Home Blog Page 1316

મહારાષ્ટ્રમાં 58 ટકા, ઝારખંડમાં 68 ટકાઃ ગઢચિરોળીમાં સૌથી વધુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂરુ થયું છે. રાજ્યની બધી 288 વિધાનસભા સીટો પર મતદાન થયું છે. આ વખતે કુલ 4136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં સાંજે છ કલાક સુધી 58 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં ગઢચિરોળીમાં સૌથી વધુ મતદાન 69 ટકા થયું હતું, જ્યારે મુંબઈમાં સિટીમાં સૌથી ઓછું મતદાન થયું હતું.

આ સાથે ઝારખંડમાં બીજો તબક્કામાં 67.59 ટકા મતદાન થયું હતું. આ સાથે ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, જેમાં કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર અને ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું હતું.

મહારાષ્ટ્રમાં સાંજે છ સુધી અહમદનગર 61.95 ટકા, અકોલા 56.16 ટકા, અમરાવતી 58.48 ટકા, ઔરંગાબાદ 60.83 ટકા, બીડ 60.62 ટકા, ભંડારા 65.88 ટકા, બુલઢાણા 62.84 ટકા, ગઢચિરોળી 69.63 ટકા, લાતુર 61.43 ટકા પાલઘર 59.31 ટકા, સાંગલી 6328 કોલ્હાપુર 59.53 ટકા, મુંબઈ શહેર 49.07 ટકા, મુંબઈ ઉપનગર 51.76 ટકા, નાગપુર 56.06 ટકા, નાસિક 59.85 ટકા, પુણે 54.09 ટકા, રત્નાગિરિ 60.35 ટકા અને થાણેમાં 49.76 ટકા મતદાન થયું છે.

મહારાષ્ટ્રમાં અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, CM એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. આ સાથે બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો 23મીએ જાહેર કરાશે. બીજી તરફ ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.

ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના CM હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું હતું, જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.

રાજ્ય સરકારની મોટી ભરતી જાહેરાત, MBBS થી DM સુધીના ઉમેદવારો માટે તક

ગુજરાતમાં 2022થી સર્જન, ચિકિત્સકો અને બાળોરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાને રાખી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે મોટા પાટે ભરતી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ 2800થી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ગુજરાત અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જનની 200,  ફિઝિશિયનની 227, ગાયનેકોલોજિસ્ટની 273, ઓર્થોપેડિક સર્જનની 35, ટર્મેટોલોજિસ્ટની 09, રેડિયોલોજિસ્ટની 47, એનેસ્થેટીસ્ટની 106 મળીને કુલ 897 ક્લાસ 1ની જગ્યાઓ છે. જેમાં શૈક્ષણિક લાયકાત MBBS છે. આ ઉપરાંત ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800થી વધુ ભરતીની બહાર પાડવામાં આવી છે. જેમાં  તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી (એલોપેથીક)ની 147, બાયોકેમેસ્ટ્રીના ટ્યુટરની 20, કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટરની 30, ફોરેન્સિક મેડીસીનના ટ્યુટરની 29, માઈક્રોબાયોલોજીના ટ્યુટરની 23, પેથોલોજીના ટ્યુટરની 33, ફીજીયોલોજીના ટ્યુટરની 32, એનેટોમીના ટ્યુટરની 25 અને ફાર્માકોલોજીના ટ્યુટરની 23 જગ્યાઓ મળીને 1868 જગ્યાઓ પર ક્લાસ 2ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત MS/DNB, MD/MS/DNB/PGDIP, MD/DNB/PGDIP છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા ક્લાસ – 1 ની ઈમ્યુનો હિમેટોલોજિ એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 01, કાર્ડિયોલોજિની 06, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિની 01 અને સી.ટી. સર્જરીની 03 મળીને કુલ 11 જગ્યાઓ છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત DM/MD/DNB, M.CH/DNB, DM/DNB છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારનું મોટું નિવેદન, વોટિંગને લઈને કહ્યું આવું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાન વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે મહારાષ્ટ્રના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા આ વાત કહી. પુણે જિલ્લાના બારામતી શહેરમાં પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે તમામ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું,”આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે. તે મહારાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરશે. હું તમામ નાગરિકોને તેમના ઘરની બહાર આવીને મતદાન કરવાની અપીલ કરું છું.”

