Home Blog Page 1121

જાણો રોહિત શર્મા પર વિવાદિત ટિપ્પણી મામલે BCCI એ શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર વિવાદિત કોમેન્ટ કરતી પોસ્ટ કરવી કોંગ્રેસ નેતા શમા મોહમ્મગને ભારે પડી હતી. રોહિત શર્માના ચાહકો દ્વારા ટ્રોલ થયા બાદ તેમણે પોસ્ટ ડિલેટ પણ કરી હતી. કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે ભારતીય કેપ્ટનની ફિટનેસ પર સવાલ ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ભારતીય કેપ્ટનને વજન ઘટાડવાની સલાહ આપી દીધી હતી. એટલું જ નહીં, શમા મોહમ્મદે તો એટલે સુધી કહી દીધું હતું કે ‘રોહિત ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી અપ્રભાવી કેપ્ટન પણ છે.’ ખૂબ ટ્રોલ થયા બાદ તેમણે પોતાની પોસ્ટને ભલે ડિલીટ કરી દીધી પરંતુ તેને લઈને હોબાળો મચી ગયો છે અને હવે તો બીસીસીઆઈએ પણ શમા મોહમ્મદને જડબાતોડ જવાબ આપ્યો છે.

બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ શમા મોહમ્મદને જવાબ આપતાં કહ્યું કે ‘આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક જવાબદાર વ્યક્તિએ આ પ્રકારની કમેન્ટ કરી છે, જે એક આવા ખેલાડી માટે ખૂબ અપમાનજનક અને નુકસાનકારક છે, જે એક મહત્વની આઈસીસી ટુર્નામેન્ટ રમી રહ્યો છે. ટીમના તમામ ખેલાડી ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે અને આ પ્રકારના બિનજવાબદાર નિવેદનો ખોટો પ્રભાવ પડી શકે છે. મને આશા છે કે કોઈ પણ મહત્વના સંગઠનની કોઈ પણ જવાબદાર વ્યક્તિ પોતાની અંગત લોકપ્રિયતા માટે ટુર્નામેન્ટ દરમિયાન આ પ્રકારની ટિપ્પણી કરશે નહીં, જે ટીમના પ્રદર્શનને નુકસાન પહોંચાડે.’ ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વ્યસ્ત છે. તેની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં ભારતનો સામનો ચાર માર્ચે ઓસ્ટ્રેલિયાથી થશે.

કોંગ્રેસ પ્રવક્તાને રોહિત શર્મા પર ટિપ્પણી પડી ભારે, પોસ્ટ કરવી પડી ડિલીટ

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પણ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવીને અજેય લીડ મેળવી છે. આ દરમિયાન, કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અંગે એક નિવેદન આપ્યું છે, જેના માટે તેમની ભારે ટીકા થઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કેપ્ટન રોહિત શર્માને ખેલાડી તરીકે જાડો ગણાવ્યો છે. આ ઉપરાંત તેમણે રોહિત શર્માને અત્યાર સુધીનો ભારતનો સૌથી બિનઅસરકારક કેપ્ટન ગણાવ્યો છે.

જોકે, શમા મોહમ્મદના આ નિવેદન બાદ ભાજપે તેની આકરી ટીકા કરી છે. ભાજપના નેતાઓએ આના પર પ્રહાર કર્યા છે અને તેને કોંગ્રેસની વિચારસરણી ગણાવી છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ શમા મોહમ્મદના આ પદથી પોતાને દૂર રાખ્યા છે. કોંગ્રેસ કહે છે કે તે દેશના ખેલાડીઓનું સન્માન કરે છે. આ સાથે, કોંગ્રેસે શમા મોહમ્મદને તેમની પોસ્ટ ડિલીટ કરવા માટે પણ કહ્યું છે, ત્યારબાદ શમા મોહમ્મદે X પરની તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

