ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પોલીસ પ્રશાસનમાં લોકોની જે સેવા થઈ શકે એવી સેવા અન્ય વિભાગોની નોકરી દરમિયાન ન થઈ શકે. પોલીસની ફરજ દરમિયાન સાચા અર્થમાં જનસેવા થઈ શકે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તપસ્યા, પરિશ્રમ અને બુદ્ધિપ્રતિભાથી આઈ.પી.એસ. બન્યા પછી પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જનસેવા કરવાની તમને સુવર્ણ તક મળી છે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુખના દિવસો દેખાડી શકો એવી રીતે ફરજ બજાવજો. વર્ષ 2022 અને 2023 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા 76 આર.આર. બેચના ગુજરાત કેડરમાં આવેલા નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ લીધા પછી ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈમાં સ્ટેટ લૉ અને અન્ય તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવા અધિકારીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવવાનો અવસર મળ્યો છે એ અત્યંત સારી બાબત છે. આગામી પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બનવાની ક્ષમતા અને સમર્થતા ધરાવતું ગુજરાત ‘શાંત’ રાજ્ય છે. અહીંના લોકો શાંતિ, પ્રગતિ અને વિકાસના માર્ગે છે ત્યારે ધૈર્ય અને ચિંતનપૂર્વક કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારે ફરજ બજાવવા તેમણે પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની તેમણે શીખ આપી હતી. આ પ્રકારે ફરજ બજાવવાથી આત્મા અને મનની પ્રસન્નતા જળવાઈ રહેશે અને તે જ જીવનની સાચી મૂડી છે એમ તેમણે કહ્યું હતું.
મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી આજકાલ પોતાની આગામી સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં સુનીલ શેટ્ટી સૂટ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ શૂટિંગ અટકાવવું પડ્યું હતું. સુનીલ શેટ્ટીની ઈજાના સમાચારે તેના ચાહકોને પણ પરેશાન કરી દીધા હતા. હવે સુનીલ શેટ્ટીએ ફેન્સ માટે રાહતના સમાચાર આપ્યા છે. તેણે પોતાની હેલ્થ અપડેટ પણ આપી છે.
ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા સુનીલ શેટ્ટીએ લખ્યું,’નાની ઈજા હતી, જે ઠીક થઈ ગઈ છે. હું હવે એકદમ ઠીક છું અને ફરીથી શૂટિંગ કરવા માટે તૈયાર છું. ખૂબ પ્રેમ અને સમર્થન બદલ આભાર.’ તમને જણાવી દઈએ કે હાલમાં જ સુનીલ શેટ્ટી તેની OTT સિરીઝના એક્શન સીન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.
સુનીલ શેટ્ટીનો બોલિવૂડમાં 3 દાયકાથી દબદબો છે. 90ના દાયકામાં એક્શન હીરો તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર સુનીલ શેટ્ટીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સુનીલ શેટ્ટીએ એક્શનથી લઈને રોમાન્સ અને ડ્રામા સુધીની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે. હવે 63 વર્ષની ઉંમરે પણ નવોદિત કલાકારો સુનીલ શેટ્ટીના અદભૂત શરીર સામે નિસ્તેજ દેખાય છે. સુનીલ શેટ્ટી હજુ પણ સ્ક્રીન પર એક્શન કરતા જોવા મળે છે. IMDB અનુસાર, સુનીલ શેટ્ટી આ દિવસોમાં 16 પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાંથી કેટલીક ફિલ્મો અને કેટલીક OTT શ્રેણી છે.
ફિલ્મોની સાથે તે સિરીઝ અને રિયાલિટી શોમાં પણ કામ કરે છે
સુનીલ શેટ્ટી ફિલ્મોની સાથે અન્ય પ્રોજેક્ટ્સમાં પણ ભાગ લેતા રહે છે. સુનીલ શેટ્ટીનો જાદુ ઘણી વખત રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો છે. સુનીલ શેટ્ટીએ માધુરી દીક્ષિત સાથે ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. સુનીલ શેટ્ટી ફિલ્મોની સાથે OTT સિરીઝમાં પણ સક્રિય છે.
ગુજરાતમાં ફરી નસીલા પદાર્થીની હેરફર કરતા લોકોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ પોલીસે એમડી ડ્ર્ગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ પાસેથી 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે એકસપ્રેસ હાઈવે પર કારમાં ત્રણ આરોપીઓ આવી રહ્યાં છે અને તેમની પાસે ડ્રગ્સ છે તેને લઈ પોલીસે કાર ચેક કરી હતી અને તેમાંથી ડ્રગ્સ મળી આવ્યુ હતુ.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરાથી ભરૂચ આવતી કારમાં 180 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ. ઈલિયાસ, અશરફ અને હનીફ રાજ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ઈલિયાસ ડ્રગ્સ કેસમાંથી જેલમાંથી છૂટીને આવ્યો હતો અને કાવી પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં તેનો મુખ્ય રોલ હતો સાથે સાથે ડ્રગ્સના ઈન્જેક્શન આપી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતુ તે કેસમાં ઈલિયાસની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. ભરૂચ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તો અન્ય એક આરોપી ફરાર થયો છે. પોલીસે આરોપીઓ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ. સાથે સાથે આ ડ્રગ્સનો આરોપીઓ પોતે વેપાર કરતા હતા કે અન્ય કોઈને વેપાર માટે આપતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. ત્યારે અગામી દિવસોમાં આ કેસને લઈ મોટા ખુલાસા પણ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
અમરેલીઃ જિલ્લામાં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું અને જમણવાર પણ કર્યો હતો. ખેડૂતે સંપૂર્ણ વિધિ-વિધાનથી કાર માટે પૂજા-પાઠ કરી હતીઆખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કર્યું અને આશરે 1500 લોકો માટે જમણવાર પણ કર્યો હતો.
અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની જૂની કારને સમાધિ આપીને એક સ્મારક બનાવડાવ્યું છે. ગામના લોકો ઢોલ-નગારાં અને ડીજે પર ઝૂમ્યા પણ હતા. ખેડૂતે જૂની કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. સંતો અને મહંતોની ખાસ હાજરીમાં આખુ ગામ કારને સમાધિ આપવા માટે પહોંચ્યું હતું. સંજય પોલરાએ વર્ષ 2013-14માં કાર ખરીદી હતી. ખેડૂતનું માનવું છે કે આ કારને કારણે તેના જીવનમાં પ્રગતિ થઈ છે માટે તેથી તેણે કાર વેચવાની જગ્યાએ તેને સમાધિ આપી હતી.
Gujarat: In Amreli, farmer Sanjay Polra gave his 15-year-old car a symbolic “final resting place” in gratitude for the prosperity it brought his family. The family held a ceremony with the village, planting trees at the site to commemorate their fortune-changing vehicle pic.twitter.com/vtoEkVQLIP
કારને લકી માનનારો ખેડૂત સુરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો. સમાજમાં સારું નામ થયું હતું. ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલાં તેના દ્વારા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. તે બાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.
આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં રાજ્ય સમુદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું આ સમુદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમુદ્ધ છે. અવારનાવાર તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય, ત્યારે આ વખતે ગુજરાતની 57 નગરપાલિકાની તિજોરી તળીયા જાટક થઈ હવોના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 57 નગરપાલિકા પર 311 કરોડનું વીજ બિલ બાકી છે. જે ભરવાના નગરપાલિકા પાસે રૂપિયા નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરથી ગુજરાતના ફૂલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે.
પાછલા ઘણા વખતથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે કેમકે, વેરાની આવક ઘટી છે. જ્યારે બીજી બાજુ પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઈ દાખવતું નથી તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. મહત્વની વાત એ છેકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે. અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે. વીજ બિલના નાણાં લાવવા ક્યાંથી છે એ સવાલ ઊભો થયો છે. ભૂજ, માંડવી, પોરબંદર, હળવદ, કુતિયાણા, પેટલાદ, પાદરા, લિંબડી, બાવળા, બારેજા, નડિયાદ, રાધનપુર, ડીસા, દહેગામ, વડાલી, સિદ્ધપુર, હારીજ, પાલનપુર, કલોલ, માણાવદર, સૂત્રાપાડા, બાબરા, મોરબી, ડભોઈ સહિત અન્ય નગરપાલિકા વીજ બિલ ભરવા નાણાંકીય રીતે સક્ષમ નથી. વીજ બિલ ભરવા અસક્ષમ નગરપાલિકાઓની એવી દશા થઈ છે કે, આ નગરપાલિકાઓએ હવે સરકારમાં દરખાસ્ત રજૂ કરીને 4 ટકા વ્યાજે લોન લેવી પડશે. વ્યાજે લોન લઈને વીજ બિલ ભરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. વીજકંપનીનું કહેવું છે કે, જો સમયસર વીજ બિલ ભરવામાં નહીં આવે તો સ્ટ્રીટલાઇટ બંધ થઈ જતાં ગુજરાતના કેટલાંય શહેરોમાં અંધકાર છવાઈ જશે.
રિપબ્લિકન ઉમેદવાર અને અગાઉ અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ 292 ઈલેક્ટોરલ વોટ સાથે ફરી એક વખત પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. અમેરિકાની જનતાના વણકલ્પ્યા જન ચુકાદા બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના સંબોધનમાં આ વિજયને એક ચળવળ કહી હતી. રાજકીય દૃષ્ટિએ પણ આ વિજયને મહાન ચળવળ ગણાવી હતી. આ તમામ બાબતો વચ્ચે પ્રશ્ન એ થાય કે, અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી ભારતને શું ફાયદો થાય?
આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..