આ સારી વાત નથી
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “એ સારી વાત નથી કે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઉત્તર-પૂર્વના નાના રાજ્યો કરતા ઓછી છે.” નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે નાના પટોલે અને સુપ્રિયા સુલેની કથિત ‘વોઈસ નોટ’ સાથે આરોપ લગાવ્યો હતો કે રાજ્યની વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ‘બિટકોઈન’ને કેશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે દાવો કર્યો હતો કે આનાથી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા પર ગંભીર સવાલો ઉભા થાય છે. સુલેએ આરોપોને નકારી કાઢ્યા છે.

MVAને બહુમતી મળશે
શરદ પવારે એમ પણ કહ્યું હતું કે તેમની પુત્રી અને લોકસભાના સભ્ય સુપ્રિયા સુલે અને કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલે સામે ભાજપના આક્ષેપો ધ્યાન આપવાને પાત્ર નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું,”આરોપ કરનાર વ્યક્તિ જેલમાં છે. આ બતાવે છે કે ભાજપ કેટલી નીચે પડી ગઈ છે.” જ્યારે તેમને ચૂંટણી પરિણામોના મૂલ્યાંકન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે કહ્યું કે MVAને બહુમતી મળવી જોઈએ.

18 નવેમ્બરના રોજ બારામતીમાં એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની રેલી દરમિયાન, તેમની માતાનો પત્ર વાંચવામાં આવ્યો હતો જેમાં તેણીએ કહ્યું હતું કે તેમની સાથે અન્યાય થયો છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારને બુધવારે આશ્ચર્ય થયું કે કોઈ આ કેવી રીતે કહી શકે, કારણ કે તેઓ (અજિત પવાર) સત્તામાં છે અને નાયબ મુખ્યમંત્રી છે. ગયા વર્ષે, અજિત પવાર અને અન્ય ઘણા ધારાસભ્યો રાજ્ય સરકારમાં જોડાયા હતા જેના કારણે તેમના કાકા શરદ પવાર દ્વારા રચાયેલી NCPમાં ભાગલા પડ્યા હતા.

કડક સુરક્ષા વચ્ચે સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 288 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સુપરસ્ટાર સલમાન ખાને મુંબઈમાં પોતાનો મત આપ્યો. ગ્રે કલરની ટી-શર્ટ, કાળી કેપ અને કાળા ચશ્મા પહેરીને સલમાન ખાન ‘સિકંદર’ લુકમાં વોટ કરવા પહોંચ્યો હતો. તેમણે બાંદ્રા પશ્ચિમના મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન સુપરસ્ટાર કડક સુરક્ષાથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.

સલમાન ખાને ચાહકોનું અભિવાદન કર્યું

મતદાન કર્યા પછી સલમાન ખાન સંપૂર્ણ સ્વેગમાં મતદાન કેન્દ્રની બહાર નીકળતો જોવા મળ્યો હતો. ભારે ભીડ વચ્ચે તેણે હાથ ઉંચા કરીને ચાહકોનું અભિવાદન કર્યું અને કેમેરા સામે હસતો જોવા મળ્યો.

સલમાન ખાનના પરિવારે મતદાન કર્યું હતું

સલમાન ખાન પહેલા તેના પિતા સલીમ ખાન અને માતા સલમા પણ વોટ આપવા પહોંચ્યા હતા. અભિનેતાના ભાઈ સોહેલ ખાને પણ મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યું હતું.

આ સ્ટાર્સે પણ મતદાન કર્યું હતું

આ સિવાય બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સે વોટિંગ કર્યું છે. અક્ષય કુમાર, રણબીર કપૂર, ગોવિંદા, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ, ફરહાન અખ્તર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાનો વોટ આપીને પોતાની ફરજ નિભાવી છે. અનન્યા પાંડે પણ તેના માતા-પિતા ચંકી પાંડે અને ભાવના પાંડે સાથે મતદાન કરવા આવી હતી.

