Home Blog Page 1331

યુવાનો, આ મંત્ર ગાંઠે બાંધી લો…

તાજેતરમાં 31 ઑક્ટોબરે, દિવાળીના સપરમા દિવસોમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી દેશભરમાં ઊજવાઈ. રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવાતા આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં.

લોખંડી પુરુષનું બિરુદ પામનાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું એક વિઝન હતું કે ભારત અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં નાનાં રજવાડાંને ભારતીય સંઘમાં ભળી જવા સમજાવવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી.  મહત્વની વાત આ છેઃ વિઝન, દીર્ઘદ્રષ્ટિ. દેશ-દુનિયાના ઈતિહાસપુરુષો પાથબ્રેકર તરીકે પંકાયા એનું કારણ એમનું વિઝન, દૂરંદેશી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ અને મોહનદાસ કરમચંદ ગાંધીજી આદિ સ્વાતંત્ર્યસેનાનીનું એક સુસ્પષ્ટ વિઝન હતું તેથી આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છેઃ “હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ હોવા  છતાં તેઓ તે શક્તિનાં યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા. આનું એક કારણ એ છે કે તેમની પાસે વિઝન અર્થાત્ દૂરંદેશી નથી. શું કરીશું? શું થશે? ફેઈલ જઈશું તો? એવા ને એવા વિચારોમાં જ એ અટવાઈને યુવાની વેડફી નાખે છે.”

વર્ષો પહેલાં ચીનના સ્પૉર્ટ્સ કમિશનના ચૅરમૅન માઓ ઝેદોન્ગે નક્કી કર્યું કે ઑલિમ્પિક્સની રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ દૂરંદેશી સાથે તેમણે બાસ્કેટ બૉલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીની ઊંચાઈ છ ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે, જ્યારે ચીનની પ્રજાનાં શરીરનાં બંધારણ જ ઠીંગણા કદનાં. તો શું કરવું?  આના ઉપાય રૂપે માઓ ઝેદોન્ગે ચીનમાં સૌથી ઊંચું કદ ધરાવતી એક કન્યા ફેંગ ઝ્ડગીને પસંદ કરી. 15 વર્ષની એ છોકરીને દેશ માટે બાસ્કેટ બૉલ રમવાનું કહ્યું. ફેંગે પ્રૅક્ટિસ શરૂ કરી. તે 28 વર્ષની થઈ ત્યારે ચીનનો એક ઊંચામાં ઊંચો પુરુષ સ્પૉર્ટ્સ કમિશને શોધી ફેંગને કહ્યું કે ‘દેશના ભવિષ્ય માટે તું આની સાથે લગ્ન કર.’

ફેંગ ઝડગીએ કમિશનની વાત માની પેલા ઊંચી હાઈટવાળા યુવાન સાથે લગ્ન કર્યાં. 1980ની 12 સપ્ટેમ્બરે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓમિંગ (Vao ming). જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે ચીન સ્પૉર્ટ્સ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. આ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડાસાત ફૂટ, તે યાઓ મિંગે બાસ્કેટ બૉલમાં અનેક મેડલ મેળવ્યા, ચીન ઑલિમ્પિક્સમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય વિઝન, વિઝનનું પરિણામ.

કોઈ પણ કાર્ય માટે જ્યારે એક વિઝન અથવા લક્ષ નક્કી કરવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે. આગળ જતાં આ જ શક્તિ આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ બની જતું હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વર પ્રાપ્ત થાય છે.

અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જૅક વેલ્સ કહે છે, ‘સારા નેતા એક ભવિષ્યમાં દષ્ટિ કરે છે, દષ્ટિને સ્પષ્ટ બનાવ છે, પૂરી લગન સાથે દષ્ટિના માલિક બની જાય છે, અને કરેલો સંકલ્પ પૂર્ણ કરીને જ જંપે છે. આમ વ્યક્તિ માત્રની દૂરંદેશી તેને સફ્ળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.

માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે વિઝન નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મૂરત ચૂકી જવાશે. ભરતી ભાળીને ખલાસી હોડી પાણીમાં તરતી મૂકે છે, જો ભરતી ચૂકે તો પૂરા ચોવીસ કલાક રાહ જોવી પડે.

બસ તો, યુવાનો, ઊભા થાઓ, હિંમત રાખો, મજબૂત બનો અને દૂરંદેશી સાથે પુરુષાર્થ કરવા મંડો. કેમ કે તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

KBCમાં અભિષેકને બોલાવી મોટી ભૂલ કરી, કેમ આવું બોલ્યા અમિતાભ?

મુંબઈ:’કૌન બનેગા કરોડપતિ’ની 16મી સીઝન ચાલી રહી છે. આ શોમાં એક પછી એક સ્પર્ધક મોટી રકમ જીતી રહ્યા છે. શોમાં ઘણી વખત સ્ટાર્સ અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેઠેલા જોવા મળે છે. આગામી એપિસોડમાં પણ એક સ્ટાર જોવા મળશે. આજે એટલે કે શુક્રવારે શોમાં પારિવારિક વાતાવરણ જોવા મળશે, જેમાં બચ્ચન પરિવારની વાર્તાઓ પરથી પડદો હટાવવામાં આવશે અને આ ખુલાસા કરવા માટે અમિતાભ બચ્ચનનો લાડકો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન શોમાં આવી રહ્યા છે. અભિષેક બચ્ચન ખાસ મહેમાન તરીકે તેમની નવી ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’નું પ્રમોશન કરવા પહોંચી ગયા છે. હાલમાં જ આનો એક પ્રોમો વિડિયો રિલીઝ થયો છે જેમાં અમિતાભ પોતાના નિર્ણય પર પસ્તાવો કરતા જોવા મળી રહ્યા છે.

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રોમો વીડિયો શેર કર્યો છે. તેની શરૂઆત અભિષેક તેના પિતાની સામે હોટ સીટ પર બેસીને થાય છે. આ સમય દરમિયાન અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભની ખૂબ નકલ કરે છે. હકીકતમાં, જ્યારે પણ કોઈ સ્પર્ધક ટોપ મની એટલે કે રૂ. 7 કરોડ જીતે છે, ત્યારે અમિતાભ બચ્ચન તેને ખુશ કરવા રૂ. 7 કરોડની બૂમો પાડે છે. અભિષેક બચ્ચન પણ પોતાની સ્ટાઈલમાં આવું જ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચન કહે છે, ‘ભોપુ જી ના બજે ઔર હમ જીતે સાત કરોડ રૂપયે.’ તે આ વાત અમિતાભની ખાસ શૈલીમાં કહે છે, જેને સાંભળીને પીઢ અભિનેતા હસી પડે છે.

આ વાત આટલે ન અટકતા અભિષેક બચ્ચન આગળ કહે છે, ‘અમારા ઘરમાં આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે છે અને આ દરમિયાન જો કોઈ પ્રશ્ન પૂછે છે તો અમે બધા મળીને જોરથી કહીએ કે ‘7 કરોડ’. અભિનેતા આગળ કહે છે કે જ્યાં સુધી અમે સાત કરોડ રૂપિયા જીતીએ ત્યાં સુધી…હજી આ વાતચીત પૂર્ણ નથી થતી ત્યાં અમિતાભ બચ્ચન કહે છે કે,’મેં તેમને અહીં બોલાવીને મોટી ભૂલ કરી છે.’ આ સાંભળીને અભિષેક ફરી એકવાર 7 કરોડની બૂમો પાડે છે. અમિતાભ સાથે બેઠેલા ઓડિયન્સ પણ હસે છે. પ્રોમોમાં અભિષેકની સાથે ‘આઈ વોન્ટ ટુ ટોક’ના ડાયરેક્ટર શૂજિત સરકાર પણ જોવા મળે છે.

