Home Blog Page 1492

અજિત પવારે સીએમ પદની માંગને નકારી કાઢી

મુંબઈ: મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જો કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની 25 વિધાનસભા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

મીટિંગ પછી શું ખબર હતી?

અમિત શાહ સાથેની મુલાકાત બાદ એવા અહેવાલો આવ્યા હતા કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે મહારાષ્ટ્રમાં બિહાર પેટર્ન લાગુ કરવાની અને વિધાનસભા ચૂંટણી પછી પોતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. એવા અહેવાલો પણ હતા કે 25 બેઠકો પર મૈત્રીપૂર્ણ લડતની દરખાસ્ત કરવામાં આવી છે જ્યાં પક્ષો વચ્ચે ટક્કર છે. જો કે અજિત પવારે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

અજિત પવારે શું કહ્યું?
અજિત પવારે કહ્યું છે કે સીએમ પદની માંગ કે 25 સીટો પર મૈત્રીપૂર્ણ લડાઈના સમાચારોમાં કોઈ સત્ય નથી. અજિત પવારે કહ્યું કે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તેમની મુલાકાત દરમિયાન મેં કપાસ, સોયાબીન અને ડુંગળી ઉત્પાદકોની સમસ્યાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પવારે કહ્યું કે મેં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવાની અપીલ કરી છે. જો ખેડૂતોને ડુંગળીના વેચાણથી ઉંચો ભાવ મળતો હોય તો તેને મળવો જોઈએ. આ સાથે MSP વધારવા પર પણ વાત થઈ છે.

સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજુ નક્કી થઈ નથી
અજિત પવારે માહિતી આપી છે કે મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજી નક્કી થઈ નથી. પવારે કહ્યું છે કે ફોર્મ્યુલા તૈયાર થયા બાદ આ અંગેની માહિતી આપવામાં આવશે.

સેમસંગ 200થી વધુ કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સેમસંગનાં વેચાણમાં ઘટાડો થઈ રહ્યો અને એ 10 વર્ષમાં સૌથી નબળી સ્થિતિમાં છે. જોકે આની સીધી અસર કર્મચારીઓ પર પડશે. કંપની ભારતમાંના કર્મચારીઓમાંથી 20 ટકાની છટણી કરે, એવા અહેવાલ છે.

કંપની સેલ્સ, માર્કેટિંગ અને ઓપરેશન્સમાં કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે સેમસંગના સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસનું માળખું બદલાઈ રહ્યું છે. આ કારણે કંપનીના કેટલાક મુખ્ય અધિકારીઓ પણ વિદાય લઈ શકે છે. કંપનીએ અત્યારે ભરતી કરવાનું બંધ કરી દીધું છે અને એક્ઝિક્યુટિવ્સની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી નથી. સેમસંગ ઓફ-રોલ કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.

બીજી બાજુ, ચેન્નાઈસ્થિત કંપનીના મેન્યુફેક્ચરિંગ એકમમાં કામદારો અનિશ્ચિત સમયની હડતાળ પર છે અને તેનો ત્રીજો દિવસ છે. આ હડતાળને કારણે તહેવારોની સીઝન પહેલાં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીનના ઉત્પાદનને અસર થઈ રહી છે. સેમસંગના મેનેજમેન્ટે પરિસ્થિતિ અને પુનર્ગઠન અંગે ચર્ચા કરવા માટે ભારતીય ટીમને દક્ષિણ કોરિયા બોલાવી છે.

ગયા વર્ષે શાઓમીને પછાડીને સેમસંગ ફરી એક વાર 2023માં ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની રહી. જોકે માર્કેટ રિસર્ચ ફર્મ IDC કાઉન્ટરપોઈન્ટ અને કેનાલિસના જણાવ્યા અનુસાર કંપની એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિકમાં વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. આ સમયગાળામાં કંપનીના સ્માર્ટફોન શિપમેન્ટમાં 15.4 ટકાનો ઘટાડો થયો હતો, જે તેનો સતત ત્રીજો ત્રિમાસિક ઘટાડો થયો હતો. આને કારણે IDC ડેટા અનુસાર ત્રિમાસિક ધોરણે મૂલ્ય બજારહિસ્સો પણ 23 ટકાથી ઘટીને 16 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 21 ટકા હતો.

અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, જાણો કારણ..

જો તમે રેલવેમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે 15 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 1 થી 9 ચાર તબક્કામાં બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેના કારણે રેલવે વિભાગે પ્લેટફોર્મને ચાર તબક્કામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોને નજીકના અન્ય રેલવે સ્ટેશને ખસેડવામાં આવશે. વર્તમાન સમયમાં સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનો દોડી રહી છે, જેને સાબરમતી અસરવા અને વટવા સ્ટેશને ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે આ સાથે જ મુંબઈ સહિતની 28 ટ્રેનોને મણીનગર અને વટવા શિફ્ટ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનને ગાંધીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને ખસેડવામાં આવી છે. આ સાથે અન્ય ટ્રેનો જેના સ્ટોપેજ કાલુપર રેલવે સ્ટેશન છે એને પણ ઘટાડવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેટફોર્મ નંબર 1 અને 2 15મેથી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. એ જ રીતે 3 અને 4 નંબરના પ્લેટફોર્મ 12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે. જયારે 5 અને 6 નંબરના પ્લેટફોર્મ 15 ફેબ્રુઆરીથી 15મી મે સુધી અને 7, 8, 9 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. મુસાફરો આ દરમિયાન અન્ય જગ્યાએથી પોતાની રાબેતા મુજબની મુસાફરી કરી શકે છે.

રાજ્યનો પહેલો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, આવતીકાલે ઉદ્ઘાટન

ગુજરાતના પાલનપુરમાં જમીનથી 17 ફૂટ ઊંચો ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર એલ.સી 165 પર 89.10 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 12 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના દિવસે લોકાર્પણ કરવામાં આવશે.  જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ થ્રી લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજનું ભાદરવી પૂનમના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવશે. આ સમયે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આવતી કાલે ઉદ્ઘાટનને લઈને બ્રિજને લાઈટ દ્વારા શણગારવામાં આવ્યો છે. પાલનપુરના લોકો માટે હાલ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  ગુજરાતનાં પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ પર પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જયારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 79 પિલર પર ઉભો છે. જેમાં 84 મીટર ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોંક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે. ગુજરાતનો આ સૌથી પહેલો પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આ પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ બનાવવા માટે 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે.

 

ભાદરવી પૂનમના મેળામાં જતાં પહેલાં જાણી લો આ માહિતી..

બોલ માડી અંબે જય..જય..અંબેના નારા સાથે ગુજરાતના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી મા આદ્યશક્તિ અંબાજી માતાજીનો પવિત્ર મેળો ભરાય છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશથી પણ ભાવિકો માતાના ચરણે ધજા અર્પમ કરવા આવે છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીનાં દર્શન કરવા જાય છે. ત્યારે જાણીએ ભાદરવી પૂનમના મેળાની સમગ્ર વ્યવસ્થા વિશે..

દર્શનના સમયમાં કરાયો વધારો

ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આવતા ભક્તોને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ન થાય એ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરનાં દર્શન સમયમાં વધારો કરાયો છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરે સુધી માઈ ભક્તો સવારે 6:00 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી માતાજીનાં દર્શન કરી શકશે.

ગુજરાત એસટી દ્ધારા એક્સ્ટ્રા બસ દોડાવાશે

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળામાં બહારગામથી આવતા મુસાફરોને અગવડ ન પડે એ માટે એસ.ટી.ના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તેને ધ્યાને રાખી અંબાજી ખાતે 10 હંગામી બૂથો ઊભા કરી કુલ 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે તા.12/09/2024 થી 18/09/2024 દરમિયાન યોજાવાનો છે.

પ્રસાદ માટે જુદા-જુદા વેચાણ પોઈન્ટ

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે. જે મંદિર ઉપરાંત અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.

