Home Blog Page 1334

અનેક નવા આકર્ષણો સાથે 4 મહિના લાંબા રણોત્સવની શરૂઆત

ગાંધીનગર: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતો કચ્છ રણોત્સવ શરૂ થઈ ગયો છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટી છે. આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સફેદ રણમાં અનેક સુવિધાઓથી સજ્જ 400 જેટલાં ટેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. 11 નવેમ્બરથી ટેન્ટ સિટીની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. ટેન્ટ સિટીમાં રહીને પ્રવાસીઓ મીઠાના સફેદ રણનું અદ્ભુત કુદરતી સૌંદર્ય, લોકસંસ્કૃતિ તેમજ પરંપરાગત ભોજનનો આનંદ માણી શકશે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રણોત્સવમાં એડ્વેન્ચર ઝોન તેમજ ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા ધોળાવીરા ખાતે PPP ધોરણે 44 રૂમ સાથેના રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24ના રણોત્સવમાં 852 વિદેશી સહિત 7.42 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.

ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો કચ્છમાં આવેલ વિશ્વનું એકમાત્ર સફેદ રણ, જેને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. ભુજથી 80 કિ.મી.ના અંતરે આવેલા ધોરડો ખાતે ત્રણ દિવસીય રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 4 મહિનાનો લાંબો ઉત્સવ બની ચૂક્યો છે.આ વર્ષે રણોત્સવના આયોજનમાં ટકાઉ પ્રવાસન (સસ્ટેનેબલ ટુરિઝમ) પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમ કે, પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ, સફેદ રણમાં જવા માટે બાઈસિકલ રાઈડ, ટેન્ટ સિટીમાં વેસ્ટ સેગ્રીગેશન અને ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવની સાથે-સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઈ શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો એમાં પણ ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે. રણોત્સવ થકી રોગાન કળા, ઓરીભરત, મીનાકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, જરદોશી કળા, કાષ્ઠકળા વગેરેમાં પારંગત કારીગરોને રોજગારી તો મળે જ છે, સાથે કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે. સ્થાનિક કારીગરોને રોજગાર મળે તે હેતુથી ટેન્ટસિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના લાઈવ ડેમોની સાથે દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, રણોત્સવ ખાતે દરરોજ કલ્ચરલ શૉ રાખવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવામાં આવશે. 2023-24ના રણોત્સવમાં અંદાજિત 2 લાખ લોકોએ ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેના દ્વારા ક્રાફટ સ્ટોલ ધારકોને અંદાજિત 6.65 કરોડ રૂપિયા અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની શરૂઆત 1 ડિસેમ્બર 2024થી થશે.ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે ધોરડો ટેન્ટ સિટી ખાતે દર વર્ષે જુદી-જુદી થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘રણ કે રંગ’ નામની થીમ પર રણોત્સવ યોજાઈ રહ્યો છે.

કબીરવાણી: ગુરુચિંધ્યા માર્ગે જ મોક્ષ શક્ય બને છે

 

શુકદેવ સરિખા ફેરિયા, તોકો પાવૈ પાર,

ગુરુ બિન નિગુરા જો રહૈ, પડે ચૌરાસીધાર

 

બાબા અમરનાથની ગુફામાં શિવજીની જ્ઞાનવાર્તા શુક્ર સ્વરૂપે પોપટ બનીને સાંભળી હતી તેથી શુકદેવજી મહારાજને જન્મથી જ પૂર્ણજ્ઞાન પ્રાપ્ત હતું. વ્યાસજીના પુત્ર હોવાના નાતે તેઓ સમર્થ વક્તા અને પરમજ્ઞાની હોય તેમાં કોઈને નવાઈ ન લાગે, હકીકતે તો શુકદેવજી પિતા કરતા સવાયા હતા. આવા શુકદેવજી પણ એક વખત માર્ગ ચૂકી ગયા.