ફિલ્મ સંબંધિત માહિતી
તમને જણાવી દઈએ કે, શૂજીત પહેલીવાર અભિષેક સાથે કામ કરી રહ્યા છે, પરંતુ તેણે અમિતાભ બચ્ચન સાથે ચાર વખત કામ કર્યું છે. બંનેએ ‘શોબિતે’, ‘પીકુ’, ‘પિંક’ અને ‘ગુલાબો સિતાબો’માં સાથે કામ કર્યું છે. હવે તે અભિષેક બચ્ચન સાથે એક ફિલ્મ લાવી રહ્યા છે, જેનું નામ છે ‘આઈ વોન્ટ ટુ ટોક’. તેમાં જોની લીવર અને અહિલ્યા બમરુ પણ છે. રાઇઝિંગ સન ફિલ્મ્સ અને કિનો વર્ક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ એક ગંભીર બીમારી સામે લડી રહેલા એક વ્યક્તિની વાર્તા કહે છે જેને એક પુત્રી છે અને તે તેની સાથે સારા સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અભિષેક આ બીમાર વ્યક્તિના રોલમાં છે. તે સિંગલ ફાધરનો રોલ કરી રહ્યા છે.

પોરબંદરના દરિયામાં NCBનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી

ગુજરાતના દરિયાકાંઠા પર અવાર નવાર નસીલા પદાર્થ મળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત પોરબંદર દરિયા કિનારો ચર્ચામાં આવ્યો છે. આ વખતે ગુજરાતના પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરીને 500 કિલો ડ્રગ્સ ઝડપિ પાડ્યુ હતું. આ ઓપરેશનની અંદર ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે તે અંગે સત્તાધીશો કોઈપણ વાત કરવાનું ટાળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંરના મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટસ આવવાની બાતમી મળી હતી જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજી સત્તાવાર રીતે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ આ બોટને ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ બોટમાં આવી રહ્યું હતું તેને પકડીને એક મોટી સફળતા એજન્સીને મળી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયાકાંઠે લાવ્યા બાદ ડ્રગ્સ અંગેની વિગતો મેળવવામાં આવશે. હાલ કેટલા લોકોની અટકાયત થઈ છે કે નહીં તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે.

બોલિવુડ એક્ટર સલમાન ખાને છોડ્યો શો બિગ બોસ 18?

મુંબઈઃ બોલિવુડ એક્ટર સલમાન ખાન ઘણા લાંબા સમયથી બિગ બોસનો શો હોસ્ટ કરી રહ્યો છે અને દર્શકો પણ તેમને હોસ્ટ તરીકે જોવાનું પસંદ કરે છે. જોકે છેલ્લા કેટલાક વીકએન્ડથી આ શોમાં સલમાન ખાન નજર નથી આવ્યો. તેમની જગ્યાએ પ્રોડ્યુસર એકતા કપૂર, રોહિત શેટ્ટી અને રવિ કિશને શોને હોસ્ટ કર્યો છે.

આ ત્રણે સેલેબ્સના વીકએન્ડના વાર પર નજર આવ્યા પછી સલમાન ખાનના ફેન્સ ઘણા ચિંતિત છે અને અટકળો લગાવી રહ્યા છે કે સલમાન ખાન ક્યાં ગાયબ છે અને તે આ શોને ફરીથી હોસ્ટ કરશે કે નહીં, એની માહિતી હજી નથી મળી શકી. વળી, આ શો આવતા વીકએન્ડમાં પણ સલમાન ખાનની જગ્યાએ રવિ કિશન હોસ્ટ કરવાનો છે. ત્યાર બાદ આ શો ફેન્સ વિચારી રહ્યા છે કે સલમાન ખાને શું શો છોડી દીધો છે? અને રવિ કિશન જ આ શોને હોસ્ટ કરવાનો છે?

આ શોના અનેક દર્શકો, જે બિગ બોસના શોના સમાન ખાનને કારણે જોવાનો પસંદ કરે છે. સલમાન ખાનના લાખો ફેન્સ છે અને બિગ બોસ 18 જ્યારથી સલમાન હોસ્ટ નથી કરી રહ્યો, ત્યારથી તેના ફેન્સને પણ આ શો પસંદ નથી પડી રહ્યો.જેને લીધે TRPમાં પણ મોટો ઘટાડો થયો છે.