1500થી વધુ સંઘનું રજિસ્ટ્રેશન પૂર્ણ

અંબાજી જતાં પદયાત્રી પૂનમિયા સેવા સંઘોને ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, ભાદરવી પૂનમ મહામેળો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી આયોજિત મેળા માટે પદયાત્રી સંઘોનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી 1500થી વધુ સંઘોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ઓનલાઇન રજૂ થયેલા ફક્ત સંઘના રસોડાના સીધું-સામાન લઈ લીધા ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલા વાહનમાંથી ફક્ત એક જ વાહનને પ્રવેશ આપવામાં આવશે. વાહન પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પ્રવેશ મળશે નહીં, રસોડા સાથેના સંઘોને વધુમાં વધુ ચાર વાહનો માટે પાસ આપવામાં આવશે.

એક ક્લિક કરી મેળવો મેળાની સંપૂર્ણ માહિતી

મેળામાં યાત્રાળુઓને સુવિધાઓ મળી રહે એ માટે એક માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરવાથી તમે તમારા મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ સુવિધા મેળાના પ્રથમ દિવસ એટલે કે 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યાં છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગૂગલ મેપ દ્વારા કોઈપણ વ્યક્તિ એના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે.

યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોશર

ભાદરવી પૂનમના મેળા સંબંધિત ‘યાત્રિક સુવિધા માર્ગદર્શિકા’ બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટવાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાનાં વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવી છે.

તો હવે આ સંર્પુણ માહિતી સાથે મા આદ્યાશક્તિના દર્શન માટે અંબાજી ધામ જઈને ભક્તિમાં લીન થવાનો સમય આવી ગયો છે. હવે ભાવિકોને ભદરવી પૂનમના મેળામાં કોઈ અડચણ નહીં નડે.

રશિયા-યુક્રેન યુદ્ધ હું બંધ કરાવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

ન્યુ યોર્કઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે બે જ મહિના બચ્યા છે. અમેરિકી નાગરિકો પાંચ નવેમ્બરે મતદાન કરશે. વિશ્વઆખાની આ ચૂંટણી પર નજર રહેશે. એને ધ્યાનમાં રાખતાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પ્રેસિન્ડેન્શિયલ ડિબેટ જારી છે.

આ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ આ યુદ્ધ અટકાવી દેશે. જેથી કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું હતું કે પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.

ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે કહ્યું હતું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો પુતિન યુક્રેનની રાજધાની કીવમાં દેખાતા હોત. પુતિનના દબાણ હેઠળ ટ્રમ્પ ઝૂકી જશે. આ પોલેન્ડથી શરૂ થશે અને પુતિન યુરોપના બાકી ભાગો પર નજર રાખશે.

આ ચર્ચા દરમિયાન ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ જીતે? ત્યારે ટ્રમ્પે કહ્યું કે હું ઈચ્છું છું કે આ યુદ્ધ અટકી જાય. હું સમજું છું કે અમેરિકા માટે સૌથી શ્રેષ્ઠ એ હશે કે આ યુદ્ધ રોકાઈ જાય.

ટ્રમ્પે દાવો કર્યો કે ‘આ યુદ્ધમાં યુરોપને અમેરિકાની તુલનામાં ખૂબ ઓછી કિંમત ચૂકવવી પડી રહી છે. હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બંનેને ખૂબ સારી રીતે જાણું છું.’

આ ડિબેટમાં કમલા હેરિસે એ વાત પર ભાર મૂક્યો કે ટ્રમ્પ ખૂબ ઝડપથી પુતિન સામે ઝૂકી જાય છે. સામે પક્ષે ટ્રમ્પે અમેરિકન પ્રમુખ જો બાઈડનની ટીકા કરતાં તેમને એક ગેરહાજર રાષ્ટ્રાધ્યક્ષ કહ્યા હતા. આ અંગે કમલા હેરિસે વળતો હુમલો કરતાં કહ્યું હતું કે તમે બાઈડન વિરુદ્ધ લડી રહ્યા નથી, તમે મારા વિરુદ્ધ લડી રહ્યા છો.

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પહેલી વખત ડિબેટ થઈ છે, જેમાં આ ચર્ચામાં ઇકોનોમી, ઇમિગ્રેશન પોલિસી, ફોરેન પોલિસી, એબોર્શન, હેલ્થ કેર અને અન્ય વિષયોને ઉઠાવવામાં આવ્યા હતા.