કબીરજી કહે છે કે, જીવનમાં સત્ય પામવા માટે, મોલ મેળવવા માટે ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. ગુરુજ્ઞાન વિના સાચા રસ્તે ચાલીએ ત્યારે પણ શંકા, પ્રલોભન, આળસ કે કામના જેવી સહજ વૃત્તિઓ માર્ગ ભુલાવે છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે, “મનની ગતિ સમુદ્રમાં ફરતી નાવ જેવી છે, ઈચ્છારૂપી હવાથી તે ફંગોળાઈ જાય છે. “આવી સ્થિતિમાં મોક્ષમાર્ગ છૂટી જાય છે.

અનેક સાધુ-સંન્યાસીઓને મોહ- લોભમાં લપેટાયેલા જોઈને એ વાતની દયા ઊપજે છે કે ક્યાં જવા નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા ? જન્મ-જન્માંતરની ઘટમાળ તો ચોરાસી લાખ યોનિમાંથી પસાર થવાની છે. ગુરુચિંધ્યા માર્ગે જ મોક્ષ શક્ય બને છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પોલીસે આરોપી નરેશ મીણાની ધરપકડ કરી

જયપુરઃ રાજસ્થાનના ટોંકમાં દેવલી-ઉનિયારા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. એ દરમ્યાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ પહેલા SDMનો કોલર પકડ્યો હતો અને પછી લાફો માર્યો હતો. નરેશ મીણાનો આરોપ હતો કે EVM મશીન પર તેમનું ચૂંટણી ચિહ્ન ઝાખું દેખાતું હતું, એને કારણે મીણાની SDMથી ચડસાચડસી થઈ હતી.એ ઘટના પર જ્યારે મીણાને પોલીસ પકડીને લઈ ગઈ, ત્યારે સમરાવતા ગામના લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. પોલીસની ગાડીને આગના હવાલે કરી દેવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો એના જવાબમાં પોલીસે પણ હવાઈ ફાયરિંગ કર્યું હતું. હવે પોલીસે મીણાની ધરપકડ કરી છે.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં ગઈ કાલ મતદાન દરમિયાન ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને અથડામણ માટે જવાબદાર અપક્ષ ઉમેદવાર નરેશએ આ ઘટના માટે SDM અને પોલીસને જવાબદાર ઠેરવી જિલ્લાના એસપી, કલેક્ટર અને એસડીએમ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

શું હતી ઘટના

ગઈ કાલે ટોંક જિલ્લાના સમરાવતા ગામના લોકોએ તેમના ગામને ઉનિયારા તાલુકામાં આવરી લેવાની માગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેને મીણા સમર્થન આપી રહ્યા હતા. જોકે  SDM અમિત ચૌધરી લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા હોવાથી મીણાએ વિરોધ કરતાં તેમને લાફો ઝીંકી દીધો હતો. અને બાદમાં સાથીઓ સાથે મળી તોડફોડ કરી હતી.

SDMને લાફો ઝીંક્યા બાદ નરેશ અને તેના સાથીઓએ હિંસક દેખાવો કર્યા હતા. જોકે મીણાએ આ ઘટના માટે પોલીસને જ જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે પોલીસે મારા સાથી મિત્રો અને કાર્યકરોને માર્યા હતા. ગ્રામજનોને પણ માર્યા હતા. ટિઅર ગેસના ગોળા છોડ્યા તેમજ મરચાંના બોમ્બ પણ ફેંક્યા હતા.

નરેશે આ સમગ્ર ઘટના અંગે કલેક્ટરને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે સવારે સાત વાગ્યાથી અમને કોઈ સાંભળી રહ્યુ ન હતું. પોલીસ પણ જવાબ આપી રહી ન હતી. કલેક્ટર તો 45 કિમી દૂર મહેંદી લગાવી બેઠા હતા. કલેક્ટર આવી જતાં આ તો ઘટના ન બનતી. ઉલ્લેખનીય છે કે મતદાન બૂથ પર નરેશ તેમના સાથીઓ સાથે લાઠી-ડંડાઓ લઈને આવ્યા હતા.

પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, જાણો નવી તારીખો

પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આ અગાઉ 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હવે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મોડું થતાં ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે.

World Diabetes Day: બાળકોને જન્મથી પણ થઈ શકે છે ડાયાબિટીસ

મુંબઈ: ડાયાબિટીસને વિશ્વભરમાં સૌથી ખતરનાક બિમારીઓમાંની એક ગણવામાં આવે છે. ડાયાબિટીસ ધીમે ધીમે તમારા શરીરના તમામ ભાગોને અસર કરવાનું શરૂ કરે છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diebetes Day) દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. લોકોને આ જીવનશૈલીથી સંબંધિત રોગો અને તેના જોખમો વિશે જાગૃત કરવાના હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. જેથી કરીને તમે તમારી જાતને ડાયાબિટીસનો શિકાર બનવાથી બચાવી શકો. માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ 1 થી 10 વર્ષની વયના બાળકો પણ ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. તેમનો ડાયાબિટીસ 500 સુધી પહોંચી રહ્યો છે. દર વર્ષે આવા બાળકોની સંખ્યા વધી રહી છે.

બાળકોને પ્રકાર 1 ડાયાબિટીસ હોય છે. બાળકોમાં ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો અને તેની સારવાર વિશે ચિત્રલેખા ડૉટ કૉમે કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. જયતિ ઝાલા સાથે ખાસ વાત કરી છે.

ડાયાબિટીસના મુખ્ય કારણો

ડૉ. જયતિ ઝાલા જણાવે છે કે અત્યારના સમયમાં આપણે મુખ્ય કારણ જોઈએ તો એ આપણી લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલમાં બધું જ આવી જાય. એક કારણ તો આપણી ખાવા-પીવાની પદ્ધતિઓ, શારિરિક પ્રવૃત્તિઓ ઓછી અને ઉપરથી પ્રદૂષણ. આ બધી જ બાબતો ડાયાબિટીસ નોતરી શકે છે. જો આપણે ખોરાક અને વ્યાયામ પર ધ્યાન આપીએ તો આ રોગનો શિકાર થવાથી બચી શકાય છે. ડાયાબિટીસના શિકાર થયા બાદ સમસ્યાઓ વધતી જાય છે. માટે આ રોગને થતાં જ અટકાવવો વધારે જરૂરી છે. ડાયાબિટીસ થવાનું બીજું કારણ જેનેટિક પણ હોય છે. જો તમારા માતા-પિતા કે ફેમિલીમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય અને લાઈફસ્ટાઈલ બરાબર ના હોય તો તેનું રિસ્ક વધી જાય છે. આ બંને કારણો છે ડાયાબિટીસના. જેનેટિકનું ઓછું પ્રમાણ છે. પરંતુ જેનેટિક હોય અને સાથે લાઈફસ્ટાઈલ પણ યોગ્ય ના હોય તો ડાયાબિટીસ થવાનું રિસ્ક વધી જાય છે.

બાળકો પર ભાર મુકતાં ડૉ.ઝાલા જણાવે છે કે, હું બાળકોમાં ઘણી વાર જોઉં છું કે તેમનો રોજનો ખોરાક હોય છે ચિપ્સના પેકેટ, મૅગી, કેચઅપ અને બહારની ખાદ્ય વસ્તુઓ. આ દરેક ખાદ્યપદાર્થમાં સુગરનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. પેકેટ ફૂડ બાળકોને આપવાનું ટાળવું જોઈએ. બહારના પેકેટ જ્યુસિસમાં પણ સુગરનું પ્રમાણ અધિક હોય છે. તેમજ તેમાં સુગર સાથે કેમિકલનું પણ ઉમેરણ હોય છે, જે બાળકો સહિત દરેક વર્ગના વ્યકિતને નુકસાન પહોંચાડે છે. બાળકોને ઘરની વસ્તુઓ જ ખાવા માટે આપવી જોઈએ. જેના કારણે હેલ્ધી લાઈફસ્ટાઈલની ટેવ પડે છે.

