દ્વારકા-બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર તવાઈ

દ્વારકા: યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ઉપરાંત હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બેટ દ્વારકા હાલ કોઈ પણ યાત્રિક પ્રવેશે નહીં તેના માટે બેરિકેટ ખડગી દેવામાં આવ્યા છે. જો કે, બેટ દ્વારકામાં જે મંદિર છે તેની સેવાપૂજાનો કાર્યક્રમ યાથાવત રાખવામાં આવ્યો છે.

યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલા વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સર્વે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે્યની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસકાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષાકર્મીને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનો તથા કોમર્શીયલ બાંધકામોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે. હાલ આગલી સૂચના ના મળે ત્યાં સુધી બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે.