અમદાવાદઃ દેશમાં 200થી વધારે ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ચાર લોકોની STFના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAIને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
આ કૌભાંડ દ્વારા રૂ. 120 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લખનૌ STFએ ગયા મંગળવારે મિરઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડીને ટોલ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કર હતી. STFએ આરોપીઓની પાસેથી પાંચ મોબાઇલ, બે લેપટોપ, પ્રિન્ટર સહિત રૂ. 19,000 પણ જપ્ત કર્યા છે.
આ કેસમાં મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCAનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસૂલવામાં આવતાં બમણા ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.
STFના જણાવ્યાનુસાર આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું હતું કે તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મચારી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.
આ કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશનમાં BNSની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી કુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરાયુ હતું.
મહાવીર કેન્સર હોસ્પિટલમાં 13 માળ સાથે 2.75 લાખ સ્કે.ફુટમાં 110 બેડ અને 36 રૂમ સાથેનું સેનેટોરિયમ, એમ.આર.આઈ., પેટસીટી સ્કેન, ઈમ્યુનોથેરાપી સાથેની અનેકવિધ સારવાર ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, સુરતએ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યુ છે. જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થયો છે તેમ છતા સુરતે છેલ્લા વર્ષોમાં સ્વચ્છતાક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રીમ રહ્યું છે. હવે આરોગ્ય ક્ષેત્રે પણ સુરત પ્રગતિના પથ પર છે. છેલ્લા આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો છે.
આ પ્રસંગે રાજયના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 1978થી શરૂ થયેલી મહાવીર હોસ્પિટલ દરેક નાગરિકોને રાહતદરે સેવા પૂરી પાડી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જુદી જુદી સારવાર સેવાઓનો ઉમેરો થયો છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ પૂર અને પ્લેગ જેવા સમયે પણ મહાવીર હોસ્પિટલે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી. મહાવીર હોસ્પિટલ હાર્ટની પ્રથમ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો હ્રદયરોગીઓના જીવ બચાવાયા છે. હવે મહાવીર હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું મહત્વનું કાર્ય થયું છે. કેન્સર સારવાર માટે હવે મુંબઇ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ હવે સુરતમાં જ ઉપલબ્ધ બનશે.
બે ખોટાથી એક સાચું ક્યારેય નથી થતું. ક્યારેક લોકો પોતે ખોટું કરે છે એ છુપાવવા અન્ય તરફ આંગળી કરી દે છે. કે જુઓ પેલા ખોટું કરે છે. પહેલા એને કહો ને. દીવાર ફિલ્મમાં અમિતાભ કહે છે કે પહેલા પેલા માણસની સહી લઇ આવો જેણે મારા હાથ પર મેરા બાપ ચોર હૈ લખી દીધું. એમ કોઈના લખવાથી પોતે ચોર બની જવું જરૂરી તો નથી જ. પણ એ ડાયલોગ પર જયારે તાળીઓ પડતી હોય ત્યારે સમાજની માનસિકતા ખુલ્લી પડે છે. જયારે સ્વ તરફ જોવાની દ્રષ્ટી ખુલશે ત્યારે જ સમાજનો વિકાસ થશે. બાકી બામે તેટલા નેતા આવશે પણ દેશનો ઉદ્ધાર નહિ કરી શકે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: હું વિદેશમાં પણ રહેલ છું અને ભારતમાં પણ રહ્યો છું. વિદેશમાં સરકારી નોકરી કરતો માણસ સન્માનનીય હોય છે. જયારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર, કામચોરી, આળસ જેવી ઘણી બધી બાબતો સાથે એને જોડી અને સન્માન નથી આપવામાં આવતું. મારા એક મિત્રને એક ડીપાર્ટમેન્ટનું કામ મળ્યું. ઓફિસરે કામ પૂરું થયા પછી બીલ સેન્ક્સન કરવાનું કહ્યું. કામ પૂરું થયાને ત્રણ વરસ થયા. પેલા ભાઈ રીટાયર પણ થઇ ગયા પણ પૈસા આવ્યા નથી. એક વખત મારા મિત્ર મળવા ગયા ત્યારે ખબર પડી કે પેલા ઓફિસરે એના મિત્રના નામનું બીલ મુકીને પૈસા લઇ લીધા હતા. આવા લોકોને સરકાર પગાર આપે છે તો પણ કેમ આવું કરતા હશે? અને શું સજ્જનતા સાથે કામ ન કરી શકાય?
