દિવાળી, એટલે પ્રકાશનું પર્વ. વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે પણ દિવાળી. ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં એક છે.
આ દિવસે લોકો પોતાના ઘરને સુંદર સજાવે છે, સમગ્ર ઘરને દિવાઓથી પ્રજવલિત કરે છે. બાળકો અને મોટેરા ફટાકડા ફોડીને દિવાળીને મનમુકીને એન્જોય કરે છે. તો વળી એક બીજાને શુભેચ્છા પણ આપે છે. જોકે, આ ઉજવણીમાં મીઠાઈનું વિશેષ મહત્વ છે. અલબત્ત એમ કહેવું જરાય ખોટુ નથી કે મીઠાઈ વગર દિવાળીનો તહેવાર અધુરો છે. દેશના જુદા-જુદા રાજયોમાં દિવાળી ટાણે ખાસ મીઠાઈ બને છે, ત્યારે જાણીએ જુદા-જુદા પ્રાંતમાં દિવાળી પર્વમાં બનતી મીઠાઈઓ વિશે..
ઘૂઘરા-ગુજરાત

ઘૂઘરાનું નામ સાંભળતા જ ભલભલાના મોંમાંથી પાણી છૂટી જાય. ઘૂઘરા વગર તો ગુજરાતીઓની દિવાળી જ અધૂરી ગણાય. હવે તો ઘૂઘરા બજારમાં તૈયાર પણ મળે છે. જો કે આજે પણ આ પરંપરાગત વાનગીઓ ગુજરાતી હોંશે હોંશે બનાવે છે. એક સમય હતો જ્યારે ઘૂઘરા માત્ર સોજીના જ બનાવવામાં આવતા, પરંતુ હવે એમાં પણ અનેક વેરાયટી છે. જેમ કે બેક્ડ ઘૂઘરા, કાજુ-બદામના ઘૂઘરા, સૂકા મેવાના રસાણ ઘૂઘરા, ખજૂરના ઘૂઘરા, તલના ઘૂઘરા, શાહી ઘૂઘરા.
અનારસા-મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રીયન દિવાળીની ઉજવણીનો મહત્વનો ભાગ, અનારસાએ ચોખાના લોટ અને ગોળથી બનેલી મીઠાઈ છે. મહારાષ્ટ્રમાં એને દિવાળીના ફરાળ એટલે કે મીઠા અને સ્વાદિષ્ટ નાસ્તા તરીકે માણવામાં આવે છે. આ એક ડીપ-ફ્રાઈડ મીઠા ભજીયા જેવી વાનગી છે જેમાં ખાસ કરીને ખસખસ વધારે હોય છે.
બાબરુ-હિમાચલ પ્રદેશ

બાબરુ એ હિમાચલ પ્રદેશની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને દિવાળી સમયમાં બનાવવામાં આવે છે. બબરુ બનાવવા માટે, ઘઉંના લોટમાં, અજમો, મીઠું અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરીને કણક તૈયાર કરવામાં આવે છે. કણકમાંથી પરાઠા અથવા પૂરી વણી એમાં કાળા ચણાની દાળમાંથી બનાવેલી સ્વાદિષ્ટ સ્ટફિંગ અડધા ભાગમાં ભરવામાં આવે છે. બાકીનો અડધો ભાગ ફોલ્ડ કરી ભરણને અંદરથી સીલ કરાય છે. દિવાળીમાં આ વાનગી ખીર અથવા રબડી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
નારીકોલ લારુ – આસામ

આસામની લોકપ્રિય મીઠાઈ છે જે નારિયેળના લાડુ તરીકે પણ ઓળખાય છે. તે કાપલી નાળિયેર, લીલી એલચી પાવડર, ઘી અને ખાંડનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને દિવાળી સમયમાં આ વાનગી એકબીજાને આપવામાં આવે છે. તલ અને નારિયેળમાંથી તૈયાર થતી આ ડીશ આરોગ્યવર્ધક અને સ્વાદિષ્ટ છે.
છોડો શાક- પશ્ચિમ બંગાળ

ભારતભરમાં દિવાળી સમયે મીઠાઈ બનાવવાની પરંપરાની તુલનામાં પશ્ચિમ બંગાળ છોડો શાક નામનું એક સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર કરવામાં આવે છે. જેમાં 14 લીલા પત્તાવાળા શાકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળી પૂજા માટે બનાવવામાં આવતી એક ખાસ ડિશ છે, જેને ઘણા તહેવારો અને ખાસ દિવાળીમાં બનાવવામાં આવે છે.
ગવલુ-આંધ્ર પ્રદેશ