ડાયાબિટિસના પ્રકાર

બાળકોમાં સ્ક્રીનટાઈમ વધી ગયો છે. ટીવી જોતાં જોતાં તેઓ આખું ચિપ્સનું પેકેટ ખાઈ જાય તો પણ ખ્યાલ આવતો નથી. તેમની ફિઝિકલ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.જેને લીધો બાળકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યાં છે. બાળકોમાં બે પ્રકારની ડાયાબિટીસ જોવા મળે છે. ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ. ટાઈપ વનને લાઈફસ્ટાઈલ સાથે કોઈ સંબંધ નથી. તે એક ઓટો ઈમ્યુન ડિસઓર્ડર છે. જેની એકમાત્ર સારવાર ઈન્સુલિન ઈન્જેક્શન જ છે. ટાઈપ ટુ ડાયાબિટીસ સંપૂર્ણરીતે અલગ રોગ છે. વજન વધવાથી, જંક ફૂડ ખાવાથી અને વ્યાયામ ના કરવાથી આ રોગ થાય છે. બાળકોમાં માટેભાગે ટાઈપ વન ડાયાબિટીસ જોવા મળે છે. કોઈ પણ બાળકને કોઈ પણ સમયે થઈ શકે છે. સામાન્ય રીતે ટાઈપવન બાળકોમાં જોવા મળે છે. પરંતુ જો તેની યોગ્ય સારવાર ના થાય તો 18 વર્ષ પછી પણ તેની અસર રહે છે.

8 થી 10 વર્ષના બાળકોમાં ઘણીવાર ટાઈપ ટુ ડાયાબિટીસ જોવા મળે છે. ટાઈપ ટુ ડાયાબિટીસ લાઈફસ્ટાઈલને કારણે થાય છે. જેની સારવાર આપણે ઘરે જ આપણી જીવનશૈલીમાં સુધારો દ્વારા કરી શકીએ છીએ. જ્યારે ટાઈપ વન ડાયાબિટીસ માટે ફરજિયાતપણે મેડિકલ સારવાર લેવી પડે છે. જેમાં બાળકોને ઈન્જેક્શ આપી સારવાર કરવામાં આવે છે. અનહેલ્ધી ફૂડ એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. જો બાળકોને ઘરનો શુદ્ધ ખોરાક અને સાઈક્લિંગ જેવી ફિઝિકલ રમતોની ટેવ પાડવામાં આવે તો ડાયાબિટીસથી બચી શકાય છે.

બાળકમાં જન્મથી પણ ડાયાબિટીસ હોય શકે છે. એનો પ્રકાર અલગ છે.જેને નિયોનેટલ ડાયાબિટીસ મલાઈટસ (Neonatal diabetes mellitus)કહેવાય છે. પરંતુ આના કેસ નહિવત જેવા હોય છે. આ જેનેટિક ડાયાબિટીસ છે.

કેવી રીતે સાવચેતી રાખવી?

ડૉ. જયતિ જણાવે છે કે આપણે ઘરમાં જે પણ ફેરફાર કરીએ તો માત્ર દર્દી માટે નહીં પરંતુ દરેક સભ્ય માટે હોવા જોઈએ. સુગરનો પ્રમાણસરમાં ઉપયોગ કરવો જોઈએ.બહારનું ફૂડ તદ્દન ટાળવું જોઈએ. ડાયટમાં લીલા શાકભાજી, સલાડ, મિલેટ્સને સામેલ કરી શકો છો. આ સાથે જ એક્સરસાઈઝને જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ. બેઠાડું જીવન ડાયાબિટીસને નોતરી શકે છે. માટે જ દિવસ દરમિયાન કંઈક ફિઝિકલ એક્ટિવીટી કરવી અનિવાર્ય છે. રોજની એક કલાકની ફિઝિકલ પ્રવૃત્તિ સુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.