કસોટીના સમયમાં દુનિયાનો સામનો કેવી રીતે કરવો

માનવજાત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માનસિક તણાવનું વધતું પ્રમાણ, પર્યાવરણને પહોંચી રહેલી હાનિ અને આબોહવામાં પરિવર્તન, દરેક ખૂણામાં જોખમો ડોકિયા કરી રહ્યા છે. મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય ત્યારે આપણે આપણી શ્રધ્ધાને બળવત્તર કરવી જોઈએ. શ્રધ્ધા વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી બહાર ખેંચી લાવે છે. તે હિંમત અને ક્ષમતાને એક કરતાં વધારે રીતે અનાચ્છાદિત કરે છે.

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જવા બીજી જે વસ્તુની તમારે જરૂર છે તે છે શાંત મન. જ્યારે મન શાંત હોય અને તમે સંતુલિત હોવ ત્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનું સરળ બની જાય છે. આ માટે તમારે તમારા મનને વર્તમાન ક્ષણમાં રહેવાની અને માનસિક તણાવને તિલાંજલી આપવાની થોડી તાલિમ આપવી જોઈએ. આવું તમે તમારા શ્વાસ પર ધ્યાન આપીને કરી શકો છો.

તમારી આંતરિક શાંતિ અને શ્રધ્ધા- આ બન્ને એક સાથે હોય તો તમારી પાસે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો ઉપાય હોય છે. શ્રદ્ધા હોવી એટલે સમજવું કે તમને ઈશ્વરનું રક્ષણ છે. જીવનમાં આગળ વધવા આટલી શ્રધ્ધા પૂરતી છે. પાકની લણણી કરીને ખેડૂત એક પહોળી ચાળણી પકડીને એક ઊંચી જગ્યાએ ઊભો રહે છે,બધા દાણા તેમાં નાંખે છે, અને ચાળણી હલાવે છે. ફોતરા હવામાં ઊડીને જતા રહે છે. જે દાણા હોય છે તે જમીન પર પડેલા રહે છે. જો તમારી શ્રધ્ધા બહુ ઝડપથી અને વારંવાર હલી જતી હોય તો તમે ફોતરા જેવા સાબિત થઈ રહ્યા છો.

જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે જો તમારી શ્રધ્ધા ઝડપથી હાલી જાય છે તો તમે તેનો મુસ્કુરાતા રહીને સામનો નહીં કરી શકો. જો તમારામાં શ્રધ્ધા નથી તો તમે ડરશો અને હતાશામાં સરી પડશો. તમારી પાસે ટકી રહેવા કંઈ પકડવાનું નહીં હોય. જો તમારામાં શ્રધ્ધા છે તો તમે ટકી જશો. જો તમને શ્રધ્ધા છે કે બધું બરોબર થઈ જશે તો બધું થાળે પણ પડી જાય છે.

એકવાર જો તમને સમજાઈ જાય કે તમને ઈશ્વરના આશીર્વાદ છે તો બધી અસલામતી જતી રહે છે. જીવનમાં 80 ટકા આનંદ છે અને 20 ટકા મુશ્કેલીઓ છે. આપણે પેલા 20 ટકાને પકડી રાખીએ છીએ અને તેને 200 ટકા બનાવી દઈએ છીએ! આવું સમજી વિચારીને નથી કરતા, આપણાથી એવું થઇ જાય છે. આ દુનિયામાં હંમેશા બધી વસ્તુ યથાર્થ જ રહે તેવું નથી બનતું. અરે, એકદમ ઉમદા ઈરાદાથી કરવામાં આવતું અને સૌથી શ્રેષ્ઠ હોય તેવા કાર્યમાં પણ ઉણપ રહી જાય છે. આવું થવું સ્વાભાવિક છે. પરંતુ જો તમે શ્રધ્ધાથી કટીબધ્ધ છો તો તમે આ દુનિયામાં વિકાસ સાધી શકશો અને તમારું સંતુલન જાળવી શકશો. જો તમારી શ્રધ્ધાના મૂળ ઊંડા છે તો બીજું બધું પોતાની મેળે ચાલ્યા કરે છે.

