Home Blog Page 1110

PM મોદીનો સુરત પ્રવાસ: રોડ શો માટે તડામાર તૈયારીઓ, 1 લાખથી વધુ લોકો ઉમટવાની શક્યતા

સુરત: 7 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવાસાથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે.

શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે 8000 પૈકી 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

PM મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા 30થી વધુ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.લિંબાયત વિસ્તાર મીની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગિરિ સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે. 7 માર્ચના દિવસે 30 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે.

બંધ કરાયેલા સીટી બસ અને brts રૂટ 

  • ઉધનાથી સચીન જીઆઈડીસી
  • ઓએનજીસી-સરથણા નેચર પાર્ક
  • ઓએનજીસી કોલોની કોસાડ ઇ.ડબ્લ્યુ.એસ એચ-2
  • અલથાણ ડેપો ટર્મિનલ-અલથાણ ડેપો ટર્મિનલ (એન્ટિક લોકવાઇઝ)
  •  અલથાણ ડેપો-અલથાણ ડેપો (કલોકવાઈઝ)
  • કોસાડ ડેપો-સચિન જી.આઈ.ડી.સી
  • ખરવરનગર-કોસાડ
  • જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ-અલથાણ ડેપો ટર્મિનલ
  • કામરેજ ટર્મિનલ-સચિન સવે સ્ટેશન
  • અડાજણ જી.એસ.આર.ટી.સી ગ્રૂપ (લોકવાઈઝ)
  • અડાજણ જી.એસ.આર.ટી.સી (એન્ટિ-ક્લોકવાઇઝ)
  • અભવા ગામ-રેલ્વે સ્ટેશન (વાયા રીંગ રોડ)
  • રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા ભીમરાડ ગામ)
  • રેલ્વે સ્ટેશન-ખજોદ ગામ (વાયા રીંગ રોડ)
  • વી.એન.એસ.જી યુનિવર્સિટી-રેલ્વે સ્ટેશન
  • એરપોર્ટથી રેલ્વે સ્ટેશન
  • રેલ્વે સ્ટેશન ટર્મિનલ-ગેઈલ ઈન્ડિયા લિમિટેડ વીઆઈપી રોડ
  • ઉમરા ગામ-કાપોદ્રા (વાયા રીંગ રોડ)
  • ચોક ટર્મિનલ-રાજ અમ્પાયર ગોડાદરા
  • ચોક ટર્મિનલ-સીકે પીઠાવાલા એન્જી.કોલેજ
  • યોક ટર્મિનલ-ભીમપોર
  • ચોક ટર્મિનલ-કાદી ફળિયા ડુમસ
  • કોસાડ ગામ-વી.એન.એસ.જી યુનિવર્સિટી (વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ)
  • કતારગામ-લિંબાયત
  • ખરવરનગર-ડભોલી
  • ખરવરનગર-વેડ ગામ
  • ખરવરનગર-ઉન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
  • ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન
  • ખરવરનગર- ભેસ્તાન ગાર્ડન (વાયા બમરોલી)
  • ખરવરનગર-ભેસ્તાન ગાર્ડન (વાયા ગોવાલક
  • એસ.એમ.સી વોર્ડ ઓફિસ લિંબાયત-સંકલ્પ રેસીડન્સી
  • નીલગીરી સર્કલ લિંબાયત-સરથાણા નેચરપાર્ક
  • અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેરનાન ગાર્ડન
  • અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક-ભેસ્તાન (વાયા સુમન કેશવ)
  • ડીંડોલી-વી.એન.એસ.જી યુનિવર્સિટી
  • ઇસ્કોન સર્કલ-વી.એન.એસ.જી યુનિવર્સિટી
  • ગેલ કોલોની વેસુ-જહાંગીરપુરા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સૌથી મોટી મેચ એટલે કે ફાઇનલ 9 માર્ચે દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાશે. આ આવૃત્તિમાં આ બે ટીમો વચ્ચે આ બીજી ટક્કર હશે. આ પહેલા ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પણ આ બે ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. જોકે, આ મેચમાં બંને ટીમો પર દબાણ રહેશે કારણ કે ટ્રોફી દાવ પર લાગી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ કારણોસર મેચ રદ થાય છે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે.

