Home Blog Page 14

કર્ણાટકમાં પતિ-પત્ની વચ્ચે ફસાયું MUDA લેન્ડ કૌભાંડ

બેંગલુરુઃ કર્ણાટકનાં CM સિદ્ધારમૈયાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર સવાલ ઊભા કર્યા છે. EDએ સિદ્ધારમૈયાની વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે મૈસુર અર્બન ડેવલમેન્ટ ઓથોરિટી મામલામાં PMLAની જોગવાઈ લાગુ નથી થતી. CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે હું રાજીનામું નહીં આપું.

રાજ્યમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના CM અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત છે. કોર્ટના આદેશ બાદ CMસિદ્ધારમૈયા અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી બાજુ, CMનાં પત્ની પાર્વતીએ મૈસુર ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ આથોરિટી (MUDA)ને પત્ર લખીને તેમને ફાળવાયેલા 14 પ્લોટ સરેન્ડર કરવાની ઇચ્છા જણાવી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે હું મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને સોંપવામાં આવેલા 14 પ્લોટને પરત કરવા માગું છું. હું આ પ્લોટ્સનો કબજો પણ MUDAને પાછો આપું છું. આ મામલે MUDAને હવે ત્વરિત પગલાં લેવા વિનંતી કરું છું.

તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે મૈસુરમાં મારા પરિવાર સામે કરવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુખી છું. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મારા ભાઈ બાબુને કુટુંબના વારસામાં મળેલા પ્લોટથી આટલી હંગામો મચી જશે કે મારા પતિને આ મુદ્દાને કારણે ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે. મારા માટે મારા પતિના માન, પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ કરતાં કોઈ ઘર, પ્લોટ કે મિલકત વધુ મહત્ત્વની નથી. આટલાં વર્ષો સુધી સત્તામાં રહ્યા પછી મેં ક્યારેય મારા કે મારા પરિવાર માટે કોઈ અંગત લાભ માગ્યો નથી. તેથી, મેં આ વિવાદના કેન્દ્રમાં રહેલા 14 MUDA પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો છે.

પૂરગ્રસ્ત 3 રાજ્યોને રૂ.675 કરોડની સહાયની જાહેરાત

આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેના પગલે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ બગડી ગઈ હતી અને પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રએ ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તેના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે ₹675 કરોડની મંજૂરી આપી છે.

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે એમ એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ટીમો ટૂંક સમયમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવશે, જેઓ પણ તાજેતરમાં પૂરથી પ્રભાવિત છે અને ત્યાંના નુકસાનનું સ્થળ પર આકારણી કરશે.કેન્દ્ર સરકારે SDRF તરફથી કેન્દ્રીય હિસ્સા તરીકે ગુજરાતને ₹600 કરોડ, મણિપુરને ₹50 કરોડ અને ત્રિપુરાને ₹25 કરોડ અને NDRF તરફથી એડવાન્સ આપવાની મંજૂરી આપી છે.


આ વર્ષ દરમિયાન આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયા હતા. નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં IMCT ને નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકીના રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય IMCT રિપોર્ટ્સ મળ્યા પછી કરવામાં આવશે. વધુમાં, તાજેતરમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ પણ પૂરથી પ્રભાવિત થયા છે અને નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે ટૂંક સમયમાં IMCTs મોકલવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, એમ રિલીઝમાં જણાવાયું છે. આ વર્ષ દરમિયાન, કેન્દ્ર સરકારે 21 રાજ્યોને SDRF તરફથી ₹9044.80 કરોડ, NDRF તરફથી 15 રાજ્યોને ₹4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી 11 રાજ્યોને ₹1385.45 કરોડની રકમ જારી કરી છે. નાણાકીય સહાય ઉપરાંત, કેન્દ્ર સરકારે તમામ લોજિસ્ટિક સહાય પૂરી પાડી છે, જેમાં તમામ પૂર પ્રભાવિત રાજ્યોને NDRF, આર્મી અને એરફોર્સ સપોર્ટની જરૂરી ટીમોની તૈનાત સહિતની મદદ મળી છે.

