Home Blog Page 1375

વાસ્તુ: ઉત્તર અને બ્રહ્મનો દોષ પુરુષનો સ્વભાવ શંકાશીલ બનાવે

આપણે વાઘને જોઈએ તો એ અંદરથી પણ વાઘ જેવા જ ગુણધર્મ ધરાવતો હોય. અને ચકલીને જોઈએ તો એ અંદરથી પણ ચકલી જેવી જ હોય. પણ માણસને એના દેખાવને જોઈને ઓળખવો મુશ્કેલ છે. માણસ ઈચ્છે તેવો દેખાઈ શકે છે. પણ ઈચ્છે તેવો થઇ નથી શકતો. માણસને માણસના ગુણધર્મો સાથે જીવવું હોય તો મહેનત કરવી પડે છે. વળી ક્યારેક લોકો માણસના વર્તનથી થાકીને એવું કહેતા પણ હોય છે કે જરાક માણસ થા. આનું કારણ છે કે કુદરતના બધા જીવો એનું નિર્ધારિત કર્તવ્ય પાલન કરે છે. પણ માણસને એ રીતે જીવવું નથી ગમતું. કારણ વિનાનો ભય અને કારણ વિનાની અપેક્ષાઓ એને માણસ બનવા દેતી નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આમ તો અમે ગુજરાતી નથી. પણ બાપ દાદા ગુજરાતમાં આવીને વસ્યા એટલે અમારે ગુજરાતમાં રહેવું પડે છે. એક સારા વિસ્તારમાં સારી સોસાયટી બનતી હતી. એટલે અમે સાથે વ્યવસાય કરતા લોકોએ એક સાથે ત્યાં ઘર લીધા. લગભગ બધા બિનગુજરાતી લોકો. એટલે અમને અમારું વાતાવરણ મળી જતું. થોડા વરસો પહેલા એક માણસ રહેવા આવ્યો. એને ઘણીબધી ભાષા આવડે. એટલે ખબર જ ન પડે કે ક્યાંનો છે. દેખાવે વિદેશી લાગે. અમને લાગ્યું કે એ અમારામાં ભળી જશે. એક દિવસ ડ્રીંક પાર્ટીમાં એને બોલાવવા મેં ફોન કર્યો. “ સત્સંગ મેં આઓગે?’ એણે હા પાડી. અમે ભેગા થયા ત્યારે કહે કે હું નથી પીતો. હવે સત્સંગ કોને કહેવાય એ આવડા મોટા માણસને ખબર ન હોય? એ અમારી બધી વાતો સાંભળી ગયો. અમે એની પાછળ જાસુસ લગાડ્યા તો ખબર પડી કે એ તો ગુજરાતી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તો ગરીબ હોય. એ અમારી સોસાયટીમાં કેવી રીતે આવી શકે? અમને ગુજરાતી લોકો ગમતા જ નથી.

એને અમે ગમે તેટલું કરીએ કોઈ અસર જ નથી થતી. પાણી બંધ કરી દીધું તો બોટલ મંગાવી લે. દૂધ બંધ કરી દીધું તો ચાલીને લઇ આવે. એક વાર તો એની ઉપર બાઈક ચડાવી દીધું તો બાજુમાં ખસી ગયો. બાઈક પડ્યું અને એ બચી ગયો. અમારી સોસાયટીમાં અમે થોડું એવું કામ કરીએ છીએ જે સારા પૈસા અપાવે પણ કાયદાકીય ન હોય. એવું તો આજકાલ બધા કરતા હોય છે. અમને ડર છે કે એ અમને ખુલ્લા પાડી દેશે. કોઈ વાસ્તુ આધારિત વસ્તુ મળે જે એના ઘરમાં મુકવાથી એ ઘર છોડીને જતો રહે?

જવાબ: જો આપને ગુજરાત અને ગુજરાતી લોકો નથી ગમતા તો મન મારીને ગુજરાતમાં શું કામ રહો છે? ગુજરાતમાં પૈસા કમાવ છો. બે પેઢીથી અહી સ્થાયી થયા છો તો પણ જો આ પ્રદેશ માટે સન્માન ન હોય તો તમારે તમારા પ્રદેશમાં પાછા જતા રહેવું જોઈએ. બીજું ગરીબ બ્રાહ્મણ એ માત્ર એક વાર્તાનું પાત્ર છે. દરેક બ્રાહ્મણ ગરીબ નથી હોતો. નારાયણ મૂર્તિ પણ બ્રાહ્મણ છે. એમના પત્ની સુધા મૂર્તિ ઘણાબધા સેવાકીય કાર્ય કરે છે.

