Home Blog Page 11

મુંબઈ-અમદાવાદ કોરિડોર પર હાઇ-સ્પીડ વિદ્યુતીકરણનું કામ ઝડપી બન્યું

અમદાવાદ: ૫૦૮ કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર સિવિલ બાંધકામ અને ટ્રેક બિછાવવાની સાથે વિદ્યુતીકરણ (Electrification) ની કામગીરી પણ અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ૩૨૦ કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિશ્વસ્તરીય અને અદ્યતન ‘૨×૨૫ kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ’ સ્થાપિત કરવામાં આવી રહી છે.

૧૪ ટ્રેક્શન સબસ્ટેશનો અને અવિરત વીજ પુરવઠો

નેશનલ પાવર ગ્રીડમાંથી મળતી વીજળીને કોરિડોર સુધી પહોંચાડવા માટે કુલ ૧૪ ટ્રેક્શન સબસ્ટેશનો (TSS) બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી ૫ મહારાષ્ટ્રમાં અને ૯ ગુજરાતમાં (વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો) સ્થિત છે. આ ઉપરાંત, વીજ પુરવઠો સતત જાળવી રાખવા માટે ૩૧ સ્વિચિંગ પોસ્ટ્સ અને સિગ્નલિંગ-સ્ટેશનો માટે ૧૬ ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનો તૈયાર થઈ રહ્યા છે.

હાઇ-સ્પીડ માટે કમ્પાઉન્ડ કેટેનરી ટેક્નોલોજી

ટ્રેનોને વીજળી આપવા માટે ૧,૧૨૫ ટ્રેક કિમીના વિસ્તારમાં લગભગ ૨૨,૦૦૦ સ્ટીલ માસ્ટ અને ૨૫,૭૦૦થી વધુ કેન્ટિલીવર એસેમ્બલીઓનું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. ૩ થી ૪ માળની ઇમારત જેટલા (૧૦.૫ થી ૧૪.૫ મીટર) ઊંચા આ સ્ટીલ માસ્ટ પર ખાસ ‘કમ્પાઉન્ડ કેટેનરી સિસ્ટમ’ લગાવવામાં આવી રહી છે, જેથી ટ્રેનનો પેન્ટોગ્રાફ ૩૨૦ કિમી/કલાકની ઝડપે પણ કોઈપણ વિક્ષેપ કે સ્પાર્ક વગર સતત પાવર મેળવી શકે.

‘મેક ઇન ઇન્ડિયા’નું ઉદાહરણ અને ભૂકંપ સુરક્ષા સિસ્ટમ

આ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટમાં ‘મેક ઇન ઇન્ડિયા’ને મોટું પ્રોત્સાહન મળ્યું છે. ટ્રાન્સફોર્મર્સ, ઓએચઈ માસ્ટ ક્રોસ આર્મ્સ, પ્રોટેક્શન વાયરો અને ટ્રેક્શન પાવર સાધનોનું ઉત્પાદન હવે ભારતમાં જ થઈ રહ્યું છે.

સુરક્ષાની દ્રષ્ટિએ, આ સિસ્ટમમાં ૨૮ અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્મોમીટર્સ (૧૬ ગુજરાતમાં અને ૧૨ મહારાષ્ટ્રમાં) સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભૂકંપીય આંચકા અનુભવાતા જ આ સિસ્ટમ સેકન્ડોમાં ઓટોમેટિક બ્રેકિંગ એક્ટિવેટ કરીને ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દેશે. સમગ્ર નેટવર્ક પર સેન્ટ્રલાઇઝ્ડ કન્ટ્રોલ સેન્ટરથી રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે અશ્લીલ સામગ્રી દર્શાવતા ૫૦ OTT પ્લેટફોર્મ બંધ કર્યા

અમદાવાદ: કેન્દ્ર સરકારે દેશમાં અશ્લીલ અને આપત્તિજનક સામગ્રી દર્શાવવા તેમજ કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન બદલ છેલ્લા બે વર્ષ દરમિયાન ૫૦ OTT પ્લેટફોર્મ્સ સામે કડક કાર્યવાહી કરીને તેમની સાર્વજનિક પહોંચ બંધ કરી દીધી છે. માહિતી અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને લોકસભામાં સાંસદ રાજાભાઉ પરાગ પ્રકાશ વાજે દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