શમા મોહમ્મદે સ્પષ્ટતા આપી
સમગ્ર વિવાદ પર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે કહ્યું, “મેં કોઈનું અપમાન કરવા માટે ટ્વીટ કર્યું નથી. તે ટ્વીટમાં મેં કહ્યું હતું કે એક ખેલાડી તરીકે, તેનું (રોહિત શર્મા) વજન વધારે છે. આ બોડી શેમિંગ નથી. મેં કહ્યું હતું કે તે એક બિનઅસરકારક કેપ્ટન છે કારણ કે મેં તેની સરખામણી અગાઉના કેપ્ટનો સાથે કરી હતી. જ્યારે વિરાટ કોહલી મોહમ્મદ શમી સાથે ઉભો હતો, ત્યારે ભાજપના લોકોએ તેના પર હુમલો કેમ કર્યો? તે એક સારો કેપ્ટન હતો, તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે અને રન બનાવે છે. જ્યારે બીજી ટીમના ખેલાડીઓ સારું કરે છે ત્યારે તે તેમની પ્રશંસા પણ કરે છે. મારા મતે, વિરાટ એક સારો કેપ્ટન છે. આજકાલ, વડા પ્રધાન પણ ફિટ ઇન્ડિયા વિશે વાત કરે છે. ખેલાડીઓ ફિટ હોવા જોઈએ.”

ભાજપે શમા પર નિશાન સાધ્યું
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદના આ નિવેદન પર ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું,”રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીથી પ્રેરણા લઈને કોંગ્રેસ પાર્ટીએ ભારતીય ક્રિકેટ ટીમ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ નિવેદન કોઈ સંયોગ નથી, તે એક વિચારપૂર્વકનો પ્રયોગ છે. કોંગ્રેસે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી અને કરશે પણ નહીં. કોંગ્રેસ ભારતને નફરત કરે છે. આ પ્રેમની દુકાન નથી, પણ નફરતની દુકાન છે.”

સ્ટેથોસ્કોપ છોડી, તબીબોએ કરી ફોટોગ્રાફિની પ્રેક્ટિસ

સુરત: ડોક્ટરની લાઇફ સતત કામથી ભરેલી હોય છે. ઘણીવાર પોતાના માટે પોતાના પરિવાર માટે પણ સમય મળતો નથી. આવા સંજોગોમાં ડોક્ટરના મનોરંજન માટે ડોક્ટર ગ્રુપ દ્વારા જ સુરતમાં કેટલીક સંસ્થાઓ બની છે. જેમાં મનોરંજનના કાર્યક્રમો સાથે સામાજિક કાર્યો પણ થતા હોય છે. એક એવું જ ડોક્ટરનું ગ્રુપ એટલે, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિયેશન.આ તબીબોના એસોસિએશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ યોજાયો હતો. રવિવારની વહેલી સવારે સુરતના રળિયામણા ડુમસ દરિયા કિનારા નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં આ વર્કશોપ યોજાયો હતો. જેમાં તજગ્ન દ્વારા ફોટોગ્રાફી વિશે જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.ફોટો કેમ પાડવો?, લાઈટ સેટિંગ, લેન્સ, સ્કેનર, મેગા પિક્સલ દરેક બાબતે તબીબોએ રસપૂર્વક માહિતી મેળવી હતી. હાલમાં ઓન ડિમાન્ડ મીરર લેસ કેમેરા વિશે પણ માહિતી મેળવી હતી. દોઢ કલાકના આ સેશન બાદ તબીબોએ આસપાસના વિસ્તારમાં ફોટોગ્રાફી કરવાનો આનંદ પણ લીધો હતો.

એસોસિએશનના પ્રમુખ અને કાર્યક્રમનાં આયોજક ડૉ. પરેશ કોઠારી ચિત્રલેખા.કોમને કહે છે, ‘કામના ભારણના કારણે તબીબોની લાઇફ કેટલીક વાર સ્ટ્રેસફુલ હોય છે. અમે ગીત સંગીત, નાટક, ફિલ્મ જેવા કાર્યક્રમો સાથે નવું જાણવા શીખવા મળે એવા આશયથી વિવિધ પ્રકારના વર્કશોપ પણ કરીએ છીએ. આ ફોટો ગ્રાફી વર્કશોપ પણ એના ભાગ રૂપે થયો હતો.’

ગ્રુપમાં ઘણા ડોક્ટર એવા છે જેમની પાસે કેમેરા છે પણ હવે આ વર્કશોપ થી નોલેજ મેળવીને એ વધુ સારી રીતે પોતાના શોખને કેળવશે. વર્કશોપ બાદ પ્રકૃતિના શીતળ છાંયડામાં નાસ્તો કરીને સૌ છુટા પડ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

IPL 2025: KKRના નવા કેપ્ટન અને વાઈસ કેપ્ટન જાહેર, જાણો ક્યા ખેલાડીને મળી કમાન

IPL 2025: જેમ જેમ IPL નજીક આવી રહ્યો છે. તેમ તેમ ચાહકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. આ વચ્ચે અવાર નવાર IPLની ટીમો લગતા સમાચાર ઉત્સુક્તામાં પણ વધારો કરી રહ્યા છે. કોલકાત નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ -2025ની સિઝનની શરૂઆતામાં મોટી જાહેરાત કરી છે. કેકેઆરે ટીમના નવા કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન તરીકે વેંકટેશ ઐય્યરના નામની જાહેરાત કરી છે.