ડો.મયુર પરીખ, જાણીતા રાજકીય વિશ્લેશક
સાર્વજનિક રીતે એવું જોવામાં આવે છે કે ટ્રમ્પના પ્રધાનમંત્રી મોદી સાથે સારા સંબંધ છે. જ્યારે જો બાઈડન સમયે ઘણા ભૌગોલિક તણાવમાં અમેરિકાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. પબ્લિક ઓપિનિયન એવો બન્યો કે, કમલા હેરિસ ભારતીય રાજનીતિમાં અશાંતિ ઈચ્છે છે. ટ્રમ્પ કરિશ્માઈ નેતૃત્વ પ્રકારની વ્યક્તિ છે, જેના કારણે તે લોકોને ગમે છે. ટ્રમ્પ એવુ ઈચ્છે છે કે યુક્રેન અને રશિયા યુદ્ધ પૂર્ણ થાય, ત્યારે શાંતિપ્રિય ભારતે હંમેશા રશિયાનો સાથ આપ્યો. હા, એ વાત છે કે ભારતના PM બે વખત અમેરિકાના દબાણ હેઠળ યુક્રેનના PMને મળવા ગયા હતા. છેલ્લે રશિયાએ ચીનને ડિશ-એન્ગેજ કરવા ભાગ પડાવ્યા હતા અને ભારતે પોતાની સરહદ પર પોતાનું પ્રભુત્વ બનાવી લીધું. હવે પ્રશ્ન એ બને છે કે ટ્રમ્પ ભારતને પોતાનું સ્ટેન્ડ બદલવાની વાત કરે, ત્યારે ભારત શું કરે? રાજનીતિમાં મુદ્દાઓ અને વિષય વસ્તુ સતત ફરતા રહેતા હોય છે. ટ્રમ્પના ફરી પ્રેસિડેન્ટ બનવાથી ભારત માટે ફાયદારૂપ બનશે, કેમ કે જ્યારે ભારતની ક્ષેત્રિય સુરક્ષાની વાત થાય ત્યારે ટ્રમ્પ ભારતની મદદે આગળ આવે છે. આ ઉપરાંત ભૌગોલિક રીતે ભારત થોડું નબળું પડતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ટ્રમ્પ સરકાર હોવું ભારત માટે ફાયદાકારક છે.
રિપબ્લીકન ટ્રમ્પ પાર્ટી જે ફરી વિજય મેળવી સત્તા પર આવી છે, તેમનું બે વસ્તુ પર ફોક્સ હતું. એક તો, ટેક્સીસ કટ કરવા પર અને બીજુ શેર રેટમાં વધારો કરવો. આ બંને વસ્તુથી USમાં રૂપિયાના સ્પેડિંગમાં વધારો થાય. જેનાથી ઈનફ્લેશનમાં વધારો થાય અને તેની અસર આખા વિશ્વ પર પડી શકે છે. આપણે જોયું કે ડોલર ઈન્ડેક્સ 105ને વટાવી ગયો હતો. આ સાથે US ટ્રેઝરીમાં વધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પ સરકાર એમ્પ્લોયમેન્ટ પોલીસી નવી લાવી શકે છે, જેનાથી આપણા સ્ટુડન્ટને ફાયદો થઈ શકે. મારા મત અનુસાર ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ પ્રોત્સાહન આપવામાં માને છે. જ્યારે માર્કેટની વાત કરીએ તો, રૂપિયો થોડા પ્રેશરમાં રહી શકે. જો આપણે ઓઈલ ઈમ્પોર્ટ કરતા દેશ તરીકે જોઈએ તો, રૂપિયાનું પ્રેશરમાં રહેવું અને ડોલરમાં થતો વધારો આપણા માટે નથી સારો. ડોલર વધવાથી પણ ટ્રેડ ડેફિસિટ નંબર અને કરંટ ડેફિસિટ નંબર વધશે. નવી સરકાર આવવાથી બે મહિના સુધી આઉટફ્લો વધુ રહી શકે છે. પરંતુ RBIની પોલિસીને લઈ થોડું ડેફિસિયન્સી જોવા મળી શકે છે. હવે આગામી USની મોનેટરી પોલિસી પર વિશ્વની નજર રહેશે, કેમકે આ પોલિસી આખા વિશ્વને અસર કરી શકે છે.
પુનિત દુબે, સેક્રેટરી, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ ધરાવે છે. આ સારા સંબંધોને કારણે ઘણા ખરા સેક્ટરમાં વિકાસ જોવા મળ્યો હતો. જેમ કે, ફાર્માસ્યુટીકલ અને ડિફેન્સ સેક્ટર. આપણે ટ્રમ્પ સરકારની આ પહેલાની ટર્મ જોઈ હતી, જેમાં ટ્રમ્પ સરકારે બીજા કન્ટ્રીથી વધુ ભારત સાથે સંબંધ બનાવી રાખ્યા હતા. જ્યારે ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી એક્સપોર્ટ બિઝનેસ વધુ ગ્રોથ મળવાની આશા છે. જો અત્યાર સુધીની વાત કરીએ તો, US ભારતનું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. જ્યાં US ચાઈનાની તોલે ભારતને ફાર્માસિટીકલ વસ્તુના ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે વધુ પ્રોત્સાહન આપે છે. હાલના સમયમાં ભારતમાંથી ઓર્ગેનિક કેમિકલ, ટેક્સટાઈલ, જેમ્સ જ્વેલરી અને મશીનરી જેવી વસ્તુ અમેરીકામાં એક્સપોર્ટ થાય છે.