IT Rules 2021 અને આચારસંહિતા

કેન્દ્ર સરકારે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા, એથિક્સ કોડ) રૂલ્સ, ૨૦૨૧ અધિસૂચિત કર્યા હતા. આ નિયમોના ભાગ-III હેઠળ ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) માટે એક સુદ્રઢ આચારસંહિતા (Code of Ethics) અને સંસ્થાકીય ફરિયાદ નિવારણ તંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.

કયા કાયદાઓ હેઠળ થઈ કાર્યવાહી?

મંત્રીના જણાવ્યા અનુસાર, IT એક્ટ, ૨૦૦૦ની કલમ ૭૯(૩)(b) સરકારને ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા અથવા તેની પહોંચ બંધ કરવા માટે મધ્યસ્થીઓને સૂચના આપવાની સત્તા આપે છે. નાગરિકો તરફથી મળતી ફરિયાદોના આધારે કાર્યવાહી કરતા, સરકારે નીચે મુજબના કાયદાઓના ઉલ્લંઘન બદલ 50 OTT પ્લેટફોર્મ્સ બંધ કર્યા છે:

  • IT એક્ટ, ૨૦૦૦: કલમ ૬૭ અને ૬૭A

  • ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ ૨૯૪

  • સ્ત્રીઓનું અસભ્ય નિરૂપણ (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૮૬: કલમ ૪

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત અને જવાબદાર ડિજિટલ વાતાવરણ નિર્માણ કરવા માટે આવા મધ્યસ્થીઓ અને OTT પ્લેટફોર્મ્સ સામે નિયમિતપણે નિયમનકારી પગલાં લેવામાં આવતા રહેશે.

PM વિદ્યાર્થીઓની માફી માગે, ધર્મેન્દ્ર પ્રધાન નિષ્ફળઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને મુદ્દે રાજકીય ગરમાટો વધ્યો છે. સંસદનું મોન્સુન સત્ર સતત ત્રીજા દિવસે પણ સુચારુ રીતે ચાલી શક્યું નથી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે ગઈ કાલે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને તેમની સાથે મારપીટ કરી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગ કરી રહ્યા હતા.

શિક્ષણ વ્યવસ્થા હવે ગેરરીતિઓનું કેન્દ્ર બની ગઈ છે

તેમણે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાઓમાં ગણાતી હતી, પરંતુ આજે તે ગેરરીતિઓથી ભરેલી વ્યવસ્થા બની ગઈ છે. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં 152 વખત પેપર લીક થયાં છે અને કોઈને સજા નથી થઈ. જો ગણતરી કરીએ તો લગભગ દર મહિને એક પેપર લીક થયું છે. તેમણે કહ્યું હતું કે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. આમાં મોટા ભાગે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો સામેલ છે. તેઓ પોતાની મહેનતની કમાણી શિક્ષણ માટે ખર્ચે છે, છતાં તેમની સાથે હળાહળ અન્યાય થાય છે.

 પરીક્ષાઓનો ખર્ચ અસહ્ય બની ગયો છે

તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષાઓનો ખર્ચ હવે અસહ્ય સ્તરે પહોંચી ગયો છે. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે NEET સંબંધિત ખર્ચ લગભગ રૂ. 1.32 લાખ કરોડ થાય છે, જ્યારે ભારત સરકારનું કુલ શિક્ષણ બજેટ આશરે રૂ. 1.4 લાખ કરોડ છે.

 વિદ્યાર્થીઓની માત્ર ત્રણ માગ

તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર ત્રણ એવી માગ કરી રહ્યા છે જે સંપૂર્ણપણે વાજબી છે અને સરકારે તેને સ્વીકારવી જોઈએ. કોંગ્રેસ વિદ્યાર્થીઓની આ માગોને સંપૂર્ણ સમર્થન આપે છે:

  1. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ.
  2. વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર દરેક વ્યક્તિને જવાબદાર ઠેરવી કાર્યવાહી થવી જોઈએ.
  3. વડા પ્રધાને વિદ્યાર્થીઓ પાસે જાહેરમાં માફી માગવી જોઈએ.

IPLના સ્થાપક લલિત મોદી સોળ વર્ષ પછી ભારત પરત ફરશે

2009ના IPL દક્ષિણ આફ્રિકા કેસમાં FEMA ના એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળ્યા બાદ IPLના સ્થાપક લલિત મોદીએ 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં પાછા આવી શકે છે.

IPLના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની જાહેરાત કરી છે. 2009ના IPL દક્ષિણ આફ્રિકાના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) સાથે સંકળાયેલા કેસમાં અપીલ ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળ્યા બાદ લલિત મોદીએ કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારત પાછા ફરવાની યોજના ધરાવે છે.

16 વર્ષની કાનૂની લડાઈ બાદ રાહત

લલિત મોદીએ કહ્યું કે 16 વર્ષની કાનૂની લડાઈ બાદ તેમને ન્યાય મળ્યો છે. લલિત મોદીએ કહ્યું, તેમણે શરૂઆતથી કહેલું કે તેમણે IPLના હિતમાં કામ કર્યું છે, અને હવે ટ્રિબ્યુનલના નિર્ણયથી તેમને ન્યાય મળ્યો છે. મોદીએ કહ્યું,”હું ચુકાદાથી ખૂબ જ ખુશ છું. મેં 16 વર્ષ સુધી લડાઈ લડી, અને આખરે સત્ય બહાર આવ્યું છે. હવે આ પ્રકરણ પૂરું થઈ ગયું છે, અને હું મારા જીવનમાં આગળ વધવા માંગુ છું. હું ભારત પાછા ફરવા માટે આતુર છું.”

પૌત્રના જન્મ પછી પાછા ફરશે

લલિત મોદીએ કહ્યું કે તેમની પુત્રી ઓક્ટોબરમાં એક પુત્રને જન્મ આપવાની છે. તે પછી તેઓ ભારત પાછા ફરશે. તેમણે ઉમેર્યુ કે,”હું કદાચ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારત આવીશ. મારી પુત્રી ઓક્ટોબરમાં મારા પૌત્રને જન્મ આપવાની છે. તે પછી હું ભારત પાછા ફરવાની યોજના બનાવી રહ્યો છું.”

ટ્રિબ્યુનલે ED ના આરોપોને નકારી કાઢ્યા

16 જુલાઈના રોજ આપેલા પોતાના નિર્ણયમાં, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (SAFEMA) હેઠળ રચાયેલી એપેલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના મોટાભાગના તારણો અને દંડને બાજુ પર રાખ્યા હતા. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે 2009 ના IPL ના સંગઠન સાથે સંબંધિત કથિત FEMA ઉલ્લંઘનો માટે લલિત મોદી જવાબદાર હોવાનું સ્થાપિત કરવા માટે રેકોર્ડ પર કોઈ નક્કર પુરાવા નથી.

શું હતો સમગ્ર મામલો?

2009 માં, લોકસભા ચૂંટણીને કારણે IPL ભારતને બદલે દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુર્નામેન્ટ માટે વિદેશમાં મોકલવામાં આવેલા ભંડોળની તપાસ શરૂ કરી હતી. ED એ આરોપ લગાવ્યો હતો કે આ વિદેશી ચુકવણીઓ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની પૂર્વ મંજૂરીની જરૂર હતી, પરંતુ વિદેશી વિનિમય વ્યવહારો આવી મંજૂરી વિના કરવામાં આવ્યા હતા. જોકે, એપેલેટ ટ્રિબ્યુનલે તેના નિર્ણયમાં ચુકાદો આપ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં IPL સંબંધિત વિદેશી ચુકવણીઓ ચાલુ ખાતાના વ્યવહારો હતા, મૂડી ખાતાના વ્યવહારો નહીં. તેથી, ED નો મૂળભૂત આધાર માન્ય નથી.

