Home Blog Page 1555

ગણપત યુનિવર્સિટીમાં લાઇબ્રેરીયન-ડેની ઉત્સાહભેર ઉજવણી !

મહેસાણા: ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ તરીકે પ્રસિદ્ધ ડોક્ટર શિયાલી રામામૃત રંગનાથન પ્રસિદ્ધ છે. તેમણે ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના યુગની શરૂઆત કરી હતી. તેમની જન્મ જયંતી લાઇબ્રેરી દિવસ તરીકે ઉજવાય છે. ગણપતિ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ફાર્મસી ફેકલ્ટીની શ્રી એસ.કે પટેલ કોલેજ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તેમજ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણી નિમિત્તે ફેક્લ્ટી ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં બે દિવસ માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શિયાલી રામામૃત રંગનાથનના ગ્રંથાલય ક્ષેત્રના મહાન પ્રદાન માટે એમને શ્રદ્ધાંજલિ રૂપે આ પ્રદર્શન યોજાયું હતું. પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું ઉદ્ઘાટન ગ્રંથાલય વિશેષજ્ઞ ગિરીશભાઈ કાપડિયા, પ્રો. ડો. કેયુર ભટ્ટ, પ્રો. ડો. સંજીવ આચાર્ય, પ્રો.ડો. પરેશ પટેલ અને પ્રો. ડો. રાજેશ ભોંસલે દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગિરીશભાઈએ જણાવ્યું, ‘પુસ્તકોની વિષયવાર ગોઠવણી તથા દરેક વાચકને તેનું પુસ્તક મળી રહે તેમજ દરેક પુસ્તકને તેનો વાચક મળી રહે તેવી વ્યવસ્થા દરેક ગ્રંથાલયે કરવાની હોય છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જ્ઞાન વધે એ માટે લાઇબ્રેરિયને પ્રયત્નો કરવાના હોય છે.’લગભગ 725 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને લગભગ 2000થી વધુ પુસ્તકોના આ પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.

‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ બન્યું ૮૪થી વધુ ખેલાડી માટે ‘ખેલ-ગુરુકુળ’

સાપુતારા: ચારે બાજુ આભને આંબતી ગિરિમાળાની શ્રુંખલાઓ, વાદળ જાણે ડુંગરોને સ્પર્શવાની સ્પર્ધામાં હોય, લીલીછમ્મ હરિયાળી જાણે હમણાં કંઈક બોલી ઊઠવાની ઉતાવળમાં હોય અને આવા આહલાદક અને નયનરમ્ય વાતાવરણમાં પણ ‘મન, મસ્તિષ્ક અને નજર બધું જ નિશાના પર લગાવીને પોતાની ઈચ્છાઓને તાકવા તત્પર બેઠેલા નાના નાના તિરંદાજ યુવક-યુવતીઓને એક સાથે નિશાન તાકતા જોવા હોય કે એક સાથે સંખ્યાબંધ બાળકોને હોકી સ્ટીક સાથે બોલને મારતા અને નિયંત્રણ કરતા જોવા હોય તો સાપુતારા જવું જ પડે… ગુજરાતના એક માત્ર ગિરિમથક એવા સાપુતારાનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ એટલે આવા તિરાંદાજો અને હોકી સાથે અનેકવિધ રમતોનું કૌશલ્યવર્ધન કેન્દ્ર.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ને વર્ષ ૨૦૧૩-૧૪થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ‘ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ તરીકે  કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં રમત-ગમતને પ્રાધાન્ય અપાયું છે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરાય છે. તેની પાછળ રાજ્યભરમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે તે મુખ્ય ઉદ્દેશ છે.

સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ૮૪થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે. ડાંગ જિલ્લાની સ્નેહા જીરવાલ વર્ષ 2020માં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ 2024ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. તેના પિતાજી સ્થાનિક કક્ષાએ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. સ્નેહાના કઠોર પરિશ્રમને જોતાં રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ જણાવે છે.માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ-માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને રમવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં ઉત્તમ કક્ષાની તાલીમ મળે છે.’

અહીંના કોચ શ્રી અલ્કેશ પટેલ કહે છે કે, ‘કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું છે. કિંજલ U-14માં રાષ્ટ્રીય કક્ષાએ હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે. કિંજલ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ વધી રહી છે.’

આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ (PT) ખેલાડી તરીકે 2022માં સાપુતારાના આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જોડાઈ હતી. તેના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરવા સજ્જ છે.

‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ ૮૪ ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં 44 બહેનો અને 40 ભાઈઓ એટલે કે કુલ 84 ખેલાડીઓનો સમાવેશ થયો છે. જેમાં એથ્લેટિક્સમાં 5 ખેલાડીઓ, આર્ચરીમાં 13, હોકીમાં 32, અને વાય. ટી.માં 24 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં એક કોચ અને એક ટ્રેનર તેમજ આર્ચરીમાં એક કોચ અને એક ટ્રેનર અને હોકીમાં પણ એક કોચ અને એક ટ્રેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તદુપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા-જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કર્યા છે. વાય.ટીમાં ખેલ મહાકુંભના અંડર -૯  અને અંડર -૧૧ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક ૪૦૦ મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકિંગની તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે.ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ 4*400 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સરિતાએ વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે 400 મીટર હડલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે મુરલી કુમાર ગાવીતે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે મેન્સ 10,000 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

સાપુતારામાં આવેલું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ મનાય છે. દરિયાની સપાટીથી 1500 મીટરની ઊંચાઈ પર આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ અને તૈયારી કરાવાય તો ઓછા ઓક્સિજન ધરાવતા માહોલમાં પણ ખેલાડી સારું પરફોર્મ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આવા માહોલમાં તાલીમ કરાવવી જરૂરી છે.

ચીનની અવળચંડાઈ : LAC પાસે 6 હેલી સ્ટ્રીપ બનાવી

ચીન ફરી એકવાર બોર્ડર પર કાવતરું કરી રહ્યું છે. ચીની સેનાએ લદ્દાખની સરહદે આવેલા LAC પર છ નવી હેલિસ્ટ્રીપ બનાવી છે. આ વાતનો ખુલાસો સેટેલાઇટ ફોટો દ્વારા થયો છે. જ્યાં હેલિસ્ટસ્ટ્રીપ બનાવવામાં આવી છે તે જગ્યા પશ્ચિમ તિબેટમાં આવેલી છે. લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ છે, જેના કારણે ખતરો વધુ વધી જાય છે. હાલમાં આ મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ગેયાયી નામના સ્થળે હેલી પટ્ટી બનાવવામાં આવી છે. અહીં બાંધકામનું કામ હજુ પૂર્ણ થયું નથી. હેલી-સ્ટ્રીપનું બાંધકામ એપ્રિલ 2024માં શરૂ થયું હતું. તસવીરો દર્શાવે છે કે અહીં છ હેલિસ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે. મતલબ કે માત્ર 1 કે 2 હેલિકોપ્ટર નહીં, પરંતુ અડધો ડઝનથી ડઝન હેલિકોપ્ટર એક સાથે અહીં તૈનાત થઈ શકે છે. તે લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઈલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 માઈલ દૂર છે. ડેમચોક ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સંઘર્ષનું ક્ષેત્ર છે.

ચીનની સેના ઘણીવાર હેલિપેડ અથવા એલએસી નજીક બાંધકામ કરતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે આ વિસ્તારમાં ઘણા રસ્તાઓ પણ બનાવ્યા છે. ભારતે લદ્દાખને અડીને આવેલા ચીની ભાગ પર પણ પોતાની દેખરેખ વધારી દીધી છે. એટલું જ નહીં પરંતુ 2020માં ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકોની તૈનાતી પણ વધારી દીધી છે. તે જ સમયે, રસ્તાઓનું મજબૂત નેટવર્ક બિછાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ચીન સામે કાર્યવાહી કરી શકાય. ભારતે અહીં ઘણા આધુનિક શસ્ત્રો પણ તૈનાત કર્યા છે.

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં આજથી ફરી વરસાદની આગારી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે આજે સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નવસાારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં મધ્યમ વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરામાં હળવા વરસાદની આગાહી છે.


અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી તથા પોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, મોરબી અને મહેસાણા, પાટણ તથા સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. તેમજ આણંદ, નડિયાદ, વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે .આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

ICCએ બાંગ્લાદેશ પાસેથી T20 વર્લ્ડ કપની યજમાની છીનવી

ICC એ બાંગ્લાદેશમાં ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું.ICCની વેબસાઈટ પર જારી કરાયેલા રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં યોજાનાર 2024 મહિલા ટી20 વર્લ્ડ કપ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે.

ICC રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ હવે UAEમાં રમાશે. જોકે ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે રહેશે. તમને જણાવી દઈએ કે 3 થી 20 ઓક્ટોબરની વચ્ચે યુએઈમાં 2 સ્થળોએ મહિલા T20 વર્લ્ડ કપ રમાશે, જેમાં દુબઈ અને શારજાહનો સમાવેશ થાય છે.

ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું, તે શરમજનક છે કે બાંગ્લાદેશ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરી શકશે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ એક યાદગાર ઇવેન્ટ યોજશે.