મિતલ ગોસ્વામી, MD, ડાયનેમિક કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ
અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પના આવવાથી વધારે ફરક નહીં પડે. સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. ટ્રમ્પસરકાર દ્વારાઇમિગ્રન્ટ્સને આવકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા અને કાયદેસર રીતે યુએસમાં સ્થાયી થવાનો માર્ગ મોકળો બનશે. આ સાથે ટ્રમ્પ સરકાર ગેરકાયદે ઇમિગ્રેશન મેળવનાર લોકો પર કડક પગલાં લેવાની પણ વાત પણ કરી હતી. જે ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ સારી તક બની શકે છે. કેમ કે ગેરકાયદે જનારા લોકો હંમેશા કાયદેસર જનારા લોકોને ડિસ્ટર્બ કરે છે. કોઈ પણ દેશ લોકોને ત્યારે જ બોલાવે છે. જ્યારે તમારી સ્કિલ કે મેન પાવર એ દેશના વિકાસમાં મદદ રૂપ બને. પરંતુ ગેરકાયદે જનારા લોકો પાસે સ્કિલ્સ ન હોય, જેના કારણે ઇમિગ્રેશન પોલીસી અમુક અંશે કડક કરવાની વાત કરવામાં આવી છે. જે કાયદાકીય રીતે જનારા લોકોને નડતર રૂપ બનશે નહીં.
સમયની સાથે ઘણુબધું બદલાય છે. એક જમાનામાં ગુપ્તી લઈને ફરવું એ સભ્યતા ગણાતી હતી. હવે ગુપ્તી રાખવી એ ગુનો ગણાય છે. ગમે તેવો હાઈ ટેસ્ટ હોય તો પણ સો નાળી વાળી બંધુક તો કોઈ ન જ રાખે. કઈ નાળી ક્યારે ફૂટે એનો કંટ્રોલ ન રહે. માણસનું મન એને ઘણું ખોટું કરવા પ્રેરે પણ નિયમોને આધીન જીવવું ખુબ જરૂરી છે. જરા વિચારો કે જે વ્યક્તિને જેની ભૂખ હોય એ જ ખાવામાં મળે તો? થાળીમાં રૂપિયાના બંડલ દેખાય કે માત્ર સોનું દેખાય તો માણસની ભૂખ સંતોષાય? એના માટે તો ખોરાકમાં વપરાતી વસ્તુઓ જ જોઈએ. સાચી સમજણ વિના માનસિક વિકાસ શક્ય નથી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આજકાલ બધું જ નકલી પકડાય છે. અને દરેક વખતે નવું નકલી પકડાય ત્યારે નવાઈ લાગે કે લે, આમાં ય નકલી? ક્યારેક વિચાર આવે કે કરોડોની નોટ લેવા ગયેલા માણસોને એટલું પણ નહિ શીખવાડ્યું હોય કે તપાસીને લેજો. ક્યારેક તો બધું ફિલ્મની વાર્તા જેવું લાગે છે. અમે નાના હતા ત્યારે એક વાર્તા આવતી કે રાજાને એક વિદ્વાને પારદર્શક કપડા પહેરાવી દીધેલા. હકીકતમાં એવા કપડા હતા જ નહિ. પણ રાજાના ડરના લીધે કોઈ સાચું બોલવા તૈયાર નહોતું. આજે જયારે વિચારો તો નિવસ્ત્ર થઇ જ રહ્યા છે. ત્યારે કોઈ અદ્રશ્ય કપડાના નામે આવું કરશે તો નવાઈ નહિ લાગે. ગઈકાલે જ એક સમાચાર વાંચ્યા કે એક માણસે 18000 ડોલરમાં એક અદ્રશ્ય ચિત્ર ખરીદ્યું. શરૂઆત તો થઇ જ ગઈ છે. આધુનિક થવાની હોડમાં બધા જેવું મન છે એવા જ થઈને ફરશે તો સમાજનું શું થશે?
જવાબ: આજના યુગમાં બધું જ શક્ય છે. કહે છે ને, જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. અદ્રશ્ય ચલણ ખરીદીને લોકો અબજોપતિ પણ થયા છે. જે નથી એનો મહિમા વધી રહ્યો છે. બધું જ આભાસી થઇ રહ્યું છે. પણ જીવનનો સંઘર્ષ તો સાચો જ હોય છે. એમાં કોઈ એક પગલું પણ ખોટું ભરાય તો આખો દાખલો ખોટો પડે.
સમાજની દિશા બદલાઈ છે. ભારતીયપણું વિસરાઈ રહ્યું છે. બધા કોઈ એક રેસમાં ભાગી રહ્યા છે. પણ કોઈ ક્યાંય પહોંચતું નથી. સાચો રસ્તો શોધી અને એને અનુસરવું ખુબ જરૂરી છે. જે વ્યક્તિ પ્રલોભનોથી પર રહી શકશે એ જ આ રેસમાંથી બચી શકશે. સવારમાં વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવવાથી સ્વ માટેની સાચી સમજણ આવશે.