જાણકારીનો અભાવ પરિણામ ‘એન્ડોમેટ્રિઓસિસ’

રચિતા ઉદાસ ત્યારે ઓફિસ કલીગ શ્વેતાએ પુછ્યું કે કેમ આમ નીરસ લાગે છે, કઇં થયું છે? રચિતાએ ઉંડો નિસાસો નાખતા કહ્યું કે યાર આ પીરિયડ્સનો સમય એટલો મુશ્કેલી ભરેલો હોય છે કે તારીખ નજીક આવે એટલે શરીરમાં અજીબ પ્રકારની બેચેની થઈ જાય છે. સાથે જ પેઢામાં દુઃખાવો પણ શરૂ થઈ જાય છે. કેટલી દવા કરાવી પણ કોઈ ફરક જ નથી પડતો. બધા તો એમ પણ કહે છે કે આ તો સામાન્ય છે, બધી યુવતિ, મહિલાઓને આવી સમસ્યા થતી જ રહે છે. પરંતુ સાચું કહું મને તો જીવ જાય એટલી હદે દુખાવો થાય છે. રચિતાની વાત સાંભળી શ્વેતાએ કહ્યું યાર..આ સામાન્ય વાત નથી, જો દર મહિને અને સતત દુખાવો રહેતો હોય તો તારે સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ. આમ તેમ વગર કારણની દવાથી વધારે મુશ્કેલી થશે. બની શકે કે તને એન્ડોમેટ્રિઓસિસ હોય. મોટાભાગની મહિલાઓ આ વાતથી અજાણ છે. માટે શરૂઆતના તબક્કે દવા નથી કરાવતી અને ઘર ગથ્થુ કે પછી સામાન્ય ડોક્ટર સાથે વાત કરી પોતાની રીતે દવા લે છે. જે યોગ્ય નથી. રચિતા તો વિચારતી જ રહી કે આ વળી એન્ડોમેટ્રિઓસિસ છે શું? રચિતા જેવી અનેક યુવતીઓ હોય છે જે આવી સમસ્યામાંથી પસાર તો થાય છે પરંતુ એમની પાસે આ વિશેનું યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે સમસ્યા જટીલ સ્વરૂપ લે છે.

એન્ડોમેટ્રિઓસિસ શું છે?

એન્ડોમેટ્રિયોસિસ મહિલાના ગર્ભાશયને લગતી બીમારી છે. ગર્ભાશયના અસ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. પિરિયડ્સ દરમિયાન દર મહિને બ્લીડીંગના રૂપમાં એન્ડોમેટ્રિયમ શરીરમાંથી બહાર આવે છે, પરંતુ જો કોઈને એન્ડોમેટ્રિયોસિસ હોય તો આ એન્ડોમેટ્રિયમ અંડાશય, આંતરડાં અને પેલ્વિક પોલાણની પેશીઓમાં વધે છે, જે મહિલાઓ માટે ઘાતક પુરવાર થાય છે. આ કારણથી લોહી બહાર આવવાને બદલે નળીની અંદર જ એકઠું થાય છે, જે ગર્ભાવસ્થામાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ વિષય પર અનેક આરોગ્ય અભ્યાસ થયા છે જે દર્શાવે છે કે વિશ્વભરમાં 10માંથી 1 મહિલાને એન્ડોમેટ્રિયોસિસ છે. આ રોગ સ્ત્રીઓમાં વંધ્યત્વનું મુખ્ય કારણ પણ છે. આ સમસ્યાથી પીડિત મહિલાને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