 

જો ફાઇનલ રદ થાય તો ચેમ્પિયન કોણ બનશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીમાં વરસાદને કારણે 3 મેચ ધોવાઈ ગઈ છે. પરંતુ નોકઆઉટ મેચોમાં ICC કોઈપણ કિંમતે પરિણામ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે, જેના માટે ગ્રુપ સ્ટેજની તુલનામાં કેટલાક અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ વખતે ICC એ બંને સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખ્યો છે. એટલે કે જો આ મેચ 9 માર્ચે પૂર્ણ નહીં થાય, તો મેચ 10 માર્ચે પણ રમાશે. પરંતુ રમત નિર્ધારિત તારીખે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જો આ શક્ય ન હોય, તો રિઝર્વ ડે પર મેચ જ્યાંથી રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે.

બીજી તરફ, સેમિફાઇનલમાં નિયમ એ હતો કે જો મેચ રદ થાય છે તો ગ્રુપ સ્ટેજની ટોચની ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે. પરંતુ આ ફાઇનલમાં જોવા મળશે નહીં. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ફાઇનલ રદ થાય છે, તો ટ્રોફી વહેંચવામાં આવશે. એટલે કે બંને ટીમોને સંયુક્ત ચેમ્પિયન ગણવામાં આવશે. પરિણામ નક્કી કરવા માટે ડકવર્થ લુઈસ નિયમનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ માટે ઓછામાં ઓછી 25-25 ઓવરની મેચ પણ જરૂરી છે.

શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ક્યારેય રદ થઈ છે?

તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998 માં થઈ હતી અને અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર એવું બન્યું છે કે ફાઇનલ મેચ રદ કરવામાં આવી હોય. ખરેખર, 2002 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે રમાવવાની હતી. પરંતુ વરસાદને કારણે આ મેચ રમાઈ શકી નહીં અને બંને ટીમો વચ્ચે ટ્રોફી વહેંચવામાં આવી. તે સમયે પણ ફાઇનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો, પરંતુ પછી રિઝર્વ ડે પર શરૂઆતથી જ રમત રમાઈ હતી.

ભઈલા, થોડું સહન કરતાં શીખ…

મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઈ ત્યારે રણસંગ્રામમાં અર્જુનના રથ અને જીવનરથ બંનેની લગામ કેશવે સંભાળી હતી. એ સમયે અર્જુને પોતાના પરમ સખા અને સારથી એવા કેશવ, ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો રથ સમરાંગણની મધ્યમાં લેવા જણાવ્યું, જેથી તે જોઈ શકે કે શત્રુપક્ષમાં કોણ કોણ લડવા માટે ભેગા થયા છે.

સૈન્યની મધ્યમાં આવીને અર્જુને જ્યારે પોતાની સમક્ષ અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય તથા નિકટનાં સગાંસંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હચમચી ઊઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો ન લડવું સારું. આવું વિચારી એ પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની રથમાં બેસી પડ્યો.

એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે સંદેશ સંભળાવ્યો એ ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો. ગીતાના પ્રથમ અધ્યાયનું શીર્ષક પણ, ‘અર્જુન વિષાદયોગ’ આપવામાં આવ્યું છે. નિરુત્સાહી, ખિન્ન બની ગયેલા અર્જુનમાં યુદ્ધનું જોમ ફૂંકતાં કેશવે કહ્યું, “હે પાર્થ! આ તને શોભતું નથી, હૃદયની દુર્બળતા, શિથિલતા છોડી ઊભો થા અને લડવા માંડ.”

નિરાશાના અંધકારને ચીરતી કેવી બુલંદી સંભળાય છે આ શબ્દોમાં. અર્જુન જ્યારે શું કરવું અને શું ન કરવું એ દ્વિધામાં હતા, તો ભગવાન કહે છે કે “મનના માનેલા બધા મરમ મૂકી દે, અને મારા શરણે આવી જા.”