તમારી સમસ્યા એ છે કે તમે ભયભીત છો. ખોટું પકડાઈ જશે એના કાલ્પનિક ભયના કારણે તમે આક્રમક બન્યા છો. સત્સંગ જેવા પવિત્ર શબ્દને તમે આવા કામ માટે વાપરો છો અને પાછુ એવું માની લો છો કે ઉમર સાથે બધા આવું જ શીખે એ તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. એ માણસ પોતાનામાં જીવે છે. એટલું પણ તમે સમજી નથી શકતા. તમારે વિચારધારા બદલવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિ સકારાત્મક છે. એમાં કોઈનું નુકશાન કરવાની વાત નથી. એ જ રીતે કોઈને રંજાડવાના નિયમો ભારતીય વાસ્તુમાં નથી. એ માણસની કોઈ મજબૂરી હશે જે તમારી સોસાયટીમાં રહે છે. ગુજરાતમાં આવીને ગુજરાતીને જ બહાર કાઢવાના વિચારો યોગ્ય નથી. તમારો અભિગમ બદલો. બધું બરાબર થઇ જશે.

સુચન: ઉત્તર અને બ્રહ્મનો દોષ પુરુષનો સ્વભાવ શંકાશીલ બનાવે છે.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com

ગુજરાતને ખુશખુશાલ દિવાળીની ભેટ આપવા 108ની ટીમ તૈયાર

સામાન્ય રીતે દિવાળી એટલે હર્ષોલ્લા અને ઉમંગનો તહેવાર. પરંતુ ક્યારેક થોડીક બેદરકારીના કારણે હર્ષોલ્લાસનો તહેવાર જીવનભર ન ભૂલી શકાય તેવી ખરાબ યાદમાં ફેરવાય જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન આગ-અક્સ્માતના બનાવમાં વધારો જોવા મળતો હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સેવા ખૂબ જ મહત્વની બની જાય છે. છેલ્લાં 17 વર્ષથી 108 સેવા ગુજરાતમાં કાર્યરત છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન આવતા કેસોને પહોંચી વળવા માટે 108 દ્વારા કેવાં પ્રકારની તૈયારી કરવામાં આવી છે તે વિશે ચિત્રલેખા.કોમએ 108 ઇમર્જન્સી સેવાના CEO જશવંત પ્રજાપતિ સાથે વાતચીત કરી.

ચિત્રલેખા: દિવાળીના તહેવારને લઈને કેવાં પ્રકારની તૈયારીઓ છે?

જશવંત પ્રજાપતિ: દિવાળીના તહેવારો દરમિયાન આગ-અકસ્માતના કેસોમાં અંદાજિત 16 ટકાનો વધારો થતો હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સેવાએ પણ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. આ માટે 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન લગભગ સાતેક દિવસનું મીની વેકેશન હોય છે. જે દરમિયાન મોટાં-મોટાં હોસ્પિટલ બંધ હોય છે. બીજી તરફ લોકોની મુવમેન્ટના કારણે ઈમરજન્સી કેસમાં વધારો થાય છે. વધારાનો સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે તેનું અમે લોકો અગાઉથી જ પ્લાનિંગ કરીએ છીએ. અમારી એમ્બ્યુલન્સમાં વપરાતી દવાઓ અને મેડિકલ સાધનો  અમે અગાઉથી સ્ટોરેજ કરી લીધા છે. વધારાના કોલને પહોંચી વળવા માટે સ્ટાફની રજાઓનું પણ અરેન્જમેન્ટ્સ એ પ્રમાણે કર્યુ છે કે તહેવારો દરમિયાન અમારા કર્મચારીઓ ઓછી રજા લે.

હોસ્પિટલ સાથે કેવાં પ્રકારનું સંકલન કરવામાં આવે છે?