શ્રધ્ધા જે ભાગ ભજવે છે તે ભૌતિકતાવાદી દુનિયામાં એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે તે વ્યક્તિને આપઘાતી વૃત્તિથી બચાવે છે. તેને કોઈ બાબત પાછળનું કારણ જે દેખાય છે તેના કરતાં બીજી દ્રષ્ટિએ જોવામાં સહાય કરે છે. જ્યારે જીવન શ્રધ્ધા ઉપર આધારિત હોય છે ત્યારે વ્યક્તિ બદલાની ભાવના અને ધિક્કારમાં ફસાઈ જવાને બદલે સારી ફિલસૂફીને અનુસરે છે. જો બધું બરોબર થઈ જશે એવી શ્રદ્ધા હોય તો બધું થાળે પડી જાય છે.

જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવનની કોઈ પણ બાબત,નાની હોય કે મોટી, તે પ્રતિબધ્ધતા પર ચાલે છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પાસે સંસાધનો આવે તે પછી કોઈ કાર્ય માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને સાકાર કરવા માટે તેટલા વધારે સંસાધનો તમને પ્રાપ્ત થશે. આ કુદરતનો એક નિયમ છે. જો તમે કંઈક સારું કરવાનો ઈરાદો રાખો છો તો તમને જરૂર હોય ત્યારે અને તેટલા પ્રમાણમાં જરૂરી સંસાધનો સહેલાઈથી મળી જ જાય છે.

મુશ્કેલ સમયને પાર કરવાનો અન્ય માર્ગ છે તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરીને સમસ્ત માનવજાતનો સમાવેશ કરવાનો. જ્યારે દરેક વ્યક્તિ સમાજમાં પ્રદાન કરવાની વૃત્તિ ધરાવે છે ત્યારે એક દિવ્ય સમાજ બને છે. આપણે આપણી વ્યક્તિગત ચેતનાને જ્ઞાન થકી વિસ્તૃત થવા માટે ઘડવી જોઈએ જેથી “મારું શું થશે” ના બદલે “હું શું પ્રદાન કરી શકું છું”નું મહત્વ રહે છે.

જો તમે તમારા પરિવારની કાળજી લેવા સંકલ્પબદ્ધ છો તો તમારી પાસે તેના પ્રમાણમાં ક્ષમતા કે શક્તિ હશે. જો તમારો સંકલ્પ સમાજ માટે છે તો તમને તેને અનુરૂપ શક્તિ પ્રાપ્ત થશે. તમારી પાસે જે છે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો જ તમને બીજું વધારે આપવામાં આવશે! કુદરતનો આ બીજો નિયમ છે. જો તમે તમારા નાના મનમાં જ અટવાઈ રહો છો તો શા માટે કુદરત તમને વધારે કંઈ આપે? દુનિયાની સેવા કરવાનો સંકલ્પ રાખશો તો તમે કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો કરી શકશો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

U.N.M ફાઉન્ડેશ દ્વારા ગ્રીન સ્પેસમાં વધુ એક ઉદ્યાનનો ઉમેરો

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુ.એન.એમ. ફાઉન્ડેશને બુધવારે નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા જાહેર બગીચાને જનતાને સમર્પિત કર્યો. આ સાથે અમદાવાદમાં યુ.એન.એમ. ફાઉન્ડેશનની ‘પ્રતીતિ’ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત જાહેર બગીચાની સંખ્યા વધીને 10 થઈ છે.નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર પ્રસાદ હાજર રહ્યા હતા.કુલ 6,766 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નવો જાહેર બગીચો અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં પેનેશિયા રેસિડેન્સી પાસે આવેલ છે. નરોડા ખાતે નવો વિકસિત આ ગાર્ડન શહેરની ઉત્તમ જાહેર માળખાકીય સુવિધાઓનો ઉત્તમ નમૂનો છે. ગાર્ડનમાં 750 મીટર લાંબો વૉકિંગ ટ્રેક છે. વિવિધ ૨૨ જેટલી પ્રજાતિઓના લગભગ 80 વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરવાની સાથે  ધૂળના કણોને શોષવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. અલગ-અલગ 73 પ્રજાતિઓની 33,000થી વધુ ઝાડીઓ, વાંસ અને ઘાસ, બગીચાના તાપમાનને નિયંત્રિત કરવામાં અને ઠંડકયુક્ત માઇક્રોક્લાઇમેટ બનાવવામાં મદદ કરે છે.

યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની ‘પ્રતીતિ’ પહેલ હેઠળ અત્યાર સુધી અમદાવાદ શહેરમાં ૯૮,૮૬૪ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા જાહેર બગીચાઓનું નવ નિર્માણ/વિકાસ અને જાળવણી કરી રહી છે. યુ.એન.એફ. ફાઉન્ડેશન શહેરી જગ્યાઓમાં ગ્રીન કવરના સંરક્ષણ અને જાળવણી ઉપર વિશેષ ભાર મુકી રહ્યું છે. ‘પ્રતીતિ’ પહેલ હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દમણ શહેરમાં આવેલ ૧૩ બગીચાઓમાં લગભગ ૩.૪૭ લાખ ચોરસ મીટર ગ્રીન સ્પેસની જાળવણી કરવામાં આવી રહી છે.

શ્રીજીની મૂર્તિ ખંડિત કરનાર પર તંત્રની લાલ આંખ, 7 લોકોને દબોચ્યા

રાજ્ય સહિત દેશમાં ગણેશ મહોત્સવની ઘૂમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કેટલાક અસામાજીક તત્વો ગણેશ મહોત્સવની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાછલા 4 દિવસ 4 એવા બનાવ બન્યા છે કે જેનાથી ગણેશ મહોત્સવની શાંતિમાં ખલેલ પહોંચે. સુરત બાદ હવે કચ્છના નખત્રાણાના જદોડરમાં ગણેશ મૂર્તિ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર જડોદરમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસે 8 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે, અને 7 લોકોની પોલીસે પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ પથ્થરમારો કરનારા અસમાજિક તત્વો સામે કડક પગલાં લેવાની બાહેધરી પણ આપી છે. ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત કરવામાં આવી છે. લોકોએ ખોટી અફવા ફેલાવવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓનેને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટના 4 દિવસમાં 4થી વખત બની છે. સૌ પ્રથમ તારીખ 8 સપ્ટેમ્બરના સુરતમાં ગણેશ પંડાલ પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા આ કેસમાં 28 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. તો બીજી બાજું વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. તેમજ 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો.

AMAને બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ

અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને AIMAનો શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ 2023-24 એનાયત કરવામાં આવ્યો છે. દર વર્ષે AIMA, લોકલ મેનેજમેન્ટ એસોસિએશનના યોગદાનને “બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ”થી સન્માનિત કરે છે. આ વર્ષે 11મી સપ્ટેમ્બર, 2024ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત AIMAના ‘ઇન્ડિયાઝ એસેન્ટઃ નેવિગેટિંગ ગ્લોબલ અનસરટેઈનીટી’ થીમ પરના 51મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સાથે જ AMAએ વ્યાવસાયિક સંચાલનમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે 1990 થી 2014 દરમિયાન 20 વખત AIMAએ દ્રારા શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ (કેટેગરી-૧) પ્રાપ્ત કર્યો છે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA)ના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. AMA ગુજરાત સરકાર દ્રારા મેનેજમેન્ટ તાલીમ માટેની માન્ય સંસ્થા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય વેપારને લગતી બાબતો પર ગુજરાતની રુચિ ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નિરંતર શિક્ષણને લગતા વિવિધ તાલીમ કાર્યક્રમો, પરિષદો અને સેમિનારોનું આયોજન કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં સંશોધનને સમર્થન પણ આપે છે. AMA દ્રારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન તેના પોતાના એક અનોખા મોડેલમાં નવીન કાર્યક્રમો અને વાઇબ્રન્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.AIMAના ડાયરેક્ટર જનરલ રેખા સેઠી, પ્રમુખ નિખિલ સાહની, AIMAના ભૂતપૂર્વ પ્રમુખ સંજય કિર્લોસ્કર, ભૂતપૂર્વ પ્રમુખ સુધીર જાલાન, વાઇસ પ્રેસિડેન્ટ ટી. વી. નરેન્દ્રન, સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ સુનીતા રેડ્ડી, AMAના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા, AMAના ભૂતપૂર્વ પ્રમુખ દિવ્યેશ રાડિયા, AMAના ભૂતપૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્મા અને AMAના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિતને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. AMA ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા અને મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.