Home Blog Page 15

ટેસ્ટ સિરીઝઃ ટીમ ઇન્ડિયાએ કર્યું બંગલાદેશને ક્લીન સ્વિપ

કાનપુરઃ ભારતીય ટીમે બંગલાદેશને કાનપુર ટેસ્ટમાં સાત વિકેટથી માત કરીને સિરીઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી. ભારતની આ સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે, જ્યારે આ સતત ચોથો ચોક્કો છે, જેમાં ભારતે બંગલાદેશની વિરુદ્ધ ક્લીન સ્વિપ કર્યું હોય.

ટીમ ઇન્ડિયાએ બંગલાદેશની બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી સૂપડાં સાફ કર્યાં છે. આ રીતે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાની આ સતત 18મી સિરીઝ જીત છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત સૌથી વધુ સિરીઝ જીતવાનો રેકોર્ડ કર્યો છે. ભારત છેલ્લાં 12 વર્ષથી ઘરમાં ટેસ્ટ સિરીઝ નથી હાર્યું,કાનપુર ટેસ્ટમાં વરસાદને કારણે પાંચ દિવસની રમત નહોતી થઈ શકી, તેમ છતાં ભારતે બે દિવસમાં મેચ પોતાને નામે કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ભારત માટે આ જીત મહત્ત્વની છે.

બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા પાંચ વિકેટ ગુમાવીને 285 રને દાવ ડિકલેર કર્યો હતો. બંગલાદેશની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 146 રન જ બનાવી શકી હતી, જેને કારણે ભારતને 95 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાનો પ્રારંભ સારો નહોતો થયો. રોહિત શર્મા માત્ર આઠ રન બનાવીને મેહદી હસનના બોલ પર હસન મહમૂદને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ મેહદી હસનના બોલમાં LBW થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે બાજી સંભાળી હતી. જયસ્વાલે અર્ધસદી ફટકારી હતી. જ્યારે તે આઉટ થયો, ત્યારે ટીમ જીતથી માત્ર ત્રણ રન દૂર હતી. કોહલી અને પંતે ટીમને મેચ જિતાડી હતી. પાકિસ્તાનને એના ઘરઆંગણે 2-0થી હરાવનાર બંગલાદેશી ટીમને ભારતીય ઘરઆંગણે ટીમ ઇન્ડિયાથી 0-2થી માત મળી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટોચના સ્થાને પહોંચી છે.  

તિરુપતિ લાડુ વિવાદ: આંધ્રપ્રદેશ સરકારે રોકી SIT તપાસ

આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં કથિત ભેળસેળની તપાસને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસને 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી અટકાવી દીધી છે.


આંધ્ર પોલીસના ટોચના અધિકારી દ્વારકા તિરુમાલા રાવે જણાવ્યું હતું કે તપાસની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને ધ્યાનમાં રાખીને અમે હાલ માટે તપાસ અટકાવી દીધી છે. અમારી ટીમે અનેક સ્થળોનું નિરીક્ષણ કર્યું છે, કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા છે અને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

SITએ લોટ મિલની તપાસ કરી

સોમવારે, એસઆઈટીએ તિરુમાલામાં લોટ મિલનું નિરીક્ષણ કર્યું, જ્યાં લાડુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પહેલા ઘીનો સંગ્રહ કરવામાં આવે છે, જે દર વર્ષે પહાડી મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, RTO & DEOની સંયુક્ત કાર્યવાહી