તહેવાર દરમિયાન ઇમર્જન્સી સેવામાં વધારાને લઈને સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સમાં દવા અને અન્ય વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. તહેવાર સમયે દર્દીને ઝડપથી હેન્ડઓવર ટેકઓવર કરી શકાય તેમજ એમ્બ્યુલન્સને ઝડપથી ફ્રી કરી શકાય તે માટે અમે લોકો અગાઉથી મોટાં હોસ્પિટલ્સ સાથે સંકલન કરીએ છીએ. જરૂર પડે અમારો સ્ટાફ પણ ઈમરજન્સી વિભાગના અરાઈવલ પર હાજર રાખીએ છીએ, જેનાં કારણે સિમલેસલી દર્દીને વોર્ડમાં ટ્રાન્સફર કરી શકાય. સાંજના સમયે આ અકસ્માતના કેસો વધારે આવતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન વધતા જતા આગ-અકસ્માતના કેસમાં વધારો જણાય છે, ત્યારે લોકોને સાવચેતી જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

 

સામાન્ય દિવસો કરતાં કોલમાં કેટલો વધારો થાય છે? કેવાં પ્રકારના કોલ વધારે આવતા હોય છે?

સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતા હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમર્જન્સી કોલમાં 16 ટકા વધારો થઈને 5200 કેસ આવી શકે છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થઈને 5000 કેસ આવી શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ આવતા હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.

ક્યા શહેરમાંથી વધુ કોલ આવતા હોય છે?

દિવાળીના તહેવારો દરમિયાન મોટાં શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વતન જતાં હોય તેવાં સમયે અકસ્માત થતાં હોય તેવાં જિલ્લામાં અરવલ્લી, મહીસાગર, આણંદ, મહેસાણા, છોટાઉદેપુર, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કર્યા છે. બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતા ઓવરસ્પીડના કેસ જોવા મળતા હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. અકસ્માતમાં હેલ્મેટ વગરના કેસ વધુ હોય છે. તહેવારો દરમિયાન લોકો ફરવા માટે અથવા તો કોઈને મળવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે ત્યારે તેમની મુવમેન્ટ વધે છે. એ દરમિયાન અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે. આ સિવાય મારમારી, પડી જવાથી વાગવાના, જરૂરી ખાનપાનમાં ધ્યાન ન રાખે તો ફૂડ પોઈઝનિંગના કેસ પણ આવતા હોય છે. આ બધાં ઉપરાંત બર્ન કેસીસ એટલે કે દાઝી જવાના કેસમાં પણ વધારો સામાન્ય દિવસ કરતાં દિવાળીના તહેવારો દરમિયાન થતો હોય છે.

સામાન્ય લોકોને શું અપીલ કરશે?

૧૦૮-ઈએમએસ તરફથી હું તમામ નાગરિકોને સુરક્ષિત અને સમૃદ્ધ દિવાળી માટે શુભેચ્છા પાઠવું છું. તહેવારની ઉજવણીમાં મગ્ન થતી વેળાએ, નાગરિકોને થોડા જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું. દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતોના મોટા પ્રમાણમાં બનાવો જોવા મળતા હોવાથી, હું નમ્ર વિનંતી કરું છું કે તમે સાવચેત અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. પેટ સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે ગુણવત્તાવાળા અને પૂરતા પ્રમાણમાં આહાર લેવું પણ મહત્વનું છે. ઉપરાંત, તમારી આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ રાખીને શારીરિક ઝઘડાઓ અટકાવવાનો પ્રયાસ કરવો.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

NZએ ભારતને હરાવી રચ્યો ઇતિહાસઃ સિરીઝમાં 2-0થી આગળ

પુણેઃ ન્યુ ઝીલેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતને હરાવીને સિરીઝ 2-0થી પોતાને નામે કરી લીધી છે. આ બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પૂરી થઈ છે. ન્યુ ઝીલેન્ડે આપેલા 359 રનના પડકાર સામે ભારત 245 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત 12 વર્ષ અને 18 સિરીઝ પછી ભારતની હાર થઈ છે.

