ગુજરાતી ધરા ફરી એક ધ્રૂજ હતી. આ વખતે કચ્છ જિલ્લામાં નહીં પરુંત ગીર સમોનાથના તાલાલા ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી છે. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ગીરસોમનાથમાં ભૂકંપનો આંચકો આવ્યાના સમાચાર સામે આવ્યા છે. બપોરે 2.47 કલાકે ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગતો મળી રહી છે. રિકટર સ્કેલ પર ભૂકંપની 1.6 ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કીમી. દૂર નોંધાયું છે. ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર પથંકમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.
આજથી કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) આધાર પ્રમાણભૂતતા વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. જેમાં લોકો માટે સેવાઓની વધુ સારી સરળ અને સક્ષમ બનાવવાનો દાવો મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આધાર સુશાસન ઓનલાઇન પ્લેટફોર્મ (http://swik.meity.gov.in) સુશાસન (સમાજ કલ્યાણ, નવીનતા, જ્ઞાન) સુધારા નિયમો, 2025 હેઠળ ચાલુ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025ના અંતમાં આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) અધિનિયમ, 2016 હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા જેમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાવેશકતા સુધારવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે.
આ પોર્ટલ સંસાધનોથી ભરપૂર માર્ગદર્શિકા તરીકે સેવા આપશે, અને આધાર પ્રમાણીકરણ માટે અરજી કેવી રીતે કરવી અને બોર્ડ પર કેવી રીતે રહેવું તે અંગે પ્રમાણપત્ર મેળવવા માંગતા સંસ્થાઓને વિગતવાર SOP પ્રદાન કરશે. આ મુદ્દે એપ્રિલ અને મે 2023 દરમિયાન હોદ્દેદારો અને સામાન્ય લોકો તરફથી ટિપ્પણીઓ મંગાવવામાં આવી હતી. MeITYના સચિવના જણાવ્યા મુજબ આ પ્લેટફોર્મ લોન્ચ થવાથી અને તેની આસપાસની અન્ય પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓમાં સતત સુધારા સાથે અમે સુશાસન અને જીવન જીવવાની સરળતાના ક્ષેત્રમાં વધુ ઉપયોગના કિસ્સાઓ ઉમેરવાની પ્રક્રિયા ઝડપી બનશે. નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટાલિટી, હેલ્થકેર, ક્રેડિટ રેટિંગ બ્યૂરો, ઇ-કોમર્સ પ્લેયર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રિગેટર સર્વિસ પ્રોવાઇડર્સ સહિત કેટલાંક ક્ષેત્રોમાંથી મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ મેળવી શકશે. સર્વિસ પ્રોવાઇડર્સને પણ સ્ટાફની હાજરી, કસ્ટમર ઓનબોર્ડિંગ, ઇ-કેવાયસી વેરિફિકેશન, એક્ઝામ રજિસ્ટ્રેશન વગેરે સહિતની અનેક બાબતો માટે મદદરૂપ થશે.
સર્વોચ્ચ અદાલતે થોડા સમય પહેલા એક સળગતા પ્રશ્ન પર કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અને તેને કસૂરવાર ઠેરવ્યો હોય, તેવા કર્મચારીઓને સરકારી નોકરીથી હાથ ધોઈ બેસવું પડે છે. સામે પક્ષે આ નિયમ આપણા જનપ્રતિનિધિઓ પર લાગુ નથી પડતો. તેના પર વધુમાં વધુ છ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેના પછી તે ફરી જે તે વિસ્તારમાં ચૂંટણી લડી શકે છે. આ જ નિયમને બદલવા માટે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. જેનો વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.
અલબત્ત, જ્યારે રાજા અપરાધી માનસિકતાનો હશે, તો પ્રજાને કઈ તરફ વાળશે એવો પણ એક પ્રશ્ન અહીં ઊભો થાય છે. આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો આ વિષય પર પ્રજા શું કહે છે.