IPLમાં અત્યાર સુધી રમાયેલી સિઝન અને મેચોમાં અજિંક્ય રહાણે કેકેઆરના 9માં સુકાની છે. તેના પહેલા સૌરવ ગાંગુલીએ 27 મેચમાં, બ્રેડન મૈક્કુલમ 13 મેચમાં, ગૌતમ ગંભીર 122 મેચમાં, જેક્સ કાલીસ બે મેચમાં, દિનેશ કાર્તિક 37 મેચમાં, ઈયોન મોર્ગન 24 મેચમાં, શ્રેયસ ઐય્યર 29 મેચમાં અને નીતીશ રાણા 14 મેચમાં કેપ્ટનશીપ નિભાવી હતી. આઈપીએલની અગાઉની સિઝનમાં રહાણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમ્યો હતો. ફ્રેન્ચાઈઝીએ તેને રિલિઝ કરી દીધો હતો. આવી સ્થિતિમાં કોલકાતાના ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ-2025ના મેગા ઓક્શનમાં રહાણેને બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો છે. તેમની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી. બીજીતરફ કેકેઆરએ વેંકટેશ ઐય્યરને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. ઐય્યર સતત કેકેઆરની ટીમમાં જ રમી રહ્યો છે. જોકે ફ્રેન્ચાઈઝીએ ગત સિઝનમાં તેને રિલિઝ કરી દીધો હતો અને હવે મેગા ઓક્શમાં તેને ફરી ખરીદ્યો છે. કોલકાતાએ વેંકટેશને ફરી ખરીદવા માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ વર્તમાન સિઝનમાં કેકેઆરની ટીમમાં વેંકટેશ જ સૌથી મોઘો ખેલાડી છે.

ગુજરાતનાં રાજ્યપાલની તબિયત નાદુરસ્ત, રાજકોટના કાર્યક્રમ રદ

રાજકોટ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત એકાએક નાદુરસ્ત થઈ જતાં તેમની રાજકોટ મુલાકાત સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યપાલ 4 માર્ચના રોજ રાજકોટની મુલાકાતે જવાના હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 પદવીદાન સમારોહમાં હાજરી આપવાના હતા.આ ઉપરાંત ગિરગંગા ટ્રસ્ટ દ્વારા નિર્મિત જળસંચયના એક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. આ બંને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. ત્યાં જ રાજભવનથી સૂચના મળી કે રાજપાલ તેમની નાદુરસ્ત તબિયતને કારણે આવી શકશે નહી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પદવીદાન સમારંભ  4 માર્ચે યોજાશે. પરંતુ રાજ્યપાલ ઉપસ્થિત નહીં રહે તેવી જાહેરાત કરી છે. જ્યારે ગીર ગંગા ટ્રસ્ટે તેમના તમામ ક્રાયક્રમો જ રદ કર્યા છે. હવે ફરી રાજ્યપાલ સમય આપશે ત્યારે ફરી યોજશે તેવું પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )

રામમંદિર પર હુમલાનું પાકિસ્તાનનું ષડયંત્રઃ બે આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હીઃ હરિયાણાના ફરીદાબાદથી સંદિગ્ધ આતંકવાદી અબ્દુલ રહેમાને પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. અબ્દુલ રહેમાને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અયોધ્યામાં રામ મંદિર પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે, એમ સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું.

હાલ પોલીસે   હેન્ડગ્રેનેડ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.  ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે.

ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદી અબ્દુલ રહમાન યુપીનો રહેવાસી છે. અન્ય એક શકમંદની પૂછપરછ શરૂ છે. આતંકવાદીઓ વિરુદ્ધ હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત ATSના અધિકારીઓ પણ વધુ તપાસ માટે હરિયાણા જશે. આતંકવાદીઓ પાસેથી ઉર્દૂ લખાણવાળી વસ્તુ પણ મળી આવી છે. ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ATS ને ઉત્તર પ્રદેશથી માહિતી મળી હતી કે બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થાં સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. આ બાતમીને આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ ISIએ અબ્દુ રહેમાનને આ હુમલા માટે તાલીમ આપી હતી. અબ્દુલ સતત ISIના સંપર્કમાં હતો. અબ્દુલ મૂળ અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે. અહીં તે શંકરના નામે રહેતો હતો.

