
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ, 1નું મોત
સુરત શહેરમાં ફરી એક વખત આગની ઘટના બની છે. શહેરમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી છે અને આગની આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી.

આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા, કહેવામાં આવી રહ્યું છે બેઝમેન્ટમાં 50 જેટલા લોકો હાજર હતા, જો કે સમયસુચકતા વાપરીને તેઓ બહાર આવી ગયા અને કમનસીબે 1 વ્યક્તિનું ધુમાડામાં ગૂંગળાઈ જતા મોત થયું છે.
614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રાનું ભવ્ય આયોજન
અમદાવાદ: 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહા શિવરાત્રિનો મહા પર્વ પણ છે. અમદાવાદ શહેરના સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી શહેરના જૂના વિસ્તારમાં ફરવાની છે.

અમદાવાદમાં ઘણા વર્ષો બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના સ્થાપના દિવસે જ માતા ભદ્રકાળીએ નગરયાત્રા પર નીકળશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભદ્રકાળીની આ નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે. તમામ સ્થાનો પર ભાવિક ભક્તોએ માતાનું પુષ્પ અર્પણ કરી ઢોલનગારા વગાડી સ્વાગત કરશે. યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આવતીકાલે આ રોડ બંધ રહેશે
યાત્રાને લઈને કાલે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોક સોની બજાર સહિતનાં બજારો બપોર સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેને નગરદેવી તરીકે કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.
ગોવિંદા અને સુનિતાના ડિવોર્સની અફવામાં કેટલું સત્ય?
મુંબઈ: ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા ડિવોર્સના સમાચારને કારણે હેડલાઇન્સમાં છે. મંગળવારે સવારે એવી અફવા ફેલાઈ હતી કે ગોવિંદા અને સુનિતા 37 વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ રહ્યા છે. જોકે આ દંપતીએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ અભિનેતાની ભાણી આરતી સિંહે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવીને રદિયો આપ્યો છે.

આરતીએ ન્યૂઝ18 ને જણાવ્યું કે તે શહેરમાં નથી, પરંતુ તે વિશ્વાસપૂર્વક કહી શકે છે કે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના અહેવાલો પાયાવિહોણા છે. આરતીએ કહ્યું કે વર્ષોથી તેઓએ ખૂબ જ મજબૂત અને પ્રેમાળ સંબંધ બનાવ્યો છે, તો પછી તેઓ છૂટાછેડા કેવી રીતે લઈ શકે? મને ખબર નથી કે લોકો આવી અફવાઓ ક્યાંથી મેળવે છે? આ બિલકુલ ખોટું છે.
અફવાઓ બિનજરૂરી તણાવ પેદા કરે છે
આરતીએ વધુમાં કહ્યું કે લોકોએ કોઈના પણ અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ. મારા છૂટાછેડા વિશે ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી. આવી પાયાવિહોણી ગપસપ બિનજરૂરી તણાવ પેદા કરે છે.
સુનિતાના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.
ગોવિંદાના સેક્રેટરી શશી સિંહાએ તેમના છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે એબીપીને જણાવ્યું કે આ આખો મામલો ઉપજાવી કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. હું હંમેશા ગોવિંદા સાથે રહું છું અને એવું કંઈ નથી. સુનિતાએ ઇન્ટરવ્યુ આપ્યો હશે અને કોઈએ તેની વાત તોડી-મરોડીને રજૂ કરી હશે, તેથી જ આવા સમાચાર આવ્યા છે.
સુનિતાનો ઇન્ટરવ્યુ શું હતો?
તાજેતરમાં સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા અને હું એક જ છત નીચે રહેતા નથી. તેણીએ કહ્યું કે તે તેના બાળકો સાથે ગોવિંદાના એપાર્ટમેન્ટની સામેના બંગલામાં રહે છે. તેણે એમ પણ કહ્યું કે ગોવિંદા ખૂબ જ વ્યસ્ત હોવાથી આવું થયું. તે ઘણીવાર રાત્રે આવે છે.
DPS ઇસ્ટ અને કેલોરેક્સ ઘાટલોડિયાના વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી
અમદાવાદ: દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીતાને પ્રોત્સાહન આપે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે DPS ઇસ્ટ અને કેલોરેક્સ ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને દેશભરમાં બોલાતી વિવિધ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એકતા અને સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપતી વખતે માતૃભાષાઓનું સંરક્ષણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતા પણ દર્શાવવામાં આવી હતી.
આ ઉજવણીઓએ યાદ અપાવ્યું હતું કે ભાષા માત્ર વાતચીત કરવાનો માર્ગ નથી, પરંતુ ઇતિહાસ, વારસો અને સહિયારા મૂલ્યો માટેનો સેતુ છે. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ 17 નવેમ્બર, 1999ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી અને 2002માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી.
BCCIના નવા નિર્ણયો મુદ્દે પૂર્વ ક્રિકેટર શિખર ધવને શું કહ્યું?
ગત વર્ષે પોતાના કરિયરને અલવિદા કહેનાર આ ખેલાડી હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીના ચાર ‘ટુર્નામેન્ટ એમ્બેસેડર’ પૈકીના એક તરીકે અહીં હાજર છે. ભારતે રવિવારે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. ધવન મેચ જોયા બાદ ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં પણ ગયો હતો. મેચ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેને પૂછવામાં આવ્યું કે, શું BCCIએ ખેલાડીઓ માટે રણજી ટ્રોફીમાં ભાગ લેવું ફરજિયાત કરીને યોગ્ય કર્યું? BCCIનો આ નિર્દેશ ભારતના ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક ટેસ્ટ પ્રવાસ બાદ આવ્યો છે, જેમાં ટીમ 1-3થી હારી ગઈ હતી અને એક દાયકામાં પહેલી વાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી હતી. બોર્ડના નિર્દેશોનું પાલન કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેમની રાજ્ય ટીમો માટે ઓછામાં ઓછી એક મેચ રમી હતી.