આપણી સાદી બોલીમાં કહીએ તો કૃષ્ણ કહે છે કે, “તું ટેન્શન ના લઈશ, બધી ચિંતા મારી ઉપર છોડી દે… બસ, હું કહું એમ કરવા માંડ. હું તને બધી સમસ્યાઓમાંથી બહાર કાઢી લઈશ.” કેવી ધરપત છે આ શબ્દોમાં

ભગવાન અર્જુનને કહે છે, “તું સહન કરતાં શીખ. ” વ્યક્તિત્વઘડતરની કેવી શૂરવીરતા પડઘાય છે આ શબ્દોમાં.

આપણને થાય કે, જીવનના રણમેદાનમાં પણ આપણને કેશવ મળી જાય તો? પણ એવા કેશવ, જે ખભે હાથ મૂકીને કહે, “હું બેઠો છું. તું ચિંતા ના કરીશ.” સતત કમ્ફર્ટ  શોધતા મનને ઢંઢોળીને જે કહે “ભઈલા, થોડું સહન કરતાં શીખ.”

મળે એક એવા કેશવ જેમનો આદેશ, ઉપદેશ જીવનની આંટીઘૂંટીઓમાં અંતિમ નિર્ણય બની જાય, જેમના વિશ્વાસે આપણે નિરાંતનો શ્વાસ લઈ શકીએ. નિષ્ફળતાના ઘેરા ‘ઘા’ને ભરવા જેઓ હૂંફાળી ઉપસ્થિતિ બની જાય, ભૂતકાળના ડંખ ભૂંસી નાખે, વર્તમાનમાં શ્રેષ્ઠ બનાવે અને ભવિષ્ય માટે નિશ્ચિંત બનાવી દે. એવા કેશવ, જે સાથે ઊભા હોય હોય તો આપણે પણ અર્જુનની જેમ ખોંખારીને કહી શકીએ કે, “જેની પડખે કેશવ ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય!”

નથી લાગતું કે માણસમાત્ર જીવનના સંગ્રામમાં આવા એક સમર્થ કેશવને ઝંખે છે? પણ એ કેશવ ખરેખર સમર્થ હોવા જોઈએ. બાકી તો “યાર, તું ચિંતા ના કર. હું બેઠો છુંને” એમ કહીને બેસી રહેવાવાળા બોલ બચ્ચન તો દુનિયામાં ડગલે ને પગલે મળી આવે છે.

ભગવાનની માનવજાત પર અસીમ કૃપા છે કે તેઓ આપણી વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપે સદા જીવંત રહે છે. સદનસીબે તે ઓળખી શકે છે. કેશવ કોઈનામાં રહીને બોલે છે, ચેતવે છે, સમજાવે છે, ઢંઢોળે છે, જગાડે છે, રાહ બતાવે છે, જો સમજાય તો.

હા, જીવનની આ યાત્રામાં કેશવ આપણી આસપાસ છે. આંખ, કાન અને હૃદય ખુલ્લાં રાખીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું તો ચોક્કસ ‘કેશવ’ આપણને મળશે – આસપાસમાં, પણ આપણી સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. ધ્યાન રાખજો, કેશવ કોઈકમાં રહીને બોલે છે, કોઈકમાં રહીને જુએ છે અને કોઈક દ્વારા ચેતવે છે. આપણને સૌને ‘કેશવ’ વહેલા મળે તેવી પ્રાર્થના.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કર્ણાટકમાં મુસલમાનોને સરકારી કોન્ટ્રેક્ટસમાં ચાર ટકા અનામતની તૈયારી

નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે સરકારી કોન્ટ્રેક્ટોમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ્સ (KTPP) એક્ટમાં સંશોધન કરીને લાગુ કરવામાં આવશે.  જોકે ભાજપે માઇનોરિટી અપીજમેન્ટ બતાવીને વિરોધ કર્યો છે. સત્તારૂઢ કોંગ્રેસનું કહેવું છે કે આ સામાજિક રીતે પછાત સમાજને ન્યાય આપવાનું પગલું છે.

CM સિદ્ધારમૈયાએ મુસ્લિમ અનામતને આધારે અહિંદા (લઘુમતી, પછાત અને દલિત વર્ગ)નું સમર્થન એકત્ર કરવાની યોજના બનાવી છે. આ સમુદાયો કોંગ્રેસની મુખ્ય વોટ બેન્ક રહ્યા છે. જેને કારણે મુસ્લિમ અનામત મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે.