જવાબ: તમારા મિત્રએ એક જ ભૂલ કરી કે કોન્ટ્રકટ ન કર્યો. વળી બધા જ સરકારી ,માણસો ખરાબ હોય એવું પણ ન હોય. જેને જેવો અનુભવ થયો હોય એ રીતે તે પરિસ્થિતિને જુએ. વિદેશના નાગરિકો પણ સજાગ છે. એમને પોતાના હક માટે અવાજ ઉઠાવતા આવડે છે. જે સમાજ જાગૃત હોય એની જ પ્રગતિ થાય.
વળી કોઈ સત્તાનો દુરુપયોગ કરે તો એની સામે ફરિયાદ પણ થઇ શકે. પણ એના કરતા ફરી વખત યોગ્ય કાગળિયાં કરીને જ કામ કરવું યોગ્ય ગણાય. આપણી સરકાર સારા પગાર આપે છે. તેથી વ્યક્તિગત વિચારધરાને સરકારનો નિર્ણય ન ગણાય. ઘણા લોકો ભોળા અને ભલા માણસોને મુર્ખ સમજી અને ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરતા હોય છે. પણ દરેક સત્તાની ઉપર એક મહાસત્તા છે. જેને ઈશ્વરનો ન્યાય કહે છે. તેથી ફરી આવી ભૂલ ન કરવાનો વિચાર આવ્યો તે પણ ઈશ્વરી સંકેત ગણી શકાય.
સવાલ: આપણા દેશમાં કેવા લોકો છે? હમણાં મેં કોઈને એમ જ કહ્યું કે નદીમાં ન્હાવાથી પાપ ન ધોવાય. અને એક મહાનુભાવ તૂટી પડ્યા કે બાજુના દેશમાં જતા રહો. તને પરંપરા માટે માન નથી. જો આપણે કર્મમાં માનીએ છીએ તો પછી પાપ કેવી રીતે ધોવાય? જો આ વિચારધારા ચાલતી રહે તો દેશમાં પાપીઓ વધતા જશે. અને બાજુના દેશમાં કોઈ દુષણ છે એટલે આપણે જે કરીએ એ બધું ચાલે એવું થોડું જ હોય?
જવાબ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી રેખા છે. જેની સમજણ ઘણા લોકોમાં નથી હોતી. વળી કેટલાક લોકો જે કહે છે એમાં સભાનતા નથી હોતી. એટલે આવી વાતને મન પર ન લેવી જોઈએ. તમારી વાત સાચી છે કે આપણી સંસ્કૃતિ વિશેની સમજણ ઓછી થઇ રહી છે. અધ્યાત્મ અને પરમ્પરા વચ્ચેનો ભેદ પણ ભુલાઈ રહ્યો છે. અન્ય કોઈ દુખી છે એટલે આપણે સુખી ન કહેવાઈએ. અને અન્ય કોઈ ખરાબ કરે છે એટલે આપણે ખરાબ કરી શકીએ એ બંને વાત આપણા મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. દુખની વાત એ છે કે જે જાણે છે એ ચુપ છે. અને જે નથી જાણતા એ ઘોંઘાટ કરે છે. ક્યારેક આવી બાબતોને અને માણસોને ધ્યાન પર રાખ્યા વિના આગળ વધી જવું જ યોગ્ય છે.
સુચન: અગ્નિનો દોષ આત્મશ્લાઘા કરવાની વૃત્તિ આપે છે.
