પંજાબના ખેડૂતોએ તેમની માંગણીઓના સમર્થનમાં 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે બંધ દરમિયાન સામાન્ય જનતાની સુવિધાઓ અને ઈમરજન્સી સેવાઓને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતાએ કહ્યું કે બંધ દરમિયાન તબીબી સેવાઓ અને અન્ય કટોકટીની સુવિધાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. એરપોર્ટ પર મુસાફરો અને લગ્ન સમારોહમાં આવતા વાહનોને રોકવામાં આવશે નહીં. આ સાથે ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે સંપૂર્ણ સહાયતા આપવામાં આવશે.
પંઢેરે યુવાનો અને જનતાને શાંતિપૂર્ણ રીતે બંધને સફળ બનાવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ બંધ ખેડૂતોના હક્ક અને તેમના ભવિષ્યની લડાઈ છે. અમે સમગ્ર પંજાબને, ખાસ કરીને યુવાનોને વિનંતી કરીએ છીએ કે તેઓ મંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પાલન કરે અને આ બંધને સમર્થન આપે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ જમણા હાથના બેટ્સમેને પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તે આગામી ત્રણ દાવમાં નિષ્ફળ રહ્યો હતો. મોટી વાત એ છે કે વિરાટ કોહલી આગલી ત્રણ ઇનિંગ્સમાં લગભગ આ જ રીતે આઉટ થયો હતો. તેણે ઓફ સ્ટમ્પની બહારના દડા પર જબરદસ્તીથી શોટ લગાવવાનો પ્રયાસ કર્યો અને પરિણામે તેની વિકેટ પડી. વિરાટ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા પછી, વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સમક્ષ સ્વીકાર્યું કે છેલ્લી 2-3 ઇનિંગ્સમાં તે બેટિંગ મોરચે અનુશાસનહીન હતો.
વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું સંમત છું, છેલ્લી બે-ત્રણ ઇનિંગ્સ હું ઇચ્છતો હતો તે રીતે ન ચાલી. મેં પિચ પર રહેવા માટે અનુશાસન નથી બતાવ્યું. ટેસ્ટ ક્રિકેટનો આ ખરો પડકાર છે. અગાઉના પ્રવાસ કરતાં આ વખતે ઓસ્ટ્રેલિયાની પીચો ઝડપી અને બાઉન્સિયર છે, તેથી અહીં અલગ અભિગમની જરૂર છે. પરંતુ જુદા જુદા સંજોગોમાં સારું પ્રદર્શન કરવું એ જ ખરી રમત છે.
વિરાટની ભવિષ્યની રણનીતિ શું છે?
વિરાટ કોહલીએ હવે મેલબોર્ન ટેસ્ટ અને સિડની ટેસ્ટ માટે પોતાની રણનીતિ જાહેર કરી છે. તેણે કહ્યું, ‘હવે રણનીતિ એ છે કે ક્રિઝ પર જઈને આપણી જગ્યાઓ સેટ કરવી. બને તેટલા બોલ રમો અને પછી તમારી રમતને આગળ લઈ જાઓ. સૌથી મહત્વની બાબત એ છે કે તે સંજોગોનું સન્માન કરે.’
વિરાટ કોહલીએ મેલબોર્નમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. 2011માં તેના પ્રથમ પ્રવાસમાં તેણે 11 અને 0 રન બનાવ્યા હતા. આ પછી 2014માં આયોજિત બોક્સિંગ ડે ટેસ્ટમાં વિરાટે 169 અને 54 રનની ઇનિંગ રમી હતી. આ પછી 2018માં તેણે 82 રનની ઇનિંગ રમી હતી. તે બીજા દાવમાં 0 રને આઉટ થયો હતો.
સાબરકાંઠાની સાબર ડેરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિંમતનગર નજીક સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે કામદારોની સ્થિતિ ગંભીર છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બે કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, સાબર ડેરીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ EPFના સભ્યો લાંબા સમયથી લઘુતમ પેન્શન વધારવાની માગ કરી રહ્યા છે. સમયાંતરે આ પ્રકારની માગ સામે આવતી રહે છે. જોકે અત્યાર સુધી સરકારે કોઈ પણ પ્રકારનું વલણ સ્પષ્ટ નથી કર્યું, પણ હવે મોદી સરકાર આ મુદ્દે પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે.