આ મામલે હરિયાણા STF માં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATS ના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્યની સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માગતા હતા? આ સિવાય આ આતંકવાદીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.

 

રણવીરને વિભદ્ર કોમેટ મામલે SCની ટકોર, શો કરવાની મંજૂરી આપી

રણવીરે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા શોને ફરી શરૂ કરવાની માગ કરતી અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે. ઈન્ડિયા ગોટ લેટેન્ટ કેસમાં રણબીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રણવીરને આ શો ફરી શરૂ કરવા મંજૂરી આપી છે. અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પ્રતિબંધના આદેશમાં સુધારો કરવાની માંગ કરતાં જણાવ્યું હતું કે, ‘આ શો સાથે 280 કર્મચારીઓ જોડાયેલા છે. તેમનો જીવનનિર્વાહ આ શોથી જ ચાલી રહ્યો છે. આ તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન છે.’

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, ‘એક વ્યક્તિ છે જે હાલ 75 વર્ષનો છે. તે એક હાસ્ય શો કરે છે. જેને આખો પરિવાર સાથે મળીને જોઈ શકે છે. આ એક પ્રતિભા છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિભા નથી. એવા ઘણા હાસ્ય કલાકારો છે, જે સારા વ્યવહાર મારફત ટીકાઓ, ટીખળ કરતાં હોય છે. સરકારની ટીકા પણ સારા શબ્દોમાં કરી લોકોને મનોરંજન પૂરુ પાડતા હોય છે. તમારી પાસે વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર  છે, એટલે તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ બોલો. આ શો તમામ વયજૂથના લોકો જુએ છે. બાળકો, બહેન-દિકરી, માતા-પિતા તમામ લોકો આ શો જુએ છે. હાસ્ય અને મનોરંજન માટે રચનાત્મક્તા અને પ્રતિભા જરૂરી છે. અભદ્ર ભાષા નહીં.’

સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર સુપ્રીમ કોર્ટે મોટું પગલું લેતાં નૈતિકતા અને આઝાદી વચ્ચે સંતુલન જાળવી રાખતો નિયમ ઘડવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે. કેન્દ્ર સરકારને આ પ્રકારના નિયમો પર વિચારણા કરવા કહ્યું છે. તેમજ તેના માટે મીડિયા સહિત હિતધારકોની સલાહ લેવા પણ ભલામણ કરી છે. કોર્ટે કહ્યું કે, હાસ્ય એ એક વસ્તુ છે, જેનો આનંદ આખો પરિવાર લઈ શકે છે. જ્યાં ટેલેન્ટ હોય તો અભદ્ર ભાષાની જરૂર નથી.’

જસ્ટિસ કાંતે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરે પર લેખ લખી રહ્યા છે. અમે જાણીએ છીએ કે તેમને કેવી રીતે હેન્ડલ કરવાં. દરેક મૂળભૂત અધિકાર પછી ફરજ આવે છે. અને પ્રતિબંધો પણ હોય છે. પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ મહારાષ્ટ્ર સાયબર પોલીસને આપેલા નિવેદનમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી કે, તેણે વિવાદિત નિવેદન આપીને ભૂલ કરી છે. યુટ્યુબ શો દરમિયાન અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીને કારણે વિવાદ ઊભો થયો હતો. મહારાષ્ટ્ર સાયબર અને મુંબઈ પોલીસ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ કરી રહી છે. અલ્હાબાદિયાએ માતા-પિતા અને સંભોગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેની દેશભરમાં વ્યાપક ટીકા થઈ હતી અને આ મામલે FIR નોંધવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પણ રણવીર સામે લોકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયા પર રણવીર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આ લાછુબેને ક્યારેય પાછુ વાળી નથી જોયું…

કોઈપણ વ્યક્તિ જો દ્રઢ નિશ્ચય કરી લે તો તેને પોતાના સપના પૂરા કરવાથી કોઈ રોકી શકે નહીં. સાથે જ સપના પૂરા કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર ફક્ત એક સંખ્યા છે એ વાત સાબિત કરી છે 51 વર્ષીય લાછુબેન મસરીભા પરમારે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં શ્રી કારડિયા રાજપૂત સમાજ કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં વ્યાયમ શિક્ષક તરીકે કાર્યરત છે. હાલમાં જ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ હેમર થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ છેલ્લા સતત પાંચ વર્ષથી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા આવ્યા છે. સતત પાંચમી વખત મેળવીને તેમણે ઐતિહાસિક રેકોર્ડ પ્રાપ્ત કરેલ છે.