જામનગર: પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે શહેરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સૂર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી.તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે ખૂબ જ કડક છે અને તેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ વધી છે. ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો વચ્ચે અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય પણ ચિંતિત છે. એવામાં હવે અમેરિકાના એક ઍરપૉર્ટ પરથી ભારતીયોનો પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતા પાસે રિટર્ન ટિકિટ ન હોવાથી પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં પોતાના બાળકોને મળવા ગયેલા ભારતીય માતા-પિતાને નેવાર્ક ઍરપૉર્ટ પર એન્ટ્રી આપવામાં આવી ન હતી. આ કપલ પાસે B-1/B-2 વિઝિટર વિઝા હતા અને તેના આધારે તેઓએ પાંચ મહિના અમેરિકામાં રહેવાની યોજના બનાવી હતી. જો કે, ઍરપૉર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો હેઠળ હવે અહીં રહેવા માટે તેમની રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. ઍરપૉર્ટના અધિકારીઓએ તમામ અરજીઓ અને ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને માતાપિતાને ઍરપૉર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા. આવા નિયમોની સત્તાવાર જાહેરાતના અભાવે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ભારતીયોને પરત મોકલવા માટે 2025ના નવા નિયમોને ટાંક્યા છે. જો કે, આ ફેરફારો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી ઘટના અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો કરી શકે છે. એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે આવનાર દિવસોમાં અમેરિકા આવા અનેક અણધાર્યા પગલા લઈ શકે છે.
સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા તેમજ વડોદ ગામની સમરસ ગ્રામ પંચાયતની 2 મહિલા સરપંચોને આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે યોજાનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.
સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોર અને વડોદ ગ્રામ પંચાયતમાં શિતલબેન આશિષ દેસાઈ બંન્ને સમરસ મહિલા સરપંચો ગ્રામપંચાયતમાં સુંદર વહીવટ કરી રહી છે. આ બંને ગામોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જો કે આ સમસ્યા નિવારવા સરકારની વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં આ બંને સરપંચોએ ગામના લોકોના ઘર સુધી નળ દ્વારા દિવસ દરમિયાન પાણી પહોંચાડવામાં સફળતા મેળવી.
આ વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય અને દિલ્હીની કેન્દ્ર સરકારે લીધી. જેની માટે બંને સમરસ મહિલા સરપંચોને આગામી ૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.
વડોદરાઃ રાજ્યના વડોદરાની ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, જેમાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરવામાં આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે.પોલીસને સૂચના આપવામાં આવતાં સ્થાનિક પોલીસ અને બોમ્બ નિરોધક સ્ક્વોડ સ્કૂલોમાં પહોંચીની તપાસ શરૂ કરી હતી.
શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાડી મૂકવાની ધમકી મળી છે. આ બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવોડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે-જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યા વિદ્યાલયનો સમાવેશ થાય છે.
વડોદરા: દેશ-વિદેશના અવનવા વિષયોના મ્યુઝિયમ વિશે તમે સાંભળ્યું હશે. તેમાંથી કેટલાંક ખાનગી મ્યુઝિયમ પણ હોય છે. જો કે ભારતમાં હજુ પ્રાઈવેટ મ્યુઝિયમનો ટ્રેન્ડ એટલો જોવા મળતો નથી. પરંતુ વડોદરામાં એક અનોખું મ્યૂઝિયમ આવેલું છે અને તે છે દેશનું પહેલું અને એકમાત્ર ડેન્ટલ મ્યૂઝિયમ.શહેરના દાંતના ડોક્ટર યોગેશ ચંદારાણાએ આ ખાનગી મ્યુઝિયમને પોતાના પરિવાર સાથે મળીને તૈયાર કર્યું છે. ડેન્ટલ હેલ્થ એજ્યુકેશનને સમર્પિત આ મ્યુઝિયમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક નહીં, પરંતુ બે રેકોર્ડ સાથે સ્થાન મેળવ્યું છે. ડૉ. યોગેશ ચંદારાણા ટૂથબ્રશના સૌથી મોટા સંગ્રહનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે સમગ્ર ચંદારાણા પરિવારે આ વસ્તુઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા મેળવી છે. અગાઉ, સૌથી મોટા ટૂથબ્રશ સંગ્રહનો રેકોર્ડ એક કેનેડિયન છોકરીના નામે હતો જેની પાસે 1,678 ટૂથબ્રશ હતા. ટૂથબ્રશ ઉપરાંત, આ સંગ્રહાલય દંત ચિકિત્સા અને દંત સંભાળ સંબંધિત વિવિધ ઐતિહાસિક કલાકૃતિઓનું પ્રદર્શન પણ કરે છે.
ડૉ. યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો ઉદ્દેશ્ય લોકોને દાંતની સાચવણી વિશે જાગૃત કરવાનો છે. સાથે જ લોકો સુધી એ સંદેશ પહોંચાડવાનો છે કે જો દાંતની તંદુરસ્તી સાચવશો તો આખા શરીરની તંદુરસ્તી સચવાશે અને ક્યારેય કોઈ વ્યક્તિએ દવાખાને જવું નહીં પડે. ઉપરાંત લોકોને દાંત આજીવન સચવાય એવી કાળજી લેવાની આદત પાડી, દાંતની મોંઘી સારવારનો ખર્ચ બચાવવાનો છે. 2016થી શરૂ થયેલા આ મ્યુઝિયમની અત્યાર સુધીમાં 40 હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. જેમાં બાળ મુલાકાતીઓની સંખ્યા વધુ છે.
મ્યુઝિયમના માલિક ડૉ. યોગેશ ચંદારાણાએ જણાવ્યું કે, “અમારા આ મ્યુઝિયમનો ખ્યાલ સંપૂર્ણપણે નવો હતો. હું બરોડા આવ્યો અને SSG હોસ્પિટલમાં નોકરી મળી. તે પછી, જ્યારે હું અમેરિકા ગયો, ત્યારે ત્યાં હાઉસ ઓન રોક્સ નામનું એક મ્યુઝિયમ મેં જોયું હતું. ત્યાં ફક્ત એક જ વ્યક્તિ હતો જેણે પોતાનું મ્યુઝિયમ બનાવ્યું હતું. તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓ હતી. તેથી મેં વિચાર્યું કે જો એક વ્યક્તિ આટલી બધી વસ્તુઓનું મ્યુઝિયમ બનાવી શકે છે, તો પછી એક ડેન્ટિસ્ટ તરીકે હું પણ ડેન્ટલ ઉત્પાદનોનું મ્યુઝિયમ કેમ ન બનાવી શકું? અને તે પણ એવી રીતે કે લોકો અહીં આવે અને તેમની દાંતની સમસ્યાઓ વિશે માહિતી લે. આ વિચાર મને 2013માં આવ્યો 2016માં, મેં તેને અમલમાં મૂક્યો.”ડૉ. ચંદારાણાએ વધુમાં કહ્યું કે, “વર્ષો પહેલાં શોખ માટે મેં દાંતને લગતી ટપાલની ટિકિટોનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે આ શોખના કારણે મારી પાસે રહેલી ટિકિટોનું એક્ઝિબિશન કરતો હતો. જો કે થોડાંક સમય પછી મને લાગ્યું કે, લોકોનો રસ અમુક મિનિટો પછી ટિકિટોમાંથી ઓછો થઈ જાય છે. આથી મેં મારા ક્લેક્શનમાં ધીમે-ધીમે ટૂથબ્રશને સામેલ કર્યા. પછી તો એક બાદ એક દાંતો સાથે જોડાયેલી અવનવી વસ્તુઓ ક્લેક્શનમાં જોડાતી ગઈ. ત્યારબાદ મને લાગ્યું કે આ દાંતને લગતી તમામ પ્રકારની માહિતી જો એક જ સ્થળે રાખવામા આવે તો લોકોને નવી માહિતી જાણવા અને તેને નજીકથી જોવા મળે અને જન્મ થયો દેશના એકમાત્ર ડેન્યલ મ્યુઝિયમનો.ડૉ. યોગેશ ચંદારણાના આ મ્યુઝિયમમાં ઋષિ-મુનીઓના સમયની ચિકિત્સા પદ્ધત્તિથી લઈને આધુનિક પદ્ધત્તિ અને તેની સારવારના સાધનો, અત્યાર સુધીમાં ઉપયોગમાં લેવાયેલાં વિવિધ પ્રકારના ટૂથ બ્રશ અને ભારતનું સહુ પ્રથમ દાંતનું અક્ષરે મશીન પણ આ મ્યુઝિયમમાં રાખ્યું છે. સમગ્ર દુનિયામાં દાંતની સારવાર અને તેની લગતી વિગતો પર ટપાલ ટિકિટોના ખજાનો તો ખરો જ. આ મ્યુઝિયમમાં ટીવી પ્રોજેકટર અને એક નાની રેલના ડબ્બાઓના માધ્યમથી દાંતને લગતી વિગતો રજૂ કરવામાં આવે છે. જેના કારણે લોકો અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકો દાંત વિશેની કેટલીક મહત્વની માહિતી પ્રેક્ટિકલી દાંતને લગતી તમામ બાબતોને સમજી શકે છે.
મ્યુઝિયમમાં 26 દેશોના 2,371 ટૂથબ્રશનો સંગ્રહ છે. કુલ 7,000 થી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાણીઓનાં હાડકાં અને પ્રાણીઓના વાળમાંથી બનેલા 19મી સદીના ટૂથબ્રશથી લઈને ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ, સોલર ટૂથબ્રશ, ટૂથ ટ્યુન, મેગ્નેટિક ટૂથબ્રશ, નેનો કોટેડ ગોલ્ડ બ્રિસલ્સ બ્રશ, દુનિયાનું પ્રથમ ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો પણ મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. નાના બાળકોથી માંડીને દરેક ઉંમરના, દરેક પ્રોફેશનને ગમે તેવા ટૂથબ્રશનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી લઈ આધુનિક ટેકનોલોજીના યુગ સુધીના ટૂથબ્રશ મ્યુઝિયમમાં મૂક્યા છે. આ મ્યુઝિયમમાં વિવિધ પ્રકારના ટૂથ પેસ્ટ, ટૂથ પાઉડર, કરન્સી, કોઇન્સ, દાંતને લગતી ટપાલ ટિકિટો, મેચ બોક્સ લેબલ, ટેલિફોન કોલિંગ કાર્ડસ, જૂના જમાનાના ટ્રેડ કાર્ડનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. પેઇન્ટિંગ્સ, જૂની જાહેરાતો, દુનિયાની જાત-જાતની ડેન્ટલ ફિગરાઇન્સ, ડેન્ટલ કાર્ટૂન, મિલિટ્રી એરફોર્સના ચેલેન્જ કોઇન્સનો પણ સંગ્રહ કર્યો છે. જુદા-જુદા પ્રાચીન સમયના દાંતના સાધનો, પ્રાચીન સમયથી અત્યાર સુધીના દાંતની ખુરશીઓના મોડલ્સ, દાંતની બીમારીને લગતા મોડલ્સ પણ મૂક્યા છે. દાંતને લગતો મ્યુઝિયમનો આ ખજાનો ‘ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ’ હોવાનું માનવામાં આવે છે.મ્યુઝિયમમાં બ્રશિંગ ટેકનોલોજી પર એઆર આધારિત એપ્લિકેશન પણ છે. આ ભારતની પ્રથમ AR આધારિત એપ્લિકેશન છે જે લોકોને ઇન્ટરેક્ટિવ રીતે બ્રશ કરવાનું શીખવે છે. આ 15 મિનિટના AR આધારિત શોમાં 13 પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે. શોની મદદથી મુલાકાતીઓ પ્રાણીઓના દાંત વિશે માહિતી મેળવી શકે છે, અને તે પણ જાણી શકે છે કે તેઓ કેવી રીતે તેમના દાંત સાફ કરે છે. અંતમાં બ્રશ કરવાની સાચી ટેકનિક બતાવવામાં આવી છે, જે લોકોને સંદેશ આપે છે કે, જેમ પ્રાણીઓ તેમના દાંત સાફ કરે છે, તેમ આપણે પણ દરરોજ દાંત સાફ કરીને સ્વસ્થ રહેવું જોઈએ. એક શોમાં એક સમયે 150 લોકો બેસી શકે છે.
ગુજરાત સાયન્સ સિટીમાં ગુજકોસ્ટ દ્વારા આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલેનુ સમાપન થયુ. આ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે, જેમાં દેશભરના STEM ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, PRLના ડિરેક્ટર અનિલ ભારદ્વાજ, ટેકનિકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. દેબાનિક રોય અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર પટેલ હાજર રહ્યા હતા. આ ફિનાલેમાં મોના ખંધારે વિદ્યાર્થીઓને રોબોટિક્સ ક્ષેત્રે સકારાત્મક રીતે આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા, તેમને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી. સાથે સાથે, તેમણે આ વર્તમાન સમયના અદ્યતન રોબોટિક આર્મ્સ MSME (મધ્યમ અને નાના ઉદ્યોગો) સેગમેન્ટમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવાનુ કેવી રીતે માધ્યમ બની શકે તે અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની રોબોટિક્સ ટેક્નોલોજી MSME ક્ષેત્રમાં ઉદ્યોગોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો મજબૂત ઉપાય બની શકે છે, જે ઉદ્યોગોને વધુ વેગ આપશે. આ સાથે તેમણે રોબોફેસ્ટ ગુજરાત 4.0 ગ્રાન્ડ ફિનાલેના ભવ્ય સમાપન બાદ રોબોફેસ્ટ 5.0ની પણ જાહેરાત કરી છે, જે આવતા વર્ષે યોજાશે.
આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ સાત કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું હતુ, જેમાં ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ, સ્વાર્મ રોબોટ્સ, ફન રોબોટિક્સ (મેઝ સોલ્વિંગ રોબોટ) અને એપ્લિકેશન બેઈઝ્ડ રોબોટ્સનો સમાવેશ થાય છે.
આ ફિનાલેની સ્પર્ધામાં વિજેતાઓને કુલ 5 કરોડના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કેટેગરીઓમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 10 લાખનું ઇનામ આપવામાં આવ્યું, બીજી ટીમને રૂ. 7.5 લાખ અને ત્રીજી ટીમને રૂ. 5 લાખનું ઈનામ આપવામાં આવ્યુ. સાથે જ દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી ટીમોને પ્રોત્સાહક ઇનામ તરીકે રૂ. 2.5 લાખ આપવામાં આવ્યા.
રોબોફેસ્ટ ગુજરાત 4.0 ના આયોજન દ્વારા યુવાનોમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોફેસ્ટ 4.0 પ્રોગ્રામ દ્વારા તેમના વિચારો અને નવીનતાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા પ્રદર્શિત કરવામાં મદદરૂપ બનશે.
આખા વિશ્વને સમેટીને આપણા નાના રૂમમાં સમાવી દીધું છે. આપણે એક વિશ્વ ગામમાં રહીએ છીએ. જીવંત પ્રસારણના રૂપમાં વિશ્વની દરેક ઘટના આપણી આંખો સુધી પહોંચી જાય છે. પરંતુ એના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે. મનુષ્ય સંવેદન વગરનો બની રહ્યો છે.
ઉપર જણાવેલ ક્રાંતિઓ સિવાય પણ દરેક વર્ગ તથા વિચારધારાના લોકોએ પોતાની રીતે ક્રાંતિ (પરિવર્તન) લાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ બધી ક્રાંતિઓના આધારે શાંતિ સ્થાપન ન થઈ શકી. શાંતિ સ્થાપન કરવાનું આ કામ ફક્ત આધ્યાત્મિક કાંતિ દ્વારાજ શક્ય બને તેમ છે. આના પરિણામે માનવ સમાજ કાયમી શાંતિનો અનુભવ કરી શકે છે. આપને એ સ્પષ્ટ કરી દઈએ કે 1936-37ના વર્ષમાં નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવબાબાએ પ્રજાપિતા બ્રહ્મા બાબાના માધ્યમ દ્વારા ક્રાંતિની શરૂઆત કરાવી છે.
પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબા અખંડ ભારતના સમયે સિંધ હૈદરાબાદના એક પ્રસિદ્ધ સોના-ચાંદી, હીરાના વેપારી હતા. તેઓ ભક્તિ પૂજામાં ખૂબ લાગણીશીલ તથા સાત્વિક જીવન વ્યવહાર વાળા હતા. તેમની ઉંમર 60 વર્ષની થતા પરમાત્મા શિવ પિતાએ જૂની દુનિયાના વિનાશ તથા નવી સતયુગી દુનિયાના સાક્ષાત્કાર કરાવ્યા. સત્યતા તથા પવિત્રતા યુક્ત નવી દુનિયા સ્થાપન કરવા માટે પોતાની સર્વ મિલકત તથા તન ઈશ્વરીય સેવામાં સમર્પણ કર્યું. સાથે જ એક એવી આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી જેના દ્વારા માતાઓ, બાળકો સામાન્ય વ્યક્તિથી લઈને વિશેષ વ્યક્તિ સુધી બધા માટે આધ્યાત્મિકતા અપનાવવાનો માર્ગ સરળ બની ગયો. શરૂઆતમાં તેઓને સમાજનો ઘણો સામનો કરવો પડ્યો. તેઓએ આ સામનો અહિંસા પૂર્વક તથા દિવ્યતા પૂર્વક કર્યો. તેઓએ જે ઝડપ તથા રીતથી સફળતા પ્રાપ્ત કરી તે અસાધારણ, અદભુત અને અદ્વિતીય છે.
આજે વિશ્વના સાતેય ખંડોમાં આ ક્રાંતિ અશાંતિનું નિવારણ લાવી સદગુણોની સુગંધ ફેલાવી રહી છે. આ ક્રાંતિનો મૂળ શબ્દ આધ્યાત્મ ભારત માટે તથા વિશ્વ માટે નવો નથી. આધ્યાત્મના બે રૂપ અત્યાર સુધી વિશેષ પ્રચલિત છે. એક તો ભક્તિ તથા કર્મકાંડ આધારિત દેવી દેવતાઓ, ગુરુ વગેરેની પૂજા. તથા બીજું સંસારને દુઃખ- અશાંતિનું સ્થાન માનીને તેને છોડીને જંગલો પહાડોમાં ચાલ્યા જવું. પરંતુ આ બંને પ્રકારની ક્રિયાઓ વ્યક્તિગત સ્વાર્થ પર આધારિત રહી તથા તે સામાજિક હીત જાળવવામાં સફળ ન થઈ શકી.
આધ્યાત્મિકતાનું વાસ્તવિક રૂપ તે છે કે જેના દ્વારા મન, વચન કર્મ, તન, ધન, સમય, શ્વાસ, શક્તિની એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે કે, દરેક સેકન્ડે તેનું તથા સમાજનું પણ ભલું થતું રહે. જેવી રીતે સમગ્ર શરીરનું ધ્યાન રાખ્યા વગર શરીરના કોઈ એક અંગને મજબૂત નથી બનાવી શકાતું તેવી જ રીતે સમાજને મજબૂત કર્યા વગર વ્યક્તિનું હિત સંભવ નથી. સંત વિનોબા ભાવેજીને પોતાના જીવનના અનુભવ વિશે લખ્યું છે કે, મારા જીવનનું લક્ષ હિમાલયની ગુફાઓમાં તપસ્યા કરવાનું બનાવ્યું હતું, પરંતુ મહાત્મા ગાંધીજી એ કહ્યુંકે સમાજની સમસ્યાઓથી મોં ફેરવી લઈને છુપાઈને આવી રીતે જીવન જીવવું નકામું છે, પોતાના આધ્યાત્મિક જ્ઞાનનો કર્મના મંચ પર પ્રયોગ કરો અને જનતાનું દુઃખ દૂર કરો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)