ખ્યાતિ ગ્રુપનું વધુ એક કૌભાંડ, 6 લાખ વાર જમીનના પૈસા લીધા, દસ્તાવેજ ના કર્યા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ખ્યાતિ ગ્રુપ ચર્ચામાં આવ્યું છે. ખ્યાતિ ગ્રુપ એક બિલ્ડીર ગ્રુપ જ્યારે ખ્યાતિ હોસ્પિટલ અમુક ડોક્ટરોના સયોગથી બનાવવામાં આવી હતી. જે બાદ તેને ખ્યાતિ ગ્રુપને વહેંચી દેવામાં આવી હતી. નોંધનિય છે કે એક કૌંભાડનો પરદાર્ફાશ થયા બાદ એક એક તપાસમાં ખ્યાતિ ગ્રુપના કૌંભાડો છતા થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના રૂપિયા હેઠવાની લાલચમાં 7 લોકોના બિનજરૂરિ ઓપરેશન કરી નાખ્યા હતા. જેમાં બે દર્દીઓનું મોત નિપજ્યુ છે. જેને લઈને ખ્યાતિ હોસ્પિટલના અધિકારીઓ, તબીબો અને સત્તાધીશો સામે કડક કાર્યવાહીની વાત પણ કરવામાં આવી રહી છે. તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલનું જમીન કૌભાંડ પણ સામે આવ્યું છે. ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના ડૉક્ટર કાર્તિક પટેલે ભાડજ પાસે છ લાખ વાર જમીનમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને કોરાણકારો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી. જેમાં સહકારી મંડળીના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રીતે કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું છે. જમીન કૌભાંડમાં સહકારી રજિસ્ટ્રારે કાર્તિક પટેલની ગેરરીતિઓ પકડી પાડી હતી. પૂર્વ સહકાર કમિશનર કમલ શાહ દ્વારા જમીનની ખરીદી માટે નાણાં ચૂકવનાર દરેકને દસ્તાવેજ કરી આપીને પ્લોટની ફાળવણી કરવાની સૂચના આપવામાં આવી હતી.  અમદાવાદના કલેક્ટરને પણ આ સંદર્ભમાં પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કાર્તિક પટેલે પ્લોટની ફાળવણી અને વિભાજનમાં પણ ગપલાં કર્યાં હતાં. રિયલ એસ્ટેટમાં પણ તેણે મધ્યમ વર્ગના રોકાણકારોના નાણાં ડૂબાડ્યા હતાં. જોકે સત્તાધીશો દ્વારા કાર્તિક પટેલ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

શું તમને ખબર છે કે સિંહની વસ્તી ગણતરી કેવી રીતે થાય છે?

માણસોની વસ્તી ગણતરી જેમ જંગલમાં દર 5 વર્ષે સિંહ, દિપડા, હરણ વગેરે દરેક પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે. સિંહની વસ્તી ગણતરી એ “સિંહ વસ્તી અંદાજ” તરીકે ઓળખાય છે. વન વિભાગના કર્મચારી, અધિકારીઓની સાથે-સાથે વન્યપ્રાણી વિશેષજ્ઞ, વન્યપ્રાણી ફોટોગ્રાફર તથા અનેક NGO ના પ્રતિનિધિ પણ આ સિંહ વસ્તી ગણતરીમાં જોડાય છે.

સિંહ વસ્તી ગણતરીની માટે અભ્યારણ્ય, નેશનલ પાર્ક અને જંગલ આસપાસના વિસ્તારો માટે વિવિધ વિસ્તારના ભાગ કરવામાં આવે છે. સિંહ વસ્તી અંદાજ માટે જંગલના અલગ અલગ વિસ્તારમાં કેમેરા ટ્રેપ લગાવવામાં આવે છે. 2-3 દિવસ માટે વનકર્મચારી, ફોટોગ્રાફર, NGO વગેરેના વોલેન્ટીયરની અલગ અલગ ટીમ બનાવીને તેમને વિસ્તાર ફાળવવામાં આવે છે. આ લોકો ચાલીને સિંહના અવલોકન નોંધે છે. કેટલીક જગ્યાએ પાણીના પોઈન્ટ પાસે માંચડા પર બેસીને પણ સિંહની નોંધ કરવામાં આવે છે.