સવાલ: સાહેબ, આજે હું એક જગ્યાએ ખુબ સારી પોસ્ટ પર છુ. હું નાનપણમાં ભણવામાં સારી ન હતી. પિતાજીનો સ્વભાવ ગુસ્સા વાળો. એમને બસ માર્ક જોઈએ. મને પ્રેક્ટીકલ શિખવાડવાના બહાને સાહેબો ભોંયરામાં લઇ જઈને છેડતી કરતા. માર્ક એમના હાથમાં હોવાથી હું વિરોધ ન કરી શકી. અમારા ઘરથી થોડે દુર અમારા એક દુરના સગા રહેતા. એનો દીકરો મારાથી દસ વરસ મોટો. એ ગણિત શિખવાડવાના બહાને મારો લાભ ઉઠાવતો. એક દિવસ ગર્ભ રહી ગયો. એ બાળક કોનું હતું એ તો હું પણ નક્કી કરી શકતી નહોતી. કુલ સાત લોકો મારા સંપર્કમાં હતા. મારા પિતાજીએ મને ખુબ મારી. પણ એમણે બીજું કાઈ પૂછ્યું નહિ એટલે માર્ક માટેની પ્રક્રિયા ચાલુ રહી. હું સ્નાતક થઇ ત્યાં સુધીમાં ચાર વાર ગર્ભ રહ્યો. હું સારા માર્કથી પાસ થઇ. શરીર સ્થૂળ થઇ ગયું હતું. એક દિવસ અમારા જ એક નોકર સાથે મેં લગ્ન કરી લીધા. એક જ સંતાન એટલે ઘરનાએ સ્વીકારી લીધું. મારે બે બાળકો છે. ક્યારેક ડર લાગે છે કે મારો ભૂતકાળ એમના ભવિષ્યમાં તો વચ્ચે નહિ આવે ને? વળી મારો પતિ ખુબ મહત્વકાંક્ષી છે. એને સતત પૈસા જ જોઈએ છે. એ વધારે પૈસા મળે તો મને છોડી નહિ દે ને? થોડા સમયથી એ મને એવું કહે છે કે સોનાના ભાવ વધ્યા છે તો તું તો મારું સોનું જ છે ને? મને ખુબ ડર લાગે છે.
જવાબ: જયારે બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે કાલ્પનિક ભય ઉદ્ભવે. વળી તમારા ઘરનું દ્વાર દક્ષિણના નકારાત્મક પદમાં છે. બે મુખ્ય દરવાજા બાજુબાજુમાં છે. જે તમારા પતિને ભૌતિકતા તરફ લઇ જવાની સાથે એની ભૂખ વધારે છે.
બાળકો સાથે એવી રીતે સહેવું જોઈએ કે એ પોતાની સમસ્યા માતાપિતાને કહી શકે. તમારા ઘરમાં એ વાતાવરણ નહોતું. પણ હવે એ બધું ભૂતકાળ બની ગયું છે. તમે તમારા બાળકોને એ રીતે તૈયાર કરો કે એ હમેશા તમારી સાથે ઉભા રહે. તમારા પતિ એ માત્ર પૈસા માટે તમારી સાથે લગ્ન કર્યા છે. અત્યારે પણ એ તમારા પદનો લાભ લઇ અને બધાને છેતરે છે. તમારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે મને આ નથી ગમતું. જો કોઈ તપાસ થશે તો તમે ફસાશો. એમને કોઈ એવી સત્તા ન આપો કે જે તમારું જીવન બગાડે. તમે લગ્ન માટે ઉતાવળીઓ નિર્ણય લીધો. જો તમારા માબાપ ન માન્યા હોત તો તમે એની સાથે ફૂટપાથ પર રહેવા ગયા હોત. એ તમને ફાવે? લગ્ન એ શરૂઆત છે. કોઈ જરાક સારી રીતે બોલે એટલે લગ્ન ન કરી લેવાય. હજુ પણ સમય છે. વિરોધ કરો. તમે સફળ છો. પણ તમારા પતિના લીધે તમે માનસન્માન તો ખોશો જ પણ કોઈ સજા થશે તો એ તમારે જ ભોગવવી પડશે. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.
સુચન: બાજુબાજુમાં બે મુખ્ય દ્વાર આવતા હોય એ ઘર નકારાત્મક ગણાય.
મુંબઈ: સલમાન ખાનની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. લોરેન્સ બિશ્નોઈની જૂની ધમકી બાદ વધુ એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ વખતે પણ આ ધમકીમાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. આ ધમકી સીધી સલમાન ખાન માટે નથી પરંતુ તેના પર ગીત લખનાર વ્યક્તિ માટે છે. મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને એક મેસેજ આવ્યો છે, જેમાં સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ હતો. મોકલવામાં આવેલા મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ અને સલમાન વિશે લખેલા ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજ ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો.
Bollywood actor Salman Khan poses for photographs during the trailer launch of his movie ‘Tubelight’ in Mumbai, India on May25, 2017.
હાલ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ પ્રોટોકોલ મુજબ કેસ નોંધવામાં આવશે અને મેસેજ મોકલનાર આરોપીની શોધ કરવામાં આવશે. હાલમાં પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મેસેજ મોકલનાર વ્યક્તિએ સલમાન અને લોરેન્સ બિશ્નોઈ પર લખેલા ગીતનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તે ગીત લખનારને બક્ષશે નહીં અને એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે.
