જાપાન: ગુરુવારે સવારે અહીંની સ્થાનિક એરલાઇન્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયેલા આ સાયબર હુમલામાં એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે કહ્યું કે હાલમાં ફ્લાઇટના વિલંબ અથવા રદ કરવા અંગે કોઈ અપડેટ નથી.
જાપાન ટુડેના અહેવાલ અનુસાર સાયબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ મોડી પડી હતી. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્ટમને યોગ્ય કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આ દરમિયાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. યાત્રીઓને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
જાપાન એરલાઇન્સ પર સાયબર હુમલો, હવાઈ સેવાઓ પ્રભાવિત
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદા: ગુજરાતમાં મોડો મોડો પણ આખરે શિયાળો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે ભાદરવાના એંધાણ થઈ રહ્યા છે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધવાની શક્યાતાઓ છે જેના કારણે ઠંડી ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેથી આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે. ત્યારબાદ ફરી ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું મોજું ફરી વળશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલી જોવા મળી હતી. વરસાદની આગાહી સાથે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં સૌથી વધુ લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 18.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 20 જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 3 કેન્દ્રશાસિત પ્રદેશનો પણ સમાવેશ થાય છે. કચ્છ, પંચમહાલ, ગીરસોમનાથ, છોટાઉદેપુર, અમરેલી, નર્મદા, ભાવનગર, તાપી, દીવ, સુરત, બનાસકાંઠા, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અવલ્લી, ડાંગ, દમણ, મહીસાગર, દાહોદ અને દાદરાનગર હવેલી પર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયેલો છે.
બાંગ્લાદેશમાં હવે ખ્રિસ્તીઓના 17 મકાનોને આગ ચાંપી
બાંગ્લાદેશ: આ દેશમાં શેખ હસીનાના તખ્તા પલટ પછી લઘુમતી સમુદાયો પરના અત્યાચારોમાં વધારો જ થઈ રહ્યો છે. પહેલાં હિન્દુઓ અને હવે ખ્રિસ્તી સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીંના બંદરબનમાં ક્રિસમસના એક દિવસ પહેલા ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગના પર્વતીય વિસ્તારમાં સ્થિત સરાઈ યુનિયનમાં બની હતી. અહેવાલ મુજબ, આ હુમલો 25મી ડિસેમ્બરના રોજ રાત્રે 12:30 કલાકે થયો હતો. જ્યારે અહીં રહેતા ત્રિપુરા સમુદાય (ખ્રિસ્તીઓ)ના લોકો નજીકના ગામમાં નાતાલની પ્રાર્થનામાં ભાગ લેવા માટે ગયા હતા. કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું.
17 મકાનોને આગ ચાંપી દીધી
અસરગ્રસ્ત ગામ નવા બેટાચરા પરા ખાતે કોઈ હાજર નહોતું અને તેનો લાભ લઈને બદમાશોએ ત્યાં પહોંચીને લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના વોર્ડ નંબર 8માં આવેલા ઘરોને આગ ચાંપી દીધી હતી. અહીંના લોકો નાતાલની ઉજવણી કરવા નજીકના ટોંગ્યાજીરી ગામમાં પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમની ગેરહાજરીનો લાભ લીધો અને ઘરોમાં આગ લગાડી દીધી જેમાં ગામના 19માંથી 17 ઘરો બળીને રાખ થઈ ગયા.
ગામના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તો…
25 ડિસેમ્બરના રોજ રાત્રે 12:30 વાગ્યે ક્રિસમસની પ્રાર્થનામાં ભાગ લેવા ગયેલા ગ્રામજનોએ તેમના ગામમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ તો તેઓ પાછા ભાગ્યા અને તેઓ તેમના ગામમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો 19માંથી 17 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અહીંના ઘરો મુખ્યત્વે વાંસના બનેલા હોવાથી ઝડપથી આગ પકડીને બળીને ખાખ થઈ ગયા.
એલોન મસ્કે ક્રિસમસ પર કેમ પોતાને ‘ઓઝિમ્પિક સાન્ટા’ કહ્યા?
અમેરિકા: અબજોપતિ એલોન મસ્ક પણ ક્રિસમસના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. નાતાલની ઉજવણીના ભાગરૂપે મસ્કે એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં તેઓ સાન્તાક્લોઝ તરીકે જોવા મળે છે અને કેપશનમાં તેમણે પોતાને ‘ઓઝેમ્પિક સાન્ટા’ કહ્યું છે. ખરેખર આ શબ્દ ટાઇપ-2 ડાયાબિટીસની સારવાર માટે વપરાતી વજન ઘટાડવાની દવા સાથે જોડાયેલો છે.
Ozempic Santa pic.twitter.com/7YECSNpWoz
— Elon Musk (@elonmusk) December 26, 2024
ટેક જાયન્ટે એ પણ જાહેર કર્યું કે તેમણે ઓઝેમ્પિક જેવી જ દવા Mounjaro લીધી છે. જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓના લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડીને સારવાર કરે છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ Mounjaro ને Zepbound બ્રાન્ડ નામથી માન્યતા આપી છે. જેનો ઉપયોગ મેદસ્વી દર્દીઓની સારવાર માટે વજન ઘટાડવાની દવા તરીકે થાય છે.