ગવલુ મૂળ આંધ્ર પ્રદેશની મીઠાઈ છે, જે ખાસ કરીને દિવાળીના સમયમાં બનાવવામાં આવે છે. ગવલુ એ માત્ર મીઠાઈ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં એને સમાજના સાંસ્કૃતિક વારસાના એક ભાગ તરીકે પણ જોવામાં આવે છે. ગવલુ, એના સ્વાદ અને સામગ્રી સાથે, સ્થાનિક પ્રથા અને પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
માવા કચોરી – રાજસ્થાન

જોધપુર (રાજસ્થાન)ની આ સ્વાદિષ્ટ વાનગી દિવાળીના તહેવારોમાં ખૂબ ખવાય છે. આ માવા કચોરી સૂકા મેવા અને માવાથી ભરપૂર હોય છે. જેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. માવા કચોરી ખાવામાં ખૂબ હેવી હોય છે પરંતુ દિવાળીમાં દરેક ઘરમાં અવશ્ય બને છે.
શુફ્તા- કાશ્મીર

જમ્મૂ અને કાશ્મીરનું એક પારંપરિક ગળ્યું વ્યંજન એટલે શુફ્તા. મિશ્રિત સૂકા મેવા અને ખાંડની ચાસણી અને મસાલાથી બનાવવામાં આવે છે. જેમાં ઘણા ડ્રાયફ્રુટ્સ હોય છે. ડ્રાયફ્રૂટ્સને પહેલાં પાણીમાં પલાળવામાં આવે છે અને પછી ઘી અને મસાલા સાથે થોડી ખાંડ મિક્સ કરી બનાવવામાં આવે છે. લોકો આ વ્યંજનનો સ્વાદ વધારવા માટે અંદર ગુલાબની પાંદડીઓ અને કેસર પણ મિક્સ કરે છે. દિવાળીમાં આ વાનગી વધારે બનાવવામાં આવે છે.
હેતલ રાવ









કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનએ ભારતને સ્કિલ કેપિટલ – કૌશલ્ય હબ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના યુવાનોને આગળ વધારવામાં આ સંસ્થા નિર્ણાયક ભૂમિકા ભજવશે. યુવા પેઢી ટેકનોલોજી અને અદ્યતન સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ગુજરાતમાં સ્કીલ ડેવલેપમેન્ટ યુનિવર્સીટી કાર્યરત કરી છે. આ યુનિવર્સિટીમાં વોકેશનલ તાલીમ ઉપરાંત ડ્રોન, AI સહિત અધ્યતન ટેકનોલોજીના વિવિધ કોર્સનો સમાવેશ કરાયો છે.
મુખ્યમંત્રીએ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર વિશે કહ્યું કે, આ પ્રશિક્ષણ કેન્દ્રએ શાળા છોડી દેનારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અનેક સમુદાયોના દિકરા-દિકરીઓના વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે.
નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન, પદ્મવિભૂષણ એ.એમ.નાયકે આ અવસરે કહ્યું કે, ગરીબોની સેવા કરી તેઓને વિકાસની ધારામાં લાવવા એ મારા દાદા અને પિતાનું સ્વપ્ન હતું. જેઓના સંસ્કારના કારણે આજે આ કાર્યોને હું આગળ વધાવી રહ્યો છું. આ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી વંચિત ગરીબોને રહેવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે છે. અમારી તમામ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ કોટિની સુવિધાઓ આપવામાં આવે છે. અમારી સાથે ૪૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે.
અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય શાળા પૂર્ણ ન કરનારા યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ સુવિધા પૂરી પાડે છે. અહીં 6,000થી વધુ શાળા છોડનારા વિદ્યાર્થીઓને તાલીમ આપીને, વિવિધ ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે આવશ્યક કૌશલ્ય પૂરું પાડયું છે. અહીં આપવામાં આવતી તાલીમ સંપૂર્ણપણે મફત છે. જેથી નબળી આર્થિક પરિસ્થિતિ, વિદ્યાર્થીના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં અવરોધ રૂપ ન બને. મફત કોર્સની સુવિધા સાથે આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે વસવાટની સુવિધા પણ પૂરી પાડે છે અને મુસાફરીના ખર્ચને આવરી લેવા માટે ભથ્થાં પણ આપે છે. હાલમાં અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓની સંખ્યા 1500 પ્રતિ વર્ષ થઈ ગઈ છે.