લોકસભામાં સાંસદ ઉમ્મેદારામ બેનિવાલે સરકારને સવાલ કર્યો હતો કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ લઘુતમ પેન્શનને વધારવા કોઈ વિચાર કરવામાં આવી રહ્યો છે? એ સિવાય તેમણે પેન્શન કેટલું વધારી શકાય છે અને એમાં ફેરફારની ટાઇમલાઇન પર સરકાર પાસે જવાબ માગ્યો હતો.
આ સવાલના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું હતું કે લઘુતમ પેન્શન વધારવા માટે કહ્યું હતું કે ફંડનું મૂલ્યાંકન વાર્ષિક કરવામાં આવે છે. જો ફંડની સ્થિતિ સારી હોય તો વધારાની રાહતની ચુકવણી કરવામાં આવે છે અને વ્યાપક માગને ધ્યાનમાં રાખતાં બજેટરી સહાય પ્રદાન કરીને લઘુતમ પેન્શન વધારીને રૂ. 1000 પ્રતિ મહિને કરવામાં આવ્યું છે.
EPF હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને EPS-1995 યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે EPS ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.સુપ્રીમ કોર્ટના નિર્ણયના સંદર્ભમાં એક તરફ EPF હેઠળ લોકોને ઉચ્ચ પેન્શન મળવા લાગ્યું છે. બીજી તરફ વર્ષોની નોકરી પછી પણ કેટલાક લોકોને પેન્શન ઓછું મળી રહ્યું છે. તેવામાં લાંબા ગાળાની સેવાને પણ એક ફેક્ટર બનાવાની જરૂર છે, જેનાથી આ પેન્શનને તર્કસંગત બનાવી શકાય. EPF હેઠળ લઘુતમ પેન્શન હાલ માત્ર 1000 રૂપિયા મહિના છે. સુધારાઓ હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય તરફથી મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ મેદાન પર જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેનને ખખડાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન રન લેતી વખતે પીચ પર દોડવા લાગ્યો, જેના કારણે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ પિત્તો ગુમાવી દીધો હતો. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન સાથે ખભો અથડાવી દીધો હતો. આ ગેરવર્તૂણક બદલ કોહલીને તેની મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા માર્નસ લાબુશેનને ખખડાવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઘણું બધું દાવ પર લાગેલું છે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની ભાવનાઓ છતી થઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રોહિત શર્માએ માર્નસ લાબુશેન અને સેમ કોન્સ્ટસના પીચના ડેન્જર એરિયામાં વારંવાર દોડવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. રોહિત શર્માએ પોતાનો ગુસ્સો એટલા માટે વ્યક્ત કર્યો કારણ કે જો માર્નસ લાબુશેન વારંવાર ડેન્જર એરિયામાં દોડે તો પીચ ખરાબ થઈ જાત. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઇન્ડિયાના બેટ્સમેન પાછળથી બેટિંગ કરવા માટે આવે ત્યારે તેમને ખરાબ પીચના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રોહિત શર્માની માર્નસ લાબુશેન સાથેની આ અથડામણે ચાહકો અને કોમેન્ટેટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણે પરિસ્થિતિને સમજાવતા કહ્યું, ‘રોહિત શર્મા કહી રહ્યો છે કે જ્યારે તમે રન લેવા માટે દોડી રહ્યા છો, ત્યારે તમે પીચમાં દોડી રહ્યા છો.’
મુંબઈ: કપૂર પરિવાર તેમના ક્રિસમસ સેલિબ્રેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આ સેલિબ્રેશનની એક સુંદર તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સમગ્ર પરિવાર ફરી એકવાર ક્રિસમસ લંચ માટે ભેગો થયો હતો.નીતુ કપૂર અને નવ્યા નંદાએ બુધવારે 25 ડિસેમ્બરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઉજવણીની ઝલક શેર કરી હતી. આ સેલિબ્રેશનના કેટલાક વીડિયો પણ લાઈમલાઈટમાં છે, જેમાં આલિયા-રણબીર તેમની દીકરી રાહા સાથે જોવા મળી રહ્યા છે.