11 ડિસેમ્બરના રોજ, મસ્કએ વજન ઘટાડવાની આવી દવાઓની જરૂરિયાતને સમર્થન આપતાં કહ્યું કે, ‘અમેરિકન લોકોના સ્વાસ્થ્ય, જીવનકાળ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે GLP-1 દવાઓને લોકો માટે અત્યંત સસ્તું બનાવવા કરતાં વધુ અસરકારક કંઈ નથી. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે વજન સંતુલિત રાખવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સૌથી લોકપ્રિય GLP-1 દવાઓ ઓઝેમ્પિક, વેગોવી, મૌંજારો અને ઝેપબાઉન્ડ છે.
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)’નું નેતૃત્વ કરવા માટે એલોન મસ્કની નિમણુક કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 20મી જાન્યુઆરી, 2025ના રોજ પદ સંભાળશે.
આપ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને બહાર કરવાની તૈયારીમાં?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં દિલ્હીમાં રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી તેજી આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઇચ્છે છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી હવે કોંગ્રેસને બહારનો રસ્તો દેખાડવામાં આવે, એમ સૂત્રોએ કહ્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો સાથે વાત કરવાની તૈયારીમાં પણ છે. આપ પાર્ટી કોંગ્રેસ દ્વારા અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ FIR કરાવવાની નારાજ છે. વળી, છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતાઓએ જે રીતે નિવેદનબાજી કરી છે, એમ લઈને પણ આપ પાર્ટીના નેતાઓમાં ખાસ્સી નારાજગી છે. હવે આપ પાર્ટી ઇચ્છે છે કે હવે એક નવું ગઠબંધન બનાવવામાં આવે, જેમાંથી કોંગ્રેસને એમાં સામેલ કરવામાં ના આવે.
દિલ્હીમાં મફતની યોજનાઓને લઈને રાજકીય પારો ઊંચે ગયો છે. યૂથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને દિલ્હીનાં CM આતિશીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યૂથ કોંગ્રેસે 25 ડિસેમ્બરે પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યૂથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અક્ષય લાકરાએ કહ્યું હતું કે અમે કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમો 316, 317 હેઠળ કેસ નોંધાવડાવ્યો છે. દિલ્હીના આરોગ્ય વિભાગે દિલ્હી સરકારની બે મોટી મહિલા સન્માન અને સંજીવની યોજનાને લઈને એક નોટિસ જારી કરી હતી. આપ પાર્ટીના સંયોજક કેજરીવાલે એની ઘોષણા કરી હતી. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગે ચેતવણી આપતાં કહ્યું હતું કે દિલ્હી સરકારની આ પ્રકારની હાલ કોઈ યોજના નથી.
નવા વર્ષની ઉજવણી માટે સુરત પોલીસ એલર્ટ, ડ્રગ્સ ડિટેક્શન મશીન સાથે ચેકિંગ શરૂ
સુરત: 2024 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. અને 2025ના આગમનને લઈ લોકોમાં ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને SOG પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસઓજીએ ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે.

વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે. જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે. અગાઉ લોહીનાં સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે. ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. NDPS (નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સ)ના કેસો માટે એન્ટિ નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે. NGO અને વિવિધ સંસ્થાઓ સાથે મળી, ડ્રગ્સના બંધાણી રહેલા લોકોના પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
View this post on Instagram
પાકની એર સ્ટ્રાઇકનો અમે વળતો જવાબ જરૂર આપીશું: અફઘાનિસ્તાન
નવી દિલ્હીઃ પાકિસ્તાનના એરફોર્સ દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલી એક સ્ટ્રાઇકથી તાલિબાન લાલઘૂમ છે. અફઘાન સરકારે આ હવાઇ હુમલામાં 46 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. તાલિબાન સરકારે પહેલાં જ કહ્યું હતું કે એ આ હુમલાનો જવાબ આપશે અને હવે એની એણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. તાલિબાને ખતરનાક ટેન્કો અને હથિયારોની સાથે પાકિસ્તાનની બોર્ડરની પાસે સેનાને તહેનાત કરી છે.
અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલાઓને લઈને પાકિસ્તાન તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યું. બીજી બાજુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આક્રમક છે. અફઘાનિસ્તાનની સરકારના પ્રવક્ત હમદુલ્લ ફિતરતે કહ્યું હતું કે એ આ હુમલાનો બદલો જરૂર લેશે.