લલિત મોદી 2010 થી ભારતની બહાર છે

લલિત મોદી 2010 થી ભારતની બહાર રહે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને આવકવેરા વિભાગ દ્વારા તેમની સામે વિવિધ તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે, FEMA કેસમાં રાહત મળ્યા બાદ, તેમણે લગભગ 16 વર્ષ પછી ભારત પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

10 વર્ષમાં 152 પેપર લીક અને 7.5 કરોડ ભવિષ્ય બરબાદ: રાહુલ ગાંધી

દેશમાં સતત વધી રહેલી પેપર લીકની ઘટનાઓ અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળો દ્વારા કરાયેલી બળજબરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પોતાના હકની માગણી કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે?

વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને કથળેલી શિક્ષણ વ્યવસ્થા

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે દેશના હજારો વિદ્યાર્થીઓ કોઈ અપરાધ નથી કરી રહ્યા, પરંતુ પોતાના ભવિષ્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે સુરક્ષા દળો દ્વારા વિદ્યાર્થીઓ પર હથિયારો તાકવા, તેમને મારવા અને અપમાનિત કરવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ એવી શિક્ષા પ્રણાલી ઈચ્છે છે જે નિષ્પક્ષ હોય અને યોગ્ય રીતે કામ કરે, પરંતુ આજની તારીખે દેશમાં એવી વ્યવસ્થા અસ્તિત્વમાં નથી.

10 વર્ષમાં 152 પેપર લીક અને 7.5 કરોડ યુવાનો પ્રભાવિત

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીકની ગંભીર ઘટનાઓ બની છે, પરંતુ દુઃખની વાત એ છે કે એક પણ કેસમાં દોષિતોને સજા કે સજાની ખાતરી થઈ નથી. આ ગંભીર બેદરકારીને કારણે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેમણે કહ્યું કે આમાં મોટાભાગના મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના બાળકો છે, જેઓ પોતાની મહેનતની કમાણી પરીક્ષા પાછળ ખર્ચે છે. પરીક્ષાના થોડા સમય પહેલાં જ પેપર લીક થવાના સમાચાર તેમના માનસિક તણાવ અને આત્મહત્યા જેવા પગલાંનું કારણ બને છે.

રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ રજૂ કરી 3 મુખ્ય માગણીઓ

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિદ્યાર્થીઓની માગણીઓ સાથે 1000 ટકા સહમત છે અને તેમણે સરકાર સમક્ષ 3 મુખ્ય શરતો રજૂ કરી છે:

શિક્ષણ મંત્રીનું રાજીનામું: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તુરંત પોતાના પદ પરથી રાજીનામું આપે કારણ કે તેઓ નિષ્ફળ નિવડ્યા છે.

દોષિતો સામે સખત કાર્યવાહી: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરનારા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

PM મોદી માફી માંગે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોની સત્તાવાર માફી માંગવી જોઈએ.

તેમણે અંતમાં ઉમેર્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા ભારતની સૌથી મોટી શક્તિઓમાંથી એક છે, પરંતુ પેપર લીક જેવી માફિયાગીરી દેશના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે, તેથી સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જ પડશે.

NEET વિવાદમાં અમદાવાદનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસની રેલીમાં પોલીસ સાથે ભારે ઘર્ષણ

દેશભરમાં ભારે વિવાદ સર્જનારા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના આક્રમક વલણ બાદ હવે તેના પ્રત્યાઘાત ગુજરાતના રાજકારણમાં પણ તીવ્ર બન્યા છે. ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા ધરણાંના જવાબમાં આજે ૨૨ જુલાઈએ અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સવારના સમયે કોંગ્રેસની આક્રમક રેલી દરમિયાન પોલીસ સાથે ભારે ઘર્ષણ સર્જાયું હતું, તો બપોરે ભાજપ દ્વારા યોજાયેલું વિરોધ પ્રદર્શન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમેટાયું હતું.