ભારત 12 વર્ષ ઘરેલુ ઘરઆંગણે અજેય હતું, પરંતુ ન્યુ ઝીલેન્ડ સૌપ્રથમ વાર ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી છે. બેન્ગલુરુમાં ન્યુ ઝીલેન્ડે 36 વર્ષ પછી ટેસ્ટ મેચ જીતી હતી. ટોમ લાથમે ઇતિહાસ રચ્યો છે. ભારતમાં ટેસ્ટ જીતવાવાળો તે ન્યુ ઝીલેન્ડનો પહેલો કેપ્ટન છે.

ભારતીય ટીમે લંચ પહેલા એક વિકેટ પર 81 રન બનાવ્યા હતા. લંચ બાદ ટીમે 86 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલે 23 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 77 અને વિરાટ કોહલીએ 17 રન બનાવ્યા હતા. ઋષભ પંત ખાતું ખોલાવ્યા વગર રન આઉટ થયો હતો. સરફરાઝ ખાન 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વોશિંગ્ટન સુંદર 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ન્યુ ઝીલેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 255 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુ ઝીલેન્ડની બીજી ઇનિંગ્સમાં ટોમ લાથમે 86 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 17, વિલ યંગે 23, રચિન રવિન્દ્રએ 9 અને ડેરિલ મિચેલે 18 રન કર્યા હતા. ટોમ બ્લન્ડેલે 41 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સ 48 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4, રવિન્દ્ર જાડેજાએ ત્રણ અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી.

 

Appleને પછાડી Nvidia બની દુનિયાની સૌથી મોટી કંપની

અમેરિકા: Nvidia એ દુનિયાની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની Appleને પછાડીને હવે નંબર 1 પોઝિશન પર આવી ગઈ છે.  Nvidiaની માર્કેટ વેલ્યુ હાલમાં 3.53 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. Appleની માર્કેટ વેલ્યુ 3.52 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. Nvidiaના શેર અને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીપની વધતી ડિમાન્ડને કારણે તે હવે નંબર 1 પોઝિશન પર આવી ગઈ છે.

વીડિયો ગેમ્સ માટે ફક્ત પ્રોસેસર બનાવવા માટે જાણીતી કંપની Nvidia હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક પ્રબળ નામ બની ગઈ છે. આ કંપનીના શેરનો ભાવ આ વર્ષે 190 ટકાથી વધુ વધ્યો છે. OpenAIએ 6.6 બિલિયન અમેરિકન ડોલર ફંડની જાહેરાત કરી ત્યારથી Nvidia માર્કેટમાં ખૂબ જ ચર્ચામાં રહી છે. OpenAIના GPT-4 માટે Nvidiaની ચીપ ખૂબ જ મહત્વપૂર્ણ છે. AI કંપનીઓ દ્વારા Nvidiaની ચીપની વધતી ડિમાન્ડને કારણે તેના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.દુનિયાની નંબર 1 કંપની બનવાની રેસમાં Nvidia, Apple અને Microsoft એકમેકની ખૂબ જ નજીક છે. જૂનમાં Nvidia પહેલા ક્રમ પર આવવા તૈયારીમાં હતી, પરંતુ Apple અને Microsoft તેને ટક્કર મારી ગયા હતા. જો કે હાલમાં Nvidiaના શેરના ભાવમાં વધારો થતાં તે  પહેલા ક્રમ પર પહોંચી ગઈ છે.

Nvidiaની સફળતા એ દર્શાવી રહી છે કે AIનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. હવે ઘણી કંપનીઓ AI ચીપ્સ બનાવવા માટે રેસમાં આવી જશે. જોકે આ ટ્રેન્ડ શરૂ થાય તે પહેલાં જ Nvidia આ રેસમાં સૌથી આગળ છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, દરિયાકિનારેથી ઝડપી પાડ્યો જાસૂસ

ગુજરાત ATSએ મોટી સફળતા મળી છે. દિવાળી પહેલા ATS મોટી કાર્યવાહી કરી છે. જેમાં કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષાની જાસૂસી કરતા એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી કોઈ વ્યકિત દ્વારા લીક કરવામાં આવે છે તેને લઈ ધરપકડ કરી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર, દરિયા કિનારે કેન્દ્રની અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે. ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા પોરબંદરના શખસની ધરપકડ કરી છે. આ જાસૂસ આ માહિતી કોને પહોંચાડતો હતો તેને લઇને આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે. આ આરોપી સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેને લઇને પણ ખુલાસા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત ATSએ પોરબંદરમાંથી સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખસોની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રઃ શરદ પવારની પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