સિદ્ધારમૈયા સરકારે વિધાનસભાના વર્તમાન બજેટ સત્રમાં આ સુધારો લાવવાની વ્યૂહરચના બનાવી છે. આના દ્વારા જ અનામતનો અમલ કરવામાં આવશે. કર્ણાટકના નાણાં વિભાગે તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે અને કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે સુધારાને મંજૂરી આપી દીધી છે.

કર્ણાટકમાં અત્યાર સુધી SC-ST સમુદાયના કોન્ટ્રેક્ટર માટે 24 ટકા અનામત ઉપલબ્ધ છે. આ સિવાય OBC કેટેગરી-1 માટે 4 ટકા અને OBC કેટેગરી-2A માટે 15 ટકા અનામતની જોગવાઈ છે. આ રીતે સરકારી કોન્ટ્રેક્ટમાં 43 ટકા અનામત આપવામાં આવી રહી છે. જો સિદ્ધારમૈયા સરકાર મુસ્લિમ સમુદાય માટે ચાર ટકા અનામત લાગુ કરે છે, તો સરકારી કોન્ટ્રેક્ટમાં કુલ અનામત વધીને 47 ટકા થઈ જશે.

રામ ગોપાલ વર્માની થશે ધરપકડ, બિનજામીનપાત્ર વોરંટ જાહેર

ચેક બાઉન્સ કેસમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આ કેસમાં નિર્માતા દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી ફગાવી દીધી છે. તેમજ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. રામ ગોપાલ વર્મા પર ધરપકડની તલવાર લટકી રહી છે.

નિર્માતાની અરજી ફગાવી દેવામાં આવી

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મુંબઈની એક સેશન્સ કોર્ટે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે, જ્યારે ચેક બાઉન્સ કેસમાં તેમની જેલની સજા સ્થગિત કરવાની તેમની અરજીને ફગાવી દીધી છે. અગાઉ, 21 જાન્યુઆરીએ, અંધેરી સ્થિત ન્યાયિક મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) વાય પી પૂજારીએ રામ ગોપાલ વર્માને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર ન થયા

મેજિસ્ટ્રેટે ફિલ્મ નિર્માતાને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી. ઉપરાંત, ફરિયાદીને ત્રણ મહિનામાં લગભગ રૂ. ૩.૭૨ લાખ ચૂકવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ પછી, ફિલ્મ નિર્માતાએ સજાને સ્થગિત કરવાની માંગણી સાથે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી. જોકે, એડિશનલ સેશન્સ જજ એ.એ. કુલકર્ણીએ ૪ માર્ચે તેમની અરજી ફગાવી દીધી હતી અને ફિલ્મ નિર્માતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. સુનાવણી દરમિયાન રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર રહ્યા ન હતા, ત્યારબાદ કોર્ટે આ નિર્ણય લીધો. કોર્ટે નિર્માતાની જેલની સજા સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી.

ગુજરાત ફરી એક વખત ઠંડીથી ઠુંઠવાયું, 24 કલાક પછી વધી શકે ગરમી

ગુજરાત: રાજ્યમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. ઉનાળાની શરૂઆત થવા છતાં, ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જોકે, આગામી 24 કલાકમાં ગરમીના તેજી સાથે વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર-પૂર્વ પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો માહોલ ફરી જોવા મળ્યો. ગત રાતે પવનની ગતિ વધી જતાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. નોંધનીય છે કે અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત ગાંધીનગરમાં 15.1, કેશોદમાં 13.4, પાટણમાં 14.2, મહેસાણામાં 14.5, ડિસામાં 14.7, પાલનપુરમાં 15.7, સુરેન્દ્રનગરમાં 16.4, વડોદરામાં 17.4, રાજકોટમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. માર્ચ મહિનાની શરૂઆત સાથે શિયાળાનો અંત આવી ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. તેથી, સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે, જ્યારે બપોરે તીવ્ર ગરમીનો અનુભવ થાય છે. જણાવી દઈએ કે અમદાવામાં 125 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો, 1901 પછી પહેલી વાર આટલી ગરમી જોવા મળી. વિશ્વ હવામાન સંગઠન (WMO) અને ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર માર્ચથી મે સુધી તીવ્ર ગરમી જોવા મળશે. ગોવા, કોંકણ અને કર્ણાટકમાં ગરમીનું મોજું શરૂ થઈ ગયું છે. પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના કેટલાક ભાગોમાં હજી પણ ઠંડા પવનો અને બરફવર્ષા જોવા મળી રહ્યા છે.