શાહરૂખ ખાનને પણ ધમકી મળી હતી
નોંધનીય છે કે ગઈકાલે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ સ્ટેશનમાં મળેલા ફોનમાં શાહરૂખને ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો હતો. હવે તેના એક દિવસ બાદ જ સલમાન ખાનને ફરી એક ધમકી મળી છે. તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાએ સૌને ચોંકાવી દીધા હતા. લોરેન્સ બિશ્નોઈની ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી હતી અને તેના તાર સલમાન ખાનના કેસ સાથે પણ જોડાયેલા હતા. બાબા સિદ્દીકી સલમાન ખાનના ખાસ મિત્ર હતા. આના થોડા દિવસ પહેલા જ સલમાન ખાનને ધમકી મળી હતી. જેલમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ આવા ગુના કર્યા બાદ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ ગેંગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન પણ નિશાને છે.
આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે
આ મામલે પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. સતત કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મામલો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગથી શરૂ થયો હતો. આ પછી તેના પિતા સલીમ ખાનને ધમકીઓ મળી હતી. રસ્તામાં લોરેન્સ બિશ્નોઈના નામે સ્કૂટર પર સવાર બે લોકોએ તેને ધમકી આપી હતી. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ પછી બાબા સિદ્દીકીની હત્યાએ આ સમગ્ર મામલાને વધુ વેગ આપ્યો. જો કે, સલમાન ખાનની સુરક્ષા કડક કરવામાં આવી છે. તે સુરક્ષાની વચ્ચે પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો છે. ‘બિગ બોસ 17’ હોસ્ટ કરવાની સાથે સાથે સલમાન ખાન આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
નવી દિલ્હીઃ ટેસ્લાના CEO અને અબજોપતિ એલન મસ્કે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની રાજકીય કેરિયર પર મોટો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો આગામી ચૂંટણીમાં કેનેડાના વડા પ્રધાન તરીકેનું તેમનું પદ ગુમાવશે.
સોશિયલ મિડિયા વેબસાઇટ X પર એક વ્યક્તિએ મસ્કથી મદદ માગતા કહ્યું હતું કે તે ટ્રુડોથી પીછો છોડાવવામાં તેની મદદ કરે.
ટ્રુડો હાલ પિયરે પોઈલીવરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રુડોની વર્તમાન લઘુમતી સરકારની સ્થિતિ તેમની સત્તા ગુમાવવાની શક્યતા વધારે છે.
@elonmusk we need your help in Canada getting rid of Trudeau
આ અગાઉ મસ્કે કેનેડિયન સરકારના મુક્ત વાણી પ્રત્યેના અભિગમની ટીકા કરી હતી, ખાસ કરીને સરકારી દેખરેખ માટે નોંધણી કરાવવા માટે ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવાઓની આવશ્યકતા ધરાવતા નવા નિયમો અંગે તેમણે ટીકા કરી હતી.
2013થી લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા ટ્રુડો માટે આ ચૂંટણી એક મોટો પડકાર હશે. ટ્રુડોની લિબરલ પાર્ટીને ઘણા મોટા પક્ષો તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેમાં પિયર પોઈલીવરેની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમિત સિંહની આગેવાનીવાળી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે. બ્લોક ક્વિબેકોઈસ અને ગ્રીન પાર્ટીઓ પણ સીટો પર ચૂંટણી લડશે.
ટ્રુડો ચોથી ટર્મ મેળવવા ઇચ્છે છે, પણ તેઓ ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છે. કેનેડાના કોઈ પણ વડા પ્રધાન એક સદી કરતાં વધુ સમયમાં સતત ચાર વખત જીતી શક્યા નથી.
દિવાળી એટલે ખાવા-પીવાનાને ખર્ચવાના દિવસો. અને વાત જ્યારે ખરીદીની આવે ત્યારે ગુજરાતીઓનો ઉત્સાહ કંઈ અનેરો હોય. આથી જ સપરમા દિવસોમાં ગુજરાતના ઉત્પાદક-દુકાનદાર અને ગ્રાહક બન્ને ખુશ થઈ જાય એવો એક આવકારદાયક ઉપક્રમ અમદાવાદમાં શરૂ થયો છે: અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ.
તૈયાર વસ્ત્રોથી લઈને ઘરસુશોભનની આઈટેમ્સ, હૅન્ડમેડ ચીજો, ગિફ્ટ આર્ટિકલ્સ સહિતની અઢળક ચીજવસ્તુ આ ફેસ્ટિવલમાં ઉપલબ્ધ થઈ રહી છે. દિવાળીના દિવસો, ત્યાર બાદ ડિસેમ્બરમાં ક્રિસમસ, નવું વર્ષ એ પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણનું પર્વ… આમ લાંબા સમયગાળા સુધી ખરીદી ચાલતી રહે એવું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આવો સુદીર્ઘ શૉપિંગ ફેસ્ટિવલ કદાચ ભારતમાં સૌપ્રથમ વાર યોજાઈ રહ્યો છે. દશેરાથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ ઉત્તરાયણ પર્વ, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ચાલશે.
