Home Blog Page 142

અમેરિકન ફાઇટર જેટ પડ્યા બાદ ટ્રમ્પે કહ્યું, “અમે યુદ્ધમાં છીએ”

વોશિંગ્ટનઃ મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્ય વિમાનો સાથે જોડાયેલી બે ઘટનાઓ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એક અમેરિકન ફાઇટર જેટને મારવામાં આવ્યા છતાં ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર નહીં પડે. આ ઘટનાથી ચર્ચાઓમાં અવરોધ આવશે તેવી આશંકાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે ના, બિલકુલ નહીં. નહીં, આ યુદ્ધ છે. અમે યુદ્ધમાં છીએ. યુદ્ધ દરમિયાન અમેરિકન વિમાન નષ્ટ થવાની ઘટનાને લઈને રાષ્ટ્રપતિની આ પ્રથમ જાહેર પ્રતિક્રિયા છે, ત્યારે સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.

ટ્રમ્પે મામલાની સંવેદનશીલતા બતાવતાં “સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન” અંગે વિગતવાર માહિતી આપવા ઈનકાર કર્યો અને જટિલ અને સક્રિય સૈન્ય અભિયાન અંગે મિડિયા રિપોર્ટિંગ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ઈરાનનો દાવો — અમેરિકન વિમાનને માર્યું

આ રાજદ્વારી તણાવ વચ્ચે તહેરાને પોતાના સૈન્ય દાવાઓ વધુ તેજ કર્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ જલડમરુમધ્ય નજીક એક અમેરિકન A-10 વિમાનને પાડી દીધું છે. રિપોર્ટ મુજબ વિમાનને વ્યૂહાત્મક જળમાર્ગના દક્ષિણ અને આસપાસના જળક્ષેત્રમાં નિશાન બનાવવામાં આવ્યું હતું, જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. A-10 અમેરિકાનું ગ્રાઉન્ડ-એટેક વિમાન છે, જે જમીન પર લડી રહેલા દુશ્મન સામે ક્લોઝ એર સપોર્ટ મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

અન્ય ઘટના — ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો

આ સાથે, ઈરાન ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયેલા અમેરિકન ફાઇટર જેટમાંથી એક ક્રૂ સભ્યને અમેરિકન સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધો છે. જણાવવામાં આવે છે કે તે વ્યક્તિ જીવિત છે, અમેરિકન કસ્ટડીમાં છે અને તેની તબીબી સારવાર ચાલી રહી છે.

એક ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો હોવા છતાં, બીજા સભ્યનું શું થયું તે હજી સ્પષ્ટ નથી, કારણ કે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. ટેક્નિકલ માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઇટર જેટ હતું, જેને સામાન્ય રીતે બે લોકોની ટીમ ચલાવે છે.

પંચાંગ 04/04/2026

કોબી મંચુરીયન વડી

કોબી શાકમાં તો નથી ભાવતી. પણ તેમાંથી મંચુરીયનના સ્વાદવાળી વડી બનાવવામાં આવે તો બાળકો તેમજ મોટેરાંને પણ તે ભાવશે. વળી તે ઝટપટ બની જાય છે!

સામગ્રીઃ કોબી 400 ગ્રામ, આદુ 1 ઈંચ, લસણ 7-8 કળી, લીલા મરચાં 2-3, સ્વાદ મુજબ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, સફેદ તલ 4 ટે.સ્પૂન, હીંગ 2-3 ચપટી, કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન, ચોખાનો લોટ ½ કપ, ચણાનો લોટ 1 કપ, ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, તેલ વડી તળવા માટે, કોથમીર ધોઈને સમારેલી 1 કપ,

રીતઃ કોબીને ખમણી લો. તેમાં ½ ચમચી જેટલું મીઠું મેળવીને 10 મિનિટ માટે રાખી મૂકો.

મિક્સીમાં આદુના ટુકડા, મરચાં, લસણ તેમજ જીરૂ મેળવીને અધકચરું પીસી લો.

કોબીમાં વાટેલો મસાલો તેમજ હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, અજમો, કાળા મરી પાઉડર, સફેદ તલ, હીંગ, સમારેલી કોથમીર મેળવી દો. કોબીમાં મીઠું મેળવેલું  હોવાથી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. આ મિશ્રણ સરખું મિક્સ કરીને તેમાં ચોખાનો તેમજ ચણાનો લોટ મેળવો. ત્યારબાદ ખાવાનો સોડા મેળવી ઉપરથી લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ સરખું મિક્સ કરી લો. હાથમાં તેલ લગાડી તેમાંથી લીંબુની સાઈઝના ગોળા વાળીને તેને ચપટો આકાર આપી દો. ગોળાની ઉપર સફેદ તલ લગાડી લો..