શરદ પવારની પાર્ટી NCP શરદચંદ્ર પવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનસીપી શરદ પવાર જૂથની બીજી યાદીમાં આ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

1. 16 એરંડોલ સતીશ અન્ના પાટીલ
2. 111 ગંગાપુર સતીશ ચવ્હાણ
3. 135 શાહપુર પાંડુરંગ બરોરા
4. 243 પરંડા રાહુલ મોટે
5. 230 મણકો સંદીપ ક્ષીરસાગર
6. 44 અરવી મયુરા કાલે
7. 116 બગલાન દીપિકા ચવ્હાણ
8. 119 યેવાલા માણિકરાવ શિંદે
9. 120 સિન્નર ઉદય સાંગલે
10. 122 ડીંડોરી સુનીતા ચારોસ્કર
11. 123 નાસિક પૂર્વ ગણેશ ગીતા
12. 141 ઉલ્હાસનગર ઓમી કલાણી
13. 195 જુન્નર સત્યશીલ શેરકર
14. 206 પિંપરી સુલક્ષણ શીલવંત
15. 211 ખડકવાસલા સચિન દોડકે
16. 212 પર્વત અશ્વિનિતાય કદમ
17. 216 અકોલે શ્રી અમિત ભાંગરે
18. 225 અહિલ્યા નગર શહેર અભિષેક કલમકર
19. 254 માલશીરસ ઉત્તમરાવ જાનકર
20. 255 ફલટન દીપક ચવ્હાણ
21. 271 ચાંદગઢ નંદિનિતાઈ ભાબુલકર કુપેકર
22. 279 ઇચલકરંજી મદન કરંડે

મહારાષ્ટ્રઃ BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

ભાજપે મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જ્યારે PM નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે, સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અશ્વિની વૈષ્ણવ અને શિવરાજ સિંહ ચૌહાણના નામ પણ સામેલ છે, જ્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પ્રચારમાં ઉતરશે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 મોટા નેતાઓ આગામી સમયમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.

ભાજપના સ્ટાર પ્રચારકોના નામ

1. નરેન્દ્ર મોદી
2. જગત પ્રકાશ નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિત શાહ
5. નીતિન ગડકરી
6. યોગી આદિત્યનાથ
7. પ્રમોદ સાવંત
8. ભૂપેન્દ્રભાઈ પટેલ
9. વિષ્ણુ દેવ સાઈ
10. મોહન યાદવ
11. ભજનલાલ શર્મા
12. નાયબ સિંહ સૈની
13. હિમંતા બિસ્વા સરમા
14. શિવરાજ સિંહ ચૌહાણ
15. દેવેન્દ્ર ફડણવીસ
16. ચંદ્રશેખર બાવનકુળે
.17. શિવ પ્રકાશ
18. ભૂપેન્દ્ર યાદવ
19. અશ્વિની વૈષ્ણવ
20. નારાયણ રાણે
21. પિયુષ ગોયલ
22. જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા
23. રાવસાહેબ દાનવે પાટીલ
24. અશોક ચવ્હાણ
25. ઉદયન રાજે ભોસલે
26. વિનોદ તાવડે
27. એડવોકેટ આશિષ શેલાર
28. પંકજા મુંડે
29. ચંદ્રકાંત (દાદા) પાટીલ
30. સુધીર મુનગંટીવાર
31. રાધાકૃષ્ણ વિખે પાટીલ
32. ગિરીશ મહાજન
33. રવિન્દ્ર ચવ્હાણ
34. સ્મૃતિ ઈરાની
35. પ્રવીણ દરેકર
36. અમર સાબલે
37. મુરલીધર મોહોલ
38. અશોક નેટે
39. ડૉ.સંજય કુટે
40. નવનીત રાણા

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે ચૂંટણી છે અને 23મી નવેમ્બરે મતગણતરી થવાની છે. ભાજપે અત્યાર સુધીમાં 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

કેજરીવાલ પર હુમલો કરાવ્યો ભાજપેઃ CM આતિશીનો દાવો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ ભૂતપૂર્વ CM કેજરીવાલ પર હુમલો કર્યો છે. આપ પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલ પર હુમલો કરવા માટે ગુંડાઓને ભાજપે મોકલ્યા હતા.