અહેવાલ મુજબ સલમાન ખાન હાલના દિવસોમાં આવનારી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ હાલના દિવસોમાં હૈદરાબાદમાં થઈ રહ્યું છે. આ સિવાય સલમાન તેની દુબઈ ટુર દા બંગના પ્રોગ્રામમાં સામેલ થશે. જેમાં તેની સાથે અનેક મોટા ફિલ્મસ્ટાર્સ પણ પર્ફોર્મ કરશે. જોકે સલમાને બિગ બોસ 18 શૂટ ના કરવા માટે કોઈ સત્તાવાર નિવેદન નથી કર્યું.

ગૌતમ અદાણીના ઘરે થયેલી મિટિંગની વાત શરદ પવારે સ્વીકારી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અજિત પવારના કરેલા દાવાને સ્વીકારતાં વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું હતું કે તેમણે 2019માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે કહ્યું હતું કે ભલે બેઠક અદાણીના ઘરે થઈ હતી, પરંતુ એ સમયે અદાણી ઘરે નહોતા.

ચૂંટણી દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે  2019માં અદાણીના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં તે પોતે, ગૃહ મંત્રી અમિત શાહ અને અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા. જોકે તેઓ NDAમાં સામેલ થયા હોત તો તેમની અને તેમના નેતાઓની વિરુદ્ધ ચાલી રહેલી તપાસ એજન્સીઓથી જોડાયેલા કેસ ખતમ થઈ જાત.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને જે પણ પ્રલોભન આપવામાં આવ્યું હતું, એનો તેમણે સૌએ ઇનકાર કરી દીધો હતો. પવારે કહ્યું હતું કે તેમને વિશ્વાસ નહોતો કે ભાજપ એનું વચન નિભાવશે. તેના સાથીએ કહ્યું હતું કે કેમ એક વાર સાંભળી લેવામાં ના આવે.

તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં મને ભાજપને ટેકો આપવા અપીલ કરવામાં આવી હતી. તેના બદલામાં મારા પક્ષના અમુક સભ્યો પર ચાલી રહેલા કેસો રદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મને ભાજપ પર વિશ્વાસ ન હતો. જેથી મે આ સોદો સ્વીકાર્યો નહીં. આ સમગ્ર ચર્ચામાં અદાણીએ ક્યાંય ભાગ લીધો ન હતો. તેઓ માત્ર ડિનરમાં અમારી સાથે હતા.

અજિત પવારે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે 2019માં ભાજપના દિગ્ગજ નેતાઓ, NCP નેતાઓએ ગૌતમ અદાણીના ઘરે બેઠક કરી હતી. જેમાં પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, શરદ પવાર ઉપસ્થિત હતા. અજિત પવારના આ નિવેદનથી જ રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. વિપક્ષના નેતાઓએ આ નિવેદન પર દાવો કર્યો છે કે મોદી સરકાર એ વાસ્તવમાં અદાણીની સરકાર છે.

સંભાજીનગરમાં PM મોદીનું ભાષણ, કહ્યું- બાળાસાહેબની ઈચ્છા અમે પુરી કરી

મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર ચાલુ છે. આ કડીમાં PM નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યા હતા. પીએમ મોદીએ મહંત સુભદ્રા અત્યા, પૂજ્ય બાભુલગાંવકર મહારાજ, જૈન ધર્મગુરુ ઋષિ પ્રવીણ જી અને મહામંડલેશ્વર સ્વામી શાંતિગીરી મહારાજ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પીએમ મોદી પનવેલના ઈસ્કોન મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે મંજીરા વગાડી અને હરે રામ-હરે કૃષ્ણનું ભજન પણ ગાયું. પીએમ મોદીએ અહીં ઋષિ-મુનિઓને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. પીએમ મોદી સૌપ્રથમ મહંદા સુભદ્રા અત્યાને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મહંત સુભદ્રા અત્યા મહાનુભાવ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. તેમજ છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે પણ ઘણું કામ કર્યુ છે.