દુનિયાના વિવિધ દેશોમાં આ પ્રકારના ફેસ્ટિવલ્સ યોજાતા હોય છે, જેમાં દુબઈ અને સિંગાપોરના શૉપિંગ ફેસ્ટિવલનું ભારતીયોને આકર્ષણ રહેતું હોય છે. હવે અમદાવાદ ફેસ્ટિવલથી ભારત પણ વૈશ્ર્વિક નકશા પર આવી જશે. આવનારાં વર્ષોમાં દેશ-દુનિયાના સહેલાણીઓ અમદાવાદના શૉપિંગ ફેસ્ટિવલમાં આવશે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
આ વર્ષની વાત કરીએ તો, અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતનાં અન્ય શહેરોના લોકો પણ આવી રહ્યા છે, શૉપિંગ કરી રહ્યા છે. આ ઉપક્રમ વિશે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન ચિત્રલેખા.કોમને કહે છે: “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને લોકલ ફૉર વોકલ જેવાં સૂત્ર આપ્યાં. એના આધારે જ અમે અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો છે, જેમાં નાના-મોટા ઉત્પાદકો, હૅન્ડમેડ ચીજવસ્તુ બનાવતાં કારીગર ભાઈઓ-બહેનો ભાગ લે, એમની પ્રોડક્ટ્સ, કળાનું પ્રદર્શન કરવા મંચ મળી રહે, સાથે તહેવારના દિવસોમાં એમના ધંધા-રોજગારમાં પ્રગતિ થાય, બીજી બાજુ, ગ્રાહકોને પણ ડિસ્કાઉન્ટ મળે, આવો હેતુ શૉપિંગ ફેસ્ટિવલ પાછળનો છે.”
પ્રતિભાબહેન ઉમેરે છે: ‘ફેસ્ટિવલ માટે સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મૉડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા વિસ્તારમાં એક્સક્લુઝિવ શૉપિંગસ્થળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહ્લાદનગર રોડ સહિત ૧૪ સ્થળો તથા અમદાવાદના વિવિધ શૉપિંગ મૉલમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.’
ભારતમાં આ પ્રકારે સૌથી વધુ દિવસનો આ એક અનોખો શૉપિંગ ફેસ્ટિવલ છે, એની વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગભાઈ દાણી ચિત્રલેખા.કોમને કહે છે: “ભારતમાં, ગુજરાતમાં અગાઉ નાનાં નાનાં આયોજન થયાં હતાં, પરંતુ ૯૫ દિવસ ચાલનારો આ પહેલો શૉપિંગ ફેસ્ટિવલ છે. દશેરાથી દિવાળીના દિવસોમાં ગુજરાતીઓ સહિત ભારતીયો ખરીદી કરે છે એટલે વેપારીઓને ઘરાકી મળે, હૅન્ડિક્રાફ્ટના કારીગરો, માટીકામના કારીગરોને એમનાં કૌશલ બતાવવાની સાથે રોજગારી મળે, સાથે આપણો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે એ ઉદ્દેશ છે. વળી, લાભ પાંચમ પછી અહીં વિદેશમાં વસતા ગુજરાતીઓ, ભારતીયો લગ્નપ્રસંગમાં કે ફરવા આવતા હોય છે, એમને પણ અહીં ડિસ્કાઉન્ટ સાથે ખરીદીનો લાભ મળશે.”
અમદાવાદના ફ્લાવર શોની જેમ શૉપિંગ ફેસ્ટિવલ પણ વૈશ્ર્વિક સ્તરે નામના મેળવે એવી ખેવના ધરાવતા દેવાંગભાઈ ઉમેરે છે: ‘અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વૈશ્ર્વિક સ્તરે જવાની નેમ ધરાવે છે. લોકો જેમ અહીંથી દુબઈ કે સિંગાપોર શૉપિંગ ફેસ્ટિવલમાં જાય છે એવી જ રીતે વિશ્ર્વપ્રવાસીઓ અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં આવે, ખરીદી કરે એવો આ પ્રયાસ છે. ખરીદી ઉપરાંત પ્રવાસીઓ ગુજરાતનો હેરિટેજ વારસો પણ નિહાળી શકે અને આપણા કારીગરોને, વેપારીઓને માર્કેટ મળે.’
આ શૉપિંગ ફેસ્ટિવલમાં માત્ર ખરીદીનું જ આકર્ષણ નથી, બલકે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રમતગમતનાં આયોજન પણ થયાં છે. સિંધુ ભવન રોડ પર ઑક્સિજન પાર્ક પાસે, નિકોલ મૉડર્ન સ્ટ્રીટ, કાંકરિયા તેમ જ સી.જી. રોડ પર આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં જાણીતા કલાકારોના લાઈવ પરફોર્મન્સ તેમ જ લેઝર શોની રંગત જોવા મળી રહી છે. સાથે જ ફેન્સિંગ, આર્ચરી, બૉક્સિગં, યોગ, સ્કૅટિંગ, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતોનો લહાવો પણ લોકો માણી રહ્યા છે.
શૉપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેનારા લોકો માટે જાતજાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતી ભોજન સહિત જાતજાતની ચટાકેદાર વાનગીઓ પીરસતી રેસ્ટોરાં પણ સજ્જ છે. અનેક ઠેકાણે ફ્રી બસ-રાઈડ પણ રાખવામાં આવી છે તો સાથે સાથે ટૂર-ટ્રાવેલ ઑપરેટર પણ આમાં સહભાગી થયા છે.