અમદાવાદ: શહેર DEO (District Education Officer) અને ગ્રામ્ય DEO દ્વારા આટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગની ટીમને સાથે રાખી જુદી-જુદી શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે અને શાળાઓમાં સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલ વાન સહિતના વાહનોને વીમો, પીયુસી અને લાઇસન્સ સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે વારંવાર કેટલાક પ્રશ્ન ઊભા થતા હોય છે અને હાઈકોર્ટ પણ આ મુદ્દે તંત્રની ઝાટકણ કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં 30 સપ્ટેમ્બરના સવારે DEO અને ગ્રામ્ય DEO દ્વારા આરટીઓ અને ટ્રાફિક પોલીસની ટીમે સાથે મળીને શહેરની કેટલીક શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલીવાર આ પ્રકારે બંને ડીઈઓ દ્વારા શાળામાં સુરક્ષાને લઈને ઓચિંતી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેરના ડીઈઓની ટીમ શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પહોંચી હતી. જ્યાં સ્કૂલ બસ તેમજ સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાન પાસે વીમો અને પીયુસી હતાં જ નહીં, તેમજ ડ્રાઇવરો પાસે લાઇસન્સ પણ ન હતું. જેથી, આરટીઓ દ્વારા વાહન ચાલકોને 46,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ટ્રાફિક પોલીસ દ્વારા 18,500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલાં રાજ્ય સરકારના આદેશથી તમામ ડીઈઓ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ સુરક્ષાને લઈને સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનના તમામ પ્રકારના દસ્તાવેજ ક્લિયર રાખવા ખાસ તાકીદ અને આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં આ પ્રકારે જરૂરી દસ્તાવેજ વિના જ વાહન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને અવગણીને જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે.

બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા આજે સવારે સેટેલાઇટની નારાયણ ગુરૂ સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખી બિનઅધિકૃત રીતે સગીર વયના વિદ્યાર્થીઓ લાઇસન્સ વિના શાળાએ વાહન લઈને આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના 20 જેટલાં વિદ્યાર્થીઓ બિનઅધિકૃત રીતે વાહનો લઈને શાળાએ આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં સૌથી વધુ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 38 હજાર જેટલો દંડ કરાયો હતો. જેમાં આરટીઓ વિભાગ દ્વારા 20 હજાર અને ટ્રાફિક પોલીસ દ્વારા 18 હજાર રૂપિયા જેટલો દંડ કરાયો હતો. આમ, બંને ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ ચેકિંગમાં વિદ્યાર્થીઓથી માંડી સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને એક લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વીર સાવરકર સંબંધિત કેસમાં રાહુલ ગાંધીને સમન્સ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા છે. વીર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યું છે. નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કેદુસ્કરે 27 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને આ સંદર્ભમાં નોટિસ જારી કરીને કહ્યું હતું કે દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.

રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. ફરિયાદી એક એનજીઓના ડાયરેક્ટર છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ ભાષણ સાંભળ્યું અને જોયું છે.

રાહુલ ગાંધી પર શું છે આરોપ?

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ આ બંને પ્રસંગોએ તેમના ભાષણ અને દ્રશ્ય નિરૂપણ દ્વારા જાણીજોઈને વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું અને સમાજમાં તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીની છે અને આ ટિપ્પણી બદનક્ષીભરી લાગે છે.

ફરિયાદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પછી આરોપ લગાવ્યો કે સાવરકરે હાથ જોડીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી અને બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન પણ આપ્યું. તમામ દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, આરોપી દ્વારા દેશભક્ત વ્યક્તિ સામે આપવામાં આવેલા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા જણાય છે.

કોણ છે સોનમ વાંગચુક, દિલ્હી પોલીસે કેમ 150 લોકોને કર્યા ડિટેન?

લદ્દાખને પૂર્ણ રાજ્ય માનવાની માગ સાથે સોનમ વાંગચુક સહિત લગભગ 150 લોરો મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. લદ્દાખથી લગભગ 700 કિલોમીટરનું કૂચ કરીને દિલ્હી પહોંચેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 150 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાય બાદ તેમણે દિલ્હીના વાંગચુક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અનિશ્ચિત સમય માટે અનસન શરૂ કર્યા. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંગચુક દિલ્હી બોર્ડર પર રાત વિતાવવા માંગતા હતા. જ્યારે કૂચ કરી રહેલા લોકોને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આંદોલન કારીની અસહેમતી મળતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

શું છે મામલો ?