કપૂર પરિવારની ત્રણ પેઢીઓએ સાથે મળીને નાતાલની ઉજવણી કરી
નીતુ કપૂરે એક ગ્રુપ ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના કપૂર પરિવારની ત્રણ પેઢીઓ સાથે હસતાં હસતાં પોઝ આપતી જોવા મળે છે.તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે,’ફેમિલી ક્રિસમસ સેલિબ્રેશન.’ તસવીરમાં રાહા તેની માતા આલિયા ભટ્ટના ખોળામાં છે. જ્યારે રણબીર કપૂર પણ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. આ ખાસ દિવસે અગસ્ત્ય નંદા અને નવ્યા પણ જોવા મળ્યા હતા.રણધીર કપૂર અને બબીતા નીતુ સાથે ક્રિસમસ લંચ પર સાથે જોવા મળ્યા હતા.આ તસવીર જોઈને લાગે કે એકદમ પર્ફેક્ટ ફેમિલ પિક્ચર છે.
જો કે, કરીના કપૂર, સૈફ અલી ખાન અને તેમના બાળકો તૈમૂર અને જેહ તેમની રજાઓ પર દૂર હોવાથી ક્રિસમસ લંચમાં હાજર રહ્યા ન હતા. કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂર પણ આ સેલિબ્રેશનમાં નહોતા.આ પહેલા બુધવારે બપોરે રણબીર અને આલિયા રાહા સાથે કપૂર ફેમિલી લંચમાં જોવા મળ્યા હતા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો રણબીર કપૂર સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ અને નિતેશ તિવારીની ‘રામાયણ’માં જોવા મળવાનો છે. આલિયા ભટ્ટ પણ રણબીર અને અભિનેતા વિકી કૌશલ સાથે ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્રઃ ભાગ 1 – શિવ’ પછી બંને બીજી વખત સાથે જોવા મળશે.
અમદાવાદઃ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ, મજબૂત ફંડામેન્ટલ અને રાજકીય સ્થિરતાને કારણે ભારતીય શેરબજારોએ વર્ષ 2024માં અત્યાર સુધી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. ઘરેલુ શેરબજારોમાં સતત નવમા વર્ષે સકારાત્મક વળતર આપ્યું છે.
ભારતીય શેરબજારોમાં કેલેન્ડર 2024માં ભારે ઉતાર-ચઢાવની વચ્ચે નિફ્ટીએ 9.21 ટકા અને સેન્સેક્સે 8.62 ટકાનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી 500એ 15.3 ટકાનું વળતર આપ્યું હતું.
આ ઉપરાંત ડિસેમ્બરમાં જ ભારતીય શેરબજારોમાં કંપનીઓના માર્કેટ કેપમાં નવ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, જે વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી વધુ છે. ભારતમાં કંપનીઓનું માર્કેટ કેપ 9.49 ટકા વધીને 4.93 લાખ કરોડ અમેરિકી ડોલરે પહોંચ્યું હતું. જે વિશ્વનાં અન્ય શેરબજારો કરતાં નોંધપાત્ર વધુ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતે અમેરિકા અને ચીનને પણ પાછળ છોડ્યા છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 12,144.15 પોઇન્ટ અથવા 28.45 ટકા વધ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 9435.09 અથવા 25.61 ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સ 6299.91 ટકા વધ્યો હતો. પ્રાદેશિક વૃદ્ધિ અને સરકારની યોગ્ય નીતિ અને રોકાણકારોની રુચિ વધવાને કારણે સ્મોલકેપ અને મિડકેપ શેરોએ 2024માં પ્રોત્સાહક પ્રદર્શન કર્યું હતું. જેથી નાની કંપનીઓના શેરોએ વર્ષ 2024માં રોકાણકારોને નોંધપાત્ર વળતર આપ્યું હતું. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 12 ડિસેમ્બરે 57,827.69ના મહત્તમ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 24 સપ્ટેમ્બરે 49,701.15ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 27 સપ્ટેમ્બરે 85,978.25ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. વર્ષ 2024માં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને રિન્યુએબલ એનર્જી જેવાં મુખ્ય ક્ષેત્રોના શેરોએ સારો દેખાવ કર્યો હતો.