પંક્તિ જોગ, ગુજરાત રાજ્ય સંયોજક, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)
કોઈ પણ રાજકીય નેતા હોય તે અપરાધી સાબિત થાય તો તેને ચૂંટણી લડવાનો અધિકાર ન મળવો જોઈએ. હાલના સમયમાં સંસદની અંદર 42% MPનો ગુનાહિત ઈતિહાસ છે. જોકે આવા નેતાના કેસનો નિકાલ ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવાનું સૂચન સુપ્રીમ કોર્ટે કર્યું છે. તેમ છતાં કેસોનો નિકાલ થતો નથી. પરિણામે ક્રિમિનલાઇઝેશન અને પોલિટીક્સ વધતું જાય છે. પીપલ વિથ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ રાજકારણમાં આવે છે. જો રાજકારણમાંથી ગુનાહિત પ્રવૃત્તિને હટાવવી હોય તો, આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને અટકાવવા જરૂરી છે. મહત્વની વાત એ છે કે જે લોકો ચૂંટાઈને આવે તે પોલીસી મેકર્સ છે. કોઈ પણ કાનૂન કે નિયમો ઘડવાની સત્તા માત્ર MP અને MLAને જ છે. જ્યારે નેતા પોતે જ કાયદાને નથી માનતા, જેના પર અનેક કલમ લાગેલી છે તેની પાસેથી જનતા શું અપેક્ષા રાખે? આવા નેતા ચૂંટાઈને આવે પછી પોતાના પર લાગેલા કેસ નબળા કરવા કે નીલ કરવા માટે સામ, દામ, દંડ, ભેદનો પ્રયોગ કરવાના પણ ચાન્સ વધી જાય છે.
આનંદ એમ. બ્રહ્મભટ્ટ, એડવોકેટ, અમદાવાદ
કોઈ નેતા જેના પર ગુનો દાખલ થયો છે, પણ સાબિત થયો નથી, તેવા લોકોને ચૂંટણી લડવા દેવામાં આવે તો વાંધો નથી. પરંતુ જે લોકોનો ગુનો સાબિત થઈ ચૂક્યો છે, તેવા લોકોને ચૂંટણી ન જ લડવા દેવાય. આવા લોકો માટે આજ સુધી કોઈ કાયદો બન્યો નથી, હા એ વાત અલગ છે કે નૈતિકતાના આધારે ચૂંટણી ન લડે તો વધુ સારું. આપણે સરકારી કર્મચારી પર આ કાયદો છે કે, તે કોઈ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો ન હોવો જોઈએ. તો આવો જ કાયદો નેતા માટે પણ હોવો જોઈએ. આ માટે કોઈ ગંભીર કાયદાનુ નિર્માણ કરવું જ જોઈએ.
તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર, નારાયણ ગ્રુપ ઓફ એજ્યુકેશન
જે નેતા દોષિત સાબિત થયા છે, તેમને ચૂંટણી લડવાનો હક ન મળવો જોઈએ. હા એ વાત છે કે નેતાના અપરાધના પ્રકારની પણ એક વખત સમીક્ષા કરવી જોઈએ. જઘન્ય ગુનાઓ અને ભ્રષ્ટાચારના કેસો માટે આજીવન પ્રતિબંધ બરાબર છે. પરંતુ હ્યુમન એરર જેને કહી શકાય તેવા અપરાધ માફ કરી અમુક સજા નિર્ધારિત કરી તેમને ચૂંટણી લડવાનો ચાન્સ આપવો જોઈએ. મારા મત પ્રમાણે મોટા ગુનામાં સંડોવાયેલા લોકોને ચૂંટણી ન જ લડવા દેવામાં આવે કેમ કે, એ સમાજ માટે પણ એક ખોટું ઉદાહરણ બની બહાર આવશે. લોકો પણ એવું કહેતા હોય છે કે, અપરાધી હશે તો લોકો જ મત નહીં આપે, પણ લોકશાહીમાં લોકોને ઘણી વખત ભ્રમિત પણ કરવામાં આવે છે. તેથી આવા લોકો સત્તા પર બેસી જાય છે.