5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો હતો. આ પછી જમ્મુ અને કાશ્મીર અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. જ્યારે લેહ અને કારગીલને જોડીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. જે બાદ લેહ અને કારગીલના લોકો રાજકીય રીતે નિરાશા અનુભવવા લાગ્યા. તેમણે કેન્દ્ર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ છેલ્લા 4 વર્ષથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આ સંદર્ભે, એક મહિના પહેલા લગભગ 150 લોકો લેહથી દિલ્હીમાં બાપુની સમાધિ સ્થળ સુધી પદયાત્રા કરી રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા. પાછલા બે વર્ષમાં પૂર્ણ રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કેન્દ્રએ માંગણીઓ પર વિચાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. જોકે, વિરોધીઓ સાથે વાતચીત સફળ થઈ ન હતી. 4 માર્ચના કેન્દ્રય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ કે સરકાર તેમની માગનો અસ્વીકાર કર્યો છે. જેના બે દિવસ પછી વાંગચુકે લેહમાં ઉપવાસ શરૂ કર્યા.

કોણ છે સોનમ વાંગચુક?

સોનમ વાંગચુક એક એજ્યુકેશનિસ્ટ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. જેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1966ના રોજ લદ્દાખના અલ્ચીમાં થયો હતો. તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)ના સ્થાપક-નિર્દેશક છે. 1993 થી 2005 સુધી વાંગચુકે લદ્દાખના એકમાત્ર મુદ્રિત મેગેઝિન લેન્ડેગ્સ મેલોગની સ્થાપના કરી અને તેના સંપાદક તરીકે સેવા આપી. સોનમ SECMOL કોમ્પ્લેક્સ ડિઝાઇન કરવા માટે પણ જાણીતી છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે અને રસોઈ, લાઇટિંગ અથવા હીટિંગ માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરતી નથી. સરકારી શાળા પ્રણાલીમાં સુધારા માટે સરકાર, ગ્રામીણ સમુદાયો અને નાગરિક સમાજના સહયોગથી 1994માં “ઓપરેશન ન્યુ હોપ” શરૂ કરવાનો શ્રેય પણ સોનમ વાંગચુકને મળ્યો છે. સોનમ વાંગચુકને 2017માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટક્ચર પણ મળ્યો છે.

વાંગચુકે કરેલા આંદોલન

વાંગચુકે તેની અટકાયત પછી X પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેણે કહ્યું- મને દિલ્હીની બોર્ડર પર અટકાયતમાં લેવામાં આવ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અહીં 1,000 પોલીસકર્મીઓ છે. અમારી સાથે ઘણા વડીલો છે. આપણા નસીબમાં શું લખ્યું છે તેની આપણને ખબર નથી. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને લોકશાહીની માતામાં બાપુની સમાધિ સુધી શાંતિપૂર્ણ કૂચ પર હતા. હે રામ.

આ આગાઉ પણ માર્ચ 2024માં સોનમે 21 દિવસની ભૂખ હડતાલ કરી હતી. ભૂખ હડતાલ ખતમ કર્યા બાદ સોનમ વાંગચુકે કહ્યું હતું – આ આંદોલનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જ્યાં સુધી અમારે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું પડશે, અમે તેમ કરીશું.