12 વર્ષ સુધી અસહ્ય પીડા ભોગવી

આ બીમારીમાંથી પસાર થયેલા અમદાવાદના અરૂણિતી પટેલ (નામ બદલ્યું છે) ચિત્રલેખા.કોમને કહે છે કે, “મેં 12 વર્ષ સુધી અસહ્ય પીડા ભોગવી. વર્ષ 2003માં મારા લગ્ન થયા, વર્ષ 2005માં સંતાનને જન્મ આપ્યો. પ્રેગનેન્સીના બે વર્ષ બાદ મને પેઢાના ભાગમાં સતત દુખાવો રહેતો.. મેં મારા ગાયનેક ડોક્ટરનો સંપર્ક કર્યો તો દુઃખાવા માટે મને પેઇનકિલર આપવામાં આવતી, પેઇનકિલરના ભારે ડોઝને કારણે પેટની સમસ્યા સર્જાઇ. દર મહિને આ જ સ્થિતિ સર્જાતી હતી. મારી આ સમસ્યાને કારણે મેં અનેક દવાખાનાના પગથિયાં ચડ્યા, વિવિધ પ્રકારના ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો. વર્ષ 2008માં નિદાન થયું કે મને એન્ડોમેટ્રિઓસિસ છે. એ સમયે એક ગાયનેક  હોસ્પિટલમાં મારી સર્જરી થઈ ગાંઠ દૂર કરાઈ પરંતુ ત્યાર બાદ પીડા યથાવત જ હતી.”

“વધુમાં એ કહે છે,સમય સાથે આ પીડા વધી રહી હતી. જેના માટે મેં બેંગ્લોર, દિલ્હી, ચેન્નઈ સહિતના શહેરોમાં તબીબોનો સંપર્ક કર્યો, દરેકનો એક જ અભિપ્રાય હતો કે મારુ ગર્ભાશય અને અંડાશય દૂર કરવા પડશે. ઉંમર નાની હતી માટે આ વિકલ્પ મને યોગ્ય ન લાગ્યો જેથી મેં ફરી મારા ગાયનેક ડોક્ટરનો સંપર્ક કર્યો. એમણે મને એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપીક અને ઓન્કો-ગાયનેક સર્જનનો સંપર્ક કરવા કહ્યું. વર્ષ 2015માં મારા ગર્ભાશય અને અંડાશયને બચાવીને એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કર્યું અને એન્ટ્રોમેટ્રિઓસિસ દૂર કર્યું. પાંચ વર્ષ સુધી મને રાહત રહી. જોકે ફરી 2020માં એન્ડોમેટ્રિઓસિસની સમસ્યા સર્જાઇ અને સ્થિતિ વધારે પીડાદાયક થઈ ગઈ. એ સમયે મારું ફરી ઓપરેશન થયું, એક એક નસ છૂટી પાડવામાં આવી અને ગર્ભાશય અને અંડાશય દૂર કરવામાં આવ્યા. હાલ હું એન્ડોમેટ્રિઓસિસ ફ્રી છું.”

સમસ્યા દર મહિને થાય તો અવગણશો નહીં

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદની ઈવા વિમેન્સ હોસ્પિટલના એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપીક અને ઓન્કો-ગાયનેક સર્જન ડૉ. દિપક લિમ્બાચીયા કહે છે કે, “પેઢામાં થતા દુખાવાને ઘણી મહિલાઓ સામાન્ય ગણે છે. પરંતુ જો આ સમસ્યા દર મહિને થતી હોય તો એને અવગણવી જોઈએ નહીં. પેઢામાં દુખાવો, પીડાદાયક માસિક સ્ત્રાવ, જાતીય સંભોગ દરમિયાન દુખાવો, માસિક સ્ત્રાવ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો હોઈ શકે છે. જેને અવગણ્યા વગર સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઇએ. શરૂઆતમાં જ સમસ્યાનું નિદાન થઇ જાય તો આધુનિક લેપ્રોસ્કોપિક પદ્ધતિથી સારવાર કરીને રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે અને ગર્ભાશય સહિતના અંગોને બચાવી શકાય છે.”

એન્ડોમેટ્રિયોસિસના ચાર તબક્કા

ન્યૂનતમઃ પેટ અથવા પેલ્વિસના ઉપરના ભાગની પેશીઓમાં નાના ઘા થાય છે.