પીએમ મોદીએ મહાવિકાસ અઘાડી પર નિશાન સાધ્યું
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ અનામત અને જાતિના મુદ્દે મંચ પરથી કોંગ્રેસને ઘેરી હતી. આ સિવાય તેમણે મહાવિકાસ અઘાડી અને શિવસેના ઉદ્ધવ જૂથ પર પણ નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, “બાળા સાહેબ ઠાકરેની ઈચ્છા હતી કે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજી નગર હોવું જોઈએ, પરંતુ ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા અને તેમના પિતાની ઈચ્છા પૂરી ન કરી. આજે ઉદ્ધવના કોંગ્રેસના ખોળામાં બેઠા છે. પીએમ મોદીએ ઉદ્ધવને પડકાર ફેંક્યો કે તેઓ રાહુલ ગાંધીને હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેની પ્રશંસામાં માત્ર બે શબ્દો બોલાવે.

 

View this post on Instagram

 

A post shared by BJP Maharashtra (@bjp4maharashtra)

પીએમ મોદીએ કહ્યું- અમે બાળા સાહેબની ઈચ્છા પૂરી કરી

તેમણે કહ્યું, “એક તરફ સંભાજી મહારાજને માનનારા દેશભક્તો છે. તો બીજી તરફ ઔરંગઝેબના વખાણ કરનારા લોકો છે. આખું મહારાષ્ટ્ર જાણે છે કે ઠાકરેએ છત્રપતિ સંભાજી નગરને આ નામ આપવાની માંગ બાલા સાહેબે કરી હતી. અઢી વર્ષ મહાયુતિની સરકાર આવતા જ અમે તમારી ઈચ્છા પૂરી કરી. જેમને સંભાજી મહારાજના નામ સામે વાંધો છે, તેમને તેમના ખૂની દેખાય છે, શું આ લોકો મહારાષ્ટ્ર અને મરાઠી સ્વાભિમાનની વિરુદ્ધ ઊભા છે કે શું મહારાષ્ટ્ર આવા લોકોને સ્વીકારશે?

વાસ્તુ: બ્રહ્મનો દોષ કાલ્પનિક ભય આપી શકે

મૃત્યુ પછી કેવું સન્માન મળશે એ જાણવું હોય તો એક વાર મરી જવું પડે. એ જ રીતે જીવનને માણવું હોય તો એક વાર સાચા અર્થમાં જીવી લેવું પડે. વ્યક્તિ સાથે ગમે તેટલા મતભેદ હોય પણ અંતે તો સ્વીકૃતિ આવવી જ જોઈએ. અને ન ગમતી વ્યક્તિને પણ ક્યારેક તો ગમતું કરવું જોઈએ. આ બધું કર્યા બાદ તૂટેલા સંબંધો પાછા મઘમઘતા થઇ શકે છે. આપણે શું લઈને જવાના હતા એ કહેવાનું ગમે પણ જીવતા જીવ પોતાનું સર્વસ્વ કોઈને આપવાની હિંમત છે ખરી? મને કોઈનો ડર નથી કહ્યા પછી પણ જો સુરક્ષાકર્મીઓની જરૂર પડે તો વિચારવા જેવી બાબત છે. મોટાભાગે કઈક થઇ જશે એના ભયમાં વ્યક્તિ અન્યનું નુકશાન કરી નાખે છે. અને ત્યાર બાદ પોતે ખોટું કર્યું છે એનો રંજ એને કોરી ખાય છે. આ વાતની કોઈને ખબર ન પડી જાય એના માટે એ ફરી કોઈ એવું કાર્ય કરે છે જે માત્ર કાલ્પનિક ભય દ્વારા પ્રેરિત છે. સકારાત્મક ઉર્જા ભયમુક્ત જીવન આપી શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમારા બે પુસ્તકો મને એક મિત્ર એ ભેટમાં આપ્યા. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે પ્રેમ અને કામ સાથે વાસ્તુ નિયમો જોડાયેલા હોય. વળી એનો સંપૂર્ણ વિરોધાભાષ એટલે મનની શાંતિ. તમે આ બંને વિષયો પર સરસ માહિતી આપી છે. પણ એક સવાલ ઉદ્ભવે છે કે ભારતીય વાસ્તુના નિયમો આવી અન્ય કઈ કઈ બાબતો સાથે જોડાયેલા છે?