આજે ચિત્રલેખા.કોમના દીવાદાંડી વિભાગમાં આપણે વાત કરીએ લાછુબેન પરમાર વિશે…

લાછુબેન એક ખેડૂત પુત્રી છે. તેઓ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ગોતાણા ગામના વતની છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ ગામમાં જ કર્યો અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો અભ્યાસ સીમાર તથા ચોરવાડ હાઈસ્કૂલમાં. શારદાગ્રામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે.

રમત-ગમત ક્ષેત્રમાં પોતાની રુચિ વિશે વાત કરતા લાછુબેન કહે છે, “મને પહેલેથી જ સ્પોર્ટસમાં ખૂબ રસ હતો, રમત-ગમત ક્ષેત્રે આગળ વધવું, કંઈક કરવું એવો મારો શોખ હતો. શાળાના અભ્યાસ દરમિયાન લોંગ જમ્પ, કબડ્ડી, ક્રિકેટ રમવા મને ખૂબ જ ગમતા હતા. મારું સપનું હતું કે રમત-ગમતમાં ભાગ લઈને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરું. પરંતુ મારા માટે આ વાત સ્વપ્ન જ રહી ગઈ. કારણ કે જે-જે શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાં કોઇ એવા શિક્ષક જ ન મળ્યા કે જેમણે પ્રોત્સાહન આપ્યું હોય કે, આગળ વધવા માટેનો રસ્તો બતાવ્યો હોય. રમત-ગમતમાં કોઈપણ સ્પર્ધામાં શાળા કક્ષાએ મેં ભાગ જ ન હતો લીધો. જો કે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે તે વાત તો નિશ્ચિત જ હતી. કોલેજ પૂરી કરીને મેં અમરાવતી યુનિવર્સિટીમાં યવતમાલ જિલ્લામાં આવેલી બી.પી.એડ (બેચલર ઓફ ફીજીકલ એજ્યુકેશન) કોલેજમાં ભાગ લીધો હતો. મારી રૂચિના કારણે મેં B.P.Ed. 90 ટકા માર્કસ સાથે ઉતીર્ણ કર્યું હતું.”

હાલમાં લાછુબેન વ્યાયામ શિક્ષક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત છે. તેઓ 2002થી વઢવાણમાં શ્રી કારડિયા રાજપૂત સમાજ કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એ જ્યારે વ્યાયામ શિક્ષક બન્યા ત્યારે જ તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાને શાળા અભ્યાસ દરમિયાન જે તક  મળી ન હતી તે પોતાના વિદ્યાર્થીઓને આપશે. પોતે દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓને આગળ વધવામાં મદદ કરશે.

જો કે લાછુબેનના જીવનમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે રાજ્ય સરકારે શરૂ કરેલ ખેલ મહાકુંભમાં શિક્ષકો માટેની પણ અલગ સ્પર્ધાઓ યોજાઈ. આ વિશે વાત કરતા લાછુબેન કહે છે, “સૌપ્રથમ વખત 45 વર્ષની વયે નવેમ્બર-2017માં મેં ખેલ મહાકુંભમાં એક ટીચર તરીકે એથ્લેટિક્સમાં ફેંક વિભાગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌપ્રથમ વખત ભાગ લીધો હોવા છતાં હેમર થ્રોમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પછી તો મેં ક્યારેય પાછું વળીને જોયું જ નથી. માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ત્રણ-ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સતત ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં પ્રથમ આવી છું. 2020થી રાષ્ટ્રીય કક્ષાએ છેલ્લાં સતત પાંચ વર્ષથી હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમજ ઈન્ટરનેશનલ હેમર થ્રો સ્પ્રધામાં શ્રીલંકા ખાતે સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કરેલ છે. તાજેતરમાં મલેશિયા ખાતે પણ આતંરરાષ્ટ્રીય જ્વેલિન થ્રો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.”