AAPનો આરોપ છે કે ભાજપના ગુંડાઓએ દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો હતો. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ભાજપના લોકોને અટકાવ્યા નથી.

દિલ્હીના મંત્રી અને AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે જ્યારે ED, CBI અને જેલથી પણ વાત  ન બની ત્યારે હવે ભાજપના લોકો કેજરીવાલ પર હુમલો કરી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો તેની સીધી જવાબદારી ભાજપની રહેશે.


દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે  અરવિંદ કેજરીવાલ પર થયેલો હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. તે સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. અમે ડરવાના નથી  અને આમ આદમી પાર્ટી તેના મિશનને વળગી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ખૂબ જ દુઃખદ છે અને ગંભીર બાબત છે.

 

મહારાષ્ટ્ર: બે ધારાસભ્યોને NCP માં જોડાવવા માટે આપવામાં આવી કરોડોની ઓફર

મુંબઈ: મહારાષ્ટ્રમાં આવતા મહિને એક તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ NCP પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમના બે ધારાસભ્યોને NCP (અજિત પવાર જૂથ)માં જોડાવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. રમેશ ચેન્નીથલાએ કહ્યું કે લાંચ આપવી અને લેવી બંને ગુનાહિત પ્રવૃત્તિઓ છે. કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ ઘેર્યા હતા. તેમણે આ મામલે સીએમ શિંદેના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું,”અહેવાલો આવી રહ્યા છે કે બે ધારાસભ્યોને એનસીપી (અજિત પવાર જૂથ)માં જોડાવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આવે છે. ગૃહ વિભાગનો પ્રભાર સંભાળના સીએમ ચૂપ કેમ છે? શું થઈ રહ્યું છે તે જણાવવું અને લાંચ લેવી એ ગુનાહિત પ્રવૃત્તિ છે તે જણાવવાની મુખ્યમંત્રીની જવાબદારી છે.

સીટ વહેંચણી પર સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કોંગ્રેસ, NCP-SP અને શિવસેના (UBT)ને મહારાષ્ટ્રમાં સૌથી મજબૂત પક્ષો ગણાવ્યા. રાઉતે કહ્યું,”મહારાષ્ટ્રમાં ત્રણ સૌથી મજબૂત પક્ષો કોંગ્રેસ, એનસીપી-એસપી અને શિવસેના (યુબીટી) છે. મને લાગે છે કે આ પક્ષો વચ્ચે સીટોની વહેંચણી વાજબી અને સમાન છે. હરિયાણામાં કોંગ્રેસે તમામ સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમ છતાં, તેમની ત્યાં સરકાર બની શકી નથી તેથી જ અમે બધા સાથે ચૂંટણી લડી રહ્યા છીએ, જો કોઈ છે તો તે મહાવિકાસ અઘાડી છે.

એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી 23 નવેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 288 સભ્યોની વિધાનસભામાં સૌથી વધુ 105 બેઠકો મળી હતી. તે જ સમયે, ભાજપના સહયોગી શિવસેનાને 56 બેઠકો મળી હતી. બીજી તરફ એનસીપીને 54 બેઠકો મળી હતી જ્યારે તેના સહયોગી કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.

રાજકોટની 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની ધમકીઓ મળી રહી છે. ખાસ કરીને ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ બહુ મળી રહી છે. આ વચ્ચે હવે ગુજરાતના રાજકોટમાં પણ હોટલોને ધમકી ભર્યા મેઈલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતના રાજકોટની 10 પ્રખ્યાત હોટલોને બોમ્બની ધમકી મળી છે.

રાજકોટની 5 સ્ટાર હોટલ સહિત 10 હોટલોને ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો. આ મેઈલ ઈમ્પીરીયલ પેલેસ, સયાજી હોટલ, સીઝન્સ હોટલ, હોટેલ ગ્રાન્ડ રીજન્સી સહિતની ઘણી હોટલ પર આવ્યો હતો. આ ધમકી બાદ રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મેઈલ કોણે મોકલ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી હતી.