જવાબ: વાસ્તુ શબ્દ વસ પરથી આવ્યો. વસવાટ માટેના નિયમો એટલે વાસ્તુશાસ્ત્ર. રહેવું એને વસવું એમાં ફર્ક છે. વ્યક્તિની માનસિક, શારીરિક, આર્થિક, સાંસારિક અને સામાજિક જરૂરિયાતો સાથે વસવાટ જોડાયેલો છે. ટૂંકમાં જીવવા માટે જે કાઈ કરુરી છે તેની સાથે વાસ્તુના નિયમો જોડાયેલા છે એવું કહી શકાય. ભારતીય વાસ્તુમાં માત્ર બાંધકામના કે ઘર માટેના જ નિયમો નથી. તે સુખમય જીવવા માટેના નિયમોનું જ્ઞાન છે.

પ્રેમ અને શાંતિ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. તેથી જ આ બે પુસ્તકોથી મેં શરૂઆત કરી છે.

સવાલ: થોડા સમયથી સોસીયલ મીડિયા પર એક વ્યક્તિ સતત ડરાવવા વાળા મેસેજ મોકલે છે. કે એક રાજ્યમાં બાવાઓ વશીકરણ કરીને પૈસા પડાવે છે. સાવધાન રહેજો. એક ટોળકી સરકારી યોજના સમજાવવાના બહાને આધાર કાર્ડ અને અન્ય માહિતી માંગે છે. ચેતજો. ગામના છેવાડે ડ્રગ્સ પકડાઈ. તમે બાળકોને બહાર ન મોકલજો. એની સામે જાતજાતના કૌભાંડો સામે આવે છે. કોઈનું જાણ બહાર ઓપરેશન થઇ જાય. તો કોઈ કારણ વિના મર્ડર કરી નાખે. શું આવા ફોર્વર્ડેડ સંદેશાઓ પર પ્રતિબંધ ન આવવો જોઈએ? બની શકે કે આવા મેસેજ ના લીધે ભયભીત થયેલા લોકો નાની નાની વાતમાં હુમલા કરવા લાગે.

જવાબ: સમગ્ર વિશ્વમાં ભયનો ખુબ મોટો વેપાર ચાલે છે. સહુથી મોટો ભય મૃત્યુનો હતો. હવે ભૌતિકતાની આંધળી દોટમાં તે ગરીબીનો થઇ ગયો છે. તેથી સતત કોઈનું છીનવી લેવાની વૃત્તિ વધી રહી છે. જેમનું શોષણ થાય છે તે પણ ભયના લીધે ચુપ રહે છે. તેથી આવા લોકોને વધારે મોકા મળી જાય છે. સર્વ પ્રથમતો આત્વિશ્વાસ કેળવો. નકારાત્મક મેસેજ આવતા હોય એવા ગ્રુપમાંથી બહાર નીકળી જાવ. અથવાતો એવા લોકોને સમજાવો કે આવા મેસેજ ન મોકલે. મોટા ભાગે આ નવરા લોકોનું કામ છે. તેથી એ નહિ માને. તો એમને ગણકારો નહિ. જો ખરાબ શોધવા જઈએ તો સમગ્ર વિશ્વ ખરાબ લાગશે. અને સારું શોધીશું તો બધાજ સારા લાગશે. આ જ વાતાવરણમાં જીવવાનું છે. બસ સભાનતા પૂર્વક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.