જય શંકર જાની, MJMC વિદ્યાર્થી, અમદાવાદ
રાજકીય ક્ષેત્રમાં ગુનાખોરીના પ્રભાવને હલ કરવા માટે કેટલાંક મુખ્ય સુધારાની જરૂર છે. પ્રથમ, ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર સંબંધિત ગુનાઓ માટે આજીવન પ્રતિબંધ લાદવા જોઈએ, જ્યારે ઓછા ગંભીર ગુનાઓ માટે અનૈતિક વર્તન અને જાહેર હિતના આધાર પર અયોગ્યતા થવી જોઈએ. ચૂંટણી આયોગને અયોગ્યતાના સમયગાળાઓમાં ઘટાડો કરવાનો વિધાન વિષયક અધિકાર પુનઃપરીક્ષણ માટે મૂકવો જોઈએ અને સુપ્રીમ કોર્ટે અવ્યાખ્યાયિત નિર્ણયો રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ આપવી જોઈએ. સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા માટે, રાજકારણીઓ પર ક્રિમીનલ કેસ માટે ફાસ્ટ-ટ્રેક અદાલતનું નિર્માણ કરવું જોઈએ. રાજકીય પાર્ટીએ જવાબદારી લેવી જોઈએ અને ગંભીર ક્રિમીનલ કેસ ધરાવતા ઉમેદવારને ટિકિટ ન આપવી જોઈએ અને વધુ યોગ્ય અને સાફ છબીવાળા ઉમેદવારોને મેદાનમાં લાવવાની જવાબદારી લેવી જોઈએ. મતદાતાઓ માટે શિક્ષણ મહત્વપૂર્ણ છે અને નાગરિકોને ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ વિશે જાગૃત કરવા જોઈએ. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અગત્યની છે, જેથી રાજકારણમાં ગુનાખોરીના પ્રભાવ ઘટી શકે છે.
મારા મતે, રાજકારણમાં અપરાધીકરણ લોકશાહી અને જનતાના વિશ્વાસને નબળો પાડે છે. જઘન્ય ગુનાઓ અને ભ્રષ્ટાચારના કેસ માટે આજીવન પ્રતિબંધ વાજબી હોવા છતાં, રાજકીય દુરુપયોગને રોકવા માટે તેનો કાળજીપૂર્વક અમલ કરવો જોઈએ. અયોગ્યતા કાયદાને મજબૂત બનાવવો, ફાસ્ટ-ટ્રેકિંગ ટ્રાયલ અને કડક ઉમેદવારની પસંદગી લાગુ કરવાથી લોકશાહીના અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના સ્વચ્છ શાસન સુનિશ્ચિત કરી શકાય છે.
ગયા વર્ષની વાત છે. એકવાર બાંદરાના પ્રાઈડ ફર્નિશિંગનો મેસેજ આવ્યો, `હવે શોરૂમ એકદમ મસ્ત બનાવ્યો છે. ફુલ્લી રિફર્બિશ્ડ, નવી-નવી પ્રોડક્ટ છે, એકવાર આવજો.’ એકાદ શોરૂમમાં જવાની તક કોણ જતી કરે અને આમ પણ મને એક કમ્પ્લીટ બેડસ્પ્રેડ કુશન્સ, પિલોઝ એમ આખો સેટ ગિફ્ટ આપવા માટે જોઈતો જ હતો. નીલ અને હેતા નજીક જ હતાં. તેમને કહ્યું,`હું પ્રાઈડમાં જઈ રહી છું, બેડસેટની એક ગિફ્ટ લેવી છે.’ હેતાએ કહ્યું, `મને પણ એવીજ બેડસ્પ્રેડ ગિફટ લેવી છે, ચાલો હું પણ આવું છું.’ અરે વાહ! સાસુ અને પુત્રવધૂ, ગ્રેટ પીપલ થિંક અલાઈક. અમારી ત્રણેયની સવારી પહોંચી પ્રાઈડમાં. આ લઈએ, તે લઈએ કરતાં-કરતાં અમે બે સેટ્સ સિલેક્ટ કર્યા. સેટમાં હતું બેડસ્પ્રેડ, બે મોટાં પિલોઝ, બે મોટાં નરમ-નરમ કુશન્સ, બે નાના કુશન્સ અને એક થ્રો કુશન.