હળવાઃ એન્ડોમેટ્રિયોસિસના બીજા તબક્કામાં, ન્યૂનતમ તબક્કા કરતાં વધુ પ્રત્યારોપણ થાય છે. આ પેશીઓની અંદર પણ ઊંડે સુધી જાય છે અને ઘા બનાવે છે.

મધ્યમઃ આ તબક્કામાં નાના પ્રત્યારોપણ સાથે ઊંડા ઘા થાય છે. અંડાશયમાં કોથળીઓ રચાય જેમાં ઘા સાથે દુખાવો વધારે થાય છે.

ગંભીરઃ આમાં એક અથવા બંને અંડાશયમાં મોટી કોથળીઓ વિકસે છે. આ સૌથી પીડાદાયક તબક્કો છે.

કૌટુંબિક ઇતિહાસ પણ એન્ડોમેટ્રિયોસિસનું કારણ હોઈ શકે છે. જો કે એન્ડોમેટ્રિયોસિસ એ શહેરી રોગ છે. એના મોટા ભાગના કેસો ફક્ત શહેરોમાં જ જોવા મળે છે.

આ ઉંમરની મહિલાઓનું પ્રમાણ વધુ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પ્રમાણે, વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં લગભગ 4.2 કરોડ મહિલા એન્ડોમેટ્રિયોસિસથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સમગ્ર વિશ્વમાં 10%, એટલે કે લગભગ 19 કરોડ પ્રજનન વયની મહિલાને એનો સામનો કરવો પડે છે. જ્યારે એન્ડોમેટ્રિયોસિસ સોસાયટી ઓફ ઈન્ડિયા અનુસાર, અંદાજે 25 મિલિયન ભારતીય મહિલાઓને એન્ડોમેટ્રિયોસિસ છે. આ મોટે ભાગે 30થી 45 વર્ષની વયની સ્ત્રીઓમાં થાય છે. ઘણી વખત મહિલાઓને ખબર પણ હોતી નથી કે એના શરીરમાં આ રોગ વધી રહ્યો છે. જ્યારે સ્ત્રી હેવી બ્લીડિંગ, પેટમાં અસહ્ય દુખાવો, ખેંચાણ, પેલ્વિક પીડાને કારણે ડોક્ટર પાસે જાય છે, ત્યારે તપાસ પછી આ રોગ શોધી શકાય છે.

એન્ડોમેટ્રિયોસિસને અટકાવી શકાય?

એન્ડોમેટ્રિયોસિસ પણ આપણી લાઈફસ્ટાઈલ કેવી છે એના પર નિર્ભર છે. આરોગ્ય વર્ધક ખોરાક, એક્સેસાઈઝ, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને અનુભવીએ છીએ એની સાથે સીધો સંબંધ છે. એટલે કે એકંદરે આપણે આપણા જીવનમાં કેટલા ખુશ અને તણાવમુક્ત રહીએ છીએ એ મહત્વનું છે. આ રોગથી બચવાનો સૌથી સરળ અને મૂળભૂત ઉપાય તમારી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી થાય છે. પોતાની જાતને બચાવવા અને સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ મહત્વનું છે. નિયમિત વ્યાયમ કરવો, ડાયેટમાં તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, ફાઇબર અને આર્યનથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ. તો વળી આલ્કોહોલથી દૂર રહો, ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી જોઈએ નહીં. જેવી કાળજી રાખવી.

હેતલ રાવ

અહો આશ્ચર્યમઃ આ પરિવારની વાર્ષિક આવક માત્ર રૂ. બે, જાણો…

નવી દિલ્હીઃ સરકારી કામકાજમાં કેટલું રેઢિયાળપણું ચાલી રહ્યું છે, એનો વધુ એક નમૂનો મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સામે આવ્યો છે. આ જિલ્લાના બંડા તહેસીલ ઓફિસમાં એક એવું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે, જેને જોઈને પગ નીચે જમીન સરકી જાય.