રાજ્યની 18 કરોડથી વધુ પ્રવાસીઓએ 2024માં મુલાકાત લીધી

અમદાવાદઃ વર્ષ 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, એમ વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે.

રાજ્ય સરકાર રાજ્યના દરેક ક્ષેત્રમાં વિકાસ માટે કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રવાસન ક્ષેત્ર, રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપી રહી છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો

તેમણે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા અભિયાન દ્વારા દેશભરમાંથી પ્રવાસીઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ગયા વર્ષે જ 2024માં ભારત અને વિદેશના કુલ 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

બરડા સર્કિટમાં નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી લઈને સોનકાંસરી ડેરા, મોડપર કિલ્લો, જાંબુવંતી ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિત અનેક સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. આ સ્થળોને વિકસાવવા માટે પીએમસીની નિમણૂક અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, એમ તેમણે જણાવતાં કહ્યું હતું કે આ માટે 40 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધી કોરિડોરના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ દરિયાકિનારાઓનો પણ વિકાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બરડા સર્કિટમાં કિલેશ્વર મહાદેવ મંદિર સંકુલના વિકાસ માટે વન વિભાગ કિલ્લાને વારસા સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે. આ માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે 18.44 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કરીને પ્રવાસન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે, જે હજુ પણ વિચારણા હેઠળ છે, એમ  પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.

દીવમાં મધદરિયે બોટ અને જહાજ વચ્ચે ગંભીર અકસ્માત, 4 ખલાસી હજુ પણ લાપતા

દીવના વણાકબારાથી 70 કિમી દૂર મધદરિયે “નિરાલી” ફિશિંગ બોટ અને એક મોટા જહાજ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ બોટમાં 7 ખલાસીઓ સવાર હતા જેમાંથી 3 ખલાસીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 4 ખલાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટ હાલ દરિયામાં ગુમ છે, જેને શોધવા માટે તંત્રએ કામગીરી તેજ કરી છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે 16 દિવસથી દરિયામાં ફિશિંગ કરીને 4 માર્ચની રાત્રે પરત ફરી રહી હતી. ત્યારે રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ અચાનક એક મોટા જહાજ સાથે અથડાતાં બોટ પલટી મારીને ડૂબી ગઈ. બોટ સાથે દુર્ઘટનામાં 7 ખલાસીઓ ગુમ થાય હતા અને તમામ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 3 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 ખલાસીઓને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે બોટના કપ્તાન અને બીજા 3 સાથી ખલાસી લાપતા છે. જેમની શોધખોળ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ દરિયાઈ સુરક્ષાના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે, અને તંત્ર દ્વારા બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

હાઉસ ઓફ લોર્ડ્સમાં માતૃભાષા દિવસની ઉજવણી, “હું ગુજરાતનો ભારતવાસી” કવિતા રજૂ કરાઈ

લંડન: બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ગત 4 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની 25મી આવૃતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. બેરોનેસ ગાર્ડન અને સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ભારત અને દક્ષિણ એશિયાની પચીસ જેટલી ભાષાઓને પ્રકાશિત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કવિતા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ રજૂ કરવામાં આવી હતી. ડોકટર્સ, સોલિસિટર, કવિઓ, કાઉન્સિલર્સ, સંશોધકો, યુનિવર્સિટી શિક્ષકો, ગાયકો, નર્તકો અને અન્ય વ્યાવસાયિકો આ ઉજવણીમાં ભાગ લીધો હતો. બધાએ પોતાની સ્વ-લેખિત કૃતિઓ તેમની માતૃભાષામાં રજૂ કરી હતી. આ બધી કવિતાઓ સાથેની એક પુસ્તિકાનું વિમોચન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. ભૂટાન રાજ્યના માનદ કોન્સ્યુલ એન્ડ્રુ સટન અને લંડન યુનિવર્સિટીમાં ફિલ્ડ ભાષાશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર પીટર ઓસ્ટિનએ આ રજત જયંતિમાં વક્તવ્ય આપ્યું હતું.