ગુજરાતમાં ફ્રોડનો નવો પેંતરો, આમંત્રણ કાર્ડ ફાઈલથી ડેટા ચોરી

અમદાવાદ: વધતી ટેકનોલોજી સાથે લુટરાઓ રૂપિયા પડાવાની અવનવી રીતો શોધી કાઠે છે. જેમ-જેમ સાયબર ક્રાઈમમાં ઘટાડો કરવા પગલાં લેવાઈ રહ્યા છે. તેમ સાયબર ગુનેગારો નવી નવી રીતોથી લોકોને છેતરી રહ્યા છે. ત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. તો સાયબર ગઠિયાઓ નવો પેંતરો અપનાવ્યો છે. જો તમારા વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આમંત્રણ કાર્ડ આવે તો તેને ભૂલથી પણ ડાઉનલોડ ના કરતા. જો ડાઉનલોડ કર્યું તો તમારો મોબાઈલ હેક થઈ શકે છે.

ગુજરાત પોલીસ દ્વારા આમંત્રણ કાર્ડ ફ્રોડને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારા વોટ્સએપ પર અજાણ્યા નંબરથી કોઈ પણ આમંત્રણ કાર્ડ આવે તો ડાઉનલોડ કરશો નહીં. આ ફાઈલ ડાઉનલોડ કરશો તો તમારો ફોન હેક થશે અને તમારો તમામ ડેટા છેતપપિંડી કરનારાઓ સુધી પહોંચશે.  આ પ્રકારના કેસને લઈને સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નેટબેકિંગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં જ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા સેરવી લીધા છે. રાજ્યમાં નેટબેકિંગ ફ્રોડના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તે જોતા હવે તો બેંકો પણ એસએમએસ મોકલીને બેંક કસ્ટમરને સચેત કરી રહી છે. આ ઉપરાંત સાયબર સેલ એક્ટિવ હોવા છતાંય સાયબર ગઠિયાઓને જાણે ડર રહ્યો નથી.

પાકિસ્તાની સેના પર આતંકવાદીઓનો ભીષણ હુમલો 17નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવા (KP)માં બન્નુ જિલ્લાના માલીખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારમાં પાકિસ્તાની સેનાના 17 સૈનિક માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી TTPના સહયોગી હાફિસ ગુલ બહાદુર ગ્રુપે (HGBએ) લીધી છે. HGBએ પાકિસ્તાની સૈનિકોના માથાં પણ વાઢ્યાં હતાં અને એનો એક વિડિયો પર જારી કર્યો છે. પાકિસ્તાનના સૈનિકોના હુમલા પછી ગાડી સુધ્ધાં નહોતી મળી શકી અને તેમના સાથીઓની લાશ ગધેડા પર નાખીને લઈ જવી પડી હતી.

પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 17 સૈનિકોનાં મોત થયાં છે. સેનાની મિડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 નવેમ્બર  આતંકવાદીઓ અથવા “ખ્વારિજ” એ બન્નુના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 17 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાનું આયોજન કરનારાઓને નિશાન બનાવીને ઓપરેશન ચલાવી રહ્યા હતા.

પાકિસ્તાની તાલિબાન, જેને તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા TTP તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અલગ જૂથ છે પરંતુ અફઘાન તાલિબાનની સાથે છે, જેણે 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાએ ટીટીપીને જન્મ આપ્યો, જેના ટોચના નેતાઓ અને લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.

રાજકોટમાં મોરારીબાપુની રામકથાને રૂ.20 કરોડનું વીમાકવચ

રાજકોટઃ આગામી તા. ૨૩ નવેમ્બર થી તા. ૧ લી ડિસેમ્બર સુધી શ્રી મોરારિબાપુના વ્યાસાસને વૃદ્ધાશ્રમ અને વૃદ્ધો માટે યોજાનાર વૈશ્વિક રામકથા માટે આયોજકો એ કોઈ આકસ્મિક ઘટના, આગ કે અકસ્માતના જોખમ સામે રક્ષણ મેળવવા રૂપિયા ૨૦ કરોડનો વીમો લીધો છે. આ રામકથામાં રોજ એક લાખ લોકો આવે તેવું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના જાણીતા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની કથાનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. રોજ આશરે 50 હાજર લોકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે ખાસ મંડપ ઊભા કરવામાં આવ્યા છે. વિશાળ વ્યાસપીઠ અને ત્રણ જર્મન ડોમ ઊભા કરાયા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી ભાવિકો કથા સાંભળવા આવી શકે તે માટે ૮ સ્થળેથી બસ ની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.