તહેસીલદારે એક આવક પ્રમાણપત્ર જારી કર્યું છે, જેમાં પરિવારની વાર્ષિક કમાણી માત્ર રૂ. બે દર્શાવવામાં આવી છે. આ સર્ટિફિકેટ જાન્યુઆરી, 2024માં બનાવવામાં આવ્યું હતું. હવે આ સર્ટિફિકેટ જિલ્લામાં વાઇરલ થયું છે. આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરનાર શખસે વાર્ષિક રૂ. 40,000 લખી હતી, પરંતુ અધિકારીઓએ એને રૂ. 40,000ની જગ્યે માત્ર રૂ. બે લખી નાખ્યું હતું.

બંડા તહેસિલના ગ્રામ ઘૂઘરાના બલરામ ચઢારે લોકસભા કેન્દ્ર દ્વારા આવક સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી હતી. ચઢારે આવક રૂ. 40,000 લખી હતી, પરંતુ આવક સર્ટિફિકેટ જે તેને મળ્યું હતું, એમાં માત્ર રૂ. બે વાર્ષિક આવક લખીને આવ્યું હતું.

સોશિયલ મિડિયામાં જ્યારે આ સર્ટિફિકેટ વાઇરલ થવા લાગ્યું, ત્યારે સરકારી અધિકારીઓની વચ્ચે હડકંપ મચી ગયો હતો. તહેસિલદાર મહેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું હતું કે મારી પોસ્ટિંગથી પહેલાં આ કેસ આવ્યો હતો. આવક સર્ટિફિકેટની તપાસ શરૂ થઈ છે. જો એમાં ફેરફાર નહીં થયો તો એને ઠીક કરવામાં આવશે. આ આવકનું સર્ટિફિકેટ બનતા સમયે કેટલાય અધિકારીઓએના હાથમાંથી પસાર થાય છે, જેમાં ક્લાર્કથી માંડીને તહેસિલદાર સામેલ છે. દરેક અધિકારી હસ્તાક્ષર કરીને ફાઇલ આગળ મોકલે છે. પીડિત પરિવારનું કહેવું છે કે એ ગરીબ જરૂર છે, વહીવટી તંત્રએ તેને મહા ગરીબ બનાવી દીધો છે.

અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેમાં નવરાત્રિના પ્રારંભમાં અમિત શાહ ગુજરાત આવશે. 3 અને 4 ઓક્ટોબર બે દિવસના પ્રવાસે આવશે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે. પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી-પૂજા કરશે. તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે.

3 તારીખે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તથા બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ 3 તારીખે અમદાવાદ CP કચેરીનું લોકાર્પણ કરશે. ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન છે. 3 તારીખે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. 4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. તેમાં સવારે 11 કલાકે ADC બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે. 4 તારીખે સાંજે અમિત શાહ માણસા કુળદેવીના દર્શને જશે.

સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામના લોકાર્પણ તથા ૩ તારીખે બપોરે 12 કલાકે સાણંદ ધારાસભ્ય કનું પટેલના કાર્યાલયને ખુલ્લું મૂકશે. તેમજ અમદાવાદ કોર્પોરેશનના કરોડોના પ્રોજેક્ટના ખાત મુહર્ત કરશે. 4 તારીખે સવારે 11 કલાકે ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. તથા સાંજે માણસા કુળદેવીના દર્શને જશે તથા સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં પણ હાજરી આપશે.

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસ તંત્ર સજ્જ, 14000 જવાન રહેશે સ્ટેન્ડ બાય

અમદાવાદ: નવરાત્રિના આડે બે દિવસ છે. ત્યારે શહેરમાં નવરાત્રિને લઈ ખૈલેયા સાથે તંત્ર પણ સજ્જ છે. ત્યારે તહેવાર સમયે પોલીસી વ્યવસ્થા કેવી છે. એ મુદ્દે DCP કોમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી હોવાની વાત કરવામાં આવી છે. નોન કોમર્શિયલ માટે સ્થાનિક કચેરીએ પરવાનગી મળે છે. આ ઉપરાંત તહેવારને લઈ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. તથા શી ટીમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન હાજર રહેશે.