સુચન: બ્રહ્મનો દોષ કાલ્પનિક ભય આપી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

મનની સ્થિતિ મજબૂત કરવા એકાગ્રતાનો અભ્યાસ જરૂરી

વર્તમાન સમયે નિરોગી રહેવા માટે વિજ્ઞાનની નવી શોધો તથા રોગો અને મૃત્યુને જીતવા માટે નવા દાવાઓ થતા રહે છે. છતાં અકાળે મૃત્યુ, શારીરિક રોગો તથા વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ તીવ્ર ગતિથી વધી રહી છે. આપણે જાણીએ છીએ કે લાંબા સમયના માનવીય તથા પ્રાકૃતિક કારણોથી વર્તમાનમાં જે સ્થિતિઓ ઉત્પન્ન થઈ છે તેને બદલવી મનુષ્યના હાથમાં ભલે ના હોય પરંતુ તે સ્વયંને તો બદલી જ શકે છે. અધ્યાત્મના માર્ગ પર ચાલવા વાળા પુરુષાર્થીઓ એ વર્તમાનની વિપરીત પરિસ્થિતિઓમાં પોતાની અંદર ચેક કરીને પોતાની મનસ્થિતિને મજબૂત કરી લેવી જોઈએ.

શુભ ચિંતક બની શુભ ભાવના કે માનસિક સેવા દ્વારા બધાને સુખ શાંતિની અનુભૂતિ કરાવવી જોઈએ. સાથે-સાથે એ પણ ચેક કરવું જોઈએ કે જુના કર્મ બંધન કેટલા બાકી રહ્યા છે! આ કર્મ બંધનોની ઓળખાણ ત્રણ બાબતોથી સહજ રીતે થઈ શકે છે.

(1) આપણા સ્વભાવ-સંસ્કારના વિઘ્નોના કારણે સારા માર્ગ પર ઈચ્છા મુજબ આગળ નથી વધી શકતા.

(2) કોઈ મનુષ્યના સંગ કે સંપર્કના કારણે તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ વિઘ્નોને કારણે હિંમત ઉલ્લાસ હોવા છતાં પણ પોતાની જાતને પરવશ અનુભવ કરીએ છીએ.

(3) કોઈપણ પ્રકારનું વાતાવરણ પ્રભાવિત કરીને ઉડતી કલાની પાંખોને કાપી નાંખે છે તો આ પણ થયું કર્મ બંધન. આ બધાથી મુક્ત થવા માટે દરરોજ ઓછામાં ઓછો 04 કલાક જો એકાગ્રતાનો અભ્યાસ કરવામાં આવે તો ઈચ્છીત ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

મનુષ્યનું મન કુદરતી આપેલ એક એવી સત્તા છે કે જે કોઈપણ વિચાર પર મહા મહેનતે બે સેકન્ડ માટે જ ટકી શકે છે. બે સેકન્ડ પછી તે કુદીને બીજા-ત્રીજા વિચાર પર પહોંચી જાય છે. મનની આ સ્થિતિના કારણે ઘણા દ્રશ્યો મનના પડદા પર નોંધાઈ જાય છે. પરંતુ તે દ્રશ્યમાંથી ટકતું એક પણ નથી. આના પરિણામે મનુષ્ય કોઈ એક વિષય પર મનન-ચિંતન નથી કરી શકતો.

માનીલો કે દૂરદર્શન પર એક દ્રશ્ય સેકન્ડ માટે દેખાય અને બે-બે સેકન્ડ બાદ નવા-નવા દ્રશ્ય આવતા રહે તો જોવા વાળો વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. મનનો પડદો પણ એક આંતરિક દુરદર્શન છે. જેના પર મનુષ્યના વિવિધ વિચારો થી બનેલ દ્રશ્ય નિરંતર બદલાતા રહે છે. ઉદાહરણ માટે- એક ઓફિસનો અધિકારી પોતાની સામે એક ફાઈલ ખોલે છે જેમાં રામચંદ્ર નામના વ્યક્તિનો ઉલ્લેખ જુએ છે. આ નામ વાંચતા જ તેમને ખ્યાલમાં આવે છે કે ગઈકાલે તેમના ઘેર જે સંબંધી આવ્યા હતા તેમાં પણ એક રામચંદ્ર નામની એક વ્યક્તિ હતી. ત્યાર બાદ તે સંબંધી દ્વારા કહેલ એક વાત યાદ આવી કે એક બાળક રમતા રમતા પડી ગયો અને પગનું હાડકું તૂટી ગયું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

Chitralekha Gujarati – 25 November, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો