Home Blog Page 12

બિહારમાં બચાવ કામગીરીમાં લાગેલું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ

બિહારમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે બચાવ કાર્યમાં લાગેલું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માત મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈ નયા ગામમાં વોર્ડ નંબર-13માં થયો હતો. જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે સીતામઢી જિલ્લામાંથી રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઔરાઈ નયા ગામમાં તેને અકસ્માત નડ્યો હતો. દુર્ઘટના સમયે, હેલિકોપ્ટરમાં બે પાઇલટ અને અન્ય ત્રણ એરફોર્સના કર્મચારીઓ હતા, તે બધા જ બચી ગયા હતા.

હાલમાં બિહાર પૂરની ઝપેટમાં છે. બધે માત્ર પાણી જ દેખાય છે. લગભગ 16 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. લોકોને પૂરના પાણીમાંથી બચાવવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા પોલીસ, NDRF, SDRFની સાથે એરફોર્સની મદદ લેવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને ખાદ્યપદાર્થો વહેંચી રહ્યા છે.

રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યા હતા

બુધવારે એરફોર્સનું એક હેલિકોપ્ટર સીતામઢી જિલ્લામાં રાહત સામગ્રીનું વિતરણ કરીને પરત ફરી રહ્યું હતું, ત્યારે તેમાં કંઈક ખોટું થયું હતું. બધે પાણી હોવાથી બંને પાઇલોટે તેને પાણીમાં ઉતારવાનું નક્કી કર્યું. પાયલોટે મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈ બ્લોકમાં ઘનશ્યામપુર પંચાયતના બેસી બજાર પાસે પૂરના પાણીમાં હેલિકોપ્ટરને લેન્ડ કર્યું હતું.

ગ્રામજનોએ જવાનોનો જીવ બચાવ્યો હતો

પહેલા સ્થાનિક લોકોએ હેલિકોપ્ટરને પાણીમાં પડતું જોયું, ત્યારબાદ ગ્રામીણો ત્યાં દોડી આવ્યા. ગામલોકો હેલિકોપ્ટરની નજીક પહોંચ્યા, ત્યારબાદ તેમાં હાજર બે પાયલટ અને ત્રણ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા. સૈનિકોને ઉતાવળે સલામત સ્થળે લાવવામાં આવ્યા અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હેલિકોપ્ટરની આસપાસના ગામલોકોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

બિહારમાં પૂરનાં પાણીથી સ્થિતિ બદથી બદતર

નવી દિલ્હીઃ નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની હાલત ખસ્તા છે. નદી-નાળામાં ઘોડાપૂર છે. કોશી, ગંડક અને ગંગા નદીમાં પૂરને પગલે ગામ-શહેરોમાં વિનાશ જોવા મળે છે. દરભંગાથી માંડીને સહરસા જેવા નવા વિસ્તારોમાં પૂરનાં પાણી પ્રસર્યાં છે. અત્યાર સુધી 19 જિલ્લાઓમાં 12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

રાજ્યમાં સૌથી વધુ પશ્ચિમી ચંપારણ, અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ, શિવહર, સીતામઢી, સુપૌલ, મધેપુરા મુઝફ્ફરપુર, પૂર્મિયા, મધુબની, દરભંગા, સારણ, સહરસા અને કટિહાર જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ જિલ્લાની 368 પંચાયતોમાં પૂરનાં પામી પ્રસર્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.બિહારમાં કુલ 38 જિલ્લા છે અને છેલ્લા બે દિવસોમાં અડધા જિલ્લાઓમાં 16 લાખ લોકો પૂરનાં પાણીથી જંગ લડી રહ્યા છે.સરકારનું કહેવું છે કે નેપાળમાં 70 કલાકના વરસાદ પછી કોશી, ગંડકમાં પાણી છોડવામાં આવ્યું હતું.ઉત્તરી બિહારમાં 24 કલાકમાં ચાર જિલ્લામાં સાત બાંધ તૂટી ચૂક્યા ચે. રાજ્યમાં 270 ગામ સંપૂર્ણ રીતે ડૂબી ગયાં છે. જનતા સવાલ કરી રહી છે કે બિહારની પૂરવળી સમસ્યાનું કેમ કોઈ સમાધાન નથી? આખરે ક્યાં સુધી કઈ પાર્ટી અને સરકારે બિહારને પૂરથી બચાવવામાં રસ કેમ નથી દાખવ્યો? સ્વતંત્રતાના 7-80 વર્ષ પછી પણ રાજ્યમાં પૂરનો ત્રાસ અટકાવવામાં કેમ કોઈ નક્કર ઉપાય નથી કરવામાં આવ્યા. આ પૂરને કારણે નીચાણવાળા વિસ્તારવાળામાં સ્થિતિ વણસી રહી છે. NDRF અને SDRFએ અત્યાર સુધી 2.26 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે.

 

અમદાવાદમાં મેટ્રો સફેદ હાથીઃ બે વર્ષમાં 321 કરોડની ખોટ!

અમદાવાદમાં મેટ્રોનો પ્રારંભ થયાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીના રૂટનું ઉદ્ઘાટન 2022માં કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે ‘લાઇફ લાઇન’ સમાન બની ગઈ છે. અલબત્ત, હજુ પણ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન માટે મેટ્રો રેલ સફેદ હાથી પાળવા સમાન પુરવાર થઈ રહ્યું છે. સરકરી આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2022-23માં 321 કરોડ રૂપિયાની ખોટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને થયેલી છે.

જીએમઆરસીને વર્ષ 2022-23માં પ્રતિ દિવસે સરેરાશ 87 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. જ્યારે વર્ષ 2021-22ની સરખામણીએ ખોટમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં 465 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. હવે નવા રૂટ અને વધતાં મુસાફરોને પગલે ખોટની આ રકમ દર વર્ષે ઘટવા લાગે તેવી પૂરી સંભાવના છે. મેટ્રો રેલ અનેક નાગરિકો માટે હવે લાઇફ લાઇન’ સમાન બની ગઈ છે. ટુ વ્હિલરની સરખામણીએ મેટ્રોમાં મુસાફરીથી સમયમાં 35થી 40 મિનિટની જ્યારે ખિસ્સાને 50 રૂપિયા સુધીની બચત થાય છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી વાહનમાં અંદાજે 26 કિલોમીટર જ્યારે મેટ્રોમાં એક રૂપિયા કિલોમીટરનું અંતર થાય છે. આ જ રીતે નોર્થ વેસ્ટ કોરિડોરમાં એપીએમસીથી મોટેરાનો મેટ્રોમાં રૂટ અંદાજે 18 કિલોમીટર છે.

સરકારી સૂત્રોની માહિતી પ્રમાણે ઑક્ટોબર 2022થી ઑગસ્ટ 2024 સુધી મેટ્રોમાં દરરોજ સરેરાશ 72514 મુસાફરોથી 8.88 લાખ રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી ઑગસ્ટ સુધી મેટ્રોમાં 2.31 કરોડ મુસાફરો નોંધાયા છે, જ્યારે 27.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેની સરખામણીએ ગત વર્ષે 2.53 કરોડ મુસાફરો નોંધાયા હતા. બે સપ્તાહ અગાઉ મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરના આંશિક રૂટનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યારે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. 14 દિવસમાં 56 હજાર જેટલા મુસાફરોએ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરીએ કરી છે.

અભિનેતા ગોવિંદાને કેવી રીતે વાગી બંદૂકની ગોળી

મુંબઈ: મંગળવારે સવારે બોલિવૂડમાંથી એક એવા સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા. આ સમાચાર હિન્દી ફિલ્મ પ્રેમીઓના હાર્ટથ્રોબ, અભિનેતા અને રાજકારણી ગોવિંદા સાથે સંબંધિત હતા. ગોવિંદાને અચાનક મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને જાણવા મળ્યું કે અભિનેતાને ગોળી વાગી હતી. અભિનેતા સાથેના અકસ્માત પછી દરેક વ્યક્તિ મનમાં એક જ સવાલ છે કે તેમની સાથે આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો.

ગોવિંદા સવારે 5.45ની ફ્લાઈટથી કોલકાતા જવાના હતા. ગોવિંદા 4:30 વાગ્યે એરપોર્ટ જવા ઘરેથી નીકળવાના હતા. ગોવિંદાએ જણાવ્યું કે સવારે 4:30 વાગ્યે ઘરની બહાર નીકળતા પહેલા તે અલમારીમાંથી પોતાની રિવોલ્વર કાઢીને સૂટકેસમાં રાખવા માંગતા હતા. સુટકેસમાં રિવોલ્વર મૂકવા આગળ વધતાં જ રિવોલ્વર નીચે પડી અને મિસફાયર થઈ ગઈ અને ગોળી અભિનેતાના પગમાં વાગી હતી, ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરેલી હતી

અભિનેતાએ એ પણ જણાવ્યું કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેની સાથે એક બોડીગાર્ડ પણ હાજર હતો. મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચ દ્વારા અભિનેતાને આ બોડીગાર્ડ આપવામાં આવ્યો હતો. આ બૉડીગાર્ડ ગોવિંદાને હોસ્પિટલ લઈ ગયો અને આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરી. પોલીસ તપાસ મુજબ ગોવિંદાને જે રિવોલ્વરથી ગોળી વાગી તેમાં 6 ગોળીઓ ભરેલી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં ગોવિંદાનો આબાદ બચાવ થયો હતો.

પોલીસે રિવોલ્વર અને લાયસન્સ નંબર મેચ કર્યા છે અને લાઇસન્સ માન્ય છે. રિવોલ્વર 0.32 બોરની હતી, પણ ઘણી જૂની હતી. ગોવિંદા નવી રિવોલ્વર ખરીદવા માંગતો હતો, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો. રિવોલ્વરના લૉકનો એક નાનો ભાગ તૂટેલો હતો.

ગોવિંદાએ પણ તેની હેલ્થ અપડેટ શેર કરી હતી. તેણે હોસ્પિટલ તરફથી જ પોતાનો ઓડિયો મેસેજ શેર કર્યો હતો. તેણે પોતાના ઓડિયોમાં કહ્યું હતું,’હું હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છું. ગોળી ભૂલથી વાગી હતી. હું મારા ડૉક્ટરોનો આભાર માનું છું. બાબાના આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદ અને માતા-પિતાના આશીર્વાદ છે અને જે ગોળી વાગી હતી તે બાબાની કૃપાથી દૂર થઈ ગઈ છે. આપ સૌનો આભાર.

તહેવારોમાં સેલની વચ્ચે શોપિંગમાં છેતરપિંડીનો નવો નુસખો, જાણો…

નવી દિલ્હીઃ આ તહેવારોની સીઝનમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર લોકો શોપિંગ કરી રહ્યા છે, જોકે આનો લાભ સ્કૈમર્સ ઉઠાવી રહ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટને નામે ગ્રાહકોને આ સ્કેમર્સ ચૂનો ચોપડી રહ્યા છે. ઘર પર એવાં પાર્સલ પહોંચી રહ્યાં છે, જે ગ્રાહકોએ ક્યારેય ઓર્ડર જ ના કર્યાં હોય.

ખાસ વાત એ છે કે આ બધાં પાર્સલ ઓન ડિલિવરી પહોંચી રહ્યાં છે, જ્યારે આ ડિલિવરી બોય લોકોનાં ઘરે પહોંચે છે, ત્યારે કહે છે, કોઈ બીજાએ તમારા માટે કંઈ ઓર્ડર કર્યો છે, પણ પૈસા તમારે ચૂકવવાના છે, કેમ કે કેશ ઓન ડિલિવરીવાળો ઓર્ડર છે. હવે જેતે ગ્રાહક ડિલિવરીવાળાને પૈસા આપે છે અને છેતરપિંડીનો શિકાર બને છે.

જ્યારે એ પાર્સલ ખોલવામાં આવે છે, ત્યારે એમાં કોઈ બહુ સસ્તી ચીજવસ્તુ મળે છે. જ્યારે ગ્રાહકે એની કિંમત વધુપડતી ચૂકવી દીધી હોય છે. કેટલીય વાર એ પાર્સલમાંથી માટી કે નાના પથ્થર પણ નીકળે છે. તાજો કેસ નોએડાના સેક્ટર 82 સ્થિત ઉદ્યોગ વિહાર સોસાયટીનો છે. આ સોસાયટીના એક ફ્લેટમાં 30 સપ્ટેમ્બરે આશરે ત્રણ વાગ્યે એક ડિલિવરી પહોંચી હતી.

એ મહિલાને કહેવામાં આવ્યું હતું કે એમેઝોનથી પાર્સલ આવ્યું છે. પાર્સલ પર ફ્લેટ માલિકનું નામ લખ્યું હતું. ડિલિવરી બોયે જણાવ્યું હતું કે એ પાર્સલ કેશ ઓન ડિલિવરી છે. એ મહિલે એની કિંમત ચૂકવી દીધી હતી, જ્યારે એ પાર્સલ ખોલવામાં આવ્યું, ત્યારે એમાંથી રૂ. 50-100ની ચીજવસ્તુ નીકળી હતી, જ્યારે એ મહિલાએ એની કિંમત રૂ. 699 ચૂકવી હતી. પીડિત પરિવારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર રિપોર્ટ નોંધાવ્યો હતો.

યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

નવરાત્રિને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ગુજરાતના તમામ માતાના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. લાખોની સંખ્યામાં મહાકાળી માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. ગઇકાલે અમાસ અને મંગળવારનો સંયોગ હોઈ ભક્તો ઉમટ્યા હતા. આજના દિવસે મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે અનોખો સંયોગ હોય મંદિરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. આજના દિવસે માં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રિના આગલા દિવસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લાખો ભક્તો જ્યોત લેવા આવતા હોય છે. તેથી પાવાગઢના તારાપુર દરવાજા પાસે સૌથી વધારે ભક્તોની ભીડ જોવા મળી છે.

ભક્તોના ઘોડાપૂરને લઇ તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પંચમહાલના પાવાગઢ ખાતે પ્રસિદ્ધ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આગામી 3 ઓક્ટોબરથી શરુ થતી નવરાત્રિ પહેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર્શાનાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ બસોની સંખ્યા વધારી છે. પાવગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પહેલા દર્શન કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.

ઇરાનને હુમલાની કિંમત ચૂકવવી પડશેઃ નેતાન્યાહુ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાનની વચ્ચે ટેન્શન ઘણું વધી ગયું છે. ડેન્માર્કમાં ઇઝરાયેલની એમ્બેસી પાસે બે મોટા ધડાકા થયા છે. લોકો દહેશતમાં છે અને ભાગી રહ્યા છે. ઇરાને 200 મિસાઇલનો મારો કર્યો છે, એમ ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું. ઇઝરાયેલ હવે ઇરાનથી બદલો લેવાની વાત કરી રહ્યું છે. ઈઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે,  ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે.

તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલ પરનો હુમલો “નિષ્ફળ” રહ્યો હતો. તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક છે, જેણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં લગભગ 200 મિસાઈલો છોડવામાં આવી હતી. ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેમણે તેમાંથી “મોટા ભાગની” મિસાઇલોને અટકાવી દીધી હતી. જોકે પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયલીઓ ઘાયલ થયા હતા.

વિસ્ફોટોનો અવાજ સમગ્ર ઈઝરાયલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી લાઇવ રિપોર્ટિંગ દરમિયાન રાજ્ય ટેલિવિઝનના પત્રકારો જમીન પર પડી ગયા હતા. મધ્ય ઇઝરાયલના ગેડેરામાં એક શાળામાં રોકેટ પડ્યું હતું. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. હોમ ફ્રન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રાફી મિલોએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી.હવે મોટી વાત એ છે કે અમેરિકા પણ હવે આ જંગમાં કૂદી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને એલાન કર્યું હતું કે અમેરિકી સેના હવે ઇઝરાયેલને ઇરાની મિસાઇલોથી બચાવશે. મધ્ય પૂર્વમાં અમેરિકાનું સક્રિય થવાથી એક મોટા યુદ્ધમાં તબદિલ થઈ શકે છે.

 

 

 

મસાલા બ્રેડ

ઘરમાં કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય અને તાત્કાલિક નાસ્તો બનાવવો હોય તો મસાલા બ્રેડ ઝટપટ બની જાય છે!

સામગ્રીઃ

  • બ્રેડ 7-8
  • કાંદા 2
  • ટામેટાં 3-4
  • લીલા મરચાં 4-5
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણ 4-5 કળી
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
  • સિમલા મરચું 1
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • પાઉંભાજી મસાલો 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર 1 ટી.સ્પૂન
  • મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ બ્રેડને નાના ચોરસ ટુકડામાં કટ કરી લો. આદુ તેમજ લસણને ઝીણાં સમારી લો. મરચાંને પણ ઝીણા ગોળ સમારી લો. કાંદો, સિમલા મરચું પણ ચોરસ ઝીણાં સમારી લો.

આ મસાલા બ્રેડ બીજી કોઈ સામગ્રી કે શાક ના ઉમેરતાં, ફક્ત કાંદા અને ટામેટાંનો વઘાર કરી, મસાલા ઉમેરીને પણ સ્વાદિષ્ટ લાગશે!

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂ વઘારીને તેમાં સમારેલાં આદુ-મરચાં-લસણ ઉમેરીને તરત સમારેલો કાંદો ઉમેરી દો. બે મિનિટ સાંતળ્યા બાદ તેમાં સિમલાં મરચું પણ ઉમેરી દો. થોડીવાર સાંતળી લીધા બાદ તેમાં હળદર તેમજ મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પાઉંભાજી મસાલો ઉમેરીને ટામેટાં ઓગળી જાય એટલે બ્રેડના ટુકડા ઉમેરી દો. 2 મિનિટ બાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને મસાલા બ્રેડ ગરમાગરમ પીરસો.

નોટ આઉટ @ 84 : મહેન્દ્રભાઈ ગાંધી

આંકડા ઓળખાતા થયા ત્યારથી જાણે બેલેન્સશીટ વાંચતા શીખ્યા અને આજે પણ જેઓ ફ્યુચર-ઓપ્શનના કામમાં વ્યસ્ત છે તેવા મહેન્દ્રભાઈ ગાંધીની વાત સંભાળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  જન્મ અમદાવાદના ગર્ભ-શ્રીમંત કુટુંબમાં. તેમને બે બહેન. પિતા ત્યારે પણ બી.એ., એલ.એલ.બી. ભણેલા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સારી પદવી પર કામ કરતા. શાળાનો અભ્યાસ નવચેતન હાઇસ્કુલમાંથી. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયર થયા. અભ્યાસ પછી તરત બે-ત્રણ મહિના કામ કરી પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. બહુ મહેનત અને સારી કમાણી કરી સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. 10-15 વર્ષ કામ કરી પોરસેલીનની ફેક્ટરી કરી. નાનપણથી ઇન્વેસ્ટમેન્ટનો શોખ. પિતાજીના ગાઈડન્સથી છ વર્ષની બાળ-ઉંમરથી બેલેન્સશીટ વાંચતા શીખ્યા! તેઓ જાતજાતના ધંધામાં (શેર-બજાર, ફ્યુચર-ઓપ્શન, રીયલ-એસ્ટેટ, સોના-ચાંદી વગેરે) ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે. તેઓના મતે ઉંમર તો માત્ર આંકડો છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ક્યારેય નિવૃત્ત થયા નથી! હજી પણ સવારે 6:00 વાગે ઊઠી પરિમલ ગાર્ડન ચાલવા જાય. સાડા-સાત સુધીમાં પાછા આવીને 10:00 સુધી છાપુ વાંચે. પાંચ તાજાં ફળો અને ચાર ગરમ નાસ્તા સાથેનો શાહી બ્રેકફાસ્ટ કરે. 11:30 વાગે ઓફિસે જાય, અઢી-વાગ્યા સુધી શેરબજારમાં ફ્યુચર-ઓપ્શનના કામમાં બિઝી! પાછા આવી જમીને પાંચ વાગ્યા સુધી આરામ કરે. સાંજે મિત્રો સાથે ફાર્મ-હાઉસ પર કે બંગલે બ્રિજ રમે, બીજી મનગમતી પ્રવૃત્તિ કરે. સાડા- સાતે જમવાનું. આઠ વાગે બેડરૂમમાં જાય. સમાચાર જોતા-જોતા અને નવકારની માળા ફેરવતા-ફેરવતા સુઈ જાય.

શોખના વિષયો : 

ફરવાનું બહુ ગમે. દુનિયા આખી ફર્યા છે! બ્રિજ રમવું બહુ ગમે, વ્યસન થઈ જાય તેટલું ગમે! 2000ની સાલમાં બ્રિજ રમવાનું છોડ્યું. વાંચવાનો ઘણો શોખ. બાગકામ કરવું પણ ગમે. પોતાના ફાર્મ-હાઉસ પર ચંદન અને રુદ્રાક્ષનાં વૃક્ષો વાવ્યાં છે! ખાવાનો અને ખવડાવવાનો શોખ. જોકે  હવે ખવાતું નથી. દેશી ખાવાનું વધારે ભાવે. મુઠીયા, ભજીયા હોય તો બીજું કંઈ ખાય નહીં!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. માંદા પડ્યા નથી. કોઈની મદદ લેવી ગમતી નથી. કોઈની પાસે પાણીનો પ્યાલો પણ માગતા નથી. તેમના મતે: શરીરને સમય આપો તો એ એની જાતે જ સાજું થઈ જાય! કામમાં પડો એટલે સારા થઈ જાવ! માથું કેવું દુખે, એસીડીટી એટલે શું એની  તેમને ખબર નથી! રાતના આઠથી સવારના છ સુધી પૂરેપૂરી ઊંઘ થઈ જાય એટલે શરીર કોઈપણ જાતના રોગનો પ્રતિકાર કરવા તૈયાર હોય!

યાદગાર પ્રસંગ: 

આમ તો ઘણા દેશોમાં ફર્યા છે, પણ ચીનની યાત્રાના પ્રસંગો યાદ રહી ગયા છે! ચીનમાં ચોરીના નવાનવા પ્રકારો જોવા-જાણવા મળે! બેજિંગની સીટી-ટુરમાં એક મંદિર પાસે બસ ઊભી રહી. એક ફેરીઓ બસમાં ચઢી ગયો. હજાર રૂપિયાની વસ્તુ 700માં આપે. આખી બસનાં પ્રવાસીઓએ ખરીદી કરી. પ્રવાસીઓ પાછાં આવ્યાં તો બધાં પાસે 300 રૂપિયા માગે! બધાંએ વસ્તુઓ પાછી આપી દીધી! એણે 700 હિસાબે રૂપિયા પાછા તો આપ્યા પણ બધાંને ખોટી નોટો પધરાવી દીધી! આખી બસ છેતરાઈ ગઈ! નાઈટ-ક્લબમાં એક્ષ્ચેન્જ લેવા ગયા તો ખોટી જ કરન્સી પધરાવી દીધી! નોર્વેમાં કોઈ તેમની બેગ ઉપાડી ગયું! સીસીટીવીમાં દેખાય છતાં કંઈ ઉપાય કર્યો નહીં! બધા દેશોમાં ડ્રાઇવરો પાકિસ્તાનના હોય અને બહુ સારા હોય! લોકોએ તેમને ખરાબ ચિતર્યાં છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ફ્યુચર-ઓપ્શનનું કામ કરે છે એટલે ટેકનોલોજીથી માહિતગારતો હોય જ. તેમના આસિસ્ટન્ટ અને દીકરી ટેકનોલોજીમાં પૂરતી હેલ્પ કરે છે, એટલે જાત-મહેનત કરતા નથી! ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. તેમને લાગે છે કે તેઓ જૂના જમાનાના વડીલ થઈ ગયા છે! જોકે રોજ સવારે 200 WhatsApp મેસેજ મોકલે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજે યુવાનો માટે ઘણી તક છે પણ યુવાનોને ફાસ્ટ લોટરી જોઈએ છે! મહેનત વગર કંઈ થાય નહીં! યુવાનોનું ગ્રાસપીંગ ફાસ્ટ છે પણ તેઓ ફંડામેન્ટલ શીખતાં નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કામમાં વ્યસ્ત છે એટલે યુવાનોને મળવાનું તો થાય જ. વડીલોનું માન જાળવે અને તેમના અનુભવનો લાભ લે તેવાં સંસ્કારી યુવાનો ઓછાં થતાં જાય છે. માનવતાથી વધારે કંઈ નથી, દરેકને માન આપો.

સંદેશો :  

ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી અને ટ્રાન્સપરન્સી હોય તો સક્સેસ ચોક્કસ મળે! એજ્યુકેશન અને હાર્ડવર્ક કરી તમે જીવનનો રોટલો તો કમાઈ શકો પણ જો તમારે ફોર્ચ્યુન બનાવવું હોય તો આજુબાજુ નજર કરી ‘ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ’ શોધતાં રહેવું જોઈએ.