 

દેશમાં 58 ટકા બ્લુ કોલરની માસિક આવક રૂ. 20,000થી ઓછી

નવી દિલ્હીઃ દેશમાં બ્લુ કોલર વર્કર્સ કેટલી કમાણી કરે છે? દેશમાં મોટા ભાગના બ્લુ કોલર વર્કર્સ એટલી કમાણી કરે છે, જેનાથી તેમના ઘર, જવા અને બાળકોના શિક્ષણના ખર્ચ માટે માટે પણ માંડ નીકળે છે, એમ એક નવો રિપોર્ટ કહે છે.

દેશમાં 57.63 ટકાથી વધુ બ્લુ કોલર નોકરીઓમાં પ્રતિ મહિને રૂ. 20,000 અથવા તેનાથી ઓછી કમાણી થાય છે. એનો અર્થ એ છે કે મોટા ભાગના બ્લુ કોલર વર્કર્સને બહુ ઓછા પૈસા મળે છે, જેનાથી તેમનો જીવનનિર્વાહ ખર્ચ મુશ્કેલથી નીકળે છે. રિપોર્ટ કહે છે કે 29.34 ટકા બ્લુ કોલર વર્કર્સની કમાણી રૂ. 20,000થી રૂ. 40,000ની વચ્ચે હોય છે. આ કામદારોની સ્થિતિ થોડી સારી હોય છે, પણ તેમની સારી લાઇફસ્ટાઇલ જીવવા માટે પૈસા હજી ઓછા પડે છે. દૈનિક જરૂરિયાતો તો પૂરી થાય છે, પણ સેવિંગ માટે ઓછા પૈસા બચે છે.

રિપોર્ટ કહે છે કે રૂ. 40,000થી રૂ. 60,000ની કમાણી કરતા માત્ર 10.71 ટકા બ્લુ કોલર્સ વર્કર્સ છે. એ લોકો બહોળા અનુભવને આધારે વધુ કમાણી કરે છે, આવા લોકો બહુ ઓછા હોય છે, પણ આવાં કામ તેમને ઓછા મળે છે.

આ સાથે રૂ. 60,000થી વધુ કમાણી કરવાવાળા બ્લુ કોલર વર્કર્સ માત્ર 2.31 ટકા છે, પણ તેમના પર બહુ મોટી જવાબદારી હોય છે અને આવા લોકો બહુ ઓછા હોય છે. અકાઉન્ટ્સમાં કામ કરતા 24.71 ટકા લોકો રૂ. 40,000થી વધુ કમાણી કરે છે, કેમ કે પૈસાનો હિસાબ-કિતાબ ઠીકથી કરવું જરૂરી હોય છે, એમ અહેવાલ કહે છે. મોટા ભાગના બ્લુ કોલર વર્કર્સ 18થી 30 વર્ષના હોય છે. આ બાંધકામ ક્ષેત્રે, ફેક્ટરીમાં કે ઘરમાં કામ કરે છે.

 

નગરશેઠે તૈયાર કરાવ્યા હતા આ કલાત્મક દેરાં

અમદાવાદ શહેરના દિલ્હી દરવાજાથી શાહીબાગ નમસ્તે સર્કલ તરફ જાઓ એટલે એક કલાત્મક સ્થંભ પર અવશ્ય નજર પડે. હા, એ જ છે હઠીસિંહના દેરાં. વૃક્ષોથી આચ્છાદિત એવા સુંદર કેમ્પસમાં એક કલાત્મક સ્થંભની સાથે બેનમુન કારીગરીથી તૈયાર થયેલ દેરાસર પણ છે. એનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું. આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.

શહેરના નગરશેઠ હઠીસિંહ જૈન દ્વારા ઇ.સ. ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવેલી, પણ એ દરમિયાન એમનું ૪૯ વર્ષે અવસાન થયું. ત્યારબાદ એમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા એનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું. એ સમયે આ બાંધકામનો ખર્ચ અંદાજે ૮ લાખ રૂપિયા થયો હતો.

દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હોવાથી બાંધકામના બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહી હતી.

ઇ.સ. ૧૮૮૦ના સમયગાળામાં હઠીસિંહનાં દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા. મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. એમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનની પ્રતિમા ધરાવે છે. જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં અને ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે. મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિરમાં કલાત્મક કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. આ ઐતિહાસિક સ્થાપત્યમાં દેવલકુલિકાઓ આવેલી છે, જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે. મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તિસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે, જે ૬ માળ ઊંચો છે, એમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા છે.

આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે. અમદાવાદની ઐતિહાસિક ધરોહર એવાં બનમુન કારીગરી સાથેના સ્થાપત્ય અને કોતરણી માટે આ સ્થળ જાણીતું છે. હેરિટેજ સિટી અમદાવાદમાં હિંદુ મુસ્લિમ અને જૈન ત્રણેય ધર્મના મોટી સંખ્યામાં કલાત્મક સ્થાપત્યો આવેલા છે. જેમાં આ હેરિટેજ સ્થળની મુલાકાત પ્રવાસીઓ અવશ્ય લેતાં હોય છે. અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રાષ્ટ્રવ્યાપી બંધનો ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા SC-ST અનામત સંદર્ભમાં પેટા જાકિના વર્ગીકરણ તેમજ ક્રિમીલેયરના મુદ્દે સર્વે માટેનો ચૂકાદો આપ્યો હતો. જે બાદ દેશમાં વિરોધના શંખનાદ ફૂંકાયા હતા. આ મુદ્દે SC-ST સમજ દ્વારા 21 ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધનો ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

SC-ST સમાજ દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં બંધના એલાનને લઈ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ,વડોદરા, સુરત, સુરેન્દ્રરનગર,પાટણ, ભાવનગર, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે. સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC-ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી હતી.

ભાવનગરમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા તે દરમિયાન પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે બીજી બાજુ ભીમ સેના દ્વારા ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરમાં એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી માલગાડીને ગણપતિ પાસે અનુસૂચિત જાતિ દ્વારા રોકી વિરોધ કર્યો. અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા છે. દલિત સમાજે રસ્તા પર બેસી જઈ રસ્તો રોકતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે.

‘ભારત બંધ’ દરમ્યાન પટનામાં હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ

નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ દેશભરમાં વિવિધ સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે. કેટલાક વિરોધ પક્ષો સહિત કેટલાંક સંગઠનો પણ એના વિરોધમાં છે.

રાજસ્થાનમાં ભારત બંધને જોતાં કેટલાય જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પોલીસ એલર્ટ પર છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંધ સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી રહેશે, જે દરમ્યાન બધી દુકાનો, સ્કૂલો અને કોલેજ બંધ રહેશે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે સ્કૂલો અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે.

ભારત બંધ દરમ્યાન પટનામાં હંગામો થયો છે. અહીં બંધ સમર્થકો અને પોલીસ વચ્ચે ટક્કર થઈ છે. પોલીસે લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકો ગાંધી મેદાનમાં આગળ વધી રહ્યા છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યાર બાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

ભારત બંધમાં સમાજવાદી પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ), BSP, બિહારમાં RJD, ભીમ આર્મી, ભારત આદિવાસી પાર્ટી, LJP (R), આ બંધને સમર્થન કરી રહી છે. ભારત બંધને લીધે ઝારખંડમાં કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ચક્કાજામ કરી દીધો છે. આ ઉપરાંત બિહારના પટના અને આરામાં જોવા મળી છે, જ્યાં રેલવે ટ્રેક પર પ્રદર્શનકારીઓ ઊતરી ચૂક્યા છે, જ્યારે જહાનાબાદમાં પ્રદર્શનકારોએ નેશનલ હાઇવે 83ને બ્લોક કરી દીધો છે. અહીં બસ સર્વિસને પણ અસર પડી છે.  નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે તેમ  તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માગ કરી હતી.

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે.

રાજ્યમાં વધતા ગરમીના પારા સાથે મેઘરાજાનું કમબેક

ગુજરાતમાં એક બાજું ગરમી જોર વધ્યું છે, જ્યાં અમદવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રી પાર તાપમાન નોંધાયુ છે. ત્યારે બીજી બાજું રાજ્યમાં ધીમે ધીમે ફરી ચોમાસુ જામતું જોવા મળી રહ્યું છે. હજુ આગામી બે દિવસ અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના સેવાય રહી છે.

અમદાવાદમાં 36.3 ડિગ્રી સાથે  સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ સોમવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી હતું. અમદાવાદમાં 3 વર્ષ બાદ તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ અગાઉ 2021માં 36 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 25મી સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્‌ છે. આગાહી અનુસાર ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વધતા તાપમાન વચ્ચે આજે સવારે 6 વાગ્યા સુધીની મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ અને અમરેલીમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ વરતાઈ રહી છે ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે અને ઘટ પુરાઈ તેવી લોકો અને ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 73.75 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, 21 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેને કારણે વરસાદી માહોલ સર્જાશે. જોકે, ગઈકાલથી જ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રવાસીઓને વરસાદનો અનુભવ થયો છે.