ભારતના પૂર્વ ઓપરન બેટ્સમેન શિખર ધવને ડોમોસ્ટિક ક્રિકેટને ફરજિયાત તો જણાવ્યું પરંતુ આ સાથે જ એમ પણ કહ્યું કે, ખેલાડીઓને આરામ પણ મળવો જોઈએ. શિખર ધવને તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટને ફરજિયાત કરવાના BCCIના નિર્ણયને સપોર્ટ તો કર્યો પરંતુ તેણે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવા માટે પણ વિનંતી કરી, જેથી ખેલાડીઓને થાક ન અનુભવાય. આના જવાબમાં 39 વર્ષના પૂર્વ ઓપનરે કહ્યું કે, ‘આ ખૂબ જ સારો નિર્ણય છે. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે, ખેલાડીઓ પર વધુ પડતો બોજ ન નાખવો જોઈએ. પરંતુ લોકો તેના પર નજર રાખશે. એ સારી વાત છે કે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા, જેમ કે વિરાટ રમ્યો હતો અને સ્ટેડિયમ આખું ભરાઈ ગયુ હતું. પરંતુ આ સાથે તેમને આરામ પણ મળવો જોઈએ.’ ધવને રોહિતની પ્રશંસા કરી, જે અત્યાર સુધી સારા ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ધવને તેની સકારાત્મક બાજુ જોઈ. તેણે કહ્યું કે, ‘તે આઉટ થઈ ગયો પણ તેણે એટલો જોશ ઉત્પન્ન કર્યો કે બીજા ખેલાડીઓએ ફાયદો ઉઠાવ્યો.’
મહારાષ્ટ્ર- કર્ણાટક તણાવ: ફડણવીસ સરકાર બસોમાં કરી શકે છે માર્શલ અથવા પોલીસ તૈનાત
મુંબઈ: કર્ણાટકમાં મહારાષ્ટ્ર બસ પર થયેલા હુમલા બાદથી બંને રાજ્યો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. સરનાઈકે જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન કર્મચારીઓ પરના હુમલાને પગલે, મહારાષ્ટ્ર સરકાર કર્ણાટક જતી બસોમાં સુરક્ષા માર્શલ અથવા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાનું વિચારી રહી છે.