હવે તમે કહેશો કે આટલા ડિટેઈલિંગની શું જરૂર છે. બધાં સેટ્સ આવા જ હોય છે. જો કે, આ થોડું વધુ પડતું થઈ ગયું. હવે આ સેટમાં બધા કવર્સ હોય છે તેમાં ફરી ફિલર્સ ક્યારે લેવા જઈશું એમ વિચારી મેં કહ્યું, `તેમાં ફિલર્સ પણ ભરી આપો ને.’ એક જ વાર ખર્ચ કરી નાખીએ. જેને ગિફ્ટ આપીશું તે પણ તુરંત ઉપયોગ કરી શકવો જોઈએ ને? અન્યથા વસ્તુ નાહકની પડી રહે છે. તેણે ફિલર્સ ભરવાનું શરૂ કર્યું અને અમે ત્રણેયે યુરેકા કહીને એકબીજા સામે જોયું. તેમાંથી જે પિલો કવર હતું તે રેક્ટેન્ગ્યુલર એટલે કે આપણા નિયમિત તકિયાના કવર જેવું જ હતું, થોડું મોટું, તે કવરની જે ચેઈન તે તકિયાની આડી બાજુમાં હતી. એટલે તકિયાના કવરને ઓપનિંગ આપણે કાયમ નાની ઊભી બાજુમાં જોયું છે. આ આડું હોવાથી તેમાં ફિલર નાખીને ફરી ચેઈન લગાવવાનું એટલું ઈઝી હતું કે તે પળે એવો વિચાર આવ્યો કે `ઈટ્સ સો સિંપલ, અગાઉ કોઈને જ કેમ સૂઝ્યું નહીં.’ મને અમારા નાનપણના દિવસો યાદ આવ્યા. તકિયાને કવર્સ નાખવાનો એક કાર્યક્રમ રહેતો. તે લાંબોલચક તકિયો, તે કવરના નાના ઓપનિંગમાંથી અંદર નાખવાનો, તેના ચારેય ખૂણા બરોબર તે કવરની ચારેય સાઈડમાં પરફેક્ટલી ફિટ કરવાના, કવરની અંદરનું ફોલ્ડ બરોબર બહાર લાવીને કવરમાંથી દેખાતો તકિયો ઢાંકી દેવાનો અને તકિયાની વચ્ચે કાપુસ એક ઠેકાણે જમા થયો નથી ને તેની ખાતરી કરવાની. તકિયાના કવર નાખવા તે અમારા ઘરે તો વર્કશોપ રહેતો. પરફેક્ટ કવર નહીં નાખવાથી ધપાટા પણ ખાધા છે, જેથી આ કવર્સ નાખવાનો કાર્યક્રમ નહીં જોઈએ એવું લાગતું.
તે સમયે આવો પ્રશ્ન કેમ નહીં ઉદભવ્યો હોય કે `આ કવર્સ તકિયા કરતાં થોડા મોટા કેમ નથી?’ એટલે તેને ઝિપ અથવા ચેઈન હોવી જોઈએ તે બહુ આગળનો વિચાર હતો, કારણ કે ઝિપના ક્ષેત્રમાં નવી-નવી બાબતો આવતી હતી. સ્ટીલની ચેઈન્સ સાથે પ્લાસ્ટિક ફાઈબરની સ્મૂધ ચેઈન્સ આવવાનું શરૂ થયું હતું, જેથી તે પ્રશ્ન નહોતો પણ તકિયાનું કવર થોડું મોટું કેમ નહોતું? આજની સ્ટાર્ટઅપ જનરેશનને આ બાબત સમજાશે નહીં, કારણ કે તેઓ આજે કોઈ પણ સાઈઝનો તકિયો અને કોઈ પણ સાઈઝનાં કવર્સ બેઠાં-બેઠાં ઓર્ડર કરી શકે છે. જો કે તે જમાનો હતો એક જ સાઈઝનો તકિયો અને એક જ સાઈઝનાં કવર્સ માર્કેટમાં ઉપલબ્ધ રહેતા. બોલીવૂડની ભાષામાં કહેવાનું મન થાય છે કે, `જિસ પર બિતતી હૈ ઉસી કો વહ પિલો કવર્સ ડાલને કા દર્દ પતા હૈ.’ એટલે કે, પરફેકશન માટે માતા-પિતાના ધપાટા છોડી દઈએ તો મજા પણ આવતી. એકબીજાને તકિયાથી મારવું, તકિયો એકબીજા પર ફેંકવો વગેરે. નોસ્ટેલ્જિક મોમેંટ્સ. પ્રાઈડ ફર્નિશિંગમાં તે પિલો કવર મોમેન્ટ તે દિવસની `ટેક અવે’ બાબત હતી. બીજા દિવસે મેં કોઈક એક મિટિંગમાં આ કિસ્સો જણાવ્યો ત્યારે સામેવાળાની આંખો ચમકી, `અરે ખરેખર!’ એ ભાવથી. અમારી સિનિયર એચ.આર. મેનેજર એની અલ્મેડા કહેતી, `અરે ઉસ ટાઈમ હી નહીં, આજ ભી હમ પિલો કવર્સ ડાલને કે લિયે ઝગડતે હી હૈ. ક્યૂં ઐસી ચીજે ધ્યાન મેં નહીં આતી? ઈટ્સ સો સિંપલ, હાઉ કમ નો બડી ડિડ ઈટ બિફોર?’