ઈડલી બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલીના મોલ્ડમાં તેલ લગાડીને તૈયાર કરેલા ગોળા ગોઠવીને 10-15 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ તે  ઠંડા થાય એટલે ચપ્પૂ વડે તેના લાંબા ત્રણ પીસ કરી લો. ઈડલીના સ્ટેન્ડમાં જો આ ગોળા બાફવા હોય તો થાળી તેલવાળી કરીને તેમાં મિશ્રણ પાથરીને ઢોકળાની જેમ બાફી શકાય છે. તેમજ તેના ચોરસ કે લંબચોરસ પીસ કરી શકાય છે.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય એટલે ગેસની મધ્યમ આંચે મંચુરીયન વડી સોનેરી રંગની તળી લો.

કોબી મંચુરીયન વડી ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.

૦૪ એપ્રિલ ૨૦૨૬

મોદી સરકાર દ્વારા રૂ. બે લાખ કરોડના રાહત પેકેજની શક્યતા

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મોટા પગલાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલય લગભગ રૂ. બે લાખ કરોડની ક્રેડિટ સપોર્ટ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાનો હેતુ મિડલ ઈસ્ટ સંકટથી પ્રભાવિત સેક્ટરોને રાહત આપવાનો છે. આ પ્રસ્તાવિત યોજના કોરોના કાળ દરમિયાન અમલમાં આવેલી ‘ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)’ની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિઝ આ સ્કીમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને આગામી 15 દિવસમાં તેને અમલમાં મૂકવામાં આવી શકે છે.

MSME સેક્ટર પર ખાસ ધ્યાન

રિપોર્ટમાં જણાવાયું છે કે આ યોજનાનું મુખ્ય ફોકસ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટર પર રહેશે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનની અડચણોથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

આ સ્કીમ હેઠળ ગેરંટી વગરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને સરકારની ગેરંટીનો આધાર મળશે. આથી નાના વ્યવસાયોને સરળતાથી ફંડિંગ મળશે અને લિક્વિડિટી સંબંધિત સમસ્યામાં રાહત મળશે.

હાલ સિસ્ટમ પર મોટું દબાણ નહીં

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અર્થતંત્રમાં કોઈ તાત્કાલિક સિસ્ટમેટિક દબાણ નથી. પરંતુ પરિસ્થિતિ બગડવાની શક્યતા ધ્યાનમાં રાખીને સરકાર પહેલેથી તૈયારી કરી રહી છે. આ પગલાને “પ્રિકોશનરી કુશન” તરીકે જોવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડે ત્યારે પ્રભાવિત સેક્ટરોને તરત સહારો આપી શકાય.

યુદ્ધ ખતમ થયા પછી પણ અસર રહેશે

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભલે આવનારા સમયમાં ભૂ-રાજકીય તણાવ ઓછો થઈ જાય, તેમ છતાં પ્રભાવિત સેક્ટરોમાં સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ થવામાં સમય લાગી શકે છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને માગમાં અનિશ્ચિતતા તેનાં મુખ્ય કારણો રહેશે.

 કોરોના મોડલ પર વિશ્વાસ

કોરોના-19 મહામારી દરમિયાન અમલમાં આવેલી ECLGS યોજનાએ લાખો વ્યવસાયોને રાહત આપી હતી અને MSME સેક્ટરને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સરકાર એ જ મોડલ અપનાવી વર્તમાન સંકટનો સામનો કરવાની વ્યૂહરચના બનાવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.

અમદાવાદમાં IPLની મેચ: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ?

અમદાવાદ: મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહનવ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.

કઈ તારીખોએ નિયમો લાગુ પડશે?

અમદાવાદમાં રમાનારી કુલ 7 મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે. જેમાં એપ્રિલ દરમિયાન તારીખ 4, 17, 20, 26 અને 30 તારીખ અને મે દરમિયાન 3 અને 12 તારીખે આ જાહેરનામું લાગું પડશે.

પ્રતિબંધિત માર્ગો

મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગો

ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.

(1) તપોવન સર્કલથી: વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટીથી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.

(2) કૃપા રેસીડેન્સીથી: કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

આ જાહેરનામું મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવાઓના વાહનો અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. રહીશોએ પોતાની ઓળખ સાબિત કરવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે જેથી મેચના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના કે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય.

અમેરિકા, ઇરાન યુદ્ધને પગલે બાંગ્લાદેશમાં ઘેરાયું ઊર્જા સંકટ

ઢાકાઃ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધનો પ્રભાવ હવે બાંગ્લાદેશ પર પણ દેખાવા લાગ્યો છે. દેશમાં ઊર્જા અને ઇંધણ સંકટ ગંભીર બનતાં નવી તારિક રહમાન સરકારે નિયંત્રણાત્મક પગલાં જાહેર કર્યાં છે. ઇંધણ બચાવવા અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ઓફિસોથી લઈને શોપિંગ મોલ સુધીના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.

 બાંગ્લાદેશમાં ઓફિસનો નવો સમય શું?