પાકિસ્તાનની સરહદે સેનાની તહેનાતીમાં વધારાને પગલે બંને દેશોની સેના વચ્ચે ટક્કર વધી શકે છે. અફઘાની સેના પાકિસ્તાની હુમલા પથી બહુ આક્રમક મોડમાં છે, કેમ કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું આયોજન પાકિસ્તાન પર પલટવાર કરવાનું છે તાલિબાને હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે મોટા ભાગના પીડિત વજિરિસ્તાન ક્ષેત્રમાં રહેતા શરણાર્થી છે. એણ જવાબ કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદી સંગઠન TTP પર હુમલો કર્યો હતો, પરંતુ ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાની તાલિબાનનું સહયોગી માનવામાં આવે છે. બીજી બાજુ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો પ્રભાવ વધ્યો છે. TTPએ પાકિસ્તાન પર અનેક વાર હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક જવાનોનાં મોત થયાં છે. સામાન્ય નાગરિકોને નુક્સાન થયું છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત
અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતો. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરની સવારે જયપુરમાં અજમેર-હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 11 લોકો જીવતા ભૂંજાયા અને 33 લોકો દાઝી ગયા હતા. અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક આવો જ અકસ્માત થયો છે.

સૂત્રોની મહિતી મુજબ, ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. જ્યારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. કાપડથી ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.
શા માટે ઉજવાય છે વીર બાળ દિવસ? જાણો ઈતિહાસની રસપ્રદ વાર્તા
વીર બાલ દિવસ (Veer Baal Diwas) દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જી, જોરાવર સિંહ અને ફતેહ સિંહના બે નાના સાહિબજાદાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ યુવાન સાહિબજાદાઓએ ધર્મ અને માનવતા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. બહાદુર બાળ દિવસ તેમના સન્માન અને યાદમાં ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ દિવસ (સાહિબજાદેનો ઈતિહાસ) ઉજવવા પાછળની વાર્તા અને તેનું મહત્વ. શું છે વીર બાલ દિવસની કથા?

મુઘલો સામે યુદ્ધ
શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદ સિંહજીએ વર્ષ 1699માં બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમના ચાર પુત્રો અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ પણ ખાલસાનો ભાગ હતા. તે સમયે પંજાબ મુઘલોના શાસન હેઠળ હતું. વર્ષ 1705માં મુઘલોએ ગુરુ ગોવિંદ સિંહ જીને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો, જેના કારણે તેમને તેમના પરિવારથી અલગ થવું પડ્યું. તેથી, ગુરુ ગોવિંદ સિંહની પત્ની માતા ગુજરી દેવી અને તેમના બે નાના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહ તેમના રસોઈયા ગંગુ સાથે ગુપ્ત જગ્યાએ છુપાઈ ગયા.
મુઘલો સમક્ષ ઘૂંટણિયે પડવાનો ઇનકાર
પરંતુ લોભે ગંગુને આંધળો કરી દીધો અને તેણે માતા ગુજરી અને તેના પુત્રોને પકડવામાં મુઘલની મદદ કરી. મુઘલોએ તેમને ખૂબ ત્રાસ આપ્યો અને તેમના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓએ તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ સમય સુધીમાં ગુરુ ગોવિંદ સિંહના બે મોટા પુત્રો મુઘલો સામેની લડાઈમાં શહીદ થઈ ગયા હતા. અંતે, 26 ડિસેમ્બરના રોજ મુઘલોએ બાબા જોરાવર સાહેબ અને બાબા ફતેહ સાહેબને જીવતા મારી નાખ્યા. તેમની શહાદતના સમાચાર સાંભળીને માતા ગુજરીએ પણ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.
વીર બાલ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?
ગુરુ ગોવિંદ સિંહ જીના પુત્રોના આ બલિદાનને યાદ કરવા માટે વર્ષ 2022 માં ભારત સરકારે દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસે દેશની શાળાઓ, કોલેજો અને ગુરુદ્વારાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વીર બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
હિંમત અને બલિદાનનું પ્રતીક – વીર બાલ દિવસ આપણને હિંમત અને બલિદાનની વાર્તાની યાદ અપાવે છે. ઝોરાવર સિંહ અને ફતેહ સિંહે બહાદુરીથી મુઘલ શાસકના અત્યાચારોનો સામનો કર્યો અને પોતાનો ધર્મ ન બદલવાની શપથ લીધી.
ધર્મ પ્રત્યેની વફાદારી- આ સાહિબજાદાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ધર્મ પ્રત્યે વફાદારી દર્શાવી હતી. તેમણે સાબિત કર્યું કે ધર્મ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણા જીવનનો અભિન્ન અંગ છે.
બાળપણમાં બલિદાન – સાહિબજાદા જોરાવર સિંહ 9 વર્ષના હતા અને ફતેહ સિંહ 6 વર્ષના હતા. આ સાહિબજાદાઓએ આટલી નાની ઉંમરે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. તેમનું બલિદાન ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠોમાં નોંધાયેલું છે. તે આપણને આપણા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરતી વખતે ધીરજ અને ખંત જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે.
રાષ્ટ્રીય એકતા- વીર બાળ દિવસ આપણને રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ સાહિબજાદાઓએ તમામ ધર્મના લોકોને એકતાનો સંદેશ આપ્યો હતો.