નવરાત્રિ મુદ્દે DCPએ નિવેદન આપતા કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યસન કરી કોઈ ન આવે તે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચન કરવામાં આવ્યા છે. આયોજકો પાલન નહીં કરે તો આયોજન રદ્દ કરાશે. તેમજ 14000 પોલીસ જવાન નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે. તેમજ cctv, એન્ટ્રી અને બહાર નિકળવાનો ગેટ અલગ, મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્હિકલની વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચના છે. ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરવા અને પગલાં લેવાશે. તેમાં 14000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. તથા ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરી ખેલૈયાઓને સૂચના પણ આપી છે. જ્યાં કોઈ અજાણી વ્યક્તી આપણો ફોટો કે વિડીયો ના બનાવે તેનું ધ્યાન રાખવા સાથે, અજાણી વ્યક્તી સાથે ગરબા ન રમવા અને પોતાના સાચા લોકેશનની માહિતી પરિવાર જનો સાથે શેર કરી રાખાવા સૂચન કરવામાં આવ્યા હતા.

લર્નિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા થઈ સરળ, ઘરેથી આપી શકાશે પરીક્ષા

અમદાવાદ: સામાન્ય રીતે લોકોને લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ઘણાં લોકોને તો 3-4 મહિના પછીની તારીખો આપાવમાં આવે છે. જોકે, હવે આ સમ  સ્યાનું સમાધાન મળી ગયું છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે નાગરિકોએ હવે ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા જ લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકાશે.

 

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ITI અને WIAA સંસ્થામાં તો લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ, નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા હવે લોકો ઓનલાઈન જ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે parivahan.gov.in પર અરજી કરવી પડશે. જેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભરતાની સાથે જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 સવાલમાંથી 9 સવાલ સાચા હોવા જરૂરી છે. 9 સવાલોના સાચા જવાબ આપતા જ લર્નિંગ લાઇસન્સ જનરેટ થઈ જશે.

આરટીઓના આ નવા પરિવહન નિયમ 1 જૂન, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દંડની રકમ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે. આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં નહીં આવે.

મલાડમાં યોજાયેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમની કેટલીક મહત્વની વાતો

મુંબઈ: મલાડમાં શ્રી એમ.ડી શાહ મહિલા કોલેજ ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. અસ્મિતા યાજ્ઞિક, ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ કલ્પના દવેએ અલગ અલગ યુગનાં સાહિત્યમાં સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે આલેખાયું એ વિષે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કર્યું હતું અને સંચાલન લેખિની સંસ્થાનાં પ્રતિનિધિ જાગૃતિ ફડિયાએ કર્યું હતું.

‘સાહિત્ય સંદર્ભે સ્ત્રી સશક્તિકરણ’ વિષયનું વિચારબીજ નિરંજન પંડ્યાનું હતું. આ કાર્યક્રમમાં કવયિત્રી પ્રતિમા પંડ્યા, લેખિકા ગીતા ત્રિવેદી, મમતા પટેલ અને સ્મિતા શુક્લ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓનું મહત્વ અને એમની સાહિત્ય સંદર્ભે શું ભૂમિકા રહી એ વિષય પર ડૉ અસ્મિતા યાજ્ઞિકે જણાવ્યું કે મધ્યકાલીન યુગની જો વાત કરીએ તો સૌ પ્રથમ મીરાને યાદ કરવી પડે અને એમની અડગ નિર્ણય શક્તિને દાદ દેવી પડે. આ સિવાય એમણે ગંગાસતી અને તોરલનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે No means No નો કોન્સેપ્ટ આજે ચર્ચાય છે પણ તોરલે એ સમયમાં અમલમાં મૂકી બતાવ્યો હતો. લોયણ, જનીબાઈ, રાધાબાઈ, અમરબાઈ જેવાં અનેક ઉદાહરણો આપી એમણે સ્ત્રી સશક્તિકરણ વિષય પર ચર્ચા કરી હતી.