જો અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪ ડૉટકૉમ પર રજિસ્ટ્રેશન કરાવશો તો સરપ્રાઈઝ ગિફ્ટ, ઈનામો જીતવાની તક છે, લકી ડ્રોમાં સહભાગી થઈ શકાશે.
ચિત્રલેખા.કોમએ ફેસ્ટિવલનાં વિવિધ સ્થળની મુલાકાત લીધી તો અનેરાં દૃશ્યો જોવા મળ્યાં, જેમ કે સિંધુ ભવન રોડ પર ભાવનગરથી આવેલા શાંતિલાલ ગોયાણી અને એમનાં પત્ની સંગીતાબહેન નાળિયેરની છાલમાંથી વિવિધ ચીજો બનાવતાં હતાં. એમની કળા જોવા લોકો ટોળે વળ્યા હતા. શાંતિભાઈ કહે છે કે લોકો નાળિયેરની છાલ ફેંકી દે છે, એના રેસામાંથી વિવિધ સુશોભિત વસ્તુ છેલ્લાં ૧૫ વર્ષથી બનાવીને અમે વેચીએ છીએ અને બહેનોને રોજગારી પણ આપીએ છીએ. અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારી દિવાળી સારી જશે.’
– તો પીઠોરા અને વારલીકળાના માહેર, છોટા ઉદેપુર જિલ્લાના મલાજા ગામમાં રહેતા શંકરભાઈ રાઠવાની ચિત્રકળા જોઈને શૉપર્સ અચરજ પામતા હતા. શંકરભાઈ છેલ્લાં ૧૫ વર્ષથી આવી પરંપરાગત કળાના માધ્યમથી ચિત્રો સર્જે છે. એ કહે છે: ‘શૉપિંગ ફેસ્ટિવલમાં મારી કળાની કદર થઈ છે, લોકો ૮૦૦ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીના પીઠોરા આર્ટ પીસીસ ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.’
ઘરની દીવાલ પર વૉલ પીસ તરીકે, દરવાજામાં કે પછી સોફા પર કે પછી અન્ય રીતે પણ પીઠોરા આર્ટનું ઈન્સ્ટૉલેશન કરી શકાય છે.
આજકાલ જમાનો સોશિયલ મિડિયા ને રીલ્સનો છે. અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ વિશેની રીલ્સ જોઈને ગાંધીનગર પાસે આવેલા કુડાસણનાં હેતલબહેન ચૌધરી અને એમનાં બહેન હિમાની અમદાવાદ આવ્યાં. હેતલબહેન કહે છે: ‘લેધર પર્સ, ઑર્ગેનિક મીણબત્તી, ગણપતિજી, રિદ્ધિસિદ્ધિની મૂર્તિઓ સહિતની વસ્તુ અહીંથી અમે ખરીદી છે. અહીં વસ્તુઓ સારી મળે છે. મને લાગે છે કે તહેવારોના દિવસોનું શૉપિંગ કરવા માટે આ બેસ્ટ ફેસ્ટિવલ છે.’
કેનેડાના PM ટ્રુડોની વિદાય આગામી ચૂંટણીમાં નિશ્ચિતઃ મસ્ક
નવી દિલ્હીઃ ટેસ્લાના CEO અને અબજોપતિ એલન મસ્કે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની રાજકીય કેરિયર પર મોટો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો આગામી ચૂંટણીમાં કેનેડાના વડા પ્રધાન તરીકેનું તેમનું પદ ગુમાવશે.
સોશિયલ મિડિયા વેબસાઇટ X પર એક વ્યક્તિએ મસ્કથી મદદ માગતા કહ્યું હતું કે તે ટ્રુડોથી પીછો છોડાવવામાં તેની મદદ કરે.
ટ્રુડો હાલ પિયરે પોઈલીવરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રુડોની વર્તમાન લઘુમતી સરકારની સ્થિતિ તેમની સત્તા ગુમાવવાની શક્યતા વધારે છે.
આ અગાઉ મસ્કે કેનેડિયન સરકારના મુક્ત વાણી પ્રત્યેના અભિગમની ટીકા કરી હતી, ખાસ કરીને સરકારી દેખરેખ માટે નોંધણી કરાવવા માટે ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવાઓની આવશ્યકતા ધરાવતા નવા નિયમો અંગે તેમણે ટીકા કરી હતી.
2013થી લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા ટ્રુડો માટે આ ચૂંટણી એક મોટો પડકાર હશે. ટ્રુડોની લિબરલ પાર્ટીને ઘણા મોટા પક્ષો તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેમાં પિયર પોઈલીવરેની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમિત સિંહની આગેવાનીવાળી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે. બ્લોક ક્વિબેકોઈસ અને ગ્રીન પાર્ટીઓ પણ સીટો પર ચૂંટણી લડશે.
ટ્રુડો ચોથી ટર્મ મેળવવા ઇચ્છે છે, પણ તેઓ ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છે. કેનેડાના કોઈ પણ વડા પ્રધાન એક સદી કરતાં વધુ સમયમાં સતત ચાર વખત જીતી શક્યા નથી.