મરાઠી આપણું ગૌરવ છે – પ્રતાપ સરનાઈક
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું, “પરિવહન મંત્રી તરીકે મારે મારા મુસાફરોની સલામતી વિશે વિચારવું પડશે. જો કેટલાક અસામાજિક તત્વો હશે તો આપણે કર્ણાટક જતી આપણી સરકારી બસોમાં સુરક્ષા માર્શલ અથવા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા વિશે વિચારવું પડશે. મરાઠી આપણું ગૌરવ છે અને આપણે આપણા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે અને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રનું પોતાનું ગૌરવ છે અને જો પડોશી રાજ્યના લોકો મહારાષ્ટ્રના લોકોને ધમકી આપે છે, તો તે સહન કરવામાં આવશે નહીં.”
વિવાદ કેમ થયો?
હકીકતમાં, મહારાષ્ટ્રની સરહદે આવેલા બેલગામ જિલ્લામાં, કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની બસના કંડક્ટર પર કથિત રીતે એક છોકરીને મરાઠીમાં જવાબ ન આપવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, સગીર છોકરીએ પણ કંડક્ટર પર ‘અભદ્ર વર્તન’નો આરોપ લગાવ્યો છે. આ પછી, બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ ફેલાઈ ગયો. આ પછી, ચિત્રદુર્ગમાં કથિત કન્નડ ભાષી કાર્યકરો દ્વારા મહારાષ્ટ્ર પરિવહન નિગમની બસ અને તેના ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ મહારાષ્ટ્રે કર્ણાટક જતી રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો સ્થગિત કરી દીધી.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે પણ આ બાબતે નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી કર્ણાટક સરકારની પણ છે. જો તેઓ આમ નહીં કરે, તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તે કરશે. તમને જણાવી દઈએ કે બેલગામને લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. બેલગામમાં મરાઠી ભાષી લોકોની વસ્તી નોંધપાત્ર છે. આ કારણોસર લોકોનો એક વર્ગ માંગ કરે છે કે તેને મહારાષ્ટ્રમાં ભેળવી દેવામાં આવે. કન્નડ તરફી કાર્યકરો આ માંગનો વિરોધ કરી રહ્યા છે.
ગુજરાત બોર્ડે જાહેર કરેલાં કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા મુકાઈ
અમદાવાદ: ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ 2025ની પરીક્ષા 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે. ધોરણ દશ અને બારની આ પરીક્ષા પહેલાં બોર્ડ તેમજ શાળાઓએ વિદ્યાર્થીઓની સગવડતા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.
26મી ફેબ્રુઆરીએ શિવરાત્રિ હોવાના કારણે આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓના ફાળવેલા ક્લાસરૂમ તેમજ બેઠક વ્યવસ્થા જોવાનું આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના પશ્વિમ અને પૂર્વ વિભાગના પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓએ શાળાઓની મુલાકાત લીધી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)



સાડા ત્રણ દાયકાથી વધુ સમય સુધી એક મોટી કંપનીમાં હિસાબ વિભાગ સંભાળ્યા પછી, આજે એ રિટાયર થઈ રહ્યા હતા. ઓફિસમાં બધા સહકાર્યકરો અને જૂના મિત્રો મળીને એમને વિદાય આપી ગયા.
કેટલાક લોકો માટે આ સમય એમની અનુભૂતિના આધારે લેખન, શિક્ષણ કે પરામર્શકાર્યમાં પોતાને જોડવાનો હોય છે. એવા પણ અનેક ઉદાહરણો છે, જ્યાં લોકો આ અવસરમાં પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ શરૂ કરીને સમાજ માટે કંઈક સારું કરવા પ્રયત્ન કરે છે.
શરૂ કરવાનો ધ્યેય રાખવો જોઈએ.
જે સંબંધો વ્યસ્ત જીવનમાં પાછળ રહી ગયેલા હોય, એમને ફરીથી જીવંત કરવા માટે આ શ્રેષ્ઠ તબક્કો છે.