દરેક સભ્યને સિંહના શેપના સ્કેચ આપવામાં આવે છે. સિંહના શરીર પરના નિશાન આ ટીમ નોંધે છે. સિંહના શરીના અલગ અલગ બાજુથી ફોટો પાડવામાં આવે અને GPS ટ્રેકરથી GPS લોકેશન પણ નોંધવામાં આવે છે. આ રીતે સતત અવલોકન લીધા પછી આ ટીમ આવા અવલોકન સેન્ટ્રલ પ્રોસેસિંગ માટે જમા કરાવે છે.

આવી અનેક ટીમ દ્વારા આપેલ ડેટાને તથા કેમેરા ટ્રેપના ડેટા અને સ્વયંસેવકો એ આપેલ સિંહના શરીરના નિશાન દર્શાવતા કાગળોને GPS લોકેશન ડેટાને પ્રોસેસ કરી દરેક સિંહને અલગ તારવવામાં આવે છે. આ આંકડાને બાદમાં સરકાર પ્રસિદ્ધ કરે છે.

પોલીસથી ઘર્ષણ વચ્ચે UPPSCના વિદ્યાર્થીઓનું ‘આંદોલન પ્રયાગરાજ’

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ લોક સેવા પંચ (UPPSC) દ્વારા PCS પ્રી અને RO ARO પરીક્ષાને બે દિવસને પૂરી કરાવવાના નિર્ણયની વિરુદ્ધ પ્રયાગરાજમાં વિદ્યાર્થીનું આંદોલન સતત ત્રીજા દિવસે પણ જારી છે. પ્રદર્શનકારીઓએ પોતાની વાત પંચ સુધી પહોંચાડવા માટે પંચની ઓફિસ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિદ્યાર્થીઓએ પોલીસની બેરિકેડિંગને તોડતાં અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. આ દેખાવો દરમ્યાન પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિસ લગાવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ એને તોડતાં પંચની મુખ્ય ઓફિસ સુધી પહોંચી ગયા હતા. ચોથા દિવસની સવારે વિદ્યાર્થીઓ પંચની બહાર વિવિધ માગોને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ દેખોવામાં વિદ્યાર્થીઓએ પંચની ઓફિસની બહાર પૂરી રાત વિવિધ માગ મૂકી રહ્યા હતા. પોલીસ અને વિદ્યાર્થીઓની વચ્ચે ઘર્ષણની સ્થિતિ ત્યારે બની, જ્યારે પોલીસે કેટલાક દેખાવકારોને જબરદસ્તી હટાવવાના પ્રયાસ કર્યા હતા, જેનાથી અફરાતફરી મચી હતી.

એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ કેટલાક વિદ્યાર્થીઓને જબરદસ્તી પકડીને લઈ ગયા હતા.  આ પહેલાં પોલીસે 11 વિદ્યાર્થીઓને અટકાયતમાં લીધા હતા. તેઓ બધા કોચિંગની લાઇબ્રેરીને જબરદસ્તી બંધ કરાવી રહ્યા હતા. એક તરફ પોલીસ પગલાં લઈ રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણાં કરી રહ્યા હતા. પોલીસે બધા 11 લોકોને શાંતિ ભંગની ધારાઓમાં ચલણ ભરી રહી હતી. વિદ્યાર્થીઓને ACP કોર્ટમાંથી જામીન પર છૂટા કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ એક દિવસમાં અને એક જ શિફ્ટમાં કરાવવાની માગ કરી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર બે દિવસમાં બે શિફ્ટમાં પરીક્ષા કરાવવા પર ભાર મૂકી રહી છે.

 

સુવિચાર – ૧૪ નવેમ્બર ૨૦૨૪

૧૪ નવેમ્બર ૨૦૨૪