દિલ્હી ચૂંટણી પહેલા મહિલાઓને પૈસાની વહેંચણી કરવાના આરોપોથી ઘેરાયેલા પ્રવેશ વર્માની મુસીબતો હજુ અટકી રહી નથી. હવે AAP સાંસદ સંજય સિંહ ED ઓફિસ પહોંચ્યા છે અને પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ED ઓફિસ પહોંચ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓ ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ વર્મા અને મનજિંદર સિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે.
તમને જણાવી દઈએ કે બુધવારથી આમ આદમી પાર્ટી આ મુદ્દે ભાજપને ઘેરી રહી છે અને ચૂંટણીમાં રોકડની એન્ટ્રીને લઈને રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.
મહિલાઓને 1100 રૂપિયા વહેંચવાનો આરોપ
નોંધનીય છે કે દિલ્હીના સીએમ આતિશીએ બીજેપી નેતા પ્રવેશ વર્મા પર રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે ભાજપ નવી દિલ્હી વિધાનસભામાં લોકોના વોટર કાર્ડ જોઈને પૈસા વહેંચી રહી છે. ભાજપના પ્રવેશ વર્મા પૈસાની વહેંચણી કરતા રંગે હાથ ઝડપાયા છે. સીએમ આતિશીએ એક ફોટો જાહેર કર્યો અને દાવો કર્યો કે નવી દિલ્હી સ્થિત બીજેપી નેતા પરવેશ વર્માના સત્તાવાર નિવાસ સ્થાન 20 વિન્ડસર પ્લેસમાં મહિલાઓને 1100 રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તો આ મુદ્દે પલટવાર કરતા પરવેશ વર્માએ પણ AAP પર પ્રહારો કર્યા હતા. બુધવારે બીજેપી નેતાએ કહ્યું કે મારા પિતાએ 25 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાની સ્થાપના કરી હતી. ગુજરાતમાં આવેલા બે ભૂકંપ પછી અમે ત્યાં બે ગામો બનાવ્યા. અમે ત્યાં 2 હજારથી વધુ મકાનો બનાવ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.
આ અવસરે, લંગર સેવામાં જોડાઈને ભોજન પ્રસાદ પિરસવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું.
વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે.
આ દિવસ મનાવવાની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ પરંપરા દેશવાસીઓમાં ધર્મ અને સંસ્કૃતિની… pic.twitter.com/bIRpKgu8HT
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે. વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ, સાહસ અને સૌર્યને બિરદાવવા દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ વડાપ્રધાનશ્રીએ આ વર્ષથી વીર બાલ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)ના ડાયરેક્ટર જનરલ હરીત શુક્લા આઈએએસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુડ ગવર્નન્સની બેસ્ટ પ્રેક્ટિસ અને અને સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એએમએ અને સ્પીપા વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ MOU કે જે 25 ડિસેમ્બરને ભારતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના માનમાં ગુડ ગવર્નન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે ગુડ ગવર્નન્સના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.
ડૉ. સાવન ગોડિયાવાલા (એએમએના પ્રમુખ), રાજીવ ગાંધી (એએમએના ઉપપ્રમુખ) અને ઉન્મેશ દીક્ષિત (એએમએના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર)એ જણાવ્યું હતું કે “આ પહેલ દ્વારા, સ્પીપા અને એએમએ રાજ્ય સરકારના કર્મચારીઓ અથવા જાહેર સેવકો માટે કૌશલ્ય વિકસાવવા અને તેમની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી કાર્યક્રમોની સુવિધા આપીને ગુડ ગવર્નન્સના ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરશે જે વિકસિત ભારત @2047 માં યોગદાન આપશે.”