કોંગ્રેસની રેલીમાં ભારે ઘર્ષણ: પોલીસ વાહન પર ચડી ગયા કાર્યકરો

આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ રાજીવ ગાંધી ભવન ખાતેથી કોંગ્રેસે વિશાળ ધરણાં અને ત્યારબાદ રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો રેલી લઈને નજીકના ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જ પરિસ્થિતિ વણસી હતી. ઉશ્કેરાયેલા કાર્યકરો પોલીસની ગાડીઓ પર ચડી ગયા હતા, જેમને નીચે ઉતારવા માટે પોલીસકર્મીઓએ પણ વાહનો પર ચડવું પડ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના વરિષ્ઠ નેતાઓની અટકાયત કરતા પોલીસને ભારે મથામણ કરવી પડી હતી. અંતે પોલીસે ત્રણ જેટલી બસો ભરીને પ્રદર્શનકારીઓની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

મૃતક વિદ્યાર્થીના પિતા ન્યાયની ગુહાર સાથે પહોંચ્યા

કોંગ્રેસના આ ધરણાં કાર્યક્રમમાં NEET ની પરીક્ષા અગાઉ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. તેમણે અત્યંત દર્દનાક શબ્દોમાં જણાવ્યું હતું કે, મેં મારો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે. દેશના અન્ય કોઈ યુવા સાથે આવું ન થાય તે માટે હું ન્યાયની માંગ સાથે દિલ્હી વિરોધમાં ગયો હતો અને આજે અમદાવાદ આવ્યો છું.

ભાજપનું વળતું પ્રદર્શન: કાર્યાલયના પગથિયાં સુધી પહોંચ્યો વિરોધ

દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં બપોરે ૨ વાગ્યે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો રોડ પર બેસીને ‘કોંગ્રેસ હાય હાય’ અને ‘રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવી રહ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલયના પગથિયાં (સીડી) પર બેસી ગયા હતા અને સામે ‘મોદી-શાહ હાય હાય’ તથા ‘ચોકીદાર ચોર હૈ’ના તીખા નારા લગાવ્યા હતા. સામસામે તીવ્ર સૂત્રોચ્ચારથી માહોલ અત્યંત ગરમ બન્યો હતો. જોકે, અંદાજે એક કલાક સુધી ચાલેલા આ પ્રદર્શન બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા.

ડ્રોન કેમેરા અને ડબલ લેયર બેરિકેડિંગથી કડક સુરક્ષા

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને રાજીવ ગાંધી ભવન આસપાસ ચુસ્ત પોલીસ છાવણી ખડકી દીધી હતી. JCP, DCP, ACP, PI અને PSI સહિત ઝોન-૭ના મોટા પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય રસ્તાઓ પર ડબલ લેયર બેરિકેડ્સ મૂકીને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. બંને પક્ષના કાર્યકરો સામસામે ન અથડાય તે માટે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી કડક નજર રાખવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યાલયને ચારેય તરફથી ઘેરી લઈને નેતાઓ તથા કાર્યકરોને બહાર નીકળતા અટકાવ્યા હતા. હાલ પૂરતી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે, પરંતુ અમદાવાદનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.

સંસદના ત્રણ દિવસ વેડફાયા, ખર્ચ રૂ. 27 કરોડઃ જવાબદાર કોણ?

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાની જગ્યાએ હંગામો, પ્રશ્નોની જગ્યાએ નારેબાજી અને કાયદા બનાવવાની પ્રક્રિયાની જગ્યાએ વારંવાર સ્થગન. સંસદના મોન્સુન સત્રના પ્રથમ ત્રણ દિવસોની સ્થિતિ કંઈક આવી રહી છે. પહેલા બે દિવસ બંને સદનોની કાર્યવાહી સતત અવરોધિત રહી, જ્યારે ત્રીજા દિવસે પણ સદનમાં સામાન્ય કામકાજ થઈ શક્યું નહીં અને કાર્યવાહી આગામી દિવસ સુધી સ્થગિત કરવામાં આવી. સરકાર અને વિપક્ષ પોતાના-પોતાના વલણ પર અડગ છે. વિપક્ષ NEET, વિદ્યાર્થી આંદોલન, શિક્ષણ મંત્રીના રાજીનામા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ પર અડગ છે, જ્યારે સરકારનું કહેવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે. પરંતુ આ રાજકીય ટકરાવ વચ્ચે એક પ્રશ્ન સતત ઊભો થાય છે—જ્યારે સંસદ નથી ચાલતી, ત્યારે તેની કિંમત કોણ ચૂકવે છે?