રાજકોટની આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા હોય તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં થોડા મહિના પહેલા અગ્નિકાંડ ની ઘટનામાં ૨૭ લોકો મોતને ભેટ્યા હતા. આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કથાના આયોજકો સતર્ક બન્યા છે. કથામાં આવવા જવા માટે મોટા ગેઇટ બનાવવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના પૂરતા સાધનો મૂકવામાં આવ્યા છે. આમ છતાં કોઈ અકસ્માત કે આગની ઘટના બને તો સુરક્ષાના ભાગ રૂપે એક કોર્પોરેટ બેંક મારફત ૨૦ કરોડનો વીમો લેવાયો છે તેનું રૂપિયા ૪.૬૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.

કથાના મુખ્ય આયોજક વિજય ડોબરીયા અને મિત્તલ ખેતાણીએ જણાવ્યું હતું કે, કથામાં કોઈને મુશ્કેલી ન પડે તે રીતે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક મેડિકલ ટીમ પણ મેદાન ઉપર રાખવામાં આવશે. જુદા જુદા વિભાગોમાં આશરે 3000 જેટલા સેવકો સેવા આપી રહ્યા છે. દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. તા. 23 મી એ વિશાળ પોથી યાત્રા નીકળશે.

આજે ૨૦ નવેમ્બરે કથા સ્થળે ૧૦૮ કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. મેદાન અને પોથી યાત્રાના રૂટ ઉપર વિશાળ રંગોળી તૈયાર કરાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશનું સૌથી મોટું આશરે ૩૦૦ કરોડના ખર્ચે ૧૪૦૦ રૂમનું વિશાળ વૃદ્ધાશ્રમ જામનગર રોડ ઉપર બનાવવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે આ રામકથા યોજાઇ રહી છે.

(દેવેન્દ્ર જાની,રાજકોટ)

(તસવીર, નીશુ કાચા)

મુંબઈ: ‘મતદાન મારો અધિકાર, હું ઉજવીશ લોકશાહીના પર્વને’

મુંબઈ:  આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. એક નાગરિક તરીકે આપણી સૌથી પહેલી અને મહત્વની ફરજ એ છે કે મતદાન કરવું. આપણા વિસ્તાર માટે નેતા ચૂંટવાનો અધિકાર આપણી પાસે છે, જેનો ઉપયોગ પ્રજાએ કરવો જોઈએ. મુંબઈમાં આજે લોકોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. મુંબઈકર્સનો ઉત્સાહ કહી રહ્યો છે કે મતદાન મારો અધિકાર, હું લોકશાહીનો પર્વ ઉજવીશ, કોઈ પણ હાલતમાં, કોઈ પણ સંજોગમાં.

થાણેના બાયસિકલ મેયર ચિરાગ શાહે મતદાન કરી નિભાવી ફરજ

દહીસર અને ગોરેગાંવમાં લોકો સવારથી મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કરી રહ્યાં છે.

 

(તસવીર સૌજન્ય: દીપક ધૂરી)

ટાટા પાવર, ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશનની ક્લીન એનર્જી પ્રોજેક્ટ માટે ભાગીદારી

નવી દિલ્હીઃ પ્રાદેશિક ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા ટાટા પાવર કંપની લિમિટેડે ભૂતાનની એકમાત્ર જનરેશન યુટિલિટી ડ્રક હોલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની પેટા કંપની ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ (DGPC) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ભૂતાનમાં કમસે કમ 5000 મેગાવોટ સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતા માટે સહયોગ કરવામાં આવશે અને વિકસાવવામાં આવશે.