વિપક્ષની પ્રતિક્રીયા

દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું છે કે તે જલ્દી જ સોનમ વાંગચુકને મળવા જશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી, કિસાન બિલની જેમ આ ચક્રવ્યુહ અને તમારો અહંકાર પણ તૂટી જશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

સોમનાથ મંદિરની આસપાસ બુલડોઝર એક્શનનો મામલો SC પહોંચ્યો

નવી દિલ્હીઃ ગુજરાતના સોમનાથ મંદિરની આસપાસનો ગેરકાયદે બાંધકામ પર હાલમાં બુલડોઝર એક્શનનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પટની મુસ્લિમ સમાજે કોર્ટમાં તિરસ્કાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓની વિરુદ્ધ અનાદરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ અરજીમાં દરગાહ મંગરોલી શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથમાં સ્થિતિ અનેક ગેરકાયદે બાંધકામોનો હવાલો આપવામાં આવ્યો હતો. આ તિરસ્કાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બુલડોઝર એક્શન પર રોકના આદેશ પછી મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

કોર્ટમાં દાખલ અનાદર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતાં ગુજરાતના સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, મકબરાઓ અને ટ્રસ્ટીઓનાં ઘરો ગેરકાયદે રીતે તોડી પાડવામાં આવ્યાં છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે બુલડોઝરથી વિધ્વંસની વિરુદ્ધ અરજીની સુનાવણી કરશે. કોર્ટે હજી થોડા દિવસ પહેલાં બુલડોઝર એક્શન પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત રીતે સરકારી જમીન પર દબાણ હટાવવા માટે 28 સપ્ટેમ્બરે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન 135 લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા તંત્રએ એક નિવેદનમાં કહ્યું હતું કે સોમનાથ મંદિર સ્થળ નજીક સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજારો પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મુંબઈ: ડોમ્બિવલીમાં પ્રેક્ષકોએ માણ્યો મરાઠી-ગુજરાતી નાટ્ય આદાન-પ્રદાન કાર્યક્રમ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેવાડાના ગુજરાતી ભાવક સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. ગત રવિવારે ડોમ્બિવલીના તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી તથા મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા હતાં.

ડોમ્બિવલી ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા “મરાઠી – ગુજરાતી, નાટ્ય આદાન – પ્રદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રજવલનથી કાર્યક્રમની શરૂઆત બાદ મરાઠીમાં નટરાજ વંદન અને ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના ભવાઈ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.

સુજાતા મહેતા

બન્ને ભાષાના નાટકોના આદાન – પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવીક રજૂ કર્યું હતું. ત્યાર બાદ બન્ને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો પ્રેક્ષકો સમક્ષ રજૂ થયાં હતાં.’નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્યઅંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો હતો. ‘અભિનય સમ્રાટ’ નો અંશ સતીશ વ્યાસે ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’નો અંશ રમેશ ભિડેએ તથા ‘ચિત્કાર’નો નાટ્યઅંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો હતો.

પ્રવીણકુમાર વ્યાસ તથા નિખિલા ઇનામદાર

‘અધાંતર’ નો અંશ નિખિલા ઇનામદારે,’સંતુ રંગીલી’નો સુજાતા મહેતાએ સ્ટેજ પર રજૂ કર્યો હતો. જ્યારે ‘તી ફુલરાણી ‘નો અંશ ડૉ. મોનિકા ઠક્કરે રજૂ કર્યો હતો.કલ્યાણના નાટ્યકર્મી અશ્વિન દેરાસરી અને ડૉક્ટર સૂચકજી તથા મરાઠી નાટ્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પરિકલ્પના અકાદમીના સદસ્ય નિરંજન પંડયાની હતી.આપણી ગૌરવશાળી ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી હતી.

ધાર્મિક ઇમારતો લોકોની જિંદગીમાં અડચણ ના બની શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર એક્શનની વિરુદ્ધ દાખલ જમિયત ઉલેમા એ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પાછલી સુનાવણી દરમ્યાન કોર્ટે બુલડોઝર કાર્યવાહી કરવા પર સ્ટે મૂકતાં કહ્યું હતું કે માત્ર જાહેર સ્થળોએ અતિક્રમણને દૂર કરવાની છૂટ હશે.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.  કોર્ટે રસ્તાઓ, ફૂટપાથ અને રેલવે લાઇનના ગેરકાયદેર અતિક્રમણ પર કાર્યવાહીને થવી જ જોઈએ.