ગુજરાતી કવિતા ‘હુ ગુજરાતનો ભારતવાસી’ એવોર્ડ વિજેતા લેખક અનિલ વ્યાસના પુત્ર હરમિત વ્યાસ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

દક્ષિણ એશિયાઈ ભાષાઓમાં ઝોંગ્ખા, ધિવેહી, નેપાળી અને સિંહાલી ભાષા રજૂ કરવામાં આવી હતી. જ્યારે આસામી, બંગાળી, ભોજપુરી, ભૂટિયા, ડોંગરી, કન્નડ, કોંકણી, મલયાલમ, મૈથિલી, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તેલુગુ, તમિલ અને તુલુ વગેરે ભાષાઓ રજૂ કરવામાં આવી હતી.

નાના બાળકોએ શાહુ મહારાજની સંસ્કૃત રચના પર શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું અને લલિતા કોટલાએ પ્રખ્યાત હિન્દી કવિ પદ્મ ભૂષણ મૈથિલી શરણ ગુપ્તની કવિતા પર લોકનૃત્ય રજૂ કર્યું હતું. જેઓ રાજ્યસભા સાંસદ તરીકે કવિતાનો ઉપયોગ કરીને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે પ્રખ્યાત હતા. સંસ્કૃતિ સેન્ટરના સ્થાપક ડૉ. રાગસુધા વિંજામુરી દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ એ ભારત અને દક્ષિણ એશિયાના વારસા અને સાંસ્કૃતિક વિવિધતાની વધુ સારી સમજણ પેદા કરવાના ઉદ્દેશ્યથી સ્થાપિત એક ચેરિટી છે. શાસ્ત્રીય અને લોકનૃત્યોને તાલીમ આપવા અને પ્રસ્તુત કરવા ઉપરાંત, કેન્દ્ર ભાષાઓને પ્રોત્સાહન આપતા સમુદાય જોડાણને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે અને લોકોને તકરી, ખુદાબદી (સિંધી), મિથિલાક્ષર (મૈથિલી) વગેરે લિપિઓમાં શીખવા અને લખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

I.I.T.E ખાતે યોજાયો 13મો વાર્ષિક રમતોત્સવ: જોશ 2025

ગાંધીનગર: આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના વાર્ષિક રમતોત્સવની 13મી આવૃત્તિ જોશ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ બે દિવસીય કાર્યક્રમમાં રમત-ગમત, ટીમવર્ક અને ફિટનેસના સારને મૂર્તિમંત કરવામાં આવ્યો.4 અને 5 માર્ચ 2025ના રોજ આયોજિત આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રતિષ્ઠિત મહેમાનો રમત-ગમતની પ્રેરણાદાયક ઉજવણીમાં જોડાયા હતા.આ કાર્યક્રમની શરૂઆત કુલપતિ પ્રો. આર. સી. પટેલ, રજિસ્ટ્રાર ડૉ. અનિલ વરસત, આયોજન સમિતિ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી. આ પ્રસંગે જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી પ્રસુન્ના પારેખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ભવ્ય માર્ચ પાસ્ટ કરવામાં આવી. ત્યારબાદ પ્રાર્થના, ઔપચારિક મશાલ પ્રગટાવવી અને વાર્ષિક રમત-ગમત અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ઉત્સાહમાં વધારો કરતા, મંત્રમુગ્ધ કરનાર યોગ પ્રદર્શન અને એક ઉત્સાહપૂર્ણ એરોબિક્સ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. 

પ્રથમ દિવસે ટગ ઓફ વોર, એથ્લેટિક્સ, કબડ્ડી, વોલીબોલ અને ખો-ખોમાં રોમાંચક સ્પર્ધાઓ જોવા મળી. બીજા દિવસે પણ ફાઇનલિસ્ટોએ વોલીબોલ, ખો-ખો, ચેસ અને ટગ ઓફ વોરમાં ઉચ્ચ-દાવની મેચોમાં ભાગ લીધો. રમોત્સવના અંતમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો. જેમાં વિદ્યાર્થી-એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ઉજ્જવલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા, જે એક પ્રખ્યાત કબડ્ડી ખેલાડી છે.