આ પ્રશ્નનો જવાબ સીધો દેશના કરોડો કરદાતાઓ સાથે જોડાયેલો છે. સંસદનું સંચાલન માત્ર સાંસદોની હાજરી સુધી મર્યાદિત નથી. તેની માટે સુરક્ષા, સચિવાલય, અનુવાદ, રિપોર્ટિંગ, ટેકનિકલ સેવાઓ, પ્રસારણ, કર્મચારીઓ અને વહીવટી વ્યવસ્થાઓ પર દરરોજ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બજેટ સત્ર, 2026 દરમિયાન લોકસભામાં અધ્યક્ષપદ સંભાળનાર જગદંબિકા પાલે સદનમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી પર દર મિનિટે અંદાજે 2.5 લાખ રૂપિયા, દર કલાકે લગભગ 1.5 કરોડ રૂપિયા અને એક દિવસે લગભગ નવ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ આધારે જોવામાં આવે તો મોન્સુન સત્રના પ્રથમ ત્રણ દિવસોમાં આશરે 27 કરોડ રૂપિયાની કામગીરીની કિંમત બેસે છે. જોકે, આ ત્રણ દિવસ દરમિયાન પ્રશ્નકાળ, શૂન્યકાળ અને વિધાનકારી કામકાજ સામાન્ય રીતે આગળ વધી શક્યું નથી. આવી સ્થિતિમાં આ ચર્ચા માત્ર રાજકીય મુદ્દો રહી જતી નથી, પરંતુ જાહેર નાણાંના ઉપયોગ, સંસદીય જવાબદારી અને લોકશાહીની કાર્યક્ષમતા અંગે પણ મોટા પ્રશ્નો ઊભા કરે છે.

ત્રણ દિવસમાં સંસદમાં શું થયું?

પ્રથમ દિવસ: વિપક્ષના હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત થઈ.

બીજો દિવસ: ગતિરોધ યથાવત્ રહ્યો, પ્રશ્નકાળ અને વિધાનકારી કામકાજ પ્રભાવિત થયું.

ત્રીજો દિવસ: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને હંગામો થયો અને સદન સામાન્ય રીતે ચાલી શક્યું નહીં.

અર્થાત્, ત્રણ દિવસમાં કરોડો રૂપિયાની કામગીરીની કિંમત છતાં જનહિત સાથે જોડાયેલા વિધેયકો, પ્રશ્નકાળ અને નીતિગત ચર્ચાઓમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ શકી નથી.

ગુજરાતમાં 1,200 પીટી શિક્ષકોની ભરતીને મંજૂરી

રાજ્યની સરકારી શાળાઓમાં રમતગમતનું સ્તર વધુ ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ વધારવાના હેતુથી ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરની આશરે 1,200 જેટલી સરકારી શાળાઓમાં વ્યાયામ (પીટી) શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ગુણવત્તાયુક્ત રહે તે માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, ભરતીના માપદંડો, તેમની ફરજો અને અન્ય વહીવટી પાસાંઓ પર વિગતે અભ્યાસ કરીને સરકારને પોતાની ભલામણો સોંપશે.

અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓને થશે સીધો ફાયદો

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાસ કરીને અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક સરકારી શાળાઓને સીધો મોટો લાભ મળવાની શક્યતા છે. વર્તમાન સમયમાં યોગ્ય અને નિયમિત વ્યાયામ શિક્ષકોની અછતને કારણે અનેક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓ મર્યાદિત બની રહી હતી. જોકે, નવી નિમણૂકો થતાં જ વિદ્યાર્થીઓને રોજિંદી શારીરિક તાલીમ, વિવિધ રમતોનું વ્યાવસાયિક માર્ગદર્શન અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે યોગ્ય કોચિંગ મળી રહેશે.