આ. સુનાવણીમાં SG તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. એમ પણ કહ્યું હતું કે એક ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. જે ખોટા છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું  હતું કે મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તેમણે કહ્યું હતું કે વિધ્વંસ માત્ર એટલે ના કરી શકાય કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષી છે. અમે કોર્ટોને ગેરકાયદે બાધકામ કેસોની સુનાવણી કરતાં સતર્ક રહેવાનો નિર્દેશ આપીશું.  જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે વિધ્વંસની સંખ્યા આશરે 4.5 લાખ છે. જેના પર SGએ કહ્યું હતું કે આ મારી વાસ્તવિક ચિંતા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જો કાર્યવાહી બે અઠવાડિયાં સુધી રોકવામાં આવશે તો આકાશ નહીં તૂટે.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલવે લાઈનો, મંદિર હોય કે દરગાહ, પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે. જાહેર સલામતી મોખરે છે.

લેબેનોનમાં ઇઝરાયેલી સેનાઃ હિજબુલ્લાનાં અનેક સ્થાનોનો ખાતમો

નવી દિલ્હીઃ ઇઝરાયેલે હિઝબુલ્લાને સંપૂર્ણ રીતે ખતમ કરવાની યોજના બનાવી છે. હવે દક્ષિણી લેબેનોનમાં ઇઝરાયેલી ડિફેન્સ સેનાએ (IDF) ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઇઝરાયેલ તરફથી અમેરિકાને આ માહિતી આપવામાં આવી છે. IDF ઇઝરાયેલી સરહદની નજીક હિજબુલ્લાનાં સ્થાનોને નિશાન બનાવી રહી છે.

IDFએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેનાં ગામોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. આ હુમલાઓ ગુપ્ત માહિતીને આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઈઝરાયલની એરફોર્સ તેમની મદદ કરી રહી છે.અમેરિકાના વિદેશ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયલની સેના લેબનનમાં પ્રવેશી છે. ત્યાર બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે 33 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં 1100થી વધુ લેબનીઝ માર્યા ગયા હતા. તે જ સમયે ઇઝરાયલના 165 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇઝરાયલની સેનાએ લેબેનોનના દૌદિયા શહેરમાં એક ઘર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયા છે. પાંચ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના છે.

આ પહેલાં ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલેંટ 30 સપ્ટેમ્બરે લેબેનોન સરહદ પાસે સૈનિકોને મળ્યા હતા. ગેલેંટે કહ્યું કે જે પણ કરવાની જરૂર છે, એ અમે કરીશું. અમે આકાશ, જળ અને જમીન દ્વારા દુશ્મનોને હરાવવા માટે અમારી પૂરી તાકાત લગાવી દઈશું.લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા હતા. 172 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલાં રવિવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા હતા.

વગર ભણ્યે બમણી સંધ્યા

    વગર ભણ્યે બમણી સંધ્યા

 

માણસમાં અક્કલ ઓછી હોય અને તેમાંય ભણતર એટલે કે કેળવણીનો લગભગ અભાવ હોય ત્યારે પોતાની જાતને પુરવાર કરવા માટે કોઈ પણ વસ્તુમાં જે જરૂરી હોય એના કરતાં વધારે વખત અથવા સામગ્રી અથવા ખર્ચો એ કરે છે. સવાર બપોર ને સાંજ – એમ ત્રણ વખત સંધ્યા કરીએ એને ત્રિકાળ સંધ્યા કહેવાય.

એ ત્રણ વખત જ થાય, વધારે વખત ન થાય. પછી પેલો ઓછું ભણેલો પોતાના ઉત્સાહમાં ત્રણ ને બદલે છ વખત સંધ્યા કરે તો એનો કોઈ અર્થ નથી. આવડત ઓછી હોય ત્યારે સમજ વગર મજૂરી કરી શક્તિ અને સંસાધનો વેડફવાની પરિસ્થિતી આ કહેવત થકી ઉજાગર થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)