આપણા બધાના મનગમતા ડાયરેક્ટર, પ્રોડયુસર, એક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર, રવિ જાધવે અગાઉ અમારા માર્કેટિંગ માસ્ટર ક્લાસ લીધા હતા. તેમાં તેમણે કહ્યું હતું, `આઈડિયા કોઈને પણ સૂઝી શકે છે. સૂઝ્યા પછી લાગે છે, અરે આ કેટલું આસાન હતું, આપણને કેમ સૂઝ્યું નહીં? આઈડિયા પર વિશ્વાસ રાખીને સૌપ્રથમ તે ઈમ્પ્લીમેન્ટ કરનારા અને તેમાં સાતત્યતા રાખનારા સફળ થાય છે.’ ખરેખર કેટલું સાચું છે આ. સાદા પિલો કવર્સના દાખલાથી તે સામે આવ્યું. આવા દાખલા આજકાલ સ્ટાર્ટઅપના જમાનામાં ઠેર-ઠેર દેખાય છે અને પછી અગાઉ આટલા મોટા પાયા પર આઈડિયાઝ કેમ સૂઝ્યા નહીં? આ પ્રશ્ન થતો. ચર્ચા સત્ર માટે સારો વિષય છે આ નહીં? શાળામાં નિબંધ લખવા માટે આવતો,`હું સાયન્ટિસ્ટ બની તો?’ અને મને લાગતું,`એક તો મારું સાયન્ટિસ્ટ બનવું એટલી દૂરની વાત છે કે તેનો વિચાર પણ શા માટે કરવો જોઈએ અને તેમાં સમય શા માટે વેડફવો જોઈએ.બીજી વાત એ કે હમણાં સુધી જેટલા સાયન્ટિસ્ટ થઈ ગયા તેમણે પોત-પોતાનું કામ એટલું સારું કર્યું છે કે બધી શોધ કરી ચૂક્યા છે તો હવે હું શું નવું કરીશ?’ આટલી ઉચ્ચ વિચારસરણી હોય તો તે નિબંધની કેવી વાટ લાગી હશે તેની કલ્પના નહીં કરીએ તે જ સારું છે. જો કે તે સમયે આઈડિયાઝ ઓછા સૂઝતા તેનું કારણ મને લાગે છે કે આપણી પર પ્રચંડ સંસ્કારનો ભાર હતો. `જે છે તેમાં ચલાવવું,’`ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા, ‘તેને કારણે આપણામાંથી મોટા ભાગના લોકો સતત સહન કરતા હતા. `એકાદ બાબત આવી છે’ ઠીક છે પણ `આ બાબત આવી કેમ નથી?’આ પ્રશ્ન આપણે પોતાને પૂછ્યો નહીં.`અરે’ને `કેમ રે’ કરવાનું નહીં ને. તેમાં પણ જેમણે અલગ માર્ગ અપનાવ્યો, જેમણે તેમને સૂઝેલા આઈડિયાઝને ફોલો-અપ કર્યું તેમની પાસેથી નવી-નવી બાબતો બની અને તેથી જ આજે જે કાંઈ સુસહ્ય જીવન આપણે જીવી રહ્યાં છીએ તે આવા અનેક લોકોની જીદનું અને ધ્યેયપૂર્તિનું રિઝલ્ટ છે અને તે માટે આપણે તેમના ઋણી છીએ અથવા હોવા જોઈએ.
છેલ્લા બે-ત્રણ દાયકામાં જો કે યુવાનોની માનસિકતા સારી એવી બદલાઈ ગઈ છે. `મળ્યું તે ભલું’ એ ઈતિહાસ જેવું થઈ ગયું છે. `વ્હાય? શા માટે? કેમ?’ આ પ્રશ્ન ખુલ્લેઆમ પૂછાવા લાગ્યા છે. તે પૂછવું હવે ગિલ્ટ ફીલ કરાવતું નથી. અન્યથા એક જમાનો હતો અથવા હજુ પણ અમુક પરિવારમાં તે હોઈ શકે (જેમણે બદલાઈ જવું જોઈએ). `જેટલું કહ્યુંને તેટલું કર. અમસ્તા જ ચંચૂપાત નહીં જોઈએ,’ `પ્રશ્ન પૂછવાના નહીં.’ આટલી ધાક અથવા ભય રહેતો કે નવેસરથી વિચાર કરવાની ગુંજાયશ નહોતી. આજની પેઢીને સહજ રીતે જે પ્રશ્ન પૂછે અને તેના ઉત્તરો શોધવાનો તેઓ પ્રયાસ કરે છે. તે માટે તેમને ખુલ્લું આકાશ મળે છે, તેટલું પ્રમાણમાં અગાઉ આપણને મળતું નહોતું.
અર્થાત, શિસ્ત પણ મહત્ત્વની હતી. આથી `હું જો જીવનમાં કાંઈ કરી નહીં શકી હોઉં અને તેનો દોષ હું મારાં માતા-પિતા પર અથવાગત પેઢી પર નાખું તો તે છટકબારી બનશે.’ જો કે આ થોડી જૂની ઘરેડની કુટુંબ સંસ્થા થોડું નુકસાન કરી ગઈ છે. એટલે કે, આજની ખુલ્લી કુટુંબ સંસ્થામાં બધું જ ઓલવેલ છે એવું નથી. પરંતુ `આઈડિયા’ એ મારો આજનો જે વિષય છે તે માટે ખુલ્લી કુટુંબ સંસ્થા, નવા વિચારોને વાચા આપનારી કુટુંબીઓની માનસિકતા, `આઈડિયાઝ’ પકડી રાખી સામાજિક-રાજકીય-આર્થિક પોષક વાતાવરણ એવી બાબત નવી પેઢી માટે બહુ સારી રીતે લાભદાયક નીવડી છે. તેનો સંપૂર્ણ ફાયદો તેઓ લઈ રહ્યા છે અને તેમને કારણે આપણી દુનિયા એકદમ આસાન બની ગઈ છે. અનેક બાબતોમાં વેડફાતો આપણો પ્રચંડ સમય બચવા લાગ્યો છે. અર્થાત આપણે આ બચેલા સમયનું શું કરીએ છીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. આત્મપરીક્ષણ કરવું જોઈએ. જો બચેલો સમય સોશિયલ મિડીયા પર વપરાતો હોય તો અન્યાય છે, જેમણે આ સિંપલ સોલ્યુશન્સ નિર્માણ કર્યા છે તેમની પર, કારણ કે તેમનો હેતુ એ જ છે કે એકાદ બાબત પર નાહક વેડફાતો સમય બચાવો અને આપણા બચેલા સમયમાં આપણે પોતાના માટે, કુટુંબ માટે, આપણા કરિયર માટે, સમાજ માટે અથવા દેશ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમ કાંઈક હકારાત્મક યોગદાન આપવું. સો, જસ્ટ બી કેરફુલ.
