતિહાસ 629 વર્ષ જૂનો છે. ગુજરાતમાં આવેલું આ એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. મંદિરમાં ઘી ભરેલા 1300 ઘડા મુકવા હવે મંદિરમાં જગ્યા ઓછી પડે છે. સાચવણી માટે ચાર ધી ભંડાર બનાવાયા છે.પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામાં સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. અંદાજે ૨૦ હજાર કિલો ઘી હશે જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી. માન્યતા પ્રમાણે આ ઘીને મંદિરની બહાર લઇ જવાતું નથી કે કોઈજ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલાજ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. જેમાં દરરોજ દસ કિલો ઘી વપરાય છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ધી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં મહિના દરમિયાન સાઈઠ સિત્તેર ઘડા ધી વપરાશમાં લેવાય છે. કેટલુંય ધી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી પ્રથમ વલોણાનું ઘી મંદિરમાં અપર્ણ કરાય છે. સાથે દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્તાઓ રાખે છે જે પૂરી થતા ધી ચડાવે છે. કિલોથી લઈને ધીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારા લોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષો પુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.

પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી 629 વર્ષ પહેલાં આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. જેસંગભાઇ અને ગ્રામજનો રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામેથી જ્યોત રૂપે દીવો લઈને આવ્યા. ત્યારથી આ સ્થાનનું મહત્વ જળવાઈ રહ્યું છે.  મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને મફતમાં જમવાની રહેવાની વ્યવસ્થા પૂરી પડાય છે. આ મહાદેવના મંદિરમાંના ટ્રસ્ટી તરીકે વર્ષો સેવા આપી ચુકેલા સ્વ. ગોવિંદભાઈ મોતીભાઈ મારા સસરા હતા, એ નાતે આ બધા સાથે અંગત પરિચય છે જેના આધારે કહી શકું તેમ છું કે આ કોઈ તર્ક નથી પરંતુ સંપૂર્ણ સત્ય છે. ભક્તોના સહયોગ અને સહકારથી અહીની તમામ પ્રવૃત્તિઓ નિઃશુલ્ક ચાલે છે.ભક્તિમાં શ્રધ્ધાની પોતાની જગ્યા છે. મારી માટે પણ આ મંદિર અને તેની માટેની શ્રધ્ધા અવિચલ છે. જ્યારે પણ ત્યાં જાઉં તો કૈલાસ જેવા પવિત્ર ધામમાં હોવાનો ભાષ થાય છે. આવી માન્યતાઓ અને અચંબિત કરતા દાખલાઓ સંસ્કૃતિનાં ધરોહર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે. પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો એ હકીકત છે.

(રેખા પટેલ – ડેલાવર)

હીરા ઉદ્યોગમાં હજ્જારો શ્રમિકો પર છટણીની લટકતી તલવાર

અમદાવાદઃ રાજ્યમાં હીરા વેપારની માઠી દશા બેઠી છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધને કારણે રાજ્યના હીરાની માગમાં ઘટાડો થયો છે. માગ ઘટવાથી હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. જેને પગલે હીરાના કારખાનાઓમાં કારીગરોની છટણી કરવામાં આવી રહી છે અને હજ્જારો શ્રમિકો પર છટણીની તલવાર લટકી રહી છે. સુરત શહેર છ લાખ કારીગરોને રોજગારી પૂરી પાડે છે.

હાલમાં વિશ્વની સૌથી મોટી હીરાનું ઉત્પાદન કરતી કંપની જેમ્સ એન્ડ ડાયમન્ડસ સહિત સુરતમાં અનેક હીરા યુનિટ્સે 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસો માટે કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક કંપનીઓએ કારીગરોને લાંબી રજાઓ લેવાનો વિકલ્પ આપ્યો છે અને કામ કરવાના કલાકો ઓછા કરવા કે કામકાજના દિવસોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કંપનીઓ પાસે માલભરાવો, ઘટતી કિંમત અને જિયો પોલિટિકલ ટેન્શનને કારણે ઘટતી નિકાસ છે.

હાલમાં સુરતમાં હીરાના 3500 કારખાનાં ચાલુ છે. સુરતના હીરા ઉદ્યોગમાં આશરે આઠ લાખ શ્રમિકો કાર્યરત છે, જે 500થી વધુ એકમોના માધ્યમથી દેશના 80 ટકા કાચા હીરાનું કટિંગ, પોલિશિંગનું કામ કરે છે. દેશમાં રશિયાથી વાર્ષિક આશરે 80,000 કરોડના રફ ડાયમન્ડ ઇમ્પોર્ટ થાય છે. યુક્રેનની સાથે યુદ્ધમાં વ્યસ્ત હોવાથી રશિયાની હીરાની આયાત ઘટી છે. એનાથી સુરતમાં હીરા કારીગરોની પાસે કામ નથી. એક અંદાજ અનુસાર રફ ડાયમંડની આયાત 29 ટકા ઘટી ગઈ છે.

ભારતીય રત્ન અને આભૂષણ ઉદ્યોગમાં ભારે મંદીનો દોર પણ ચાલી રહ્યો છે, જેની કુલ નિકાસ 32.02 અબજ ડોલર (રૂ. 263 લાખ કરોડ) રહી છે, જે પાછલા વર્ષની તુલનાએ 15 ટકા ઘટી છે. જે ત્રણ વર્ષના નીચલા સ્તરે છે.

 

 

 

 

 

 

સ્કૂલમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે ગુજરાત સરકારની કાર્યવાહી

ગુજરાતમાં શાળામાં ચાલુ ફરજે છુમંતર થયેલા શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં શાળામાંથી ગાયબ થયેલા અથવા તો સસ્પેન્ડ થઈને ઘરે બેઠા પગાર મેળવતા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે શાળામાં ગેર હાજર રહેતા 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ કેટલાક શિક્ષકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આણંદ,કચ્છ અને રાજકોટના શિક્ષક સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16 અને અન્ય જિલ્લાઓમાં પણ સસ્પેન્ડ થયેલાને બરતરફ ઓર્ડર પકડાવવામાં આવ્યાં છે.

70 માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ

ગુજરાતમાં શાળામાં ફરજ હોવા છતાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં સ્થાઈ થઈ ગયાં છે. આવા શિક્ષકો સામે ફરિયાદો ઉઠતાં સરકાર અને શિક્ષણ વિભાગ સફાળો જાગ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.

ગુજરાત: સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય

CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય છે. જેમાં સરકારી કર્મચારીઓ માટે LTC, વતન પ્રવાસ માટે વંદે ભારત ટ્રેનને માન્યતા અપાઇ છે. તેમાં 6000 કિમીની મર્યાદામાં પ્રવાસનો લાભ મળશે. તેમજ સરકારી કર્મીઓેને પ્રવાસનો લાભ દર 4 વર્ષે મળશે. તથા વર્ષ 2020-23ના બ્લોકથી જ લાભ મળશે.

રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.