મધ્યકાલીન યુગ અને આધુનિક યુગને જોડતાં ગાંધીયુગ પર પોતાની આગવી અને જોશબંધ શૈલીમાં વક્તવ્ય આપતાં ડૉ કલ્પના દવેએ વક્તવ્યમાં કહ્યું કે સ્ત્રીને પોતાના જીવનને ‘ઉત્સવ’ બનાવતાં આવડવું જોઈએ, સાહિત્ય અને સમાજ સિક્કાની બે બાજુ છે, ગાંધીયુગનો સમય એ વૈચારિક દ્રષ્ટિએ સામૂહિક ક્રાંતિનો સમય હતો, કૌટુંબિક પ્રથામાં અટવાયેલી અને શિક્ષણનો અભાવ હોવા છતાં એ સમયે મહાત્મા ગાંધીએ બાળલગ્નનો વિરોધ, વિધવાની દયનીય સ્થિતિનો વિરોધ અને કન્યા કેળવણીને આપેલા સમર્થનને કારણે સ્ત્રી સશક્તિકરણ થયું. ડૉ કલ્પના દવેએ શ્રોતાઓને આવાહન આપતાં કહ્યું કે ગાંધીયુગમાં સ્ત્રી સશક્તિકરણ માટે પ્રજ્વલિત થયેલી મશાલ આપણે હંમેશા જલતી રાખવાની છે અને આ ક્ષેત્રે હંમેશા કાર્યરત રહેવાનું છે.

ડૉ ઉર્વશી પંડ્યા જેઓ UGC Research Award થી સન્માનિત થયાં છે તેમણે વ્યક્તવ્યમાં કહ્યું કે સ્ત્રી સશક્તિકરણ એ છેતરામણો શબ્દ છે. સ્ત્રી સશકત જ હતી, છે અને રહેશે બસ આપણે સ્ત્રી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો પડશે, દરેક સ્ત્રીમાં આંતરિક ઉર્જા રહેલી છે જે સુષુપ્ત અવસ્થામાં હોય છે એને જાગૃત કરવી પડે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સમાજનું સ્વરૂપ ચોક્કસપણે બદલી શકાય છે. નારીવાદ શબ્દ ઈ.સ. 1929થી અસ્તિત્વમાં આવ્યો. સ્ત્રી સશક્તિકરણની મુખ્ય ત્રણ શરતો છે, આર્થિક સ્વાવલંબન, ઉદાત્ત વૈચારિક ક્ષમતા અને પ્રબળ લાગણી. વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, પન્ના નાયક , મનોજ્ઞા દેસાઈ જેવી લેખિકાઓએ પોતાની અનેક કૃતિઓ દ્વારા ભૃણ હત્યાથી લઈને દહેજ દૂષણ પર સવાલો ઉઠાવ્યા છે અને સ્ત્રી શિક્ષણ પર ભાર મૂક્યો છે.

સંચાલિકા જાગૃતિ ફડિયાએ સંચાલન દરમિયાન કોફીનું ઉદાહરણ આપતાં કહ્યું કે એને ગમે તેવાં ઉકળતાં પાણીમાં નાખો, એ પાણીમાં ઓગળીને વાતાવરણમાં સુગંધ ફેલાવે છે માટે વિપરીત પરિસ્થિતિમાં સ્ત્રીએ ભલે ઓગળવું પડે પણ જો એ ધારે તો પોતાના અસ્તિત્વની સુગંધ જરૂર ફેલાવી શકે‌.