અગાઉ દુનિયાભરમાં ફરતી વખતે, સમય હોય તો જે તે દેશ અથવા શહેરમાં હું`આઈકિયા’માં જતી. તેમના તે સિંપલ મસ્ત-મસ્ત આઈડિયાઝ અને સોલ્યુશન્સ જોવાની મજા આવતી. એટલે કે, અમુક બાબતો જોઈને એવું લાગતું કે, `અરે, ઈટ્સ સો સિંપલ અને આપણે તે બાબત બનાવડાવી લેવા કેટલા મથામણ કરીએ છીએ અને આપણો સમય પણ તેની પાછળ વેડફાય છે.’ બહારના દેશમાં જનરલી મારો સાંજે કાર્યક્રમ હોય અથવા ગેસ્ટને મળવાનું હોય છે. સવારે જો કોઈ એસોસિયેટની મિટિંગ નહીં હોય તો ત્યાંના આઈકિયામાં અચૂક પહોંચી જાઉં છું. હવે એમેઝોન પર આ બધું ઉપલબ્ધ છે પણ ત્યાં લોગ ઈન કરવાનો ડર લાગે છે. નહીં જોઈએ તે વસ્તુઓ ખરીદી કરવાનો મોહ થાય છે. આઈકિયા જેવી બીજી મનગમતી જગ્યા એટલે `મુજી.’ તે નાના-નાના સિંપલ સસ્ટેનેબલ સોલ્યુશન્સની શું વાત છે! કપડાંનું શોપિંગ હું કરતી નથી, પરંતુ આ નવા-નવા સોલ્યુશન્સ સ્ટોર્સ જોવાનું અથવા વિંડો શોપિંગ કરવાનો મારો શોખ છે. શું મસ્ત દુનિયામાં આપણે છીએ! આ સોલ્યુશન્સ નહોતા તે સમયની દુનિયા આપણે જોઈ છે, જેથી આપણે વધુ કૃતજ્ઞ છીએ આ સર્વ યુવાનો પ્રત્યે, તેમણે નિર્માણ કરેલા સિંપલ સોલ્યુશન્સ પ્રત્યે અને આપણું જીવન સુસહ્ય બનાવ્યું તે માટે. ભલે આપણને આવા સોલ્યુશન્સની જરૂર હોય કે નહીં હોય, ક્યારેક શહેરના એકાદ મોટા મોલમાં જવાનું, સતર્ક રહેવાનું, શું નવું નવું નિર્માણ થયું છે તે જોવાનું, ખુલ્લા મનથી કહેવાનું,`ઓહ, ઈટ્સ સો સિંપલ, હાઉ કમ,મને તે કેમ સૂઝ્યું નહીં!’
અરાઉન્ડ દ વર્લ્ડ
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
મુંબઈ: સ્વર્ગસ્થ અભિનેતા ઇરફાન ખાન આજે પણ તેમના સિનેમા દ્વારા લોકોની યાદોમાં જીવંત છે. ચાહકો તેને યાદ કરે છે. અભિનયની સાથે તેઓ તેમના દયાળુ સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા. મહારાષ્ટ્રના એક ગામમાં અભિનેતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ ગામના લોકોએ ઇરફાનની યાદમાં પોતાના ગામનું નામ રાખ્યું છે.
ગામનું નવું નામ ‘હીરો ચી વાડી’ છે.
મહારાષ્ટ્રના ઇગતપુરી વિસ્તારના ગ્રામજનો ઇરફાન ખાનના એટલા મોટા ચાહકો છે કે તેઓ અભિનેતાની ફિલ્મો જોવા માટે 30 કિલોમીટર દૂર મુસાફરી કરતા હતા. હવે આ ગામનું નામ અભિનેતાની યાદમાં બદલાઈ ગયું છે. તેનું નામ હવે ‘હીરો ચી વાડી’ થઈ ગયું છે. આ ગામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવે છે.
ઇરફાન ગામલોકોને મદદ કરતા હતા
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના આ ગામના લોકોને ઇરફાન ખાને ખૂબ મદદ કરી. ગ્રામજનોએ અભિનેતાના યોગદાનને માન આપવા માટે એક અનોખી રીત પસંદ કરી. હકીકતમાં, ઇગતપુરી તાલુકામાં ઐતિહાસિક ત્રિલંગવાડી કિલ્લાની નજીકનો એક વિસ્તાર અગાઉ પત્રિયાચા વાડા તરીકે ઓળખાતો હતો. દિવંગત અભિનેતાના માનમાં તેનું નામ બદલીને ‘હીરો ચી વાડી’ રાખવામાં આવ્યું છે. તેનો અર્થ ‘હીરોનો પડોશી’ થાય છે. ‘ધ કલ્ચર ગલી’ (@theculturegully) નામના હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપવામાં આવી છે.