સરકારે ઓફિસનાં કામકાજના કલાકો ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી વીજળી અને ઇંધણની માગ નિયંત્રિત કરી શકાય. નવા નિયમ મુજબ બાંગ્લાદેશમાં તમામ ઓફિસો હવે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ઊર્જા બચતના પગલાંરૂપે દેશભરની તમામ દુકાનો, રિટેલ આઉટલેટ અને શોપિંગ મોલ દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવશે.

 ઇંધણ બચાવવા બાંગ્લાદેશ શું પગલાં લઈ રહ્યું છે?

  • શિક્ષણ મંત્રાલય રવિવારથી શાળાઓ માટે નવા માર્ગદર્શિકો જાહેર કરશે, જેમાં સમયપત્રકમાં ફેરફાર અને જરૂર પડે તો ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની વ્યવસ્થા હશે.
  • શાળાઓ માટે ઇલેક્ટ્રિક બસોના ડ્યૂટી-ફ્રી આયાતની મંજૂરી આપવાનો વિચાર ચાલી રહ્યો છે અને આ પહેલમાં જોડાનારને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ઇંધણની અછતને પહોંચી વળવા પેટ્રોલ અને ડીઝલ પર રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે.
  • ગભરાટમાં ખરીદી અને જથ્થાબંધ સંગ્રહ અટકાવવા વાહનોના વેચાણ પર મર્યાદા મૂકવામાં આવી છે.
  • લાંબી લાઈનો અને વધતી માગને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ પંપોના ખુલ્લા રહેવાના સમયને પણ ઘટાડવામાં આવ્યો છે.
  • અધિકારીઓએ ચેતવણી આપી છે કે મુખ્ય તહેવારો દરમિયાન થોડી રાહત મળવા છતાં ઇંધણ પુરવઠો હજુ મર્યાદિત રહેશે.

 બાંગ્લાદેશમાં વધતું ઇંધણ અને ઊર્જા સંકટ

બાંગ્લાદેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય અનિશ્ચિતતા વધી છે, જેની સીધી અસર દેશ પર પડી છે. અંદાજે 17.5 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા સરકારી એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે.

માલદા પ્રોટેસ્ટ કેસના મુખ્ય કાવતરાખોર સહિત 35ની ધરપકડ

 કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

મુખ્ય કાવતરાખોરની ધરપકડ

ADG  નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આરોપી ઇસ્લામનું નિવેદન

ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.

બુધવારે કાલિયાચકમાં ઘટના બની

માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.

અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં CNGના ભાવ વધાર્યા

અમદાવાદઃ રાજ્યના અમદાવાદ શહેરમાં CNGની કિંમતોમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસે  CNGના દરમાં પ્રતિ કિલો રૂ. 1.50નો વધારો જાહેર કર્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં CNGની નવી કિંમત રૂ. 83.77 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લોકો પહેલેથી જ વધતી મોઘવારીના દબાણ વચ્ચે રોજિંદા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં મોટી સંખ્યામાં ઓટો-રિક્શા, ટેક્સી અને ખાનગી વાહનોમાં CNGનો ઉપયોગ થાય છે. તેથી સામાન્ય લોકો માટે હવે રોજિંદી મુસાફરી થોડી વધુ મોંઘી બનશે.

ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી જ ઇંધણ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. તાજેતરમાં દેશભરમાં ઈરાન યુદ્ધની પરિસ્થિતિને કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં કોમર્શિયલ LPGની કિંમતો પર સીધી અસર પડી છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50નો વધારો કર્યો હતો.

પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવનો પ્રભાવ હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો છે. અત્યાર સુધી સરકાર સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરતી હતી, પરંતુ બુધવારે કોમર્શિયલ LPG અને વિમાન ઇંધણના ભાવમાં થયેલા વધારાથી સ્પષ્ટ થયું છે કે સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને તેની સૌથી મોટી અસર સામાન્ય લોકો પર પડશે. જો ઈરાન તથા અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ લાંબો ચાલશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.

ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાનો માર, ખેડૂતો ચિંતિત

અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, ગીર સોમનાથના વેરાવળમાં માત્ર બે કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ 
હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ  વરસ્યો હતો. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ખેતરમાં ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ 
પોરબંદરના બરડા પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ માવઠાથી મગ, તલ અને અડદ જેવા ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે વરસેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે…
વાવ થરાદ જિલ્લાના વાતાવરણમાં પલટો 
વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કમોસમી વરસાદ શરૂ થયો હતો. લાખણી, દિયોદર અને થરાદ સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ પડતા થઇ શકે ખેતી પાકોને નુક્સાન થવા પામ્યું છે.ખેડૂતોની ચિંતા વધી
ભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને ઘઉં, મગ, તલ, અડદ જેવાં તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને અચાનક આવેલા આ કમોસમી મારને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે.
ગરમીથી રાહત, પણ મુશ્કેલીની શરૂઆત
એક તરફ જ્યાં કમોસમી વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.