ટાટા પાવરના MD અને CEO ડો. પ્રવીર સિંહા અને DGPCના MD દાશો છેવાંગ રિનઝિને એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ભૂતાનના PM દાશો ત્શેરિંગ તોગ્બે અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ભૂતાનમાં થિમ્પુમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ભાગીદારી ભૂતાનની તેની ઊર્જા સુરક્ષા તથા પ્રાદેશિક ઊર્જા સંકલન માટે તેની એકંદરે ઉત્પાદન ક્ષમતાને વર્ષ 2040 સુધીમાં 25,000 મેગાવોટ સુધી લઈ જવાના તેના ઊર્જા ક્ષેત્ર માટેના વિઝનને અનુરૂપ છે.

આ એશિયાના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં બે દેશોની બે અગ્રણી વીજ કંપનીઓ વચ્ચેની સૌથી મોટી ભાગીદારી છે. DGPCના MD દાશો છેવાંગ રિનઝિન અને ટાટા પાવરના CEO અને MD ડો. પ્રવીર સિંહા વચ્ચે ભૂતાનમાં થિમ્ફુમાં સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભૂતાનના PM દાશો ત્શેરિંગ તોગ્બે, ઊર્જા અને કુદરતી સંસાધનોના પ્રધાન લ્યોંપો જેમ ત્શેરિંગ, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, ભારતના ભૂતાનના રાજદૂત સુધાંકર દલેતા અને રોયલ ગવર્નમેન્ટ ઓફ ભૂતાન, ભારતીય દૂતાવાસ, DGPC અને ટાટા પાવરના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સહયોગ થકી 1125 મેગાવોટ દોરજીલુંગ એચઈપી, 740 મેગાવોટ ગોંગરી જળાશય, 1800 મેગાવોટ જેરી પમ્પ્ડ સ્ટોરેજ અને 364 મેગાવોટ ચમખારછુ 4ને સમાવતા 4500 મેગાવોટ હાઇડ્રોપાવર સહિતના કમસે કમ 5,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને તબક્કાવાર વિકસાવવામાં આવશે. અન્ય 500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) દ્વારા વિકસાવવામાં આવશે.

કંપનીના CEO અને MD ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે દ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન સાથેની ટાટા પાવરની ભાગીદારી પ્રદેશમાં સૌથી પસંદગીની સ્વચ્છ ઊર્જા ભાગીદારી તરીકે અમારી શાખનો પુનરોચ્ચાર કરે છે. અમે સાથે મળીને 5000 મેગાવોટ સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવી રહ્યા છીએ જેનાથી ભૂતાનની હાઇડ્રોપાવર સંભાવનાઓનો લાભ લેવામાં મદદ મળશે અને વિશ્વસનીય તથા સતત સ્વચ્છ ઊર્જા પુરવઠા સાથે બંને દેશોની વધતી ઊર્જાની માગને ટેકો મળશે. અમે સાથે મળીને નવી ઊર્જાના યુગને ઓપ આપી રહ્યા છીએ.

DGPCના MD દાશો છેવાંગ રિનઝિને જણાવ્યું હતું કે ટાટા પાવર સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી તેના આર્થિક વિકાસ તથા લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે તેના પ્રચંડ પુનઃવપરાશી ઊર્જા સંસાધનોનો લાભ લેવાની પ્રક્રિયા ઝડપી બનાવીને ભૂતાનના લોકોને મહત્તમ લાભ પૂરા પાડવાની ભૂતાનની આકાંક્ષાઓને અનુરૂપ છે. ભૂતાન આ અપેક્ષાઓ પર ખરા Tતરવા માટે આ ભાગીદારીમાં અને ટાટા પાવર પર ગાઢ વિશ્વાસ મૂકે છે. 

અમદાવાદના નારણપુરામાં SOGના દરોડા, 25 લાખથી વધુના ડ્રગ્સ સાથે 5ની ધરપકડ

ગુજરાત દિવસે ને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે. અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલીફંટા સોસાયટીના 14 માળે એસઓજીની ટીમે મંગળવરે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોસાયટીના રહીશ જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત 25થી વધુ હોવાનું અનુમાન છે. આ ડ્રગ્સના કેસમાં 7 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે ત્રણ દિવસ પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા. જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

ગુજરાતમાં પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે, જે ચિંતાનો વિષય છે. આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર જ નહીં, પણ એપી સેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.