જમ્મુ કાશ્મીર ચૂંટણી : 3 વાગ્યા સુધીમાં 56.01% મતદાન થયું

જમ્મુ-કાશ્મીરમાં આજે વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જમ્મુના એક મતદાન કેન્દ્ર પર સવારથી જ લાઈનો લાગી છે. કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાના 40 મતવિસ્તારોમાં આજે લાયક મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે 86 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 39.18 લાખ મતદારો 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

ત્રીજા તબક્કામાં સાત જિલ્લાની 40 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં કર્નાહ, ત્રેહગામ, કુપવાડા, લોલાબ, હંદવારા, લંગેટ, સોપોર, રફિયાબાદ, ઉરી, બારામુલ્લા, ગુલમર્ગ, વાગુરા-ક્રીરી, પટ્ટન, સોનાવરી, બાંદીપોરા, ગુરેઝ (ST)માં 16 વિધાનસભા બેઠકો છે. પરંતુ 40 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાની બાની, બસોહલી, કઠુઆ, જસરોટા અને હીરાનગર સીટ પર 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બિશ્નાહ (SC), સુચેતગઢ (SC), આરએસ પુરા-જમ્મુ દક્ષિણ, બહુ, જમ્મુ પૂર્વ, નગરોટા, જમ્મુ પશ્ચિમ, જમ્મુ ઉત્તર, અખનૂર (SC), જમ્મુ જિલ્લાની છમ્બ બેઠકો અને ઉધમપુર પશ્ચિમ, ઉધમપુર પૂર્વની ઉધમપુર બેઠકો પર 20 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ચિનીની, રામનગર (SC) બેઠકો પર 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાંબા જિલ્લાની વિજયપુર, રામગઢ અને સાંબા બેઠકો પર છ હજાર સુરક્ષા જવાનોની દેખરેખ હેઠળ મતદાન થશે.

બપોરે 3 વાગ્યા સુધી 56.01% મતદાન થયું

બાંદીપુર-53.09%
બારામુલ્લા-46.09%
જમ્મુ-56.74%
કઠુઆ-62.43%
કુપવાડા-52.98%
સામ્બા-63.24%
ઉધમપુર-64.43%

ટેસ્ટ સિરીઝઃ ટીમ ઇન્ડિયાએ કર્યું બંગલાદેશને ક્લીન સ્વિપ

કાનપુરઃ ભારતીય ટીમે બંગલાદેશને કાનપુર ટેસ્ટમાં સાત વિકેટથી માત કરીને સિરીઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી. ભારતની આ સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે, જ્યારે આ સતત ચોથો ચોક્કો છે, જેમાં ભારતે બંગલાદેશની વિરુદ્ધ ક્લીન સ્વિપ કર્યું હોય.

ટીમ ઇન્ડિયાએ બંગલાદેશની બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી સૂપડાં સાફ કર્યાં છે. આ રીતે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાની આ સતત 18મી સિરીઝ જીત છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત સૌથી વધુ સિરીઝ જીતવાનો રેકોર્ડ કર્યો છે. ભારત છેલ્લાં 12 વર્ષથી ઘરમાં ટેસ્ટ સિરીઝ નથી હાર્યું,કાનપુર ટેસ્ટમાં વરસાદને કારણે પાંચ દિવસની રમત નહોતી થઈ શકી, તેમ છતાં ભારતે બે દિવસમાં મેચ પોતાને નામે કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ભારત માટે આ જીત મહત્ત્વની છે.

બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા પાંચ વિકેટ ગુમાવીને 285 રને દાવ ડિકલેર કર્યો હતો. બંગલાદેશની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 146 રન જ બનાવી શકી હતી, જેને કારણે ભારતને 95 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાનો પ્રારંભ સારો નહોતો થયો. રોહિત શર્મા માત્ર આઠ રન બનાવીને મેહદી હસનના બોલ પર હસન મહમૂદને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ મેહદી હસનના બોલમાં LBW થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે બાજી સંભાળી હતી. જયસ્વાલે અર્ધસદી ફટકારી હતી. જ્યારે તે આઉટ થયો, ત્યારે ટીમ જીતથી માત્ર ત્રણ રન દૂર હતી. કોહલી અને પંતે ટીમને મેચ જિતાડી હતી. પાકિસ્તાનને એના ઘરઆંગણે 2-0થી હરાવનાર બંગલાદેશી ટીમને ભારતીય ઘરઆંગણે ટીમ ઇન્ડિયાથી 0-2થી માત મળી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટોચના સ્થાને પહોંચી છે.