ગ્રામજનોને અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી
ગ્રામજનોએ ઇરફાનના માનમાં આ નિર્ણય લીધો છે. ઇરફાન લગભગ 15 વર્ષથી આ ગામમાં એક ફાર્મહાઉસના માલિક હતા. તેમણે ગ્રામીણ સમુદાયને પણ ઘણી મદદ કરી. સ્વર્ગસ્થ અભિનેતાએ ગામમાં એમ્બ્યુલન્સ પૂરી પાડી હતી. કોમ્પ્યુટર અને પુસ્તકોનું દાન કર્યું. ખરાબ હવામાન દરમિયાન બાળકોને રેઈનકોટ અને સ્વેટર આપો. તેમણે શાળાના બાંધકામ માટે નાણાકીય સહાય પણ આપી. 29 એપ્રિલ 2020 ના રોજ, ઇરફાનનું ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર નામના કેન્સરને કારણે અવસાન થયું.
દિલ્હી વિધાનસભામાં નજફગઢનું નામ બદલવાની માંગ ઉઠી છે. ભાજપના ધારાસભ્ય નીલમ પહેલવાને નજફગઢનું નામ બદલીને ‘નાહરગઢ’ કરવાની માંગ ગૃહમાં ઉઠાવી. આ અંગે ભાજપના આરકે પુરમના ધારાસભ્ય અનિલ શર્મા પણ સંમત થયા અને મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મુઘલ શાસક ઔરંગઝેબે આ સ્થળનું નામ બદલી નાખ્યું હતું, જે હવે સુધારવાની જરૂર છે.
નામ બદલવાની માંગને ભાજપનું સમર્થન
અનિલ શર્માએ કહ્યું કે તેમના વિધાનસભા ક્ષેત્રમાં પણ એક ગામ છે, જેનું નામ બદલવું જોઈએ. તેમણે કહ્યું, “હું ટૂંક સમયમાં ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવીશ. જો ઇતિહાસમાં કોઈ સ્થળનું નામ ખોટી રીતે બદલાઈ ગયું હોય, તો કોઈ તેને સુધારવાની તસ્દી કેમ લેશે?” ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, “યોગીજીએ અલ્હાબાદનું નામ બદલી નાખ્યું, તેમાં શું ખોટું છે? નામોમાં સુધારો જરૂરી છે.”
મુસ્તફાબાદનું નામ બદલવા પર પણ સહમતિ થઈ
અનિલ શર્માએ દિલ્હીના બીજા વિસ્તાર મુસ્તફાબાદનું નામ બદલવાની માંગને પણ ટેકો આપ્યો. અગાઉ ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે મુસ્તફાબાદનું નામ બદલવાની વાત કરી હતી.
નામ બદલવાનો મુદ્દો કેમ ઉભો થાય છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઘણા શહેરો અને સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. યુપીમાં, અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, ફૈઝાબાદનું નામ અયોધ્યા અને મુઘલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંકશન રાખવામાં આવ્યું. ગુજરાતમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ભાજપ અને હિન્દુ સંગઠનોનું માનવું છે કે મુઘલ કાળ દરમિયાન જે સ્થળોના નામ બદલવામાં આવ્યા હતા, તેમને હવે તેમના પ્રાચીન નામ પાછા મળવા જોઈએ. જોકે, આના પર ઘણું રાજકારણ થઈ રહ્યું છે અને વિપક્ષ તેને વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનું કાવતરું ગણાવે છે. હવે દિલ્હીમાં નજફગઢ અને મુસ્તફાબાદના નામ બદલવાની માંગ સાથે આ મુદ્દો ફરી ગરમાયો છે. સરકાર આ અંગે શું નિર્ણય લે છે તે જોવુ રહ્યું.