ખેલ મહાકુંભ અને રમતોત્સવોને મળશે નવું બળ

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદ સહિત રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની ‘ખેલ મહાકુંભ’, જિલ્લા કક્ષાની રમતો અને વિવિધ રમતોત્સવોમાં ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે. પરંતુ, પૂરતા વ્યાયામ શિક્ષકો ન હોવાને કારણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સતત અને ગુણવત્તાયુક્ત તાલીમ આપવામાં અડચણ ઊભી થતી હતી. આ નવી ભરતીથી શિક્ષકોની ખામી દૂર થશે અને વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે ક્ષમતા વધુ નિખરશે.

લાયકાત સાથે અનુભવ અને કૌશલ્યને અપાશે પ્રાધાન્ય

શિક્ષણ વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભરતી પ્રક્રિયામાં માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ ઉમેદવારનો રમતગમત ક્ષેત્રનો અનુભવ, વિશિષ્ટ તાલીમ અને વ્યાવસાયિક કૌશલ્ય (સ્કિલ્સ) જેવા મુદ્દાઓને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉચ્ચસ્તરીય સમિતિ અન્ય રાજ્યોની ભરતી પદ્ધતિઓ અને વર્તમાન સમયની જરૂરિયાતોનો સઘન અભ્યાસ કરીને આખી ભરતીનું આખરી માળખું તૈયાર કરશે.

સુરતમાં જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટની સુઓમોટો

અમદાવાદ: સુરતમાં આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવીને રસ્તા પર ફેરવવા અને લાઠીઓ વડે માર મારવાના કથિત બનાવે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને 14 જુલાઈ, 2026ના રોજ પત્ર લખ્યો હતો. તેમના પત્રને આધારે ચીફ જસ્ટિસે સુઓમોટો અરજી લીધી છે.

પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજદીપસિંહ નકુમ સહિત 15થી 20 જેટલા પોલીસ અધિકારીઓએ આરોપીઓ સાથે જાહેરમાં અમાનવીય વર્તન કર્યું હતું. વીડિયોમાં આરોપીઓને હાથકડી પહેરાવીને જાહેર માર્ગો પર ફેરવવામાં આવતા તેમજ તેમના વાળ ખેંચી, થપ્પડ મારી અને લાઠીઓ વડે માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડી.સી.પી. સહિતના તમામની સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધુ છે જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

રજુઆતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓને કોર્ટમાં દોષિત ઠેરવાયા પહેલાં જ જાહેરમાં સજા આપવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો હતો, જે બંધારણમાં નક્કી કરાયેલા મૂળભૂત અધિકારો અને કાયદાની પ્રક્રિયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અરજીકર્તાએ દલીલ કરી છે કે કાયદાના અમલ માટે જવાબદાર તંત્ર જ જો કાયદાની મર્યાદા ઓળંગે તો ન્યાયવ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે. ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની પણ વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 89 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન 18 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.

12 માસૂમ બાળકોના મોતથી ભયનો માહોલ

આ વાયરસ ખાસ કરીને નાના બાળકોને લક્ષ્યાંક બનાવી રહ્યો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 12 ભૂલકાંઓના મોત નીપજ્યા છે, જેના કારણે મૃતક પરિવારોમાં ભારે શોક અને ગ્રામીણ વિસ્તારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંક્રમણની સાંકળ તોડવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ, મચ્છર અને સેન્ડફ્લાય (રેતીની માખી) નિયંત્રણની કામગીરી તેમજ સઘન આરોગ્ય ચકાસણી ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે.

38 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, 23 સ્વસ્થ થયા

હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં 38 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે યોગ્ય સારવાર મળ્યા બાદ 23 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ

ચાંદીપુરા વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. જો નાના બાળકોમાં સખત તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને મચ્છર કે કીટકોથી બચવાના તમામ ઉપાયો અજમાવવા અપીલ કરવામાં આવી છે.