લાછુબેનનું માનવું છે કે, જીવનમાં આજે તેઓ જે થોડી ઘણી સફળતા મેળવી શક્યા છે. તેમાં તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો છે. તેઓ કહે છે, “હું ધોરણ-12માં અભ્યાસ કરતી હતી ત્યારે મારા માતાનું અવસાન થયું હતું. તે સમયે મારાથી મોટા એક ભાઈ અને મોટા એક બહેનના લગ્ન થયેલા હતા. મારાથી નાની ચાર બહેનો અને એક નાના ભાઈની જવાબદારી મારા પર આવી ગઈ હતી. તે સમયે સૌથી નાનો ભાઈ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અત્યારે એ જ નાનો ભાઈ એક્સ આર્મીમેન છે. કારગીલ યુદ્ધ વખતે તેણે ખૂબ જ સારી કામગીરી કરી હતી. મારાથી નાની બહેન હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. છે.

અમારા માતાના અવસાનના કારણે થોડીક જવાબદારીઓ વધી ગઈ હતી. પરંતુ પિતાજીનો ખૂબ જ સપોર્ટ હતો. તેઓ એક ખેડૂત છે. પરંતુ સાથે-સાથે જીવનમાં આગળ વધવા માટે અમને ભાઈ-બહેનોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. મારા પિતાજીએ સિનિયર સીટીઝનના એથ્લેટિક્સ વિભાગમાં રાજ્યકક્ષાએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ ફેંક વિભાગમાં મેળવેલા છે. 88 વર્ષની ઉંમરે પણ મેડલો મેળવી તેઓ આજના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવી દિશા બતાવી રહ્યા છે.”

 

લાછુબેન આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત વિભાગમાં નામ રોશન કરવાની સાથે-સાથે પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.  ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં લાછુબેનની વિદ્યાર્થિનીઓ વિજેતા બની રહી છે. રમત-ગમત ક્ષેત્રે શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી રહી છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

મિલકતની ટ્રાન્સફર ફીને લઈ સરકારે ઘડ્યા નવા નિયમો

ગાંધીનગરઃ રાજ્યમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ છે, જે સહકારી કાયદા હેઠળ સંચાલિત થાય છે. ઘરના ખરીદ-વેચાણ સમયે સોસાયટીઓ દ્વારા વસૂલાત થતી ટ્રાન્સફર ફી અંગે લાંબા સમયથી અનેક ફરિયાદો આવી રહી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવતાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી કે હાઉસિંગ સોસાયટીઓ દ્વારા વધારે ટ્રાન્સફર ફી વસૂલાતી હોવાના અનેક કેસો સામે આવ્યા હતા. આ મુશ્કેલી દૂર કરવા માટે રાજ્ય સરકારે 2024માં સહકારી કાયદામાં સુધારા કર્યા છે.

સરકારના નવા નિયમો અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ હવે ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા જેટલી ફી જ વસૂલી શકશે. એથી વધુ રકમ વસૂલવાની સોસાયટીઓને મંજૂરી રહેશે નહીં.આ નિયમથી સોસાયટીઓને એ સ્વતંત્રતા મળશે કે તેઓ પોતાની પરિસ્થિતિ મુજબ આ ફીમાં ઘટાડો કરી શકે. પરંતુ કોઈ પણ સંજોગોમાં તેઓ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ફી વસૂલી શકશે નહીં. આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓમાં કારભાર વધુ પારદર્શક અને નિયમિત બનશે.

આ નવા નિયમ મુજબ જો મિલકત કાયદેસર વારસદારોને અવેજ વગર ટ્રાન્સફર કરવામાં આવે, તો કોઈ પણ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં. તદુપરાંત, સોસાયટીઓ ડેવલપમેન્ટ ચાર્જ, દાન અથવા અન્ય કોઈ નામે કોઈ વધારાની રકમ પણ ટ્રાન્સફર સમયે લઈ શકશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓના કારભારમાં શિસ્ત લાવાશે અને લાખો સભાસદોને આર્થિક રાહત મળશે. આ પગલાને રાજ્યભરમાં વધાવા મળ્યો છે અને તેને સભાસદોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

ગુજરાત ATSને મળી મોટી સફળતા, આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલા બે લોકોને દબોચ્યા

ગુજરાત ATS આતંકી ગતિવિધી સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવામાટે સતત કાર્યરત રહે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં તમામ ખુણે ગુનાખોરીને ડામવા માટે ATS કટીબધ્ધ છે. ATSને ફરી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત ATS સહિતના હરિયાણાની સુરક્ષા એજન્સી STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સંયુક્ત કાર્યવાહીથી આતંકી ગતિવીધ સાથે સંકળાયેલા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગુજરાત ATSને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખ્સો હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં. સમગ્ર મામલે હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATSના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.